પાટણની રાણકી વાવ

ભારત સરકારના પુરાતત્ત્વખાતાના દસકાઓના ઉત્ખનન પછી મળી આવેલ રાણકીવાવની શિલ્પ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી  પ્રવાસીઓ અને સૌંદર્યરસિકોને સાચી જાણ થઈ.

રાણકીવાવના બાંધકામ સાથે કેટલીક કિવદંતીઓ પણ જોડાયેલી જોવા મળે છે. કહેવાય છે કે સદ્ગત સ્વામીની સ્મૃતિને સાચવવા ભવ્યવાવ બંધાવવાનો સંકલ્પ કરીને ભીમદેવની રાણી ઉદયમતીએ એ કાળના જાણીતા શિલ્પીઓને બોલાવીને વાત કરી. મહારાણીની આર્થિક સ્થિતિનો તાગ લેવા શિલ્પીઓએ કહ્યું ઃ ‘મહારાણીજી ! ભારતભરમાં જેનો જોટો ન જડે એવી વાવનું નિર્માણ તો કરી આપીએ પણ અમારા શિલ્પનાં સાધનો એક ઠેકાણે ગીરો મૂકેલાં છે.’ ઉદયમતીએ એમને એક લાખ રૂપિયા ગણી આપ્યા. શિલ્પીઓને રાણીની આર્થિક સ્થિતિનો સાચો ખ્યાલ આવતાં પાટણની ધરતી પર મંગાવેલા નિર્જીવ પથ્થરોમાં મહિપાલ, લહદેવ, તજદેવ, બુદ્ધ, રૂપક, કૌકિલ્ય, વાલગમ, રામ અને ચંદ્રમા જેવા એ સમયના સોમપુરા – શિલ્પીઓએ  કલા-સૌંદર્યની કવિતા કંડારવા માંડી. બાહોશ કારીગરોના ટાંકણાના ટંકારવથી આઠેય પ્રહર પાટણની ધરતી ગુંજવા માંડી.

એમના ટહુકતા ટેરવાઓમાં જાણે કે આખું શિલ્પશાસ્ત્ર રમવા ઊતરી આવ્યું. (આ શિલ્પીઓના નામો મૂર્તિઓ પરથી શોધી કાઢ્યાં છે.) આશરે ૨૫-૩૦ વર્ષ અહર્નિશ ચાલેલા આ કામમાં શિલ્પીઓએ પોતાની તમામ કલા નિચોવી નાખી, પરિણામે એકલી રાણકીવાવમાં ૪૦૦ ઉપરાંત ઉત્કૃષ્ટ શિલ્પો સર્જન પામ્યાં. આ ધબકતાં શિલ્પોમાં ગુજરાતની કલા-કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું સુંદર દર્શન થાય છે. આ બધા કારણોસર વિશ્વનાં પાંચ પુરાતત્ત્વીય સ્મારકોનું ડિજિટલ સ્કેનિંગ કરવામાં આવ્યું છે. તેમાં રાણકીવાવનો સમાવેશ કરાયો છે. આને માટે થોડા વખત પહેલાં સ્કોટલેન્ડની ખાસ તજ્જ્ઞા ટીમ દ્વારા લેસર બીમના સંયોજન દ્વારા ડિજિટલ રાહે સ્કેનિંગ કરવામાં આવ્યું છે. આ ટીમે અગાઉ ચાંપાનેરનાં પુરાતત્ત્વીય સ્થળો, મોઢેરાનું સૂર્યમંદિર અને રાણકીવાવની મુલાકાત લીધી હતી.

રાણકીવાવનું અનુપમ શિલ્પસ્થાપત્ય અને બાંધકામ નિહાળીને ભાવવિભોર બની ગઈ હતી, જેના વિશે તેમણે તેમના બ્લોગ ઉપર વિસ્તૃત રીતે લખ્યું છે. આ ડિજિટલ સ્કેનિંગ વાવને લાંબો સમય જાળવી રાખવામાં ઉપયોગી બનશે. રાણકીવાવ પુરાઈ જવાને કારણે તેનાં શિલ્પો વિધર્મીઓના આક્રમણથી બચવા પામ્યાં હતાં. આજે પણ આ શિલ્પો કંડારીને મૂક્યા હોય એવા તદ્દન નવાંનકોર દેખાય છે.

પાટણનગરથી ઉત્તર પશ્ચિમે ૨ કિ.મી. દૂર સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવની બાજુમાં પુરાણા ગઢના અવશેષો અને પુરાણ થયેલું સહસ્ત્રલિંગ સરોવર આવેલાં છે. વાવને જોતાં જ કૂપ, વિશ્રામ અને સોપાન એના ત્રણ મુખ્ય અંગો ઊડીને આંખે વળગે છે. વાવમાં કંડારાયેલાં ધાર્મિક શિલ્પો જોતાં પ્રથમ નજરે એ ધાર્મિક સ્થાપત્ય જણાય. એ શિલ્પો તો વાવની શોભા વધારનારાં શિલ્પો છે. સોમપુરા શિલ્પીઓની પરંપરિત કલાને ઉજાગર કરનારા શિલ્પો છે, પણ વાવ બાંધવાનો મુખ્ય હેતુ તો લોકઉપયોગી થવાનો હતો. વાવ બાંધીને ઉદયમતીએ પોતાનો પૂર્તધર્મ સાચવ્યો છે. દેવમંદિર, વાવ, કૂવા, બંધાવવાં તેને ધર્મશાસ્ત્રોમાં પૂર્તધર્મ કહેવામાં આવે છે. પૂર્તદાનનો લાભ સાર્વજનિક રહેતો એમ દિનકર મહેતા નોંધે છે.

વાવમાં પગથિયાં દ્વારા કૂવાના પાણી સુધી પહોંચી શકાતું. પાણીહારીઓને ભર્યા બેડાં લઈને પગથિયાં ચડતાં થાકોડો લાગે તો વચ્ચે વિશ્રામ સ્થાનો આવતા. રાણકીવાવમાં આ તમામ બાબતોનો ચોક્સાઈપૂર્વક ખ્યાલ રાખવામાં આવ્યો છે. વાવની ઉપરના ભાગે મુખ પાસે વાવનો શોભાવતું તોરણ હશે એમ કુંભી પરથી સમજી શકાય છે. વાવની સુંદરતામાં મનોહર મૂર્તિઓ ઉપરાંત તેમાં આવેલા મૂળ આયોજન મુજબના ૨૬૨ જેટલા સ્થંભો ઉપર અર્ધવર્તુળાકારે કીર્તિમુખ, કિન્નરો, વાદકો, નૃત્યકારો, મગર અને વાનરની પ્રચલિત પંચતંત્રની વાર્તાનું વિશિષ્ટ કંડારકામ જોવા મળે છે.

જાણીતા પુરાતત્ત્વવિદને ડો. મધુસૂદન ટાંકી લખે છે કે સોલંકી યુગમાં વૈષ્ણધર્મનું પ્રાધાન્ય હશે તેમ તે સમયના સ્મારકો પરથી જાણી શકાય છે. તે સમયગાળામાં બંધાયેલી વાવોમાં વિષ્ણુનું શિલ્પ અચૂક જોવા મળે છે. જોકે આ શિલ્પ વાવના ગોખમાં મૂકવાનું તે પછીના સમયમાં પણ ચાલુ રહ્યું છે. પાણી અને શેષશાયી વિષ્ણુ પૌરાણિક સમયથી સાથે જોવા મળે છે. રાણીની વાવના કૂપમાં શેષશાયી વિષ્ણુનું શિલ્પ બીજા, ત્રીજા અને ચોથા માળના તમામ સ્તરેથી જોઈ શકાય તે રીતે મધ્યમાં અલગથી મૂકવામાં આવ્યું છે. આ યોજના શિલ્પકારની હૈયાસૂઝનો પરિચય કરાવે છે. આ ઉપરાંત વાવની દીવાલોમાં શેષશાયી વિષ્ણુની પ્રતિમા મૂકવાની પરંપરા મધ્યકાળ પહેલાંથી પ્રચલિત થઈ હતી તેમ કનૈયાલાલ ભા. દવે નોંધે છે. આ વાવમાં મુકાયેલાં શિલ્પોમાં વિષ્ણુના વિવિધ સ્વરૂપો ઉપરાંત પંચાગ્નિ તપ કરતાં પાર્વતી મહિષીમર્દિની  દુર્ગા, અપ્સરાઓ, દિક્પાલો અને દેવીઓનાં શિલ્પો આપણું ધ્યાન ખેંચે છે.

અપરાજિત પૃચ્છા, રૂપમંડન અને અગ્નિ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો આપેલાં છે. તેમાંના ૧. વિષ્ણુ, ૨. નારાયણ, ૩. કેશવ, ૪. ગોવિંદ ૫. ત્રિવિક્રમ, ૬. સંહર્ષણ, ૭. હરિ, ૮. શ્રીધર, ૯. વાસુદેવ, ૧૦. પદ્મનાભ, ૧૧. અનિરુદ્ધ, ૧૨. પુરુષોત્તમ, ૧૩. નૃસિંહ, ૧૪. અચ્યુત, ૧૫. જનાર્દન તો રાણકીવાવમાં જોવા મળે છે. આ વાવની મુલાકાત વેળાએ પાટણના સુપ્રસિદ્ધ અને ૯૦ વર્ષની ઉંમરના ઉંબરે આવીને ઊભેલા ઈતિહાસવિદ્દ મુકુંદભાઈ બ્રહ્મભટ્ટ ઉત્સાહભેર મારી સાથે આવ્યા અને છેક સુધી અંદરનાં પગથિયાં ઉતરીને મને એક પછી એક મૂર્તિની ઓળખ આપતા રહ્યા.

જળદેવતા વિષ્ણુની પ્રતિમા આગળ ઊભા રહીને બોલ્યા ઃ ‘જુઓ, ભગવાન વિષ્ણુના દસ અવતારો મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કી.’ આ દસ અવતારો પૈકી મત્સ્ય અને કૂર્મ બે મૂર્તિઓ જોવા મળતી નથી. બાકીના અવતારોની થોડા ફેરફાર સાથેની કેવી સુંદર પ્રતિમાઓ છે ! અહીંથી જોતા જાવ. આ હરોળમાં દેવદેવીઓની સેંકડો મનોહર મૂર્તિઓ મુકાઈ છે. સામે વાવના કૂવાના પ્રથમ માળે શેષશાયી વિષ્ણુ સર્પ ઉપર સૂતા છે. માથે સર્પની ફેણ છે. સામે ભૈરવદાદા, બલરામ, મહિષાસુર મર્દિની, ભગવાન બુદ્ધ, સૂર્યનારાયણ, પાર્વતી – ગૌરી સ્વરૂપે, ચામુંડા, ધનુષધારી રામ, વામન અવતાર, બ્રહ્મા-બ્રહ્માણી, એક પગે ઊભા રહીને તપ કરતા માતા પાર્વતી, ઈન્દ્ર, બે પગ વચ્ચે નાની મોટી બંને પનોતીઓને દબાવીને ઊભેલા હનુમાન, ઈશાન, અગ્નિ, ગણેશ, અપ્સરાઓ, યોગિનીઓ ઈન્દ્રાણી વગેરેની મૂર્તિ રેતિયા પથ્થરમાંથી કંડારાયેલી છે. વાવની દીવાલોમાં બેસાડેલી દેવપ્રતિમાઓ કરતાં ગવાક્ષો-ગોખની વચ્ચે વચ્ચે બેસાડેલી રૂપમંજરીઓની મનોહર મૂર્તિઓને કારણે પણ વાવનું આકર્ષણ વધ્યું છે અને તે લોકપ્રસિદ્ધિ પામી છે.

સોમપુરા સલાટોએ પોતાની આખી શિલ્પકલાને જાણે કે રૂપમંજરીઓમાં જ ઠાલવી દીધી જણાય છે. શ્રી કાંતિલાલ ત્રિપાઠી લખે છે કે રૂપમંજરીઓની સપ્રમાણ દેહલતા, નારીદેહનું લાવણ્ય, સ્તન પ્રદેશનો ઊભાર, વિવિધ કેશ ગૂંથનો, ચહેરા પરના ભાવો તેમજ અંગભંગીઓમાંથી નીતરતું નૃત્ય-સૌંદર્ય નિહાળી પર્યટકોના અંતરમાં આનંદના રંગસાથિયા પુરાય છે. મનોહર મૂર્તિઓ ઉપર નજર કરીએ તો રૂપમંજરીઓમાં કાંસકીથી વાળ ઓળતી, કેશકલાપ કરતી અરીસામાં મુખારવિંદ નિહાળતી, આંખે કાજળ આંજતી, બંસરી બજાવતી, પખાવાજ, ઢોલ, મૃદંગ ને શરણાઈ વગાડતી તો કોઈ પૂજા સામગ્રી લઈને જતી, પંડયના જણ્યાને લાડથી સ્તનપાન કરાવતી, કોઈ સદ્ય સ્નાન કરીને ઊભી થતી અને તેના વાળમાંથી ટપકતા પાણીને ચાતકપક્ષી જાણે કે પીવા મથી રહ્યું ન હોય !

વાવમાં પ્રવેશ કરતાં ડાબા હાથની દીવાલ પર વિષ્ણુ અને પાર્વતીજીની મૂર્તિઓ આવે છે. દીવાલની વચ્ચેનો તથા નીચેનો ભાગ ખાલી છે. ત્યાર બાદ બીજા સાઈઠ ફૂટના વચલા ભાગમાં ભગવાન મહેશ, કુબેરભંડારી, ધનવંતરી, વિષ્ણુ ભગવાન, ચામુંડા, અપ્સરાઓ, રૂપમંજરીઓ જેમાંની એક કુંડળી પહેરતી, દર્પણ જોતી, સારંગી વગાડતી દેખાય છે. નીચેના ભાગમાં ગરુડ ઉપર બેસી માળા ફેરવતી લક્ષ્મી, તેની બાજુમાં નૃસિંહ અવતાર તથા વરાહ મસ્તક છે. વરાહ અવતારમાં સ્ત્રીરૂપી પૃથ્વી ખભા ઉપર બેસાડેલ છે. એ પછી કેશવ, ત્રિવિક્રમ, નારાયણ, પુરુષોત્તમ, માધવ, વિષ્ણુ વગેરે દેવો છે. ઓરડીવાળા ભાગના સ્થંભોમાં ઘંટ, પલવો, તેની નીચે સિંહ સાથે કુસ્તી કરતા મલ્લો દ્રષ્ટિગોચર થાય છે.

જમણા હાથની દીવાલના ઉપરના ભાગે વિષ્ણુ ભગવાન, અપ્સરા, ઋષિ વગેરે છે. એક અપ્સરા ગુસ્સે થઇને સાધુની દાઢી ખેંચી રહી છે, તો કોઇ પરુષ અપ્સરાનાં વસ્ત્રો ખેંચી રહ્યો છે. એ પછી નાગણી, બે ઘૂવડ પક્ષીઓ, ભૈરવ સ્વરૂપમાં શિવજી, દત્તાત્રેય અને એક પગ પર ઊભા રહીને પંચાગ્નિ તપ કરતાં પાર્વતીજી છે. વૈકુંઠ, સૂર્ય, માતૃકાદેવીઓ, લક્ષ્મી, ઈન્દ્રાણી, પાર્વતી, દુર્ગા, બ્રહ્મા, સરસ્વતી, રાક્ષસોનો સંહાર, અશોક વાટિકા, નૃસિંહ અવતાર, હિરણ્યકશ્યપુને મારી રહ્યા છે. આ ઉપરાંત નગ્ન અપ્સરા, ગજેન્દ્ર મોક્ષ અને વિષકન્યાઓ છે. એમાંની કોઈ પોતાનાં વસ્ત્રો ઉતારી રહી છે તો કોઈ વિષધર સર્પ સાથે ખેલી રહી છે. કોઈ નારીની જંઘા ઉપર વિષનાગ લપેટાયેલો છે. કોઈ એકે નાગની ફેણ પકડી છે. એક વાંદરું એક સુંદરીના પગ પર ચડી જતાં તેના ખસી ગયેલાં વસ્ત્રો ઠીક કરી રહી છે. અપ્સરાઓમાં કોઈ દર્પણમાં મુખડું જુએ છે. કોઈ હોઠે લાલી લગાવે છે, કોઈ કાનમાં સળી નાખી મેલ કાઢે છે. તો કોઈ સ્નાન કર્યા બાદ ભીનાં વસ્ત્રો શરીરે ચોટી જતાં અંગ દેખાઈ રહ્યું છે. તે પોતાના વાળ સૂકવી રહી છે. તેના વાળમાંથી ટપકતાં પાણીને મોતી સમજી હંસ એને મોંમાં ઝીલી રહ્યો છે. કોઈ સ્ત્રી પોતાના મોટા ભરાવદાર સ્તનો દેખાઈ ન જાય એ માટે કાસકાની આડશે એને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. છેક નીચેના ભાગે ક્ષીરસાગરમાં પોઢેલા શેષશાયી વિષ્ણુ ભગવાન તથા કાર્તિકેય છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!