અન્નપુર્ણા અમરમાનું પરબધામમાં આગમન

જુનાગઢ તાબાના બીલખા પાસેના શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારના પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈનો, ખાસ કરીને સ્ત્રીઓનો, રસ તો એકસો વર્ષો સુધીય ન ખૂટે,ઊલટાનો વધે.એ રસ ત્યાંથી હજુ સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતીઃ

“આજ પહલો જ બનાવ,કે સાસરે જાનારી દીકરી ધરાર ન રોઈ.”

“માવતરના વછા પશે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના થોડુ રહી શકે?”

“અરે બાઈ, એટલું અલેણું. એટલી માયામમતા સુકાઈ ગઈ.”

“હા જ તો નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.”

“કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે!”

“સુખસાયબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી. ને જુવાન પણ ભારી રંગીલો.”

“અમે દીઠેલો ને! આંહીં આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો.”

“બસ બાઈ, કે’નારા કહી રિયા તો પછી અમરબાઈ સાસરે જાતાં શા સારુ રોવે?”

રોવે નહીં! શું બોલો છો તમે!”

“પણ રોવું આવે નહીં ને!”

“તોય રોવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કે દી?”

“અરે, મારી હીરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈતી! જાણો છો ને, ફુઈજી?”

“અરે બાઈ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને! ઈ વેળાયું ને ઈ વાતું !”

એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝણું બેક કોસનો પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સો ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી.સાચું કે

જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરીને સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષાળુ તો બેલાશક હોય છે,પુત્રી તરફના માતૃ-સ્નેહના એકાદ આંસુ ઊભરાની અને ગામભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ સખે જ રાખે.

માવતરને સંભારી સંભારી આંસુ સારવાને બદલે ઓગણીસ-વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંતઃકરણ વે’લડાના
વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નાઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.વિશાળ નેત્રો, બુદ્ધિશક્તિ અને દ્રઢ નિર્ણય શક્તિના પ્રતિક સમી લાંબી-તીખી નાસિકા, પ્રવાળ-પંક્તિ સમા નાના-નાનસ અયોષ્ઠ,દાડમના દાણાઓ સમી દંતપક્તિ, આછા લીલા રંગના એક ત્રાજવાયુક્ત રમણીય જણાતી નાની હડપચી,નાજુક અને કોમળ ગ્રીવા, સપ્રમાણ ખભા, માંસલ ભુજાઓ અને પગની પીંડીઓ ઉપર ત્રોફાવેલી સહેજ શ્યામ રંગની છાંટ સાથે લીલા રંગમિશ્રિત ત્રાજવાઓની પંક્તિઓ વડે અદ્ભુત સૌંદર્યનું સંયોજન થયું હતું. સુખી ઘરની યોગ્યતા અનુસાર આભૂષણો પણ ધારણ કર્યાં હતાં. નાકમાં સુવર્ણની નથ, કાનમાં હેમની વાળીઓ અને ઠોળિયો, તેમજ ડોકમાં કાંઠલી પહેરી હતી. હાથોમાં રૂપાનાં બલોયાં અને ચૂડી અને પગમાં રૂપાની નકોર કાંબીઓ અને કરડાઓ પહેર્યા હતાં. આહીર જ્ઞાતિનો છૂટો છતાંય મર્યાદાયુક્ત પોશાક, લાલ મધરાસીનું પહેરણું, લીલી અને ગુલાબી અતલસનું કાપડું અને લાલ રંગની ભાતીગળ ચુંદડી ઓઢી હતી.

“કેમ તું મારા સામે ને સામે તાકી રહી છો, બેટા?” વેલડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈનાં સાસુ હતાં. હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી, ફુઈ!'(સૌરાષ્ટ્રની આહીર કોમમાં સ્ત્રી પોતાની સાસને ફુઈ કહે છે.)અમરબાઈએ જવાબ દીધો. સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્મલબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મિઓની પરખ ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરામોરામાંથી પોતાના સ્વામીની મુખમુદ્રાને મીંડવતી હતી. સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી.એમ કરતાં અમરબાઈ ઝોલાં ખાવા લાગી. સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું: “આંહીં આવે, મારા ફૂલ! આંહીં આવ. મારા ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.”

અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળીદીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી. એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ એને હડવેથી માથે હાથ મૂકીને કહ્યું: “સૂઈ જા, પાછું જાગરણે ભારે પડી જશે, ડાહી!’

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખોને પૂરેપૂરી ઢાળી દીધી. પારણાના હીંચોળાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઊડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું.આખે માર્ગે વગડાની ગરમ ગરમ લૂ વાતી હતી, તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દૃષ્ટિ ફેરવી. વેલડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંઝજ્ઞો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરોનાં પાંદ ઘીમાં ઝબોળ્યા જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા “સત દત્તાત્રય’ બોલતો હતો.

છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એક-બે જણાઓની સાથે વાતો કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરંદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું. સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યાઃ

“આવ્યો છે? ભાઈ અહીં સુધી સામો આવ્યો છે?”“હા, આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી પહોંચવાની જરૂર પડી છે.”

શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? આંહીં બોલાવોને “આંહીં તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.” દુત્તો! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે!” આઈએ રમૂજ કરી: “ને ચેતવણી શેની?
કે જગ્યાની અંદર આઈયે ન જાય, અમરબાઈ બેનનેય ન જાવા દે.”
“કાં ?”

દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.”
“શાથી?”

“પતિયાંને ભેગાં કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે–ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે. હમણાં તો એક પતણી ડોશીને ઝોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.”

એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.

“આ કોણ ગોકીરા કરે છે?” આઈએ પૂછ્યું.
“એ જ – એ પતણી ડોશી જ. દેવીદાસ મા’રાજ એનાં સડેલાં આંગળાં ધોવા બેઠા છે.”

આહીરાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયાં. પછી એમણે કહ્યું: “ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરણ કરાવી લે. ત્યાં હું આંહીં કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરાં પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ-પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે આંહીં ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દેવી જગ્યા! આવું થાનક! થાક્યા-પાક્યાનો વિસામો! એની જ હવા બગડી હવે તો.”

એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાયું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા
જુવાન આહીરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા.પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી.ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી.બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી.બિહામણું એ દૃશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા.
દુખાવાને લીધે બૂમો પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતા.

“નહીં, નહીં, મારી મા! અમ પુરુષોના ગર્ભ વેઠનારીને અનોધાં દુઃખો સહેનારી જનની! નહીં દુખાવું તમને. તમરામાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા !” ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું.

“મારો કેદાર! મારો લાલિયો”

“અરેરે, કેવાં સ્વાર્થી છો, મા!” કહીને દેવીદાસ હસતા હતા:

“મને તમારો કેદાર નહીં કરો શું? ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાઉં, હું મા? જોજો ને, તમે સાજાં થાય કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી
બોલી કરીશ પછી કાંઈ કહેવું છે, મા?”

ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હૃદય ઉપરથી ઊડીગયાં.આગના ભડકા કરતાં વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.

ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી: “અરે દીકરા,“અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે ?”

“હેં મા ! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?”

“અરે બેટા, બબે હેલ્યે હું વાવનાં પાણી ભરતી. મને ગામલોક હોથલ પદમણીનો અવતાર માનતા.”

“ત્યારે બસ ! મા ! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઊઠશે એની કોને ખબર છે ? માનવદેહને તો રોમે રોમે રોગ ભર્યા છે; એને હું કયાં સુધી દાટી રાખીશ !” કહેતા કહેતા દેવીદાસ ડેાશીના શરીરને લૂછતા હતા. લુછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.

“ને હું તો એ જ વિચારી રહ્યો છું મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે ! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું – ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાંની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.”

એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચેગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં.

પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું.

દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાનાં પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા : “હવે જુઓ મા, હું ઝોળી લઈને જાઉં છું રામરોટી માગવા. સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને અહીં સૂતાં સૂતાં છાની રાખજો હો મા ! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.”

ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.

“અરે, અરે, અહીં નહીં બોન ! અહીં નહીં, બહાર, બહાર ….” કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી.

અમરબાઈ ન બોલી, કે ન હલીચલી.

ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી. એને પોતાને જ ન જડી. કેટલાક પલટાઓને લાંબા સમય લાગે છે. કેરીની રંગબદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.

“તમે કોણ છો બેન? ક્યાંનાં છો ? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો.

“આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવા દેશો ? આંહીં મારું મન ઠરે છે.”

આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે ! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.

“ભલે દીકરી, બેસો, આંહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસાડ્યા.”

સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું : “માતાજી, મે’માન છે. બે શેડ્ય પાડી લઉં ?”

ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.

આઠ દશ શેડ્યો પાડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું : દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.

ધેનુના આંચળો હજુ ટપકતા હતા. માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી છલકતો હતો. અમરબાઈ એ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી.

એણે રામપાત્ર પી લીધું.

“તમારી સાથે કોણ છે?” દેવીદાસે પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાનાં કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.

“બોન !” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ. . ..”

અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં.

દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસાડી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :

ગોધન હાલ્યાં જાય,
આ નવલખ તારાસૂરજ કેરાં
ગોધન હાલ્યાં જાય.
એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખવાય.
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.
પ્રથમીનાં વાછરડાં ખોવાય,
માતનાં બાળકડાં ખોવાય.
ઊઠે ગોવાલા ! નંદદુલારા !
રજની ખાવા ધાય;
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય ?
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં
લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું ન કરે,
હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના મતવાલ ! – સુનમાં

અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં-

“આ બેઠી એ તો આંહીં !” એકાએક બોલ સંભળાયો.

છ-આઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.

સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું.

“આવે મા ! તમે હતાં મા ?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.

એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ
તો જ્વાલાઓનો જ દીઠો : “આ શું માંડ્યું છે તમે મા’રાજ ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. “અમર,” એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક ! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.”

અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી.

“ને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ?”

સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો:
“મા, તમને સોંપવા માટે જ.”
“મા મા કોને કરછ? ને સોંપવા છે શા સારુ ?”
“મા, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી મા – મારી ધરતીમાતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યા છે.”
“આ તને શું થઈ ગયું ?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢળ્યું. “તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી ?”
“કાંઈ નહીં મા ! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે મા?”
“આઈ” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર કરું છું.”

અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું: “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે આયર ! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર; સુખેથી બીજે ચડાવજો.”

નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.

“અરે ઊઠ ઊઠ હવે ભગતડી !” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા.

“હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર ! લાવો છરી.” કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.

સાસુ અને પતિ: અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓઃ એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે ! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને ! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તે પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને?

ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દ્રઢ કરી. એણે પોતાની ચુદડી ખેંચવા માંડી.

“કજાત ! બસ થયું કજાત !” કહેતાં, આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું : “મા, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.”

વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ ‘તને મૂઈ સમજું છું’ એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય હાય, એ શબ્દ હાથ પટકતી બહાર નીકળી ગઈ.

થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લકડખોદ પક્ષીના ઠકઠકાટ સિવાય બીજો કઈ બોલાશ નહોતો રહ્યો.

દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :

“મા, આ તે શું કર્યું ?”

“સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે.”
લાંબી વાર સુધી બેઉ જણાં ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દ્રષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તે એના રૂંવાડામાં પણ કોઈ નામનિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યાં.

“મને કાંઈ સતવચન સંભળાવશો?” અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી : “શું સંભળાવું બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હુંય રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજાં જણેલા વાછરુને, થાક્યા પાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું અહીં કરી રહેલ છું. રબારીને એ ભગવાને ભળાવ્યો કસબ છે બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યાં નથી ને !”

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું : “બેન, એક વચન માગી લઉં છું.”

“શું ?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછા આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કઈ રોગીને અડીશ નહીં.”

“કારણ?”

“કારણ હું તને આવીને સમજાવીશ.”

ભાગ-૧૨ ક્રમશઃ પોસ્ટ….

📌 *વિશેષ નોંધઃ*
(૧) લેખક શ્રીમાન ઝવેરચંદ મેધાણી પોતાના પુસ્તક ‘પુરાતન જયોત’ જુની આવૃતિમાં અમરમાનું જન્મ સ્થળ અમરેલી પાસેનું મુંજીયાસર ગામ નોંધે છે તથા આ ‘પુરાતન જયોત’ નવી આવૃતિમાં જન્મ સ્થળ શોભાવડલા નોંધે છે. આજ મુંજીયાસર ગામમાં જ સત દેવીદાસ બાપુનો જન્મ થયેલ છે.

(૨) લેખક શ્રીમાન જયંતીભાઇ આહિર પોતાના લેખ ‘દયાની દેવી અમરમા’ માં નોંધે છે કે અમરમા નો જન્મ જુનાગઢ તાબાના શોભાવડલા ગામે થયો હતો અને તે ‘ડઉ’ શાખના આહિરના દિકરી હતા.તેમના પિતાનું નામ લક્ષ્મણ ડઉ અને માતાનુ નામ કમુ બાઇ હતું.

(૩) લેખક શ્રીમાન હરસુરભાઇ ગઢવી પોતાના પુસ્તક ‘અમર દેવીદાસ’ માં નોધે છે કે અમરમા નો જન્મ જેતપુર પાસેના પીઠડીયા ગામમાં ‘ડઉ’ શાખના અહિરોમાં થયો હતો. જ્યારે તેમનુ વેવિશાળ શોભાવડલા ગામે થયુ હતું.

(૩) ‘પરબ પરંપરાના સંત કવિઓઃ એક અભ્યાસ’ પર મહાશોધ નિબંધ પી.એચ.ડી ની પદવી મેળવનાર શ્રીમાન વાઢેર.મહેશ.જે અમરમા નું જન્મ સ્થળ શોભાવડલા દર્શાવે છે.

(૪) અમરમા નું જન્મ સ્થળ,શાખ,માતા-પિતાના નામ અને તેમનુ વેવિશાળનું ગામ ખરેખર યોગ્ય શોધખોળ બાદ સંશોધનનો વિષય છે.

સંદર્ભ-ગ્રંથોઃ
પુરાતન જ્યોત-ઝવેરચંદ મેધાણી
અમર સંત દેવીદાસ-હરસુર ગઢવી

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!