સૌરાષ્ટ્રમાં વિષ્ણુપુજા અને વૈષ્ણવ સંપ્રદાય

શ્રી વિષ્ણુનાં સહસ્ત્રનામ અને તેનાં અવતારો લોકજીભે પ્રચલિત છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુને વ્યાપકદેવ, વિભૂતિનારૂપે, વેદોએ પુરાતન સર્વવ્યાપી, સુર્ય સ્વરુપે સર્વવ્યાપી, ઉપનિષદોએ દેવાધિદેવત્વ તરીકે, વાણિજય બુધ્ધિના દેવતરીકે, શેષશાયી નાગ સ્વરૂપે અને સર્વોપરિદેવ તરીકે સ્વીકાર્યા છે. વિષ્ણુના અવતારોની ઉપાસના ભાગવતધર્મ, પાંચરાત્ર, ઐકાન્તિકધર્મ, ભકિતધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયથી ઓળખાય છે. જેનો સમાવેશ બ્રાહ્મણ પરંપરામાં થાય છે. જે નામ સ્મરણને સવિશેષ મહત્ત્વ આપે છે. આ સંપ્રદાયનાં પેટાપ્રકારો ઈ.સ. પૂર્વે ૬૦૦ ભકિતમાર્ગ અને ઇ.સ. ૪૫૬માં ભાગવતધર્મ નામે પ્રચલિત હતાં.

સૌરાષ્ટ્રમાં અનાર્યો પાસેથી આર્યોએ વિષ્ણુપૂજા અપનાવી હતી. વિષ્ણુના અવતાર ગણાતાં શ્રી કૃષ્ણ વાસુદેવના દ્વારકા વસવાટથી દ્વારકાપુરી, માધવપુર અને પ્રભાસ અખિલ ભારતીય સ્તરે મહત્ત્વના ભાગવત વૈષ્ણવપીઠ, ભકિતતીર્થ બન્યાં હતાં. ગુપ્તસમ્રાટો પરમ ભાગવત હતાં. સ્કંદગુપ્તના સમયમાં જુનાગઢ-ગિરિનગરમાં ઈ.સ. ૪૫૭માં સુદર્શન તળાવને કાંઠે વિષ્ણુનું મંદિર બંધાયું હતું. ઘૂમલીનાં વિષ્ણુમંદિરો, મૂળ માધવપુર ગામનું ત્રિકમરાયજીનું મંદિર સૌરાષ્ટ્રની પ્રાચીન વિષ્ણુપૂજાની સાક્ષી પૂરતાં ખડાં છે. ગુપ્તયુગમાં વૈષ્ણવપૂજા સર્વશ્રેષ્ઠ હતી. કદવારમાં વારાહ અવતાર, ઓખા બેટ શંખોદ્વારમાં મલ્યાવતાર, તલાલામાં નૃસિંહ અવતાર, વંથલીમાં વામન અવતાર, ગિરના જંગલમાં તુલશીશ્યામમાં વિષ્ણુનું તપ્તોદકતીર્થ, ઊનાક્ષેત્રમાં શ્રીરામનું પરિભ્રમણ અને દ્વારકામાં શ્રીકૃષ્ણના સ્થાયી વસવાટથી સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સંપ્રદાય પ્રબળ રીતે પ્રચલિત બન્યો હતો. વલ્લભીકાળમાં વરાહપૂજા પ્રચલિત હતી. ગારૂલક વરાહદાસે જાફરાબાદ પાસે વારાહમંદિર  બંધાવ્યું હતું. એ કાળના ક્ષત્રિય રાજવીઓ પોતાના નામ પાછળ “વારાહ” શબ્દપ્રયોજતા. હતાં. ચાલુકયો એ પણ વૈષ્ણવ મંદિરોનું નિર્માણ કર્યું હતું.

સૌ પ્રથમ વિષ્ણુસ્વરૂપ ભાગવતધર્મ એ પછી વિષ્ણુની અવતારપૂજામાં વરાહ, નૃસિંહ, વામન, રામ અને શ્રીકૃષ્ણની સ્વતંત્ર પૂજાવિધિ અસ્તિત્વમાં આવી હતી. કાળક્રમે રામ અને શ્રીકૃષ્ણની ઉપાસના સવિશેષ પ્રચાર પામી. અવતાર ક્રમમાં રામપ્રથમ અને કૃષ્ણ પછી છે, પરંતુ ઉપાસના ક્રમમાં કૃષ્ણપૂજા પ્રાચીન અને રામપૂજા અર્વાચીન છે. રામોપાસના ઇ.સ. ની સાતમી સદીથી પ્રાચીન જણાતી નથી. સ્વામી રામાનંદજીની ફોજે સોળમી સદી પૂરી થતાં તો સમગ્ર ભારતને રામમય બનાવી દીધું હતું. સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે, ગામને ચોરે ચોરે ઠાકરમંદિરમાં રામમંદિરો વસ્તીની વચ્ચોવચ સ્થપાયા, અસંખ્ય રામભકિત વિષયક સાહિત્ય રચાયાં, રામકથા, રામસંકિર્તન, ધૂન, શીગડામઠ, મઢી, વિધાલયનું નિર્માણ થયું. એ સર્વે સ્વામી રામાનંદજીના પ્રભાવને આભારી છે. શ્રી રામપૂજા પ્રચારમાં મહાત્મા તુલસીદાસનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે.

શંકરાચાર્યનાં કેવલાદ્વૈત વલ્લભાચાર્યો અને તેમના અનુયાયી ગોસ્વામીઓનાં શુધ્ધાદ્વૈત ને પુષ્ટિમાર્ગ, ચૈતન્ય મહાપ્રભુનાં હરિબોલમંત્ર, માધવાચાર્યનાં દ્રેત મત નિમ્બકાચાર્યના દ્રેત દ્રેત ને સનક સંપ્રદાય, રામાનુજાચાર્યના વિશિષ્ટા દ્વૈતે, રામાનંદસ્વામીનાં ઉધ્ધવ સંપ્રદાયે, દેવચંદ્ર મહારાજનાં પ્રણામી સંપ્રદાયે, ભકત કવિશ્રી નરસિંહ મહેતાના પદોએ, મીરાંબાઇના ભજનોએ, ચારણ મહાત્મા ઇસરદાસજીના હરિરસે અને અન્ય વૈષ્ણવ ભકતો, સંતો, ભકતકવિઓએ સૌરાષ્ટ્રમાં આ સંપ્રદાયનો પરમોત્કર્ષ કર્યો છે.

ગુજરાતમાં પ્રથમ રામાનુજનાં અને પછી વલ્લભાચાર્યનાં સંપ્રદાયની લોકપ્રિયતા માટે સલ્તનાકાળ જાણીતો છે. પુષ્ટિમાર્ગે જૈનોમાંથી કેટલાક લોકોને પરિવર્તન કરાવ્યું તેમજ ભકિતમાર્ગને કલાત્મક બનાવ્યો હતો. સલ્તનતકાળ દરમ્યાન ઇ.સ. ૧૪૭૩માં મહમદ બેગડાએ દ્વારકાનો નાશ કર્યા પછી પણ ૧૫મી સદીમાં વૈષ્ણવ સંપ્રદાયનો પ્રવાહ ગીતાજ્ઞાનથી વધુ વેગવંતો બની પ્રગટયો હતો, કારણકે શ્રીકૃષ્ણ એ સિધ્ધ કરી દેખાડયું હતું કે ભૌતિક સંસ્કૃતિ કરતાં આધ્યાત્મિક ચેતન્ય સંસ્કૃતિ જ માનવ સમાજની તારણહાર છે.

શ્રીકૃષ્ણ પૂજાનો વિશેષ પ્રચાર અભિરોનાં સમયમાં થયો હતો. આભિરો ઇ.સ. નાં પહેલાં સૈકામાં સૌરાષ્ટ્રમાં આવ્યાં હતાં. ભારતમાં દ્વારકા પ્રદેશ સિવાય શ્રી કૃષ્ણની પટરાણીઓના મંદિરો જોવા મળતા નથી. દ્વારકાએ વૈષ્ણવ સંપ્રદાયની સર્વોચ્ચ ભાગવતપીઠ, ધર્મસ્થાન છે. એ કારણથી આ પવિત્રતીર્થમાં રામાનુજચાર્ય, માધ્વાચાર્ય, સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર, સરસ્વતી રામાનંદભારતી, સંત કબીર, ગુરૂનાનક, વલ્લભાચાર્ય, તુલસીદાસ, સમર્થગુરૂ રામદાસ, પીપાભગત, નરસિંહ મહેતા, મહાત્મા ઇસરદાસજી વગેરે અનેક સંતો, મહંતો, સાધુ, સંન્યાસીઓ યાત્રા કરી ધન્યતા પામ્યાં છે. ઇ.સ. ૧૬૦૦ માં મીરાંબાઇએ આ તીર્થમાં મૃત્યુ પર્યત નિવાસ કર્યો હતો. મીરાંબાઇના ગુરૂ રોહિદાસ પણ ગિરના સરસાઇ ગામે રહ્યાં હતાં. વલ્લભાચાર્યે સૌરાષ્ટ્રમાં જયાં જયાં ભાગવત પરાયણો કરી તે સ્થળો મહાપ્રભુજીની બેઠક નામે પ્રસિધ્ધ છે. શ્રીકૃષ્ણ અને રુકમણિના લગ્નોત્સવ માધવપુરમાં પ્રતિ વર્ષે ચૈત્ર સુદ પૂનમને દિવસે વિરાટ માનવસમુદાય ભવ્ય રીતે ઉજવે છે. માધવપુરનાં વૈષ્ણવતીર્થમાં રામાનુજ, માધ્વ, રામાનંદજી, મહાપ્રભુજી અને કબીરજીએ યાત્રા કરેલી તેની શાખ પૂરતા સ્થળો આજે પણ દર્શનીય છે. શ્રી વિષ્ણુનું એક આયુધ શંખ અને ગોપીતળાવનું ગોપીચંદન અને પંચામૃત મોક્ષપુરી દ્વારકાક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે.

સૌરાષ્ટ્રમાં તુલશીશ્યામમાં નિમ્બાકાચાર્યની શાખા પ્રમાણે ષોડશોપચાર પૂજાવિધિ, વળામાં નિમ્બાર્કઆશ્રમ, વંથલી સોરઠ પાસે ખોરાસા (તિરુપતિ) ગામે રામાનુજાચાર્ય શાખાની સ્વામીપીઠ, ગિરનાર પથ્થરચડ્ડી અને ભરતવનમાં રામાનુજાચાર્યની શાખાના સ્થાનો, વાંકાનેરમાં રઘુનાથજી મંદિર, રામાનંદજીનાં શિષ્ય પીપાજીની પીપાવાવ, વંથલીમાં શ્રીકૃષ્ણ-રુક્મણિની યુગલપ્રતિમા, માધવપુરમાં રુક્મણિનું પૂજન, થાન પાસે ભરવાડોનાં આરાધ્યદેવ અવલિયાઠાકર, પોરબંદર પાસે શીંગડામઠ, સૌરાષ્ટ્રનાં ગોકુલેશજી, કલ્યાણરાયજી, ગિરધારીનાં મંદિરો, માધવપુરમાં માધવરાય તથા ત્રિકમરાયની પૂરા કદની મૂર્તિઓ, દ્વારકાનું જગતમંદિર, બેટ દ્વારકા અને દ્વારકાનું રુકમણિમંદિર, ધૂમલી અને મિયાણીનાં બ્રહ્માનાં મંદિરો અને મૂર્તિઓ, રાણાવાવનું જાંબુવનનું ભોંયરું, હવેલીઓ, સૌરાષ્ટ્રનું સંગીત, નૃત્ય,સાહિત્ય અને કલાઓ-એ સર્વે સૌરાષ્ટ્રનાં વૈષ્ણવ સંપ્રદાયની અદ્વિતિય સમૃધ્ધિ સિધ્ધ કરે છે. આજે પણ સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા ઘણી મોટી છે.

મધ્યયુગમાં જ્ઞાન અને ભકતિ, શિવ અને વિષ્ણુ જુદા પડ્યા પરિણામે શિવપુજા વિવિધ માર્ગે વહિ રહેલી છે.

માહિતી-સંદર્ભઃ સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ.પીંગળશીભાઇ.ગઢવી

પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા-જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!