સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા લાગ્યા કે ‘મને સમાચાર મળ્યા કે બગસરાના દરબાર આપનો પીછો કરતા પરબે આવ્યા હતા. સાદુળ ખુમાણ કહયુ કે દેવીદાસબાપુ હાલ પરબે ન હોવાથી આપ કહોતો માતાજી રાતવાસો કરીયે?’ અમરમાતાજી જવાબ આપતા ક્હ્યુ કે ‘ના રે ના આપા શાદુળ, કોઈકે બનાવટ કરી, નાહક તમારાં ઘોડાંને તબડ્યાં ! ખમા માડી ! ઊતરશો ?’ સાદુળ ખુમાણ ને અમરમાં ના આવા સમાચાર મળતાતે ભેંસાણથી મારતે ધોડે અમરમાં પાસે ભાળ લેવા આવ્યા.
અમરબાઇમાતાજી એ આ સંસાર ત્યજયા પછી નવી સ્વજનપ્રિતી લાગી જ પડી હતી.દેવીદાસબાપુને તે પોતાના નવા જન્મના પીતા તો ગણતા હતા પણ માતાય માનતા હતા. દેવીદાસબાપુને બારવટીયા ઉપાડી ગયા છે એ જાણીને પોતે વ્યાકુળ થઇ જાય છે.નજીકમાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.અમરબાઇને પીતા તુલ્ય ગુરુજી દેવીદાસ બાપુ પર ખુબ શ્રધ્ધા હતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતા હતા કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસબાપુનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું છતા ઘણો સમય વ્યથીત થવાથી એમની ચિંતા વધવા લાગી.
સમય જતા વાર ક્યાં લાગે છે? દેવીદાસ બાપુ પરબમાં ન હતા એને બે દિવસ પુરા થઇ ગયા અને ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.
મધ્યરાત્રી એ અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગમાં લટકાવેલી લાંબી ઝોળી હતી.ઝોળીનું કપડું લોહીથી રંગાયેલુ હતું.
“જય દત્તાત્રેય !” કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી. “માઈ!” બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું : “દેવલાકો સંભાલ લો !” બોલનારનો અવાજ બત્રીસે દાંતના અભાવની સાક્ષી દેતો હતો.“ઔર માઈ ! અમરબાઈ !” બીજા પુરુષે અવાજ દીધો: “તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના ! દત્તાત્રેયકે ધૂણેમેં સે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.” એ શબ્દધ્વનિ પણ એક દાંતવગરના જ મોંમાંથી નીકળતા હતા. બંને સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા.
અમરબાઈ સમજી ગયાં કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે ને એ ઇજાગ્રસ્ત શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ અહીં ઊંચકી લાવેલા છે.અમરબાઇ માતાજીએ તે બન્ને બુજર્ગોને ઓળખાળ આપવા વિનંતી કરી કે આપ ઉભા રહો હું ત્વરીત દિવો લાવી અંજવાળુ કરુ પરંતુ તે બન્ને એ પ્રત્યુતર આપતા કહ્યુ કે “અમર ! બેટી !” એક વૃદ્ધે પોતાની આંખ પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું, “ઊભા હમ નહીં રહેંગે, પિછાન કી કોઈ જરૂરત હી નહીં હૈ.”
“ઔર સબસે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જિસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈંયા ગયે. અબ ઈસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?” એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા નમીને માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું.કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડી વંદન કર્યાં હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખનાં રત્નો જેવી ચળકતી હતી બુઝુર્ગો ડગમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રીના હૃદયમાં સમાઈ ગયા.
અમરબાઈ એ દેવીદાસબાપુને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદગાર નીકળતો હતો: “સત દેવીદાસ !” એ ઉદગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલ્યા.
પરોઢીયુ થવાની હજુ થોડીવાર હતી ત્યા દેવીદાસબાપુ શુધ્ધી મા આવ્યા અને શુદ્ધિમાં આવી નેત્ર ખેલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો:”સંતો ન રોકાણા ?” અમરબાઇ મા બોલ્યા કે બાપુ તેમને “નામ ઠામ અને ઓળખાણ દેવાની ના પાડી માત્ર એટલુ જ કીધુકે દતાત્રેયના ધુણાની ખાખ તમારા શરીરે લગાડી દેજે, એટલુ કહિં ચાલ્યા ગયા.”
દેવીદાબાપુએ જવાબ આપતા કહ્યુ કે “દિકરી અમરબાઈ, એક હતા ઇસ્લામી સાંઈ નૂરશાહ, અને બીજા હતા હિન્દુ જોગી જયરામભારથી રામનાથની જગ્યાવાળા.ઠેઠ ગિરનારમાંથી કઈ જગ્યાએ હું પડ્યો હઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.”
“તમને કોણ લઈ ગયેલા ? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?”
“દીકરી !” દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો : “દુ:ખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બુઠી બની ગઈ છે. અને વળી બેટા ! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવાં બે મંગળમય નામને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂરશાહ ! સત જયરામશાહ !”
પણ બાપુ આપણો ગુનો શુ છે?”લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુને જ લેખાય ને બાઈ ! પારકાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવાતેવા અપવાદ છે, બેન ! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા ?” દેવીદાસબાપુના જવાબથી અમરબાઇમાં સમજી ગયા કે બાપુને અતરીયાર ઉપાડી માર મારનાર બીજુ કોઇ નહિ પરંતુ એમના દેહના લોચાના ભૂખ્યા અમરબાઇના સાસરિયાવાળા હતા.
“શાંતિ હારે એ યોદ્ધો નહીં, બેટા !” દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું પાસું ફેરવતાં ફેરવતાં એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ.એ અરેરાટી-શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી : “હું હું – હું જાઉં છું. જુનાગઢને સિપાહી-થાણે ખબર કરું છું. એ પાપિયાએના હાથમાં કડીઓ જડાશે.” દેવીદાસ બાપુ બોલ્યા ”એ બધુ ફોગટ છે બેટા, કેમ કે હું જ એમના નામ જુનાગઢ સિપાહીને નહિં આપુ.” દેવીદાસબાપુ કહ્યુ કે આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે ?”
અમરબાઈના કંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. “પાપીઓનો આટલો બધો ત્રાસ ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને? પણ મારા બાપને, અરે, આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું ?”
“અમર ! બેટા ! કોઈની ખબર લેવાનો કોઈ કોઈને હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના !” બોલતાં બોલતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.
ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્ર પંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી ?દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને નીચે ઢળ્યા.
“અરે ઈશ્વર !” એણે એક નિઃશ્વાસ નાખ્યો: હજી – હજીય કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું ! શી પામરતા ! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુ દત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરો.”
વાત પુર્ણથતા સુરજદાદા પોતાના નિત્યકર્મ પ્રમાણે જીવ માત્ર પર ઉપકાર કરવા પોહંચી ગયા.અમરબાઇ માતાજી ઝોળીએ જાવા માટેની તૈયારી કરવા લાગ્યા.દેવીદાસબાપુ લાકડીના ટેકે થોડા ઉભા થવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં સામેથી અવાજ સંભળાયો. “અમરબાઈ, બોન ! બાપુના કંઈ સમાચાર ?” આ સાદ આપા સાદુળ ખુમાણનો હતો.
સાદુળ ખુમાણ આશ્રમમાં પ્રવેશતા હતા એમનો સાદ સાંભળી દેવીદાસબાપુ એ અમરબાઇમા ને પાસે બોલાવી પ્રતિજ્ઞા લેવરાવી કે પોતાના સાથે બનેલ ઘટનાની વાત સાદુળને નહિં કરે કારણ કે જો સાદુળખુમાણ ને આ વાતની જાણ થશે તો મારા ગુનેગારનાં માથાં ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ-હત્યા ચડશે. વચન આપ, કે તું શાદુળને નહીં કહે.અમરબાઇ વધુ બોલી ન શક્યા અને મૌન જ રહ્યા એટલામા સાદુળ ખુમાણ આશ્રમની અંદર નજીક આવી ગયા.
ભાગ-૧૭…ક્રમશઃ પોસ્ટ..
સંદર્ભ-ગ્રંથોઃ
૧)અમર સંત દેવીદાસ – હરસુર ગઢવી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860
પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
- સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા
- સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ
- સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ
- સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ
- પરબના સ્થાનકમાં સત્ દેવીદાસબાપુ દ્રારા રકતપિતયાઓની સેવા તથા સ્થાનકમાં આશરો
- માનવ સેવા એજ પ્રભુ સેવા: સત્ દેવીદાસ બાપુનું સ્થાનક પરબ વાવડી રકતપિતિયાઓનું આશ્રય સ્થાનઃ
- 🌹 સત્ માંડણપીર બાપુ 🌹
- માંડણપીરબાપુની અડસઠ તીરથની યાત્રા, શત્રુંજય પર્વત પર ઇગારશાસાંઇની સમાધિ તથા કરમણપીરને પરબે જવાનો આદેશ
- અન્નપુર્ણા અમરમાનું પરબધામમાં આગમન
- અમરમા નો પરબમાં પ્રથમ દિવસનો અનુભવ અને દેવીદાસબાપુએ આપેલ પ્રબોધ
- દેવીદાસબાપુ દ્રારા અન્નપુર્ણા અમરમાને પ્રથમ ટુકડો (ભિક્ષા) લેવા મુંજીયાસર માંડણપીર પાસે મોકલવા અને માતૃશ્રી હિરબાઇમાએ ચેતન સમાધિમાથી હાથ બહાર કાઢી અમર ચુંદડી આશિર્વાદ સ્વરુપે અમરમા ને આપી.
- બગસરા ગામમાં ઝોળી ફેરવતા શ્રી અમરબાઇ માતાજીના સતના પારખા લીધા
- દેવીદાસબાપુની આજ્ઞાથી અમરબાઇ માતાજીએ બગસરા ગામમાં ઝોળી ફેરવવાનું બંધ કર્યુ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..