ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહ પ્રાગટ્ય

પરીક્ષિતે પૂછ્યું,”હે શુકદેવ ! એક વાત પૂછું? કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘરે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા. ઋષિને ઘેર રાક્ષસનો જન્મ કેમ થયો?”

શુકદેવજી કહે —–” હે પરીક્ષિત ! હિરણ્યાક્ષને ભગવાન વરાહે મારી નાખ્યો. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે જેણે મારા ભાઇને મારી નાખ્યો તેને હું મારી નાખું. આમ નિશ્ચય કરી હિરણ્યકશિપુ પોતાની માતા દિતિ પાસે આવ્યા અને કહ્યું,”
મા !તારો દીકરો ગયો અને મારી ભૂજા ગઇ મા! હું વેર લેવા માંગુ છું. તું મને આશીર્વાદ આપ. હું તપ કરવા જા ઉં છું.
માતા દિતિ કહે,
” મેં એક દીકરો ગુમાવ્યો છે. હવે તને નહીં જવા દઉં ”
માતાએ ના પાડી. થોડા વખત પછી પાછો હિરણ્યકશિપુ મા પાસે આવ્યો અને કહ્યું,
“મા, જેટલો સ્નેહ રાખીએ તેટલું દુ:ખ વધુ થાય. શોક ન કર મા ! તું મને તપ કરવા જવાની રજા આપ.”

આમ બધાની રજા લઇ હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યો. દેવોનું નિકંદન કાઢવા તૈયાર થયેલા હિરણ્યકશિપુને જોઇ દેવો પોપટનું રૂપ લઇ મંદરાચલ પર્વત પર આવ્યા અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરતો હતો ત્યાં ‘ગોવિંદાય નમ:’નો જાપ કરવા લાગ્યા. દુશ્મનના નામનો જપ સાંભળી હિરણ્યકશિપુનું માથું ભમવા લાગ્યું. હિરણ્યકશિપુ તપ કરવાને બદલે પાછો ઘેર આવી ગયો. તેની પત્ની કયાધુએ તેને પાછા આવવાનું કારણ પૂછ્યું. તેણે પત્નીને જવાબ ન આપ્યો. થોડા દિવસ બાદ ફરી મંદરાચલ પર્વત પર જઇ હિરણ્યકશિપુ તપ કરવા લાગ્યો. ફરી પાછો તે ઘરે આવી ગયો. ક્યાધુએ કહ્યું,
“તમે ક્યારેય કામ પતાવ્યા વિના પાછા આવતા નથી, તો આમ વારંવાર તપશ્ચર્યા છોડી પાછા કેમ આવી જાવ છો?” જવાબ ન મળ્યો.

Bhakt Prahalad

આજે હિરણ્યકશિપુ સૂતો છે. પત્ની ક્યાધુને ઊંઘ આવતી નથી. ઊંઘમાં હિરણ્યકશિપુ “ગોવિંદાય નમ:, ગોવિંદાય નમ:” બોલે છે. સવારે ક્યાધુએ હિરણ્યકશિપુને કહ્યું
“તમારા પાછા આવવાનું કારણ મને મળી ગયું. રાત્રે નિંદ્રામાં તમે “ગોવિંદાય નમ:, ગોવિંદાય નમ: “બોલતા હતા.” હિરણ્યકશિપુ ગુસ્સે થઇ ગયો. “કોણે કહ્યું?” કયાધુ કહે, “હું કહું છું. મેં સાંભળ્યું” હવે હું ગોવિંદાય નમ:બોલું ત્યારે મને ઉઠાડજે. ક્યાધુએ માતા દિતિને આ વાત કરી. માતાએ હિરણ્યકશિપુને બોલાવી ઘણું સમજાવ્યો, પણ તેની કોઇ અસર ન થઇ.

ત્રીજી વાર હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર તપ કરવા ગયો. એક દિવસ દેવતાઓ ન આવ્યા. બીજે દિવસે ફરી પોપટ થઇને આવ્યા. `ગોવિંદાય નમ:, ગોવિંદાય નમ:`બોલવા લાગ્યા. ફરી હિરણ્યકશિપુ ઘરે આવ્યો. હિરણ્યકશિપુ જમવા બેઠો હતો ત્યારે તેની પત્નીએ જમાડતાં જમાડતાં પૂછ્યું,
“તમારી શું શક્તિ છે, માનપાન છે. તમે આમ પાછા કેમ આવો છો?” આ વખતે હિરણ્યકશિપુએ પાકો નિર્ણય કરી લીધો કે હું તપ કરવા જાઉં અને તપશ્ચર્યા પૂરી કરીને જ આવું. પત્ની ક્યાધુ રજસ્વલા થયા તેથી ચાર દિવસ હિરણ્યકશિપુ ઘરે રોકાઇ ગયો. ચાર દિવસ પૂરા થયા. બન્ને સંસારસુખમાં જોડાયા.. બન્નેના દિલમાં ગોવિંદાય નમ: ની ભાવના હતી. ક્યાધુ સગર્ભા થયા.

નારદજીએ દેવતાઓને કહ્યું,
“હવે તમારૂં કામ થઇ ગયું. હિરણ્યકશિપુને ત્યાં તમારો મિત્ર આવશે.” હિરણ્યકશિપુ તપ કરવા ગયો.
પાંચ વર્ષ તપ કર્યું. ક્યાધુએ દીકરાને જન્મ આપ્યો. પ્રહલાદ નામ પાડ્યુ. તે પાંચ વર્ષનો થયો ત્યારે હિરણ્યકશિપુ તપ કરીને પાછો ઘરે આવ્યો. પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા. આયુષ્યમાનભવ:ના આશીર્વાદ આપ્યા અને પત્ની ક્યાધુને કહ્યું કે, “આપણું રાજ આ પુત્ર સંભાળશે.”
ક્યાધુએ કહ્યું કે “આમ કેમ બોલ્યા?મોટો દીકરો તો છે.”
મારાથી બોલાઇ ગયું. હિરણ્યકશિપુએ કહ્યું. ક્યાધુએ પ્રહલાદને ગુરૂના આશ્રમમાં ભણવા મોક્લ્યો.

આશ્રમમાંથી એક દિવસ રાજકુમાર પ્રહલાદ રાજસભામાં આવ્યા. પિતાએ ખોળામાં બેસાડી પૂછ્યું,
“બેટા આશ્રમમાં તું શું ભણે છે?” પ્રહલાદ ઊભા થયો અને બોલવા લાગ્યો, ” શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે ” શબ્દો સાંભળતાં જ હિરણ્યકશિપુએ દીકરાને લાત મારી. ફરી પ્રહલાદ ઊભો થઇ “ગોવિંદ ગોવિંદ” બોલવા લાગ્યો.
હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ગુરૂજીને બોલાવ્યા અને કહ્યું,
“તમે આવું ભણાવો છો? પ્રહલાદને મારી સ્તુતિ શીખવો. ”
ગુરૂજી કહે, “એ તો મારું સાંભળતો નથી. દિવસ-રાત ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે છે.” હિરણ્યકશિપુએ કહ્યું,
“રાતે જ્યારે તે ગોવિંદ ગોવિંદ બોલે ત્યારે તમે તેને મારી નાખજો, સજા કરો પણ તેને ગોવિંદ ગોવિંદ બોલતા ન શીખવો.”

થોડા સમય બાદ ફરી પ્રહલાદને હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ઘરે બોલાવ્યો. અને પૂછ્યું,
“બોલો પ્રહલાદ, હવે તું આશ્રમમાં શું શીખ્યો?”
પ્રહલાદે કહ્યું,”આપને ન ગમે તો હું ન બોલું””
હિરણ્યકશિપુ કહે,
“બોલ શું શીખ્યો?”
પ્રહલાદ બોલવા લાગ્યો,
“કૃષ્ણાય વાસુદેવાય નમ:”
હિરણ્યકશિપુ આ સાંભળી ગુસ્સે ભરાયો અને જાહેરાત
કરી કે પ્રહલાદને જે મારી નાખશે તેને ઇનામ આપીશ.
ક્યાધુએ પોતાના પતિને આજીજી કરીકે,
“તેને મારી ન નાખો, હું મારા દીકરાને લઇને અહીંથી દૂર વઇ જઇશ.”

હિરણ્યકશિપુએ દીકરાને ઝેર આપ્યું,
હાથીના પગ નીચે કચડ્યો,
તેલમાં તળ્યો,
પર્વત પરથી તેને ધક્કો માર્યો.
પ્રહલાદ ગોવિંદનો જાપ કરતો રહ્યો અને જીવતો રહ્યો.
કોઇ રીતે તેને મારી ન શકાયો

શુકદેવજી કહે,” હે પરીક્ષિત ! પ્રહલાદને મારવા અનેક પ્રયત્ન તેના બાપે કર્યા પણ એકેય સફળ ન થયા.
એમ કરતાં કરતાં હોળીનો તહેવાર આવ્યો હિરણ્યકશિપુની બહેન હોલિકા હારડો લઇ પોતાના ભાઇના દીકરાને આપવા આવી. ” પોતાના ભાઇને ઉદાસ જોઇ બહેન બોલી, “ભાઇ, તું ઉદાસ કેમ છો?”
હિરણ્યકશિપુએ કહ્યું,
“આ દીકરો કુલાંગાર પાક્યો છે. અનેક ઉપાય કર્યા છતાં પણ મરતો નથી.”
હોલિકાને વરદાન હતું તેને અગ્નિ બાળી નહીં શકે. હોલિકાએ ભાઇઅને કહ્યું,
“ભાઇ, તારૂં કામ ઘડીના છઠ્ઠા ભાગમાં કરી દઉં.”

હોલિકાએ ચિતાની રચના કરી. પોતે પ્રહલાદને ખોળામાં બેસાડી ચિતા પર બેઠી. ચિતા સળગાવી. છોકરાઓએ પ્રહલાદને ખેંચીને બહાર કાઢી લીધો.
ફઇબા હોલિકા બળીને ભસ્મ થઇ ગઇ.
પ્રહલાદને કાંઇ જ ઇજા ન થઇ.
થાકીને હિરણ્યકશિપુએ ગુરૂજીને કહ્યું,
“આને તમે આશ્રમમાં લઇ જાવ અને સુધારો.”
થોડા વખત પછી પ્રહલાદને બીજા શિષ્યોને ભણાવવાનું સોંપી ગુરૂજી હિરણ્યકશિપુને પ્રહલાદની વાત કરવા ગયા.
પ્રહલાદને કહેતા ગયા,
“હું તારા પિતા પાસે જાઉં છું. તું શિષ્યોને ભણાવજે.”
પ્રહલાદે ગુરૂજીની ગેરહાજરીમાં સાઠ હજાર શિષ્યોને ટટ્ટાર ઊભા રાખી”ગોવિંદ” શિખવાડ્યું.
એક ચિત્તે બધાએ ઇશ્વરની પ્રાર્થના કરી.

પ્રહલાદ વિદ્યાર્થીઓને કહે છે, “ઇશ્વરે દરેકને સો વર્ષનું આયુષ્ય આપ્યું છે. પચાસ વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે છે. માણસે બાળપણથી જ ઇશ્વર સ્મરણ કરવાની આદત પાડવી જોઇએ.”

વિદ્યાર્થીઓ પ્રહલાદને પૂૂછવા લાગ્યા કે,
“તમે રાક્ષસના દીકરા, તમને આ જ્ઞાન કોણે આપ્યું?”
પ્રહલાદે કહ્યું,
“જ્યારે મારા પિતા તપ કરવા ગયા હતા ત્યારે મારી માતા સગર્ભા હતા. હું મારી માતાને પેટમાં છ મહિનાનો હતો.”
ઇન્દ્રે વિચાર્યું કે આના પેટમાં રાક્ષસ બાળક છે.
બીજો રાક્ષસ ન મારવો પડે માટે મારી માતાને પકડી મારવા તૈયાર થયા.
ત્યાં નારદજી આવ્યા. તેમણે ઇન્દ્રને કહ્યું,
“ક્યાધુના પેટમાં ભગવાનનો ભક્ત છે. તેને મારો નહીં. મારી માતા ડરની મારી થરથર ધ્રૂજવા માંડી,
મારી માતાને નારદજી પોતાના આશ્રમમાં લઇ ગયા અને મારી માતાને સુંદર જ્ઞાન આપ્યું.
ત્યારે મેં મારી માતાના પેટમાં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારથી હું ઇશ્વરનું સ્મરણ કરૂં છું.”

પ્રહલાદે કહ્યું, “હે દૈત્યોના બાળકો ! માનવજન્મ દુર્લભ છે, એ પણ નાશવંત છે છતાં ઇચ્છિત ફળ આપનાર છે, માટે માનવે જીવન દરમ્યાન બાલ્યકાળથી જ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઇએ. હે બાળકો ઇશ્વરરૂપી કાળને લીધે વૃક્ષના ફળો ઉતપન્ન થઇ નાશ પામવા સુધીના વિકારો અનુભવે છે અને છેવટે નાશ પામે છે છતાં વૃક્ષતો એમ ને એમ જ રહે છે.
તેનામાં ફેરફાર થતો નથી. તેવી જ રીતે શરીર જન્મથી મૃત્યુ સુધી જુદા જુદા વિકારો અનુભવે છે. આત્માને વિકારો અસર કરતા નથી. આત્મા એમનો એમ જ રહે છે. આત્મા નિત્ય, ક્ષયરહિત, શુદ્ધ જ, શરીરાદિનોજ્ઞાતા, સર્વના આશ્રય રૂપ,
વિકારરહિત, સ્વયંપ્રકાશ, સર્વના કારણરૂપ, વ્યપક, સર્વસંગથી મુક્ત અને કોઇપણ જાતના આવરણ રહિત છે.
આ વાત સમજનાર માનવીએ શરીરથી ઉત્પન્ન થતો મોહ “હું”“મારૂં” છોડી દેવો જોઇએ. માળાના મણકા દોરામાં પરોવાયેલા હોવા છતાં દોરો મણકાથી અલગ છે. શરીરમાં આત્મા રહેલો હોવા છતાં આત્મા શરીરથી જુદો છે.
સંસારની માયા માંથી છૂટવાના અનેક ઉપાયો છે, છતાં નારદજીએ ભક્તિયોગને ઉત્તમ કહ્યો છે. ભક્તિયોગમાં ગુરૂની સેવા, સર્વ વસ્તુ ભગવાનને અર્પણ કરવી, સંતસમાગમ, ભગવાનનું ગુણગાન તે કીર્તન, ઇશ્વરનાં ચરણકમળનું ધ્યાન, ઇશ્વરની મૂર્તિનું દર્શન, પૂજનઅર્ચન, કીર્તન વગેરે ભગવાન માં પ્રીતિ વધારવાના અંતરંગ સાધનો છે. ઇશ્વર સૌનો છે. સર્વ પ્રાણીમાં વસેલો છે. તેથી દરેક જીવને સમાન ગણી સૌને સંતોષ આપવો.

ભગવાન અંતર્યામી છે. આકાશની પેઠે આપણા સર્વમાં વ્યાપેલો છે. ઇશ્વરની ઉપાસનામાં કોઇ મોટી મહેનત નથી,
સંસારની મોહ પમાડનારી વસ્તુઓ મેળવવાથી કોઇ લાભ નથી, કારણકે તે બધી આખરે નાશવંત છે. અરે ! માનવશરીર પણ નાશવંત છે.
અનેક ઇચ્છાઓ રાખી કર્મ કરનાર વારંવાર દુ:ખી થાય છે.
આથી માણસે કોઇપણ પ્રકાઅર્ની ઇચ્છા ન રાખવી જેથી સુખ પ્રાપ્ત થાય છે.
માણસ પોતાના દેહ વડે કર્મ કરે છે અને તે કર્મ અનુસાર ફરી પુનર્જન્મ મળે છે.
આમ કર્મ અને ઇશ્વરનું નિ:સ્પૃહભાવે ભજન કરવું જોઇએ. શુદ્ધ ભક્તિભાવથી ભગવાન પ્રસન્ન થાય છે.
હે દાનવ બાળકો ! માણસનો સ્વાર્થ આ જગતમાં ફક્ત જન્મ લઇ ભગવાનની શુદ્ધ ભાવે ભક્તિ કરવી અને સર્વ સ્થળે એટલે અણુએ અણુમાં ભગવાન જ છે એમ તે જગતને જોવું.”

બીજે દિવસે ગુરૂજી આશ્રમમાં પાછા ફર્યા ત્યારે વિદ્યાર્થીઓ પ્રહલાદે શિખવાડેલું તે પ્રમાણે “ગોવિંદ, ગોવિંદ” બોલવા લાગ્યા. ગુરૂજીએ રાજા હિરણ્યકશિપુને ફરિયાદ કરી. હિરણ્યકશિપુએ ગુરૂજીને જેલમાં પૂર્યા અને હુકમ કર્યો,”મારી નાખો પ્રહલાદને”

? હિરણ્યકશિપુએ સોનાના થાંભલાને ગરમ કર્યો.
વૈશાખ સુદ ચૌદસ અને બુધવાર હતો. ક્યાધુ પતિને વિનંતી કરે છે, કરગરે છે,
“હે કંથ ! હું મારા દીકરાને લઇને ચાલી જાઉં છું . તેને આમ મારી ન નાખો.” હિરણ્યકશિપુ કહે, “એને નહીં છોડાય”
અસંખ્ય માનવીઓ પ્રહલાદને અંજલિ આપવા રાજમહેલમાં આવ્યા છે. હિરણ્યકશિપુએ હુકમ કર્યો કે કોઇપણ ગોવિંદને જુએ તો મારી નાખે. મારા દીકરાને હું મારા હાથે જ મારીશ. બોલાવો પ્રહલાદને.” પ્રહલાદ આવ્યા. હાથ જોડીને ઊભા રહ્યા. હિરણ્યકશિપુએ કહ્યું, “કુલાંગાર ગોવિંદને યાદ ન કર. તે તો મારા ભાઇને મારનાર છે.”

પ્રહલાદ કહેવા લાગ્યા, “જન્મ–મરણની આ તો ઘટમાળ છે. દુષ્ટથી તે ડરશે નહીં, જેને ઇષ્ટનો આધાર છે.” હિરણ્યકશિપુ કહે, “બતાવ, તારો ગોવિંદ ક્યાં છે? બધા તૈયાર રહો, મારો વેરી આવે છે.” પ્રહલાદ કહે “આખું જગત વિષ્ણુમય છે. ઇશ્વરતો દરેકે દરેક જગ્યામાં છે. ” આ સાંભળી કોપાયમાન થયેલા હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું, “આ સોનાના થાંભલામાં તારો ગોવિંદ છે તેને બથ ભર.” પ્રહલાદ “હે ગોવિંદ” કહેતાં થાંભલાને બાથ ભરવા ગયા ત્યાં થાંભલો ફાટ્યો.

ન શસ્ત્ર ન અસ્ત્ર
ન દિવસે, ન રાતે,
ન ઘરમાં, ન બહાર,
ન માનવ, ન પશુ
ન આકાશમાં ન ધરત્તી પર
મારી શકે તેવું હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું

થાંભલો ફાટતાં અર્ધ નર અને અર્ધ સિંહના સ્વરૂપવાળા નરસિંહ ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રક્ગટ થયા. હિરણ્યકશિપુને પકડી ઊંબરા પર બેસી પોતાના સિંહનખથી તેની છાતી ફાડી નાખી. હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહે સંહાર કર્યો. પ્રહલાદે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. માતા ક્યાધુએ ભગવાનને પ્રણામ કર્યા. બ્રહ્મા, મહેશ સહિત તેત્રીસ કોટી દેવ હાથમાં પુષ્પની અંજલિ લઇ ઊભેલા. તે સઘળા મનમાં શંકા કરવા લાગ્યા.

પ્રહલાદએ ભગવાનને વિનંતી કરી,”હે પ્રભુ ! તમારા આ વિકરાળ સ્વરૂપને સંકેલી લઇ આપનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરો. આ સામે ઊભેલા દેવદેવીઓની શંકાનું નિવારણ કરો.”

ભગવાન કહે, “હે પ્રહલાદ ! હું તારી માફી માગું છું. તને ઘણીવાર મારી નાખવાના પ્રયત્ન થયા ત્યારે હું આવ્યો નહીં, તારા બોલાવવાની રાહ જોઇ. મને ક્ષમા કર” પ્રહલાદ ભગવાનને પગે લાગ્યા. પ્રહલાદ કહે, “પ્રભુ ! આપને માફી માગવાની ન હોય. અમારો આપના શરણમાં સ્વીકાર કરો. ”

ભગવાને નરસિંહ સ્વરૂપ સંકેલી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું.
દેવતાદેવીઓએ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી. પ્રહલાદને પ્રભુએ તેના પિતાના રાજપાટ સોંપ્યા.

વરદાન તો ગમે તે માંગી શકે છે અને ભગવાન તે આપે પણ છે
પણ
પણ
પણ એનો આખરી તોડ પણ ભગવાન પાસે જ હોય છે એ આપણે નાં ભૂલવું જોઈએ !!!!!

——- જનમેજય અધ્વર્યુ

જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!