🌹 સત્ માંડણપીર બાપુ 🌹

સત દેવીદાસબાપુના પરબ ગયા પછી મુંજીયાસરની જૂની જગ્યા, પ્રાચિન કાળેશ્વર મહાદેવ તથા મોમાઇ માતાજીના મઢની જવાબદારી અન્ય બે ભાઇઓ માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુ પર આવી ગઇ છે. જુની જગ્યાની મુખ્ય જવાબદારી માંડણપીર બાપુ સંભાળતા અને તેની સાથે ઘર-પરિવારની જવાબદારી રૂડાપીરબાપુ સંભાળવા લાગ્યા.

કાળેશ્વર મહાદેવના મંદિરે સેવાપુજા કરી માંડણપીરબાપુએ કાળેશ્વર મહાદેવની કૃપા પાત્રતા મેળવી હતી. સાથે સાથે મોમાઇ માતાજીના મઢમાં અને હિરબાઈમાના સમાધિ સ્થાને પણ ધુપ-દિપ કરતા હતા. આ રીતે માંડણપીર બાપુ સેવાપુજામાં લીન રહેતા.

દેવીદાસબાપુ બાદ માંડણપીર બાપુ મુંજયાસરની જગ્યામાં સમાજ સંસારથી અલગ થઈ સેવા ભક્તિમાં જ લીન બની જગ્યામાં આવતા સાધુ-સંતોની અભ્યાગતોની સેવા કરવા લાગ્યા. કોઈ રોગી, દુઃખી માણસો જગ્યામાં આવતા બાપુ તેની સેવા કરતા તેના રોગને દુર કરવા યથાશક્તિ પ્રયત્નો કરતા.ગામ માંથી ટુકડો માંગી લાવી જગ્યામાં આવેલા અભ્યાગતોને ટુકડો જમાડતા.

મુંજયાસર ગામમાં રબારી સમાજ અને અન્ય લોકો કહેવા લાગ્યા કે દેવીદાસબાપુની જેમ માંડણપીરબાપુએ પણ માનવ સેવા-ભક્તિ તણો ભેખ લઇ લિધો છે. ધીરે ધીરે આજુબાજુના ગામડાઓમાં આ વાતની ખબર પડવા લાગી, રકતપિતીયાઓ તથા દુઃખીયાઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો.માંડણપીર બાપુ અને રૂડાપીરબાપુ બધાને માટે જમવાની,રહેવાની વ્યવસ્થા કરવાની સાથો સાથ બધા રોગીઓની સાર સંભાળ પણ રાખતા.

માંડણપીરબાપુ અલખજોળી લઈ ગામમાં ટુકડો માંગવા જતાં ત્યારે ગામના લોકો બાપુને ખુબ માન આપતા. ગામના લોકો કહેતા આવા અવતારી પુરુષ જે બધુ કરવા માટે સક્ષમ હોવા છતાં આપણા આંગણે ટુકડો લેવા આવે એતો ગામ આખાના સદ્દભાગ્ય કહેવાય. માંડણપીરબાપુ તો ગામના દરેક કુટુંબને પવિત્ર કરવા માટે દરેકને આંગણે જઈ અલખધણીના નામનો નાદ કરી દરેક ઘરને પુણ્યશાળી બનાવતા. માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુએ અલખધણી અને કાળેશ્વર મહાદેવની આરાધના કરીને જાણે કે પીરાઇની સ્થાપના કરેલ હોય તેમ બન્ને ભાઈઓ દુઃખીઓના બેલી થઈ આવેલા હોય તેવુ લાગતુ હતુ.

માંડણપીરબાપુ આંગણે આવેલા દુઃખીયાના દુઃખ દૂર કરી તેમને આશિર્વાદ આપતા. એક દિવસ એક ભાઈ માંડણપીરબાપુ પાસે આવે છે અને બાપુને કહે છે; ‘બાપુ મારે જમીન-મિલકત ઘણું છે પણ આ બધાને સંભાળનાર કોઈ નથી! બાપુ મને એક દિકરો આપો’.માડણપીર બાપુ કહે ભાઈ એ બધુ તો અલખધણીના હાથમાં છે. આપણે તો સારા આશિર્વાદ આપી તેની પ્રાર્થના કરી શકીયે. બાકી દિકરો આપવો તે તો પરમ કૃપાળુ પરમેશ્વરના હાથમાં છે. અનેક આશાઓ સાથે બાપુ પાસે આવેલ ભાઈ વાત માનવા તૈયાર નથી તે માંડણબાપુને પાસે ખુબજ વિનંતી કરવા લાગે છે. જેથી બાપુ કહે છે, ‘ જાવ તમે આ ચેતન ધુણામાંથી ચપટી ભસ્મ પ્રસાદિ લેતા જાવ અને પતિ-પત્ની પ્રસાદ સ્વરુપે પાણીમાં નાખી પી લેજો અલખધણી આપની સર્વે મનોકામના પુર્ણ કરશે અને તેની સાથે સદાચારનું આચરણ કરી સાધુ-સંતો, અભ્યાગતોની સેવા કરજો, નિતી-ધર્મ અને સત્યના માર્ગે ચાલજો પ્રભુ તમારા પર હંમેશા કૃપાદ્રષ્ટિ રાખશે અને એક દિવસ તમારે ત્યાં જરૂર બાળકનો જન્મ થશે.આમ માંડણપીરબાપુએ આવેલ ભાઈને સમજાવતા કહે છે કે કાઈપણ મેળવવા માટે આપણે આપણા કર્મોને યોગ્ય દિશામાં વાળવા પડે, આપણને આપણા દરેક કર્મનું ફળ મળે જ છે. જેવું આપણું કર્મ હોય છે તેવું આપણને ફળ મળે છે.આમ માંડણપીરબાપુના આશિર્વાદથી તે ભાઈ સત્ય માર્ગે વળી પ્રભુ ભક્તિમાં લાગી જાય છે અને એક દિવસ માંડણપીરબાપુના વચન મુજબ તેમને ત્યાં દિકરાનો જન્મ થાય છે. તે ભાઇ દિકરાને લઈ બાપુને પગે લગાડી બાપુના આશિર્વાદ મેળવે છે. માંડણપીરબાપુએ મુંજયાસરની જૂની જગ્યામાં સેવાધરમની અલખજ્યોત પ્રગટાવી હતી. જાણે કે આ જગત કલ્યાણ માટે સેવા યજ્ઞ શરૂ કરેલ હોય તેમ બાપુ દિન-દુઃખીયાઓની સેવા કરી તેમનો ઉધ્ધાર કરતા.

ધીરે ધીરે જૂની જગ્યામાં ઘણાં રક્તપિતીયાઓ રહેવા માટે આવવા લાગે છે. માંડણપીરબાપુના ઘણાં લોકો શિષ્યો પણ બને છે અને કાયમ માટે સન્યાસ લઈ માનવ સેવા કરવા જૂની જગ્યામાં આવી જાઇ છે. આમ ધીરે ધીરે જૂની જગ્યામાં કેટલાય મનુષ્યો પોતાની જાતને સાધુ બનાવી, જીવ માત્રની સેવાને જ પોતાનું લક્ષ્ય બનાવી, માંડણપીરબાપુની જૂની જગ્યા મુંજીયાસરમાં રહેવા લાગે છે. બધાજ શિષ્યો પોત-પોતાની રીતે માનવ સેવા કરવામાં લાગી જાય છે. ટુકડાની જવાબદારી,ગાયોની જવાબદારી,સેવા-પૂજા તથા સફાઇની જવાબદારી આ બધા સારી રીતે સંભાળી લે છે.મુંજીયાસર ગામ જૂની જગ્યામાં જાણે નવનાથ અને સિધ્ધચોરાશીના બેસણા હોય તેમ સાધુ સંતોના બેસણાં બની જાય છે.

હાલમાં પણ મુંજયાસરની જૂનીજગ્યામાં મંદિરની દિવાલનું ખોદકામ કરતા ત્રણ સમાધિ નીકળી છે અને તે સમાધિ બાદ નૂતન મંદિર જીર્ણોધાર માટે બાંધકામ કરવાના પાયા ખોદતા સમાધિઓ અવિરત નિકળે જ છે. આ ઉપરાંત મુંજ્યાસર જૂની જગ્યામાં આવેલ પીપળાના વૃક્ષ નીચે પણ કોઇ દિવ્ય શક્તિ હોય તેમ થોડા વર્ષ પહેલા સેવક સમાજ દ્રારા જગ્યાની વિસ્તારવૃધ્ધિ માટે અવરોધરૂપ વચ્ચે આવેલા પીપળાના વૃક્ષને કાપવાની શરુઆત કરતાની સાથેજ ક્યાંકથી નાગ-દેવતા આવી પીપળાને વિંટાયને બેસી ગયા હતા. સેવકોએ ત્રણ દિવસ સુધી નાગદેવતાને દૂર કરવાના પ્રયત્નો કર્યા પણ તે ન હટ્યા અને પીપળો કાપી ના શકાયો. હાલના સમયમાં પણ મુંજીયાસર જૂની જગ્યામાં આવા અનેક દિવ્ય ચમત્કારો થતા રહે છે.

માંડણપીરબાપુની પીરાઇથી પ્રભાવિત થઇ જુની જગ્યામાં આવતા દુઃખીયાઓની સંખ્યા વધવા લાગે છે. માંડણપીર બાપુના આશિર્વાદથી દુઃખીયાઓના દુ:ખ પણ દુર થવા લાગે છે.

એક દિવસ મુંજીયાસર ગામના પટેલ પમાબાપા પાનસુરીયા માંડણપીર બાપુ પાસે આવે છે.પમાબાપાને કાળો કોઢ હતો. માંડણપીરબાપુના પગમાં પડી પમાબાપા માંડણપીર બાપુને કહે છે ‘બાપુ મને તમારી સેવા કરવા દો! હું આપની સેવા કરવા માંગું છું.’ બાપુ કહે છે ‘ પમાભાઈ સેવા તો આપણાં આંગણે આવતા દુઃખીયાઓની આપણે કરવાની હોય, તમારે મારી સેવા ન કરવાની હોય.’ પમાબાપાને માંડણપીરબાપુ પોતાના શિષ્ય બનાવે છે અને પમાબાપાના મસ્તક પર હાથ ફેરવે છે કે તુરંત જ પમાબાપાના શરીરમાંથી કાળો કોઢ જતો રહે છે. બાપુના પરચાથી પમાબાપાને ખુબ ખુશી થાય છે. પમાબાપા ત્યાં રહી જાય છે અને બાપુની સેવા કરવા લાગે છે.સમય પસાર થતા માંડણપીરબાપુના પરચાઓની વાત આજુબાજુના ગામોમાં ફેલાવા લાગે છે. આજુબાજુના ગામડાઓમાંથી અનેક દુઃખીયા, કોઢિયા બાપુ પાસે આવે છે. બાપુ બધાની સેવા કરે છે બધાના દુઃખ દુર કરવાના પ્રયત્નો કરે છે.

એક દિવસ પસાબાપા પાનસુરીયાના કુટુંબી મેઘાબાપા માંડણપીરબાપુ પાસે આવી રડવા લાગે છે. બાપુ દુઃખનું કારણ પુછે છે. મેઘાબાપા કહે બાપુ મારે શેર માટીની ખોટ છે. માંડણપીરબાપુ કહે છે મેઘાભાઈ આપણે બધા તો સામાન્ય માણસો છીએ,આપણે કોઈના દુઃખમાં તેમની સાથે ઉભા રહી શાંત્વના આપી શકીએ પણ આપણે કોઇનુ કર્મફળ કે ભાગ્ય તો ન બદલી શકીએ પરંતુ મેઘાબાપા આ વાત માનવા તૈયાર નથી થતા. તેઓ તો એક જ રટણ કરે છે કે બાપુ તમે મને આશિર્વાદ આપો તો મારી શેર માટીની ખોટ જરૂર દૂર થશે. મેઘાબાપાની હદયદ્રાવક વિનંતીથી માંડણપીર બાપુ કહે છે ‘મેઘાભાઈ મારા આશિર્વાદતો હંમેશા તમારી સાથે જ છે પરંતુ તમે કાળેશ્વર મહાદેવના આશીર્વાદ લેશો જેથી તમારે ત્યાં દિકરાનો જન્મ થશે. તેમનું નામ કાળો રાખજો.’

સમય જતા કાળેશ્વર મહાદેવની દયાથી મેઘાભાઈને ત્યાં દિકરાનો જન્મ થાય છે. તેનું નામ કાળો રાખવામાં આવે છે. માંડણપીરબાપુના પરચાઓથી જગ્યામાં આવવા વાળાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. એક દિવસ માંડણપીરબાપુ રૂડાપીરબાપુને કહે છે ભાઈ હવે હું ભારતવર્ષમાં આવેલા અડસઠ તિર્થોની યાત્રા કરવા માંગુ છું. જગ્યામાં આવનારાઓની તમે સેવા કરજો અને મને જવાની રજા આપો. રૂડાપીરબાપુ માંડણપીરબાપુને અડસઠ તિરથની યાત્રાએ જવાની રજા આપે છે.

માડણપીરબાપુ સાથે અન્ય ત્રણ સાધુઓ વેલાબાવા, રાણાભગત અને ઇગારશાં સાંઈ યાત્રાએ નિકળે છે.

ભાગ-૧૦ ક્રમશઃ પોસ્ટ

સંદર્ભ-ગ્રંથોઃ
અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદિત

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!