(ઇસવીસન ૧૦૬૪ – ઇસવીસન ૧૦૯૪)
મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક ઐતિહાસિક સત્ય છે જેને નકારી શકાય તેમ જ નથી. પણ ભારત આમેય ક્યારેય એક થયું જ નથી એ સદાય અંદરોઅંદર લડતાં જ રહ્યાં છે અને અનો જ ફાયદો આ ૧૧મી થી ૧૯મી સદી એટલે કે ૮૦૦ વરસ દરમિયાન મલેચ્છો ઉઠાવતાં રહ્યાં છે. આ લોકો પછી અંગ્રેજોએ આનો ઉઠાવ્યો અને ત્યાર પછી માર્ક્સના કહેવાતાં અનુયાયીઓ એટલે કે વામપંથીઓએ ૨૦મી સદીમાં ઉઠાવ્યો છે.પણ આ બધાં સમયગાળા દરમિયાન શું ભારત કે શું ગુજરાત એ અંદરોઅંદર લડતાં જ રહ્યાં છે. એટલે આક્રમણો તો ન થયાં પણ અંદરોઅંદરની લડાઈ તો ચાલુ જ રહી.
મૌર્ય અને ગુપ્તકાળ પછી ભારત એક નહોતું રહ્યું. ભારતના બધા રજવાડાઓ સ્વતંત્ર બની ગયાં હતાં. પણ આ સમય દરમિયાન ગુજરાતમાં એક સ્થાયી અને સ્થિર શાસનકાળ જરૂર શરુ થયો હતો જેને આપણે ગુજરાતના સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ તે સોલંકી યુગ! એની શરૂઆતનાં રાજા મૂળરાજ સોલંકીએ ઊંડા પાયા નાંખ્યા તો ભીમદેવે એમાં સ્થાપત્ય અને શૌર્યની યશકલગી ઉમેરી એમાં. જે હવે પછી આવનારા રાજા માટે કાર્ય આસાન બનવાનું હતું.
પણ પ્રશ્ન એ ઉભો થાય કે માત્ર સુલેહ-શાંતિથી કે શિલ્પ સ્થાપત્યથી જ કોઈ શાસનકાળ સુવર્ણયુગ સાબિત નથી થતો. કોઈ પણ રાજાએ પ્રજાકીય કાર્યો તો કરવાં જ પડે. ક્યારેક કયારેક પોતાની વીરતા બતાવવા અને સામ્રાજ્ય વધારવા યુદ્ધો પણ કરવાં જ પડે પછી એ જરૂરી હોય કે ના હોય તો પણ!!! ગુજરાતમાં જે બે રાજવંશો વચ્ચે વૈમનસ્ય ઉભું થયું તેનો પડઘો આ ૧૧મી સદીમાં તો ના પડયો. એટલે રાજા ભીમદેવ પછી આવનારા રાજા માટે એ પ્રશ્ન તો હલ થઇ ગયો હતો.
રાજા ભીમદેવ પ્રથમ પછી રાજગાદી સંભાળનાર હતો રાજા કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી રાજમાતા ઉદયમતીનો જ પુત્ર થાય. એ જયેષ્ઠ પુત્ર નહોતો રાજા ભીમદેવનો. કારણકે રાજા ભીમદેવનો જ્યેષ્ઠપુત્ર તો હતો બકુલાદેવી(ચૌલાદેવી)ની કુખે જન્મેલો મુળરાજ. પણ આ ચૌલાદેવી એ નર્તકી હતી એટલે એનાં પુત્રને યુવરાજપદે પ્રતિપાદિત ના કરાય. એટલે એ સ્થાન મળ્યું આ કર્ણદેવને! જો કે એક ક્ષેમરાજ નામનો પુત્ર હતો જે પણ બકુલાદેવી જ કુખે અવતર્યો હતો.
પ્રતાપી રાજા ભીમદેવ સોલંકી પ્રથમ મૃત્યુ બાદ એમનો પુત્ર કર્ણદેવ સોલંકી જે ઈતિહાસમાં કર્ણદેવ પ્રથમને નામે જાણીતો થયો છે. તે રાજગાદી પર બેસે છે ઇસવીસન ૧૦૬૪માં. રાજધાની તો પાટણ હતી એ બદલાવાની તો કંઈ જરૂર નહોતી જ !બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ કરતાં મોટો હોવાં છતાં પણ કર્ણદેવને રાજગાદી મળી એનું કારણ એની માતા વારાંગના હતી એ સંભવી શકે !
પણ રાજા ભીમદેવે પાણી પહેલાં પાળ બાંધી જ દીધી હતી કે રાજગાદી પર તો ઉદયમતીનો જ પુત્ર બિરાજશે. હવે એક નવી માહિતી પ્રાપ્ત થઈ છે કે કેટલાંક લેખકોના મતે ઉદયમતી એ રા’ખેંગાર પ્રથમના પુત્રી હતાં તો કેટલાંક એણે રા’ખેંગારની ઉપસ્ત્રી ગણાવે છે પણ ભીમદેવની અગમચેતી અને એની નિર્ણયશક્તિ જોતાં એ રા’ખેંગારના જ પુત્રી હશે એમ માનીને ચાલવું પડે. કારણકે રાજમાતા એ તો રાજકુંવરી જ બની શકે !!! એ જોતાં આ ઉદયમતી એ રાજકુંવરી જ છે એવું જ માનવું રહ્યું. એમની આભા પણ રાજઘરાનાની જ છે. ચૌલાદેવી સાહિત્યમાં જેટલી વખણાઇ છે એટલી ઇતિહાસમાં નથી વખણાઇ એ વાત આપણે કેમ નથી સમજતા !
આમ જોવાં જઈએ તો રાણી ઉદયમતી પણ કંઈ સુંદર નહોતાં એ વાતની સાબિતી રાજા કર્ણદેવ સોલંકીના અત્યંત સ્વરૂપવાન રાજકુંવર હતાં તે પરથી મળી જ જાય છે. રાજપૂતો પોતાની પહેલી પત્ની સુંદર નથી એટલે બીજાં લગ્ન નહોતાં કરતાં પણ પોતાની રાજવંશી પરંપરા અને એકબીજાં રાજ્યો વચ્ચે આપસી રાજદ્વારી સંબંધો સુધારવા જ તેઓ આવું કરતાં હતાં. એમાં ક્યારેક કોઈની સાથે પ્રેમ થઇ જાય પણ એ પ્રેમગાથાને જ વધારે મહત્વ આપતું આપણું સાહિત્ય અને વિદેશી સાહિત્ય એ એ આ પ્રેમને જ મહત્વ આપે છે અને એમાંને એમાં ઈતિહાસ ઢંકાઈ જાય છે. રાજા કે રાજ્ય મહત્વનું તેમને મન મહત્વનું નથી હોતું પણ આ પ્રેમસંબંધ જ મહત્વનો હોય છે આ વાત ખાલી ઈતિહાસને જ લાગુ પાડજો …..આપણા પૌરાણિક સાહિત્યને નહીં!! આવી જ વાત આ “ચૌલાદેવી”ને મહત્વ આપવામાં રાણી ઉદયમતી ગૌણ બની ગયાં છે. જો કે આપણા નવલકથા સાહિત્યમાં તેણે ન્યાય આપવાનો પ્રયત્ન જરૂર થયો છે. આજ વંશમાં હજી પણ આવું બનવાનું છે અને કેટલાંક મહત્વના પાત્રોનો ઉદય થવાનો જ છે. જે આ રાજા કર્ણદેવ સોલંકીના લગ્નથી માંડીને એમનાં સમગ્ર રાજ્યકાળ દરમિયાન અસ્તિત્વમાં આવવાનાં છે.
રાજા કર્ણદેવ યુવરાજ પદે નિયુક્ત થયાં હોવાથી તેમને બધી રાજકીય ગતિવિધિઓની ખબર હોય, હોય અને હોય જ! રાજા ભીમદેવ પછી યુવરાજ કર્ણદેવ સોલંકીએ રાજગાદી સંભાળી. કૈક નવું કરવાની ખેવના હતી પિતાએ મહાન કાર્યો કર્યાં હતાં તે આગળ ધપાવવાની જરૂર હતી એ એમની કીર્તિને ચાર ચાંદ લાગે તેવું જ કરવાનાં મક્કમ નિર્ધાર સાથે એમણે રાજગાદી સંભાળી. આ વખતે આબુ પણ સોલંકી યુગના આદીપત્યમાં આવી ગયું હતું. પણ કોઈ પણ યુવરાજ રાજગાદીએ બેસે એટલે સૌ પ્રથમ એના મનમાં એ જ ખ્યાલ આવે કે મારું લગન જલ્દીથી થાય .
રાજા કર્ણદેવ સોલંકીના લગ્ન
આચાર્ય હેમચંદ્રચાર્ય દ્રયાશ્રયમાં જણાવે છે કે —- ચંદ્રપુરના કદંબ વંશના રાજવી જયકેશીની દીકરી મયણલ્લા આ કર્ણદેવનું ચિત્ર જોઇને જ એનાં પર મોહિત થઇ જાય છે અને મનોમન નક્કી કરે છે કે પરણીશ તો આને જ અને એની મહેછા અંતે લગ્નમાં પરિણમી !
પ્રબંધચિંતામણીમાં આ જ વાત જુદી રીતે અપાયેલી છે. એમાં જણાવ્યું છે કે—- મયણલ્લા (મીનળદેવી)ના સાંભળતા કોઈએ સોમેશ્વરનું નામ લેતાં એણે પોતાનાં પૂર્વજન્મનું સ્મરણ થાય છે. એમાં એ પોતે બ્રાહ્મણ હતી અને સોમનાથની યાત્રાએ જતાં બહુલોદ આગળ ગુજરાતના રાજવી તરફથી સોમનાથના યાત્રાળુઓ પાસેથી જે કર વસુલાતો હતો તે પોતે આપી ન શકવાથી આગળ જઈ નાં શકી અને તે મૃત્યુ પામી. આમ એ સોમનાથ મહાદેવના દર્શન કરી ના શકી.
એ જયારે મૃત્યુ પામી ત્યારે તેણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે —- “હું આવતાં ભવમાં એ કર માફ કરાવીને જ રહીશ” અને એણે પોતે અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુને આવકાર્યું. આથી ચંદ્રપુરના કદંબ રાજા જયકેશીની કુમારી મયણલ્લાએ સોમનાથનો યાત્રાળુ વેરો માફ કરાવવા ગુજરાતના રાજા કર્ણદેવને પરણવાનો નિર્ણય કર્યો ત્યારે કુંવરી પોતે પાટણ આવી અને એણે પ્રત્યક્ષ જોતાં કર્ણદેવે વિમુખતા બતાવી હતી. હતાશ થયેલી કુંવરીએ અગ્નિપ્રવેશ કરવાનું નક્કી કર્યું. પરંતુ રાજાએ એની સામે નજર સરખી પણ ના નાંખી. એક વખત કોઈ નિમ્નજાતિની સ્ત્રી તરફ કર્ણદેવને આકર્ષણ થયું હતું એવી ખબર મહામાત્ય મુંજાલ મહેતાને ખબર ખબર પડતાં એને ઋતુ પછી નહાયેલી મયણલ્લાને એ નિમ્ન સ્ત્રીના વેશમાં એકાંતમાં મોકલી આપી. કર્ણદેવે એને ઓળખ્યા વગર જ પોતાનું પ્રેમપત્ર સમજીને એની સાથે પ્રેમક્રીડા કરી. પરિણામે મયણલ્લાદેવીને ગર્ભ રહ્યો. મયણલ્લાદેવીએ એકાંતમાં મળતી વખતે સંકેતની સાબિતીરૂપે રાજા કર્ણદેવની આંગળી પરથી એમનાં નામ વાળી વીંટી કાઢી લીધી અને પોતાની આંગળી પર પહેરી લીધી. પછી સવારે પોતાનાં આ હીન કૃત્યનો પશ્ચાતાપ થતાં એ પ્રાણ ત્યજી દેવાં તૈયાર થયાં. પછી આખરે તેમનું લગ્ન થયું.
મહામાત્ય મુંજાલ આ જ તો ઇચ્છતાં હતાં. આ જ તો છે મહામાત્ય મુંજાલની મુત્સદ્દીગીરીનો ઉત્તમ નમુનો. એટલાં જ માટે મહામ્ત્ય મુંજાલને સોલંકીયુગના ચાણક્ય કહેવાય છે. આ મુંજાલ મહેતાને ગુજરાતી નવલકથામાં ખાસ્સુ એવું પ્રાધાન્ય મળ્યું છે. જેનો ઉતમ નમુનો તમને મુનશીજીની પાટણની પ્રભુતા અને ગુજરાતના નાથમાં મળે છે. આ વાત જે પ્રબોધચીન્તામણીમાં નીરુપયેલી છે એમાં મહાકવિ કાલિદાસના પ્રખ્યાત નાટક “અભિજ્ઞાન શાકુંતલ”ની છાંટ જણાય વગર રહેતી નથી. આ જ વાતને લીધે એ માત્ર એક સાહિત્યિક કૃતિ બની છે …… સાચો ઈતિહાસ નહીં !!!
ગુજરાતી નવલકથામાં આજ વાતને પ્રાધાન્ય અપાયું છે, આવું આજ સંદર્ભે રચાયેલી બીજી કૃતિમાં પણ તપાસવા જેવું ખરું જ ! ઈતિહાસ ના હોય પણ સાહિત્યિક ગુણવત્તા તો હોવી જ જોઈએ અને એમાં ગુજરાતી સાહિત્ય કે અન્ય સાહિત્ય ક્યાંય ઉણું ઉતરતું નથી જણાતું.
આપણે એ ના જ ભૂલવું જોઈએ કે સાહિત્ય એ સહિય છે અને ઈતિહાસ એ ઈતિહાસ છે આ વાત અહી કરવાનો હેતુ એ જ છે કે એને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો !
પાછાં ઈતિહાસ પર આવી જઈએ…..કર્ણદેવ અને મયણલ્લાદેવીના લગ્ન થાય છે અને મયણલ્લાદેવી એ રાજરાણી બને છે અને તે એક નવું નામ ધારણ કરે છે —– મીનળદેવી !!! એમનાં ગર્ભમાં જે બાળક હતું તે જન્મે છે અને તેનું નામ રખાય છે —- જયસિંહ !
રાજા કર્ણદેવ અને મયણલ્લાદેવી વિષે થોડું વધારે જાણવા જેવું છે પહેલું એ કે આ મયણલ્લાદેવી એ જયકેશીના પુત્રી હતાં તે વાત સાચી પણ તેઓ ક્યાંના હતાં તે વિષે કેટલાંક તજજ્ઞોમાં હજી મતમતાંતર જ પ્રવર્તે છે. તેમનું નગર કે રાજ્ય એ ચંદ્રકેતપુર હતું. આ ચન્દ્રકેતપુર-ચન્દ્રપુર ખરેખર ક્યાં આવેલું છે એ તો ખબર નથી. ગોવામાં કે કર્ણાટકમાં ?કેટલાંક એમ કહે છે કે આ મયણલ્લાદેવી એ ગોવાનાં રાજકુંવરી હતાં તો કેટલાંક એને કર્ણાટક રાજ્યના રાજકુંવરી માને છે. વધારે લોકો એને ગોવાની જ રાજ કુંવરી માને છે તેમ છતાં હજી કોઈ એ નિષ્કર્ષ પર નથી આવ્યું કે એ ખરેખર ક્યાંના વાતની હતાં તે !!
મયણલ્લાદેવી એ દેખાવમાં બહુ સુંદર નહોતાં કારણકે તેઓ રંગે શ્યામ હતાં પણ સાવ કદરૂપા કહી શકાય એવાં તો નહોતાં જ! જ્યારે રાજા કર્ણદેવને એમનું એક ચિત્ર મોકલવામાં આવે છે એમાં તો એ અત્યંત સ્વરૂપવાન જણાતાં હતાં પણ જ્યારે એ રાજકુંવરી પાટણ આવે છે ત્યારે જ રાજા કર્ણદેવ એને પ્રત્યક્ષ નિહાળે છે. એમનું મન પાછું પડે છે કારણકે એ ખુદ પોતે જ અત્યંત સ્વરૂપવાન અને કદાવર કાયા ધરાવનાર હતાં જેને જોઇને કોઇપણ અતિસુંદર સ્ત્રી એમને પરણવાના ખ્વાબ જુએ જ. રાજા કર્ણદેવ સોલંકીની પણ ઈચ્છા પણ આવી જ હતી કૈંક! આજ કારણ હતું રાજા કર્ણદેવનું મયણલ્લાદેવીને ના પાડવાનું !!!
“તમે તો બિલકુલ સુંદર નથી દેખાતાં હવે હું તમારી સાથે નહિ પરણું જાઓ ! હું તમારું મોઢું પણ જોવાં નથી માંગતો ” એમ કહી રાજા ત્યાંથી મોં ફેરવી લઈને ત્યાંથી જતાં રહે છે. આ સાંભળીને મયણલ્લાદેવીનું દિલ ચકનાચૂર થઇ જાય છે. તેઓ અગ્નિસ્નાન કરવાનું નક્કી કરે છે. એ એમ કહે છે કે – “હું સામે ચાલીને તમને પરણવા માટેનો પ્રસ્તાવ લઈને આવી છું અને તમે કેમ ના પાડો છો ? જો તમે ના જ પાડતા હોવ તો હું અગ્નિસ્નાન કરીને મરી જઈશ!” તો રાજા કર્ણદેવ એમ કહે છે કે – “તારે મરવું હોય તો મર મને કોઈ ફેર નહીં પડે તને છુટ્ટી છે અગ્નિસ્નાન કરવાની !” હવે તો મયણલ્લાદેવીએ મરે જ છૂટકો હતો !!! તે મરવાં જઈ જ રહ્યાં હતાં ત્યાં તે સ્થળે રાજમાતા ઉદયમતી આવી પહોંચ્યા કે — “જો તું પણ મરીશ તો હું પણ મરીશ તારી જ સાથે તું સામેચાલીને પ્રસ્તાવ લઈને આવી છું અને મારો પુત્ર કર્ણ ના પડે છે માટે હું પણ મરીશ જ તારી સાથે !”
આ વાતની ખબર કર્ણદેવને પડે છે અને અંતે એ લગ્ન કરવાં તૈયાર થઇ જાય છે. જો કે કર્ણદેવને મનાવવામાં અને ઉદયમતીને આવું નાટક કરવાં માટે કહેવાવાળાં મહામાત્ય મુંજાલ જ હતાં ! કર્ણદેવ અને મયણલ્લાદેવી વચ્ચે લગ્ન પછી પણ કઈ સારા સંબંધો તો નહોતાં જ. આ તો માતાનું દિલ ના દુભાય અને એમણે મરવા તો ના જ દેવાય એટલે તેઓએ પરાણે હા પડી હતી કંઈ રાજીખુશીથી હા નહોતી પાડી ! હવે જ મુંજાલમંત્રીની મુત્સદ્દીગીરી કામ લાગે છે. રાજાને એક માત્ર તો રાણી હોય જ નહી ને ! પણ એમને પ્રિયરાણી એટલે કે પટરાણી બનવાની અને કર્ણદેવને રીઝવવાની યુક્તિ પ્રયુક્તિઓ આ મુંજાલમંત્રી રાણી મયણલ્લાદેવીને બતાવે છે તેમને આવા કઠીન કાર્ય માટે એક બીજું નામ આપે છે – મીનળદેવી ! બસ ત્યારથી એ પટરાણી બન્યાં અને ઇતિહાસમાં એક વિલક્ષણ અને વિચક્ષણ બુદ્ધિવાળા નારી બન્યાં મીનળદેવી જેને આજે પણ યાદ કરતાં ઈતિહાસ થાકતો નથી. પછી એમનાં લગ્ન ખુબજ ધામધુમથી થાય છે એમણે પુત્ર અવતરે છે જયસિંહ નામનો.
કાશ્મીરના કવિ “બિલ્હણ” એક વખત દખ્ખણના પ્રવાસે જતાં હતાં.જો દખ્ખણ જવું હોય તો ગુજરાતમાં થઈને જ જવાય અને તે સમયે રસ્તામાં પાટણ આવે. તે સમયે કઈ જમ્મુથી દિલ્હી, દિલ્હીથી ઉદેપુર થઈને ગુજરાતમાં શામળાજી થઈને અમદાવાદ આવતો કે અમદાવાદથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતો જ નહિ તે સમયે ગુજરાતથી દખ્ખણ જવું હોય તો પાટણ આવે. જેને આપણે આજે પાલનપુર – અમદાવાદ હાઈવે કહીએ છીએ એ જ રસ્તે અવાય-જવાય.
એ બધું બાજુએ મુકીએ…. આ બિલ્હણ એ પાટણનો મહેમાન બન્યો હતો અને કર્ણદેવ અને મીનળદેવીને મળ્યાં હતાં તેમની પાસેથી તેમની વાતો પણ સાંભળી હતી. મૂળે પોતે કવિ એટલે એમણે એક પ્રેમકથાનો વિષય મળ્યો. એમણે આ પ્રેમકથા પર આધારિત એક નાટક લખ્યું —–“કર્ણસુંદરી” જેમાં રાજા કર્ણદેવ અને રાણી મયણલ્લાદેવીના પરિણય -પ્રણયની જ વાતો કરવામાં આવી છે. આ નાટકમાં એમણે કર્ણસુંદરી તરીકે મયણલ્લાદેવીનું જ પાત્રાલેખન કર્યું છે.
મીનળદેવી અને મુંજાલ વિષે થોડી વાતો એ કર્ણદેવના અવસાન પછીની વાતમાં કરીશું !!!
હવે રાજા કર્ણદેવ સોલંકીની વાત ——-
રાજા કર્ણદેવ સોલંકી એ રાજગાદી પર બેઠાં પછી એક ઉપનામ મળ્યું હતું “ત્રૈલોકયમલ્લ” ત્રૈલોકયમલ્લ એટલે ત્રણે લોકનો પહેલવાન …… ત્રણે લોકનો મલ્લ, જેને કોઈ હરાવી ના શકે એવો વીર. એક બીજું ઉપનામ પણ રાજા કર્ણદેવને મળેલું છે તે છે “પરમ માહેશ્વર”નું કારણકે રાજા કર્ણદેવ એ પરમ શિવ ભક્ત હતોં ને શૈવધર્મનો અનુયાયી હતો. પણ એ બીજાં ધર્મનાં લોકોને અને એમનાં દેવસ્થાનોને એ એટલું જ મહત્વ આપતો હતો. હેમચંદ્રાચાર્યના દ્રયાશ્રય ઉપરથી જણાય છે કે રાજા કર્ણદેવનો સમય સામાન્ય રીતે એનાં પિતા ભીમદેવ અને પુત્ર જયસિંહદેવ કરતાં ઘણો શાંતિમય હતો.
હવે રાજ કર્ણદેવના મંત્રીઓ વિષે વાત ——-
રાજા કર્ણદેવ સોલંકીના કુલ ચાર દાનશાસન મળ્યા છે. આ દાનપત્રો તેમજ ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી એમનાં સમયના કેટલાંક અધિકારીઓ – મંત્રીઓનાં નામ જાણવા મળે છે. વિક્રમ સંવત ૧૧૪૮ (ઇસવીસન ૧૦૯૨)ના દાનપત્રમાં કર્ણદેવને ત્રૈલોક્યમલ્લનું બિરુદ આપવામાં આવ્યું.
કર્ણદેવના મંત્રીઓમાં વિમલમંત્રીના ભાઈ નેઢનો પુર ધવલ, મહામાત્ય મુંજાલ કે જેને વિક્રમ સંવત ૧૧૪૬ (ઇસવીસન ૧૦૦૦)પહેલાં કરન્નનું મંત્રીપદ ધારણ કર્યું હતું. કર્ણદેવના પુરોહિત પદે સોમ શર્માના વંશજ આમ શર્મા હતાં.
રાજા કર્ણદેવ સોલકીની રાજકીય કારકિર્દી – એમનાં યુદ્ધ અભિયાનો —–
માળવા વિગ્રહ ——–
રાજા કર્ણદેવ સોલંકી જયારે ગાદી પર બિરાજમાન થયાં ત્યારે માળવા સાથેનો વિગ્રહ સંપૂર્ણ રીતે શાંત પડયો ન હતો. ચેદિ ના રાજવી લક્ષ્મીકર્ણએ ધારાનગરી – ધાર જીત્યાં પછી પશ્ચિમના ચાલુક્ય રાજવી સોમેશ્વરે હરાવ્યો હતો. ભોજનાં પુત્ર પરમાર જયસિંહે ચાલુક્ય રાજવી સોમેશ્વરની મદદથી શત્રુઓને હરાવી ગાદી મેળવી હતી. આ જયસિંહ પછી માળવાની ગાદીએ એનો હરિફ ભોજનો ભાઈ ઉદયાદિત્ય શાકંભરીના રાજવી વિગ્રહરાજના ટેકાથી સત્તા પર આવ્યો. ઉપલબ્ધ અભિલેખો પરથી જણાય છે કે કર્ણ અને માળવાના ઉદયાદિત્ય વચ્ચે યુદ્ધ થયું હતું. અરિસિંહે સુ.સં.માં જણાવ્યું છે કે કારણે મળવાના રાજવીને હરાવીને નીલકંઠની પ્રતિમા આણી હતી. જ્યારે “પૃથ્વીરાજ ચરિતમાં જણાવ્યું છે કે સાંભરના ચૌહાણ રાજવી વિગ્રહરાજ 3જાની મદદથી ઉન્નતિ પ્રાપ્ત કરીને તથા એણે આપેલો ઘોડો લઈને ઉદયાદિત્યે ગુજરાતના રાજા કર્ણને હરાવ્યો હતો.
લાટ વિજય ——
સૌ પહેલાં તો એ જાણી લેવું આવશ્યક છે કે આ લાટ પ્રદેશ કોને કહેવાય છે તે! મહી નદી અને નર્મદા નદી વચ્ચે જે પ્રદેશ વિસ્તરેલો છે – આવેલો છે તેને લાટ પ્રદેશ કહેવાય છે. રાજા મૂળરાજ સોલંકીના વખતથી લાટ અને અણહિલવાડની વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું હતું. ભીમદેવ પહેલાનાં સમયમાં લાટ સોલંકી રાજ્વીઓથી સ્વતંત્ર બન્યું હોય એમ જણાય છે.
ઇસવીસન ૧૦૫૦ના ત્રિલોચનપાલના સુરતના દાનપત્ર પરથી જણાય છે કે આ સમયે લાટમાં બારપ્પના વંશજ ત્રિલોચનપાળ સત્તા પર હતો.આ લાટનો પ્રદેશ એ રાજા કર્ણદેવે કલચુરીના યશ:કર્ણ પાસેથી જીતી લીધો હતો એમ સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં જણાવ્યું છે. શક સંવત ૯૯૬, વિક્રમ સંવત ૧૧૩૧(ઇસવીસન ૧૦૭૪)નાં કર્ણદેવના નવસારી દાનપત્ર પરથી જણાય છે કે આ સમયે લાટ પ્રદેશમાં રાજા કર્ણદેવની સત્તા પ્રવર્તતી હતી.
આ સર્વે ઉલ્લેખો પરથી એ ફલિત થાય છે કે ઇસવીસન ૧૦૫૦માં લાટ ઉપર કલ્યાણીના ચાલુક્યોની સત્તા પ્રવર્તતી હતી. પણ એમની પાસેથી ઇસવીસન ૧૦૭૪ના સમય દરમિયાન રાજા કર્ણદેવે લાટ છીનવી લીધું હશે!
કીર્તિકૌમુદીમાં રાજા કર્ણદેવને કામદેવ જેવો રૂપાળો ચીતર્યો છે. હમ્મીર મહાકાવ્યમાં રાજા કુશલે રાજા કર્ણદેવનો વધ કર્યો છે એમ જણાવ્યું છે.પણ દ્રયાશ્ર્યમાં હેમચંદ્રાચાર્ય જણાવે છે કે રાજા કર્ણદેવે જયસિંહનાં રાજ્યાભિષેક પછી હરિસ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કર્યો. પ્રબંધચિંતામણીમાં રાજા કર્ણદેવનાં પુત્ર જયસિંહદેવનો રાજ્યાભિષેક સંવત ૧૧૫૦ના પોષવદ 3 શનિવારે શ્રવણ નક્ષત્રમાં થયો હોવાનું જણાવ્યું છે. આ ઉપરથી જણાય છે કે કર્ણદેવનું મૃત્યુ સંવત ૧૧૫૦ પછી કોઈક સમયે થયું હોવું જોઈએ.
કેટલીક જગ્યાએ એમ પણ લખાયું છે કે રાજા કર્ણદેવે લાટ પ્રદેશના રાજા જગતપાલને હરાવીને બરપ્પ વંશનો જ અંત કરી નાંખ્યો એ વંશ ત્યાર પછી અસ્તિત્વમાં જ ના રહ્યો એટલેકે સમૂળગો સફાયો. આ વિજય પછી જ એમને ત્રૈલોક્યમલ્લનું બિરુદ પ્રાપ્ત થયું હતું.
હવે જ આ કર્ણદેવ સોલંકીની અતિ મહત્વની જીત અને સમગ્ર ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદવાદીઓએ ગર્વ લેવા જેવી વાત! મારો મતલબ છે અત્યારે જે વિવાદ ચાલે છે એ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવું એનાં તરફ મારો ઈશારો છે મને ક્યારનું થતું હતું કે સોલંકીયુગે શું માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ જીત હાંસલ કરી હતી તો એ વખતે અમદાવાદ કોના તાબામાં હતું અને દક્ષિણ ગુજરાત કોના તાબામાં હતું ?
અમદાવાદીઓ જે નામ ગર્વથી લે છે એ છે કર્ણાવતી નગર ! શું આ નામનું નગર ખરેખર અસ્તિત્વમાં હતું ? હતું તો એ કોણે બંધાવ્યું હતું ?એનો જવાબ રાજા કર્ણદેવ સોલંકીની આ જીતમાં રહેલો છે .એ સમયે અમદાવાદ તો અસ્તિત્વમાં નહોતું પણ અમદાવાદની બાજુમાં આશાપલ્લી(આશાવલ)માં આશા ભીલ રાજ્ય કરતો હતો. આ આશા ભીલ એ ૬ લાખ ભીલોનો સરદાર હતો- રાજા હતો. એનાં સૈન્યમાં પણ ઘણા વધારે સૈનિકો હતાં એને હરાવ્યો અને એ જીતના જશ્નમાં એમણે અહી એક નગરની સ્થાપન કરી તેને નામ આપ્યું કર્ણાવતી નગર. આમ લગભગ ૧૧મી સદી પોણા ભાગની વીતી ગયાં પછી આ કર્ણાવતી નગરી અસ્તિત્વમાં આવી. આ ભીલને હરાવવો એ કઈ નાની સુની વાત તો નહોતી એટલે રાજા ખુશ થઇ નગરની સ્થાપના કરે એ સ્વાભાવિક પ્રક્રિયા જ ગણાય.
પણ આ સંદર્ભમાં એક બીજી ઘટના પણ સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે.વડોદરાની હાર પછી રાજા કર્ણદેવ પાછાં ફરતાં આ આશાભીલને હરાવ્યો હતો એ જગ્યાએ રાતવાસો કર્યો હતો. એ વખતે એમણે એમ લાગ્યું કે અહી એક લશ્કરી છાવણી નાંખીએ તો સુગમતા રહેશે. એટલે આ શુભ આશયથી એમણે કર્ણાવતી નગરની સ્થાપના કરી. તેઓએ અને તેમનાં સૈન્યે રાતવાસો કર્યો હતો તે જગ્યા એટલે અત્યારના અમદાવાદનો જમાલ પુર વિસ્તાર.એ વખતે જે એમણે કર્ણાવતી નગર બંધાવ્યું હતું તે જમાલપુરથી પાલડી, કોચરબ અને અસારવા સુળીનો વિસ્તાર. પાલડીના સંસ્કાર કેન્દ્રના ઉત્ખન્ન વખતે રાજા કર્ણદેવ સોલંકી સમયના ઘણા અવશેષો મળી આવ્યાં હતાં.જો કે એ કર્ણદેવ સોલંકીનાં જ છે એ વિષે હજીપણ ઘણાં બધાના મનમાં અસમંજસ જ છે. કારણકે અમુક જગ્યાએ સાલવારી ખોટી પ્રાપ્ત થયેલી છે.
વળી, રાજા કર્ણદેવે અ બંધાવેલા કર્ણાવતી નગર એ અસારવા સુધી વિસ્તરેલો હોય તો વચ્ચે સારંગપુર પણ આવે જ ને ! આ નગરમાં એમણે ત્રણ મંદિરો બંધાવ્યા હતાં. એમણે નગર મધ્યે એક સરોવર બંધાવ્યું હતું કરણ સરોવર જેનું આજનું આધુનિક અનામ અને સ્વરૂપ છે – કાંકરિયા તળાવ ! સારંગપુર પુલની નીચે એક શિવ મંદિર બંધાવ્યું જેને નામ આપ્યું કર્ણેશ્વર મહાદેવ – કર્ણમુક્તેશ્વર મહાદેવ !! જો કે ત્યાની માહિતી તો એમ જણાવે છે કે એ કદાચ ઇસવીસન ૯૫૦માં બન્યું હોય ! આ કદાચ શબ્દને ઈતિહાસ મહત્વ આપતો જ નથી.ક્યાં ઇસવીસન ૯૫૦ અને ક્યાં ઈસ્વીસન ૧૦૭૫ પછીના વર્ષ !!! બંને વચ્ચે ખાસો મોટો સમયગાળો છે ૧૨૫-૧૩૫ વરસ જેટલો. આ તો મુળરાજ સોલંકીથી માંડીને રાજા કર્ણદેવ સુધીના વરસ ગણાય.
આ મંદિરમાં જ જયસિંહ નો જન્મ થયો હતો એમ કહેવાય છે. જોકે ની વિગતે છણાવટ મહારાજ સિદ્ધરાજ જયસિંહ વખતે કરીશું!! આનું નામ કર્ણમુક્તેશ્વર કેમ પડયું તો એનો સીધો સંદર્ભ આ નામમાં જ રહેલો છે. રાજા કર્ણદેવ સોલંકીએ અહી જ રાજા સિદ્ધરાજનો રાજ્યાભિષેક કર્યો હતો અને પોતે હરિસ્મરણ કરતાં દેહત્યાગ કર્યો હતો એટલે રાજા કર્ણદેવને મોક્ષ-મુક્તિ મળી એટલે આ મંદિરનું નામ કર્ણમુક્તેશ્વર પડયું છે એમ કહેવાય છે. મારે વારંવાર આ મંદિરમાં જવાનું થતું હોવાથી ક્યારેક હું વિગતે આ મંદિર પર લખીશ ત્યારે આપણે એ ચર્ચા કરીશું !
રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતીમાં ત્રણ મંદિરો બંધાવ્યા હતાં
[૧] જયંતી દેવી મંદિર
[૨] કોછરબાદેવી મંદિર
[૩] કર્ણેશ્વર મહાદેવ
એમાંથી આજે જયંતીદેવીનું મંદિર તો અસ્તિત્વમાં નથી. કોછરબાદેવીનું મંદિર એ હાલના કોચરબ ગામમાં હતું પણ અત્યારે નથી અને કર્ણેશ્વર મહાદેવ જે પાછળથી કર્ણમુક્તેશ્વર મહાદેવ બન્યું.
આશા ભીલ એ માત્ર સરદાર નહોતો માત્ર એ ભીલોનો રાજા હતો. વડોદરાની હાર પછી રાજા કર્ણદેવને આ જગ્યાનું મહત્વ સમજાયું અને અહી ફરી કોઈ બળવો ના કરી શકે એ હેતુસર જ આ નગરની રચના કરી હતી. ઈતિહાસ આને કેટલું અનુમોદન આપે છે કે ઈતિહાસ એની અવગણના કરે છે એ ઈતિહાસ પર જ છોડી દઈએ !!!
રાજા કર્ણદેવનાં આશાવલ નગરીના રાત્રી રોકાણ સાથે એક દંતકથા પણ જોડાયેલી છે રાજા કર્ણદેવે પાછાં પાટણ જતાં અહી રાત્રી પડાવ નાંખ્યો હતો. રાજા કર્ણદેવ પણ પોતાની શિબિરમાં આરામ કરે છે અને એમનાં સૈનિકો પણ આરામ ફરમાવતાં હોય છે. બરાબર આ જ જગ્યાએ બીજાં દિવસની વહેલી પરોઢે એક રાજકુમારી પસાર થતી હતી. તેને એવું લાગ્યું કે અહી રાજા છે સૈન્ય છે ! તો એ રાજકુમારીને એમ લાગ્યું કે એ રાજાના સૈનિકો મારાં સૈનિકોને કૈંક પૂછશે ! આ બધું જોઇને રાજા પણ મને મળવા – પૂછવા આવશે કે- ” તમે ક્યાંના રાજકુમારી છો? તમે ક્યાં જાઓ છો ? વગેરે પ્રશ્નો પુછશે !”
રાજકુમારીને એમ હતું કે મને થોડો ભાવ મળશે અને એ બહાને મારું મહત્વ વધશે પણ આવું કશું જ થયું નહીં ! કર્ણદેવ ધ્યાન જ નથી આપતાં નથી એમનાં સૈનિકો ધ્યાન આપતાં ! આવું કશું જ બન્યું નહી એટલે રાજકુમારીનું સ્વાભિમાન ઘવાયું. જો રાજા મારાં વિષે કશી માહિતી માહિતી પ્રાપ્ત નથી કરતાં તો હું એમનાં વિષે થોડી માહિતી કેમ ના મેળવી લઉં ! એમણે પોતાના સૈનિકો દ્વારા માહિતી પ્રાપ્ત કરી કે –
આ તો પાટણના રાજા છે અને શક્તિશાળી પણ દેખાવે પણ સારાં છે. બબ્બે રાજ્ય જીતીને બેઠેલાં છે અને હવે પાટણ જાય છે. ટૂંકમાં –
રાજકુમારીને થયું કે આ રાજા સારો છે એટલેકે પાર્ટી સધ્ધર છે તો હવે શું કરવું જોઈએ. સામેથી જ પ્રસ્તાવ મુકવો-આપવો જોઈએ !રાજા કર્ણદેવ પણ પહોંચ્યા તો રાજ કુમારી પણ પાટણ પહોંચ્યા. ત્યાં આ રાજકુમારીએ કર્ણદેવને લગ્નનો પ્રસ્તાવ મુક્યો!
“મેં તમારા વિષે ઘણી માહિતી એકઠી કરી છે હું તમારી સાથે લગ્ન કરવાં માંગું છું પણ આપણા રાજા કર્ણદેવે તો સીધે સીધું કહી દીધું “આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ !” મારે તમારી સાથે લગ્ન નથી કરવાં !”
રાજકુમારીને એમ લાગ્યું કે આ રાજા મને કોઈ સામાન્ય સ્ત્રી સમજે છે એટલે એમણે પોતાની ઓળખ આપતાં કહ્યું કે – “મારું નામ મયણલ્લા દેવી છે અને હું ચંદ્રપુરના રાજા જયકેશીની એક અને માત્ર એક પુત્રી છું. મારે કોઈ બીજાં ભાઈ બહેન નથી. અમારું આ ચંદ્રપુર રાજ્ય એ ગોવા અને કર્ણાટક રાજ્યની વચ્ચે આવેલું છે.” તો પણ રાજા કર્ણદેવે કહ્યું કે – ” તો શું થઈ ગયું ! તમે રાજકુમારી હોવ તો ભલે હોવ પણ મારી તમારી સાથે પરણવાની બિલકુલ તૈયારી નથી!! મારી લગન કરવાની બિલકુલ ઈચ્છા નથી !”
આ વાતની ખબર રાજમાતા ઉદયમતીને ખબર પડી. તેમણે એવું વિચાર્યું કે આ તો દક્ષિણના રાજા જ્યકેશીની પુત્રી છે અને જયકેશીને તો કોઈ પુત્ર છે જ નહીં ! એટલે એમનાં મૃત્યુ પછી આખેઆખું રાજય અને એમની સંપતિ એ દીકરીની જ થાય અને દીકરીને મળે એટલે એ જમાઈની જ ગણાય ! એટલે તેઓ પોતાનાં પુત્ર કર્ણદેવને સમજાવે છે કે – “તારે લગન તો કરવાનાં જ છે કોઈ પણ સ્ત્રી સાથે તો આ મયણલ્લાદેવી શું ખોટી છે !” ઘણી માથાઝીંક અને સમજાવટ પછી આખરે રાજા કર્ણદેવ માની જાય છે અને રાજકુમારી મયણલ્લાદેવી સાથે લગ્ન કરે છે. લગ્ન પછી મયણલ્લાદેવીનું નામ બદલી નાખવામાં આવ્યું અને તેઓએ મીનળદેવી નામ ધારણ કર્યું . આ માત્ર દંતકથા નથી આનું નિરૂપણ સાહિત્યમાં પણ થયું છે જ
લગ્ન પછી બધું ગાડું બરાબર ચાલ્યું અને સન ૧૦૯૧માં પુત્ર જયસિંહનો જન્મ થાય છે.પણ ઇસવીસન ૧૦૯૪માં માળવાના રાજા ન્ર્વાર્માએ રાજા કર્ણદેવ પર આક્રમણ કર્યું અને એમાં રાજા કર્ણદેવ યુધ્ધ તો જીત્યા પણ યુધ્ધના ઘાવમાં એમનું મૃત્યુ થઇ ગયું. પછી રાજા સિદ્ધરાજ જયસિંહને રાજા બનવાયા ત્યારે એમની ઉમર માત્ર 3 વર્ષની જ હતી 3 વરસનું બાળક રાજ્ય ચલાવી તો ના જ શકેને એટલે ઇસવીસન ૧૦૯૪ થી રાજ્ય ચલાવવાની જવાબદારી માતા મીનળદેવી અને મંત્રી શાંતુ પર આવી પડી !
રાજા કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ પણ જીતી લીધો. રાજા કર્ણદેવે આશા ભીલને પણ હરાવ્યો. રાજા કર્ણદેવે દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી પોતાનાં શાસનનો વિસ્તાર વધાર્યો હતો . આ નવસારીનું એ વખતનું નામ નાગસારિકા હતું. આ માહિતી એમનાં અભિલેખમાંથી જ પ્રાપ્ત થઇ છે. નવસારી, લાટ પ્રદેશ અને આશાવલના વિજય પછી કર્ણદેવ હવે કચ્છ, સુરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્શીન્ગુજરતનો રાજા બન્યો એટલે હવે ભરૂચ, ખંભાત અને પ્રભાસપાટણના બંદરોની ભરચક આવક તેમની તિજોરીમાં એકઠી થવા લાગી.
ઉપસંહાર ——–
રાજા કર્ણદેવે રાણીની વાવનું બંધકામ પૂર્ણ કરાવેલું. મોઢેરા સૂર્યમંદિર પણ પૂર્ણ કરાવેલું. પાટણમાં કર્ણમેરુપ્રાસાદ નામનું મદિર પણ બંધાવ્યું હતું. આ રાજાનો શાસનકાળ પ્રમાણમાં શાંતિપ્રિય હતો એટલે જ એમનાં વિષે હાર જીતની વાતો વહેતી થઇ છે. એમને માટે એમ પણ કહેવાય છે કે તેમને યુદ્ધ કરતાં સ્થાપત્યો બાંધવામાં જ રસ હતો. આ એક એવાં રાજા હતાં કે જેની ઇતિહાસે સરખી નોંધ લીધી જ નથી. રાહ જુએ છે ઈતિહાસ કે કર્ણદેવને ક્યારે યોગ્ય ન્યાય મળે તે !!! એ જે હોય તે હોય પણ જો ક્રનાવતી નામ સાથે એમને સંકળાતા હોય આ એમની એક સૌથી મોટી સિદ્ધિ ગણાય એમાં બે મત નથી જ !
મારો હવે પછીનો લેખ મહારાજ સિદ્ધરાજ જયસિંહ પર !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય કર્ણાવતી !!
!! હર હર મહાદેવ !!
———- જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..