રામભક્તિની ધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડનારા રામભક્ત, સ્વામી રામાનંદાચાર્યજી

ચૌદમી સદીમાં જન્મેલા શ્રીરામાનંદાચાર્યજીએ એ સમયમાં અતિ વિષમ પરિસ્તિથિમાં વેરવેખર થયેલા હિન્દુ,સમાજને સંગઠિત કરવાનું કાર્ય કર્યું. સમાજમાં વ્યાપેલા વર્ણભેદને તોડી સર્વ જાતિનાં લોકોને એકતાના મંચ પર બેસાડયા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે એક જ સરળ ઉપદેશ આપ્યો કે ઇશ્વરની ભક્તિ માટે ઉચ્ચ વર્ણ કે કુળની જરૂર નથી, માત્ર વિચારો અને આચરણ જ ઉચ્ચ હોવા જોઇએ.

આવા મહાપુરૂષ એટલે રામદર્શી સમાજ સુધારક અને વર્ણભેદને જડમૂળમાંથી ઉખેડી નાખવાનાં પ્રખર હિમાયતી તથા રામભક્ત પૂ.રામાનંદાચાર્યજી . જેમનો જન્મ વિ.સં. ૧૩૦૨ સાલમાં પોષવદ સાતમનાં ગુરૂવારે, ત્રિવેણી સંગમની તીર્થભૂમિ પ્રયાગમાં એક કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જન્મનાર બાળકનું  નામ માતા-પિતાએ રામદત્ત પાડયું.

રામદત્તનાં જન્મ સમયે ભારતીય સમાજમાં, કલહ, દંભ અને કટ્ટરપંથીઓનો ખૂબ અત્યાચાર ચાલી રહ્યો હતો. રામદત્તે ત્યારે માત્ર બાર વર્ષની કિશોરાવસ્થામાં આ બધું ખૂબ જ નજીકથી જોયું અને અનુભવ્યું.

એ વખતે કિશોર રામદત્ત આ ભયભીત સમાજને નિર્ભય બનાવવાનાં શપથ લીધા. માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેમણે પુત્રની મહત્વકાંક્ષા અને જિજ્ઞાસા, બંન્નેને પારખી લીધા. એટલે તેમણે વિદ્યાભ્યાસ માટે રામદત્તને ધર્મનગરી કાશીમાં એકદંડી સન્યાસીનાં ગુરૂકુળમાં મૂક્યા.

બરાબર આ સમયે જ કાશીમાં રામભક્ત સંત શ્રી રાધવાનંદાચાર્યજી સત્સંગ હેતુ પધાર્યા હતા. વિદ્યાભ્યાસ કરી રહેલા રામદત્તઆ નિરાભિમાની સંતથી પ્રભાવિત થયા. એક દિવસ સત્સંગ પૂરા થયા બાદ રાધવાનંદાચાર્યજીની નજર રામદત્ત પર પડી. તેમને કંઈક આત્મપ્રેરણા થઈ. તેમણે રામદત્તને પાસે બોલાવ્યા અને ખુબ આશીર્વાદ આપ્યા. તેમના પ્રભાવ હેઠળ, રામદત્ત ગુરૂકુળ છોડી રાધવાનંદાચાર્યજીનાં શરણે આવ્યા, અને કહ્યું,’ મહારાજ ! હું મારી જાતને આપનાં શ્રીચરણોમાં સમર્પિત કરૂં છું. મને આપની છત્રછાયામાં લઈને શિષ્ય બનાવો.’

શ્રી રાધવાનંદાચાર્યજી રામદત્તનાં જ્ઞાન અને વિનમ્રતાથી ખુબ જ પ્રભાવિત થયા. તેમણે રામદત્તને દીક્ષા આપી. રામતારક ગુરૂમંત્ર આપ્યો અને તેમને પંચ સંસ્કાર આપીને ‘રામાનંદ’નામ આપ્યું. એમને પોતાના શિષ્ય બનાવ્યા. પોતાની પાસે જેટલું જ્ઞાન હતું. તે તમામ જ્ઞાન રામાનંદને આપ્યું. અંતમાં તેને એક અતિ મહત્ત્વની વિદ્યા શીખવી.

વિદાય વેળા આવી, ત્યારે ગુરૂજીએ શિષ્યને કહ્યું,’ વત્સ ! મેં તને આ વિદ્યા આકસ્મિક મૃત્યુથી રક્ષણ મેળવવા તથા સમાધિસ્થ થવા શીખવી છે. એવું કહેવાય છે કે આ સાત્ત્વિક વિદ્યાને લીધે જ રામાનંદ અલ્પ- આયુનાં હોવા છતાં અકારણ મૃત્યુ ટાળી શક્યા. તમામ ગુણોમાં અને વિદ્યામાં પારંગત બની ગયા પછી રામાનંદને આશ્રમમાંથી વિદાય આપતાં ગુરૂ રાધવાનંદાચાર્યજી એ કહ્યું,’ વત્સ! હવે અહીં મારૂં કાર્ય પુરૂં થાય છે.

હવે પછીનું તારૂં મુખ્ય કામ હાલનાં વેર વિખરાયેલા સમાજને સાચી દિશા દોરી તેમને નિર્ભય બનાવ. એ સાથે તેમને સદાચારી બનાવી, શક્તિશાળી સમાજની રચના કર. જા, વસ્ત ! લોક કલ્યાણ અર્થે હું તને આશ્રમમાંથી વિદાય આપું છું.

સ્વામી રામાનંદાચાર્યજીએ રામભક્તિની ધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડીને એક મોટું કાર્ય કર્યુ. સાથે જ વ્યાપ્ત ભેદભાવોને દૂર કરવામાં મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું. એવું કહેવાય છે કે તેમના જે ૧૨ શિષ્યો થયા, તેને દ્વાદશ મહાભાગવત નામથી ઓળખવામાં આવે છે. જેમાં કબીરદાસ અને રૈદાસજી ખૂબ જ પ્રખ્યાત થયા. જોકે, એ સ્વામી રામાનંદાચાર્યજીની વિશેષતા બની રહી કે સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના ઉપાસકો તેઓની પાસેથી ભક્તિમાર્ગમાં આગળ વધ્યા. તેમની આ ભક્તિધારાને આગળ વધારવા માટે એક અલગ રામાનંદ સંપ્રદાય આગળ વધ્યો અને તેના અનેક શાખા અને ઉપશાખાઓ ફેલાયેલી છે.

તેઓને માટે કહેવાય છે કે ‘રામાનંદ: સ્વયંરામ: પ્રાદુર્ભૂતો મહીતલે’. તેઓ જાણે સ્વયં રામના અવતાર બનીને પ્રગટ્યા અને ધર્મકાર્યમાં, ભક્તિ માર્ગમાં લોકોને પ્રવૃત્ત કર્યા.

error: Content is protected !!