ટંકારાનો જીવો ઢોલી

કેટલાક ગુણો એવાં હોય છે કે જેનો સંબંધ નાત,જાત કે કોમ સાથે સર્વાંશે જોડી શકાતો નથી. એમાંનો એક ગુણ છે વીરતા. એ સંસ્કારજન્ય ગુણ છે. એટલે કવિ નાથુદાનજીએ કહ્યું છે :

કરશી ઊણરી હુસી,આસી વહ નૂતીહ;
હૈ ન કિણરી બાપરી,ભગતી રજપુતીહ.

અર્થાત્ એ તો જેઓ કરે, બતાવી શકે એની થશે, પણ એ સામે ચાલી કોઈની નથી થતી. એટલે જ ભક્તિ અને ક્ષત્રિવટ એ કોઈનાં બાપની મિલકત નથી.

સૌરાષ્ટ્રનો ભૂતકાળનો ઈતિહાસ આની સાખ ભરે છે. સમાજનો નાનામાં નાનો માણસ કે જેને અસ્પૃશ્ય ગણી ગામના છેવાડે રાખ્યો છે એવાં માણસે પણ સમય આવ્યે વીરતા બતાવી, દુશ્મનો સામે લડતાં લડતાં મોતને વહાલું કર્યું છે.પછી એ ચાંપરાજ વાળા સાથે રહીને સર્વ પ્રથમ શહીદી વહોરનાર જોગડો ઢોલી હોય કે એભલવાળા સાથે રહીને વેરીઓને વેતરતાં વેતરાઈ જતો જોગડો વણકર હોય, સુદામડામાં મિયાણાઓ સામે ઝૂઝીને વીરગતિ પામનાર કાનિયો ઝાપડો હોય, ગુંદિયાળા ગામનો ખુદાવંદખાન સામે લડીને વીરગતિ પામનાર રંગવડિયો હોય કે રાતી દેવડીનો ઢોલી હોય આ સૌ નિમ્નવર્ગનાં વીરોએ દુશ્મનો સામે સામી છાતીએ લડીને મોતને ઉજળું કરી બતાવ્યું છે.

આવો જ એક પ્રસંગ ટંકારાના જીવા ઢોલીનો છે કે જેણે રજવાડાના સમયમાં ગામના પાદરેથી ગાયોને વાળી જતાં બહારવટિયાઓ સામે એકલપંડે લડીને ગાયોને બચાવી વીરગતિ પામ્યો.આ જવાંમર્દનો પાળિયો આજે પણ પૂજાય છે અને શ્રદ્ધાળુઓ એ વીર ઢોલીની બાધા- માનતા રાખે છે

ટંકારા પંથકના બુઝુર્ગો પાસેથી જાણવા મળેલી અતિ રસપ્રદ અને દંતકથા સમાન પણ સત્યકથા મુજ્બ આજથી દોઢસોક વરસ પહેલાંની વાત છે. એ જમાનામાં- બહારવટિયાઓ અને રાજવીઓ વચ્ચે ગજગ્રાહ સર્જાતા અને અવારનવાર ધીંગાણા પણ ખેલાતા, પરંતુ આમાં પ્રજાને ભોગવવાનું વધુ આવતું હતું.આવો જ એક પ્રસંગ ટંકારામાં બન્યો હતો અને ટંકારાના એ નરબંકા જીવા ઢોલીએ રજવાડાની આબરુ પોતાનો જીવ આપીને બચાવી હતી.

એક દિવસ વહેલી સવારે ટંકારાના પાદરમાં ઢોરો નિરાંતે બેઠાં હતાં.એવા સમયે અચાનક જ ધાડપાડુઓ ત્રાટક્યા અને કોઈને કાંઈ ખબર પડે એ પહેલાં રેઢી બેઠેલી ગાયોને હાંકીને લૂંટી જવા પ્રયાસ કરવા લાગ્યા. બરાબર એ ટાણે ટંકારામાં ઢોલ વગાડવાનું કામ કરતાં જીવા ઢોલીએ આ દ્રશ્ય જોયું. પોતાના ગામની ગાયોને કસાઈઓના હાથમાં જતી જોઈ એનું લોહી ઉકળી ઉઠ્યું. આજુબાજુ નજર કરી પણ કોઈ કળાતું નથી.ધાડપાડુઓ પાસે હથિયાર વધારે હતાં અને જો ગામલોકોને જાણ કરવા જાય તો મોડું થાય અને લૂંટારાઓ ગવતરીઓને હાંકી જવામાં સફળ થાય.આથી પળનોય વિલંબ કર્યા વિના એણે લૂંટારાઓને પડકાર્યા. પાળના મોવડીએ જીવા ઢોલીને ચેતવ્યો કે, ‘ઢોલ વગાડી,માગી ખા, તારું આ કામ નહીં, નાહકનો જીવનો જઈશ.’ પણ આજે જીવા ઢોલીના શરીરમાં કોઈ અદીઠ શક્તિએ સંચાર કર્યો હતો. અબોલ જીવ, ગરીબડી ગાયો ઉપર પડતી લાકડીઓની પ્રાછટ જાણે કે પોતાના શરીર ઉપર પડતી હોય એવી વેદનાથી છળી ઉઠ્યો. સામો પડકારો કર્યો-

‘એમ તો ગવતરીઓને નહીં લઈ જાવા દઉં, ઢોલ તો ખૂબ વગાડ્યો,આવો આજ તો તમેય ઢોલીના કાંડાનું કૌવત જોતા જાવ.’ હડી કાઢીને એણે એક લૂંટારા પાસેથી તલવાર આંચકી લીધી. માંડ્યો આડેધડ વીંઝવા. એકલપંડે જીવાભાઈએ જવાંમર્દી દેખાડી, એણે ખરેખરો જંગ ખેલ્યો. ઢોલીરૂપી અણધારી આફતથી લૂંટારાઓ મુંઝાણા,પાછા પડ્યા.ત્રણચાર લૂંટારાઓને જીવા ઢોલીએ યમસદન પહોંચાડી દીધાં. પણ ધાડપાડુઓ વધારે હતાં. એકસાથે જેમ કીડી ઉપર કટક ત્રાટકે એમ જીવા ઢોલી ઉપર તૂટી પડ્યા. લૂંટારાઓ કૂંડાળે પડ્યા. લાગ જોઈને ઢોલીની ગરદન પર ઘા કર્યો. જીવા ઢોલીનું માથું ધડથી અલગ થઇ ગયું. માથું પડ્યું પણ ધડ લડ્યું અને બે કોશ દૂર સુધી લૂંટારાઓનો પીછો કરી ભગાડ્યા અને ગાયોને બચાવી.

આ વાતની શાહેદી પૂરતાં પાળિયા આજે પણ ટંકારા અને ધ્રુવનગરની સીમમાં અડીખમ ઊભા છે.લોકો એને ‘જીવા ભગતના પાળિયા’ તરીકે ઓળખે છે. ડુંગળી અને રોટલાની માનતા રાખે છે અને જીવા ઢોલીની કૃપાથી એમનાં કાર્યો પાર પડે છે એવી અતૂટ શ્રદ્ધા ધરાવે છે

નોંધ : રાજકોટ- મોરબી હાઈવે પર ધ્રુવનગર પાસે ‘જય જીવામામા સરકાર’ એવું બોર્ડ મારેલી જગ્યા આવેલી છે.તા.૨૧-૩-૨૦૨૦ ના રોજ રૂબરૂ મુલાકાત લેતાં ત્યાં સેવા પૂજા કરતાં રમેશભાઈ પોલાભાઈ રાણવાએ જણાવ્યું કે,આ જગ્યા જીવા ઢોલીના ધડની છે. માથું તો ટંકારાની સીમમાં પડ્યું હતું. ત્યાંથી ધડ લડતું લડતું અહીં આવીને પડ્યું. જ્યાં માથું પડ્યું એ ટંકારાની સીમમાં પણ મંદિર બાંધવામાં આવ્યું છે ‌એ મંદિરની દેખભાળ અને સેવા પૂજા નાથપંથી સાધુ આદેશ બાપુ કરે છે. તેમને જીવા ઢોલી અને જગ્યા વિશે પૂછતાં તેઓએ જે જવાબ આપ્યો એ તેમના જ શબ્દોમાં :

“આજથી લગભગ બાર તેર વર્ષ પહેલાંની એક ઉનાળાની આગ વરસતી બપોરના સમયે હું ટંકારા જવા માટે અહીંથી નીકળ્યો હતો.પણ અહીંથી પસાર થતાં મને અહીં કોઈ ચેતના ફરતી હોય એવી અનુભૂતિ થઈ. જાણે કોઈ અદીઠ શક્તિ મને રોકી રહી હતી.આસપાસ નજર કરી તો ચારે તરફ વેરાન વગડો. માત્ર બે અપૂજ ખાંભી મારા જોવામાં આવી. હું પણ નાથપંથી સાધુ. આસન જમાવી ખાંભીની સામે ધોમધખતા તડકામાં બેઠો. ખાંભીને પ્રશ્ર કર્યો ‘કોણ છો? મને શા માટે રોકે છે?’ અને ખાંભીમાંથી અવાજ આવતો હોય એવાં ગેબી શબ્દો મારા કાને અથડાણા. ‘હું જીવો ઢોલી, મારા ગામની ગાયુની વહારે ચડતા દુશ્મનોનાં હાથે હણાયો છું. અહીં મારું માથું પડ્યું’તું અને ધડ અહીંથી થોડે દૂર.પણ લોકો મને ભૂલી ગયા છે માટે હે જોગીડા ! તું અહીં રોકાઈ જા. મારી સેવા કર, તને કોઈ વાતની ખોટ નહીં પડવા દઉં. હું એકલો નથી,મારી સાથે મેલડી પણ છે એ તારી રક્ષા કરશે.’ હું મુંઝાણો. હું તો નાથપંથી. મારે ને મેલડીને વળી શું ? પણ કોણ જાણે કેમ એ દેવીતત્વ મને આદેશ કરતું હતું. “રોકાઈ જા… રોકાઈ જા…” એ દિવસથી અહીં જ રોકાયો છું. માત્ર પાંચ જ કિં.મી. દૂર છે ટંકારા. પણ નથી ગયો. વળી મને કહે ‘તમે આ જે જગ્યા જુઓ છો ને ત્યાં એ સમયે તો વગડો હતો. પણ એ વિકસાવવા મેં કોઈ પાસે હાથ નથી લંબાવ્યો. આજે તો ઘણાં લોકો જીવાદાદા અને મેલડી માતાજીને પગે લાગવા આવે છે. ધ્રુવ નગરના દરબાર ધ્રુવકુમારસિંહજી પણ જીવાદાદામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. તેમણે આ જગ્યા વિકસાવવામાં ખૂબ મદદ કરી છે.’

ટંકારાની સીમમાં જે જગ્યા છે તેમાં જીવા ઢોલી અને મેલડી માતાજીની ખાંભી ઉપર મંદિર બાંધવામાં આવ્યું છે. નાથપંથી આદેશબાપુ સેવા કરે છે.

ધ્રુવનગરની સીમમાં જીવા ઢોલીની જગ્યામાં ગૌશાળા પણ છે. ત્યાં એનાં ધડનો પાળિયો છે. મંદિરમાં મૂર્તિ અને ઢોલ રાખવામાં આવ્યા છે. રમેશભાઈ પોલાભાઈ રાણવા તેની સંભાળ રાખે છે.

ડો. દલપત ચાવડા
રાજકોટ (ખેરવા)

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!