ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

કોઇપણ રાજા પ્રથમ વર્ષથી જ યુદ્ધ નથી જીતતો. આનું કારણ એ છે કે અગાઉ જે રાજા થઇ ગયો હોય એની કીર્તિમાં વધારો કરવાનું જ તત્કાલીન રાજાના મનમાં હોય છે. યુવરાજ પદે હોવાથી એ પ્રજા, લશ્કરનાં માણસો અને લશ્કરના અભિયાનથી એ સુવિદિત જ હોય છે. ક્યારેક ક્યારેક એણે આવાં સૈન્ય અભિયાનમાં પણ ભાગ લીધો હોય છે. પણ એને માટે યુદ્ધ એ અનિવાર્ય અંગ છે પણ જો યુદ્ધ જ ના થયું હોય તો એ યુવરાજને એનો અનુભવ કેવી રીતે મળી શકે ?આ અનુભવ લેવાની અને પોતાને સવાયો સાબિત કરવાની જીજીવિષા દરેક રાજાના મનમાં રહેલી હોય છે.

વળી…… એ રાજાના મનમાં એવું પણ હોય છે કે કેટલાંક રાજાઓ પોતાનાં રાજ્યને પરાપૂર્વથી હેરાન કરતાં આવ્યાં છે એને પદાર્થપાઠ ભણાવવો. આ કસોટીમાંથી જો એ પાર ઉતારે તો એની એ સિદ્ધિ ગણાય. આવી સિદ્ધિ મેળવવાની મહેચ્છા દરેક રાજાના મનમાં કોકને કોક ખૂણામાં રહેલી જ હોય છે. આવું જો તે કરી શકે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકે. પ્રજાનો જો એ વિશ્વાસ સંપાદન કરી શકે તો જ એ પોતાનાં મનના મક્કમ નિર્ધારને પરિપૂર્ણ કરી શકે.

યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારા સમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .કેટલીક રાજકીય ગતિવિધિઓ જે એનાં યુવરાજ પદે હોય ત્યારે ઉત્પન્ન થયેલી હોય છે એનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવો એજ એનાં મનમાં રહેલું હોય છે. વળી … યુવરાજ પદે હોવાથી એની પાસે બધી જ સત્તા તો હોતી નથી એણે જે કરવાનું હોય છે એ રાજાને આધીન રહીને જ કરવાનું હોય છે.

પ્રથમ જ વર્ષમાં કોઈ પણ રાજા એ ચક્રવર્તી સમ્રાટ કે મહારાજા ના જ બની શકે. એની યોજનાઓ અને એનાં અમલીકરણ માટે યોગ્ય તક અને સમયની રાહ જોવી એ જ ઉચિત ઉપાય છે. એ રાજાનો શાસનકાળ જો સુદીર્ઘ હોય તો જ એ આવું કરી શકે નહીં તો નહીં !! રાજા ભીમદેવ સોલંકીની બાબતમાં કૈંક આવું જ બન્યું છે.

પ્રથમ વર્ષમાં જ એમણે માળવાના રાજા ભોજ સાથે સંઘર્ષમાં ઉતરવું પડયું હતું. આ સંઘર્ષ એ જયારે મહમૂદગઝની ગુજરાત પર આક્રમણ કરવાં આવ્યો ત્યારે પણ ચાલુ જ હતું. આ સંઘર્ષમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે માળવાના રાજા ભોજ પર રાજા ભીમદેવે ચઢાઈ નહોતી કરી ! માળવાનારાજાએ જ એ ચઢાઈ કરી હતી.રાજા ભીમદેવે તો એ હુમલાનો વળતો જવાબ આપ્યો હતો માત્ર! આ ઘર્ષણમાં – યુદ્ધમાં બનેપક્ષની સેનાઓની હતાહત થઇ હતી. એ લોકો થાકી પણ ગયાં હતાં કહેવાનું તાત્પર્ય એ છે કે એ બંને રાજ્યો- રાજાઓ ફરી હુમલો કરી શકે એમ નહોતાં !આ બન્યું હતું સં ૧૦૨૫નાં અંત ભાગમાં! સતત 3-૪ વર્ષ જો આવું જ ચાલતું હોય તો એનું પરિણામ આવું જ આવે એમાં કોઈ જ નવાઈ નથી. આ જ વખતે ગઝનીએ ગુજરાતના સોમનાથ પર આક્રમણ કર્યું. આપણે અગાઉના લેખમાં જોયું તેમ ૭-૧-૧૦૨૬ના રોજ. દરેકના મનમાં એક પ્રશ્ન થાય કે ગઝનીએ સોમનાથ પર જ આક્રમણ કેમ કર્યું? એ સમયે ભારતવર્ષમાં ઘણાં સમૃદ્ધ મંદિરો હતાં તેના પર તો આક્રમણ નહોતું થયું. આનો જવાબ એ છે —— અલ-બરુની! અલ બરુની માત્ર લેખક નહોતો એ એક મુસાફર પણ હતો. એ બીજે ઘણાંબધાં સ્થળે પણ મુલાકાતે ગયો જ હતો.

બીજું કારણ એ છે કે ગુજરાત તે વખતે સમગ્ર ભારતવર્ષમાં સમૃદ્ધ હતું. ઘણાં વિદેશી વ્યાપારીઓ ગુજરાત સાથે વ્યાપાર સંબધે જોડાયેલાં હતાં. તેઓ વારંવાર ગુજરાત અને તેમાંય અતિસમૃદ્ધ એવાં સોમનાથ મંદિરમાં પણ આવતાં હતાં. ગઝનીએ આ બધી વાતો વ્યાપારીઓ પાસેથી સાંભળી હતી એટલે જ એનું મન સોમનાથ પર આક્રમણ કરવાં લલચાયું.
૧૬- ૧૬ વખત ભારત પર આક્રમણ કરી એની સંપત્તિ લૂંટીગયો હોય તો આ સોમનાથ એને માટે એક સામાન્ય વાત હતી.

ગઝનીની સોમનાથની લૂંટનું વર્ણન એ અલ- બરુનીના પુસ્તક “કિતાબ – ઉલ – હિંદ”માં મળે છે.સવાલ એક મનમાં પેદા થાય છે કે ગઝનીએ સોમનાથ મંદિર કેટલાં દિવસમાં લુંટ્યું ? એનો સામનો કેટલાં એ કર્યો ? એમાં કોણ કોણ ખપી ગયાં ? જો ૫૦,૦૦૦ લડવૈયાઓ આ યુધમાં ખપી ગયાં હોય એવી કોઈ ચોક્કસ માહિતી ઇતિહાસમાં મળતી જ નથી. જે મળે છે એ શૌર્યગાથાઓમાં જ મળે છે જેને ઈતિહાસ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી!!! મારે જે કહેવું છે આટલામાં જ કહી દીધું છે આ વિષે હું વિગતે કોઈ ફોડ પાડતો નથી !!! આવું કેમ બન્યું એ વિષે સઘન અભ્યાસ આવશ્યક છે જે ઇતિહાસના રસિકોએ કરવાં જેવો છે. જ્યાં આની સંપૂર્ણ વિગતો જ ભારતીય – ગુજરાતી લેખકો -ઈતિહાસકારો દ્વારા પ્રાપ્ત થતી જ નથી!!

જેને આપણે સંપૂર્ણ ઐતિહાસિક માહિતી પૂરું પાડતો ગ્રંથ કહીએ છે અને જે ભારતીય દ્વારા લખાયેલો છે તે છે કાશ્મીરના ઈતિહાસ પર લખાયેલો કલહણ દ્વારા રચાયેલો ગ્રંથ “રાજતરંગીણી”.આ ગ્રંથ કાવ્યાત્મક છે એની રચના કલ્હણે કરી હતી ઇસવીસનની ૧૨મી સદીમાં એ પહેલાં કોઈ જ ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ મળતો નથી. ગઝનીનું આક્રમણ સન ૧૦૦૦થી સં ૧૦૨૬ દરમિયાન થયું હતું !!! એટલે એ સમયે ભારતીયો માત્ર અનુમાનો જ લગાવતા હતાં અને ત્યાર પછી પણ અનુમાનો પર જ જીવે છે!!!

આનો ભોગ બન્યાં છે રાજા ભીમદેવ સોલંકી! એટલે જ એમને ડરપોક ચિતરવામાં આવ્યાં છે. ડરીને છુપાઈ ભરાયેલા રાજા તરીકે ચિતરવામાં આવ્યાં છે. હકીકતમાં એવું નથી જ નથી !!! જે વાત મેં ભાગ-૧માં કરી જ છે. જે નથી કરી એ અહી કરું છું

એક કાવ્યપંક્તિ પણ આ સંદર્ભમાં વાંચવા જેવી છે.

” જબ કાબુલકે તુફાનોસે જબ હિંદમાનસથા થરથરાયા
ગઝનીકી આંધી સે જાકર જબ ભીમદેવ થા ટકરાયા !”

સન ૧૦૨૬ થી સન ૧૦૬૪ સુધી રાજા ભીમદેવ સોલંકીએ રાજ્ય કર્યું હતું. આ ગઝનીના આક્રમણ પછીના વર્ષો છે આમ તો એમણે કુલ ૪૨ વર્ષ રાજ્ય કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સોલંકીયુગે ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે અને વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરેએવાં શિલ્પ – સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે. એ વિષે જ આ ભાગ -૨માં મારે વાત કરવાની છે.

રાજા હોય એટલે એનું મંત્રી મંડળ હોય જ. આ મંત્રીમંડળની વિગત પ્રાપ્ત થઇ છે જે હું તમારી સમક્ષ મુકું છું

——– મંત્રી મંડળ ——-

  • [૧] સંધિવિગ્રાહક – ડામર
  • [૨] ખાસ વિશ્વાસુ મંત્રી – વિમળ (આબુનો દંડનાયક)
  • [3] કાયસ્થ મંત્રી – વટેશ્વર અને તેનો પુત્ર કક્ક
  • [૪] દૂતક – ચંડશર્મા અને પછી ભોગાદિત્ય
  • [૫] ખર્ચખાતનોમુખ્યમંત્રી – જહિલ્લ
  • [૬] પુરોહિત – સોમ
  • [૭] ધર્મખાતાનો મંત્રી – લાભ (માધવનો પૌત્ર)

રાજા ભીમદેવની રાજકીય સિદ્ધિઓ એટલે કે એમનાં રાજકીય અભિયાનો —–

ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે એનો જે પાછાંજવાનો જે રસ્તામાં રાજ્ય આવતું હતું તે છે સિંધ પ્રદેશ. આ સિંધુ પ્રદેશના રાજા હમ્મુકે પોતાને ભીમ્દેવથી સ્વતંત્ર થવાં માટે બળવો કર્યો. અલબત ગઝનીનાં અક્ર્માંણથી પ્રેરાઈને જ કે આ ભીમદેવ જો ગઝનીને ખાલી શકતો ના હોય તો આપણે એને ખંડણી શું કામ આપવી અને એનાં તાબામાં શું કામ રહેવું જોઈએ એનાં ઓશિયાળા થઈને ? સ્વતંત્ર થઇ જવું જ હિતાવહ ગણાય !એટલે એણે વિદ્રોહ કર્યો. આ બળવાને શમાવવા માટે રાજા ભીમદેવને સિંધ જવું પડે એમ હતું.. એમણે સિંધુ નદી પર એક પૂલ બાંધીને આ રાજા હમ્મુક પર આક્રમણ કરી તેને હરાવ્યો. આનું વિગતે વર્ણન સોલંકી યુગમાં કરાયેલું જ છે.

પણ એમની મહત્વની સિદ્ધિ એ આબુના રાજાને હરાવ્યો એ છે. એ ને પણ ગઝનીના આક્રમણથી પ્રેરાઈને જ જુદા થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રાજા ભીમદેવને ખંડણી ભરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલે એણે પણ બળવો કર્યો.આ આબુનો પરમાર રાજા ધંધુક એ દુર્લાભ્રજનો સમાંત હતો.પણ તેણે ભીમદેવના સમયમાં સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો હતો. રાજા ભીમદેવે ધંધુકને હરાવીને વશ કર્યો તો એણે માળવાના પરમાર રાજ્યમાં આવેલા ચિત્રકૂટમાં આશ્રય લીધો. ભીમદેવે પોતાનાં ખાસ વિશ્વાસુ મંત્રી વિમલમંત્રીને આબુનો દંડનાયક નીમ્યો.આનું ખાસ કારણ એ હતું કે આબુમાં બળવો ફરીથી ના થાય અને આબુની પ્રજાનો સોલંકીયુગમાં વિશ્વાસ ટકીરહે તે ! આ હેતુસર જ વિમલમંત્રીને આબુનો દંડનાયક બનાવવામાં આવ્યો હતો. વિમલમંત્રીએ ધંધુકને સમજાવી- ફોસલાવીને ચંદ્રાવતીમાં પુન: પ્રતિષ્ઠિત કર્યો. આ આબુના દંડનાયક વિમલે વિક્રમ સંવત ૧૦૮૮માં આબુ ઉપર આદીનાથનું આરસનું મંદિર બંધાવ્યું. જે “વિમલ વસહિ” તરીકે ઓળખાય છે.

માળવા વિજયની વાત —-

ગુજરાત અને માળવા વચ્ચેનો સંઘર્ષ ભીમદેવના સમયમાં ચાલુ રહ્યો હતો. ધારાપતિભોજની રાજસભા વિદ્વત્તા તથા કાવ્યરચના માટે ખ્યાતિ ધરાવતી હતી. કેટલાંક પ્રસંગો રાજા ભીમદેવ અને રાજા ભોજને લગતા ગ્રંથસ્થ થયાં છે.

એક વખત જ્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડયો ત્યારે ભોજ્દેવે ગુજરાત પર આક્રમણ કરવાનો વિચાર વિચાર કર્યો. આ સમાચાર ગુપ્તચરો દ્વારા રાજા ભીમદેવને મળતાં રાજા ભીમદેવે આ આક્રમણને અટકાવવા પોતાનાં સંધિવિગ્રહક તરીકે ડામરને ભોજ્દેવના દરબારમાં મોકલ્યો.

રાજદરબારમાં ભોજદેવે ડામરને પુછ્યું કે —-
“તમારાં રાજા પાસે સંધિવિગ્રાહકના કામ માટે કેટલાંદૂતો છે.”

ત્યારે ડામરેકુશળતાપૂર્વક જવાબ આપ્યો કે —–
” હે માલવરાજ ! ત્યાં તો મારાં જેવાં ઘણાં છે, પણ એ ત્રણ પ્રકારના છે અને સામાના અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ જોઈ એને અનુરૂપ માણસોને મોકલવામાં અવે છે.”

આ ચતુરાઈભર્યો જવાબ સાંભળી રાજા ખુશ થયાં અને એણે સંધિવિગ્રહક તરીકે સ્વીકાર્યો ડામરની ચતુરાઈને લીધે એક મુહાવરો પ્રચલિત બની ગયો ડાહ્યો ડામર !

પ્રબંધચિંતામણીમાં એક બીજો પ્રસંગ વર્ણવતાં કહ્યું છે કે —–
એક વખત ધારાનગરીના પરામાં આવેલા ગોત્રદેવીના મંદિરમાંથી ભોજરાજ દર્શન કરીને પાછાં આવતાં હતાં ત્યારે તેમને ગુજરાતના સૈનિકોએ ઘેરી લીધાં. ભોજરાજ ત્યાંથી છટકીને ધારાનાગરીના પેસવા જતાં હતાં તેવામાં અલૂયા અને કોલૂય નામનાં બે સરદારોએ એમની ડોકમાં ધનુષ નાંખીને કહ્યું કે- ” મારવામાં આટલી જ વાર છે પણ જવા દઈએ છીએ.” એમ કહી એમને છોડી મુક્યા.

આમ, અનેક પ્રસંગોએ રાજા ભોજ અને રાજા ભીમદેવ વારંવાર સંઘર્ષમાં આવ્યાં હતાં પણ તેઓ એકબીજાને હરાવવામાં નિષ્ફળ નીવડયા હતાં.

ભોજરાજના અંતિમ સમયની સ્થિતિનું વર્ણન કરતાં મેરુતુંગ જણાવે છે કે -“એક વખત ચેદિના કર્ણરાજાએ ભોજ રાજા સાથે મંદિર બાંધવાની હરીફાઈ આદરી. બંનેએ નક્કી કર્યું કે મંદિરનો પાયો એક જ મુહુર્તમાં નાંખવો.પછી જે મંદિર વહેલું પૂર્ણ કરે તેના મંદિરના કળશ ચડાવવાના ઉત્સવમાં બીજારાજવીએ પોતાનાં છત્ર અને ચામર છોડી જવા. શરત પ્રમાણે ભોજેધારામાં અને કર્ણએકાશીમાં મંદિર બાંધવાની શરૂઆત કરી. સૌ પ્રથમ કર્ણદેવે મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું અને પૂર્વશરત પ્રમાણે પોતાનાં છત્ર અને ચામર છોડીને પોતાનાં મંદિરના કળશ ચડાવવાના ઉત્સવમાં હાજર રહેવા ભોજને જણાવ્યું, પણ ભોજરાજા ગયાં જ નહી! આથી કર્ણ રાજાએ ભોજના રાજ્યનો અર્ધોભજ આપવાની શરત કરીને રાજા ભીમદેવને પોતાની મદદે બોલાવ્યો. બંનેએ સાથે મળીને ધારા પર આક્રમણ કર્ય.આ સ્થિતિમાં રાજા ભોજનું અચાનક અવસાન થઇ ગયું.”

રાજા ભોજનામૃત્યુના સમાચાર મળતા કર્ણે એકદમ આક્રમણ કરીને ધારાગઢ તોડી નાંખ્યો અને રાજા ભોજનો બેહદ કિંમતી ખજાનો લુંટીલીધો. ધારાનગરીને છિન્નભિન્ન કરી પરમાર સત્તાનેકચડીનાંખી.

ઉદયપુર પ્રશસ્તિમાં રાજા ભીમદેવ અને ચેદિના રાજા કર્ણે રાજા ભોજને હરાવ્યનો ઉલ્લેખ મળે છે.

ચેદિનો રાજા કર્ણદેવ —–

ધારાનાગરીનો નાશ ચેદિના રાજા કર્ણદેવ, ગુર્જર રાજવી ભીમદેવ અને કર્નાત્કના રાજા સોમેશ્વરે સાથે મળીને કર્યો હતો.પછી ભીમદેવ શરત પ્રમાણે ડામર (દામોદર મહેતા)મારફતે કર્ણદેવ પાસે ભોજ્દેવની સંપત્તિ અને રાજનો અડધો ભાગ માંગ્યો. કર્ણદેવે એમને માત્ર અમુક જ મૂર્તિઓ આપી અને ભોજની સંપત્તિનો મોટો ભાગ અને રાજ્ય પોતાની પાસે રાખ્યું. મેરુતુંગ આ પ્રસંગનું વર્ણન કરતાં જણાવે છે કે —- કર્ણે ભોજ્દેવની સર્વ મિલકત હાથ કરી લેતાં ભીમદેવે ડામરને કહ્યું કે—-
“તારે કર્ણ પાસેથી અડધું રાજ્ય લાવી આપવું અથવા તારું માથું હાજર કરવું.”

રાજાના આ હુકમનો અમલ કરવાની ઈચ્છાથી ડામર પોતાનાં ખાસ માણસોને સાથે લઈને કર્ણના તંબુમાં પેસી ગયાં અને કર્ણને બાનમાં પકડી લીધો. પછી એ રાજાએ એક વિભાગમાં શ્રી નિલકંઠ મહાદેવ,ચિંતામણી નામના ગણપતીવગેરે મૂર્તિઓ અને એણે લગતી સામગ્રી રાખી અને બીજા વિભાગમાં બધી રાજ્યને લગતી વસ્તુઓ રાખી. એમાંથી ગમેં તે અડધો ભાગ લઇ લેવાનું કહ્યું. છેવટે ભીમદેવની અગનથી દેવમૂર્તિઓ વગેરે લઈને દમારે રાજા ભીમદેવના ચરણમાંધર્યું.”

દાનપત્રો ——–

રાજા ભીમદેવ પહેલાના વિક્રમ સંવત ૧૦૮૬(ઇસવીસન ૧૦૩૯)ના ત્રણ સારસ્વત મંડલને લગતાં દાન્પત્રો મળે છે.

પ્રથમ દાનપત્ર વિક્રમ સંવત ૧૦૮૬ કારતક સુદ ૧૫ એટલેકે પુર્નીમાંનું છે.જેમાં કચ્છમાં આવેલાં નવણીસકથી આવેલાં આચાર્ય મંગલશિવના પુત્ર ભટ્ટારક અજયપાલને કચ્છ માંડલના ધહડિકાના દ્વાદશમંડલમાં આવેલા મસુર ગામનુ દાન આપ્યાનો ઉલ્લેખ છે.

બીજું દાનપત્ર ધાણહાર પંથકમાં (પાલનપુર) પાસે જાનક નામે મોઢ બ્રાહ્મણને વરણાવાડા ગામમાં 3 હળ જમીન દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. દાનપત્રની લિપિ દેવનાગરી છે.ભાષા સંસ્કૃત છે અને તિથિ વિક્રમ સંવત ૧૧૨૦ પોષ સુદ પૂનમની છે.

રાજા ભીમદેવના સમયમાં આ ઉપરાંત બીજાં ત્રણ દાનપત્રો કચ્છ મંડલને લગતાં છે. આ દાનપત્રોની મિતિઓ ભીમદેવનો રાજ્યકાળ નક્કી કરવાં માટે મહત્વની છે. એ ઉપરાંત એનાંપરથી ભીમદેવના સમયના અધિકારીઓ તેમજ વહીવટી તંત્રને લાગતું મહત્વનું ગણના પ્રાપ્ત થાય છે.

રાજા ભીમદેવના કાર્યો – એમણે બંધાવેલા શિલ્પો અને સ્થાપત્યો ——-

સમગ્ર ગુજરાત રાજા ભીમદેવનું ઋણી છે. સં ૧૦૨૬માં ગઝનીએ સોમનાથ મંદિરનો દ્વંસ કર્યો હતો એનું પુન:નિર્માણ કરાવ્યું. આ વખતે મંદિર પથ્થરોનું જ બનાવ્યું. તેમાં શિલ્પો અને કલાકોતરણી કરાવડાવી. આ કાર્યશીઘ્ર-અતિશીઘ્ર જ કર્યું સં ૧૦૨૭માં લોકોની આસ્થાથી ધબકતું કેન્દ્ર બની ગયું ફરીથી. મોઢેરાનું મંદિર જેની માત્ર બાંધવાની શરૂઆત કરી હતી અને જે એમ કહેવાય છે કે ગઝનીએ તોડયું હતું તે ફરીથી બંધાવવાનું શરુ કર્યું અને એક નવો ઓપ પણ આપ્યો . આજે આ સૂર્યમંદિર એ હુજરતની શાન છે અને અનેક પ્રવાસીઓના રસનો વિષય બની ચુક્યું છે. આ મંદિર જોતાની સાથે જ તમને રાજા ભીમદેવ અને સોંલકી યુગની જાહોજલાલીની ઝાંખી થયા વગર રહે જ નહીં. તો આ કામમાં રાણી પણ શું કામ રહી જાય ? રાણી ઉદયમતીએ સાત માલની ઈંચેઇંચ કલાકોતરણીઅને અદ્ભુત શિલ્પો અને સ્તંભો અને મૂર્તિઓથી મઢેલી અને સુશોભિત કરેલી વાવ “રાણીની વાવ “- “રાણકી વાવ” બંધાવી . જે આખેઆખી જમીનમાં દટાઈ ગઈ હતી વીસમી સદીમાં ઉત્ખનન દ્વારા ઉજાગર કરવામાં આવી. સન ૨૦૧૬માં એને ” વર્લ્ડ હેરિટેજ સાઈટ” નો દરજ્જો પ્રાપ્ત થયો. અત્યારે ભારતની ૧૦૦ રૂપિયાના ચલણીનોટ પર પણ અંકિત થયેલી છે.

આબુમાં વિમલમંત્રીએ “વિમલ – વસહિ” નામનું સુંદર જૈન મદિર બંધાવ્યું જે આજે પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ ઉપરાંત રાજા ભીમદેવે રાજધાની પાટણમાં જ શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિર તથા ભટ્ટારિકા ભીરુઆણીનું એમ બે મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ પ્રબંધચિંતામણીમાં મળે છે. આ ઉપરાંત વિમલદેવ જ જૈનધર્મના અનુયાયી હતાં એમણે અંબાજી પાસે કુંભારીયાના દેરા બનવડાવ્યા. જેની કલ- કોતરણી જોવાંલાયક અને વખાણવા લાયક છે. આ ઉપરાંત રાજા ભીમદેવે ત્રિપુરપ્રાસાદ નામનું મંદિર પણ પાટણમાં બનાવડાવ્યું હતું.

થોડીક વિગતો રહી ગઈ હતી તે ——

રાજા ભીમદેવે પરમાર રાજા કૃષ્ણદેવ અને નડૂલનાં રાજા અણહિલને પણ વશ કર્યા હતાં. માળવાના રાજા ભોજ ભીમદેવ પહેલાનો સમકાલીન હતો. ખેટક મંડલ (ખેડા જીલ્લો) તથા લાટ પ્રદેશના આધિપત્યના સંબંધમાં માળવા તથા ગુજરાત વચ્ચે યુદ્ધ થયું હતું. આમ રાજા ભીમદેવે મૂળરાજે સ્થાપેલા રાજ્યને આબુથી લાટ સુધી વિસ્તર્યું હતું. દંડનાયક વિમલમંત્રીએ દેલવાડા અને આરાસુરમાં પણ જૈન મંદિરો બનાવ્યાં હતાં.

રાજા ભીમદેવને કર્ણદેવ અને ક્ષેમરાજથી મોટો એક પુત્ર હતો જે રાણી બકુલાદેવીની કુખે અવતર્યો હતો. તેનું નામ મુળરાજ હતું. મુળરાજ ખુબ જ દયાળુ સ્વભાવનો હતો. એક વખત દુષ્કાળ પડતાં ખેડૂતોએ મહેસૂલ માફ કરવાની વિનંતી કરી ત્યારે મૂળરાજે પિતા ભીમદેવ પાસેથી ખેડૂતોનું તે વર્ષનું મહેસૂલ માફ કરાવ્યું હતું. પરંતુ કમનસીબે થોડાંક જ સમય પછી મુળરાજ મરણ પામ્યો. બીજાં વર્ષે સારો વરસાદ પડતાં સારો પાક થયો. ખેડૂતો એ બંને વર્ષનું ભેગું મહેસૂલ લઈને રાજા પાસે ગયાં. રાજા ભીમદેવે ગતવર્ષનું મહેસૂલ લેવાની ના પાડી દીધી. ખેડૂતો પણ પાછું લઇ જવા તૈયાર નહોતાં. આખરે તોડ એવો કાઢ્યો કે ખેડૂતોએ આપેલાં મહેસૂલમાં રાજાએ પણ એટલાં જ પૈસા ઉમેરવા અને તેમાંથી મૂળરાજની યાદમાં એક સુંદર “ત્રીપુરુષપ્રાસાદ” બંધાવ્યો. રાજા ભીમદેવે સોમનાથ મંદિરમાં “મેઘનાદ મંડપ” પણ બંધાવ્યો હતો. એમનાં જ સમયથી ગુજરાતની પોતીકી સ્થાપત્ય શૈલીનો ઉદભવ અને વિકાસ થયો. જે રાણકી વાવના અતિસુંદર શિલ્પોમાં જોઈ શકાય છે. આ સ્થાપત્ય શૈલીને એક નામ આપ્યું —— મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી !!!

ઉપસંહાર ——-

ક્યાંક કયાંક એવો ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે રાજા ભીમદેવને અહિલ અને નડુલ સામે પરાજય થયો હોય એવું માનવામાં આવે છે. પણ ક્યાંય એનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી. ગઝનીના આક્રમણ પછી તરત જ સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કરવું અને સાથેસાથે બળવાઓનુ શમન કરવું , ઉદારતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવું અને ગુજરાતને એક આગવી સ્થાપત્ય શૈલી આપવી એ કંઈ નાનીસુની વાત તો નથી જ. ભલે આ રાજાએ બહુ મોટાં યુધ્ધો ના જીત્યાં હોય પણ જે જીત્યાં છે એનાથી સોલંકીયુગનું સામ્રાજ્ય વિસ્તર્યું છે એમ જરૂર કહી શકાય ! રાજા ભીમ દેવાના સમયમાં સોમનાથના મંદિરનું પુન: નિર્માણ જો કે હાલમાં એ મંદિર એજ શૈલીમાં અસ્તિત્વમાં નથી પણ આ કોઈ પણ રીતે નાનું સુનું કાર્ય નથી જ !!!

આબુના દેલવાડા, અંબાજી પાસે કુંભારિયાનાં દેરા, પાટણની રાણકી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ એ રાજા ભીમદેવને મહાન બનાવવા માટે પુરતું છે. આ રાજાની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે ઉદારતાવાદી હતો – દયાળુ હતો એટલે જ એ પ્રજામાં પ્રિય હતો અને ૪૨ વર્ષ સુધી શાસન કરી શક્યો હતો!!

ટૂંકમાં — સોલંકી યુગના ઇતિહાસમાં એટલેકે સુવર્ણયુગમાં આ રાજાનું સ્થાન અતિ મહત્વનું છે! આ રાજા વગર સોલંકીયુગનો ઈતિહાસ અધુરો જ ગણાય !

✅ હવે પછીનો મારો લેખ રાજા કર્ણદેવ સોલંકી પર !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!