તુલસીશ્યામ પ્રાગટ્ય કથા

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ(ન વિયાંય તેવી) ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે.

ઘનઘોર અટવી, સામેના રુક્મિણીના ડૂંગર પરથી વાજતેગાજતે વરઘોડો ચાલ્યો આવે, શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમસૃષ્ટિને ડારવા ઉભો રહ્યો, પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે, ‘દેવા સાંતિયા ! આંહી મારી પ્રતિમા નીકળશે; આંહીં એની સ્થાપના કરજે.’ ચારણ નિંદ્રામાં પડ્યો

પ્રભાતે પાંદડા ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે, સિંદૂરનું તિલક કર્યું. ( આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે.) બાબરીયાઓનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું. પ્રતિમાજીને નવરાવવા ત્યાં ગરમ પાણીના કુંડ પ્રગટ થયા.

એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું. પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં. પણ એક વાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું, ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચઢતા, પણ તમે સ્નાન કરો એવું ઉનું પાણી તો એમાં સદાકાળ રહે છે.

કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરાં ને ! તીર્થો ઘણાંખરાં ગંદકીથી જ ભરેલાં .તીર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ.

એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરીયાવાડના બેંતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર – ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી.

એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું. અરણ્યમાંથી ઉપાડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા, આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજીયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ – બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.)

ગરમ પાણીના કુંડ

આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તર હિંદુસ્થાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિંદુસ્થાની સાધુઓ ભારી વિલક્ષણ. કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે?

આ કથા સૌરાષ્ટ્રના ખંડેરો માથી (ઝવેરચંદ મેઘાણી) લેવાયેલ છે, હવે જાણીયે પુરાતન કાળ ની કથા.

એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.

અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.

વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.

આ તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

વન વિભાગના રક્ષિત વિસ્‍તારમાં આવેલા તુલસીશ્‍યામ મંદિરે જવા માટે ઉના અને જૂનાગઢથી પાકા ડામર રોડની સુવિધા છે. એસ.ટી.ની અનેક બસો દિવસભર આ રૂટ પર દોડે છે. મંદિરમાં વિશાળ ધર્મશાળા, વિનામૂલ્‍યે ભોજનશાળા ઈત્‍યાદિ સુવિધા છે. રાત્રીના ૮ થી સવારના ૬.૩૦ સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસીશ્‍યામ આવવા-જવાનો રસ્‍તો બંધ રહે છે. પ્રકૃતિના રૂપ મહી રૂપ હરી તણા સમાતા,પ્રભુની ઈચ્‍છાએ કરીને શિતળ વાયુ વાતા. પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એક બીજાની પુરકતા દર્શાવતા ગાંડી ગીરમાં વસેલા ધામ તુલસીશ્‍યામની ભૌગોલિક સ્‍થિતિ જોતા એવુ પણ ફળીભૂત થાય છે કે, ઈશ્વરને પ્રકૃતિ ઉપર ખૂબ જ પ્રેમ છે અર્થાત ભગવાન પણ પ્રકૃતિ પ્રેમી છે. અન્‍ય તીર્થ સ્‍થળો કરતા કંઈક વધારે પડતી શોભા અને લીલી ઘનઘોર વનરાઈ તથા ચારે તરફ ઉભેલા રળીયામણા ડુંગરોની શોભાથી આ ધરતી કંઈક અદકેરૂ દીસે છે. લીલાછમ્‍મ વૃક્ષો જાણે વાતા સુગંધી વાયરાની સંગાથે લળી લળીને ભગવાન શ્‍યામના ઓવરણા લઈ રહ્યા હોય તેવું અદભૂત દ્રશ્‍ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દિપાવે છે.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– પરબધામ નો ઈતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– વાછરા દાદા ની શૂરવીરતા ની વાત 

– જાણો દાનવીર “ગોદડીવાળા બાપુ” વિષે.

error: Content is protected !!