સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી

પુંજાઆપા દેવીદાસબાપુના વિવાહ માટે સાંજણમાં અને રતનમાં ને વાત કરે છે કહે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેના વિવાહની તૈયારી કરવી જોઈએ.

દેવીદાસબાપુના વિવાહ હિરબાઈમાં નામના આલ શાખના રબારીના દિકરી સાથે થાય છે. રૂડાપીર બાપુના લગ્ન રાણીબેન નામના અજાણા શાખના રબારીના દિકરી સાથે થાય છે. આમ સમય જતા બધા ભાઈઓના લગ્ન પ્રસંગો લેવાય છે. બધાંજ પોત પોતાના પરિવારોની જવાબદારી સાથે ધર્મ ભક્તિ કરતા જાય છે.

સમય પસાર થતો જાય છે પુંજાઆપા અને સાંજણમાં તથા રતનમાં ની ઉમર વધતા થોડા થોડા સમયાંતરે પુંજાઆપા તથા સાજણમાં તથા રતનમાંનો સ્વર્ગવાસ થાય છે હવે ઘર-પરીવારની બધી જવાબદારી દેવીદાસબાપુ ઉપર આવે છે. પણ આતો દેવનો અંશ બધી જવાબદારી હોવા છતાં આંગણામાં આવેલ માતાના મઢમાં સેવા ભક્તિ ધુપ દિપમાં લીન થઈ જાય અને કાળેશ્વર મહાદેવની પુજામાં કલાકોના કલાકો પસાર કરી નાખે.

દેવીદાસબાપુના ધર્મપત્ની માં હિરબાઈમાં સાક્ષાત ગૃહલક્ષ્મી સ્વરૂપ અન્નપુર્ણા હતા ઘરમાં આવતા તેણે આખાય ઘર પરીવારની જવાબદારી સંભાળી લીધી હતી. દેવીદાસબાપુ, રૂડાપીર અને માંડણપીર ત્રણેય ભાઈઓ કાળેશ્વર મહાદેવના મંદિરે સેવા પુજા કરી તેમની પ્રસન્નતા મેળવે છે. બીજા ભાઇઓ માલ-ઢોરની જવાબદારી સંભાળતા સમય કેમ પસાર થાય છે તેની ખબર નથી રહેતી દેવીદાસબાપુ અવાર નવાર ગીરનારની પરિક્રમા કરવા જતા કેટલાય દિવસો તેમ પસાર કરતા પછી ગર જેરામભારથીના આશ્રમે જતા ત્યાં રોકાતા ગુરૂની સેવા કરતાં.

ગુરૂ જેરામભારથી પણ જાણતા હતા કે દેવીદાસ તો પરમ કૃપાળુ પરમેશ્વર દતાત્રેય ભગવાનને અંશ છે જેથી દેવીદાસબાપુના આગમનથી જેરામભારથી તથા નુરસાઈપીર ખુબ ખુશ થતા તેની સાથે ધર્મોપદેશમાં દિવસો પસાર કરી નાખતાં.

દેવીદાસબાપુ હવે ધીરે ધીરે સમાજથી પર થતા જાય છે. દુ:ખીયાની સેવા ભુખ્યાઓને અન્ન દેવા માં જ પોતાનો સમય પસાર કરવા લાગે છે. જાણે કે જગતપીતા દતાત્રેય ભગવાન પોતાના હાથે માનવીઓને જમાડતા હોય તેની સેવા કરતા હોય તે માનવીઓને શું દુઃખ રહે?

મુંજીયાસર ગામમાં આવનાર અતિથીઓ સાધુ સંતો બધા દેવીદાસબાપુના ગુણગાન ગાતા બધા કહેતા કે આતો દેવીદાસની માયા છે કે આ ગામની ધરતી પર માનવ સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે.

દેવીદાસબાપુની સેવા ભક્તિમાં તેમના ધર્મપત્ની હિરબાઈમાં તેમની સાથે જ રહેતા આંગણે આવેલા દુઃખીયાઓને જમાડવામાં ક્યારેય કાઈ ઓછું ન આવવા દેતા. ત્રણેય ભાઈઓની સેવા ભક્તિમાં તેમને ખુબ સાથ સહકાર આપતાં.

દેવીદાસબાપુ ની ઉમર ૩૮ વર્ષની થવા આવી હતી. એ સમયગાળામાં દેવીદાસ બાપુ અને હિરબાઈ માં એ જાણે કે અલખના આરાધ કરી જાણ્યો હોય અને જાણે કે આ જગતને સંદેશો આપવાનો સમય આવી ગયો હોય તેમ દેવીદાસબાપુ પાસે હિરબાઈ માં સમાધી લેવાની રજા માંગે છે, દેવીદાસબાપુ પણ બધું જાણતા જ હતાં. તેઓને પણ જગત ઉધ્ધાર માટે અને શરભંગઋષિને આપેલ વચનની લાજ રાખવા તેનો ઘુણો ચેતન કરવાનો સમય આવી ગયો હતો.

ઘરમાં બધાને વાત કરવામાં આવે છે કે હિરબાઈ મા સમાધી લેવા માંગે છે. ઘરના બધાના ચહેરા પરથી તેજ ઉડી જાય છે.

રૂડાપીરબાપુ અને માંડણપીરબાપુ તો જાણતા જ હતા કે બધુ કાર્ય પૂર્ણ કરવા માટે સમયે સમયે એકબીજાથી જુદુ થવું પડે તેમ જ હતું.

પરંતુ ઘરના બીજા ભાઈઓ, છોકરાઓ બધા ખુબ દુઃખી થઈ જાય છે માં લક્ષ્મી સ્વરૂપી હિરબાઈમાં આપણાથી રિસાઈ જાય છે આપણને છોડી ચાલ્યા જાય છે આવી વાતોથી બધા ખુબ દુઃખી હતા.ગામમાં પણ જ્યારે વાત સંભળાય છે કે દેવીદાસબાપુના પત્ની સમાધી લેવાના છે ત્યારે ગામ લોકો પણ વિચારતા થઈ જાય છે બધા અલગઅલગ વાતો કરવા લાગે છે કોઈ કહે છે એ તો અવતારી છે તે સમાધી જ લે, ઘણાં કહે એતો દેવીદાસ આ જગતને પરચો આપવા માંગે છે.

પણ કોઇ એ ન્હોતું જાણતું કે આ તો જગતપીતા ગુરૂદતાત્રેય ભગવાનની લીલા હતી કે સમાજમાં રહી એક મનુષ્ય થઈ જીવનો ઉદ્ધાર કરવાનું શીખવવા આવ્યા હતાં.

હવે બધું નક્કી થઈ જાય છે આજુબાજુથી સાધુ સંતોને વાયક દેવાય છે. ગામમાં બધાને જાણ થાય છે અને માં હિરબાઈમાં ને સમાધી લેવાનો દિવસ નજીક આવવા લાગે છે. ઘરના બધા સભ્યો હવે હિરબાઈમાંની પાસેથી સેવા, ભક્તિ ધર્મનું જ્ઞાન મેળવવા સતત તેમની સાથે રહે છે બધાંને માં સાથે ઘણી મમતા બંધાય હતી. કોઈ માં હિરબાઈમાં વગર એક દિવસ પણ પસાર કરવાનું વિચારી પણ શકતા ન હતાં. જુદાઈની વેળા નજીક આવવા લાગે છે બધા માતાના મમત્વથી ભાવવિભોર હોય છે.

માંડણપીરબાપુ, રૂડાપીરબાપુ તો બધું જાણતા હતા તે બધી તૈયારીમાં લાગી જાય છે. હિરબાઈમાં ઘરની બધી સ્ત્રીઓને એકસાથે બોલાવી, સમાજમાં ભગત પરિવારની ફરજે, જવાબદારી, ધર્મ, ભક્તિ મર્યાદાનું જ્ઞાન આપે છે.

સમાધી લેવાનો દિવસ આવી જાય છે. સાધુ-સંતો ભક્તો વિશાળ સંખ્યામાં મુંજીયાસર આવવા લાગે છે. દેવિદાસબાપુ, રૂડાપીરબાપુ, માંડણપીરબાપુ અને કેટલાય સાધુ સંતોની હાજરીમાં હિરબાઈમાં કાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં જીવતા સમાધી લે છે અને દેવીદાસબાપુ પીરાણુની સ્થાપના કરે છે.

ત્યારથી ભગત પરિવારમાં સમાધી દેવાનો રીવાજ સ્થાપીત થાય છે.

આખો દિવસ ધુન-ભજન ની રમઝટ બોલાવવામાં આવે છે મુંજીયાસર ગામમાં આજે માં સીતા જાણે ધરતીમાં સમાયા હોય તેમ દુઃખની લાગણી સાથે ભક્તિનો રેલો આખાય સમાજ પર ગામ પર ફરી વળે છે.

દેવીદાસબાપુ ઘરની જવાબદારી જગ્યાની જવાબદારી રૂડાપીરબાપુ અને માંડણપીરબાપુને બોલાવી સોંપે છે. અને પોતે ગીરનારમાં જવાની વાત કરે છે રૂડાપીર અને માંડણપીરબાપુ તેમને જવાની હા પાડે છે.

આવી રીતે દેવીદાસબાપુ મુંજીયાસર ગામને ભક્તિની નદીમાં ડુબાડી અને પોતે ગીરનારની વાટ પકડે છે.

માંડણપીર બાપુ તથા રૂડાપીરબાપુ મુંજીયાસર માં રહે છે અને બીજા ચાર ભાઇઓ પોતાના માલ-ઢોર, ઘર પરિવાર સાથે બીજા ગામડાંઓમાં ચાલ્યા જાય છે. સમાજ ભેગા ભળી જાય છે અને રૂડાપીરબાપુ અને માંડણપીરબાપુ ઘર પરીવાર સાથે ભક્તિ માર્ગે ચાલતા જગ્યા સંભાળી ત્યાંજ સેવા ભક્તિ કરે છે.

ભાગ-૪ ક્રમશઃ પોસ્ટ

નોંધઃ અમે દેવીદાસ બાપુના વંશજો છીએ અને અમે અમારા વહિવંચા બારોટ તથા વાસ્તવિક ઇતીહાસના આધારે માહિતી લીધેલ છે જેની નોંધ લેશો.

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.94261 62860

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!