દેવીદાસબાપુની આજ્ઞાથી અમરબાઇ માતાજીએ બગસરા ગામમાં ઝોળી ફેરવવાનું બંધ કર્યુ

દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે આઠ ગાઉ આવવાના અને આઠ ગાઉ પાછા જવાના મળીને સોળ ગાઉનો પંથ આટલીદ સરળતાથી કઈ રીતે એ કાપતા હશે ? વળી, નામીમાં નામી ઘોડાંય આંબી શકે નહિ, એ પણ કેમ બની શકે ? દૈવી શક્તિ હોય, તો જ સંભવી શકે એવી એ વાત હતી. આવા વિચારોમાં ઊતરી ગયેલા દરબાર સંધ્યા-આરતીનો છેલ્લો ટકોરો બંધ પડ્યો ત્યારે સાવધ થયા અને હવે પાછા જવું પણ શક્ય નહિ હોવાથી ઘોડીને આશ્રમ તરફ ધીમેધીમે હાંકવા લાગ્યા. દરવાજા આગળ હેઠે ઊતરીને અનુચરને ઘોડી સોંપી દઈને એમણે આશ્રમમાં પ્રવેશ કર્યો. તેમની પાછળપાછળ બેય ઘોડીઓને દોરીને અનુચર પણ ચાલી રહ્યો હતો.

આશ્રમના ચોગાનમાં જ માનવસમુદાય આરતીની આશકા લઈ-લઈને નજીકમાં ઊભેલા દેવીદાસજી મહારાજને ચરણસ્પર્શ કરીને પ્રણામ કરતો હતો. મહારાજ સહુને આશીર્વાદ દેતા હતા. તેમની નજીક એક સેવક હાથમાં મશાલ પકડીને ઊભો હતો. અજબ ભક્તિભર્યું દૃશ્ય સર્જાયું હતું.

દરબાર હરસૂર વાળા મંદ ગતિએ ચાલતા-ચાલતા એ અનુપમ દ્ર્શ્યને જોઈ રહ્યા હતા. ત્યાં જ ભંડારમાં ભિક્ષાનની ઝોળીઓને મૂકીને, અમરબાઈને આવી રહેલા જોયા. દરબાર ઓઝપાઈ જઈને ઊભા રહી ગયા. અમરબાઈ કોઈના તરફ જોયા વગર સીધાં મહારાજ તરફ ચાલીને, તેમને ચરણસ્પર્શ કરીને, તરત જ પાછા ભંડારમાં ચાલ્યાં ગયાં, ત્યાં સુધી સ્થિર થઇ ગયેલા દરબાર તેમને જોતાજ રહ્યા.હવે એમને કાંઈક નિરાંત થઈ એટલે એ આગળ વધ્યા. ત્યાં જ આશ્રમના દરવાજાની બહારથી ‘હરિહર’ હાકલ પડી ઉપરાઉપર ત્રણ વખત સુધી ભૂખ્યાંજનોને ભોજન માટે પધારવાનું આર્ષદ્રષ્ય સાંભળીને દરબારનું ભાવિક હૃદય આપોઆપ ધન્યવાદ આપી રહ્યું.આશ્રમમાં હલચલ શરૂ થવા લાગી. સહુ કોઈ લાંબી પરસાળ તરફ જવા લાગ્યાં હતાં.દેવીદાસજી મહારાજ પણ પાછા ફરી રહ્યા હતા. એ વખતે તેમની દષ્ટિ આગંતુક બેય અતિથિઓ ઉપર પડી અને ત્યાં જ ચોંટી રહી. મોં ઉપરનું હાસ્ય અદૃશ્ય થઈ ગયું અને ભૂકુટિ તંગ થઈ રહી. એક ક્ષણ જ આ પરિવર્તન બારીકીથી નિહાળનારની નજરે ચડે એવું રહ્યા પછી તરત જ મહારાજ પૂર્વવત સ્વસ્થ અને શાંત બની રહ્યા. દરબાર પણ નજીક આવી ગયા હતા. તેમણે નીચા નમીને મહારાજને નમસ્કાર કર્યા અને બે હાથ જોડીને ઊભા રહ્યા મહારાજે મંદ હાસ્યસહ આવકારીને કુશળ વર્તમાન પૂછયા. માણસો ભોજન લેવા જઈ રહ્યા હતા. પંગત બેસવી શરૂ થઈ ગઈ હતી. ભંડારમાંથી સામગ્રી લઈ લઈને સેવકજનો પરસાળ તરફ જઈ રહ્યા હતા. તેઓ સર્વની
નવા પ્રવાસીઓ તરફ સ્વાભાવિક રીતે જ જતી હતી. તેમનો દિદાર જ રાજવંશી હોવાની ચાડી ખાતો હતો.

‘જબરી ધોડય કરી લાગે છે, દરબાર ! બેય જનાવર બિચારાં જાતવંત છે, તોય થાકીને ઢગલો થઈ ગયાં છે!’ મહારાજ બોલ્યા અને બે સેવકોને બોલાવીને ઘોડીઓને ઘોડારમાં બાંધીને નીરણ નાખવાનું કહી દીધું અને બીજાસેવકને કહીને હાથ-મોં ધોવા માટે પાણી મંગાવી દીધું. બન્ને અતિથિઓ હાથ-મોં ધોઈને સ્વસ્થ થયા, એટલે મહારાજે ભોજન કરવાનો આગ્રહ કરીને પોતાની સાથે તેડીને, ભોજનશાળામાં લઈ આવ્યા અને પંગતના છેવાડે, બેય પરોણાઓને બેસવાની વ્યવસ્થા કરીને પોતે પણ તેઓની પડખે બેઠા.

પંગત બેસી ગઇ હતી.ભોજન પીરસવા નુ શરુ કરવામાં આવ્યુ.મશાલના અંજવાળે વાસણો મુકાતા જતા હતા તેની પાછળ અમરબાઇ માતાજી અને હુરબાઇ માતાજી ઝડપથી પીરસી રહ્યા હતા.દરબાર હરસુર વાળાએ ત્રાસી નજરે અમરબાઇ માતાજીને સ્વસ્થ ચિત્તે પંગતમાં ઘૂમી રહેલાં જોઈ રહ્યા. તેમના શાંત નિર્મળ મુખે ઉપર વ્યાપી રહેલી અપાર શાંતિ જોઈને તેમને શંકા ઉત્પન્ન થઈ કે પોતે તેમનો પીછો કર્યાનો તેમને ખ્યાલ આવ્યો નથી લાગતો ! પોતાને જોઈને પણ શાંતિપૂર્વક પીરસી રહયા છે, એટલે તને ખબર પડી નથી લાગતી એવા અનેક પ્રશ્નો દરબારના મનમાં ઘુમવા લાગ્યા.

એટલામાં જ પીરસતા પીરસતા અમરબાઇ તેમની નજીક આવી ગયા.મધ્યાહન સમયે પોતાની જ ડેલીએથી આપેલ ધી માં તરબોળ રોટલા ના અળધો અળધ ટુક્ડા કરી અમરબાઇએ દરબાર ને પીરસ્યો. એક સેવક દારનો ટોપ લઇને સાથે ચાલતો હતો અને વાસે હુરબાઈ મોટા કડછા વડે દાળ પીરસતા હતા.ત્યાર પછી આગળ વધીને, મહારાજના ભાણામાં સાદા રોટલાનો એકટુકડો પીરસીને અમરબાઈ માતાજી આગળ નીકળી ગયાં.થાળીમાં પડેલા લીલા કાંચન જેવા બાજરાના ભાતલાના ટુકડાની સામે
દરબાર જોઈ રહ્યા હતા. એ ટુકડાને એમણે ઓળખી લીધો હતો. આજ મધ્યાહન સમયે પોતાના જ ધરેથી આપેલ ટુકડો અમરમાએ તેમને જ પીરસ્યો એટલે તેનો અર્થ એ કે પોતે કરેલા પીછા અંગે અમરબાઈને જાણ છે ! સંકોચને વશ થઈને! દરબાર પોતાની થાળી સામે જોય રહ્યા હતા, ઉંચુ ઉપાડીને જોવાની તેની હામ ન હતી. પંગતમાં પીરસાઈ ગયું, એટલે દત્તાત્રેય મહારાજ અને ગુરુ મહારાજની જય બોલાવી હરીહર શરુ કર્યું. પોતાનો સંકોચ પ્રગટ ન થઇ જાય એ માટે દરબાર હરસુર વાળા પણ ભોજન કરવા લાગ્યા.વળી તેની ભુખ તો ભાણામાં પોતાના ગૃહના બનેલા રોટલાને જોય જ તેમની ભુખ ભાંગી ગઇ.

દરબારને ઉંડે ઉંડે એક ખોટુ કામ થય ગયાનો પસ્તાવો થવા લાગ્યો પોતાનાથી ભુલ થઇ ગઇ તે વિચારી એનુ મન ખીન્ન થઇ ગયુ. દેવીદાસબાપુ અવાર નાવાર દરબાર સામુ જોઇને મનમા પ્રસન્ન થતા હતા કેમ કે દરબારને પોતે કરેલ ભુલનો પસ્તાવો થતો હતો.અમરબાઈ માતાજી અને હૂરબાઈ ફરતાં-ફરતાં બેય અતિથિઓ પાસે આવી ચડ્યાં. દરબાર ના-ના કરતા રહ્યા છતાંય દૂરબાઈએ એક એક કડછો દાળ પીરસી દીધી. એની પાછળ આવી રહેલાં અમરબાઈ માતાજીએ ફાંટમાંથી બીજું ભાતલું કાઢ્યું. એના બે ટુકડા કરીને અતિથિઓના ભાણામાં પીરસવા
લાગ્યાં. સંકોચ પામી રહેલા દરબાર થાળી આડા હાથ દઈને ના પાડવા લાગ્યાં.અમરબાઈ માતાજી આગ્રહ કરી રહ્યાં હતાં. દબાતા સ્વરે દરબાર ‘ના, માડી! હવે હાંઉ !’ એમ કહેતા હતા. પોતાનું ધાર્યું જ કરવા માગતા હોય એમ બેયનીવચ્ચે મીઠી રકઝક થઈ રહી હતી. અંતે મહારાજ વચમાં પડ્યાં. તેમણે એ ભાતલાના ચાર ટુકડા કરાવીને, પોતાના સહિત ત્રણેય ભાણામાં, એક-એક ટુકડો પીરસાવી દીધો. દરબારને તેમની આજ્ઞા માનવી પડી. બાકીનો ચોથો ટુકડો તું પોતે જ ખાજે મહારાજે મંદમંદ મુસકરાતો અમરબાઈને આજ્ઞા આપી એની પાછળના ઉદેશને સમજી જવાથી અમરબાઇએ સહજ હાસ્ય કર્યુ.

હરિહર’ થઈ ગયા પછી મહારાજે બેય અતીથીઓને દરવાજાની માઢમેડી ઉપર સૂવાની વ્યવસ્થા કરી દીધી અને કામકાજ માટે એક સેવકને પણ ત્યાં સુવડાવ્યો.

પોતે ભૂલ કર્યાની પ્રતીતિ તો દરબારને થઈ જ ગઈ હતી, એટલે વિમાસણ અનુભવી રહ્યા હતા. ઊંઘ આવતી નહોતી, એટલે પથારીમાં પડખાં ફેરવતા જાગતા પડ્યા હતા, જ્યારે તેમની બાજુમાં સૂતેલો તેમનો અનુચર નિશ્ચિતપણે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, કારણ કે તે સેવક હતો. તેની પોતાની સ્વતંત્ર જવાબદારી લેશ પણ નહોતી. સાચે જ માનવીના જીવનમાં શાંતિથી જીવવા માયે સેવકભાવ અજોડ સાધન છે.

સવારના જાગૃત થઈને દરબારે હાથ-મોં ધોઈને વિદાય થવાની તૈયારી કરી.દેવીદાસજી મહારાજ ભંડારનાં પગથિયાં પાસે ઊભા રહીને પક્ષીઓને ચણ નાખી રહ્યા હતા. દરબાર હરસૂર વાળાએ ત્યાં આવીને તેમના પગે પડીને વિદાય માગી. મહારાજે વિવેક પૂરતો આગ્રહ કર્યો અને રોકવાની ઇચ્છા નથી એમ લાગવાથી વિદાય આપી. સેવકોને ઘોડીઓ લઈ આવવા માટે મોકલ્યા.દરબાર ઘોડીઓની વાટ જોઈને ઊભા હતા, ત્યાં ઝોળીએ જવાની તૈયારી કરીને અમરબાઈ માતાજી ભંડારમાંથી બહાર નીકળ્યાં અને દેવીદાસજી મહારાજને.ચરણસ્પર્શ કરીને નમી રહ્યાં. મહારાજે તેના મસ્તક ઉપર વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. અમરબાઈ માતાજી ઊભાં થયાં અને અનાયાસે જ તેમની દૃષ્ટિ પડખે ઊભેલા દરબારની ઉપર પડી. તરત જ દોડીને દરબાર હરસૂર વાળા તેમનો ચરણોમાં પડી ગયા. અનુચર પણ બે હાથ જોડીને માથું નમાવી રહ્યો.

મધુરું હસતાં-હસતાં અમરબાઈ માતાજી દરબારને બેઠા થવાનું કહી રહ્યાં. થોડી વારે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા, શરમિંદી મુખમુદ્રા ધરીને દરબાર બોલ્યા, ‘માડી ! ભૂલ થઈ ગઈ છે માફ કરશો !’ તેમનાં નેત્રો ક્ષમા યાચી રહયા હતા.

‘વીરા મારા ! તમે કે હું શું કરી શકવાનાં હતાં ? મારા નાથની મરજી હોય, એમ જ થાય છે. મારા મનમાં કોઈ વાતનો જરાય ઓરતો નથી. તમે પણ મનમાં કાઈ પણ ક્ષોભ રાખ્યા વગર સુખેથી પ્રયાણ કરો.અમરબાઈ માતાજીએ નિર્મળ સ્વરે ઉત્તર આપ્યો. દરબાર હરસૂર વાળાને સંતોષ થયો. તેમણે પુનઃ પ્રણામ કર્યા ને દેવીદાસજી મહારાજને પગે લાગીને ભારે હૈયે વિદાય થયા.

દેવીદાસજી મહારાજ તેમને જતા જોઈ રહ્યા. દેખાતા બંધ થયા, એટલે અમરબાઈ પ્રતિ દૃષ્ટિ કરી અને ગંભીર સ્વરે બોલ્યા, ‘અમરબાઈ, આજથીઆપણને બગસરાનું ભિક્ષાઅન્ન નહિ ખપે, આ દરબારના પાપે ! બગસરાની ઝોળી આજથી બંધ કરી દેજે !’. આજથી તારી ઝોળીને બગસરા ગામને તારવી અઢારેય આલમમાં ફરતી કરજે. ‘જા દીકરી, મારા આશીર્વાદ છે !’

અમરબાઈએ હાથ જોડીને અને મસ્તક નમાવીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને ‘સત્ત દેવીદાસનો’ નાદ કરીને, ચીપિયાને રણઝણાવતા ઝોળીએ જવા માટે પ્રસન્નતાપૂર્વક ચાલી નીકળ્યાં.

હાલમાં પણ પરબની જગ્યામાં બગસરા ગામની ભેટસેવા કે દાન સ્વીકારવામાં આવતુ નથી.

ભાગ-૧૬…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ
૧)અમર સંત દેવીદાસ – હરસુર ગઢવી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!