અમરમા નો પરબમાં પ્રથમ દિવસનો અનુભવ અને દેવીદાસબાપુએ આપેલ પ્રબોધ

મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્‌નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફેંકતાં હતાં. ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ ગઈ હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે ક્યા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લુની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો એાછાયો લેતાંય હવે તો લોક ડરતાં, એટલે એની ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉન પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે ‘જગ્યા’માં પગ મૂકી ‘સત્ દત્તાત્રય’નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

“આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.” દેવીદાસે હાથપગની ધૂળ ધૂતાં ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું :

“અમરબાઈ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું : “બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યું દુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરાટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા. ‘જય રામજીકી’ની ઘોષણા થઈ રહી. ‘બડા ભગત હે દેવીદાસ ! બડા સાધુસેવક હે ! ભેખમેં તલ્લીન હો ગયા હે’ એવા એવા ધન્યવાદ તેઓ બોલતા હતા.

ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખને સ્થાને ખાડા જ રહ્યા હતા.

પાંચને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યા.

“અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખનોખા પાડી નાખીશ ?”

એમ કહીને એણે બહાર જઈ એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવાં વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.

”પીરસો હવે સર્વને,” સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.

“બાવાજી, તમારામાંથીય કોઈક ઊઠશો પીરસવા ?” દેવીદાસે મુસાફરોને પૂછ્યું.

કોઈ ઊઠ્યું નહીં. સહુની દ્રષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ-શાં દેખાતાં પેલાં રોગિષ્ઠો ઉપર હતી. દીવાલ ઉપર એ રોગિષ્ઠોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્ય ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફર સાધુબાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ઠો અમારી સામે તીણી આંખે તાકે છે.

“ત્યારે હરિનાં બાળુડાં !” દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું : “તમારામાંથી કોઈ ઊઠશો? આ દે લોંદો ખીચડી વહેંચી દેશો ?”

પતિયાંઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.

“ઊઠ ત્યારે શેખા !” સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું : “તું પીરસીશ બચ્ચા?”

શેખો આઠેક વર્ષનો બાળ હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યું. એ ઊઠ્યો, એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે એણે ખીચડીને પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલાં મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઊઠીને એ ચાલ્યાં ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતા હતા : “કમજાત ! દેવકે ધામકો ભ્રષ્ટ કરનેવાલા !”

પંગત પર બાકી રહ્યાં આટલાં જ જણાં : દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું : “બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.”

અમરબાઈ પરસાળમાં ચાલ્યા ગયા.

આરોગીને સહુ ઊઠ્યાં. રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.

“બેન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાને ખેાળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

“ત્યાં સુધી શું કરું ?”
“ઝોળી લઈ ટે’લ કરીશ ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી. ગામેગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે : આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાનો ભય તે તોળાઈ જ રહ્યો છે.

પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે. અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને ? વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં.

આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. ‘જોગમાયા’ કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા,” સંતે પૂછી જોયું: “કેટલી અવસ્થા થઈ?”

“વરસ વીશની.”
“કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે ?”
“કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

“એ જ વિપદની વાત બની છે દીકરી ! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટકિયું? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઈજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત.”

મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠે બેઠે પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.
અક્ષરો ન ઉકેલી શકાયા.

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યા તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદના બાણ’નું કુર્યું:

લાગ્યાં શબદનાં બાણ
હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો !
હો … હો લાગ્યાં શબદનાં બાણ જી !

સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.

ભાગઃ૧૩ ક્રમશઃ પોસ્ટ…

સંદર્ભ-ગ્રંથોઃ
પુરાતન જ્યોત-ઝવેરચંદ મેધાણી

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!