મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5

શિલ્પ અને સ્થાપત્ય: સહસ્રલિંગ તળાવ

કોઇપણ રાજાની સિદ્ધિઓની વાત કરવી હોય તો એમનાં સમયમાં સ્થપાયેલા સ્થાપત્યો વગર એ આપણને ખબર જ ના પડે એ દ્રષ્ટિએ આ સ્થાપત્યો બહુ જ મહત્વનાં હોય છે. ઇતિહાસમાં તો આમ બન્યું હશે કે તેમ બન્યું હશે એમ કહીને એ વાત પર પૂર્ણવિરામ લાવી દેવાય છે પણ આવું બન્યું હશે કે નહીં તે આપણા મનમાં શંકાકુશંકા ઉત્પન્ન કરે છે. જયારે આ સ્થાપત્યો જ સાચો ઈતિહાસ રજુ કરતાં હોય છે એ તો સદીઓથી એમની ગાથા ગાતાં સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઊભાં હોય છે એમની યશોગાથા બયાં કરતાં ! આજ તો સાચો ઈતિહાસ છે ! ઇતિહાસની વાત આના વગર શકાય જ નથી ! ઈતિહાસ તો કોકની આંખે આપણે જોવો પડતો હોય છે એ પણ ૩૦૦-૪૦૦ વરસ પછી જયારે આ સ્થાપત્યો તે સમયની જાહોજલાલી અને સુવર્ણકાળના પ્રતિક સમા હોય છે એટલે એની વાત કર્યા વગર ઇતિહાસની વાત કરવી તદ્દન નિરર્થક ગણાય !

ગુજરાતમાં સોલંકીયુગ કાળમાં જ ગુજરાતીની એક આગવી સ્થાપત્યકલાનો વિકાસ થયો છે અને તે છે ——- “મારુ ગુર્જર શૈલી ! એમ તો દરેક વંશની એની આગવી સ્થાપત્ય શૈલી હોય તો છે જ પણ આ શૈલીનું મહત્વ એ છે કે ગુજરાત આજે ગૌરવ લે છે એ આ સ્થાપત્યકલા શૈલીની જ દેન છે. ગુજરાતમાં જેટલા પણ સ્થાપત્યો છે ભલે ખંડેર અવસ્થામાં પણ આજે એ વિશ્વભરમાં પોતાની આગવી ભાત પડી શક્યાં છે એટલેજ આજે વિશ્વભરમાં તેનું નામ છે અને એટલાં જ માટે એ માત્ર ભારતનાં જ નહિ પણ વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.

સાચું કહું તો ગુજરાતમાં આજે જે સ્થાપત્યો જોવાં મળે છે એ સોલંકીયુગીન જ છે એ પહેલાના સ્થાપત્યો આજે બહુ જોવાં મળતાં નથી. સાવ નથી એવું તો નથી પણ આજે એ માત્ર જગ્યાઓ બનીને રહી ગયાં છે. પણ જે જાજરમાનતા સોલંકી યુગમાં જોવાં મળે છે ગુજરાતમાં એવી કોઈ જગ્યાએ જોવાં મળતી નથી. એક વાત તો આપણે પણ સ્વીકારવી રહી કે ગુજરાતનાં ભવ્ય ઇતિહાસની ચાડી ખાતાં આજે ઉભાં છે એની શરૂઆત તો સોલંકીયુગમાં જ થઇ હતી. બીજાં જે પણ કોઈ સારા સ્થાપત્યો બંધાયા છે એ સોલંકીયુગ પછી જ બંધાયા છે. ટૂંકમાં… એમ કહી શકાય કે આ સ્થાપત્યોની શરૂઆત કરનાર સોલંકી યુગ જ હતો !!

કેટલાં બધાં બંધાયા છે એ તો જુઓ !! રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર, વિજયનગર પોળો ફોરેસ્ટના મંદિરો, રુદ્ર મહાલય , મીનળસર સરોવર ,મલાવ તળાવ, સહસ્રલિંગ તળાવ અને વડનગરનું તોરણ !! રાણીની વાવથી જે “વાવ સંસ્કૃતિ ” ગુજરાતમાં ઉદ્ભવી અને ગુજરાતની પોતાની માલિકીની બની ગઈ છે એમાં પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો સિંહફાળો છે ઘણી બધી વાવો સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી એવાં પુરાવાઓ મળ્યાં છે !! એ તો પુરાતત્વ ખાતાની બલિહારી છે કે એ બાંધ્યા પણ કોઈ ચોક્કસ સમયગાળો દરશાવી શક્યા નથી !! આને લીધે જ જન્મ લેતી હોય છે દંતકથાઓ જે કપડવંજ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં અને મહેસાણા અને ઉત્તર ગુજરાતની વાવોમાં બન્યું છે ! એટલે કોઈ ચોક્કસપણે એમ નથી કહી શકતું કે આ વાવો એમણે જ બંધાવી હોય ! પણ એની બાંધકામની શૈલી અને નાવીન્ય એ સિદ્ધરાજ જયસિંહના જ સમયનું જ છે એ વાત સ્વીકારવી જ રહી !! ગુજરાતની બીજી વાવો એ આ યુગ પછી જ બંધાણી હતી ! રાણીની વાવ એ જૂનાગઢની અડી-કડીની વાવ પહેલાં જ બંધાઈ હતી ઈતિહાસ એની સાક્ષી પૂરે છે !

વાવ પુરાણ બંધ કરીએ અને જે અગત્યના સ્થાપત્યો મહારાજ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યા હતાં તેની વાત હવે કરીએ ! મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં જે ઉત્તમોત્તમ સ્થાપત્યો બંધાયા હતાં તેમાં પહેલું આવે છે —સહસ્રલિંગ તળાવ !

સહસ્રલિંગ તળાવ ——-

સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ

રોળાવૃત્ત

અહિંયા સહસ્રલિંગ તળાવ વિશાળું હૂતું,
અહિંયા પાટણ જૂનું અહિં આ લાંબું સૂતું,
અહિંયા રાણીવાવ્ય તણાં આ હાડ પડેલાં
મોટા આ અહિં બુરજ મળ્યા માટીના ભેળા. ૧

એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ હાવા !
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ-નયન ભીંજ્યાં નહિ જળમાં ? ૨

જળ નિર્મળ લઇ વહે કુમારી સરિતા પેલી,
નાસે પાસે ધસે લડતી લાજે ઘૅલી,
ઇશ્વર કરુણા ખરે ! વહી આ નદીસ્વરૂપે,
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિઙ્ગન તુંપે ૩

તુંયે, પાટણ ! દયા ધરંતી એ સૂચવતી,-
ભલે કાળની ગતિ મનુજકૃતિને બૂઝવતી,
મુજ પ્રેમસરિતપૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધનવિભવ લૂંટાય, ઝરણ મુજ જાય ન લૂંટ્યું. ૪

તોડી પર્વતશૃઙ્ગ મનુજ મદભરિયો મ્હાલે,
જાણે નિજ કૃતિ અમર, ગળે કાળ જ તે કાલ્યે,
ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું,
તે તો તેમનું તેમ રહે યુગ અનન્ત પ્હોચ્યું. ૫
-૦-

——- નરસિહરાવ દિવેટિયા

જે બધે જ મુકાયું હોય અને બધે જ આવ્યું હોય એનાં કરતાં કૈક જુદું મુકવું અને કૈંક અલગ લખવું વધારે સારું એટલે મેં આ આખી કવિતા મૂકી છે બાકી બધી જ કવિતા ઉત્તમ જ છે અને બધી જ નવલકથાઓ ઉત્તમ જ છે કારણકે એ આપણને વાંચવામાં સારી લાગે છે માટે! ઇતિહાસમાં સાહિત્યની તુલના ના જ થવી જોઈએ !!!

આ તળાવ પહેલાં તો રાજા દુર્લભ રાજે બંધાવ્યું હતું તે સમયે એનું નામ હતું “દુર્લભ સરોવર” ! આ દુર્લભ સરોવરને નવેસરથી બંધી એક નવો ઓપ આપ્યો મહારાજ સિદ્ધરાજ જયસિંહે પણ પુરાત્વતત્વ ખાતાને મૂળમાં જ રસ હોય છે અને લોકો પણ એજ વાતને સાચી માની લેતાં હોય છે પણ એમાં બધાં જ થાપ ખાઈ ગયાં છે. એમાં આ તળાવ સન ૧૦૮૪માં બંધાવ્યું હશે એમ મનવામાં આવે છે ! અલ્યા ભાઈ ઇસવીસન ૧૦૮૪ તો રાજા કર્ણદેવ સોલંકીનો સમય છે, રાજા કર્ણદેવ સોલંકીનો સમયગાળો હતો ઇસવીસન ૧૦૬૪થી ૧૦૯૪. રાજા દુર્લભરાજનો સમયગાળો તો આ પહેલાંનો છે. એમનાં વિષે મેં આ શ્રેણીમાં લખ્યું ત્યારે આ “દુર્લભ સરોવર”નો ઉલ્લેખ મેં કરેલો જ છે. એટલે હું એમની સાલવારી હું અહીં આપતો નથી પણ આ “દુર્લભ સરોવર” એ ઇસવીસન ૧૦૮૪માં તો નહોતું જ બન્યું !

જો એને સહસ્રલિંગ તળાવ તરીકે ઓળખતાં હોઈએ તો મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જન્મ જ ઇસવીસન ૧૦૯૧માં થયો હતો અને એમનો રાજ્યાભિષેક થયો હતો ઇસવીસન ૧૦૯૪માં તેમનો શાસનકાલ પણ સુદીર્ઘ હતો ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩. એટલે એવું માનીને ચાલવું જોઈએ કે આ સહસ્રલિંગ તળાવ એ ઇસવીસન ૧૧૧૫ થી ઇસવીસન ૧૧૪૩ના સમયગાળા દરમિયાન બન્યું હશે.

ઇસવીસન ૧૧૧૫ એટલાં માટે કહું છું કે સિદ્ધરાજ જયસિંહ આ વર્ષ પછીથી જ એ પુખ્તવયના બન્યાં અને વિજયો પ્રાપ્ત કર્યાં અને એમણે બેનમૂન સ્થાપત્ય બાંધ્યા. એની પહેલાં એ કુમળી વયના હતાં અને રાજવહીવટમાં નવાંસવા હતાં તે સમય પહેલાં આવું કોઈ મહત્વનું કાર્ય સંભવ જ નથી એટલાં માટે !

સહસ્રલિંગ તળાવ બાંધવા પાછળનો એમનો આશય એ હતો કે – એક તો આ સરોવર અણહિલવાડ પાટણમાં જ હતું અને બીજું મહત્વનું કારણ છે કે તેઓ પરમ શૈવભક્ત હતાં એટલે જ તેમને અન્ય સોલંકીયુગના રાજાઓની જેમ “પરમ માહેશ્વર” કહેવાતાં હતાં ! પાટણની પ્રજાને પણ શિવ ભક્તિનો સોનેરી અવસર પ્રાપ્ત થાય અને સાથે જળમુશ્કેલી પણ દુર થાય એ હેતુસર તેમણે આ સરોવર તદ્દન નવેસરથી બાંધવાનું નક્કી કર્યું. એમણે આ સરોવરમાં પગથીયા બનાવડાવ્યા અને એ પગથીયાની ફરતે ૧૦૦૮ શિવમંદિરો બંધાવ્યા. તે સમયે આ ૧૦૦૮ શિવાલયોમાં એક સાથે ઘંટનાદ થતો અને સવાર સાંજ આરતી પણ થતી હતી એનું પ્રતિબિંબ આ સરોવરમાં પડતું હોય તે દ્રશ્ય સંધ્યા સમયે કેટલું મનોહર હશે તેની તો આપણે માત્ર કલ્પના જ કરવાની રહીને ! વળી એ સરોવરમાં તે સમયે લોકો નૌકાવિહારનો પણ લુફ્ત ઉઠાવતાં હતાં !

સહસ્રલિંગ તળાવ આજે તો ભગ્નાવસ્થામાં છે , અહી સ્થાપિત શિવલીંગો આજે મોટાભાગના આજે ખંડેર અવસ્થામાં છે. અહીં જે સ્તંભો જોવાં મળે છે ખંડેર અવસ્થામાં તે જોતાં તમને એ ગ્રીક કે અન્ય યુરોપિયન શૈલીની છાંટ જોવાં મળે છે. સ્થાપત્ય શૈલીના આદાનપ્રદાનનો આ એક ઉત્તમ નમુનો છે . આવો સુભગ સમન્વય તમને ગુજરાતમાં ભાગ્યે જ ક્યાંક જોવાં મળશે. આ મધ્યયુગને અંગ્રેજીમાં રેનેસાં યુગ કહેવાય છે અને ગ્રીક અને રોમન સંસ્કૃતિ એ સમયમાં એનાં શિખરે બિરાજમાન હતી. એટલે એની છાંટ વર્તાય એ સ્વાભાવિક પણ છે પણ તોય આ સરોવર એ સંપૂર્ણતયા એ મહારાજ સિદ્ધરાજ જયસિંહની આગવી કોઠાસૂઝનો ઉત્તમ નમુનો છે. વળી આ સહસ્રલિંગ તળાવ એ ઈજનેરી કળાનો ઉત્તમ નમુનો છે. એનાં બાંધકામ વિષે થોડીક વાતો કરશું !

સૌ પ્રથમ તો એ વાત જાણી લઈએ કે મહારાજ સિદ્ધરાજ જયસિંહને આવો વિચાર આવ્યો ક્યાંથી ? જે છે એની જગ્યાએ નવેસરથી બનાવવું એને આજના જમાનામાં રી કન્સ્ટ્રકશન કહેવાય છે. નવેસરથી બનાવવું હોય તો એમાં કૈંક નાવીન્ય તો લાવવું જ જોઈએ ને ! એમાં પણ લોકોને શું ગમશે અને એ લોકોને કેટલું ઉપયોગી થશે એનો જ ખ્યાલ રાખવાનો હોય છે. જે પહેલાં હતું તે તો દુર્લભ સરોવર હતું એની એ એજ જગ્યાએ નવું સરોવર અને નવાં સ્થાપત્યો અને આસ્થાનું એક મોટું કેન્દ્ર બનાવવાનો વિચાર મહારાજ સિદ્ધરાજ જયસિંહને આવ્યો કેમ ? સિદ્ધરાજ જયસિંહે બીજાં આવાં અનેક કૃત્રિમ સરોવરો બંધાવ્યા જ છે ને !

એમણે ધાર્યું હોત તો એ બીજી કોઈ જગ્યાએ પણ બનાવી જ શક્યા હોત ને ! પણ તેમણે એવું ના કર્યુ શા માટે ? એટલાં માટે કે આ દુર્લભ સરોવર વારંવાર સુકાઈ જતું હતું અને પાટણની પ્રજાને મુશ્કેલી પડતી હતી પાણી પીવાની અને ખેતીની ! પાટણની પ્રજાના હિતાર્થે મહારાજ સિદ્ધરાજ જયસિંહ દ્વારા લેવાયેલો આ ઉચિત નિર્ણય હતો. પાણી એક વાર ભરવામાં આવે તો એ સુકાઈ જાય એમાં સતત પાણી ભરાયેલું રહે એ માટે કૈંક નવું કરવું જોઈએ ને ! ગુજરાત તે સમયે દિવસેને દિવસે સમૃદ્ધ થતું જતું હતું એમાં વળી દુર્લભરાજ પછી આવેલાં સોલંકીયુગના એક શક્તિશાળી રાજા ભીમદેવ પ્રથમના સમયથી જ ગુજરાતની પોતીકી સ્થાપત્ય શૈલી મારુગુર્જર શૈલી અસ્તિત્વમાં આવી હતી . બેનમુન સ્થાપત્યોની શરૂઆત તો સોલંકીયુગના આદ્યસ્થાપક મુળરાજ સોલંકીથી થઇ જ ગઈ હતી ! અધુરો બનાવેલો નહીં પણ અડધેથી બનાવીને છોડી દેવાયેલો રુદ્રમહાલ્ય કે જે મહમૂદ ગઝનીએ તોડયો હતો એવી જે વાત પ્રસરાવવામાં આવી હતી તે પણ અનો ઉત્તમ નમુનો જ છે. નથી જ તોડયો એવું તો કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી તો પણ આ વાત પણ પ્રસરાવવામાં આવી હોય એવું પણ બને !

મારુ ગુર્જર શૈલી તો પછીથી અસ્તિત્વમાં આવી છે જે રાણકી વાવ અને મોઢેરાના સૂર્યમંદિર પછી સુવિકસિત થઇ ગઈ હતી .જરૂરત હતી એ શૈલીને વધારે લોકપ્રિય બનાવવાની એ માટે સિદ્ધરાજ જયસિંહ સિવાય બીજો કયો રાજા યોગ્ય ગણાય ! કારણકે એમનો સમય જ સુવર્ણકાળ સાબિત થવાનો હતો ને ! એટલે કે આજ સમયમાં બીજાં સારાં સુખ્યાત સ્થાપત્યો બનવાનાં બાકી જ હતાં. આ જ જગ્યાએ નવું સરોવર બનાવવા પછાળનું કારણ ગણો તો કારણ અને ઈતિહાસ ગણો તો ઈતિહાસ એ આ સરોવરમાં પણની નહોતું ટકતું અને સુકાયેલું જ રહેતું હતું સદા એ જ છે !! કેવી રીતે બનાવવું એ તો નિશ્ચિત હતું પણ પાણી સદાય એમાં ભરાયેલું રહે અને એ માટે શું કરવું તે જ પ્રશ્ન હતો ! આ એક જ પ્રશ્ન કહો તો પ્રશ્ન અને વિચાર કહો તો વિચાર જે ગુજરાતના આ સરોવરને એક અજાયબી બનાવવાનો હતો !

એની થોડીક વાતો કરતાં પહેલાં પુરાણોમાં અને સાહિત્યમાં સહસ્રલિંગ તળાવનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જોઈ-જાણી -સમજી લઈએ હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રયમાં આ સહસ્રલિંગ મહાસરોવરનાં કાંઠે ૧૦૦૮ શિવમંદિર, ૧૦૮ દેવી મંદિર અને એક દશાવતાર મંદિર હોવાનું જણાવ્યું છે. સરોવરને કાંઠે ભગવાન સૂર્યદેવ, ભગવાન ગણેશજી ભગવાન કાર્તિકેય , ભગવાન લકુલીશ વગરે અનેક દેવી-દેવતાની મૂર્તિઓ અને દેરી એટલેકે નાનાં નાનાં મંદિરો હતાં . ત્યાંથી પગથીયા ઉતરીને સરોવરમાં જવાય. સરસ્વતી પુરાણમાં આ મંદિરોનું વિગતે વર્ણન આપ્યું છે.૧૦૮ દેવી મંદિરોમાં બ્રહ્માણી, યોગેશ્વરી,શુભા ….. વગરે જણાવી તળાવને સંગમતીર્થ તરીકે વર્ણવ્યું છે.

સરોવરના મધ્યભાગે આવેલ બકસ્થળ ઉપર વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું અને એ મંદિરે પહોંચવા માટે પુલની યોજના કરી હતી. જળાશયના ત્રણ ગરનાળાં ઉપર જલાશયી ભગવાન વિષ્ણુનું મંદિર હતું. દેરીઓમાં એટલે કે નાનાં નાનાં મંદિરોમાં વૈષ્ણવ, શૈવ તથા શક્તિ વગેરે દેવદેવી મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી. સરોવરના મુખ્યમાર્ગ ની આગળ ભવ્ય કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું હતું.( આ કીર્તિ તોરણના કેટલાંક ટુકડાઓ પાટણના કેટલાંક ઘરો તથા મસ્જીદમાં જડાયેલા મળી આવ્યાં છે.) વિશેષ રચના કૌશલથી આ સરોવરમાં પાણી ભરવામાં આવતું . એ નહેર અને અને સરોવરની વચ્ચે ટ્રબ રુદ્ર્કૂપ (નાગધરા )ની રચના કરવામાં આવી હતી.
સરસ્વતી નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળવાળાં ગરનાળામાં પ્રવેશતું અને પાણી ગળાઈ સ્વચ્છ થઇ પ્રથમ રુદ્ર્કૂપમાં આવતું. પાણીમાનો કચરો એ રુદ્ર્કૂપના તળિયે ઠરતો અને સ્વચ્છ થયેલું પાણી બીજાં રુદ્ર્કૂપમાં પ્રવેશતું. ત્યાં પણ કચરા-કાંપને ઠરવાનો નીચે બેસી જવાનો અવકાશ રહેતો અને છેવટે ત્રીજા રુદ્ર્કૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન ગરનાળાની મારફતે સરોવરમાં પ્રવેશતું. આ રીતે પાણી અત્યંત શુદ્ધ થઇ નિર્મલ જળ રૂપે સરોવરમાં ભરતું.પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. ઉપલબ્ધ અવકાશ પરથી સરોવરનો જે વિસ્તાર માલુમ પડે છે એ જોતાં લગભગ અડધું પાટણ પણ સરોવર પર વસેલું એમ એમ જણાય છે.

કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી. એ પ્રશસ્તિ અખંડ સ્વરૂપે હાલ ઉપલબ્ધ નથી. પરંતુ પાટણના એક શિવાલયમાં એનો ખંડિત ટુકડો શિલાલેખરૂપે સચવાયેલો છે.

પાટણમાં સહસ્રલિંગ સરોવરના તટ પર આવેલાં પુરાતત્વખાતાંનાં સંગ્રહાલયમાં રાણીની વાવ અને સહસ્રલિંગ સરોવરમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક પ્રતિમાઓનો સંગ્રહ કરેલો છે. જેમાં કેટલીક શૈવ પ્રતિમા સાચવીને રખાયેલી છે. એમાં ભગવાન શિવજી, ઉમા-મહેશ્વર, ઉભેલા ગણેશ ભગવાન, શૈવદેવી અને નંદીની કેટલીક પ્રતિમાઓ રખાયેલી -સચવાયેલી છે.

એક વાત વિચારો કે જે તળાવમાં પાણી પાટણની નજીક વહેતી સરસ્વતી નદીમાંથી આવતું હોય એનું પાણી નહેર મારફતે આ તળાવમાં લાવવું એ કંઈ નાની સુની વાત તો નથી જ અને એ પણ ઇસવીસનની બારમી સદીમાં, આ સહસ્રલિંગ તળાવ ક્યારે બંધાવ્યું એટલે કે એ પૂર્ણ થયાની તવારીખ જે ૯૯.૯૯ %એ ખોટી આપી હતી તે આખરે ઘણી મહેનત બાદ પ્રાપ્ત થઇ છે એ બંધાવ્યાની સાલ છે ૧૧૩૯ નહીં કે ૧૦૮૪ ચાલતી ગાડીમાં ચડવાનું તો કોઈ ફેસબુક અને લોકસાહિત્યકારો પાસેથી શીખે. આ સાલવારી ખોટી આપવામાં ઘણા સિદ્ધહસ્ત લેખકોનો હાથ છે ! આ તળાવની એક વિશેષતા એ એનાં અષ્ટકોણીય રોઝા છે . આ સહસ્રલિંગ તળાવ એ 7 હેકટરમાં ફેલાયેલું છે એટલે તે સમયે એણે મહાસર કહેવાતું હતું અને એની સરખામણી માનસરોવર સાથે થતી હતી જળસ્રોતને ધ્યાનમાં રાખીને પાટણમાં બનાવેલ્લું આ બીજું મોટું અને અગત્યનું સ્થાપત્ય છે પહેલી રાણકી વાવ અને પછી આ સહસ્રલિંગ તળાવ !

સહસ્ત્રલિંગ તળાવના પશ્ચિમ કિનારે એક સિસ્ટર્ન-હોજ બનાવવામાં આવેલો છે જેને રૂદ્રકૃપા(નાગધરા ) કહેવાય છે સરસ્વતી નદીનું પાણી નહેર દ્વારા આ રૂદ્રકૃપામાં આવે છે અને એ પછી તળાવની અંદર નાની નહેરો દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં છોડવામાં આવે છે. રૂદ્રકૃપાનો વ્યાસ આશરે ૪૦ મીટર જેટલો છે. આજ તો છે એ જમાનાની ઈજનેરી કળાનો ઉત્તમ નમુનો ! તમને જાણીને આશ્ચર્ય થશે પણ આજે પણ આવી પદ્ધતિથી પાણી વિશાલ મસમોટા સરોવરમાં છોડવામાં આવે છે એનું ઉત્તમ દ્રષ્ટાંત છે જેલમ નદીમાંથી ગેટ ખોલીને આવી નહેર દ્વારા દાલ લેકમાં છોડાતું પાણી. જયારે પણ કાશ્મીર જાઓ ત્યારે આ વ્યવસ્થા અચૂક જોજો ! પણ આ સહસ્રલિંગ તળાવ તો એનીય પહેલાનું છે અને એ સ્થાપ્ત્ય્કાલાનો ઉત્તમ નમુનો છે એટલે જ તો ખાસ જોવાં જેવું છે. હાલમાં તળાવના પૂર્વ ભાગમાં, આવેલી પાળ પાસે એક શિવમંદિરના ૪૮ સ્તંભોની હારમાળા જોઇ શકાય છે. આ શિવમંદિર ૧૬મી સદી સુધી અખંડિત હતું એવું ઇતિહાસમાં નોંધવામાં આવેલું છે.

વર્ષ ૧૯૪૨-૪૩માં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૭ હેકટરમાં ફેલાયેલા અને ખંડેર થઇ ગયેલા આ તળાવનો ફકત ૨૦% ભાગ જ મળી આવ્યો છે બાકીનો ૮૦% ભાગ હજુ જમીનમાં ધરબાયેલો પડેલો છે. આ તળાવને ત્રણ વખત નાશ કરવામાં આવેલું છે. આમ છતાં પણ તેની ભવ્યતા હજુ અકબંધ છે. આ સહસ્રલિંગ તળાવમાં તે વખતે નૌકાવિહાર કરી શકાતું હતું. સંધ્યા સમયે ઘણા લોકો ત્યાં ફરવાં અને આનંદ કરવાં માટે આવતાં હતાં .

૧૬મી સદીમાં બૈરમખાન કે બહેરામખાન (અકબરના ગુરુ) જ્યારે મક્કા હજયાત્રાએ જતાં હતાં ત્યારે તેઓ પાટણ થઈને ગયાં હતાં ત્યારે તેમણે આ સુખ્યાત તળાવની નોંધ લીધી હતી ત્યારે એવું કહેવાય છે કે – બૈરમખાને આ તળાવની મહત્તા સમજી હતી અને તેઓ જયારે અહી નૌકાવિહાર કરતાં હતાં ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી
ત્યારથી આ તળાવ મોગલોના અપાર ગુસ્સાનું કારણ બન્યું અને એણે તહસનહસ કરી નાંખ્યું. ત્યારથી એક દંતકથા પ્રચલિત થઇ હતી કે આ તળાવમાં જે કોઈ નૌકાવિહાર કરે છે એનું કુદરતી મૃત્યુ થાય છે. આ એક બહાનું જ હતું મોગલોનું આ તળાવ તોડવા માટે !

સમયની સાથે-સાથે પાટણ ઉપર બીજા રાજાઓ દ્વારા અનેકોવાર હુમલાઓ થતાં હતાં જેમાં માળવાનો નંબર પહેલો આવે છે. સૌરાષ્ટ્રના જુનાગઢી રાજાઓએ અહી હુમલા કર્યાં હોય એનું કોઈ ખાસ પ્રમાણ મળતું નથી. પણ પૂરતાં સાક્ષ્ય પ્રમાણોનાં અભાવે એ સાબિત નથી કરી શકાતું કે જુનાગઢ ને બીજાં ગુજરાતના ક્યા રાજાઓએ હુમલાઓ કર્યાં હતાં તે ! રા” ખેંગાર તો પાછો જતો રહ્યો હતો તો પછી આ હુમલાઓ કાર્ય કોણે? એવું કહેવામાં આવે છે કે પાટણ પર અવારનવાર થતાં હુમલાઓને કારણે આ સહસ્રલિંગ તળાવને ઘણું નુકશાન થયું હતું. તળાવની અગત્યતા સાબિત કરવા કેટલાંક લોકો આવાં હુમલાઓ થયાં હતાં એમ કહી છટકી જતાં હોય છે !

એક અગત્યની વાત હવે કરવાની છે એ એ કે આ તળાવ જ્યારથી મહારાજ સિદ્ધરાજ જયસિંહે બંધાવવાની શરૂઆત કરી ત્યારથી જ તે ગુજરાતના કેટલાંક રજવાડાઓને ગમતું નહોતું એટલે તેઓ હંમેશા મહારાજ સિદ્ધરાજ જયસિંહને નીચો પાડવાનો જ પ્રયત્ન કરતાં હતાં. સિદ્ધરાજ જયસિંહનું તેઓ કંઈ બગાડી શકે એમ તો ન્હોતાં એટલે એમણે દંતકથાઓ – લોકકથાઓ -રાસડાઓનો સહારો લીધો . આ તળાવ સાથે એક નહીં બે નહીં પણ પાંચ દંતકથાઓ જોડાયેલી છે. બે દંતકથાઓ મહારાજ સિદ્ધરાજ આ તળાવ બાંધવાના પૈસા ક્યાંથી લાવ્યા તેના વિષે છે એમાં તો સિદ્ધરાજ જયસિંહને નીચે નથી જ પાડવામાં આવ્યાં પણ બીજી ૨માં એમની આબરુને લંચન લાગે એવું કૃત્ય જરૂર થયું છે. આ દંતકથાઓ હવે સોશિયલ મીડિયામાં એટલી ચવાઈ ગઈ છે કે લોકો એને જ સાચું માનીને એણે જ ઇતિહાસનું એક અભિન્ન અંગ માનવા લાગ્યાં છે વાંધો જ ત્યાં છે !!!

બીજી જે 3 દંતકથાઓ છે એમાંની એક તો મેં ઉપર જણાવી દીધી છે હવે રહી બાકીની બે. તો એમની એક છે જસમા -ઓડણ સતી થયાં એની આ વાત સાથે હું કોઇપણ રીતે સહમત ના થતો હોવાથી એ અહી મુકતો નથી અને છેલ્લી છે એ વીર મેઘમાયાના બલીદાનની તો એની સાથે પણ હું અસહમત જ છું એટલે નથી મુકતો. ઇતિહાસમાં આમેય દંતકથાઓને સ્થાન જ ના હોય તો જ સાચો ઈતિહાસ લોકો સમક્ષ આવશે !!

આ દંતકથાઓ કેમ પ્રચલિત થઇ ? એવો પ્રશ્ન દરેકના મનમાં થવો જ જોઈએ ! તો તમારે રાજા મુળરાજ સોલંકી સુધી પાછાં જવાની જરૂર છે એમાં મેં એ વાત કહી જ છે એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી. પણ જે વાત નથી કરી એ વાત હું અહીં જરૂર કરવા માંગુ છું વાત છે સોલંકી યુગના રાજા દુર્લભરાજની અને જુનાગઢના રાજા રા”દિયાસની !! આજ મૂળ વાતની જડ છે એટલે હું અહીં કહું છું આ દુર્લભરાજે દુર્લભસરોવર બનાવ્યું હતું એ તો તમે સૌ જાણો જ છો પણ ઇતિહાસમાં નહિ પણ કેટલાંક પ્રાંતવાદી લોકોએ ઇતિહાસમાં એમ ચીતર્યું છે કે – રાજા દુર્લભસેને રાજા રા’ દિયાસ પર આક્રમણ કર્યું હતું બાર બાર વર્ષ સુધી જુનાગઢના ઉપરકોટમાં ઘેરો ઘાલ્યો હતો પણ કંઈ પરિણામ આવતું નહોતું .

આખરે હતાશ થઈને દુર્લભરાજે એક ફરમાન બહાર પાડયું કે -” જે રાજા રા’ દિયાસનું માથું લઇ આવશે એને હું મોટું ઇનામ આપીશ.”
આખરે જૂનાગઢનો જ એક ચારણ તૈયાર થાય છે. તે જાય છે રા દિયાસ પાસે અને એમનાં માથાની માંગણી કરે છે અને રાજા રા’દિયાસ એમને હસતે મોઢે પોતાનું માથું કાપી છે. આ એક દ્રષ્ટિકોણથી લખાયેલી વાત છે જયારે બીજાં દ્રષ્ટિકોણથી જોવાં જઈએ તો કોઈએ એમ પણ લખ્યું છે કે રાજા દુર્લભસેને રા’ દીયાસને હરાવ્યો હતો અને એને માર્યો હતો. જો કે ઇતિહાસમાં કે સોલંકીયુગીન સાહિત્યમાં એનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નથી ! એટલે કે આ વાતનું કોઈજ અતિહાસિક મહત્વ જ નથી !

પણ જે દુશ્મનાવટ સોંલકી યુગના મૂળરાજ સોલંકીથી શરુ થઇ હતી તેમાં બળતામાં ઘી હોમવાનું જ કાર્ય કર્યું છે આ દુર્લભસેન અને રાજા રા’ દિયાસની વાતોએ ! રા’દીયાસને ઉંચો બતાવવા માટે લોકશ્રુતિઓનો સહારો લીધો. પણ તોય એમનનું મન શાંત થયું નહીં ! તેઓ પણ આ સોલંકી – ચુડાસમા વંશની દુશ્મનાવટને વધારવા જ માંગતા હતાં એને મીટાવવા નહીં ! આમાં કદાચ સોલંકી અને ચુડાસમા રાજવંશને વેર ના હોય એવું પણ બને કદાચ ત્યાં વસતી કે આજુબાજુના પ્રદેશની પ્રજાનો પણ વાંક હોઈ શકે ? પણ આ દંતકથાઓ ફેલાવવાનું મૂળ તો દુર્લભરાજનું આક્રમણ છે જેને લીધે રા’દિયાસ મરાયો એવું કહેવાય છે.

રાજા દુર્લભરાજ પછી ભીમદેવ આવ્યાં તો ગઝનીના અક્રમણ વખતે એમને છુપાઈ ગયેલાં બતાવાયા . કર્ણદેવ વખતે તો આવું કશું થયું નહીં પણ પછી જે રાજા આવ્યો એમની કીર્તિ આ લોકોથી સાંખી શકાય નહીં ! એમાં એમણે ખબર પડી કે દુર્લભ સરોવર સદા સુકાયેલું રહે છે અને હવે મહારાજ સિદ્ધરાજ જયસિંહ એને નવેસરથી બનાવવા માંગે છે રા’ખેંગારનો ઘાવ તાજો હતો અને દુર્લભ રાજા અને સિદ્ધરાજ બંનેને ઉતરતી કક્ષાએ બતાવવા માટે ટાર્ગેટ કરાયું આ સહસ્રલિંગ તળાવ એટલે બને તો એમની કીર્તિ ચારેકોર ફેલાય નહિ માટે આવી થોકબંધ લોકશ્રુતિઓ એમણે ઉભી કરી જેનું ઇતિહાસમાં કોઈ જ મહત્વ નથી. રાજા દુર્લભરાજની ની વાત મેં અહીં નહોતી કરી તે માટે મેં અહીં આટલું લખ્યું છે.

દુખની વાત તો એ છે કે અત્યારે સહસ્રલિંગ તળાવની ઉપરની બાજુએ એક બાજુ જસમા ઓડણનું મંદિર છે અને બીજી બાજુ વીર મેઘ માયાનું. ચલો બનવાયા તો બનાવ્યાં પણ અત્યારેય સહસ્રલિંગ તળાવની આજુબાજુના ગામના લોકો જસમા ઓડણ અને મેઘમાયાને જ વધારે પ્રાધાન્ય આપે છે સહસ્રલિંગ તો સુકું છે અને અવશેષ છે માત્ર એમ કહ્યાં કરે છે આનાથી મોટી દુખની વાત કઈ હોઈ શકે ?

બાકી…. દંતકથા જે હોય તે હોય ! પણ એક વાર આ ગુજરાતની શાન સમા આ સહસ્રલિંગ તળાવ જોવાં જરૂર જજો !! હવે છેલ્લા ભાગ -૬ માં બાકીનાં સ્થાપત્યોની વાત. ભાગ – ૬ હવે પછી !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!