મહાન સંત કબીર 

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે. કબીર પોતાના સરળ, સાર ગર્ભિત અને મર્મ સ્પર્શી ભજનો ને લીધે આજે પણ એટલા જ પ્રસિધ્ધ છે. કબીર સ્પષ્ઠ વક્તા અને નીડર હતા. પોતાના સિધ્ધાંતો માટે દરેક પ્રકારની યાતના, આલોચના સહન કરનારા હતા.

તેમના જન્મ વિષે વિવિધ મત પ્રવર્તે છે. કબીરપંથી ઓના મત અનુસાર તેઓ નું અવતરણ થયું છે. જ્યોતિ સ્વરૂપે આકાશ માંથી ઉતરી કમળ ના પુષ્પ ઉપર બાળક સ્વરૂપે કાશી ના લહરતારા તળાવ પાસે ઈ.સ. ૧૩૯૮ ની જેઠ સુદ પુનમ ના રોજ પ્રગટ થયા હતા. ઘણા ના મત અનુસાર તેમનો જન્મ વિધવા બ્રાહ્મણી ના ગર્ભ થી કાશી માં થયેલ. બ્રાહ્મણી એ લોકલાજ થી આ પુત્ર ને લહરતારા તળાવ પાસે ત્યજી દીધેલ. જેને વણકર દંપતિ નીરુ અને નીમા એ પાલક માતા-પિતા તરીકે પાલન પોષણ કરી ઉછેર કર્યો હતો. આમ તેમના પાલક-માતાનું નામ નીરુ અને પાલક-પિતાનું નામ નીમા હતું. કેટલાક માને છે જન્મથી મુસ્લિમ હતા અને યુવાવસ્થા માં સ્વામી રામાનંદના પ્રભાવ થી તેમને હિંદુ ધર્મ ની બાબત માં જાણકારી મળી.

રાત્રિ ના એક પ્રહર સમયે કબીર પંચગંગા ઘાટ ના પગથિયાં ઉપર પડી ગયેલા તે સમયે રામાનંદજી ગંગા સ્નાન કરવા પગથિયાં ઉતરી રહ્યા હતા. અને તેમનો પગ કબીર ના શરીર પર પડ્યો. તેમના મુખ માંથી તત્કાળ “રામ-રામ” શબ્દ નીકળી પડ્યો. આ “રામ”  ને કબીરે દીક્ષા મંત્ર માની લીધો અને રામાનંદજી ને પોતાના ગુરુ સ્વીકારી લીધા.

કબીર ના જ શબ્દો માં જોઈએ તો- “હમ કાશી મેં પ્રગટ ભયે હૈ, રામાનંદ ચેતાયે.” (હું કાશી માં જન્મ્યો અને રામાનંદે મારી ચેતના ને પ્રગટાવી-પરમાત્મા ની પહેચાન કરાવી.)

“જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.”
(પરમાત્મા  (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને પરમાત્મા ની ઝલક થઇ. બહાર ભટકતો એવો હું -જયારે ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે પરમ તત્વની ઝાંખી થઇ હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.)

કબીર ગૃહસ્થી હતા. તેમની પત્ની નું નામ માતા લોઈ હતું.
પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમના શિષ્યો માં ધર્મદાસ અને સુરતી ગોપાલ મુખ્ય હતા. તેમના ઘર માં સાધુ સંતોનો જમાવડો રહેતો હતો. કબીર સાક્ષર નહોતા. તેમને અભ્યાસ કરવાની તક મળી નહોતી.
“મસી કાગદ છૂવો નહિ,કલમ ગહી નહિ હાથ.”
((હું ) કાગળ ને અડ્યો નથી અને કલમ હાથ માં પકડી નથી.)

તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યા, મોઢે થી ભાખ્યા (બોલ્યા) અને તેમના શિષ્યો એ તે લખી લીધા. તેમના સમસ્ત વિચારો માં રામ નામ નો મહિમા પ્રતિધ્વનિત થાય છે.

કબીરા સબ જગ નિર્ધના, ધનવન્તા નહિ કોઈ, ધનવન્તા સો જાનિયે જા કે રામ-નામ સુખ હોય.
(દુનિયા ના બધા મનુષ્યો નિર્ધન છે, ધનવાળો-સુખી તે જ છે જેની પાસે રામ-નામ નું ધન છે)

તેઓ એક ઈશ્વર ને માનતા હતા. કર્મ કાંડ ના ઘોર વિરોધી હતા.

માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ, આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.
(હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી, કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધરતી નથી. આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,અને પોતાના મન ને સુધાર.)

માલા તો કરમે ફિરે,જીભ ફિરે મુખ માંહી,મનુઆ તો ચૌ દિશા ફિરે,એ તો સુમિરન નાહિ.
(માળા હાથમાં એમ નેમ ફરતી હોય,જીભ મુખમાંફરતી હોય, અને મન ચારે દિશામાં દોડતું હોય તો તે સાચું સ્મરણ નથી)

અવતાર,મૂર્તિ,મસ્જીદ,મંદિર આદિ ને તેઓ માનતા નહોતા.

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ આકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, (મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,  

(ઈશ્વર એ કોઈ તીર્થસ્થાન માં બેઠો નથી,કે નથી તે મૂર્તિમાં બેઠો,કે નથી કોઈ ગુફાઓ ના એકાંત સ્થાનમાં બેઠો, ઈશ્વર નથી-મંદિર માં કે નથી મસ્જિદ માં,નથી કાશી માં કે કૈલાસ માં, નથી જપમાં કે નથી તપમાં, નથી વ્રત-ઉપવાસમાં,નથી ક્રિયા-કર્મ માં,નથી યોગમાં, નથી સન્યાસ માં,નથી પિંડમાં (શરીરમાં),નથી બ્રહ્માંડ માં,નથી આકાશ માં,નથી ભૃકુટીની ભવરગુફા(આજ્ઞાચક્ર)માં, પણ પરમાત્મા બધા જીવો જે શ્વાસ (શક્તિ) લઈને શરીર ને જીવિત રાખી રહ્યા છે, તે બધા જીવો ના શ્વાસ નો શ્વાસ (શક્તિ) છે.(જીવો ને શ્વાસ લેવાની શક્તિ આપનાર ઈશ્વર છે) ટૂંકમાં એમ કહી શકાય કે શરીર ને શક્તિ આપનાર શ્વાસ છે, શ્વાસ લીધા વગર શરીર જીવી શકે નહિ, પણ શ્વાસ કંઈ એમ નેમ લઇ શકાતો નથી, શ્વાસ લેવાની જે શક્તિ આપે છે – તે ચૈતન્ય (આત્મા) માં ઈશ્વર વિરાજમાન છે.)

કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા. હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. “ધર્મ એ કંઈ ધર્મગુરૂઓ નો ઈજારો નથી. ઈશ્વર ના દરબાર માં ઊંચ નીચ ના ભેદ ભાવ નથી. શું રામ, શું રહિમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે.” ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા. કબીરની વાણી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં. કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં. તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.

Sant Kabir

એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે. કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી, કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેવાની હતી. આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો. સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો. ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ. કોઈ એક દરબારીએ હુકમ કર્યો. કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો. “બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ. અને તે પરમ કૃપાળુ પરમેશ્વર. આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી.” કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું. કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો. અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા. વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા. કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી. ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું –

લાલી મેરે લાલ કી ,જિત દેખું તિત લાલ. લાલી દેખન મેં ગઈ ,મેં ભી હો ગઈ લાલ.
(મારા લાલ નો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા લાલ (ભગવાન) જોવા મળે છે,
લાલની લાલી જોતાં જોતાં હું પોતે પણ લાલ બની ગયો છું)

“બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી. તમને શહેનશાહ તરીકે નહિ પણ તમારા માં રહેલા શહેનશાહ ના શહેનશાહ મારા લાલ ને હું જરૂર અદબ કરી શકું, પણ તમારો અને મારો સર્વ નો શહેનશાહ એક છે. આપણે બધા તે એક જ શહેનશાહ ના બંદા છીએ.”

કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના સત્ય વચન સાંભળી ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો. તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ વીરોના પણ વીર કબીર નાં વધામણાં કર્યાં. અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે પોતાનું શિર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું. આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.

સદગુરુ કબીર સાહેબે મનુષ્ય માત્રનું એક જ ગોત્ર બતાવી વિશ્વ બંધુત્વ ની ભાવના સરળતા થી સમજાવી, જાતીય ભેદભાવ નો વિધ્વંસ કરેલો છે.

એકે પવન એક હૈ પાણી;એક મટીયા એકે કુમ્હારા,
એક સબનકા સર્જનહારા,એક ચાક સબ ચિત્ર બનાયા,
વ્યાપક એક સકલ કી જ્યોતિ,નામ ધરે કા કહીયે ભાતી.
હંસ દેહ તજી ન્યારા હોઈ,તાકર જાતિ કહહુ કોઈ

(બધા જીવો ને એક જ સર્જનહારે (કુંભારે) બનાવ્યા છે.
જેમ એકજ માટી અને એક જ પાણી માંથી કુંભાર એક જ ચાકડા (ચાક) ઉપર,જુદા જુદા વાસણો બનાવે છે.(જેમ સફેદ કાગળ પર જેમ એક જ પેન્સિલ થી (ચાકથી) જુદા જુદા ચિત્રો બને છે.)
જે જુદા જુદા વાસણો એક જ પવન થી સુકાય છે.
(અહીં “એક” શબ્દ મહત્વનો છે)
તમામ જીવો (આત્માઓ) એક જ પરબ્રહ્મ (પરમાત્મા) નું સર્જન છે .
પરમાત્માની  જ્યોતિ (પ્રકાશ) એ વ્યાપક (બધે જ) છે અને તે જ જ્યોતિ (પ્રકાશ) બધા જ જીવો ની અંદર સમાયેલી છે.
ખાલી નામ જુદાંજુદાં છે,પણ તેમાં નું ચૈતન્ય (આત્મા) એક જ છે.
પણ જયારે આત્મા દેહ છોડે છે ત્યારે આત્મા વગરના  રહી ગયેલ દેહ ની કોઈ નાતી -જાતિ હોતી નથી.)

મૂર્ત્તિ પૂજાને લગતી તેમણે એક સાખી લખી છે. જે આ પ્રમાણે છે.

પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાડ ;
ઈસસે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર.     

(જો પથ્થર (પાહન) પૂજવા થી હરિ મળતા હોય તો તો પથ્થરો થી ભરેલા આખા પહાડ ને હું પૂજુ, આવા પથ્થરો ના બનેલા ભગવાન તો કશા કામ માં આવતા નથી,તેનાથી તો,ઘરમાં રહેલી ઘંટી ના પથ્થરો વધુ સારા છે કેમકે તેનાથી ધાન્ય પિસાય છે અને તે પથ્થરો થી પીસાયેલો લોટ સંસારના લોકો ના ખાવામાં આવે છે,અને જેનાથી લોકો નું પેટ ભરાય છે-અહીં પથ્થરો ની મૂર્તિ  બિલકુલ કશા કામની નથી તેવું કહેવાનો ઉદ્દેશ છે.)

(આ જ કબીર ની મૂર્તિઓ બની તે મંદિર માં પૂજાય છે તે શું આશ્ચર્ય નથી?
કબીરા બેઠા  સત્ લોક માં,જુવે જગત નો ખેલ.
મૂર્તિ,પથ્થર મેં નાપૂજ્યા,પથ્થર કરી મને પુજે લોક.
મૂર્તિ બની કબીર ની કે જેને કર્યો તો મૂર્તિ-પૂજા નો વિરોધ,
કહે “સોમ” મોટા મંદિરો માં પૂરી કબીર ને પૂજે જગતના લોક..”સોમ”)

કબીર ના નામથી મળેલા ગ્રંથો ની સંખ્યા ભિન્ન ભિન્ન લેખો અનુસાર જુદી જુદી છે. એચ.એચ. વિલ્સન ના મત અનુસાર કબીર ના નામ પર આઠ ગ્રંથ છે. જયારે બિશપ જી. એચ. વેસ્ટકોટ -કબીર ના ચોરાસી (૮૪ ) ગ્રંથો ની સુચી પ્રસ્તુત કરે છે. રામદાસ ગોઉંડે એ  ઈકોતેર (૭૧) પુસ્તકો ગણાવ્યાં છે.(રેફરન્સ-વિકિપીડિયા) કબીરની વાણી નો સંગ્રહ “બીજક” ના નામ થી પ્રસિદ્ધ છે. આના ત્રણ ભાગ છે.(૧) રમૈની (૨) સબદ – અને  (૩) સાખી. આ ત્રણે પંજાબી ,રાજસ્થાની, ખડીબોલી, અવધી, પૂરબ, બ્રજભાષા આદિ ઘણી ભાષાઓ ની ખીચડી છે. આમ કબીર ની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે. ગુરુ ગ્રંથસાહેબમાં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ (કે વધુ?) સાખીઓ છે.

કબીર પરમાત્મા ને મિત્ર, માતા, પિતા અને પતિ ના રૂપ માં જુવે છે. તેઓ ક્યારેક કહે છે.
“હરિ મોરે પિયુ, મેં રામ કી બહુરિયા.”
(હરિ મારા પતિ અને હું, રામ ની પત્ની.)
તો ક્યારેક કહે છે.
“હરિ-જનની મેં બાલક તેરા ” (હરિ મા અને હું તેનો બાળક.)

આનાથી  પુરવાર થાય છે કે તે એક મહાન ભક્ત હતા,

કબીર શાંતિમય જીવન પ્રિય હતા. તેઓ અહિંસા, સત્ય, સદાચાર આદિ ગુણોના પ્રસંશક હતા. ગાયો અને પ્રાણીઓ  ની કતલ-ગો માંસ-ભક્ષણના વિરોધી હતા. આવા અહિંસા ના ઉપાસક કબીરજી કહે છે કે…..
માંસ માંસ સબ એક હૈ,મુરઘી,હીરની,ગાય, આંખ દેખી નર ખાત હૈ,તે નર નરક હી જાય.
(બધાંમાંસ એક સરખાં છે.પછી તે મરઘી,હરણી કે ગાય નું હોય. એવું આંખો થી જોઈ ને પણ જે માણસ માંસ ખાય છે તે અવશ્ય નરક જાય છે.)

તિલ ભર મછલીખાય કે, કોટી ગૌ કે દાન. કાશી કરવટ લે મરો, તો ભી નરક નિદાન.
(તલભાર માછલી ખાઈ અને કરોડો ગાયોનું દાન આપો કે કાશી માં કરવત મુકાવી મરો તો પણ નર્ક નક્કી છે.)

બકરી પાતી ખાત હૈ,તાકો કાઢી ખાલ. જો બકરી કો ખાત હૈ, તીન કા કોન હવાલ.
કહતા હું કહી જાત હું, કહા જો માન હમાર. જાકા ગલા તુમ કાટી દો, સો ફિર કાટે તુમ્હાર.
(બકરી પત્તી (ઘાસ-પાન) ખાય છે.અને તેનું (બકરીનું) ગળું કાપી ખાલ કાઢી તું ખાય છે, તો તારી શું દશા થશે? (તને કોણ ખાશે?) હું તને કહી રહ્યો છું ,મારું કહેવું માન, તું જેનું ગળું કાપે છે તે પછી થી તારું ગળું કાપશે.)

કબીર ને અભ્યાસ કરવાની તક મળી નહોતી છતાં તેઓ તીવ્ર બુધ્ધિશાળી અને નિરાભિમાની જ્ઞાની ભક્ત હતા.
“નામ” માં (રામ-નામ માં) અતુટ શ્રદ્ધા ધરાવતા હતા.
તેઓ કહે છે ——

“હૈ કોઈ રામ નામ બતાવે બસ્તું અગોચર મોહી લખાવે.
રામ નામ સબ કોઈ બખાને,રામ નામ કા મરમ ન જાને.
ઉપર કી મોહી બાત ન ભાવે, દેખે ગાવે તો સુખ પાયે.
કહત કબીર કહત ન આવે,પરચા બીના મરમ કો પાવે”

(એવી કોઈ નામ (નામ-બ્રહ્મ) રૂપી વસ્તુ છે જે મને ઈશ્વર ના દર્શન કરાવે છે, અને સમજી શકાયના તેવી (અગોચર) વસ્તુ મારા પાસે લખાવે છે, જેને લોકો સમજતા નથી, અને માત્ર રામ-નામ ના વખાણ તેનો મર્મ જાણ્યા વગર જ કર્યે જાય છે, (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ વાત મને બિલકુલ ગમતી નથી. તે (નામ-બ્રહ્મ રૂપી) ઈશ્વર ના દર્શન થાય, ઈશ્વર નો અનુભવ (પરચો) થાય, તો જ આ નામ નો (રામ-નામ નો) સાચો મર્મ (સાચું રહસ્ય) સમજી શકાય તેમ છે)

સંતોના મતાનુસાર આ જ નામ (રામ-નામ) આદિનામ છે. જે પરમાત્માની પરમ સત્તા અથવા શક્તિ છે. આ નામ (નામ-બ્રહ્મ) સાથે સાધક એકમેક થઈને પરમાત્મામાં (બ્રહ્મ માં)  સમાઈ શકે છે.

એક સમયે રામાનંદજીએ (ગુરુએ) પૂજા કરતી વખતે મુર્તિના માથે મુગટ પહેરાવ્યો, પરંતુ હાર પહેરાવવાનું ભૂલી ગયા. હાર ટૂંકો હોવાથી મુગટ ઉપરથી ગળામાં આવી ન શક્યો. એ સમયે ઓરડીની બહાર બેઠેલા કબીરે જણાવ્યું કે, ‘ગુરુજી, ગાંઠ છોડી હાર પહેરાવો.’
(સગુણ બ્રહ્મમાં જ માત્ર પરમાત્મા છે, (માત્ર મૂર્તિ માં જ ઈશ્વર છે) તેવી જે જ્ઞાન ની ગાંઠ પડી છે તેનાથી નિર્ગુણ-નિરાકાર બ્રહ્મ જે સકળ બ્રહ્માંડ માં વ્યાપ્ત છે તેને પામી શકાતું નથી) ત્યારે રામાનંદજીને લાગ્યું કે, આ કબીર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ બ્રહ્મ (પરમાત્મા) ને પામેલ એક અનુભવી ઉચ્ચ આત્મા છે. તેનાથી હવે અંતર કેવું? અને કબીરને રામાનંદજીએ છાતીસરસા ચાંપ્યા. સર્વાનંદ નામના એક વિદ્વાને કેટલાય પ્રખર વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં હરાવેલ, જેથી તેણે પોતાનું નામ સર્વાનંદ બદલીને સર્વજિત રાખેલ. તે સર્વજીતની માતાએ કબીરના સત્સંગમાં આવી “નામદાન” લીધેલું.. માતાએ એક દિવસ સર્વજીત (સર્વાનંદ) ને કહ્યું કે, ‘બેટા, તું કબીરને શાસ્ત્રાર્થમાં હરાવે તો જ ખરો.’ સર્વજિત બળદ ઉપર પોતાનાં શાસ્ત્રો લાદીને કબીરના ઘરે આવીને પૂછયું, ‘આ કબીરનું ઘર છે?’ કબીર તે સમયે બહાર ગયા હતા, પણ તેમની પુત્રી કમાલી પુસ્તકોથી લદાયેલા બળદને જોઈ બોલી, ‘આ કબીરનું ઘર નથી”

કબીર કા ઘર શિખર પર, જહાં સિલહિલી ગૈલ, પાંવ ન ટિકે પપીલ કા, પંડિત લાદે બૈલ.
(કબીર નું ઘર તો એક એવી ટોચ (શિખર) પર છે (કબીર પરમાત્મા ની ટોચ ને પામેલા છે અને પરમાત્મા સાથે ના ટોચ ના ઘરમાં વિરાજે છે) કે તે ટોચ સુધી જવાનો રસ્તો એવો દુર્ગમ છે, કે તે રસ્તા પર પંખી નો પણ પગ ટકે તેવો નથી,તો બળદ ઉપર શાસ્ત્રો લાદીને પંડિતો ત્યાં કેમ પહોંચી શકે ???
અહીં કહેવા માગે છે કે માત્ર શાસ્ત્રો ના જ્ઞાનથી ઈશ્વર ના સ્થાન સુધી પહુંચી શકાય નહિ)

એવામાં કબીર આવ્યા. સર્વજિતના પડકારની વાત સાંભળીને કહ્યું કે,- પોતે એક સામાન્ય અભણ વણકર છે. હું તમને શાસ્ત્રાર્થમાં હરાવી શકું નહીં. સર્વજિતે કહ્યું, જો હાર કબૂલતા હો તો લખી આપો. કબીર કહે, મને તો લખતાંય નથી આવડતું. માત્ર સહી કરીશ. તું જાતે લખ. જ્યારે સર્વજિતે લખ્યું કે, ‘સર્વજિતે કબીરને હરાવ્યા છે.’ કબીરે તેના પર પોતાના હસ્તાક્ષર કર્યા. સર્વજિતે ઘેર આવી કાગળ પોતાની માતાને બતાવ્યો. માતાએ જોયું તો ‘કબીરે સર્વજિતને હરાવ્યો છે.’ પોતે લખવામાં ભૂલ કરી હશે તેમ માની ફરી સર્વજિતે કાશી જઈ કબીરની પાસે પુનઃ બીજા કાગળ ઉપર હસ્તાક્ષર કરાવ્યા ને પોતાની માતાને કાગળ વંચાવ્યો. આ વખતે પણ કાગળમાં એવું લખાણ હતું કે,
‘કબીરે સર્વજિતને હરાવ્યો છે.’
ત્યારે માતાએ કહ્યું કે-
તને તારા જ્ઞાન નું અભિમાન છે. કબીર નમ્ર છે.
અભિમાન ક્યારેય નમ્રતા ઉપર વિજય મેળવતું નથી
અને સર્વજિતમાં કબીરના સત્સંગથી પરિવર્તન આવ્યું. “નામદાન” લઈ કબીરનો શિષ્ય બની ગયો.

કેટલાક વિદ્વાનોના મતે કબીર સાહેબે પાંત્રીસ વર્ષની ઉંમરથી લાંબી યાત્રાઓ શરૂ કરી હતી. તેઓ કેટલીયે વખત ગુજરાત આવેલા. દ્વારકામાં કબીરે જેસલમેરના રાજકુમાર ચતુરસિંહને નામદાન(દીક્ષા) આપ્યું જે આગળ જતાં જ્ઞાનીદાસ ના નામથી પ્રસિદ્ધ થયા. જે કબીરજી ના મુખ્ય શિષ્યો માં સ્થાન ધરાવતા હતા.

હિંદી સાહિત્યમાં કબીરનું વ્યક્તિત્વ અનુપમ છે. પાછલી અવસ્થામાં યશ અને કીર્ત્તિ-ના મારે તેમને ખૂબ કષ્ટ આપ્યું. તેજ હાલતમાં તેમણે બનારસ છોડ્યું અને આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ કરવા માટે દેશના વિભિન્ન ભાગો ની યાત્રાઓ કરી, આ ક્રમમાં તેઓ કાલિંજર જિલ્લાના પિથૌરાબાદ શહેરમાં પહોંચ્યા. ત્યાં રામકૃષ્ણનું નાનકડું મન્દિર હતું. ત્યાંના સંત એ “ભગવાન ગોસ્વામી” ના જિજ્ઞાસુ સાધક હતાં પરંતુ તેમના તર્કોંનું હજી સુધી પૂરી રીતે સમાધાન થયું ન હતું. સંત કબીર સાથે તેમનો વિચાર-વિનિમય થયો. કબીરની એક સાખીએ તેમના મન પર ઊંડી અસર કરી

બન તે ભાગા બિહરે પડ઼ા, કરહા અપની બાન | કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ||
(વનથી ભાગેલો હાથી શિકારી દ્વારા ખોદેલા ખાડામાં પડે,તો તે પોતાની વ્યથા કોને કહે?)

અહીં વિવિધ સંપ્રદાયો એ બનાવેલા નિયમો ના ખાડાઓ માં પડી ને મનુષ્ય પોતાની મુક્તતા ગુમાવે છે, અને તે ખાડામાં પડેલ મનુષ્યના પરમાત્મા વિષે ના તર્કો ની સમાપ્તિ ક્યાંથી થાય ? અને પોતાને પરમાત્મા મળતા નથી તેનું જે દુઃખ છે તે કોને જઈ ને કહે. કહેવાનો મતલબ છે કે-પરમાત્મા (બ્રહ્મ) ને પામવા સંપ્રદાય ના વાડામાં થી નીકળવું જરૂરી છે. જીવ માત્ર ને પ્રેમ કરો આના માટે કબીરજી કહેછે.

પોથી પઢી પઢી જગ મુવા,પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.
જા ઘટ પ્રેમ ન સંચરે,સો ઘટ જાનો મસાન;
જૈસી ખાલ લુહાર કી,શ્વાસ લેત બિન પ્રાણ.
પ્રેમ ન વાડી ઉપજે,પ્રેમ ન હાટ બિકાય;
બીના પ્રેમ કા મનવા,બાંધે જમપુર જાય.

(શાસ્ત્રો નાં પુસ્તકો ભણી-ભણી લોકો મરી ગયા પણ કોઈ પંડિત ના થયા, પંડિત તો તે છે કે જેણે માત્ર અઢી અક્ષરનો “પ્રેમ” નો મંત્ર ભણ્યો છે. જે (મનુષ્ય ના) શરીર માં પ્રેમ નો નિવાસ નથી તે શરીર સ્મશાન જેવું છે, જેમ લુહાર ની ચામડી ની બનાવેલ ધમણ માં પ્રાણ ના હોવાં છતાં તે શ્વાસ લે છે, તેવી રીતે પ્રેમ સિવાય ની તે મનુષ્ય ની ચામડી જીવતી હોવા છતાં  નિર્જીવ જ છે, એટલે કે તે મનુષ્ય જીવતે મરેલા જેવો જ છે. અને આવો પ્રેમ કોઈ ખેતર માં પેદા થતો નથી,કે કોઈ  બજારમાંની  દુકાને વેચાતો મળતો નથી. પ્રેમ વગરનો મનુષ્યને છેવટે ઠાઠડી એ બાંધી ને યમ લઇ જાય છે)

કબીરના રામ- તો અગમ (નિરાકાર-વ્યાપક બ્રહ્મ) છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ એ તો -નથી હિન્દુઓના અસંખ્ય દેવો કે જીવો થી જુદા કે  ઇસ્લામના એકસત્તાવાદી ખુદા.

ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી. આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છે:

વ્યાપક બ્રહ્મ સબ મૈં એકૈ, ને પંડિત ને જોગી, રાવણ-રામ કવનસૂં કવન તેઓદ ને રોગી,
સંતૌ, ધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન, નિરગુનમૈં ગુન, બાટ છાંડ઼િ ક્યૂં બહિસે!

(સર્વ જગ્યાએ વ્યાપક નિર્ગુણ (સાત્વિક-રાજસિક-તામસિક ગુણો વગરનું) બ્રહ્મ (પરમાત્મા) એ સર્વ માં એક સમાન સમાયેલું છે. ભલે ને પછી તે પંડિત હોય,યોગી હોય,રોગી હોય,કે ભલે રાવણ કે રામનું શરીર હોય. હે સંતો, નિર્ગુણ માં ગુણ અને ગુણમાં નિર્ગુણ સમાયેલું છે,એવી ખોટી ખોટી વાતો લોકો ને ના કહો, અને ખોટી ખોટી ચર્ચાઓ કરી ને લોકો ને ઉંધા રસ્તે ના ચડાવો)

ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ મુકામે થયેલો. કબીરવડમાં કબીરજીએ દાતણ કરી નર્મદાજીના પટ માં આ દાતણની ચીરી વાવેલી. તેમાંથી કબીર વડ ઊગેલો. આજે પણ કારતક સુદ પૂનમે કબીરવડ માં કબીર પંથીઓ નો મેળો ભરાય છે. આ મેળા માં હજારોની મેદની ને કાલીરોટી (માલપુડા) નો પ્રસાદ અપાય છે. કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર સંપ્રદાય (પંથ) ચાલ્યો આવે છે.

આજે પણ કાયાવરોહણ પાસે ના પુનિયાદ ધામ માં રામકબીર સંપ્રદાયની ગુરુ ગાદી છે. રામ કબીરપંથ ના સ્થાપક જીવણજી મહારાજથી પ્રખ્યાત છે.

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ઘણા ગામો રામ કબીર સંપ્રદાય પાળે છે. અને તેઓ કર્મકાંડ માં માનતા નથી.!!!!

આમ ભારતની યાત્રા કરી વાનપ્રસ્થાશ્રમ અવસ્થામાં કબીરજી પાછા કાશી(બનારસ) ગયા. બનારસના મુસ્લિમ રાજાના ત્રાસથી કબીરજી બનારસ છોડેલું. કહેવાય છે કે આ મુસ્લિમ બાદશાહે કબીરજી ને તડીપાર કરેલા. આમ કબીર બનારસ છોડી ગોરખપુર નજીક મગહર શહેર માં પોતાના અંતિમ દિવસો પસાર કર્યા. તે વખતે એવી માન્યતા હતી કે કાશીમાં દેહ પડે તો વૈકુંઠ મળે અને મગહરમાં મૃત્યુ થાય. તો જીવની અધોગતિ થાય, પણ કબીરજી એ તો નરક અને સ્વર્ગ બંનેને ઠોકર મારી છે.

કબીરે મગહરમાં દેહ છોડી પુરવાર કર્યું કે, સંસારમાં બધાં સ્થાન સમાન છે, ન બનારસ સ્વર્ગનું દાતા છે કે ન તો મગહર નરકનું કારણ.

ઈ.સ. ૧૫૧૮માં કબીર નાશવંત જગત છોડી પરમાત્મામાં લીન થઈ ગયા. હિંદુઓ કબીરના શરીરને અગ્નિસંસ્કાર આપી અંતિમ સંસ્કાર કરવા માગતા હતા. જ્યારે નવાબ બિજલીખાન અને બીજા શિષ્યો મૃતદેહને દફનાવવા માંગતા હતા. તે સમયે કેટલાક શિષ્યોનું ધ્યાન કબીરના મૃત શરીર તરફ ખેંચાયું. કપડું હટાવતાં મૃતદેહની જગ્યાએ ફૂલોનો ઢગલો હતો. આમ કબીર સાહેબનો જન્મ અને મૃત્યુ બંને અજીબો અજીબ છે. આ કબીર (મહાન) સંત કબીર ને લાખ લાખ નમસ્કાર.

સંત કબીર ના દોહા યાદગીરી રૂપે અહીં મુકું છું. આંતર થોડાંક જ છે. જે રસાસ્વાદ કરાવવા માટે પૂરતાં છે. આનું આચમન જ હોય. આમતો એ દોહાઓની સંખ્યા વધારે છે. જે બધાજ તો અહીં મુકવા શક્ય જ નથી !!!. આને માત્ર અંશ જ ગણજો !!!

સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય.
જ્યો મેંદી કે પાન મેં, લાલી રહી છીપાય.

પરમાત્મા (સાહેબ) એ ચૈતન્ય રૂપે (સાહેબી) દુનિયાના દરેક તત્વ માં (ઘટ માં)દેખી ના શકાય તે રીતે રહેલો છે. જેવી રીતે મેંદી પાન બહારથી લીલું દેખાય છે, પણ તેનો લાલ રંગ દેખાતો નથી. (લાલ રંગ– મેંદી માં પ્રગટ રૂપે નથી,છુપાયેલો છે.)

સબ ઘટ મેરા સાંઈ હૈ,ખાલી ઘટ ના કોઈ.
બલિહારી વા ઘટ કી,જા ઘટ પરગટ હોય.

દુનિયાના દરેક તત્વ માં (ઘટમાં) પરમાત્મા નું ચૈતન્ય (સાઈ) વિલસી રહ્યું છે. એવી કોઈ જગ્યા -ભલે તે જડ હોય કે ચેતન હોય -બાકી નથી કે -જ્યાં પરમાત્માનું ચૈતન્ય નથી.જેમ મેંદી ના પાન ને પીસીએ ત્યારે તેનો લાલ રંગ પ્રગટ થાય છે-
તેજ રીતે આ ચૈતન્ય ને -કે જે શરીર માં આત્મા રૂપે સંતાઈ રહેલું છે- તેને- અથાગ મહેનત કરી ને -કોઈ પણ  સાધન કરી ને પ્રગટ કરવાનું છે. અને જો એ આત્મ તત્વ ને જાણી જવાય (કે પ્રગટ કરી શકાય) તો તેના જેવું જગતમાં પામવા જેવું બીજું કશું નથી. પરમાત્માની કૃપા (બલિહારી) સિવાય -આ અપ્રગટ આત્માને પ્રગટ કરવો શક્ય નથી. અને પરમાત્મા ની કૃપા (બલિહારી) કોઈ પણ સાધન (ભક્તિ-જ્ઞાન-કર્મ-વગેરે) વગર શક્ય નથી.

જ્યોં તલ મેં હી તેલ  હૈ,જ્યોં ચકમક મેં આગી.
તેરા સાઈ  તુજ મેં હૈ,જાગી શકે તો જાગી.

જેવી રીતે તલની અંદર તેલ છુપાયેલું છે -(જ્યાં સુધી તલ પિસાય  નહિ ત્યાં સુધી તેલ નીકળતું નથી ) જેવી રીતે ચકમક ના બે પથ્થરો મા અગ્નિ છુપાયેલો છે (જ્યાં સુધી સામસામા ના ઘસાય ત્યાંસુધી અગ્નિ દેખી શકતો નથી), તેવી જ રીતે-
પ્રભુ તારી અંદર(શરીરમાં) છુપાયેલો છે. જો તેને  તારાથી  જગાડી શકાય તો-જગાડ.(ખોળી કાઢ) (શરીર મા રહેલા -પ્રભુ ને ખોળવાનો છે)
-જેમ તલને પીસવા પડે તો જ તેલ દેખાય-અને જેમ પથ્થર ને સામસામા ઘસવા પડે તોજ અગ્નિ દેખાય-
-જેમ છુપાયેલી વસ્તુ ને ખોળવા -મહેનત કરવી પડે છે.તેમ —
પ્રભુ ને ખોળવા -કોઈ સાધન કરવાનું છે.
પ્રભુ તો છે જ-પણ અજ્ઞાન ના અંધારા તળે -છુપાયેલો છે. માત્ર જ્ઞાન નું અજવાળું થાય તો પ્રભુ દેખાઈ જાય

કબીર એટલે ધોમાં રામને શોધવાનો પર્યાય આ સંતના જેટલા વખાણ કરીએ એટલાં ઓછ પડે એમની આભાજેવી હતી કે સૌકોઇ એમ્નિ વાતમાં આવી જાય અને એમનાથી અંજાઈ જાય. એમને માત્ર દોહાઓજ રચ્યા. મહાકાવ્ય ના રચ્યું !!! જોકે એમને ઉત્તમ સાહિત્યકાર ગણવા માટે એમના દોહો પૂરતાં જ છે. એમનામા એક દર્શન હતું. એમનામાં સમગ્ર જીવન હતું અને એટલાંજ માટે આજે એમના નામનો એક પંથ શરુ થયો છે જે “કબીરપંથ ” તરીકે ઓળખાય છે

ભારતભરમાં ગાંધીજી -સરદાર પછી જો કોઈ સંસ્થાઓનું નામ આપવામાં આવ્યું હોય તો તે કબીરનું જ છે કોણ કહે છે કે ચમાર જાતિમાં જન્મેલો ગરીબ માણસ આજે આટલી બધી નામધારી સંસ્થાઓ શોભાવતો હશે એમનુ સાહિત્ય અને એમનું કાર્ય આપણને હંમેશા એમની યાદ અપાવે જ છે
શત શત વંદન કબીરજી !!!

——— જનમેજય અધ્વર્યુ

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત સૂરદાસ

– મહર્ષિ દયાનંદ સરસ્વતી

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!