મરદ માનવી માલાજી મોરબીયા

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર આ ધરતી પર જોવા મળે છે.

ગામેગામ પાળિયા ખાંભીઓ એ વાતની સાક્ષી પૂરતા આજ પણ અડીખમ ઉભા છે.દરેક ગામમાં વિરત્વ વિખરાયેલું પડ્યું છે, પરંતુ માનવીએ દ્રષ્ટિ મેળવી તે જાણવાની જરૂર છે. રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણી ના કહેવા પ્રમાણે કે દંતકથા પણ ઇતિહાસ જ છે. આવી એક લોકવાયકા અને દંતકથા ની આજે વાત કરવી છે. પરંતુ તેનો ચોક્કસ સમયની જાણકારી મળી નથી.

સૌરાટ્રની ભાગોળે સરિયામતી નામની નાનકડી નદી વહે આ નદીની આજુબાજુ લીલાછમ આછા જંગલો ઇ વખતની માલિપા ગિરનારની જાત્રા કે પરિક્રમા કરવા જતા સાધુઓ આ સરિયામતી નદીના જળમાં સ્નાન કરી પોતાની જાત્રાએ આગળ જતા. નદીની આજુબાજુ લીલા જંગલો હોવાથી માલધારીઓ અને ખેડૂતો પોતાના પશુઓને ચારો ચરાવવા ત્યાં જતા એવે વખતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનો એક જુવાન પોતાના બળદ લઈ આ નદીના કિનારે ચારો ચરાવવા જતો. તે સમયે તેને ત્યાં પશુઓને ચારો ચરવવા આવતા એક બીજા જુવાન સાથે ભાઈબંધી થય, જાતે સુમરા પણ જોતજોતા બંને ગાઢ મિત્રો થયા, રાજપૂત અને સુમરા ની મિત્રતા જામી પછી તો બંને ભાઈબંધ દરરોજ સાથે પોતાના ભાતાઓ માંથી શિરામણ અને બપોરા સાથે જમે આ વાત ને દિવસો પછી દિવસો જાય છે. એક દિવસ એક ગિરનારથી સાધુ ત્યાં ફરતા ફરતા આવે અને તે સાધુ ત્યાં તપસ્યા કરે છે આ સાધુને દરરોજ તપસ્યા કરતા જોઈને તે બંને ભાઈબંધ દરરોજ સાધુની સેવા કરવા લાગ્યા એક દિવસ તે સાધુને ગિરનારમાં જવાનો ટાઈમ આવ્યો. સાધુએ બે પથ્થરની સ્થાપના કરી બંને મિત્રોને કહ્યું કે માલાજી આ બે પથ્થર નથી પણ આ બેમાંથી એક મહામાયા બ્રહ્માડભામોદરી માં મહાકાળી છે અને બીજો પથ્થર કાળભૈરવદાદા છે આ બંને પથ્થરરૂપી મૂર્તિઓની સેવા પૂજા કરજો તેમ કહીને સાધુ ગિરનારના માર્ગે ચાલ્યા ગયા.

પછી તો રોજ બંને મિત્રો માં મહાકાળી અને કાળભૈરવદાદા ની સેવા-પૂજા કરે છે. એક દિવસ માલાજી મોરબીયા પોતાના ભાઈબંધ સુમરાને કહેવા લાગ્યા કે ભાઈ મારી જીભની માનેલી એક બેનબા છે ભાદર ખીરસરા ગામે તો બેનબાની ઘેરે કેટલાય ટાઈમ થયો ગયો નથી તો હાલને આવતી કાલે બેનબાના ખબર અંતર પૂછયાવીએ, ભાઈબંધ સુમરો કહે ‘ભા’ તમારી બહેન એ મારી બહેન ચાલો તય સવારે રોજીઘોડીઓ કરો તૈયાર.

બીજા દિવસે બંને ભાઈબંધ રોજીઘોડીઓ પર સવાર થઈને ભાદરખીરસરા ગામે નીકળવા રવાના થયા ત્યારે રસ્તામાં એક બિલાળી આડે ઉતરતા સુમરાએ માલાજીને કીધું ભાઈ પાછાવળી જઈએ બિલાળી આડે ઉતરેતો અપશુકન થાય, પણ માલાજી મોરબીયાએ ભાઈબંધ સુમરાની વાતને ગણકારી નઈ અને ભાદરખીરસરા જવા નીકળી પડ્યા. રસ્તામાં બે ગાયમાતાઓ રૂદન કરતી સામે મળી ત્યારે વળીપાછું સુમરાએ મિત્ર માલાજી મોરબીયાને કીધું ભાઈબંધ હજી પાછાવળી જઈએ ( આ બધા પોતાને ચેતવવાના કુદરતી અણસાર હતા) પણ માલાજી મોરબીયાતો એક રાજપૂતનો સંતાન હતો હો તેને આવી અણસારોની પરવા કર્યા વગર બેનબાના ગામ ભાદરખીરસરા જવા ઉતાવળી ઘોડી હાંકી, સાંજ પડતાજ બેનબાને ઘેરે બંને ભાઈઓ પોહોંચી ગયા, બેનબાને હરખ સમાતો નથી વર્ષો પછી મારો વિરો મારો માળીજાયો ભાઈ આવ્યો, બહેને તો બંને ભાઈઓ માટે ઢોલિયા ઢાળી માથે ભરત ભરેલા ગોદળા પાથરી બેસાડ્યા.

બંને ભાઈઓ અને બેનબા એકબીજાના ખબર અંતર પૂછયા ત્યારે માલાજીએ બેનબાને કહ્યું બેનબા મારા બનેવીજી કેમ નથી દેખાતા ત્યારે બેનબાએ કીધું એ તો રાજમાં પહાયતા પણુ કરવા જાય છે,બંને ભાઈબંધ બેનબાને કહેવા લાગ્યા કે ચાલો બેનબા જે માતાજી હવે અમે વિદાય લઈએ ત્યારે બેનબા કહે ભાઈઓ સાંજનો ટાઈમ એટલે વાળુ નો વખત છે અને વાળુ કરીને રાત રોકાય ને સવારે આરામ થી વિદાય લેજો અને ત્યાં સવારે તમારા બનેવીજીને પણ મળીને નિરાંતે નિકળજો,બેનબાએ તો બંને ભાઈઓ માટે ચોખા ઘી માં રસોઈ બનાવી પ્રેમથી જમાડી. મહેમાન ઓરડામાં ઢોલિયા ઢાળી બંને ભાઈઓ માટે આરામની વ્યવસ્થા કરી આપી. માલાજી અને સુમરો બંને આરામ કરે છે ત્યાં અડધી રાતે અનેક ઘોડાઓ ના ડાબલા સિમ માંથી ખીરસરા ગામ તરફ આવતા હોય તેવા અવાજ બંને ભાઈઓના કાને સંભળાયા બંને ભાઈબંધ ઝબકીને જાગી ગયા.

માલાજી મોરબીયા સુમરાને કહેવા લાગ્યા કે ભાઈબંધ આવી મેઘલીરાતે આટલા બધા ઘોડાઓને એક હારે કોણ લઈને જતું હશે ચાલ જોઈએ ત્યારે બંને ભાઈબંધો ડેલીએ જઈને જોવે છે ત્યાંતો આ આ સું ! આતો ચોરલૂંટારાઓની ટોળકી લાગે! ખીરસરા ગામ લૂંટવા આવેલા ચોરલૂંટારાઓનો એક મોટો સમૂહ ટોળી ખીરસરા ગામના દરવાજા કોર આવે છે ત્યારે માલાજીએ ભાઈબંધ સુમરાને કીધું ભાઈ મારા જીવતા મારી જીભની માનેલી બહેનબા નું ગામ કે ઘર લૂંટાય તો તો મારી રાજપુતાય રોળાઈ હો! બંને ભાઈબંધ પોતાની ફેટમાં રાખેલી તલવાર કાઢી ગામના જાપા કોર જાય છે, બહેનબા તો ગાઢનિદ્રા છે તેને તો ખબર પણ નથી કે બંને ભાઈઓ ચોરલૂંટારાઓ ની સામે બાથભીડવા ગયા છે ત્યાંતો અચાનક બેહનબાને પણ નિંદર ઉડી ને કાને યુદ્ધમાં જેમ જાકાચીક તલવારોના ઘા સંભળાયા બહેન ડેલીએ આવીને જોવે ત્યાં તો આ શું !

બંને ભાઈબંધ ચોરલૂંટારાઓના ધડ થઈ માથા અલગ કરતા જાય છે ને યુદ્ધમાં આગળ વધતા જાય છે આ દ્રશ્ય જોઈને બહેનને પોરોહનાપલ્લા મંડ્યા છૂટવા ખમ્મા મારા વીરા ખમ્મા મારામાળીજાયાઓ, એટલા માં રાજનું પહાયતું કરતા બનેવીજીને રાજમાં ખબર પડી કે મારા ખીરસરા ગામમાં તો ચોરલૂંટારાઓ ગામભાંગવા આવ્યા તે પણ ઘોડે અસ્વાર થઈને રાજમાંથી જામગ્રી બધુંક લઈને ગામમાં આવી પહોંચ્યા,માલાજી અને સુમરાન ની બનેવીજી ને ક્યાં ખબર હતી કે તે ગામની રક્ષા માટે ચોરલૂંટારાઓ સામે લડે છે, માલાજી અને સુમરાએ માથે પાઘડી, કેળે ફેટ અને મોઢે મોહારીયું બાંધ્યું હતું એટલે બનેવીજીએ અજાણતા જ બધુંકની ગોળીઓ વરસાવી ત્યાં એક ગોળી માલાજી ના પાછળના પડખે લાગતાની સાથે જ ગોળી શરીર સોંસરવી નીકળી ગઈ અને બીજી બાજુ સુમરાને પણ દુશમનોની તલવાર લાગી જતા બને લોહીમા લથપથ થય જતા ત્યાંતો બહેનબાએ દોટ મૂકી બનેવિજી ને કહેવા લાગ્યા કે આ શું કર્યું તમે મારા વિરાઓ પર તમે વાર કર્યો જે આપણા ગામની રક્ષા માટે દુશમનો સામે લડતા હતા તેની સામે!

ત્યારે બનેવીજી ને પણ દુઃખ અને પસ્તાવો થયો કે આ અનર્થ થઇ ગયું ત્યાં બંને ભાઈબંધ પાસે જઈને માફી માગી છે ત્યારે માલાજી બહેનબાને કહેવા લાગ્યા કે બેનબા તે જેટલું સાંજે વાળુ જમાળ્યું હતું તેટલુ બનેવીજીએ ગોળી મારતા ગોળી મારા શરીરમાં હોજરી સોંસરવી નીકળી જતા તારું જમાડેલો ખોરાક બહાર નીકળી ગયો છે અને અમે બેય ભાઈબંધ તો તારા ગામની રક્ષા માટે લડ્યા તોય અમારી માથે દગો…જા બહેન તારા ખીરસરા ભાદર ગામનું પાણી હું માલાજી મોરબીયો આજથી અગરાજ કરૂ છું ત્યારે બનેવીજીએ પોતાની ભૂલની માફી માગીને બધીવાત કરી કે માફ કરો માલાજી મને નહોતી ખબર કે તમે ગામની રક્ષા માટે યુદ્ધ કરો છો, માફ કરો અમને ત્યારે માલાજી મોરબીયાએ બહેનબાને કહ્યું કે બેનબા તું ચિંતા ના કર જ્યાં સુધી મારા ખોરીયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ચોરલૂંટારાઓ તારા ગામને લૂંટી નહિ શકે ત્યારે માલાજીએ માથે બાંધેલ પાઘડી છોળીને જ્યાં બધુંકની ગોળીઓ વાગી હતી ત્યાં ફેટ બાંધીને પાછા રોજીઘોડીએ પલાણ થાય છે માં ભગવતી ને યાદ કરે છે ત્યાં તો આકાશમાંથી માં કુળદેવી ચામુંડા અને માં બ્રહ્માડીની માં મહાકાળી એ આકાશવાણી કરી કે હે મારા માલા મોરબીયા જા બાપ સવાપોર દી સુધી તને યુદ્ધમાં લડાવું અને તને વિજયપ્રાપ્તિ થશે જા બાપ ત્યાં તો માલાજી ને અને સુમરાને શૂરાતન ચડ્યું અને એમ કહેવાય છે કે ખીરસરા થી જેતલસર ગામના જાપા સુધી મારો કાપો જાકાચીક બોલી અને બંને ભાઈબંધ ચોરલૂંટારાઓ સામે યુદ્ધમાં લડ્યા અને જીત્યા અંતે જેતલસર ગામના રામજી મંદિરમાં બંને ભાઈબંધ ઢળી પડ્યા અને આજે પણ આ બંનેભાઈબંધ ની ખાંભીઓ જેતલસર ગામના (ચોરા)માં રામજી મંદિર અને શિવજી મંદિરની બાજુમાં આવેલી છે.આ માલાજીને ક્ષત્રિય ખાંટ રાજપૂતના મોરબીયા શાખના શુરાપુરા તરીકે આજેપણ પૂજાય છે. માલાજીએ ભાદર ખીરસરા ગામનું પાણી અગરાજ કર્યું હોવાથી મોરબીયા શાખના ખાંટ રાજપૂતો હજુ પણ આ ભાદર ખીરસરા નું પાણી અગરાજ છે.

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐…………….ॐ………..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!