સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ

વળતા દિવસે પ્રાત:કાળમાં જ દેવીદાસજી મહારાજે પ્રાત:કિયાઓથી પરવારી જઇને આશ્રમની સ્વચ્છતા કરી લીધી. ત્યારપછી ગાડા મારગથી આશ્રમ સુધીની જમીન ઉપરથી નકામા છોડવાઓ, ઘાસ, કાંકરી આદિ કાઢી નાખીને નાનકડી, સ્વચ્છ પગકેડી પણ કરી લીધી. ત્યારે સૂર્યોદરા થવાની વેળા થવા આવી હતી, એટલે ભગવા વસ્ત્રની ઝોળી બનાવીને ભિક્ષાટન માટે નીકળી ગયા.

તેમના ગયા પછી થોડીવારે ગઇકાલવાળા ગોવાળો તેઓનાં ઢોરોને લઈને આવી પહોંચ્યા. ઢોરોને ચરવા માટે છોડી દઈને સહ સ્થાનકે આવ્યા.

દેવીદાસ મહારાજ જોવામાં આવતા ન હતા પણ તેમનું નાનકડું પોટલું લીમડાની ડાળીએ ટીંગાતું હતું. સ્થાનક પણ સ્વચ્છ જણાતું હતું, તેમજ સ્થાનક સુધીની પગવાટ પણ સ્પષ્ટ જોઈ શકાતી હતી એટલે ક્યાંક આડાઅવળા ગયા હશે, આવી જાશે? એમ માનીને તેઓ ચલમ સળગાવીને વાતો કરવા લાગ્યા.

આ ગોવાળોને દેવીદાસજી પ્રત્યે ભારે માન તથા પ્રેમ ઊપજયાં હતાં. બીજા સાધુઓ કરતાં સાવ નિરાળા જણાયા હતા. નિરાભિમાની તેમજ હસમુખો સ્વભાવ ગમી ગયાં હતાં અને તેઓ અહીં રહી જાશે એવો વિશ્વાસ પણ ઉત્પન્ન થયો હતો એટલે તેઓએ તેમને યથાશક્તિ સહય કરવાનું નક્કી કરીને આગલી સાંજે વિખૂટા પડતી વખતે કાંઇ ને કાંઈ ચીજ-વસ્તુ લેતા આવવાનો નિર્ણય કર્યો હતો તે પ્રમાણે તેઓ માટીનાં બે માટલાંઓ, બે-એક નાના ઘડાઓ, કુલડીઓ, રામસાગર તથા ઘીનો વાટકો અને દૂધનો લોટો પણ લેતા આવ્યા હતા.

નવરા બેસી રહેવું, એ તો તેઓના સ્વભાવમાં જ ન હતું. ગોવાળો આમેય અટકચાળા જ હોય છે, એટલે માટલાં તથા ઘડાઓને સાફ કરીને પાણી ભરી કાઢ્યું. ત્યાર પછી સ્થાનક નજીકની જમીનમાંથી જંગલી છોડેનાં મૂળિયાં, પથ્થરો વગેરે ઉપાડી લઈને સ્વચ્છ કરી નાખ્યું, તોય મારાજ તો આવ્યા ન હતા, એટલે ગોવાળોએ રમતમાં ને રમતમાં કાયમી આશરો મળી રહે એવી એક નાનકડી ઝૂંપડી બનાવવાનો નિર્ણય કરીને હાથોહાથ કામે લાગી ગયા. ‘

મહારાજ ગઈકાલે સ્થાનકે આવતી વખતે ભેસાણ ગામના પાદરમાંથી જ નીકળ્યા હોવાથી માર્ગથી પરિચિત હોવાના કારણે તેમણે આજે ભેસાણમાં જ ભિક્ષા માગવાનો વિચાર કરીને તદનુસાર ભેંસાણના ઉત્તરાદા ઝાંપેથી ગામમાં પ્રવેશ કરીને ‘સીતારામ’ એવો શબ્દોચ્ચાર કરતાં ભિક્ષા માગવા લાગ્યા હતા. મેલાંઘેલાં તેમજ ફાટેલાં વસ્ત્રો, માથે કાનટોપી, કપાળમાં ભસ્મનો ચાંદલો, શાંત તેમજ નિર્મળ મોઢું, ડોકમાં તલસીની મોટી માળા, ડાબા ખભે ભગવાં વસ્ત્રની ઝોળી, જમણા હાથમાં વાંસની લાકડી, આવા વેશવાળા આ નવતર રૂખડિયા સાધુને ભેંસાણનાં લોકો આશ્ચર્યભરી નજરે જોઈ રહેતાં હતાં.

એ વખતે ભેંસાણ ગામ નાનકડું ગામડું હતું. મુખ્ય વસતી ખેડૂતોની તેમજ માલધારી રબારી-ભરવાડોની હતી તેમજ ખુમાણ શાખાના કાઠી-દરબારોનાં પણ આઠેક ખોરડાઓ આવેલાં હતાં. વસવાયાં તેમજ ખોજા-લુહાણાઓ વગેરેનાં થોડાંક ખોરડાંઓ પણ
હતાં.

ભિક્ષા માગતાંમાગતાં દેવીદાસજી હવે પૂર્વ દિશા તરફ વળી નીકળ્યા હતા, જયાં મોટા ભાગે કાઠી-દરબારો તેમજ તેઓના ખેડૂતોનો વસવાટ હતો.

ઉગમણી દિશામાં દક્ષિણાદા છેવાડે મારગના કાંઠા ઉપર ઉત્તરાદા બારની એક મોટી ડેલી આવેલી હતી. ગામના આગેવાન કાઠી દરબાર આલા ખુમાણનું આ નિવાસસ્થાન હતું.

ડેલીમાં દરબાર આલા ખુમાણ તથા ભાયાતો અને મહેમાનો વગેરે મળીને આઠ–દસ દરબારો આરામથી બેઠા-બેઠા અલકમલકના ગામગપાટાઓ હાંકી રહ્યા હતા. કાવા અને કસુંબાનો દોર ચાલી રહ્યો હતો, રબ્બરની લાંબી નાળોવાળા બે હોકાઓ પણ ડાયરામાં ફરતા હતા. આ બેઠકની કોર ઉપર પચીસેક વર્ષનો એક સોહામણો જુવાન શાંત ચિત્તે બેઠો બેઠો ડાયરાની વાતો સાંભળી રહ્યો હતો. તેણે પોહળી બાંયનું સફેદ વસ્ત્રનું પહેરણ તથા ચોરણી પહેર્યા હતાં, માથે વેત વૈતના ઓડિયા વાળ હતા. કાનોમાં સોનાના લવીંગડાઓ તેમજ હાથની આંગળીઓમાં તેમનાં વેઢ-વીંટીઓ પહેર્યા હતાં. આ યુવાન દરબાર આલા ખુમાણનો નાનો પુત્ર સાદુળ હતો.

ભિક્ષાન સારી પેઠે પ્રાપ્ત થઈ ગયું હોવાથી આશ્રમ તરફ પાછા ફરવાનો વિચાર કરીને દેવીદાસજી મહારાજે છેવાડે આવેલી આ ડેલીમાં પ્રવેશ કર્યો, અને સીતારામ ઉચ્ચારીને ઊભા રહ્યા.

ડાયરામાં બેઠેલા દરબારોની નજર આ રૂખડિયા જેવા રમતારામ સાધુ પ્રત્યે પડી અને સાધુના શાંત તેમજ નિર્વિકાર ચહેરા ઉપર રમતા નિર્મળ હસ્યને નીરખી રહ્યા.

જુવાન સાદુળ ઊઠીને ઊભો થયો અને સામે આવેલા ઓરડાઓમાં જઈને બાજરાનો ઊના-ઊનો રોટલો લઈ આવીને સાધુને આપતાં, સાધુએ ઝોળીમાં પધરાવી દીધો. આ વખતે બેયની નજરો મળી અને જુગજુગની જૂની પિછાન જાણે જાગૃત થઈ ગઈ હેય, મટકુ માર્યા વગર બેયની આંખો એમને એમ સ્થિર બની રહી. ‘સીતારામનો’ ઉચ્ચાર કરીને સાધુ મારાજ તો ચાલી નીકળ્યા. યંત્રવત્ સાદુળ પણ ‘સીતારામ’ એમ બોલી ઊઠ્યો. તેની દૃષ્ટિ સાધુને જતા નિહાળી રહી. દેખાતા બંધ થયા ત્યાં સુધી તે એમ ને એમ જોતો રહ્યો. કૈક ખોવાઈ ગયું શ્રેય એમ તેનું મન સૂનું સૂનું થઈ રહ્યું. ડાયરામાં ચેન નહિ પડવાથી તેના આગલા ઓરડામાં જઇને પથારીમાં પડ્યો.

ક્ર્મશઃ પોસ્ટ

સંદર્ભ-ગ્રંથ:-
અમર સંત દેવીદાસ- હરસુર ગઢવી

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.9408899968

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!