ભાડેરનું પાણી દીપાવનાર ગલો ઢોલી

રાજાશાહીના એ જમાનામાં રાજપૂત રાજાઓનાં અંદરોઅંદરના કલહને કારણે સૌરાષ્ટ્રની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા પાડોશી રાજ્યના ગામ ઉપર ચડાઈ કરતાં. સત્તા ગંજીફાના પાનાની જેમ બદલાતી રહેતી.આજે આ ગામ એક રાજાનાં તાબામાં હોય તો કાલે વળી, બીજા રાજાનાં તાબામાં. દેશી રજવાડાના વેરઝેર અને ખટપટનો ભોગ ગામની ગરીબડી પ્રજા બનતી. ‘મારે એની તલવાર અને જીતે એનું રાજ’ આવો વસમો સમય હતો.આવા કપરા સમયમાં ધારી પાસેના ભાડેર ગામમાં એક ઘટના બની ગઈ.પણ ત્યારે ભાડેરનાં કાઠી દરબારોએ આગળ-પાછળનું કશું વિચાર્યા વિના પોતાના પ્રાણ પ્રજા માટે પાથરીને કાઠી કુળ તથા સૂરજ નારાયણને શોભાવ્યા.

ઘટના એવી છે કે, ભાડેર મૂળ તો વાળા દરબારોનું, પણ કાઠી દરબારોમાં અંદરો- અંદરના કુસંપને લીધે રોજનાં કજિયાથી કંટાળી વાળા દરબારે ‘બળતુ ઘર કૃષ્ણાર્પણ’ કરે તેમ ગાયકવાડ સરકારને અઘાટ વેચાણ આપી દીધું.

ભાડેર ગાયકવાડ સરકારને આપી દીધું છે અને વાળા દરબારનો કોઈ હક્ક તેનાં પર નથી એ વાત વંટોળિયાની માફક છેક ઓખા મંડળના વાઘેરો સુધી પહોંચી ગઈ. વાઘેરોને લાગ્યું કે હવે ભાડેરનો કોઈ રણધણી નથી. દરબારે તો વેચી દીધું છે અને ગાયકવાડ સરકાર તો છેક વડોદરામાં બેઠી છે. એકાદ પસાયતો હશે, પણ એને તો ભરી પીશું. આમ,વિચારી ભાડેરને ઘમરોળવા વાઘેરોએ ઘોડા પલાણ્યા.

ભાડેરની પણ કમનસીબી કે એ દિવસે ગામનો પસાયતો પણ કોઈ કારણસર ધારી ગયો હતો. વાઘેરોનો સામનો કરે એવો કોઈ ગામમાં ન હતો. વાઘેરના ટોળાંનાં મોવડીએ ગામના ચોકમાં આવી બંદૂકનો ધડાકો કર્યો. ગામમાં મોટા ભાગના ખેડુવર્ગના લોકો હતા. તેમનામાં વાઘેરોનો સામનો કરવાની હિંમત નહોતી.એટલે ઘરમાં પૂરાઇ ગયા. વાઘેરોના ઘોડાઓએ ગામની ધરતી ધણધણાવી મૂકી. ગામમાં સોપો પડી ગયો. વાઘેરો ભાડેરને લૂંટવા બજારમાં પ્રવેશ્યા અને માંડ્યા લોકોને દબડાવવા કે, ઘરેણાં-દાગીના કે પૈસા હોય તે કાઢી આપો નહીંતો ભડાકે દઈશું. ગામને સળગાવી દઈશું. દાગીના કે રૂપિયા હાથ ન લાગતાં વાઘેરો ક્રોધે ભરાયાં ને માંડ્યા લોકોને પકડી પકડીને મારવા. ભાડેરની શેરીઓમાં દેકારો બોલી ગયો. લોકો કલ્પાંત કરવા લાગ્યા. ગરીબ ગાય જેવા ગામ લોકો વાઘેરોને પગે પડીને કરગરવા લાગ્યા.

વાઘેરો ભાડેરને લૂંટી રહ્યાં હતા એ વખતે ગામના મૂળ ધણી એવાં વાળા દરબાર અને તેના સંબંધી વિસામણ લાલુ ગામના પાદરની આંબલી વાડીએ કોહ જોડાવી રહ્યા છે. વોળદાન વાળા વાડીએ સાથી ખેડું પાણીના નાકાં વાળી રહ્યો છે તેની દેખરેખ રાખી રહ્યા છે.આ ત્રણ કાઠી દરબારો સિવાય વાઘેરોનો સામનો કરે એવો કોઈ બીજો નથી.

ગામને રગદોળાતું જોઈ કાઠીયાણી એક વિરાંગનાને છાજે એ રીતે ખુલ્લી તલવાર હાથમાં લઈ ગઢમાંથી નીકળી જ્યાં આ ત્રણે કાઠીઓ હતાં ત્યાં આવી મરમના વેણ ઉચ્ચાર્યા-

‘ફટ છે તમને વાઘેરો ગામ લૂંટે છે અને તમે વાડીએ વગદા કરો છો ? ગરીબડી પ્રજાને વાઘેરો મારે છે અને તમારું રુંવાડુય ફરકતું નથી ? ‘

‘ પણ,ભાડેર હવે ક્યાં આપણું છે ? એ તો ગાયકવાડના તાબામાં છે અને ગાયકવાડનેય અભિમાન ઓછું નથી તે ભલે થોડું એનું અભિમાનેય ઓગળે આપણે શું ? ‘

‘ ગામને લૂંટતા વાઘેરો જો દરબાર ગઢ તરફ વળશે તો આપણી આબરૂ જાશે ને દુનિયા દાંત કાઢશે કે, અંગ્રેજો આવતાં કાઠી ગરાસિયા તો સાવ રાંક થઈ ગયા.’ કાઠીયાણીએ કહ્યું.

આખરે ખોળિયા તો કાઠીના હતાં. એક તો પોતાનું ગામ લૂંટાતુ હતું ને ઉપરથી કાઠીયાણીના વહમાં વેણ. તેમનો આત્મા જાગી ગયો. વિચાર્યું કે,

‘ ભલે આજે આપણું નથી, પણ મૂળ ગામ તો આપણું ને ! પ્રજાને વાઘેરો દબડાવે એ આપણાંથી કેમ જોઈ રહેવાય ? આપણાં જીવતાં ગામ લૂંટાય તો સૂરજનારાયણની આંખોનાં તેજને ઝાંખપ લાગે.આપણે ગાયકવાડનું આડું અવળું જોવું નથી. બસ, વાઘેરોનો સામનો કરી ગામને માટે ખપી જઈ જીવતરને ઉજળું કરી દેખાડવું છે.’

બરાબર આ ટાણે ધારી ગયેલો પસાયતો પણ આવી પહોંચ્યો. કાઠી દરબારો અને પસાયતાએ ગામ ભણી દોટ મૂકી. અત્યાર સુધી પોતાના ઘરમાં પૂરાઇ તમાશો જોતો ગલો ઢોલી કાઠીઓને આવતા જોઈ એમનામાં શૂરાતન ચડાવવા કોઠી જેવડો ઢોલ પોતાના ગળામાં ભરાવી પોતાનાં જોરાવર બાવળામાં જેટલું બળ હતું એટલાં જોરથી ઢોલ પર દાંડી પીટી માંડ્યો ધ્રુબાંગ… ધ્રુબાંગ… બુંગિયો વગાડવા. કાઠીઓ વાઘેરોનાં ટોળાં પાસે આવી લૂંટેલો માલ પાછો આપી દેવાનું કહે છે, પણ એ ય રણછોડરાયના ઓખાના વાઘેરો હતાં. એમ કાંઈ લૂંટેલો માલ થોડો પાછો આપી દે ?

વાઘેરો અને કાઠીઓ વચ્ચે ધીંગાણું જામ્યું. તલવારોનો તાસીરો બોલી ગયો. વાઘેરોને લાગ્યું કે હાથોહાથની લડાઈમાં કાઠીઓને નહીં પહોચાય એટલે સમય પારખીને જામગરી પેટાવી ને વાળા દરબાર સામે તાકી. પણ,આ શું ? બુંગિયો વગાડતા ગલા ઢોલીએ જોયું કે હમણાં પોતાના ગામધણીને વાઘેરો ગોળીથી વીંધી નાખશે ! એટલે ઢોલ સાથે ઠેકડો મારી પોતાનાં ગામધણીને બચાવવા વાળા દરબારની આડે આવી ગોળી પોતે ઝીલી મોતને મીઠું કર્યું. ત્યારે વાળા દરબારે ઢોલીને રંગ ચડાવતલ વેણ કહયા કે, ‘ વાહ,ગલા ! તેં તો આજ ભાડેરના પાણીને દીપાવી જાણ્યું હો, મારા ગામનો રખેહર નબળો ન જ હોય ! રંગ છે તને ને તારી જણનારીને. તારા જીવને ગત્યે કરજે ભાઈ ! ‘ અને પછી બમણાં જોરથી વાઘેરો પર તૂટી પડ્યા. આખરે બીજા વાઘેરોએ પોતાની બીજી જામગરી વાળીયું ને કાઠીઓ સામે માંડી એમાં વોળદાન વાળા, વિસામણ લાલુ અને પસાયતાએ પણ ‘ જય ભાડેર ‘ ‘ જય ભાડેર ‘ બોલતાં બોલતાં પ્રાણ છોડી સરગાપૂરની વાટ પકડી.

આજે પણ ભાડેર ગામમાં ખાનદાની અને મર્દાનગીની વાતું કહેતા ચારેય જવાંમર્દોના પાળિયાઓ ગામના પાદરમાં ઊભા છે. કાઠી દરબારોના પાળિયાઓની આગળનો પાળિયો ઢોલીનો હોવાનું ગામ લોકો જણાવે છે.

નોંધ : આજે ભાડેર ગામમાં વાલ્મીકિ સમાજનું એક મકાન છે. બાબુભાઈ ઘુસાભાઈ મકવાણા ( નિવૃત્ત રેલ્વે કર્મચારી) તેમના કહેવા પ્રમાણે તેઓ ગલા ઢોલીના પાંચમી પેઢીના વંશજ છે.

( ડો. પ્રદ્યુમ્ન ખાચરે પણ જુનાગઢ તેમનાં ઘરે આ વાત મને જણાવેલ.)

ડો. દલપત ચાવડા
રાજકોટ (ખેરવા)

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!