દેવીદાસબાપુ દ્રારા અન્નપુર્ણા અમરમાને પ્રથમ ટુકડો (ભિક્ષા) લેવા મુંજીયાસર માંડણપીર પાસે મોકલવા અને માતૃશ્રી હિરબાઇમાએ ચેતન સમાધિમાથી હાથ બહાર કાઢી અમર ચુંદડી આશિર્વાદ સ્વરુપે અમરમા ને આપી.

પરબમાં દેવીદાસબાપુની સેવા ભક્તિથી રક્તપિતીયાઓની સંખ્યામાં વધારો થવા લાગે છે. દેવીદાસબાપુ અમરમાના આગમનથી ખુશ થાય છે. હવે દેવીદાસબાપુ ને અમરમાં કહે છે બાપુ હવેથી ટુકડો માંગવાની જવાબદારી તમે મને સોંપો, દેવીદાસબાપુ કહે છે બેટા એ બહુ જ કપરૂ કામ છે તું આ વગડામાં એકલી કેમ નીકળીશ. અમરમાં કહે બાપુ હું એકલી નથી તમારા આશીર્વાદ મારી સાથે છે. જેથી મને ટુકડાની જવાબદારી સોંપો.

દેવીદાસબાપુ અમર માંને ટુકડાની જવાબદારી સોંપે છે પણ કહે છે કે તારે પહેલો ટુકડો માંગવા મુંજીયાસર જવું પડશે અમરમાં જવા માટે તૈયાર થઇ જાય છે. દેવીદાસબાપુ પોતાની અલખજોળી અમરમાં ને આપે છે. જેને લઇ અમરમાં ટુકડો માંગવા મુંજીયાસર જાય છે.

અમરમાં નવયોવન હતા.સુમસામ વગડામાં એકલા અલખ જોળી લઇ મુંજીયાસર તરફ ચાલવા લાગે છે, અમરમાંના મનમાં કંઇક પ્રકારના વિચારો ભમતા હતા, જાણે કે તેના બાળપણના પહેલા પગલા પડતા હોય તેમ એક એક પગલું ખુબ વિચાર કરી પડતું હતું. વગડામાં કોઇ સામે મળનારૂ પણ ન હતું બસ એક દેવીદાસબાપુનું નામ, ખંભા માં અલખજોળી લઈ અમરમાં ગુરૂઆજ્ઞાના પાલન કાજ ચાલી નીકળ્યા હતા.વગડો જાણે કેમ કરીનેય પસાર થતો ન હતો, સત્ દેવીદાસ નામના નાદ બોલતા બોલતા અમર ચાલવા લાગ્યા હતાં.

અમરમાંના મનમાં એક વિચાર ખુબ આવતો હતો કે બાપુ આટલા ગામ છોડી મને પહેલો ટુકડો માંગવા મુંજીયાસર કેમ મોકલી છે આવો વિચાર કરતા કરતા આગળ વધવા લાગે છે.પાછું મનમાં એવું પણ થાય છે કે દેવીદાસબાપુ એ મને મુંજીયાસર જવા કહ્યું છે તેમાં જરૂર બાપુ મને કંઇક આપવા માંગતા હશે જે મુંજીયાસર ની પવિત્ર પાવન દેવભૂમિ પર દેવીદાસબાપુ જેવા દતાત્રેય અંશાવતારે જન્મ લીધો તે ભુમિ ના આશિર્વાદ માત્રથી માણસનું કલ્યાણ થઇ જાય. મુંજીયાસર જુની જગ્યામાં રહી દેવિદાસબાપુએ અલખઘણીની આરાધનાથી સમગ્ર ભૂમિને મંગલકારી બનાવી દીધી હતી આ પવિત્ર ભૂમિ પર અમરમાં પોતાનો પહેલો ટુકડો માંગવા જતા હતા તેની ખુશી પણ અમરમાંને ખુબ હતી. અમરમાં સત્ દેવીદાસ નામ બોલતા મુંજીયાસરની પાવન જેવા ગુરૂ ભૂમિ પર આવી પહોંચે છે,ગામમાં પગ મુકતા જ જાણે અમરમાં ને એવું લાગે છે કે ધરતી જાણે અમરમાં માટે માતાના સ્વરૂપ માં હોય અને અમરમાં તેમની પુત્રી હોય તેમ અમરમાં ના હેત ઉભરાવવા લાગે છે.અમરમાંનો પહેલો દિવસ હતો છતાં મુંજીયાસર માં આવતા અમરમાંને એવું નથી લાગતું કે તે આ ગામથી અજાણ હોય અમરમાં ને એવું લાગે છે જાણે કેટલાય જન્મોનો સંબંધ આ ભૂમિ સાથે હોય.

અમરમાં ગામના પાદરમાં પ્રવેશ કરે છે ગામ આવતા જ પવિત્ર પાવન ભૂમિ જુની જગ્યા પાદરમાં આવતા અમરમા વિચારે છે આતો મારા બાપુનું ઘર છે આ મારૂ ઘર છે હું ધરે જઈ મારા બાપુના પરિવાર પાસે થોડા લાડકોડ કરી આવું મનમાં વિચારતા વિચારતા અમરમાં જુની જગ્યામાં આવે છે.માંડણપીર બાપુ રોગીઓની સેવા કરતા હતા.અમરમાં માંડણપીરબાપુને પગે લાગે છે. કહે છે બાપુ આજ મને એમ થાય છે કે હું જાણે મારી નવી જીંદગીની શરૂઆત મારા બાપુના ઘરેથી જ કરતી હોવ, મને ખુબ ખુશી થાય છે. માંડણપીર બાપુને અમરમા કહે છે. હું દેવીદાસબાપુની આ અલખજોળી લઇ નિકળીતો ગઇ છું પણ બાપુ જાણે કંઇક ઘટતું હોય તેવું મને લાગે છે માટે જ દેવીદાસબાપુ એ મને સર્વપ્રથમ મુંજીયાસર ટુકડો લેવા મોકલી છે.

માંડણપીર બાપુ દેવીદાસબાપુ ની બધી લીલા સમજી ગયા હતા તે અમરમાંને કહે છે બેટા અમર આ તારૂ જ ઘર છે અહીં તારે કંઇ ચિંતા ન કરવાની હોય દેવીદાસબાપુને તારા જેવી તેજસ્વી દિકરી મળી છે હવે તો દેવીદાસબાપુને પણ કોઇ ચિંતા નહી રહે, આમ પણ દિકરી તો વ્હાલનો દરિયો છે, જેથી તેને મેળવી અમારી જેવા સાધુ સંતો ને પણ ખુબજ ખુશી થાય છે. માંડણપીરબાપુ અમરને અંદર લઈ જાય છે ત્યાં અમરમા રૂડાપીરબાપુને પગે લાગે છે.રૂડાપીરબાપુ અમરમાને આશિર્વાદ આપે છે, કે તારૂ અને તારા ગુરૂનું નામ આ જગતમાં અમર કરજે દિકરી.

અમરમાં ઘરના બધા સભ્યોને મળે છે જાણે કે તેમને બધા પોતાના લાગે છે.અમરને દેવીદાસબાપુ પ્રત્યે પિતા જેવી લાગણી હતી જેથી દેવીદાસબાપુના પરિવારને અમરમા પોતાનો પરિવાર ગણી ખુબ ખુશ થાય છે જાણે કે વગડામાં ચાલતા ચાલતા લાગેલો થાક દુર થઇ જાય છે. પોતાના બધા મળવાથી અમરમાં ખુબ ભાવવિભોર બની જાય છે.

અમરમાં જાણે બધુ જ ભુલી બધાની સાથે લાગણીથી વાતો કરવા લાગે છે એટલીવારમાં માંડણપીર ત્યાં આવી અમરમાને બોલાવે છે.માંડણપીરબાપુ કહે છે બેટા અમર તને દેવીદાસબાપુએ ખાસ ઉદેશથી અહિંયા મોકલી છે. આજથી તું જે માર્ગે ચાલી નિકળી છે તે માર્ગ તો ખાંડાની ધાર પર ચાલવા જેવો છે આથી તને ડગલે ને પગલે મુશીબતો નો સામનો કરવો પડશે, આ બધી મુસીબતોમાં એક સંતનું મનોબળ ક્યારેય ડગતું નથી. બેટા, સુખ-દુ:ખ તો મનનો વિકાર છે સુખ-દુ:ખ તો નબળા માણસોના વિચારમાત્ર છે. આપણે મન તો સુખ-દુ:ખ બન્ને એક જ હોવા જોઈએ.
અમર તો માંડણપીર બાપુની વાતો સાંભળી ધ્યાનથી બેસી જાય છે,માંડણપીર બાપુ અમરમાને આ જગતના તાણા-વાણા થી માહિતગાર કરે છે અમર બેટા હજુ તો તારે ઘણાં કપરા માર્ગોએથી પસાર થવાનું છે આ બધા જ માર્ગોએ ચાલવા માટે તારે ખુબ જ ભક્તિ-શક્તિની જરૂર પડશે આ કારણથી જ દેવિદાસબાપુએ તને અહિંયા મોકલી છે.આમ માંડણપીરબાપુ અમરને સત્ ધર્મના માર્ગ પર ચાલવા માટે સત્ ધર્મનું જ્ઞાન આપે છે.પછી માંડણપીર બાપુ અમરને કહે છે ‘બેટા અમર તુ ક્યારથી અહિં આવી છો પણ તું હજુ સુધી જગજગની માં લક્ષ્મી સ્વરૂપી હિરબાઈમાંના સમાધી સ્થાને દર્શન કરવા નથી ગઈ!જા બેટા માં હિરબાઇ માં નો આશીર્વાદ લઈ લે, હિરબાઇ માં ના આશીર્વાદથી તારો દરેક માર્ગ તારા માટે ફુલોનો બની જશે.’

અમરમાં દેવિદાસબાપુ ના ધર્મપત્ની હિરબાઇ માંની સમાધી એ આવી જાણે એક દિકરી પોતાની માતા પાસે આવી માંની મમતામાં જાણે ઓતપ્રોત થઇ જાય છે તેમ અમર પણ હિરબાઇ માં ના સમાધી સ્થાને આવી માં હિરબાઇમાંની ચેતન સમાધિમાં ઓળધોળથઇ જાય છે, જાણે કે માં-દિકરીનું ઘણાં સમયે મિલન થયું હોય તેમ અમરમાં પોતાના અશ્રુઓને રોકી શકતા નથી, અમર લાગણીના પ્રવાહમાં તણાવા લાગે છે, એટલામાં જાણે કે હિરબાઇમાં પોતાની દિકરી ને પોતાના કાળજે લગાવવા માંગતા હોય તેમ સમાધીમાંથી હિરબાઇ માં ના હાથ બહાર આવે છે હાથમાં ચુંદડી હોય છે, જે અમરમાં ને ઓઢાડે છે આ ચમત્કાર જોઇ જગ્યામાં રહેતા સાધુ સંતો ચકિત થઈ જાય છે. માંડણપીર બાપુ અને રૂડાપીરબાપુ બધું જાણતા હતા તે આ ચમત્કારથી ખુબ ખુશ થાય છે.એટલામાં સમાધિ માંથી અવાજ આવે છે દિકરી,અમર આ ચુંદડી હંમેશા તારી માથે રાખજે આ અમર ચુંદડી જ્યાં સુધી તારી માથે હશે ત્યાં સુધી તું મનની ગતિથી વેગ કરીશ, આ જગતના સુખ-દુ:ખ, ટાઢ-તડકો કઈ પણ તારો માર્ગ નહી રોકી શકે, આવો ચમત્કાર જોઈ અમર તો ભાવવિભોર થઈ જાય છે.માંડણપીરબાપુ કહે છે અમર દિકરા આ ચુંદડી મેળવવા માટે જ દેવિદાસબાપુ એ તને અહીંયા ટુકડો લેવા મોકલી હતી, આ હિરબાઇમાના આશિર્વાદ રૂપી અમર ચુંદડી તું હંમેશા તારી સાથે રાખજે તારો માર્ગ ખુબ જ આસાન થઈ જશે.

આમ અમરમાં તો માં હિરબાઇના આશીર્વાદથી જાણે કે દુનીયાના સુખ-દુ:ખથી પર થઇ ગયા હોય તેમ તેમના અંગે અંગમાં સત્ ધર્મની જ્યોતિ જલવા લાગે છે. અમરમાં માંડણપીરબાપુ રૂડાપીરબાપુના આશિર્વાદ લઇ ગામમાં ટુકડો લેવા જાય છે અને સત્ દેવીદાસ નામ બોલતા બોલતા ટુકડો લઇ ચાલવા લાગે છે જાણે કે કોઇ અદ્રશ્ય શક્તિ અમરમાં ના શરીરમાં પ્રવેશી ગઈ હોય તેમ અમરમાં રસ્તો કેમ પસાર કરવા લાગે છે તેની ખબર જ રહેતી નથી આમ અમરમાં પોતાના ધર્મને માર્ગે ચાલવા સક્ષમ બની જાય છે.

અમરમાં પરબે આવે છે દેવીદાસબાપુના ચરણમાં પડી બાપુના આશીર્વાદ લે છે.દેવીદાસબાપુ અમરમાંના મસ્તક પર ચુંદડી જોઈ કહે છે બેટા અમર હવે તારા માટે દરેક માર્ગ ખુબ સહેલો થઇ જાશે આ અમર ચુંદડી હંમેશા તારું રક્ષણ કરશે. આમ અમરમાં હવે દરરોજ વહેલા ટુકડો માંગવા નીકળી જાય છે. દેવીદાસબાપુ હવે પરબમાં રહેતા રોગીયા, રક્તપિતિયાઓની સેવામાં લાગી જાય છે.

સવારે, મધ્યાહ્‌ને કે સાંજે ગામડાંની સીમમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાભીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા મચી જતા કે, ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી.’ નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતાઃ ‘મીરાંબાઈ બનવા નીકળી છે ! ધણીધોરી વગરની પાટકે છે ! જુવાની જોઈ એની જુવાની !’

ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરની ચણચણાટી અમરબાઈ એ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતા ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ’ બોલતી : ‘સત દેવીદાસ’ ‘સ….ત દેવીદાસ.’

દિવસો ગયા. હાંસી શમવા માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી : “સત દેવીદાસ, મા !”

“સત દેવીદાસ, બાપુ!” અમરબાઈ સૌને જવાબ દેતાં.

“મા, દુઃખની વાત સાંભળતાં જશો ?”

“કહોને બાપુ !”

“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે, ઘોડિયું બંધાવોને !”

“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને !”

“અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને મા !”

સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં. “દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે, બાપુ : કે ઈશ્વર સહુનું સારું કરજો ! ”

‘બાવણ મતલબી હશે ભાઈ!’ એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સુંડલી ભરી રસ્તામાં ઊભાં રહેતાં.

“ન ખપે, કશુંય ન ખપે ભાઈ લોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.

એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.

થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી: “જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?”

થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં, રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી બેસીશ, રખેને મારા ડહાપણનું હુંપદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો :

“આપણો સંઘરો આપણને જ દાટી દેશે; બે’ન ! તારા પગ થાક્યા છે?”

“રામરોટી પૂરી થતી નથી.”

“કેને કેને માગો છો તમે?”

“તમામ હિંદુ વરણને.”

“મુસલમાનને કાં નહીં? રક્તપીતિયાને જાત નથી, બે’ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન અભડાય. આપણેય જાત તજી છે.”

થોડી વાર પછી સંતે સંભારી આપ્યું : “વંચિત લોકોના વાસમાં જાઓ છો ?”

“ના રે !”

“કેમ નહીં? શીદ તારવો છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને ?”

“ના.”

“આપણે પ્રભુથીયે ચોખ્ખેરા ?” સંત હસ્યા.
અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.

ભાગ-૧૪…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ
અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત
પુરાતન જ્યોત-ઝવેરચંદ મેધાણી

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી. મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!