દેવંગી સત્ દેવીદાસનો જન્મ

સત ધરમને ભાળવા, દુઃખીયાની લેવા સાર;
દીનબંધુ દેવીદાસજી, અવનિ ધર્યો અવતાર.

મુંજીયાસર ગામમાં પુંજાઆપા એક પરમ ભક્ત છાપ ધરાવતા હતા. પુંજાઆપા માતાજી મનસાગરી મોમાઇ ના ભુવા હતા. ગામમાં નેસડામાં આવી પુંજાઆપાને ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું ન ફરે પુજાઆપા પોતાના ઘરે આવેલને સાથે બેસી જમાડે તથા તેની સેવા ચાકરી કરે. આંગણે આવેલા સાધુ સંતોની આગતા સ્વાગતા અને નિસ્વાર્થ ભાવે સેવા કરે.

પૂજાઆપા ના ઘરેથી તેમના ધર્મપત્ની સાજણમાં પણ ખુબજ સંસ્કારી નારી હતા. તેનામાં જાણે યશોદામાનું સ્વરૂપ હોય તેવી રીતે તે નેસડાના બધા બાળકોને એ ખુબ હેત કરતા અને બધાનું ખુબજ ધ્યાન રાખતા. પુજાઆપા અને સાંજણમાં આવા પ્રભુ ભક્ત છતાં તેમને ત્યાં સંતાન ન હોવાથી સમાજ તેની ખુબજ વાતો કરે છે.

પુંજાઆપાના નાના એવા મકાનમાં એક ઓરડો માતાજીના મઢ તરીકે હતો તેમાં માં મોમાઇના બેસણા હતા અને એક ઓરડો પોતાના માટે રાખતા, નેસડાના લોકો માતાજીના દર્શન કરવા પુજાઆપાને ત્યાં આવે એટલે તે લોકો પુજાઆપા આગળ ચિંતા કરતા કરતા કહે કે, આપા આટલા માતાજીના ભક્ત છો છતા માં આપને કેમ એક સંતાન નથી આપતા, પુંજાઆપા કહેતા કે બધું તેના હાથમાં છે સમય આવશે એટલે જરૂર મા આપશે.ગામની સ્ત્રીઓ તો સાંજણમાં ની પાછળ થી એવી વાતો કરે કે આ વાંઝીયાઓના મોઢા જોવાથી જ આપણા દિવસો બગડે છે.

પુંજાઆપા અને સાંજણમાં આવી વાતો ધ્યાનમાં ન લેતા પણ બન્ને એમ વિચારતા કે માતાજીની આપણા પર કોઈ વધારે મહેર કરવાની ઇચ્છા હશે જેથી આપણી આટલી બધી પરિક્ષા લે છે આમ માની બન્ને જણ માં મોમાઈ તથા પ્રભુ પર વિશ્વાસ રાખતા કે એક દિવસ પ્રભુ આપણને જરૂર પુત્ર આપશે.

થોડા સમય થતા નેસડાના બધા વડિલો પુજાઆપાને સમજાવે છે કે બીજા લગ્ન કરી લ્યો જેથી આપને ત્યાં પુત્ર થાય અને આમ પણ પુંજાઆપાનું ખોરડું મોટું હતું, નેસડાના વડિલોને ચિંતા થતીકે પૂજાઆપાને ત્યાં કોઈ સંતાન હોય તો સારું લાગે, બધા લોકો પુંજાઆપાને ખુબ સમજાવે છે પણ પુજાઆપા જવાબ આપે છે કે પ્રભુને જો સંતાન આપવું જ હોય તો અત્યારે પણ આપી શકે છે અને ન આપવું હોય તો બીજા લગ્ન છતાં પણ નહિ આપે, તો પછી બીજા લગ્નનો શો અર્થ.

સાજણમાં પુજાઆપાને સમજાવે છે કે બધા વડિલો કહે છે તો આપ બીજા લગ્ન કરી લ્યો આમ બધાના ખુબ જ સમજાવવા છતા પુંજાઆપા સમજતા નથી પછી એક દિવસે પુંજાઆપાને વિચાર આવે છે કે આ બધા જે કહે છે તો મારે તેમના વેણ ખાતર પણ બીજા લગ્ન કરવા જોઈએ આમ પુંજાઆપા બીજા લગ્ન માટે તૈયાર થઈ જાય છે.

પુંજાઆપા ના બીજા લગ્ન રતનમાં સાથે થાય છે. જે ભાડકા શાખના રબારીના દિકરી હતા તેઓ પણ ખુબ સંસ્કારી, ધર્મપરાયણ નારી હતા. પુંજાઆપા સાંજે ગાયો ચરાવી હાથ પગ ધોઈ માં મોમાઇ ના મઢમાં જઈ ધુપ દીપ કરી માતાજીને મનાવતા તેમના ધર્મપત્ની સાજણમાં અને રતનમાં પણ તેમની સાથે સેવા ભક્તિ કરતા.આમ તેમનું જીવન ધર્મભક્તિમાં પસાર થતું જાય છે, પણ બીજા લગ્ન કરવા છતાં તેમને ત્યાં સંતાન પ્રાપ્ત થતી નથી.

પુંજાઆપા કોઈ કોઈ વાર ગીરનારની પરિક્રમા કરી આવતા ત્યાં સાધુ સંતોની સેવા કરી તેમના આશિર્વાદ મેળવતા આમ તેમનું જીવન સાદાઈથી પ્રભુ ભક્તિમાં પસાર થતું હતું. તેમના મનમાં એક પ્રકારની ચિંતા રહેતી કે મારે ત્યાં ક્યારે નાનું બાળક આંગણું શોભાવશે, આવી રીતે સમય પસાર થતો.

સાંજણમાં અને રતનમાં પણ ખુબ પ્રભુ ભક્તિ કરતા આંગણે આવેલા સાધુ-સંતો, અભ્યાગતો, મેહમાનોને ખુબજ પ્રેમથી ભોજન પીરસતા દુધ આપતા તેમની ખુબ આગતા સ્વાગતા સેવા કરતા આમ છતાં પ્રભુ એમના પર અમિદ્રષ્ટિ કેમ કરતા નથી એવી ચિંતાથી બન્ને માતાઓ ખુબજ ઉદાસ રહેતા, છતાં પણ ક્યારેય પુંજાબાપા આગળ પોતાની ઉદાસીનતા ન બતાવતા તેમની પાસે તો હંમેશા એવી વાત જ કરે કે પ્રભુ આપણને જરૂરથી સંતાન આપશે.અને એ પણ કઈ જેવું તેવું સંતાન નહિ પણ દિવ્ય તેજવાળુ બાળક આપશે આપણે માં મોમાઈની આટલી સેવા ભક્તિ કરીએ છીએ તો માં આપણી ઉપર કૃપા જરૂર કરશે.

હવે તો નેસડાના લોકો ખુબ મેણા બોલવા લાગેલા, લોકો કહેતા કે ખુબ ભજન ભક્તિ કરે છે તો માં કેમ એક સંતાન નથી આપતા, ઘણાં તો એમ કહેતા કે પુંજાભગતે આગલા જન્મમાં કોઈ પાપ કરેલા હશે જેથી તેને કોઈ સંતાન થતા નથી નહિતર બે-બે પત્ની કરેલ હોવા છતાં એક પણ સંતાન નથી આમા જરૂર કોઈ દોષ હોવા જોઈએ. આમ આવા મહેણાટોણા સાંભળી પુજાભગત અને તેની બન્ને ધર્મપત્નિઓને ખુબજ દુઃખ થતું. પુજાઆપા પ્રભુના શરણો માં પ્રાર્થના કરતા કે હે ભગવાન અમારું દુઃખ દુર કરવા તમારે આવવું પડશે.

સંવત સતાસોની શરૂઆતના એ દિવસો હતા ભારત વર્ષમાં જાણે કપરો કાળ શરૂ થઈ ગયો હોય તેવું લાગતું હતું. વરસાદ પણ આ વર્ષે ખુબ ઓછો વરસ્યો જેના કારણે નાના મોટા ખેડૂતો મુંઝાવા લાગ્યા અને રબારીઓ, માલધારીઓ પોતપોતાની ગાયો ના નિભાવવાની ચિંતા કરવા લાગ્યા, પુંજાઆપા તથા નેસડાના બધા સાથીઓ મુંઝાવા લાગ્યા કે હવે ક્યાં જવું, બધા કહેવા લાગ્યા કે હવે ગિરનાર નજીક ચાલ્યા જઈએ દિવસો પસાર કરીશું પુંજાઆપા પણ સહમત થાય છે કે ગાયોને બચાવવા આજે ગિરનારની નજીક ક્યાંક જવું પડશે.

આમ બધા માલધારીઓ પુંજાઆપા સાથે મુંજીયાસરથી નીકળી કોઇ સારા અને ધાસચારો પાણી મળી રહે તેવા સ્થાનની તપાસ કરતા કરતા આગળ ચાલવા લાગે છે એક પછી એક ગામ પસાર કરતા જાય છે ક્યાંય નદી નાળા વહેતા નોહતા ક્યાંય પાણી નોહતુ, બધે જ દુકાળ નો ખરાબ સમય હતો, હવે તો માણસો પણ માનવતા ભુલી જવા લાગ્યા હતા ચોરી લુટફાટ ના બનાવો વધતા જતા હતા.

આમ પુંજાઆપા નેસડા સાથે ગઢ ગિરનારની જ્યાંથી શરૂઆત થાય છે એ જંગલનું નાકું કહેવાતું ત્યાં રામનાથનાની બાજુમાં સોનરખ નદીના કાંઠે લીલાચારાનું સાર પ્રમાણ જોતા ત્યાં નેસડા બાંધી રહેવા લાગે છે. આવા કપરા સમયમાં પુંજાઆપા સાંજણમાં અને રતનમાં તથા નેસડાના બધા માલધારીઓ ડુંગરાઓ વચ્ચે શાંતિથી આ સમય પસાર કરવાનું નક્કી કરે છે. સામેના ડુંગર પર એક સિધ્ધયોગીનો ઘુણો હતો.આ સિધ્ધયોગી આસન જમાવી ગુરૂદતાત્રેય ભગવાનની ઉપાસના કરતા હતા. તે સિધ્ધયોગીનું નામ જેરામભારથી હતું તેની સામેના બીજા ડુંગર પર સાઈ નુરસતાગીર ફકીર આસન જમાવી બિરાજમાન હતાં.

જેરામભારથી અને સાઈ નુરસાંઇ ને એવી ધર્મની મિત્રતા હતી કે બન્ને જણા યોગથી સતત એકબીજા સાથે વાર્તાલાપ કરતા, તેમની ભક્તિ એટલી હતી કે તેમને મન રામ, રહિમનો કોઈ ફેર નહોતો બન્ને એ જાણે પ્રભુને મેળવ્યા હોય તેવા તે સિધ્ધયોગીઓ હતા.તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ખુદ ગુરૂ દતાત્રેય ભગવાન તેમના હાથે ચલમ પીવા આવતા ભગવાન ગુરૂ દતાત્રેય ભગવાનની પરમ ભક્તિમાં લીન જેરામભારથી અને નુરસાઈને સમય કે સમાજની ભાન રહેતી ન હતી તેઓ તો તેમની ભક્તિમાં લીન થઈ જતાં.

પુંજાભગત અને તેમના ધર્મપત્ની સાજણમાં અને રતનમાંને આવા સિધ્ધયોગી વિશે જાણવા મળે છે. પુજાભગત અને તેમના બન્ને ધર્મપત્નીઓ ખુબજ ખુશ થાય છે તેમને એવું લાગે છે કે જાણે કોઈ યુગો જુની ઓળખાણ હોય પુજાભગતે તો હવે દરરોજનો નિયમ બનાવી લીધો કે સવાર સાંજ જેરામભારથીની સેવામાં અચૂક જવું. જેરામભારથી આવા ભોળા ભક્તની લાગણીસભર ભક્તિસેવાથી ખુબ જ ખુશ હતાં.

સાંજણમાં અને રતનમાં પણ સવાર સાંજ જેરામભારથી મહારાજ પાવા જતા બન્ને માતાઓને બાવલીયાઓની સેવા કરવાથી ખુબજ ખુશી થતી હેત ધીમે દિવસો પસાર થવા લાગ્યા.

હવે પુંજાઆપા અને તેમના બન્ને ધર્મપત્નીઓનો નિત્યક્રમ થઈ ગયેલો દરરોજ સવારે જેરામભારથી મહારાજને સાંજણમાંના હાથનું દુધ પીધા વગર જાણે અધુરૂ લાગતું અને સાજણમાં ને પણ જેરામભારથી મહારાજ ને દુધ પાયા પછી જ દિવસ ઉગતો આવા સિધ્ધયોગીઓની સેવાથી પુંજાભગત અને સાંજણમાં તથા રતનમાનું જીવન ખુબ ખુશ થઈ ગયું હતું. તેમના જીવનમાં એક અધુરપ હતી છતાં આવા સંતોના સાથથી ભક્તિથી તેમનો સમય કેમ પસાર થઈ જવા લાગ્યો જાણે કે કઈ ખબર જ ન રહી.

આમ ને આમ પુજાઆપા અને બન્ને માતાઓ એક વર્ષ પસાર કરી નાખ્યું. સાજણમાં અને રતનમાં બન્ને ને જેરામભારથી મહારાજ સાથે એવી મમતા બંધાય ગઈ કે જાણે માતા-પુત્ર હોય એવી લાગણી બંધાય ગઈ.

જેઠ માસ આવતા ઈન્દ્ર દેવ જાણે રિઝાઈ ગયા હોય તેમ સોરઠની ભૂમિ પર વરસાદની સારી મહેરબાની થઈ અને સર્વત્ર લીલી વનરાઈ ખીલી ઉઢી. મેઘરાજાની મહેરબાનીથી સર્વ લોકોમાં ખુશી વ્યાપી ગઈ બધા ખેડુતો વાવણી કાર્યમાં લાગી ગયાં.

વરસાદના આવવાથી પુંજાઆપાને પણ બધાની જેમ ખુશી થવા લાગી કે હવે અમે બધા જ અમારા ગામ મુંજીયાસર પરત જઈશું નેસડાના બધા માલધારીઓ ખુશીથી ભાવવિભોર થવા લાગેલા.

સાંજણમાં પુજાઆપાને વાત કરે છે કે હવે આપણે આપણા ગામે ક્યારે જવું છે પુંંજાઆપા કહે છે બધા માલસામાન તૈયાર કરો કાલે સવારે જવા નિકળશું. રાત્રે બધા માલધારીઓ એકઠા થાય છે. બધા ભેગા થઈ સવારે મુંજીયાસર જવાની તૈયારીમાં લાગી જાય છે.

સવાર પડતા બધા પોત પોતાનો માલ સામાન લઇ ચાલવાની તૈયારીમાં હોય છે ત્યારે સાંજણમાં કહે હું મારા બાવલીયાને છેલ્લીવાર દુધ પાતી આવું.

પુંજાઆપા પણ જેરામભારથી મહારાજ પાસે જાય છે જેરામભારથી મહારાજને પગે લાગી નમન કરી કહે છે મહારાજ અમે હવે અમારા ગામ જવા નિકળીયે છીએ તમારા આશિર્વાદ અમારા પર રાખજો, આમ પગે લાગી પુંજાઆપા નિકળે છે. સાંજણમાં અને રતનમાં દૂધ લઈ જેરામભારથી મહારાજ પાસે આવે છે મહારાજ ને દુધ આપી સાજણમાં કહે છે લ્યો મારા બાવલીયા આ છેલ્લી વાર દુધ લઈ લ્યો, હવે અમે અમારા મલક જવાના છીએ, તમારી જેવા સંતોની સેવા કરવાની અમને ખુબ ખુશી હતી પણ હવે વરસાદ સારા થવાથી અમારે અમારા મલક જવાનું છે.

જેરામભારથી મહારાજ દુધ પીતા પીતા કહે છે માં તમારે કેટલા દિકરા છે. માં સાંજણમાં કહે મહારાજ જગતમાં છે એ બધા મારા જ દિકરા છે. આટલું સાંભળી જેરામભારથી મહારાજનું હદય કંપી ઉઠે છે તે બધું સમજી જાય છે, કે માંને સંતાનની ખોટ છે. તે બોલી ઉઠે છે કે માં આ ગાયના દુધ પર પહેલો હક્ક ગાયના વાછરડાનો, બીજા તમારા બાળકોનો પછી અમારી જેવા સાધુનો હક, માં તમે અમને દુધ પીવરાવી તમારા ઋણી બનાવી દિધા છે હવે અમે ક્યા જન્મમાં તમારું ઋણ ચુકવશું આટલું બોલી જેરામભારથી મહારાજ સાજણમાં ને અને રતનમાં ને આશીર્વાદ આપે છે કે તમારે ત્યાં દિકરા થશે, અને એ પણ એવા તેજસ્વી થશે કે, જગમાં નામ કમાશે.

પછી તો સાંજણમાં અને રતનમાં તેમના સાથીઓ ભેગા ભળી મુંજીયાસર આવવા નિકળી જાય છે. આ બાજુ જેરામભારથી મહારાજ વિચાર કરે છે કે માતાએ મને ઋણી બનાવી દિધો મારે તેમનું ઋણ કેમ ઉતારવું. આવા વિચાર કરતા કરતા સાંજ પડી જાય છે જેરામભારથી, અને નુર સાઈ ચલમ જગાવી ગુરૂ દતાત્રેય ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન તેમની પ્રાર્થના સાંભળી ચલમ પીવા પધારે છે.

જેરામભારથી ગુરુ દતાત્રેય ભગવાનને ચલમ જગાવી આપે છે અને પછી વાત કરે છે ભગવાન એક મા ના હાથનું દુધ હું ઘણાં સમયથી પીતો આજે મને ખબર પડી કે તેમને સંતાન નથી જેથી મેં તેમને પુત્ર પ્રાપ્તીનું વચન આપ્યું છે હવે આ વચન કાજ મારે તેમની ત્યાં પુત્ર થઈ જન્મ લેવો પડશે, ગુરૂ દતાત્રેય ભગવાન કહે છે કે તમારી જેવા સંતો અહિયા રહે તે સારૂ અને તમારા વચનની લાજ રાખવા માટે હું તે માતાને ત્યાં જન્મ લઈશ, અને એ પણ મારા ત્રણ અંશ સ્વરૂપે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્વરૂપે મારા અંશો તે માતાને ત્યાં જન્મશે અને જન્મથી તેમના મસ્તક પર દિવ્ય તિલક હશે, જે એ વાતની સાબિતી હશે. આ સાંભળી જેરામભારથી મહારાજ કહે છે પ્રભુ મારા વચન માટે તમારે જવું પડશે, દતાત્રેય ભગવાન કહે છે આ બધી લીલાઓ છે મારા રામા અવતારમાં સરંભગ નામના ઋષિ થઈ ગયા ત્યારે મારી રાહમાં તેઓનું શરીર હાડ માંસનું પિંજર બની ગયેલું તેના શરીરમાંથી લોહી પરૂ વહેવા માંડ્યા હતા જ્યારે અમે તેમને દર્શન આપ્યા ત્યારે તેમને વચન આપેલું કે જ્યારે કળીયુગમાં માનવોને રક્તપિત નામના રાક્ષસથી ત્રાસ હશે ત્યારે અમે આ સ્થાન પર આવી અને માનવીઓની સેવા કરીશું. તેમના લોહી પરુ સાફ કરીશુ આવું વચન અમે સરભગ ઋષિને આપેલું હવે આ વચનનું પાલન કરવાનો સમય ગયો છે જેથી અમારે જન્મ લેવો પડશે અને બીજું ભગવાન પણ ભક્તોના ઋણી બની જતા હોય છે. કૃષ્ણ અવતારમાં ગીતામાં શ્રી કૃષ્ણએ કહેલ જ છે કે ભક્ત મારા સ્વરૂપમાં ધ્યાન ધરશે અને તે સ્વરૂપમાં તેમની સામે આવીશું, કૃષ્ણ અવતારમાં યશોદા માતા એકૃષ્ણનું ખુબ લાલન પાલન કરેલું પણ કૃષ્ણએ તો અધર્મના વિનાશ માટે જ જન્મ લીધો હતો માટે બધાને છોડી તેમને જવું પડેલું, જેથી મા યશોદા એ એવી કપરી ભક્તિ કરીને ભગવાન મારા પુત્ર સ્વરૂપે આવે, તેણે સતત અમારું પુત્રરૂપે જ ધ્યાન ધર્યું છે જેથી અમારે તેમના પુત્રરૂપે અવતાર લેવોજ પડે એમ છે. આમ ક્યારેક અમારે ભક્તોના ઋણ ઉતારવા જન્મ પણ લેવા પડે છે.

જેરામભારથી મહારાજ ગુરૂદતાત્રેય ભગવાનની વાતથી ખુબ જ ખુશ થાય છે અને કહે છે કે હે ભગવાન તો અમારા માટે શું આજ્ઞા છે ત્યારે ભગવાન કહે કે તમે અમારા આ જન્મના માર્ગદર્શક ગુરૂ હશો અમારૂ માર્ગદર્શન તમારે કરવાનું છે.આમ જેરામભારથી મહારાજના વચનની લાજ રાખવા ગુરૂદતાત્રેય ભગવાનના અશાંવતાર નો જન્મ થવાનો છે.

આ બાજુ પુંજાભગત તેમના સાથી માલધારીઓ સાથે મુંજીયાસર આવે છે, મેઘમહેરથી લીલી વનરાય ખુબ જ ખીલેલી હતી, સાતલડી, નકટી, કાદવાળી આવી નદીઓના ત્રીવેણી સંગમ સ્થાન પર વસેલું મુંજીયાસર ખુબ રળીયામણું લાગતું હતું બધા માલધારીઓ પોત પોતાના ઘરોની સાફ સફાઈ કરી રહેવા લાગે છે.

પુંજાઆપા માં મોમાઈના ધુપ-દિપ અને પુજા કરી કામે લાગે છે. સાજણમાં રતનમાં પણ માતાની સેવા પુજા કરી ઘરકામ કરવા લાગે છે સમય પસાર થવા લાગે છે જેરામભારથીના આશીર્વાદથી સાંજણમાને ત્યાં પુત્રોના જન્મ થાય છે સાંજણમાંને ત્યાં ત્રણ પુત્રોના જન્મ થાય છે સાક્ષાત પરમેશ્વરના અંશો જેવા બાળકો લાગે છે. મુંજીયાસર ગામ પણ પુંજા ભગતને ત્યાં પુત્રોના જન્મથી ખુબ ખુશી વ્યક્ત કરે છે. નેસડાના લોકો પુજાભગતને કહે છે કે માં મોમાઈ નો ભુવો આવી ગયો હવે પુજાભગતને ચિંતા નહિ રહે.

રતનમાંને ત્યાં પણ ચાર પુત્રો થાય છે. સાંજણમાં ના ત્રણ પુત્રોના નામ દેવો, રૂડો, માંડણ રાખવામાં આવે છે તેમના મસ્તક પર દિવ્ય તેજ વાળા તિલક હોય છે. જેથી બધા તેમને સાધુ સંતોની પ્રસાદી સ્વરૂપે માને છે. રતનમાંના ચાર પુત્રોના નામ દેવજી, જેઠો, વશરામ અને રામ રાખવામાં આવે છે. તેમને ત્યાં પુત્રીરત્નની પ્રાપ્તી પણ થાય છે.

આમ પુજાં આપા પર પ્રભુની મહેરથી બધા જ ખુબજ ખુશ થાય છે.

સોરઠમાં તો સંત પધાર્યા પ્રગટ થયા પીર,
દત સ્વરૂપે દેવંગી થયા અલખ તણા એ વીર.

ભાગ-૩ ક્રમશઃ પોસ્ટ..

નોંધઃ અમે દેવીદાસ બાપુના વંશજો છીએ અને અમે અમારા વહિવંચા બારોટ તથા વાસ્તવિક ઇતીહાસના આધારે માહિતી લીધેલ છે જેની નોંધ લેશો.

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.94261 62860

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!