રકતપીત જેવા ભયંકર ચેપી રોગની સારવાર કરવાની તત્પરતા બતાવતા અમરબાઇ અને સાદુળપીરને દેવીદાસબાપુ પોતાનુ બુકાની વગરનું મોં બતાવી ચેપની બીક રાખ્યા વગર રકતપીતોની સેવા કરવાનો ઉપદેશ આપ્યો.

અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી.અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો.સંસારના એક્ય સબંધ ન હોવાથી એક મા જણ્યો ભાઇ અથવા તો માતૃત્વ સુખ તથા માની મમતાની ખોટ પુર્ણ કરવા સાદુળ ભગત દતાત્રેય ભગવાનની કૃપા સમાન આશ્રમમાં આવી સેવાનો ભેખ લીધો.

રાત્રી અને દિવસ ટૂંકાં પડવા લાગ્યાં. વાત જાણે ખૂટતી નહોતી. છાણવાસીદું અને જળસિંચન જેવાં જગ્યાનાં અધરા કે ગંદાં કોઈ પણ કાર્યોમાં સ્ત્રી પુરુષનો ભેદ ન રહ્યો.અમરબાઇ અને સાદુળ ભગત સાથે મળી ને સંપુર્ણ આશ્રમની જવાબદારી માથે ઉપાડી લીધી.એકાંતરા એ કામની બદલી થવા લાગી.આશ્રમમાં આશ્રીત રકતપિતીયાઓની સારવાર કરી દેવીદાસબાપુને આરામ તથા સહકાર મળે તે હેતુથી તેઓ દેવીદાસબાપુને મોકો જોઇ વાત કરવાનો વિચાર કરતા હતા.દેવીદાસબાપુને મૂંડીયાઓની સારવારની જવાબદારીમાંથી મુકત કરવા બેઉ ઇચ્છતા હતા.

બીજા જ દિવસે બને જણ સંત દેવીદાસની પાસે ગયાં. પછવાડેના વાડામાં સંત હમેશાંની માફક લીમડાનાં પાંદ પલાળેલા જળે રક્તપતિયાને સાફ કરતા હતા. સડેલાં પચીસ મોઢાંની જીવતી ભૂતાવળ વચ્ચે, તેઓની ચીસાચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતાં સંતે બેઉનો અવાજ સાંભળી પાછળ જોયું.

થોડા ગુસ્સા પૂર્વક દેવીદાસબાપુ એ કહ્યું : “મેં તમને અહીં આવવાની હજુ રજા નથી આપી.”

“રજા ને બજા બાપુ !” અમરબાઈ એ દ્રઢતાથી ઉત્તર દીધો. “હવે બહુ થયું. ઊઠો હવે. એ કામ અમને કરવા આપો.”

સાદુળ ભગત બાજુમાં ઊભા ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજયી સ્મિત વેરતા હતા.સંત બેઉનુ મન અને આકાંક્ષા જાણી રકતપિતીયાઓની સારવાર પતાવી બેઉની પાસે બોલાવીને અરીસો મંગાવ્યો અને કહ્યુ કે “મારી એવી ઈચ્છા છે કે એક વાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લ્યો. પાછળથી પછી તમને આવો સુંદર ચહેરો કદાચ જોવા ન મળે.” શરમિંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી.

“હવે ફરી પાછા તમારે આરસામાં જોવાનું થાય ત્યારે તમને આરસો ફરેબ દેશે તો ?”

એમ કહીને દેવીદાસે પોતાના મોં ઉપરથી કશુંક ઉખેડવા માંડ્યું. એમની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઊખડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારી ચહેરા ઉપર સફેદ ટીપકીઓ દેખાઈ. ટીબકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટશિયા બેઠા.

સંત બોકાની બાંધી રાખતા. એમ લાગતું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતાં, નીચેનો હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો લાગ્યો.આ દ્રશ્ય જોઇ બન્નેની આંખો સતબ્ધ બની ગઇ.

“ચેપ લાગી ગયો છે. હજી તો આરંભ જ થાય છે. પણ છ મહિને તમે મારું સ્વરૂપ જોઇને તમે આ સ્થાને મૂંડીયાઓની સારવાર કરવા પાછા નહિં આવો.”

બેમાંથી કોઈ એક શબ્દ બોલી ન શક્યા છ મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતાં હતાં.

“તમે માનતાં’તાં કે ‘સત દેવીદાસ’ના શબ્દનો ચમત્કાર હતો. ના, ના, હું એક પામર રબારી છું, મારી પાસે કોઇ સિદ્ધિ નથી. સમજીને જ હું બેઠો’તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા, એક દિવસે તે આમજ સડને દુર્ગંધ મારશે પણ આ નાશ્વંત કાયાનો બીજો ઉપયોગ ન લાગ્યો એટલે જ મેં મારી જાતને કહ્યું કે સમજાવ્યુ મે આખરેય જવું તો છે બળતી ચિતામાં જ ને ! તો પછી આ દરીયામાં ફેકી દેવાતા અને મરવા માટે જંગલમા ત્યજી દેવાતા ચિત્કાર કરતા રક્તપીતીયાના કાંઈક દુઃખી રોગી જીવાત્માઓની કામ લાગીને તેની સેવા કરી જીંદગી બચાવીને જ જાને !”

કેટલી બધી મીઠાશથી આ દેવીદાસ બાપુ પોતાના સત્યાનાશની ચર્ચા કરતો હતા ! પાણી જાણે આગની વાત કહેતું હતું. સંતે વાત આગળ ચલાવી :

“તમે બેઉ ઉતાવળા થશો નહિં. હું તો આ ચેપ ભોગવી જાણું છું ધણા સમયથી. જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ઉખેડી ઉખેડીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નથી લાગતી.” પોતે હસ્યા. કહ્યું : “આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા બન્ને આવજો.”

ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી.બીજા દિવસે અમરબાઈ કે સાદુળ બેમાંથી એકેય જણે આ વાતને ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો આડકતરો કશો ઈશારો કર્યો નહીં.રક્તપીતિયાના ભયાનક ચેપથી ભય પામેલાં બન્નેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું અને રકતપિતીયાઓની સારવાર કરવાના કામમાંથી હાલપુરતુ મન હટાવી લીધુ.

દેવીદાસબાપુએ પોતાના બોકાની વગરનું મોઢુ દેખાડી અમરબાઇ અને સાદુળ ભગતની સેવા પ્રત્યેની દ્રઢતા વધારી કે સાધુએ ચમત્કારની માયાજાળમાં ફસાવુ ન જોઇએ અને પોતાની જાતના ભોગે અને ચેપ લાગવાથી ડરી જઇ કોઇ કાળે રકતપિતીઆની સેવા છોડવી ન જોઇએ. માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે.

ભાગ-૧૯…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ
૧) પૂરાતન જ્યોત – ઝવેરચંદ મેધાણી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!