રાતી દેવડીના જેઠીજી ઝાલા અને ઢોલી

આપણે જેઠીજી ઝાલા રાતી દેવડી અને ૧૯ વણઝારીઓ ની વાત આપડા ગ્રુપમાં કરી હતી પણ આ વાત ઢોલ વગાડનાર ઢોલી ની બાવડામાં બળ પુરનારાની ખાંભીની છે ઘટના વાર્તા એજ છે પણ ખાંભી આજ ઢોલીની મુકી છે જે મારા પરમ મિત્ર દલપતભાઇ ચાવડાએ વાત અને ફોટોગ્રાફ કરી વિગત મેળવેલ છે ને ખુશીની વાત એ છે કે આ પાળીયાઓ પર બુક પણ તૈયાર કરી રહ્યા છે

મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
નર પટાધર નીપજે, પાણી હુંદો ફેર.

મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડુ નીપજે, પાણી હુંદો ફેર.

માંડવધાર (ડુંગર)ની ગાળીઓમાંથી ગળાઈને આવતું મચ્છુ નદીનું પાણી ભારે ગણાય છે અને એને પીનાર માનવીનાં દેહ વજજર જેવાં પણ હૈયાં મીણ જેવા મુલાયમ હોય છે. મચ્છુનું પાણી પીને ઉછરતા અઢારેય વરણના માનવી પટાધર ( શૂરવીર) પાકે છે એવું મચ્છુના પાણીનું માહાત્મ્ય છે.આ મચ્છુ કાંઠાના જૂનાં વાંકાનેર રાજ્યનું ખોબા જેવડું રાતી દેવડી ગામ. એમાં ગિરાસદાર ઝાલા દરબાર જેઠીજી રહે.એમને એકનાં એક બહેન. પ્રાણ કરતાંય અધિક પ્રિય. સગપણ માટે શોધખોળ કરે, પણ બહેન સમોવડ કોઈ મૂરતિયો નજરે નથી ચડતો.

આજથી સવા બસો વર્ષ પહેલાંની વાત છે. ઉનાળાનો સમય છે. સવારના દસેક વાગ્યા હશે ને એ સમયે રાતી દેવડીના પાદરમાંથી દસ-બાર ઘોડેસવાર પસાર થયા. એમનાં પહેરવેશ ઉપરથી જેઠીજીએ અનુમાન કર્યું કે, કચ્છના ગિરાસદારો લાગે છે. એટલે આડા ફરી ડાયરાને રામ રામ કરી, પોતાની ઓળખાણ આપી ડાયરાને છાસું પીવાં રોકાવા આગ્રહ કરે છે. છાસું પીવાં ટાણે ગામને પાદરથી ગરાસીયા એમ જ હાલ્યા જાય તો ઝાલાના ખોરડાં લાજે. જેઠીજીએ મોવડીના ઘોડાની વાઘ પકડી : ‘ લ્યો, હાલો… તાણ્ય કરાવે એને ગળાનાં સમ.’

મહેમાનોએ ઘોડા જેઠીજીની ડેલીએ લીધાં. ડેલીની પરસાળમાં ચાકળા પથરાયા. ઘોડાને જોગાણ દીધાં. કાવા કસુંબાની ઘડીક ધકબક મચી ત્યાં છાસું ( રસોઈ) તૈયાર થઈ ગઈ.

જેઠીજી મહેમાનોને તાણ્ય કરી કરીને જમાડે છે. એવામાં એમનાં બહેન કોઈ કામ અર્થે બહાર નીકળી તરત પાછાં ઓરડામાં ચાલ્યાં ગયા. જેમ વાદળમાંથી નીકળેલી વીજળી પ્રથમીને છબીને ક્ષણાર્ધમાં વાદળમાં છુપાય જાય એમ ઓરડામાં અલોપ થઇ ગયા. મહેમાનોની નજર ખેંચાઈ.દીકરીબાના રૂપે મહેમાનોની આંખ્યું ભરી દીધી.

વાત વાતમાં મહેમાનો જેઠીજીને પૂછે છે કે, ‘ આપના બહેન લાગે છે ? ‘
જેઠીજી કહે ‘હા’.
‘ એમનું ક્યાંય સગપણ કર્યું છે ? મહેમાનોએ સવાલ કર્યો.

‘ના,ભા ! માંગા તો ઘણાંય આવે છે પણ મારે સાત ખોટની એક જ બહેન છે, એટલે સો ગળણે ગાળવું પડે.’ જેઠીજીએ જવાબ આપ્યો.
‘ એમ ?’

‘હા,ભા ! એનાં રૂપ- ગુણ જોગો મુરતીયો મળે, એની રાહ જોઉં છું. અંજળપાણી હશે ત્યાં થાશે.’
‘ તો જેઠીજી, એનાં અંજળ અમારે ખોરડે હશે એમ લાગે છે ભા !’
જેઠીજી કહે, ‘ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. પણ મૂરતીયો જોવો પડે. આ તો અંતર ઓરવા છે,આખી જિંદગીનો સવાલ છે.’

‘ ગરાસિયાનાં દીકરાને વળી શું જોવો ? કચ્છના રાજપૂતો કાંઈ નાખી દેવા જેવાં નથી,જેઠીજી.’
‘વાત સાચી, દરબારો ! પણ જોયા વગર કાંઈ ન થાય.’

‘તો ના પાડો છો ? ‘ મહેમાનોનાં ચહેરા તંગ બન્યા.
અને કશાય થડકાર વગર જેઠીજીએ પરખાવી દીધું, ‘હા,ના પાડું છું બસ.’
અને એમ કરતાં વાત વટે ચડી. કચ્છના દરબારો મમતે ચઢ્યા.જેઠીજીને કહે, ‘તો સાંભળો જેઠીજી ! અમે રાજપૂતની રીત પ્રમાણે કન્યાનું હરણ કરી જાશું…’

‘હુ ય રાજપૂત બચ્ચો છું, ઝાલાવાડના રાજપૂતોય તલવાર બાંધી જાણે છે. આપનું સ્વાગત કરવા માટે ગામ બહાર જ ઊભો રહીશ. હાલ્યા આવજો જ્યારે ઉમળકો આવે ત્યારે.’ ….ગોળ ને ચોખા કડવાં ઝેર જેવા થઈ પડ્યા. મહેમાનોએ રીસમાં ઉઠીને ઘોડા પલાણ્યા.

આ વાતને પંદરેક દિવસ વિત્યા હશે ને પાદરમાં બુંગિયો વાગ્યો. જેઠીજી સમજી ગયા કે, કચ્છના દરબારો આવી પહોંચ્યા. પોતાના બહેનને વેલડામાં બેસાડીને વાંકાનેર બાજું રવાના કરી,પોતે હથિયાર ધારણ કરી પોતાના ભાઈ અને પરિવાર સાથે જુદ્ધે ચડ્યા. દેવોને ય જોવાનું મન થાય તેવું જુદ્ધ જામ્યું. કૈંકને પાડીને જેઠીજીનું માથું પડ્યું અને ધડ લડયું. કચ્છના દરબારોને પાદર સુધી મૂકી કબંધ પણ ધરાશાયી થયું.

પોતાના ગામના દરબાર જેઠીજીનું માથું પડતાં ઢોલ વગાડતા ઢોલીને શૂરાતન ચડ્યું. ઢોલ ફગાવી હથિયાર ઉપાડ્યા અને દુશ્મનોને પડકાર્યા : ‘એક બહેન માટે થઈને એનો ભાઈ ખપી ગ્યો,આ ગામની દીકરીનાં જીવન મરણની વેળા છે અને હું ઢોલ વગાડયા કરું ? આજ તો તમેય ઢોલીના હાથને જોતાં જાવ.’ એની ભુજાએ એટલી તીવ્ર ઝડપથી તલવાર વીંઝવા માંડી કે, કચ્છના દરબારોને ઢોલી ભારે પડતો લાગ્યો. સામટા કુંડાળે પડી ઘોડાની હડફેટમાં લઈ ઢોલીને ઘેર્યો.અને હથિયારો ચલાવ્યાં… રાતી દેવડીનો એ ઢોલી મર્દાઈને છાજે એવું ધીંગાણું આપીને શહીદ થયો. આ જોઈ ગામના પાદરમાં વણઝારાની પોઠયો પડી હતી ( પુરુષો વેપાર માટે બહાર ગયા હતા) તેમાં દંગામાં રહેલી વણઝારણોને શૂરાતન ચડ્યું દંગામાથી કુહાડી, ધારિયા, ખરપીયા, લાકડી, સાંબેલા, જે હાથમાં આવ્યું એ હથિયાર લઇ ધીંગાણે ચડીયુ. ભાલા અને તલવારોનાં ઘા ઝીલતી વણઝારણો રકતભીની ચૂંદડીઓમાં રણચંડીઓ બની ઘૂમી વળી. આખરે અઢાર વણઝારણો ધીંગાણામાં કટકા થઈને ખપી ગઈ ! આ વાતની શાહેદી પૂરતાં જેઠીજી ઝાલા, ઢોલી, અને વણઝારણોનાં પાળિયા આજેય રાતી દેવડી ગામના પાદરમાં ઊભા છે.

નોંધ: ગામની રુબરુ મુલાકાત વખતે મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે ગામના પાદરમાં ઢોલી અને વણઝારણોના પાળિયા સાથે જેઠીજીનો પાળિયો છે એ ધડનો છે જ્યાં માથું પડ્યું હતું એ જગ્યા ચોરાની પાસે છે. ત્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મને લઈ જઈ સામે એક જગ્યા બતાવી કહ્યું કે જેઠીજી બાપુનું જૂનું મકાન ત્યાં હતું. (ઢોલીની અટક સોલંકી હોવાનું અને એક જ ઘર આજે ત્યાં છે. બીજા મોરબી અને અન્ય જગ્યાએ ધંધા માટે વસ્યા હોવાનું જાણવા મળ્યું છે.)
( આ ઘટના વિ.સં.૧૮૪૮ ના વૈશાખ માસમાં બની હોવાનું જાણવા મળ્યું છે.)

✍✍✍✍દલપતભાઇ ચાવડા
રાજકોટ (ખેરવા)

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐…………….ॐ………..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!