ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ભીમદેવ સોલંકી પ્રથમ
(ઇસવીસન ૧૦૨૨ – ઇસવીસન ૧૦૬૪)

સોલંકી યુગની શરુઆત સારી થઇ. ત્યાર પછીના ત્રણ રાજાઓ વિષે પણ આપણે જોયું. તેઓ તો કંઈ વિશેષ પ્રભાવ પાડી નહોતાં શક્યાં પણ એકજ રાજઘરાનામાં કોક વીરલો તો અવશ્ય પાકતો હોય છે. ચામુંડરાજના ત્રણ પુત્રો હતાં એમાં બે તો રાજાઓ થઇ ગયાં. દુર્લભરાજનો શાસન સમય ૧૦૨૨માં સમાપ્ત થઇ ગયો .પણ તેમને કોઈ પુત્ર તો હતો જ નહીં. તેમના શાસનકાળ દરમિયાન જ પોતાનાં નાનાં ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને યુવરાજ પદે નિયુક્ત કર્યો હતો. જે મહત્વકાક્ષી, વિચારશીલ અને શક્તિશાળી હતો. હવે પછી એ જ રાજા થશે એની પૂર્વભૂમિકા એમણે પહેલેથી જ તૈયાર કરી દીધી હતી.

બાકી હતું તે માત્ર સમયે જ કરવાનું હતું અને ભીમદેવ પ્રથમના મગજે અને એમની ભુજાઓએ!!! આમાં તે સમયનો માહોલ અને આવડત એ મહત્વના અંગો છે. જેમાં ભીમદેવ પ્રથમ સાંગોપાંગ પાર ઉતર્યો હતો એમ અવશ્ય પણે કહી શકાય. ભીમદેવને યુધ્ધની તાલીમ તો બાળપણથી જ મળી હતી એટલે કોઈ વાંધો આવી શકે મ હતો જ નહીં. ભીમદેવે જોયું કે સં ૯૯૭થી ૧૦૨૨ સુધી કોઈ મોટી લડાઈ કે યુદ્ધની નોબત આવી જ નહોતી. જે શરૂઆત રાજા મુળરાજ સોલંકીએ કરી હતી ગુજરાતને એક કરવાની અને પ્રજામાં સુમેળભર્યું વાતાવરણ ઉભું કરવાની એણે આગળ ધપાવવાની અને એણે વિસ્તારવાની જ વાત હતી !!! આને આગળ કેમ ધપાવવું ? અને આ સોલંકીયુગનો વિસ્તાર કેમ વધારવો એજ એમની મહેચ્છા હતી ! આવી એક વિચારસરણી લઈને રાજા ભીમદેવ સોલંકી રાજગાદી પર બેસે છે.

રાજગાદી પર બેસતી વખતે તેઓ સુજ્ઞાત જ હતાં કે મારે કૈંક અલગ કરવું પડશે કારણકે સન ૯૯૭થી ૧૦૨૨ દરમિયાન કોઈ મોટી અને મહત્વની ઘટના બની જ નથી.

સોલંકીયુગનું નામ મારે જ રોશન કરવું પડશે એવું એ જાણતાં પણ હતાં અને માનતાં પણ હતાં. તેમને એ પણ ખ્યાલ હતો કે બહારના ગૌરવશાળી ઈતિહાસ પર એક લાંછનરૂપ ઘટના અવશ્ય બની છે અને તે છે મહેમુદ ગઝનીના આક્રમણની. આ બાબતથી તેઓ પુરેપુરા સભાન હતાં. કારણકે આ મહમૂદ ગઝની એ વિશાળ સૈન્યની સાથે વાવાઝોડાની જેમ ત્રાટકતો હતો અને એ લૂંટીને જતો રહેતો હતો. શરૂઆતમાં ભારતમાં એનો મુકાબલો ક્ષત્રિયોએ કર્યો હતો. વચ્ચે વચ્ચે બીજાં રાજાઓએ પણ એનો જમકર મુકાબલો કર્યો હતો પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. કારણકે મહમૂદ ગઝનીએ સન ૧૦૦૦થી માંડીને ૧૦૨૪ સુધીમાં ૧૬ આક્રમણો કર્યાં હતાં. આ તેમનું સત્તરમું આક્રમણ હતું. પણ રાજા ભીમદેવને એ ખ્યાલ નહોતો કે આ મહમૂદ ગઝની ગુજરાત પર આક્રમણ કરશે તો ગુજરાતને કેવી રીતે બચાવી શકાશે ? પડશે એવા દેવાશે એમ માનીને તેઓ અંધારામાં જ રહ્યાં હતાં. આ વિષે વાત આપણે આગળ જતાં કરીશું. બીજું એ કે એમને મનમાં હતું કે આ માળવા જે ગુજરાતનું પાડોશી રાજ્ય છે એ વારંવાર પોતાનું માથું ઊંચક્યા કરે છે એને પણ પર્થપાઠ ભણાવવો જ પડશે આવો એક વિચાર લઈને એમણે રાજગાદી સંભાળી.

રાજા ભીમદેવની પ્રાથમિક અને કૌટુંબિક વિગતો
રાજા ભીમદેવનું બાળપણ તો પાટણમાં જ વીત્યું હતું પછી એ ત્યાના રાજદરબારમાં યુવરાજ પદે પણ બિરાજમાન હતાં. તેમના પિતાનું નામ નાગરાજ હતું. તેમની માતાનું નામ લક્ષ્મી હતું. તેઓ નાગરાજ અને લક્ષ્મીનાં એક માત્ર સંતાન હતાં. આ તો થઇ એમનાં જન્મની વાતો હવે એમના કિશોરકાળનો વારો આવે છે. તેઓ જેમ જેમ મોટા થતાં ગયાં એમ તેઓ અણહિલવાડ અને સોલંકીયુગના પૂર્વજો વિષે જ્ઞાત થતાં ગયાં. એટલે એમ કે તેઓ સોલંકીયુગના રંગે રંગાઈ ગયાં અલબત્ત પાટણના રાજ્કીયના ઇતિહાસમાં. તેઓ બાળપણથી જ યુદ્ધની તાલીમ લેતાં હતાં. તેમની આ યુદ્ધનિપુણતા જ આગળ જતાં કામે લાગવાની હતી! તે સમયમાં કઈ અત્યાધુનિક શસ્ત્રો તો હતાં નહી એટલે એમણે તલવારબાજી અને બાણવિદ્યામાં જ મહારત હાંસલ કરી. એમની બાણવિદ્યાને લીધે જ એમને એક ઉપનામ મળ્યું “બાણાવળી” જેને “બાણાવળી ભીમ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તખલ્લુસ તો બધાં પ્રાપ્ત કરે છે જે આજકાલ રાફડો ફાટ્યો છે તેમ જ. પણ ઉનામ તો પોતાની આગવી પ્રતિભાને લીધે લોકો દ્વારા જ મળતું હોય છે. એમની આગવી પ્રતિભાની એક નવી ઓળખ માટે.જે આ રાજા ભીમદેવ પ્રથમ માટે યથાર્થ જ સાબિત થાય છે.

રાજા રાજગાદી પર આવે એટલે એમનેમાટે લગ્નના માંગા આવે તે સ્વાભાવિક છે. પણ આ રાજાની બાબતમાં એવું નહોતું બન્યું. એમણે એ કન્યાઓ જાતે જ પસંદ કરી હતી. એમણે બે લગ્ન બે સુકાન્યાઓ સાથે કર્યાં અને ખૂબીની વાત તો એ છે કે એ બંને રાજકન્યાઓ નહોતી. પહેલાં હતાં રાણી ઉદયમતી જે જુનાગઢના રાજા રા’ખેંગારના ઉપસ્ત્રી હતાં. આ શબ્દની આપણે વિગતે ચર્ચા કરતાં નથી. પણ આ વાતથી એક વાત તો સાબિત થાય છે કે – આ ઉદયમતી એ રાણી નહોતાંકે નહોતાં એમનાં બહેન કે પુત્રી. એ રાજવંશમાં જન્મેલાં ન્હોતાં એવું પ્રથમ નજરે દ્રષ્ટિગોચર થાય છે. નહી તો એ ઉપસ્ત્રી હોત જ નહીં ને !!! ઉપસ્ત્રી એટલે કદાચ કોઈ અન્ય કોઈ જ્ઞાતિમાં જન્મેલી સ્ત્રી! આમેય સોલંકીયુગને ચુડાસમા વંશ સાથે તો બાપે માર્યા વેર હતાં. જે આપણે મુળરાજ સોલકી વખતે જોયું -જાણ્યું હતું.

રાજા મૂળરાજે રાજા રા’ ગ્રહરિપુને હરાવ્યો હતો. રાજા ભીમદેવ સોલંકીએ પાટણની ગાદી સંભાળી સન ૧૦૨૨માં ત્યારે એટલે કે સન ૧૦૧૦થી સન૧૦૨૫ દરમિયાન જૂનાગઢમાં સોલંકીયુગનું રાજ્ય હતું એટલે એમ કહી શકાય કે ભીમદેવના શાસન સંભાળ્યાને ત્રણ વર્ષ સુધી તો એ સોલંકીયુગના તાબામાં જ હતું. પણ ….. સન ૧૦૨૫થી સન ૧૦૪૪ સુધી જૂનાગઢના ઉપરકોટમાં ફરી પાછુ ચુડાસમા વંશનું શાસન શરુ થયું. રા’ નવઘણ પ્રથમે પુન: ચુડાસમા યુગ શરુ કર્યો. આ સમયગાળો પણ સોલંકીયુગના રાજા ભીમદેવ પ્રથમનો જ છે ત્યાર પછી જૂનાગઢના ઉપરકોટમાં ચુડાસમા વંશના રા’ ખેંગાર પ્રથમનું શાસન શરુ થાય છે. એમનો શાસનકાળ છે ઇસવીસન ૧૦૪૪થી ઇસવીસન ૧૦૬૭. રા’ ખેંગાર પ્રથમના છેલ્લા 3 વર્ષ બાદ કરીએ તો એટલે કે સં ૧૦૬૪ સુધુ તો અણહિલવાડ પાટણમાં રાજા ભીમદેવ પ્રથમનું જ રાજ હતું. તમારા મનમાં ઉદભવતા પ્રશ્નના નિરાકરણ માટે જ મેં આ સાલવારી અને વિગતો આપી છે. રાજા ભીમદેવ પ્રથમના સમયમાં રા નવઘણ પ્રથમ અને રા’ ખેંગાર પ્રથમનું રાજ હતું રા નવઘણ દ્વિતીય અને ખેંગાર દ્વિતીય તો મહારાજ સિદ્ધરાજ જયસિંહના વખતમાં થયાં હતાં. એટલે અહી જે વાત છે એ રા’નવઘણ પ્રથમ અને રા’ખેંગાર પ્રથમની જ છે.

તોય મારાં મનમાં એક પ્રશ્ન જરૂર ઉભો થાય છે એ એ છે કે —- જો ઉદયમતી એ રા ખેંગારના ઉપસ્ત્રી હોય તો રાજા ભીમદેવે ઉદયમતી સાથે લગ્ન કર્યું કેટલી ઉંમરે અને કઈ સાલમાં. સાલવારી જોતાં તો પ્રથમ નજરે એવું લાગે છે કે રાજા ભીમદેવે પાછલી ઉમરમાં લગ્ન કર્યું હોય પણ એવું નથી એમણે શરૂઆતમાં જ લગ્ન કર્યા હતાં યુવાવસ્થામાં !!! એ વાત અધ્યાહાર જ રાખીએ પણ એટલું તો સ્વીકારવું જ પડે કે રાજા ભીમદેવ સોલંકીના લગ્ન ઉદયમતી સાથે થયાં હતાં. આ ઉદયમતીએ જ પાટણમાં જગવિખ્યાત “રાણીની વાવ”-“રાણકી વાવ બંધાવી હતી. તે રાજા ભીમદેવ સોલંકી પ્રથમના પટરાણી હતાં.

હવે રાજા ભીમદેવને વારંવાર પ્રખ્યાત સોમનાથ મંદિરમાં જવા આવવાનું થતું હતું. ત્યાં નૃત્યમંડપમાં નર્તકીના નૃત્યો પણ થતાં હતાં. રાજા એ નર્તકીના નૃત્યો નિહાળતાં હતાં. તે સમયગાળામાં એક સ્વરૂપવાન નર્તકી બકુલાદેવી (ચૌલાદેવી) સાથે એમણે પ્રેમ થઇ ગયો. તેઓએ એમને બીજી રાણીનો દરજ્જો આપ્યો અને એમને માનીતી – મુખ્ય રાણી પણ બનાવ્યાં. તેમાં એમને બે પુત્ર થયાં એક ક્ષેમરાજ નામનો અને બીજો મુળરાજ નામનો. આ મૂળરાજ એટલે બાળ મુળરાજ નહી. આ છે એક ત્રીજો જ મુળરાજ છે પણ એ મહત્વનો નથી. પણ નર્તકીના પુત્રને યુવરાજ પદે ના જ સ્થાપી શકાય એટલે એ આધિકાર ઉદયમતી દ્વારા થયેલ પુત્ર કર્ણદેવને આપ્યો. એટલે એ તો નક્કી થઇ જ ગયું કે રાજા ભીમદેવ પછી રાજા કર્ણદેવ જ રાજગાદી પર બેસશે.

✅ આ હતી તેમની બાળપણની અને કૌટુંબિક વિગતો.

ગુજરાતી નવલકથામાં કનૈયાલાલ મુન્શીએ “જય સોમનાથ”માં, ધૂમકેતુએ “ચૌલાદેવી”, ચુનીલાલ મડિયાએ “કુમકુમ અને આશકા”માં અને શ્રી રઘુવીર ચૌધરીએ “સોમતીર્થ”માં ચૌલાદેવીના પાત્રનું અદભુત પાત્રાલેખન કરી અન અભિજાત્ય અને સુંદરતાનું વર્ણન કરી ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં એનું મહત્વ બતાવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે. ભલે એ ઈતિહાસ ના હોય પણ ઇતિહાસના દ્વાર ખોલી આપનારી તો નીવડી જ છે . આ સીવાય પણ બીજાઓએ આ ચૌલાદેવીને સાહિત્યના ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન પોતપોતાની રીતે જરૂર કર્યો છે. મુનશીજીની નવલત્રયી પણ આ સંદર્ભમાં જોવાં જેવી ખરી !

રાજા ભીમદેવ સોલંકીની રાજકીય કારકિર્દી અને એમનાં યુદ્ધ અભિયાનો

મેં આગાઉ પણ કહ્યું છે તેમ કોઈપણ રાજા એ બધાં યુધ્ધો તો જીતતો નથી જ. ભારતના અગણિત રાજાઓમાં માતા આંગળીના વેઢે ગણી શકાય એવાં જ રાજાઓ છે જે એક પણ યુદ્ધ હાર્યા નથી.ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતના એકેય રાજાઓ આમાં નથી !

રાજા ભીમદેવે ૧૦૨૨માં રાજગાદી સંભાળી. આમાં એક વાત કહેવાની રહી જાય છે એ એ છે કે રાજા ભીમદેવની નિયુક્તિ રાજા દુર્લભરાજે યુવરાજપદે કરી કારણકે એ પોતે તો અપુત્ર હતાં અને આ ભીમદેવ સોલંકી એ એમનો માનીતો ભત્રીજો હતો. એની શક્તિઓ પારખી જઈને જ એમની યુવરાજપદે નિયુક્તિ કરી હતી હવે સં ૧૦૨૨ પછી માત્ર 3-૪ વર્ષમાં જ મહમૂદ ગઝનીએ ગુજરાત પર આક્રમણ કર્યું.

રાજા ભીમદેવ સોલંકીના રાજ્યાભિષેક પછી થોડાંક જ વર્ષોમાં મહમૂદ ગઝની(ગઝનવી)ની ભારત પર ચઢાઈ થઇ. અફઘાનિસ્તાન તે સમયે ગઝની તરીકે ઓળખાતું હતું. ત્યાંના એ કુખ્યાત સુલતાને ઇસવીસન ૧૦૦૦-૧૦૨૨ દરમિયાન ભારતવર્ષમાં પેશાવર, નગરકોટ, ઉદ્વાંડ, ભાટિયા, મુલતાન, કનોજ, ગ્વાલિયર, કલંજર વગેરે અનેક સ્થાનો પર ચઢાઈ કરી હતી. ગંધારના શાહી રાજ્યનો પ્રદેશ સર કર્યો હતો. અનેક કિલ્લા કબજે કર્યાં હતાં. મંદિરોનો નાશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે ભારત પર આ વર્ષો દરમિયાન તે ૧૭-૧૭ વખત આક્રમણ કરી ચુક્યો હતો. તેણે ગુજરાતના સોમનાથના સોનાના મંદિર વિષે સાંભળ્યું હતું.એટલે આ વખતે એટલેકે ઇસવીસન ૧૦૨૫માં તેણે સોમનાથને લુંટવાનું નક્કી કર્યું.
તેની એક જ ઈચ્છા હતી કે એ ભારતમાંથી એટલું બધું ધન અને સંપતિ લૂંટી જાય અને પોતાનાં રાજયને એટલું સમૃદ્ધ બનાવે કે એ પોતે સમગ્ર મધ્યએશિયા પર રાજ કરી શકે.

અલબરુની ચામુંડરાજના સમયમાં સોલંકીકાળમાં ગુજરાત આવી જ ચુક્યો હતો. તેણે જ આ સોમનાથ મંદિર વિષે ગઝનીને કહ્યું હતું. મહમૂદ ગઝનીએ નક્કી કર્યું કે તે સોમનાથને લુંટશે. સોમનાથ ઉપર કઈ ૧૭ વખત આક્રમણ નહોતું થયું. સોમનાથ મંદિર કુલ ૬ વખત જ તૂટ્યું છે જે એનાં બાહ્ય લેયરો પરથી જણાઈ જ આવે છે. સત્તરમું આક્રમણ એ સોમનાથ ઉપરનું પ્રથમ આક્રમણ હતું. તે વખતે એમ કહેવાય છે કે આ સોમનાથ મંદિર આખેઆખું સોનાનું હતું. જે સરાસર ખોટું છે. મંદિર બે વસ્તુઓથી બનેલું હતું પત્થરમાંથી અને લાકડામાંથી. પથ્થરનું મંદિર એણે તોડી નાંખ્યું અને લાકડાનું મંદિર એણે સળગાવી દીધું. મંદિરમાં પુષ્કળ સોનું અને ઘણાં જ કીમતી જર ઝવેરાત હતાં. એટલે કોઈનું પણ લલચાય એ સોનું અને ઘણાં કિમતી જરઝવેરાત લઇ જવા માટે ! તેણે આ લૂંટ કરી ત્યારે એણે લૂંટમાં કેટલાં રૂપિયાનો ખજાનો મેળવ્યો હતો છે તમને !!! તે સમયના ૧૫ કરોડ રૂપિયા !!! આંખો પહોળી થઇ ગઈને !!! જરા વિચારો આજે એની કિમત કેટલી થાય તે !!! આ માટે એણે સં ૧૦૧૨૫નાં અંતભાગમાં શરૂઆત કરી. તેણે સોમનાથ પર આક્રમણ કરવાનો આ રસ્તો અપનાવ્યો હતો.

અફઘાનિસ્તાનમાંથી એ હાલના પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાંથી એ કચ્છ, કચ્છમાંથી જામનગર, જામનગરથી પોરબંદર અને પોરબંદરથી એ સોમનાથ આવે છે. સોમનાથ ઉપર આક્રમણ થયું એની તારીખ પણ ચોક્કસ છે ૭મી જાન્યુઆરી ૧૦૨૬, આજથી ૯૯૪ વર્ષ પૂર્વે. આ તારીખ એટલાં માટે ચોક્કસ છે કે મહમૂદ ગઝની પોતાની સાથે લેખકો-ઇતિહાસકારોને સાથે રાખતો હતો. જે ભૂલ ભારતના સમગ્ર ઇતિહાસે કરી છે એવી ભૂલ વિદેશી આક્રમણકારો નહોતાં કરતાં. મહમૂદ ગઝની પોતાનાં પરાક્રમોની ગાથા પોતાનાં લોકો સુધી પહોંચાડી શકે અને પોતાના વખાણ કરી શકે એ આશયથી તે પોતાની સાથે લેખકોને રાખતો હતો. આ વખતે એ અલબરુની અને ફરૂબી નામના લેખકને લઈને આવ્યો હતો.

ગુજરાતની શાન સમા સોમનાથ મંદિર પર આક્રમણ થાય તો ગુજરાતની ખમીરવંતી પ્રજા શાંત તો ના જ બેસી રહે ને ! એ સોમનાથની રક્ષા કરે જ કરે !!! આમેય તે સમયે ગુજરાતમાં ભીમ દેવ સોલંકીનું રાજ હતું અને સુરાષ્ટ્રમાં જૂનાગઢમાં ચુડાસમા વંશનું !!! સમગ્ર ગુજરાતના રાજા ભીમદેવ સોલન્કી હોવાથી ગઝનીને ખાળવાની જવાબદારી ભીમદેવની જ ગણાય !!! સવાલ એ ઉભો થાય કે એ સમયે રાજા ભીમદેવ શું કરતાં હતાં ? જેવાં ભીમદેવ રાજગાદી પર એવાં તરતજ યુદ્ધ અભિયાનો શરુ થઇ ગયાં હતાં. એમાં માળવાના રાજા અને સિંધના રજાનો સમાવેશ થાય છે. મહમૂદ ગઝનીએ જયારે આક્રમણ કર્યું ત્યારે તેઓ આ બને અભિયાનમાં વ્યસ્ત હતાં. જો કે તેઓ ગઝનીને પડકારવા અવશ્ય માંગતા હતાં. સોમનાથ પર આક્રમણ તો થઇ જ ચુક્યું હતું પણ તે જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો જશે એમ માની તેઓ કચ્છના કંથકોટ કિલામાં છુપાઈને રાહ જોઈ રહ્યાં હતાં. જે કચ્છના નાનાં રણ અને મોટાં રણની વચ્ચે સ્થિત છે અને એ રાજા મુળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. તેઓ ત્યાં છુપાઈ બેઠાં’તા એ વાત ૧૦૦ ટકા સાચી પણ ગઝનીથી ડરી જઈને નહી પણ ગઝનીને ચુનૌતી આપવાં માટે. હવે આ પહેલાં એટલે કે એક દોઢ દિવસ પહેલાં જ ગઝનીએ આક્રમણ કર્યું હતું.

ગઝનીને એમ કે મને કોઈ રોકશે જ નહી પણ સોમનાથ દ્વારે જ ગઝનીને રોકવા ૫૦,૦૦૦ ચુનંદા સિપાહીઓ -લડવૈયા તૈયાર જ હતાં. જે બધાં સૌરાષ્ટ્રના ગામેગામથી આવ્યાં હતાં એમ કહો કે ગુજરાતના અન્ય પ્રાંતમાંથી આવ્યાં હતાં. ગઝની ગુસ્સે ભરાણો અને સોમનાથના દ્વારે ભયંકર યુદ્ધ થયું અને એ ૫૦,૦૦૦ સૈનિકો ત્યાં જ ખપી ગયાં. ગઝની મંદિર લુંટવામાં અને તોડવામાં સફળ રહ્યો. આ વાતની ખબર જયારે રાજા ભીમદેવને પડી ત્યારે મોડું થઇ ગયું હતું. પણ તોય તેમણે સમય બગાડયા વગર કચ્છમાં એને પાછા ફરતા પડકારવાનું મુનાસીબ સમજ્યું. આ વાતની ગઝનીને ખબર પડી એ આ મોકાનો લાભ લેવાં માંગતો હતો. કારણકે એને એ અપેક્ષા જ નહોતી કે એનો કોઈ પ્રતિકાર કરશે ?

ભલે ગઝની જીત્યો પણ ગુજરાતીઓની વીરતા પર એ વારી ગયો. આટલો જોરદાર મુકાબલો એણે સપનાંમાંય કલ્પ્યો નહોતો.એટલે એ ભીમદેવ સોલંકી સાથે સંઘર્ષ ટાળવા માંગતો હતો કારણકે ભીમદેવ તો ગુજરાતનો રાજા હતો અને શક્તિશાળી પણ

એક બીજું કારણ પણ છે કે અલબરુનીને સોલંકીયુગની તાકાતની ખબર હતી એટલે જ એણે ગઝનીને સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ આપી હશે. એટલે એણે એક નવી જ ચાલ ચાલી કે ભીમદેવ ભલે કચ્છમાં રાહ જોઇને છુપાઈને બેઠો હોય તો પાટણ તો એ વખતે નધણીયાતું જ છે. તો સોલંકીયુગની આબરૂ લેવા માટે કેમ ના પાટણ પર આક્રમણ કરવું!!! એણે તેમ કર્યું રસ્તામાં આવતાં મોઢેરા જે હજી તાજેતરમાં જ બંધાવવાની શરૂઆત થઇ હતી અને શરૂઆત રાજા ભીમદેવે જ કરી હતી તેને તોડયું અને મૂળરાજે શરુ કરાવેલા અને પછી અધવચ્ચે પડતા મુકેલા રુદ્ર મહાલયને તોડયું. આ બધું ગઝનીએ સોલંકી યુગની આબરૂ લેવા જ કર્યું હતું એમ લાગે છે. એ વાતની ખબર કચ્છમાં છુપાયેલા ભીમદેવને પડી તે ત્યાંથી તાબડતોબ પાટણ આવ્યો તો ગઝની ત્યાંથી પાછો જુનાગઢ નીકળી ગયો હતો. જૂનાગઢથી એ પાછો આવ્યો હતો એ જ રસ્તે પાછો ગઝની જવાં રવાના થયો. તો ભીમદેવ પણ પાછાં પાટણથી કંથકોટ પહોંચ્યા તો એ તો આગળ નીકળી ગયો હતો. જાણકાર સુત્રોની માહિતી મુજબ રાજા ભીમદેવ સોલંકીએ છેક જેસલમેરના રણ સુધી એનો પીછો કર્યો હતો પણ ગઝની તો ઘણો આગળ નીકળી ગયો હતો. કારણકે એ ભાગદોડ વચ્ચે ખાસ્સો એક દોઢ દિવસનો સમય વહી ગયો હતો એટલે ગઝની ભીમદેવની પકડની બહાર જ હતો.

પછી શું થયું એ તો બધાને ખબર છે કે પંજાબ સિંધમાં ગઝનીને જાટોએ આંતર્યો હતો. લુંટનો બધો સામાન પરત મેળવ્યો હતો. આનાથી એમ સાબિત નથી જ થતું કે રાજા ભીમદેવ એ ડરીને કંથકોટમાં છુપાઈ બેઠાં હતાં. જે આવું પ્રસ્થાપિત કરવા માંગે છે એ સરાસર ખોટું છે. ડરના ઓથાર હેઠળ કોઈ રાજા ઇસવીસન ૧૦૨૬થી ૧૦૬૪ એટલે કે ૩૮ વરસ સુધી રાજ ના જ કરી શકે !!! આ એટલું લાંબુ લખ્યું છે એ ખોટાં વિવાદોનું શમન કરવાં માટે જ લખ્યું છે.

હજી તો ભીમદેવની ગણતરી ભારતના મહાન રાજાઓમાં થવાની બાકી જ છે !!!હવેજ આવશે એ વિજય અભિયાનો અને એમણે બંધાવેલા બેનમુન સ્થાપત્યોની વાત! પણ એ બધું આવશે ભાગ-૨ માં

———- જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!