બગસરા ગામમાં ઝોળી ફેરવતા શ્રી અમરબાઇ માતાજીના સતના પારખા લીધા

આપણે આગળ જોઈ ગયા છીએ તેમ પરબસ્થાનના પુનિત સ્થાનની આસપાસ ઘનઘોર જંગલ હતું અને ત્યારપછી નાનાંમોટાં કેટલાંય ગામડાં આવેલાં હતાં. થોડેક દૂર જતાં કાઠી દરબારોનાં જોરાતાં ગામો બગસરા, ચૂડા, વડિયા, જેતપુર, વિસાવદર, બિલખા તેમજ બીજા અનેક ગામો આવેલાં હતાં.ઉપરનાં જોરાતાં ગામો વાળાવંશની તેમજ કાઠી દરબારોની રાજધાનીનાં ગામો હતાં. અને આસપાસનાં ગામો તેઓની હકુમત હેઠળ હતાં.

પરબસ્થાનનો પુનિત આશ્રમ પણ વાવડી ગામના કાઠી દરબારોની હદમાં જ આવેલો હતો. આ ગામ ત્રણચાર દરબારોની વચ્ચે મજમુ હતું અને કથાકાળે મોટા દરબાર ફકીરા ખુમાણ આગેવાન ગિરાસદાર હતા.

અમરબાઈ માતાજીની સેવાભક્તિની ધૂન પણ વધી રહી હતી. મનોબળ પણ વધ્યું હતું. ઝોળીએ જતાં-આવતાં રોજનો થતો વીસ વાસ ગાઉનો પંથ પણ તેમને મન લેખામાં નહોતો. વહેલી સવારમાં જ બેય ખભે ઝોળીઓ ભરાવીને હાથમાંના ચીપિયાને તાલબદ્ધ રીતે ઝૂલાવતાં, ભિક્ષાટન માટે નીકળી પડતાં હતાં, તે છેક ગોરજટાણું થયા કેડે પાછાં આશ્રમમાં પહોંચી જતાં હતાં.

બગસરાની સાંકડી બજારમાં જે દિ “સત્ત-દેવીદાસના” નામની ધૂન ગાવતાં ચીપિયાને રણઝણાવતાં અમરબાઈ માતાજી ભિક્ષા માટે નીકળતાં ત્યારે એ બાલાજોગણને પેટ ભરીને નિહાળવા માટે વેપાર કરતા વેપારીઓ,માલને જોખાવતા ઘરાકો ઘડીભર થંભી રહેતા હતા. મારગે જતાં-આવતાં માનવીઓ પણ ઊભાં રહીને જોઈ રહેતાં હતાં અને ભાવપૂર્વક ‘સત્ત દેવીદાસ’ કહીને હાથ જોડતાં હતાં. અમરબાઈ માતાજીનાં દર્શન કરવા માટે ચીપિયાનો રણઝણાટ સાંભળતાં વેંત જ માણસોની ભીડ જામી જતી હતી. શેરીઓમાં તેમજ નાકા આગળ સ્ત્રીઓ તેમજ પુરુષો ટોળે વળી રહેતાં હતાં. બગસરાની સાંકડી બજાર એ વખતે ઓર સાંકડી બની રહેતી હતી.

કથાકાળે બગસરાના દરબાર હરસૂર વાળા હતા. એ પ્રોઢ વયના રાજવટના જાણકાર તેમજ શાણા પુરુષ હતા. આમ તો તેઓ શિવભક્ત હતા. પરંતુ ચલાળાના પ્રસિદ્ધ સંત દાના ભગત પ્રત્યે અથાગ શ્રદ્ધાભક્તિ ધરાવતા હતા.ચલાળા ગામ બગસરાની નજીક આવેલું હોવાથી અવાર નવાર ચલાળા દાના ભગતનાં દર્શન જતા-આવતા હતા. દાના ભગતને પણ તેમના પ્રત્યે અથાગ લાગણી હતી. પ્રસંગોપાત્ત દરબાર હરસૂર વાળાને યથોચિત્ત સહાય પણ કરતા હતા.અમરેલીના સૂબા વિઠ્ઠલરાવ ગાયકવાડ સરકારની ખંડણીની રકમ ભરપાઈ નહિ કરી શકવાને કારણે દરબાર હરસૂર વાળાને નજર કેદ રાખેલા ત્યારે ભક્તરાજ દાના ભગતે સહાય કર્યાની વાત પ્રચલિત બની રહી હતી.હરસૂર વાળાને દાના ભગત પ્રત્યે આસ્થા હતી, એ તો નિઃશંક હતું

અમરબાઈ માતાજીની જોગમાયાના અવતાર તરીકેની ચોમેર પ્રસરી રહેલી ખ્યાતિની વાતો રસળતી-રસળતી દરબાર હરસૂર વાળાના સાંભળવામાં આવી ચૂકી હતી. મીઠું-મરચું ભભરાવીને મસાલેદાર રૂપે રજૂ થયેલી અમરબાઈ માતાજીની અલૌકિક શક્તિની વાતો સાંભળીને તેમનું શિવભક્ત હૃદય ચોંકી ઊઠ્યું હતું અને સાંભળેલી વાતોને ચકાસી જોવાનો મનોમન નિર્ણય પણ એમણે કરી લીધો હતો. એ માટેના અનુકુળ સમયની એ પ્રતીક્ષા કરી રહ્યા હતા.

મધ્યાહન નમ્યા સુધી બગસરાની બજારમાં ઝોળી ફેરવી રહેતાં અમરબાઈ સંધ્યા સમયે પાછાં પરબનાં આશ્રમમાં પહોંચી જાય છે, એવી પ્રચલિત વાતને દરબાર હરસૂર વાળા માની શકતા નહોતા. કહેવાવાળાઓએ તો તેની પાસે ગગનગામિની વિદ્યા છે, એટલે આકાશ માર્ગે ઊડીને પૂગી જાય છે, એમ પણ કહ્યું હતું. પરંતુ જેની પાસે આવી અમૂલ્ય સિદ્ધિ હોય તેણે માગવા માટે ઘેરઘેર ભટકવું શું કામ જોઈએ ? દરબારના ગળે એવી કોઈ વાત ઊતરતી નહોતી.પરંતુ બેય ખંભે ફાટફાટ થતી ઝોળીઓ ભરાવીને બગસરાથી આઠ ગાઉ છેટે આવેલા પરબ આશ્રમમા એટલી વારમાં કેવી રીતે એ પહોંચતા હશે એ શંકાનુ સમાધાન થતું નહોતું. સાંજ પડ્યા પહેલાં તો અચૂક પરબે પહોંચી જવાનો તેમનો નિયમ હતો અને પાકા બપોર સુધી તો બગસરામાં ઝોળી ફેરવતો અનેક માણસો દરોરોજ એમને જોતાં હતા. તો તો પછી દિ’ આથમ્યા પહેલાં પરબે કેમ કરીને પૂગી શકે ? નહિ નહિ તોય આઠ ગાઉનો પલ્લો છે. નામીમાં નામી ઘોડાય એટલી વારમાં ત્યાં પૂગતાં પહેલાં મારગમાં જ ફાટી પડે, જ્યારે આ તો બાઈમાણસ છે. વળી નંઈ–ઈ તોય, મણ-દોઢ મણ જેટલો ભાર પણ ભેળો ખરો. આખી રાત હાલ્યા કરે, તૈર્યો છેક ભળકડે પરબનાં ઝાડવાં ભળાય પણ તો પછી આ વાત સંભળાય છે એનું શું ? દરબાર જેમજેમ વધારે વિચારતાજતા હતા, તેમ તેમ ઉકેલ મળવાને બદલે ઊલટી ગૂંચ વધતી જતી હતી. ‘નક્કી અમરબાઈ મારગમાં ક્યાંક રાત રોકાઈ જાતી હશે ! અને કાં અધવચ્ચે સામેથી બીજો કોઈ માણસ આવીને ઝોળીઓ લઈ જાતો હશે ! મારગમાં આવાં ટાપા બેચાર ગામમાં કરી રાખ્યાં નંઈ હોય એનીયે શું ખાતરી ? કોણ જોવા ગયું છે એની વાંસે?’ દરબારના મૂંઝાઈ રહેલા મનને આ વિચારે કંઈક રાહત મળી હોય. એમ ઢોલિયામાં પડ્યા પડ્યા વિચારને એ વાગોળી રહ્યા. વિચાર કાંઈ ખોટો તો નહોતો જ. સાચી પરિસ્થિતિ શું છે એ જાણવું જ હોય તો અમરબાઈનો પીછો લેવો જ જોઈએ એમ લાગ્યા કરતું હતું. આખરે તેમણે ,’અમરબાઈ જો કાલ બગસરામાં આવે, તો તેનો પીછો કરીને, સાચી વાત જાણે જ પાર ! ‘ એવો નિશ્ચય કર્યો ત્યારે જ એમના મનને કંઈક શાંતિ મળી વળતા દિવસે સવારમાં જ તેમણે એક વિશ્વાસુ અનુચરને બોલાવીને પેલી બાલા જોગણી આજ ઝોળીએ આવે, તો તરત જ પોતાને જાણ કરવાની આજ્ઞા આપી અને ત્યાર પછી પ્રાત:વિધિમાં એ પ્રવૃત્ત થયા મધ્યાહુન સમયે પેલા અનુચરે આવીને બાલાજોગણ આવી ગયાના ખબર આપ્યા, એટલે તેણે બાલાજોગણની તપાસ રાખવા રહેતા અને જવા માટે પાછી ફરે ત્યારે પોતાને જાણ કરવાની સૂચના આપીને રવાના કર્યો. ત્યાર પછી ઘોડારના ખાસદારને બોલાવીને પાણીપંથી બે ઘોડીઓને તૈયાર રાખવાની આજ્ઞા આપી અને ત્યાર પછી રોજની સ્વાભાવિક સ્વસ્થતા જાળવીને તેમણે મધ્યાહનનું ભોજન કર્યું અને બે ઘડી આરામ લેવા માટે ઢોલિયામાં આડે પડખે થયા. બરાબર આ વખતે ચીપિયાને ઝુલાવતાં અને ‘સત્ત-દેવીદાસ’નો નાદ ગજવતાં અમરબાઈ માતાજીએ દરબારગઢની ડેલીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો અને હૈયા સરસી ઓસરી નજીક આંગણામાં ઊભાં રહીને ‘સત્ત દેવીદાસ’નો નાદ પુકાર્યો.

દરબાર હરસૂરવાળા ચીપિયાનો અવાજ સાંભળીને સચેત થઈ ગયા હતા. એ અવાજને દરબારગઢની ડેલીમાં પ્રવેશતો સાંભળીને, સફાળા ઊભા થઈ ગયા અને મેડીની બારીમાંથી આંગણામાં જોવા લાગ્યા.

જમણા હાથમાં ખપ્પર ધારણ કરીને, ડાબા હાથે પકડેલા ચીપિયાને આછોપાછો રણઝણાવતાં તેમજ ધીમા સ્વરે, ‘સત્ત-દેવીદાસનું’ રટણ કરી રહેલાં અમરબાઈ માતાજી ધરતી સામે જોઈને ઊભાં હતાં. મેડી ઢાળી તેમની પીઠ હોવાથી દરબાર નિશ્ચિતપણે તેમની પ્રત્યેક ક્રિયાને નિહાળી રહ્યા હતા.

અમરબાઈ માતાજીનો ધર્મનાદ સાંભળીને ઓરડામાંથી એક વડારણ હાથમાં ઘી થી તરબોળ ભરેલાં બે ભાતલાં લઈને આવી અને ઓસરીનાં પગથિયાં ઊતરીને ‘સત્ત દેવીદાસ’ બોલીને તેમને આપ્યાં. અમરબાઈ માતાજીએ મધુર સ્વરે ‘સત્ત દેવીદાસ’ કહીને ભાતલાંને ઝોળીમાં મૂક્યાં અને તરત જ ‘સત્તદેવીદાસનું’ રટણ કરતાં-કરતાં પાછાં ફરીને ડેલીમાંથી બહાર નીકળી ગયાં.

આ વખતે તેમનો ચહેરો જોવાનું સદ્ભાગ્ય દરબારને મળી ગયું. ચહેરા ઉપર છવાઈ રહેલી પવિત્રતાને નિહાળીને દરબાર દંગ રહી ગયાં. ‘લાગે છે તો શકિતાળી !’ મનોમન એ બોલી ઊઠ્યાં.’જે હશે એનું આજ પારખું થઈ જાશે!’ આગળ વિચારીને એ વળી પાછા ઢોલિયામાં પડ્યા.દરરોજની જેમ આજ પણ મધ્યાહનનો સૂરજ રાશ-દોઢ રાશવા જેટલો આથમણી દિશામાં નમી ગયો, ત્યાં સુધી અમરબાઈ માતાજીએ ગામમાં ભિક્ષા માગી. બેય ખભે ઝૂલી રહેલી ઝોળીઓ ભાતભાતનાં ભિક્ષાન વડે ચિક્કાર થઈ ગઈ હતી. પાછાં ફરવાનો સમય પણ થઈ ગયો હતો, એટલે પાછાં વળીને આશ્રમનાં પંથે વળ્યાં. તેમને ગામ બહાર નીકળી ગયેલાં જોઈને પેલા અનુચરે દોડીને દરબાર હરસૂર વાળાને જાણ કરી.દરબારે તરત જ ઘોડી મંગાવી અને ખબર આપવા આવેલા અનુચરને સાથે લઈને ઘોડીઓ ઉપર સવાર થઈને ધીમી ગતિએ ચલાવતાં ગામની ઉત્તરાદી ભાગોળ તરફ ચાલી નીકળ્યા. કોઈને વહેમ પડે નહિ એટલા માટે તેમણે અવળી દિશા લીધી હતી.

ઉત્તરાદી ભાગોળે સાતલ્લી નદીના કાંઠે પહોંચીને, ઘોડીઓને તેમણે આથમણી દિશામાં વાળી અને થોડે દૂર ગયા પછી ઘોડીઓને મારગે ચડાવીને અમરબાઈ માતાજીને જોવા માટે દૃષ્ટિને લંબાવીને જોવા લાગ્યા. પરંતુ એ કયાંય જોવામાં આવતાં નહોતાં. એકલદોકલ પ્રવાસી તેમજ કોઈ-કોઈ ખેડૂત જ જોવામાં આવતા હતા.દરબારને અમરબાઈ સારી પેઠે આગળ નીકળી ગઈ હશે એમ લાગવાથી તેમણે એક પાટી કઢાવવાનો વિચાર કરીને તલવારને વીંટેલા સોનેરી છેડાવાળા બારીક મખમલના ખેસને છોડીને એને મોઢાની ફરતું વીંટાળીને બુકાની બાંધી લીધી. ભેટને મજબૂત કરી લીધી. ખભે ઝૂલી રહેલી તલવારને ડાબી રાંગ હેઠળ દબાવી દીધી. ત્યારપછી પાણીપથી ઘોડીની સરકને સતાણ કરીને તેના પડખામાં એડી અડાડી.

એક ઘડીક વારમાં તો જોજન-જોજનનો પંથ કાપવવાળી અસલ કાઠિયાવાડી ઓલાદની જાતવંત ઘોડીઓ ધરતી ઉપર ફાળો ભરી રહી.

મોરલાના જેવી વાંકી ગરદનને વધારે વળાંક આપીને અને નાનકડી અણીદાર કાનસૂરીઓને આંટીએ ચડાવીને પૂંછડાના ઝંડાને સીધો કરીને અને નમણા દેહના કટકા કરતી બેય ઘોડીઓ અસવારના પેટનું પાણી પણ હલે નહિ
એવી મસ્ત રેવાલમાં પાણીની રેલાની જેમ દોડી રહી હતી. ઘડી વારમાં બગસરાની સીમ વળોટી જઈને કટાસરાના ટીંબાની માર્ગે એ ચડી ગઈ હતી.

આગલા અસવાર દરબાર હરસૂર વાળા વારેવારે આંખો ઉપર એક હાથનું નેજવું આંખોને તાણીતાણીને જોયા કરતા હતા. પરંતુ અમરબાઈ માતાજી કયાંય દેખાતાં નહોતાં.દૂરદૂર આથમણી દિશામાં, ઊંડાણમાંથી આવતો હોય એવો આછો આછો ચીપિયાનો રણઝણાટ અને ‘સત્ત-દેવીદાસ’નો નાદ માત્ર સંભળાતો હતો.અમરબાઈ આગળ જઈ રહ્યાની ખાતરી દરબારને થઈ ગઈ. જીવ ઉપર આવીને તેમણે ઘોડીને એડી મારી બીજી જ પળે, ઘોડી પાંખળી બની રહી ધરતીને ભેટવા માગતી હોય, એમ લાંબી ફલાંગો ભરીને હરણફાળે દોડવા લાગી. અત્યંત વેગથી દોડી રહેલી બેય ઘોડીઓ શ્વાસથી ધમાધમ હાંફતી દોડી.

બેએક ગાઉ ભોં કપાયા પછી દરબારે તેમની ઘોડીને સ્થીર કરીને આસપાસ જોવા લાગ્યા. અમરબાઈ માતાજી દેખાતાં નહોતાં. તેમજ ‘સત્ત-દેવીદાસ’નો નાદ અને ચીપિયાનો અવાજ પણ સંભળાતા નહોતા એટલે શું થયું હશે ? વાંસે તો નંઈ રઈ ગઈ હોય ને ? આવી પાણીપથી ઘોડીઓની હારે કેટલી ઝીક ઝાલે ? નક્કી વાંસે જ રઈ ગઈ છે !’ આમ વિચારીને પાછળ જોવા લાગ્યા, ત્યાં પાછળથી ચીપિયાનો અવાજ અને ‘સત્તદેવીદાસ’નો પુકાર સંભળાવા લાગ્યો. અમરબાઈ પછવાડે રહી ગયાની ખાતરી થઈ ગઈ. “ઘોડાઓને જોઈને કોઈક જાળાં આડી સંતાઈ ગઈ હશે !’ દરબારે મનનું સમાધાન કર્યું અને તે આગળ થઈ જાય, ત્યાંસુધી ઘોડીઓને આરામ આપવાનું વિચારીને એ સરકને ઢીલી મૂકીને, બુકાનીને સમીનમી કરવા લાગ્યા.

સતિયાંનાં સત્તનું પારખું લેનારા પોતાના અનુયાયીના આ અવિચારી કૃત્ય પ્રત્યે રોષે ભરેલા હોય, એમ લાલચોળ થઈ રહેલા ભગવાન ભાસ્કરદેવ રેવતાચળના ઉત્તુંગ શિખરને આંબવા આવ્યા હતા.દરબાર હરસૂર વાળા ઘડીક આથમવા આવેલા સૂરજ મહારાજની સામે અને ઘડીક ઊગમણી દિશામાં વાંસે રહી ગયેલી અમરબાઈને જોવા માટે આંખોને ફેરવતા ફેરવતા ઊંડા વિચારમાં ઉતરી ગયા. સૂરજનારાયણ મેર બેસી ગયા, તોય તેમની વિચારમાળા ખૂટી નહોતી. સાંજ પડી ગયાનો ખ્યાલ રહ્યો નહતો. પરંતુ સાથેના અનુચરે ઓચિંતાની તેમની વિચારમાળાનો ભંગ કર્યો. હજી કયાં સુધી તેમની વિચારમાળા ચાલ્યા કરત એ કહી શકાય એમ કહી શકાય તેમ નોહતું. પરંતુ સાથે આવેલા અનુચરે કહ્યુ “બાપુ, આમ ને આમ કયાં સુધી આંઈ ઊભા રેવું છે ?” ઓલી જોગણ તો કયારનીયે મોઢા આગળ થઈ ગઈ લાગે છે ! હમણાં. રાત પડી જાશે !”

દરબાર વિચારોમાંથી જાગૃત થયા. સેવકની સામે નજર કરી. તેણે કાંઈ પણ બોલ્યા વગર આથમણી દિશામાં હાથને લાંબો કર્યો. દરબારે એ દિશામાં દૃષ્ટિ કરી તો કોઈ જોવામાં આવતું નહોતું. પણ ‘સત્ત દેવીદાસ’ નો ધ્વનિ અને ચીપિયાનો રણઝણાટ સ્પષ્ટ સંભળાતો હતો. એલા, તેં એને આઈથી વટતાં ભાળી’તી ? કર્યું નીકળી ગઈ ? તેણે અનુચરને પૂછયું.

‘મેં ભાળી હોત, તો તૈયે જ તમને ચેતવી દીધા હોત, બાપુ ! પણ ભાળી,જ નથી !’ આ તો મોઢા આગળ અવાજ સંભળાણો તૈયેં તમને કીધું !, અનુચરે સ્પષ્ટતા કરી, પણ દરબારને સંતોષ થયો હોય એમ લાગ્યું નહિ. અનુચર આગળ બોલ્યો, ‘રોજરોજ આવે-જાય છે, એટલે કોઈ ટૂંકો મારગ ગોતી લીધો લાગે છે અને કાં તો આડેધડ જ નીકળી ગઈ હશે.’

તોય દરબારના મનનું સમાધાન થયું નહિ. આંખો તાણીને આથમણી.દિશામાં તાકી રહ્યા હતા. ‘સત્ત દેવીદાસ’નો અવાજ અને ચીપિયાનો રણઝણાટ સાફ સંભળાઈ રહ્યા હતા, પણ અમરબાઈનો અણસાર કયાંય પણ કળાતો
નહોતો.

સૂર્યભગવાનનું સ્વાગત કરવા માટે મંદમંદ મુસ્કારાતી સોનલવરણી સંધ્યારાણીએ કેસરિયાં વસ્ત્રો સજી લીધાં હતાં.જીવ ઉપર આવી જઈને દરબાર હરસૂર વાળાએ ઘોડીને હાંકી મૂકી.હઠે ભરાયેલા દરબાર વારેવારે ઘોડીના પેટાળમાં પાટુ મારતા હતા અને પાટુની પ્રહારે પ્રહારે જાતવંત જનાવર એના વેગને વધારી રહ્યું હતું.

જોજન-વા જેટલો પંથ કપાઈ ગયો તોય આશ્રમ હજી બેએક ગાઉ જેટલો દૂર રહ્યો હતો. ‘સત્ત-દેવીદાસ’નો અવાજ હજુયે એટલા જ અંતરેથી આવી રહ્યો હતો. અંતર જરાય ઓછું થયું ન હતું. એથી અકળાઈ ઉઠેલા દરબારે ઘોડીની રેશમના ગાલીચા જેવી પહોળી પીઠ ઉપર સરકની ઝાપટ ફટકારી દીધી.ઓચિંતો પ્રહાર થવાથી ઘોડી લાંબી ફલાંગ કરીને ઊછળી, ઈ ભેળી બીજી ઝાપટ પડી. દરબાર આ જ જાણે એનું પાણી માપવા માગતા હતા.

ક્રોધિત થઈને એ જાતવંત જાનવર હવે જીવ ઉપર આવી જઈને તેની સ્વાભાવિક રેવાલ ચાલને મૂકી દઈને વાંભ-વાંભની ફાળો ભરી રહ્યું. આવો વેગ ઓછો પડતો હોય, એમ દરબાર વારેવારે પણ એડીઓ મારી રહ્યા હતા. એના ઉત્તરમાં ફરડક મારીને ડિલના કટકા કરતી ઘોડી લાંગો ભરી રહી હતી.

બેય કાંઠે સેંજળ જળ ભરી સાતલ્લી નદીને પડખાવી મૂકી દઈને, ગુંદાળી ધારને વટાવી દઈને બેય અસવારો પીપળિયાના પાદરમાં પૂગ્યા ત્યારે સંધ્યાદેવીએ વિરહિણી નારીની પેઠે આછા શ્યામ રંગના પાલવને ધારણ કરી લીધો હતો.

ઝાંખય ધરી રહેલા અજવાળામાં દરબાર હરસુર વાળાએ જોયું, તો નાડાવા મોઢા આગળ જ અમરબાઈ તેની રાજિદી ઝડપ ગતિએ જઈ રહેલી જોવામાં આવી અને દરબાર બરાબર ઝાંખીને જોઈ શકે. એ પહેલાં તો મારગના વળાંકમાં વળી જઈને એ આંખોથી ઓઝલ પણ થઈ ગઈ ! ફક્ત ‘સત્ત દેવીદાસ’નો અવાજ અને ચીપિયાનો રણઝણાટ જ સાંભળી રહ્યો હતો.

આશ્રમ પણ હવે તો નજીક જ હતો. દરબારની ઇચ્છા અમરબાઈની પહેલાં આશ્રમમાં પહોંચી જવાની હતી. જેથી તેને આવતી જોઈ શકાય અને પોતાની શંકાનું સમાધાન મેળવી શકાય. એટલે વળી પાછી ઘોડીને એડી મારી અને પછી તો ઉપરાઉપર એડીઓ મારવા લાગ્યા. બેય ઘોડીઓ એનાથી દોડી શકાય એટલી ઝડપે દોડી રહી હતી. વધારે ઝડપ હવે શક્ય નથી, એની ખાતરી થતાં સુધી દરબાર એડીઓ મારતા રહ્યા. સાથોસાથ અમરબાઈને જોવા માટે દષ્ટિને સતેજ પણ કરતા રહ્યા. પરંતુ વધી રહેલા અંધકારની સાથે તે પણ વાવડી ગામ પણ હવે તો પડખાવે રહી ગયું હતું અને સામે જ પ્રાણીમાત્રને પ્રેમનો, શાંતિનો તેમજ નિર્ભયતાનો મંગલ સંદેશ આપતો, આશ્રમની શાન સમો ધર્મધ્વજ લહેરાઈ રહ્યો હતો. આશ્રમને ફરતો કોટ પણ ઝાંખો દૃષ્ટિગોચર થતો હતો.

દરબાર હરસૂર વાળાએ ધ્વજ તરફથી નજરને ખેસવીને મારગ ઉપર ઠેરવી, ત્યાં જ એ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

તેનાથી એક નાડાવા આગળ એ જ મસ્તાની ચાલે ચાલી રહેલી અને ‘સત્ત દેવીદાસ’ ની ધૂન મચાવતી જમણા હાથમાંના ચીપિયાને ઝૂલાવતી અમરબાઈ સ્વસ્થ ચિત્તે સંપૂર્ણ નિર્ભયતાથી જઈ રહી હતી.

તેની આગળ થઈ જવા માટે દરબારે છેલ્લો પ્રયત્ન કર્યો. બેય ઘોડીઓ એકધારા ગતિએ સતત દોડવાથી થાકી ગઈ હતી, છતાંય અસવારોની એડીનો સ્પર્શ થતાંની સાથે જ વેગ ધરી રહી હતી.

આશ્રમ સમીપમાં જ હતો. ‘હમણા પકડી પાડું ! હમણાં મોઢા આગળ થઈ જાઉં !’ એમ તલસી રહેલા દરબાર એક નજરે અમરબાઈને જોઈ રહ્યા હતા. બરાબર ત્યાં જ સાંધ્ય-આરતીનો પ્રારંભ સૂચક શંખનાદ થઈ રહ્યો. આગળ જતાં અમરબાઈ માતાજીએ જોરથી ‘સત્ત-દેવીદાસ’ એવો પુકાર કર્યો. એના પ્રત્યુત્તરમાં આશ્રમમાંથી પણ બુલંદ સ્વરે ‘અમર-દેવીદાસ’ નો નાદ ઊઠ્યો. અમરબાઈ માતાજી “સત્ત દેવીદાસ’ શબ્દનો ઉચ્ચાર કરતાં જઈ રહ્યાં હતાં,સાંધ્ય-આરતી શરૂ થઈ ગઈ. ઝાલરો રણકી રહી. નગારા ગાજી ઊઠયાં.

દરબાર હરસૂર વાળાને એ વાતનું ભારે આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આવી પાણીપથી વેગપૂર્વકની ઝડપી દોડ હોવા છતાંય તેની અને અમરબાઈની વચ્ચેનું નાડાવા જેટલું અંતર લેશ પણ ઓછું થયું નહોતું ? અંતર એટલું જ હતું, લેશ પણ ઘટયું નહોતું અને તેમના દેખતાં જ અમરબાઈએ આશ્રમના દરવાજામાં પ્રવેશ કરી લીધો હતો.

અમરબાઇ માતાજીના વેગને આંબવુ અશક્ય હતુ કારણ કે અમરબાઇ માતાજી જયારે માંડણપીર પાસે પ્રથમભિક્ષા લેવા મુંજીયાસર આવ્યા હતા ત્યારે શ્રી હિરબાઇ માતાજીએ (દેવીદાસબાપુના ધર્મપત્ની) સમાધી માથી હાથ બહાર કાઢી આપેલ અમર ચુંદડી અને આશિર્વાદની શક્તિ હતી. માટે આટલા ગાઉનું અતર તે સહજતાથી,સરળતાથી થાક વીના પાર કરી શકતા હતા.

ભાગ-૧૫…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ

  • ૧)અમર સંત દેવીદાસ – હરસુર ગઢવી
  • ૨)મહાશોધ નિબંધ ‘પરબ પરંપરા ના સંત કવિઓઃએક અભ્યાસ’ પ્રસ્તુત કર્તા વાઢેર.મહેશ.જે
  • ૩)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!