મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1

 • નામ: સિદ્ધરાજ જયસિંહ સોલંકી
 •  પિતા: કર્ણદેવ ભીમદેવ સોલંકી (પ્રથમ)
 •  માતા: મીનળદેવી (મયણલ્લાદેવી )
 •  વંશ: સોલંકી (ચાલુક્ય / ચૌલુક્ય)
 •  જન્મ: ઈ.સ. ૧૦૯૧
 •  રાજ્યભિષેક: ઈ.સ ૧૦૯૪ (ઉંમર ૩ વર્ષ , વિક્રમસંવત ૧૧૨૦ પોષ વદ તીજ, શનિવાર)
 •  અવસાન: ઈ.સ ૧૧૪૩ (વિક્રમસંવત ૧૧૯૯ કાર્તિક સુદ બીજ)

આપણી એક ખામી એ છે કે ઈતિહાસ રચાયા પછી આપણે એને ભૂલી જઈએ છીએ અને પછી ૩૦૦- ૪૦૦ વરસ પછી એની આલોચના કરવાં બેસી જઈએ છીએ. ઈતિહાસ એ ઈતિહાસ છે …… ઇતિ હ્રાસ નહીં! ઈતિહાસને જો આજના સંદર્ભમાં જોઈએ તો આપણે અતીતને જીવંત કરી શકીએ છીએ. પુરાવાની જરૂર કોર્ટમાં પડે છે ઇતિહાસમાં નહીં. ઈતિહાસ ક્યારેય પુરાવાઓ પર આધારિત હોતો નથી નહીં તો એણે ઈતિહાસ કહેવાય જ નહીં ને! ઈતિહાસને અનુમોદનની જરૂર હોય છે પ્રમાણની નહીં!

જો કે ઇતિહાસમાં આમ જ બન્યું હશે એમ ચોક્કસ પણે તો કહી શકાતું નથી પણ આવું જ કૈંક બન્યું હશે એમ પણ માનવા આપણે તૈયાર થતાં નથી. એ આપણી જ ખામી ગણાય ઇતિહાસની નહીં. ઈતિહાસ ક્યારેય સ્થગિત થતો જ નથી માત્ર સમયની શારડી એનાં પર ફરી જતી હોય છે. ઇતિહાસમાં આ સમય અને ક્ષણનું બહુ મહત્વ હોય છે.એ સમયની ધૂળને ખંખેરીને સાફ કરવાની જરૂર છે તો જ ઈતિહાસ ચકચકિત થશે. સમયનું અવસાન થતું નથી પણ એને સદીઓનું ગ્રહણ જરૂર લાગતું હોય છે. ઇતિહાસમાં મસ્ત રહેવું હોય ને તો સમસ્તને ના ઉવેખાય ! જે ઉવેખે છે એના મૂળિયાં વહેલાં ઉખડે છે. ઇતિહાસના પવનની દિશા આપણે નક્કી કરવાની છે એ કઈ બાજુની છે તે !!!

સમય સમય નું કામ કરે આપણે આપણું કામ કરવાનું આ જ માનસિકતા આપણને ઈતિહાસવિમુખ બનાવે છે આનેજ લીધે આપણે ક્યારેક સમાજાભિમુખ બની જતાં હોઈએ છીએ સમાજની સામે બળવો કરતાં હોઈએ છીએ ! સમાજને કોસતા હોઈએ છીએ આને જ લીધે જન્મ લેતો હોય છે જાતિવાદ અને પ્રાંતવાદ આજ ઈતિહાસ અને પ્રજા માટે હાનિકર્તા નીવડતતાં હોય છે. જેનો લાભ લેવામાં ધર્મના ઠેકેદારો અને કહેવાતાં ઈતિહાસકારો અને બની બેઠેલા સાહિત્યકારોએ ભરપુર લાભ લીધો છે. ઈતિહાસ જો આપણો હોય તો આપણે કોનાં છીએ ? ધર્મનાં, જાતિનાં કે પ્રાંતના કે ભારતવર્ષનાં!!! બને તો એ નક્કી કરજો તોજ ઇતિહાસનું મહત્વસમજાશેઅને આપણે એનો અને આપણા દેશની સંસ્કૃતિનું ગૌરવ લઇ શકીશું નહી તો એ માત્ર પ્રતિજ્ઞાપત્રનાં શબ્દો બનીને રહી જશે !! ઈતિહાસ એ નથી પ્રથા કે નથી પરંપરા ….. એ તો છે એક જુદી જ વિચારધારા ! ઈતિહાસ એ સ્મારકોમાં જ સચવાયેલો હોય છે …. કથાઓમાં નહીં ! કારણકે કથા એક જ દ્રષ્ટિકોણથી લખાતી હોય છે એણે ગાથા બનાવવાનું કામ શિલ્પ સ્થાપત્ય અંને પ્રશસ્તિઓનું છે

ભારતના સમગ્ર ઈતિહાસ પર નજર નાંખીએ તો દરેક વંશમાં એકાદ -બે એવાં રાજા મળી જતાં જ હોય છે કે જે સમ્રાટ બન્યાં હોય અને પોતાના વંશનું નામ રોશન કર્યું હોય.ગુજરાતના સમગ્ર ઈતિહાસ પર નજર નાંખીએ તોય દરેક વંશમાં આવાં એકાદ – બે રાજાઓ તો મળી જ જતાં હોય છે જે જે તે યુગનું નામ રોશન કરતાં હોય છે. આવી રોશની જો તે સમયમાં રચાયેલી કૃતિઓ પાડતી હોય તો ભયો-ભયો નહીંતર આલોચના જ થવાની છે !!! એ આપણી કમનસીબી છે કે આપણે લોકકથાઓ,દંતકથાઓ અને નવલકથાઓ – કાવ્યોને જ આધારભૂત ગણીએ છીએ.આનું પરિણામ એ આવે છે કે આપણો ઈતિહાસ આપણી સમક્ષ સાચી રીતે પહોંચી શકતો જ નથી .

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો સુવર્ણયુગ છે સોલંકીયુગ જે અહી મેં આ યશોગાથા શરુ કરી છે. આ યશોગાથા મેં એક ખાસ રાજાને અનુલક્ષીને શરુ કરી છે.નાનપણમાં હું સોલંકીયુગ ભણ્યો હતો. મોટો થતો ગયો તેમ પ્રવાસો અને વાંચન અને ભણવાને કારણે ઇતિહાસમાં રસ અને રુચિ કેળવાયા.થોડાંક સંશોધનો પણ કર્યા. ઈતિહાસ પાછળ મેં ઘણાં વર્ષો ગાળ્યાં છે. મેં એ ઈતિહાસ પચાવ્યો- આત્મસાત કર્યો. સાહિત્યના સતત સંપર્કે મને વાંચતો -લખતો કર્યો. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું છું તો ગુજરાતી જ તો રાજા સિદ્ધરાજ જયસિંહ પર પણ વિશેષ અભ્યાસ કરીને ઈતિહાસ લેખ લખું . મને આ ગુજરાતના ઇતિહાસની લેખમાળા શરુ કરાવવા પાછળ ઘણાબધાં મિત્રોનો અને કુટુંબીજનોનો હાથ છે. તે વખતે મેં એ પર બહુ ધ્યાન નહોતું આપ્યું પણ હમણાં હમણાં મેં કેટલાંક ઈતિહાસ વાંચ્યા કેટલાંક લખ્યાં. ખાસ કરીને રાણકદેવી ઉપરનો તો મને લાગ્યું કે ઈતિહાસ સાચી રીતે રજુ થયો જ નથી. રાજા સિદ્ધરાજ જયસિંહ પર મેં પહેલાં લખ્યું હતું પણ એ અહીંથી તહીંથી ભેગી કરેલી માહિતી માત્ર હતી તેમાં થોડોક અવિવેક થઇ ગયો હતો આ અત્યારના સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે તેમાં મેં રાજા સિદ્ધરાજને થોડો ઉણો ઉતરતો રાજા ચીતર્યો છે.

ત્યાર પછી અમને લાગ્યું કે જે રાજાને હું સાહિત્યમાં અને ઇતિહાસમાં ભણ્યો છું અને એ બધા સ્થાનો મેં જોયાં છે. પાટણમાં જયારે હું ફરતો જાતને કાક ભટ્ટ કે સિદ્ધરાજ જયસિંહ જ સમજતો હતો. કાક ભટ્ટ તો કાલ્પનિક પાત્ર છે પણ સાચો ગુજરાતનો નાથ તો રાજા સિદ્ધરાજ જયસિંહ જ છે. એટલે મનોમન હું પોતાને એ રાજા જ ગણતો.તેમ છતાં મેં આ રાજાને અન્યાય કર્યો છે તો અન્યાયના કલંકને ધોવા માટે મારે માત્ર આ જ રાજા નહિ પણ આ સમગ્ર સોલંકીવંશના રાજાઓ રાજો વિષે વિગતવાર લખું ! આ લેખમાળા એ એનું જ પરિણામ છે. પણ મારે મુખ્યત્વે તો રાજા સિદ્ધરાજ જયસિંહ પર જ લખવું હતું
સોરી ….. થોડીક અંગત વાતો થઇ ગઈ ! લેખ તો આ ઇતિહાસનો જ છે.

રાજા સિદ્ધરાજ જયસિંહનું બાળપણ ——–

સમગ્ર ગુજરાત જ ભારત જેનાં પર ગર્વ લે છે અને સદાય લેતું રહેશે એ છે મહારાજ સિદ્ધરાજ જયસિંહ. સોલંકી યુગનો સાચો સુવર્ણકાળ !!! દાદા મહાન શાસક હતાં, પિતા પણ સારા જ શાસક હતાં અને માતા પણ સારાં જ શાસક સાબિત થયાં હતાં. નામ ઉપર આપી જ દીધાં છે એટલે અહીં આપતો નથી. તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો એમ કહેવાય છે કારણકે એમનાં જન્મસ્થાન વિષે પણ લોકોમાં અલગ અલગ મત પ્રવર્તે છે. પાલનપુરનું અસ્તિત્વ જ સોલંકીયુગ પછી થયું છે એટેલે એ મત સ્વીકાર્ય જ ના ગણાય.

કેટલાંક એમ માને છે કે તેમનો જન્મ રાજધાની પાટણમાં જ થયો હશે જે મત અસ્વીકાર્ય તો નથી જ. પણ ઇતિહાસમાં બહુ બધી જગ્યાએ પાલનપુર લખાયેલું છે એટલે એ પાલનપુર જ છે એમ માનવું રહ્યું.
જયારે આ બધાથી સૌથી અલગ એવો મત એ છે કે રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ અમદાવાદના સારંગપુર પુલની નીચે આવેલાં કર્ણમુક્તેશ્વર મહાદેવમાં થયો હતો અને પિતા રાજા કર્ણદેવ સોલંકીએ અહી જ બાળ સિદ્ધરાજનો રાજ્યાભિષેક પણ કર્યો હતો અને હરિસ્મરણ કરતાં કરતાં તેમને અહીં જ દેહત્યાગ કર્યો હતો .જો કે આ સ્થાનની સાલવારી તદ્દન ખોટી છે પુરાતત્વ ખાતાં અને કથિત ઇતિહાસે આ મંદિર ઇસવીસન ૯૫૦માં બનેલું હશે એમ માને છે. જે સાલવારી તો સોલંકીયુગના સ્થાપક મૂળરાજ સોલંકીની છે !! એ જે હોય તે હોય પણ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઇસવીસન ૧૦૯૧માં થયો હતો અને તેમનો રાજ્યાભિષેક ઈસ્વીસન ૧૦૯૪માં થયો હતો ! આ સાલ લખવામાં પણ લોકો થાપ જ ખાઈ ગયાં છે! કેટલાક ઉત્સાહીઓએ ફેસબુકમાં એને સં ૧૦૮૧માં જન્મેલો બતાવે છે સં ૧૦૯૬માં એનો રાજ્યાભિષેક થયેલો બતાવે છે.
એટલે કે એ વખતે જયસિંહની ઉંમર ૧૫ વરસની હતી એમ લખે છે. આ સાલોની મગજમારી વિષે આપણે લિખિત સાહિત્યમાં મળેલાં ઉલ્લેખો દ્વારા એને ચકાસીશું જ !!!

સિદ્ધરાજ જયસિંહના જન્મ વખતે સોલકી રાજવંશ થોડાઘણા કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. આંતરિક અને સીમાકીય વિવાદોને કારણે સોલાકીઓની સત્તા થોડીક નબળી પડી હોવાનું જણાય છે. લાટ પ્રદેશ અને સોલંકીઓના પુરાણા દુશ્મને રાજા ભોજ પછી આવેલાં અનેક રાજાઓએ હુમલા કર્યા હતાં.પણ પાટણમાં એમની સત્તાનો નો અંત તો નહોતો જ આવેલો ! રાજ્યની સરહદો સંકોચાઈ ગઈ હતી. ઇસવીસન ૧૦૯૪માં થયેલાં માળવાના હુમલા વખતે પિતા કર્ણદેવ યુદ્ધ તો જીત્યાં પણ એ જીતમાં ઘવાયેલા કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થઇ ગયું હતું. જયારે આજ સંદર્ભે કેટલાંકનો મત એવો છે કે રાજા કર્ણદેવની માળવાના રાજા નરવર્મા સામે ભારે ખુવારી થયાં બાદ હાર થી હતી અને સોલ્કીઓને અસ્તિત્વ ટકાવવા માટે પણ ફાંફા પડતાં હતાં કારણકે એમને બહુ ભારે માત્રામાં માળવાના રાજાને ખંડણી ચૂકવવી પડી હતી. આ મત અસ્વીકાર્ય તો નથી જ પણ રાજા કર્ણદેવનું મૃત્યુ આ યુદ્ધમાં થયું હતું કે કેમ તે એક મોટો સવાલ બનીને ઉભો છે !

ણ રાજા કર્ણદેવનું મૃત્યુ ઇસવી સન ૧૦૯૪માં થયું હતું એતો સાવ સાચી વાત છે અને રાજા સિદ્ધરાજનો રાજ્યાભિષેક ઇસવીસન ૧૦૯૧માં થયો ત્યારે તેઓ માત્ર 3 જ વર્ષના હતાં તે વાત સૌ કોઈ સ્વીકારે છે ત્યાં આ ઇસવીસન ૧૦૮૧માં જન્મ અને ઇસવીસન ૧૦૯૬માં રાજ્યાભિષેકની વાતો ક્યાંથી વહેતી થઇ ? પોતે ખુબ નાનાં હોવાથી રાજ્યની બાગડોર પોતાનાં હાથમાં લીધી હતી માતા મીનળદેવીએ. રાજા તો જયસિંહ જ કહેવાય પણ 3 વરસની ઉમરે કઈ રાજ્ય સંભાળી ના શકાય એટલે એ જવાબદારી બધી રાજમાતા મીનળદેવીને માથે આવી પડી.

મીનળદેવી લોકોનું કલ્યાણ કરવામાં માનતાં હતાં “પ્રજા સુખી તો રાજા સુખી” આ એમનો મોટો હતો. મીનળદેવી આમ તો એકલો વહીવટ સંભાળી શકે એમ જ હતાં. પોતે એક રાજાનાં પુત્રી એક રાજાની પત્ની અને એ રાજાની માતા જો હતાં. તાત્પર્ય એ કે રાજ્ય સંભાળવું એમને માટે બહુ મોટી વાત તો નહોતી. પણ તોય રાજ્યના મંત્રીઓને તો વિશ્વાસમાં લેવાં જ પડે ને ! એમણે મદદ લીધી મદનપાળની પણ આ મદનપાળ એ પ્રજાને બહુજ રંજાડતો હતો – તેનાં પર બહુ જ ત્રાસ આપતો હતો એટલે મીનળદેવીએ જૂનાજોગી એવાં વિચક્ષણ મહામાત્ય મુંજાલ મહેતાનો સહારો લીધો.

મુંજાલ મહેતાનો જો સાથ સાંપડે તો કોઈપણ રાજય આસાની જ સંભાળી શકાય ! મુંજાલ મહેતા પાટણને વફાદાર હોવાથી તેમને મદનપાલને પોતાનાં મકસદમાં ફાવવા જ ના દીધો.હવે ધીરે ધીરે બાળ સિદ્ધરાજ મોટાં થવાં લાગ્યા. તેમને યુદ્ધની તાલીમ તો ખુદ લોકમાતા મીનળદેવીએ જ આપી. જયસિંહે શસ્ત્રવિદ્યા, મલ્લવિદ્યા અને હસ્તિવિદ્યા પોતાની માતા મીનળદેવી પાસેથી શીખ્યાં હતાં અને તેમની પાસેથી એમને મહત્વાકાંક્ષી બનવાની પ્રેરણા મળી હતી. એમને બધી શસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યાં તો રાજ વહીવટની તાલીમ શાંતુ મંત્રીએ આપી હતી. આમ ત્રણ નહિ પણ ચાર જણાની મદદથી જયસિંહ મોટાં થતાં ગયાં અને અનેક વિદ્યાઓમાં પારંગત બન્યાં. જયસિંહ જયારે નાનાં હતાં ત્યારેજ રાજમાતા મીનળદેવીએ ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું અને પાછળથી અર્ધસહસ્ર એવું ૧૦૮ દેરાવાનું મીનળસર જે વિરમગામમાં આવેલું છે !!!

રાજમાતા મીનળદેવી અને સતી રાણકદેવી વિષે મેં અગાઉ લખેલું હોવાથી એવીશે અહી વાત કરતો નથી!! જેને વાંચવા હોય એ એ લેખ વાંચી લેજો !! કારણકે એમાં મેં ધોળકાના તળાવની વાત કરી જ છે. “ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ ” એ !

હવે જયસિંહ પુખ્ત વયના થાય છે અને માતા મીનળદેવી એમને રાજય સ્વતંત્ર રીતે ચલાવવાની જવાબદારી સોંપે છે. હવે જ એક બાળક જેની ગણના અત્યાર સુધી એક બાળકમાં થતી હતી તેઓ જ્યાં સુધી મોટાં થયાં સુધી સોલંકી યુગે કોઈ વિશેષ પ્રભાવ નહોતો પાડયો અન્ય રાજ્યો પર તે જ હવે પડવાનો હતો. હવે જ ગુજરાતને એક અત્યંત શક્તિશાળી અને મહાપ્રતાપી રાજા મળવાનો હતો. જેના ગુણગાન ગાતા ગુજરાત કે ભારતીય ઈતિહાસ થાકવાનો નથી તે રાજા સિદ્ધરાજ જયસિંહના સૂર્યનો હવે જ ઉદય થવાનો હતો.જેની તાકાતથી ભલભલા થરથર કાંપવાના હતાં હવે જ સાચા અર્થમાં સોલંકી યુગની શરૂઆત થવાની હતી !!!!

સિદ્ધરાજ જયસિંહનો ઉદય અને સિદ્ધરાજ જયસિંહની રાજકીય કારકિર્દી ——-

મહારાજ સિદ્ધરાજ જયસિંહના મંત્રીઓ અને એમનો રાજદરબાર ———

 • મહામાત્ય –
 • [૧] શાંતુ મહેતા
 • [૨] મુંજાલ મહેતા
 • [૩] દાદક (વડનગરનો બ્રાહ્મણ)
 • [૪] આશુક જૈન

મંત્રીઓ –

 • [૧] વાગ્ભટ
 • [૨] ઉદયન
 • [૩] ગોગીલ
 • [૪] આનંદ

અન્ય પદાધિકારીઓ ——

 • [૧] માળવાનો દંડનાયક – મહાદેવ (દાદક પુત્ર)
 • [૨] ખંભાતનો દંડનાયક – ઉદયન
 • [૩] મેવાડ / બાંસવાડા / ડુંગરપુરનો દંડનાયક – મહાદેવ
 • [૪] સુરાષ્ટ્રનો દંડનાયક – સજ્જન મંત્રી
 • [5] રાજગુરુ – હેમચંદ્રાચાર્ય
 • [૬] એક ખાસ મંત્રી – મદનપાળ
 • [7] રાજપુરોહિત – ઓમ શર્મા
 • [૮] સેનાપતિ – કેશવ
 • [૯] રાજવહીવટી મંત્રી – શાંતુ મંત્રી

નોંધ – એમ કહેવાય છે કે મદનપાળ એ રાજા સિદ્ધરાજ જયસિંહના મામા હતાં. જયારે એક કથા અનુસાર તો રાજમાતા મીનળદેવી(મયણલ્લાદેવી) એ જયકેશીના એક માત્ર સંતાન હતાં. તેમને કોઈ ભાઈ કે બહેન હતાં જ નહીં!

સમ્રાટ સિદ્ધરાજ જયસિંહના યુદ્ધ અભિયાનો ——-

જુનાગઢ જીત —–

રાજા સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ ક્યારે જીત્યું એનું કોઈ ચોક્કસ પ્રમાણ મળતું નથી પરંતુ રેવંતગિરિ રાસામાં જણાવ્યું છે કે સિદ્ધરાજે સોરઠ ઉપર નીમેલા દંડનાયક સજ્જને વિક્રમ સંવત ૧૧૮૫ (ઇસવીસન ૧૧૨૯)માં નેમિનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો. વિક્રમ સંવત ૧૧૬૪ (ઇસવી સન ૧૧૦૮)ની એક હસ્તપ્રતમાં જયસિંહ નામ સાથે મહારાજાધિરાજ બિરુદ લગાડેલું જોવાં મળે છે. કીર્તિકૌમુદીમાં ઉલ્લેખ છે કે – “જયસિંહે જયારે સોરઠ પર ચડાઈ કરી ત્યારે ત્યાં ખેંગાર નામે રાજવી હતો.” જયારે પ્રબંધ ચિંતામણીમાં સુરાષ્ટ્રના રાજવીનું નામ અભીર રાણા નવઘણ આપ્યું છે.

પ્રબંધ ચિંતામણીમાં અનુશ્રુતિ પ્રમાણે જણાવ્યું છે કે – એક વખત શ્રી સિદ્ધરાજે આભીરોના રાણા નવઘણને તાબે કરવાની તૈયારી કરી, પણ પહેલા અગિયાર વખત પોતાનું સૈન્ય એનાથી હારેલું હોવાથી વઢવાણ વગેરે શહેરોમાં કિલ્લા બંધાવી જાતે જ પ્રયાણ કર્યું. એનાં (નવઘણના) ભાણેજે સંકેત આપતી વખતે કરાર કરેલો કે ગઢ હાથમાં આવે ત્યારે નવઘણને શરતો વગેરેથી નહિ, પણ દ્રવ્યથી મારવો. આ કરાર રાણીઓએ વચ્ચે પડી કરાવેલો હોવાં છતાં નવઘણને વિશાળ મકાનમાંથી બહાર ખેંચી કાઢી દ્રવ્ય રળવાના વાસણોથી મારીને મારી નાંખ્યો અને એણે દ્રવ્યથી જ માર્યો છે એ પ્રમાણે જણાવી એની રાણીઓને છેતરી હતી.
આ વાત વધારે ચઢાવીને કહેવામાં આવી છે. ઉલ્લેખ માત્ર આટલો જ છે પછી એનો ઓવરડોઝ આપવામાં ૨૦મી સદીએ કશું બાકી જ નથી રાખ્યું નથી. અનેક વાતો ઉપન્ન કરવામાં આવી આમાં એક ખોટી વાત પણ થઇ કે મહારાજ સિદ્ધરાજ જયસિંહની આભાને લાંછન લાગે એવું અઘોર કૃત્ય પણ થઇ ગયું.

રાણકદેવીની વાત એ આની જ નીપજ છે જેને ઈતિહાસ સાથે કોઈ જ લેવાદેવા નથી. એ સાથે સિદ્ધરાજ જયસિંહ સંકળાયો હતો એ વાત તદ્દન ખોટી છે તેના કાળથી તે છેક ૨૦મી સદીમાં થોકબંધ સાહિત્ય આનાં પર લખાયું જે ઇતિહાસથી વેગળું જ છે તો સવાલ એ પેદા થાય કે આ વખતે વચ્ચે સૌરાષ્ટ્ર આવ્યું ક્યાંથી ? તો એ સમયગાળા પછી જ રચાયેલા સાહિત્યમાં એનો જવાબ આપણને મળે છે જે આપણને થોડાંક જ પાછળ લઇ જાય છે …એમાં જ આ સોરઠ કેમ તે સમયે સોલંકી યુગથી છુટું પડી ગયું હતું ? તેનો જવાબ આપણને મળે છે. કર્ણદેવના મોટાભાઈ ક્ષેમરાજે સત્તા વિરુદ્ધ એક વિદ્રોહ કરેલો એણે કારણે સુરાષ્ટ્ર એ સોલંકીયુગથી અલગ થઇ ગયું હતું. ક્ષેમરાજે આ વિદ્રોહ રાજા કર્ણદેવના મૃત્યુ પછી તરતજ કર્યો હતો. કર્ણદેવને એનાં પર ધ્યાન આપવું બહુ જરૂરી ના લાગ્યું એટલે સોલંકી યુગથી અલગ થઇ ગયું હતું. ચુડાસમા વંશના ઇતિહાસમાં આ સાલો નોંધાયેલી છે. સાલો પણ ક્યાંક ક્યાંક ખોટી છે પણ તેસમ્યામાં એક ગંભીર ભૂલ થઇ એ છે રાણકદેવી-રાખેંગાર- સિદ્ધરાજ જયસિંહની વાત!

પણ ઈતિહાસકારોએ એટલું જરૂર લખ્યું છે કે રાખેંગાર એ મહારાજ સિદ્ધરાજના હાથે મરાયો હતો. એટલી જ વાત સાચી છે બાકી બધી જ ઉપજાઉ છે પણ બીજી થોડીક સાચી વાત પણ છે જેમકે રા’ખેંગારે પાટણ પર આક્રમણ કર્યું હતું હા….. આ વાત સાચી છે કે રા’ખેંગારે પાટણ પર આક્રમણ કર્યું હતું ! એમાં વાત એવી છે કે – મહારાજ સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવાના રાજા પર આક્રમણ કરવાં ગયાં હતાં ત્યારે રા’ખેંગારે પાટણ પર આક્રમણ કર્યું હતું પણ તે સમયે રાજમાતા મીનળદેવી અને શાંતુ મંત્રીની કુશળતાને કારણે રા’ ખેંગાર ખાલી હાથે પાછો ફર્યો હતો. એ પાટણને એટલે કે અણહિલવાડને કોઈ નુકસાન પહોંચાડી શક્યો નહોતો. એટલે રા’ ખેંગારે પાટણનો દરવાજો તોડીને સિદ્ધરાજ જયસિંહનું નાક કાપ્યું હતું એ વાતનો જ છેદ ઉડી જાય છે.
આ વાત જાણી જોઇને સિદ્ધરાજ જયસિંહને નીચો ચીતરવા માટે કહેવાયેલી છે!!

આવી જ વાત રાણકદેવીનીની છે એ વાતમાં ઊંડા અભ્યાસની પણ જરૂર નથી કારકે એ તો લોક્શ્રુતી છે કારણકે ઈતિહાસકારો અને સાહિત્યકારો પણ આ વાતને એક મોણ નાંખેલી ક્થા જ માને છે એટલે એનાં પર જરાય વિશ્વાસ કરાય જ નહીં. વાત જો સાચી માનવી હોય તો એટલી જ માનો કે રા’ખેંગાર મહારાજ સિદ્ધરાજ જયસિંહના હાથે મરાયો હતો . જો કે ઐતિહાસિક દ્રષ્ટિએ રા’ખેંગારની વાત સાચી મનાય એમ નથી પણ આગળ જણાવ્યું છે તેમ મહારાજ સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીત્યું હતું એ વાત જ મનાય. સોરઠમાં જુનાગઢ આવી જાય છે અને એનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક છે એટલે એણે જૂનાગઢની જીત ગણી છે. આ બધું જ જો સાચું હોય તો ઉપરકોટમાં કેમ કોઈ સ્મારક મહારાજ સિદ્ધરાજ જયસિંહે ના બંધાવ્યું ? કે આ સોરઠની શાન સમા આ કિલ્લાને કેમ પોતાનો ના ગણ્યો ? આ બધાં પ્રશ્નો જો કોઈના મનમાં ઊભાં થાય ને તો જ ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જોવાની સમજ કેળવાશે નહીં તો ઈતિહાસ એ પ્રાંતીય જાગીર બનીને રહી જશે માત્ર !!! વિરાસતો આમાં જ વિસરાતી જતી હોય છે !!!

ગુજરાતના ઇતિહાસમાં અને સોલંકીયુગ યશોગાથામાં આ જ રાજા સૌથી તાકતવર અને મહાપ્રતાપી રાજા છે. સોલંકીયુગનો સાચો સુવર્ણકાળ છે.
ટૂંકમાં આજ રાજા મહત્વના હોઈ એમની યશોગાથાને ભાગમાં વહેંચું છું
તો જ એમને ન્યાય અપાશે એવું મને લાગે છે.
ભાગ – ૨ હવે પછી !!!

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!