સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા

એક પછી એક દિવસો વીતી રહ્યા હતા. દેવા ભગતનું સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલાલહેર વરતાઈ રહ્યાં. ભૂખ્યા ક્ષુધાર્થીઓની સંખ્યા પણ ધીમે ધીમે ઘટી રહી હતી. એમ ને એમ દિવાળી આવી ગઈ. વર્ષ સારું થયું હતું. અનાજનો મબલખ ઉતારો થયો હતો. ઘાસચારાની તેમજ પાણીની પણ વિપુલતા હોવાથી લોકો દુષ્કાળની ભયાનક આબદાઓને વિસારે પાડીને આનંદોલ્લાસ માણી રહ્યા હતા.

કારતક સુદ અગિયારસના દિવસથી શરૂ થતી ગિરનાર પર્વતની પરિકમ્મામાં જવા માટે દેવા ભગતે તેની ઝુંપડીની ભાળવણી ગામના એક સાધુને કરી દઈને એક દિવસ અગાઉ છોડવડી ગામેથી પરિકમ્મા માટે વિદાય થઈ ગયો. ગિરનારની ગિરીકંદરા વૃક્ષો, પહાડો અને ખળખળ વહેતા ઝરણાથી ભરપુર છે. પરિણામે આ ગોદ ઉછળતી નવયૌવના જેવી ભાશે છે. ઝરણાઓમાં વહેતા પાણીનો અવાજ નવયૌવનાના ઝાંઝરના ઝણકારની જેમ આવી રહ્યો છે. એવી આ ગિરનારની ગોદમાં એક વિશ્વાસુબાપુના આશ્રમમાં અને વિશ્વાસુબાપુના આમંત્રણથી મહાત્મા મહાસિધ્ધ શ્રી લોહલંગરી મહારાજ (જીવણદાસજી) ગોંડલની ખાખી જમાત ભજનભાવ અને સત્સંગમાં મસ્ત છે. જીવણદાસજી પોતાની કમર પર સવામણ લોખંડની સાકર લટાકાવતા આથી તેનુ નામ લોહલંગરીજી પડ્યુ. બપોરના હરીહર કરીને મહાત્મા લોહલંગરીજી ભ્રમણ કરવા ગિરનારની ગોદમાં ફરવા લાગ્યા.

એ સમયે દેવો કરીને કોઇ ભકત લોહલંગરીજી પાસે આવીને દંડવત પ્રણામ કરીને કહે છે, કે “મહારાજજી, તમારા આશિર્વાદ જોઈએ છે, જેથી હું પાવન થાઉં! સંસારની માયા મેં છોડી દીધી છે, કોઈ મહાત્માનું શરણું લઇને આ દેહને ભકિતમય બનાવવો છે.”

મહાત્મા લોહલંગરીએ એક વૃક્ષ નીચે બેસી સમાધી ચડાવી જોયું તો દેવામાં પૂર્વજન્મના સંસ્કારો પડેલા હતા. પરિણામે લોહલંગરીજીએ દેવાને કહ્યું કે, “ભાઈ અમો તો દિગંબર અખડાના છીએ. પરંતુ તારામાં પૂર્વજન્મના સંસ્કારો પડ્યા છે એટલે તુલસીનો પારો પહેરાવી લલાટે સમરજનું તિલક કરીને આશિર્વાદ આપું છું. પરિક્રમ્માના અંતે વિદાય વખતે તેમણે દેવા ભગતને કોઈ પણ એક સ્થળે રહેવાના બદલે ફરતા રહેવાનો તથા અપરીગ્રહવ્રત ધારણ કરવાનો આદેશ ય આપેલો. દેવીદાસજીએ મસ્તક નમાવીને એનો સ્વીકાર કરી લીધો.

ગુરુજી મહાસિધ્ધ મહાત્મા લોહલંગરીજીના આદેશનું પાલન કરવું કે પૂર્વવત પ્રવૃત્તિ કરતા રહેવું તે અંગે કોઇ ચોક્કસ નિર્ણય ના લઈ શકવાથી દેવો ભગત મહાત્મા જેરામ ભારથીનો આદેશ મેળવવા માટે ભવનાથથી નીકળીને રામનાથનાં સ્થાનકે ગયો અને જેરામ ભારથીને વંદના કરીને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી!

છોડવડી ગામ રામનાથના સ્થાનકની નજીકમાં જ આવેલું હોવાથી દુષ્કાળના સમયમાં તેણે કરેલી માનવસેવાની વાતોથી જાણકાર હોવાથી જેરામ ભારથીએ તેને પોતાની પાસે રોકીને તેને તથા પટ્ટશિષ્ય નારણદાસને દત્તાત્રય મહારાજ રચિત “અવધૂતગીતાના” ગહન જ્ઞાનનો ઉપદેશ આપવો શરૂ કર્યો. દોઢેક મહિને એ ઉપદેશ પૂરો થયા પછી તેમણે દેવા ભગતને લોહલંગરી મહારાજના આદેશ મુજબ તેનું મન માને ત્યાં તીર્થાટન તેમજ પરિભ્રમણ કરવાનો આદેશ આપ્યો અને મુંઝવણ દુર કરી. જેરામભારથી મહારાજને નમસ્કાર કરીને દેવીદાસ વિદાય થયા.

તેના પૂર્વજીવન પ્રસંગથી પરિચિત હોવાથી તેમજ પોતાનાં વચનને દીપાવે તેવી દેવા ભગતની કરણી નિહાળીને મહાત્મા જેરામ ભારથી તેના પ્રત્યે ભારે પ્રેમ ધરાવતા હતા. વિધિવત્ શિષ્ય તરીકે તેનો અંગીકાર નહિ કર્યો હોવા છતાંય મનથી તો તેને પોતાનો શિષ્ય માનતા જ હતા અને તેનાં ભાવિ જીવનઘડતર પ્રત્યે રસ પણ ધરાવતા હતા.

દેવો ભગત પણ તેમને મનોમન ગુરુ-મારાજ તરીકે જ માનતો હતો અને તેમના દરેક આદેશનું પાલન પણ કરતો હતો.

રામનાથથી નીકળીને તેણે આખું વર્ષ ફરતા ફરતા રહીને સોરઠની તળભૂમિ ઉપર આવેલાં અનેક નામી-અનામી સ્થાનકોનાં દર્શન કર્યા. સંતો ભક્તોનો સમાગમ કરીને સતસંગ કર્યો. આ સમય દરમ્યાન તેણે ખપ પુરતું બોલવાનું રાખીને બહુધા મૌનવ્રત ધારણ કર્યું હતું તેમજ કોઈ પણ સ્થળે એક રાત કરતાં વધુ સમય નહિ રોકાવાના નિયમનું પણ પાલન કર્યું હતું.

બીજા વર્ષની શરૂઆત તેણે ગિરનારના પર્વતના અંતર્ગત સ્થાનકોનાં દર્શન કરવાથી કરીને ફરતાં ફરતાં કરંજિયા-વીરડા નામના નિર્જન સ્થળે વસીને ભગવદ્ભજનમાં બાકીનો સમય વ્યતીત કર્યો. આ સ્થળે તેના ચિત્તને પ્રસન્નતા મળતી હોવાથી બાહ્ય જગતનું ભાન વિસરી જઈને પરમાત્માના ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. ફળસ્વરૂપે કેટલીક નાની-મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઇ હતી. પરંતુ તેના તરફ સહેજ પણ લલચાયા વગર તે તો ધ્યાનધારણામાં જ મગ્ન રહેતા હતા અને વર્ષના અંતે તો તેને સમાધિદશા પણ સુલભ બની રહી હતી તેમજ મનની વૃત્તિઓ પણ ઉપરામ પામી જઈને ચિત્તમાં પરમ શાંતિ વ્યાપ્ત થઈ રહી હતી. આમ તેની સાધના પૂર્ણ થઇ ગઇ હેવાથી હવે આગળ શું કરવું તે અંગે ગુરુ મારાજ જેરામ ભારથી પાસેથી આદેશ પ્રાપ્ત કરવા માટે

કરંજિયા-વીરડાના સ્થાનેથી વિદાય થઈને રામનાથની પગકેડીએ ચાલી નીકળ્યા.

ગિરનાર પર્વતની મનોરમ્ય લીલીછમ વૃક્ષરાજિઓથી સભર ઊંચી-નીચી ટેકરીઓની હારમાળાઓને ધીમે – ધીમે વળોટતો, મનોમન ભગવાનનું સ્મરણ કરતો. દેવો ભગત પસન્નચિત્તે પ્રવાસ કરતો કરતો સંધ્યા સમયે રામનાથ પહોંચી ગયો.

રામનાથના સ્થાનકમાં ગિરનાર પર્વતમાં તેમજ આસપાસનાં ધર્મસ્થાનકોમાં વસતા સંતમહાત્માઓનો જબરો જમેલો જામ્યો હતો. સંતમહાત્માઓ આનંદ-મંગળ કરી રહ્યા હતા. ચલમસાફીનો દોર જમાવટ લઈ ગયો હતો. બોમ ભોલે તેમજ ‘અલખ નિરંજન’ના બુલંદ શબ્દોચાર થઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે ગુરુ મા” રાજના જયનાદો પણ થતા હતા. આમ, રામનાથનું સ્થાનક આજે ભર્યુંભર્યું બની રહ્યું હતું.

વાત એમ બનેલી કે કેટલાક સમય અગાઉ સંતસમાજ સમક્ષ ફરિયાદ રજૂ થઈ હતી કે, જેરામ ભારથી નૂરશાહ સાંયની સાથે વધારે પડતો સહવાસ રાખે છે તેમજ ઇસ્લામ ધર્મનું જ્ઞાન પણ મેળવે છે, જે ઇચ્છવાયોગ્ય નથી એટલે તેમને મનાઇ કરવી જોઇએ.

સંતસમાજે ફરિયાદ ઉપરથી નિર્ણય લીધેલો કે જેરામ ભારથીએ નૂરશાહ સાંયની સાથેનો સંબંધ બંધ કરાવી દેવો; નહિ તો સંતસમાજ તેમનો બહિષ્કાર કરશે.’ પરંતુ જેરામભારથીએ સંતસમાજનો નિર્ણયની ઉપેક્ષા કરીને નૂરશાહ સાંય સાથે પૂર્વવત્ સંબંધ ચાલુ રાખેલો. વધુમાં તેમણે આવો અન્યાયી આદેશ આપવા બદલ સંતસમાજ પોતાની ક્ષમા માંગે ત્યાર પછી જ અન્ન-જળ ગ્રહણ કરવાની ટેક લઈને ઉગ્ર તપશ્ચર્યા આદરી દીધી હતી.આ નૂરેસાઇ ગીરનાર ના ગધેસંગ ડુંગરા પર વસતા હતા.

એના ફળસ્વરૂપે સંતસમાજને પોતાની ભૂલ સમજાવાથી જેરામભારથીની ક્ષમા માગવા માટે રામનાથના ધર્મસ્થાનકમાં એકત્રિત થયો હતો. સંધ્યા-આરતી પછી ભોજનાદિથી નિવૃત્ત થઈને સંતમહત્માઓએ ભજન-કિર્તન તેમજ કથા-વાર્તાઓ દ્વારા સત્સંગ કર્યો. નારણદાસ તથા દેવીદાસ સંત-મહાત્માઓની સેવા કરતા રહ્યા.

બીજા દિવસે સવારના પ્રાત:કર્મોથી પરવાર્યા પછી સંતસમાજ સ્વસ્થાને જવાની તૈયારી કરવા લાગ્યો પરંત જેરામ ભારથીએ ભાવપૂર્વક મધ્યાહન ભોજન કરવા માટે વિનંતી કરવાથી સંતસમાજ રોકાઈ ગયો.

જેરામ ભારથીએ દૂધપાક-માલપૂઆની રસોઈ તૈયાર કરાવી અને મધ્યાહ્ન થતાં થતાં સંત-મહાત્માઓને ભાવપૂર્વક ભોજન કરાવી તૃપ્ત કરી દીધા. જેરામ ભારથીની આવી ઉદાર તેમજ પ્રેમ, ભરી વર્તણૂક નિહાળી સંતસમાજ ભારે પ્રસન્નતા અનુભવી રહ્યો.

જેરામ ભારથીએ નારણદાસને તથા દેવીદાસને પોતાની પાસે બોલાવવાથી બન્નેએ સમીપમાં આવીને પ્રણામ કર્યા.

જેરામ ભારથીએ તેના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને તેના બે ટુકડા કર્યા; એક ટુકડો નારણદામસને આપીને બોલ્યા “યહાંસે ઉત્તર દિશામેં જાકર તારા મન ઠહરે વહાં ધરમ કા સ્થાનક બનાકે બેઠ જાના, ઓર ભૂખે–પ્યાસે પ્રાણીઓં કો ટુકડા દેતે રહેના; ઇસીમેં હી તુમ્હારા કલ્યાન હેગા.”

નારણદાસે મસ્તક નમાવીને આદેશનો સ્વીકાર કર્યો અને સંતસમાજને વંદના કરીને વિદાય લીધી. ખાખીજાળીયા ગામ જી.જુનાગઢ તા.ઉપલેટા માં રૂગનાથજીની જગ્યા બાંધી સેવા કાર્ય શરુ કર્યુ.

ત્યાર પછી જેરામ ભારથીએ દેવાભગતને બાકીનો ટુકડો આપ્યો અને પોતાની સન્મુખ બેસાડીને વિધિવત ગુરુમંત્ર આપીને તેના કપાળમાં વિભૂતિનું તિલક કર્યું. ભગવું વસ્ત્ર તેમજ માળા આપ્યાં. દેવા ભગતે હાથ જોડીને સર્વ ઉપકરણોને સ્વીકારી લીધાં.

દેવા ભગત જેરામ ભારથી ધીર ગંભીર સ્વરે બોલ્યા : “યહાંસે પૂરબ દિશામેં એક જોજન દૂર “દત્તાત્રેય મહારાજકા ધુણા હૈ, લોગ ઇસે સરભંગ ઋષીકા આશ્રમ ભી કહેતે હૈ યે સ્થાન કંઈ સાલોંસે અચેતન પડા હૈ તુમ વહાં ઠહેર કર, ઇસે ચેતાના ઓર અનાથ અભ્યાગતોકો ટુકડા દેતે રહેના ઔર ઉનકી સેવા કરતે રહેના. સબસે બડા ધરમ યહહી હૈ, ઔર ઇસમેં હીં તુમારાં કલ્યાણ હોંગા.” દેવીદાસબાપુએ ભેંસાણ પાસે પરબે આવી સ્થાનક ચેતવ્યુ.

દેવીદાસજીએ મસ્તક નમાવીને તેમના આદેશનો સ્વીકારયો. ઉપસ્થિત સંતસમાજ પણ અત્યંત પ્રસન્ન થઈ રહ્યો

ઓલિયા નૂરશાહે તો “પૂરો રંગાઈ ગયો છે.’ કહીને પ્રેમપૂર્વક દુઆ દીધી. ત્યાર પછી તેમણે સર્વ સંત-મહાત્માઓનાં ચરણોને સ્પર્શ કરીને વંદના કરી અને ગુરુ મહારાજ જેરામ ભારથીની પુન:નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું.

આ સાધુ જયાં નિવાસ કરશે તે સ્થાન અર્ધામઢી તરીકે સંતસમાજમાં પ્રસિદ્ધ થશે. દેવીદાસજીની નિર્મળતા જોઇને પ્રસન્ન બનેલા સંત મહાત્માઓ એક સ્વરે બોલી ઊઠ્યા.

સંદર્ભ ગ્રંથઃ-
સંતદેવીદાસ -હરસુર ગઢવી
સોરઠી સંતો -ઝવેરચંદ મેઘાણી

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.94261 62860

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!