શેષાય અવતાર શ્રી સાદુળપીરે સંસાર ત્યાગ કરી શ્રી દેવીદાસબાપુને ગુરુ બનાવ્યા તથા પરબમાં કાયમી નિવાસ કરી રક્તપિતીયાઓ ની સેવા કરી

ભેંસાણ ગામના જોગિયા શાખના કાઠી આલા ખુમાણના પુત્ર સાર્દુળ ખુમાણે પરબના ધામને પોતીકું કરવા આ સેવા-યજ્ઞમાં એમની કાયાને કરગઠિયું કરી નાંખવાના કોડ કર્યા છે. વાસીદુ વાળે છે,પાણી સારે છે, આજારોના (રક્તપિતયા) અંગે દવાનો લેપ પણ કરે છે.દેવીદાસબાપુ કયારેક કહી શકતા સાર્દુળ ભગત તમે બહુ મોટા ભજનિક છો. વળી ગરાસદાર છો આ કામ તમેને ન ફાવે બાપ ઓછું કરો.આમતો સાદુળપીર અને દેવીદાસ બાપુની જગજૂની ઓળખાણ અને નાતો હતો એટલે તે વારંવાર પરબ આવી સેવા કરતા રેહતા.

જ્યાં આટલું બોલાય રહે ત્યાં તો અમરબા વચ્ચે ટહુકો કરો બાપુ ભૈયલો ભલે આ કામમાં ભળે મારે માંડી જાયો ભાઈ મળ્યાનો આનંદ આવે છે. થવા દ્યો છે ને જરાક આ કામમાં મોટો.

બાપુ! સાર્દુળ ભગત અને અમરબાની ભાઈ બેનડીની જોડીને જોઈ બેયના ભાલ પ્રદેશ ઉપર નજરુના નૂર ફેરવી વાળે છે. સમય આમને આમ વીતી રહ્યો છે.

આજે સાદુળ ભગત પ્રભાતે વ્હેલા જાગ્યા અને સીધી પરબ ધામમાં ડોટ મૂકી હંમેશા માટે પરબે રેવા માટે! પરબે આવતા દેવીદાસબાપુ એ પુછ્યુ ‘કેમ ઉશ્કેરાયેલા છો સાદુળ ખુમાણ?’ સંતે સવારની આજાર સેવા પતાવીને ગાય દોતાં દોતાં એ આવેલા જુવાનને પૂછ્યું.’

‘મોકળો થવા આવ્યો છું, હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.’

સાદુળ ખુમાણે તેમની સાથે બનેલ આગલા દિવસની ધટના દેવીદાસબાપુને અક્ષરસ સંભાળાવી અને બોલ્યા
“હવે સંસારમાં ઈજજત-આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં . કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.કારણ કે કાલે મારી મશ્કરી થઈ. હું ઘરે નહોતો. ઘેર પાછો જઈ તંગિયો બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં છું તો સુરવાલની નાડીનું ફુમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોણે કરી છે? પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બાળીને પાણી પિવરાવવાથી આડું ભાગશે એટલે નાડી બોળીને રાજગર પાછું લઈ ગયો છે.”

“મારી શરમનો પાર ન રહ્યો. મારી નાડી બોળ્યે આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. ત્યારથી આખા ગામને મોં એ મારાં શીલનાં વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારું મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.”

“સાદુળ ખુમાણ !” સંતે એને સમજ પાડી : “આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો ?જે કહેશો તે કરીશ.. ટે’લ કરીશ.”

દેવીદાસ બાપુ એ કહ્યુ “આવા આકરા નિર્ણ્ય માટે ઉતાવળ તો નથી કરીને ? સાદુળ ખુમાણ જવાબ આપ્યો કે નહીં રે નહીં બાપુ. મારા પિતા આલા ખુમાણને મારાથી મોટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલા છે. મેં હજી ઘરસંસાર બાંધ્યા નથી, કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો દોષ મારા પર આવી શકે. હું ફક્કડ છું.જગતથી પરવારેલો છું.”

ભેંસાણ ગામના કાઠી આલા ખુમાણના આ સાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પિછાનતા હતા. શાદુળ એક સુપાત્ર જુવાન છે. ઊંચા સંસ્કારના ધણી છે. અહીં આવતા જતા રહે છે.શ્રેષ્ઠ કુળ અને કુટુંબના દીકરા છે,ભજનભાવ અને સેવાભાવમાં વિશેષ અભિરુચી છે. જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.

જગ્યાની પ્રતિષ્ઠા વધશે એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં કોઈ રડયું ખડ્યું બીજ પડી રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થતો નથી, એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.

“ભલે બાપ સાદુળ !” સંતે ધુણાની વિભૂતિ લઈને તિલક કર્યું. અને પોતાના પંજો કાઠી સાદુળ ખુમાણ વાસામાં નિમજ્યો.આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો. લૂગડાં બદલી લ્યો.

સાદુળ ખુમાણે પનિયાની કાછડી વાળી રાજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે સંતે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી મૂકી.કાઠી કુમારે પડખેના ગામડામાં ‘સત દેવીદાસ’ શબ્દની ટહેલ નાખી.

ભાગ-૧૮…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ
૧)અમર સંત દેવીદાસ – હરસુર ગઢવી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!