ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ : ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
(ઇસવીસન ૯૯૭ – ઇસવીસન ૧૦૨૨)

સોલંકીયુગના સુવર્ણકાળની શરૂઆત તો મુળરાજ સોલંકીથી થઇ જ ગઈ હતી. મુળરાજ સોલંકીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજાં કેટલાંક નાનાં નાનાં રાજ્યો – રજવાડાં જીતી લીધાં હતાં. આ વાત અહીં હું એટલાં માટે કરું છું કે રાજા ભીમદેવ સોલંકી પ્રથમ સાથે સુરાષ્ટ્રનું જગવિખ્યાત મંદિર સોમનાથ મંદિર અને ગઝનીનું આક્રમણ સંકળાયેલું છે. એ વાત આગળ જતાં હું કરવાનો જ છું.

ચામુંડરાજ ——
સોલંકી યુગની શરૂઆત તો સારી જ થઇ હતી પણ મુળરાજ સોલંકી પછી તેનો પુત્ર ચામુંડરાજ રાજગાદી પર બેઠો હતો.. આમ તો એનો શાસનકાળ ૯૯૭ થી ૧૦૦૮ હતો એટલે પ્રમાણમાં એનો શાસનકાળ સારો જ ગણાય.

આ ચામુંડરાજ એ મુળરાજ સોલંકીનો એક અને માત્ર એક પુત્ર હતો એટલે સ્વાભાવિક રીતે એ જ રાજગાદીએ બેસે એમાં કશી નવાઈ નથી. પણ પિતાના બધાં વારસાગત લક્ષણો એનામાં નહોતાં ઉતરી આવ્યાં. ૨૧ -૨૧ વરસ સુધી સોલંકી યુગની ધુરા સંભાળવી એ કંઈ નાની સુની વાત તો નથી જ.

આ રાજા આરંભે જ શૂરો હતો કારણકે એણે રાજા થયાં પછી જોયું કે આતો મારું હારું બહુ કામ કરવું પડે છે એટલે કાર્યભારણના બોજ તળે દબાઈને કંટાળતો હતો. પણ તોય એણે સોલંકીયુગને ટકાવી તો રાખ્યો જ હતો. આ ચામુંડરાજને એમ લાગ્યું થોડો મનોરંજનનો સમય પણ હોવો જોઈએ થોડો સમય પોતાનાં માટે પણ કાઢવો જોઈએ. પણ કામ વધી ગયું હતું એટલે એણે સન્યાસ લેવાનું વિચાર્યું. પણ એમને એક વારસાગત અધિકાર મળ્યો હતો ભૂમિદાનનો જોકે આની શરૂઆત તો મૈત્રક કાળમાં થઇ જ ગઈ હતી. તો પણ મૂળરાજે એને સુવ્યવસ્થિત બનાવી પોતાની હયાતીમાં જ પોતાનાં પુત્ર ચામુંડરાજને આપ્યો હતો. એ રાજગાદી પર બેઠો સન ૯૯૭માં અને અધિકાર પ્રાપ્ત થયો હતો સન ૯૭૬માં.

એક અગત્યની માહિતી આપી દઉં કે આ ચામુંડરાજે રાજગાદી સંભાળતા પહેલાં ૨૦ વરસ સુધી યુવરાજ પદ શોભાવ્યું હતું. રાજગાદી પર બેઠાં પછી જ એણે ૨૧ વરસ સુધી રાજ કર્યું હતું. એ ચામુંડરાજની માતા એ ચાહમાન રાજા ભોજની રાજકુંવરી માધવીનો પુત્ર હતો. ચામુંડરાજ એ શૈવધર્મનો પરમ અનુયાયી હતો. પરંતુ એ બીજાં ધર્મો પ્રત્યે પણ એટલી જ સહિષ્ણુતા ધરાવતો હતો.

ચામુંડરાજને ત્રણ પુત્રો હતાં –

  • (૧) વલ્લભરાજ
  • (૨) દુર્લભરાજ
  • (૩) નાગરાજ

ચામુંડરાજ આમ તો યુદ્ધ-ફૂદ્ધમાં માણતો નહોતો. એને એવું કરવું ગમતું જ નહોતું કારણકે જવાબદારીથી ભાગતો – ફરતો માણસ હતો. પણ પોતાનાં રાજ્યના અસ્તિત્વને બચાવવા મને – કમને એણે માળવા(ધારાનગરી)ના શાસક સિંધુરાજ જે મુંજનો ભાઈ થાય એની સાથે યુદ્ધ કરવું પડયું હતું. કમને યુધ્ધમાં જોતરાવું પડે એટલે કોઈને પણ એવું જ લાગે કે ચામુંડરાજ હાર્યો હશે. પણ એવું કશું બન્યું નહીં એ યુદ્ધમાં જીત્યો અને સોલંકી યુગમાં વધુ એક યશકલગી ઉમેરાઈ.

ચામુંડરાજ શરૂઆતમાં તો દરબારમાં વહેલો આવતો અને રાત્રે ઘેર જતો. પણ પછી અમુક વર્ષોમાં જ એ થાકી જતો હતો. એણે વધુ આરામપ્રિય બનવાનું નક્કી કર્યું. પણ જવાબદારીમાંથી કોઈ છટકી શક્યું છે તે એ છટકી શકવાનો હતો એણે જે કામ ખુબ જ જરૂરી હોય એજ કરવાનું નક્કી કર્યું હતું. પણ જે હોય તે કામ પૂરું તો કરતો જ હતો. માળવાનું યુદ્ધ આનું જવલંત ઉદાહરણ છે.

હવે ….. આ ચામુંડરાજના સમયમાં જ પ્રખ્યાત ઇતિહાસકાર / મુસાફર અલબરુની ગુજરાત એટલે કે અણહિલવાડ આવ્યો હતો. જે પાછળથી ભીમદેવ સોલંકીના સમયમાં મહમૂદ ગઝનીનાં સોમનાથના આક્રમણ વખતે પણ તે ગઝનીની સાથે જ હતો. આ એક ઐતિહાસિક ઘટના ગણી શકાય કે ચામુંડરાજના દરબારમાં એ સ્વતંત્ર આવ્યો હતો અને ફરીવાર એ ગઝનીની સાથે આવ્યો. બબ્બે વાર એ ગુજરાત આવી ચુક્યો હતો અને ગુજરાતે આ વાતને મહત્વ જ નથી આપ્યું !

ચામુંડરાજે પણ કેટલાંક સ્થાપત્યોનું નિર્માણ કર્યું હતું. વાત સ્થાપત્યકલાની આવે તો ચામુંડરાજ પણ શું કામ બાકી રહી જોઈએ ? એણે ચાંદનાથદેવ ચાચીણેશ્વર દેવપ્રાસાદ બંધાવ્યો. પ્રાસાદ એટલે એક જ જગ્યા જ્યાં દેવસ્થાન હોય રહેવાની સગવડ હોય ધરમશાળાની જેમ અને જ્યાં ભોજનપ્રબંધની પણ વ્યવસ્થા હોય. આ બધું એક જ સ્થળે હોય એણે પ્રાસાદ કહેવાય.

છેલ્લે જ્યારે અંત સમયે એણે નક્કી કર્યું કે હવે મારે સન્યાસ કાર્યમાંથી નહીં પણ જીવનમાંથી જ લેવો છે. એણે અનશન લેવાનું નક્કી કર્યું. એટલે તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. આ માટે એણે શુકલતીર્થ સ્થળ પસંદ કર્યું. આમતો એણે કાશી જ જવું હતું પણ તે બહુ દૂર પડતું હતું એટલે એણે પોતાના જ રાજ્યમાં અનશન લેવાનું નક્કી કર્યું. અંતે એણે જીવન છોડી દીધું !!!

વલ્લભરાજ ——-

ચામુંડરાજ પછી પછીથી સોલંકીયુગની ધુરા સંભાળનાર રાજા હતો વલ્લભરાજ.

એમનો શાસનકાળ માત્ર ૬ જ મહિનાનો હતો. એટલે કે ઇસવીસન ૧૦૦૮ – ૧૦૦૮. તો પણ એક ઘટના તેમનાં શાસનકાળ સાથે સંકળાયેલી છે. એમનાં પિતા ચામુંડરાજ જયારે જયારે કાશી જતાં હતાં ત્યારે કાશી એ માળવા થઈને જ જવાય માળવાના રાજા સાથે સોલંકીઓને પહેલેથી જ દુશ્મનાવટ. જાત્રાએ જવું હોય તો કંઈ લશ્કર લઈને તો જવાય નહીં જ ને ! એટલે દર વખતે માળવાનો રાજા એમને લુંટી લેતો હતો. બીજું બધું લુંટે એનો કોઈને વાંધો ના હોય! પણ રાજમુગટ અને રાજચિહ્ન લુંટી લે એતો કોઈ જ ચલાવી ના લે ને! આ માટે એમણે પોતાનાં પુત્ર વલ્લભરાજ સમક્ષ ફરિયાદ કરી. વલ્લભરાજ એ સમયે રાજગાદી સંભાળતા હતાં. તેણે લશ્કર લઇ જઈને માળવાના રાજાને હરાવ્યો. પણ પાછાં ફરતાં રસ્તામાં તેમને શીતળાનો રોગ લાગુ પડયો. એ સમયે કઈ આવી શીતળાની રસી નહોતી શોધાણી! એટલે રસ્તમાં જ એ સમયના અ અસાધ્ય રોગથી એમનું મૃત્યુ થઇ ગયું. આમનું એક નામ એક ઉપનામ હતું રાજમદન શંકર હતું !!

દુર્લભરાજ ——–

એમનો શાસનકાળ છે સન ૧૦૦૮ થી ૧૦૨૨.

એ વલ્લભરાજના જ ભાઈ થાય પણ વચલા એ રાજગાદીએ બેઠાં જો કે એમનો એક નાનો ભાઈ હતો નાગરાજ પણ તે સમયે તે સૌથી મોટો હતો એટલે રાજગાદી પર બેસવાનો અધિકાર વલ્લભરાજનો જ હતો એટલે એ ગાદી પર બેઠાં! દુર્લભરાજે રાજગાદી પર બેસતાં સૌ પ્રથમ કાર્ય લગ્ન કરવાનું કર્યું. રાજા હોય એટલે રાણી તો જોઈએ જ ને! એ વગર કઈ થોડું ચાલવાનું છે તે! બીજું બધું કામ પછી પહેલાં પરણી જાઓ. તે પરણી ગયાં ચાહમાન રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવી સાથે. કેવો અદભૂત યોગાનુયોગ રાજાનું નામ દુર્લભરાજ અને રાણીનું નામ દુર્લભદેવી !!!

દુર્લભરાજના રાજદરબારમાં રાજ પુરોહિત સોમેશ્વર -૧ હતાં. દુર્લભરાજ વિષે એનાં શાસનકાળનો સમય કેટલાંક એને સન ૧૦૧૦થી ૧૦૨૨નો ગણે છે જે ૧૨ વર્ષનો થાય છે તો કેટલાંક એ સમય ૧૦૦૮થી ૧૦૨૨ ગણાવે છે. મારી દ્રષ્ટિએ ૧૦૦૮ થી ૧૦૨૨ છે એટલે કે ૧૪ વરસ. સાલવારીની અસમંજસતા બાજુએ રાખીએ તો એમની અન્ય પ્રાપ્ત વિગતોમાં તો ઘણું સરખાપણું છે. એ વિગતો એમણે બંધાવેલા સ્થાપત્યોની છે. આ રાજા પણ એક લડાઈ લડયો હતો, એણે લાટપ્રદેશના રાજા કીર્તીરાજને પણ હરાવ્યો હતો. અત્યાર સુધીનાં બધાં રાજા એ શિવભક્ત હતાં તો આ રાજા એ જૈન ધર્મના સમર્થક હતાં .

હવે એમનાં સ્થાપત્યોની વાત —– એમણે દુર્લભ સરોવર પાટણમાં બંધાવેલું. આજ સરોવરને પાછળથી રાજા સિદ્ધરાજ જયસિંહે ૧૦૦૮ શિવલિંગો સ્થાપી એ સરોવરની નવેસરથી રચના કરી એણે સહસ્રલિંગ તળાવ એવું નામ આપ્યું હતું. પાટણમાં જ એમણે સાતમાળનું ધવલગૃહ બંધાવ્યું હતું. એમણે એમનાં પિતાજીના નામે રાજમદન શંકર પ્રાસાદ પણ બંધાવ્યો. એક કોશગૃહ પણ બંધાવ્યું જ્યાં નાણા સુરક્ષિત રહેતાં હતાં. એક હસ્તિશાળા હાથીઓ માટે બંધાવી હતી. એક ઘટિકા ગૃહ પણ બંધાવ્યું હતું. આ તમામેતમામ બાંધકામો એમણે પાટણમાં જ બંધાવ્યા હતાં. એટલે પાટણનો વિકાસ ત્યારથી શરુ થયો અને એણે અતિહાસિક નગરી બાવવાનો શ્રેય આ દુર્લભરાજને જ જાય છે એમ અવશ્યપણે ગણી શકાય

આ રાજા એ જૈનધર્મના સમર્થક હોવાથી તેઓ અનેકાંતવાદ એટલે કે ત્યાગવાદમાં માનતાં હતાં. દુર્લભરાજ એ ન્યાયી ….. પરસ્ત્રી અને પરધનને સ્પર્શ નહીં કરનાર રાજવી હતાં !

રાજકીય અને સાંસ્કૃતિક રીતે આ ત્રણે રાજાનું બહુ મહત્વ ભલે ના હોય પણ સોલન્કીયુગના પાયા સુદ્રઢ કરવામાં તેમનો મહત્વનો ફાળો છે .કારણકે હવે પછી જ મહત્વના અને યશસ્વી રાજાઓ આવવાંનાં છે. એમનાં કાર્યને આગળ ધપાવવા અને એ કાર્યને આસાન બનાવવા આ રાજાઓનો ફાળો કઈ નાનો સુનો ના ગણાય.

હવે જે રાજાઓ આવવાના છે એજ મહત્વના હોવાથી મેં આ ત્રણ વિષે એક અલગ લેખ લખ્યો છે. જેથી હું હવે પછીના લેખ રાજા ભીમદેવ સોલંકીને પુરતો ન્યાય આપી શકું

હવે પછીનો લેખ રાજા ભીમદેવ પ્રથમ પર !!!

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!