શ્રી તુલજા ભવાની માતા મંદિર- રણું

રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન પરશુરામની મૂર્તિના દર્શન અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજે શ્રી પ્રભાતગીરીજીને જે ગોદડી ઓઢાડી હતી તે આજે પણ મોજુદ છે. તેના પણ દર્શન ભક્તો કરે છે.

મા તુલજા ભવાનીના આંગણે આસો માસના નવરાત્રીના દિને ખુબજ ધામધુમથી ઉજવાય છે અને દુર્ગાષ્ટમીના દિને મેળો ભરાય છે. જે સવારથી મોડી રાત્રી સુધી ભક્તોનો મહેરામણ ઉમટે છે અને દશેરાના દિવસે સવારમાં મા તુલજા ભવાનીનું પૂજન, અર્ચન થાય નૈવેધ ધરી દબદબાપૂવક ઉત્સવ મનાવી નવરાત્રી તહેવારનું સમાપન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં મા તુલજા ભવાનીના ભાવિક ભક્તો અવાર નવાર મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

સ્કંદ પુરાણમાં સહ્યા ખંડમાં એક કથા એવી છે કે કર્દમ નામે એક ૠષિ હતા. તેઓને અનુભૂતિ નામે પતિવ્રતા ગુણવાન શુધ્ધ ચારીત્રયવાળા ૠષિપત્ની હતા. બંનેનો સંસાર પ્રશંસનીય હતો. કાળને આધિન ૠષિએ દેહ ત્યજી દીધો. તે વખતે સતી થવાનો રીવાજ હતો પણ ૠષિને એક નાનું બાળક હોવાથી ૠષિમુનીઓએ ૠષિ પત્ની અનુભૂતિને સતી ન થતાં તપસ્વીની રહી બાળકને ઉછેરવા સલાહ આપી. ૠષિ પત્ની મંદાકીની નદીના કાંઠે ઝુંપડી બાંધી તપસ્યા આદરી, ભોજનમાં ફળ ફુલ દુધ માત્ર લેતાં વર્ષો વીતી ગયા.

bigphoto-10

એક વખત તે પ્રદેશનો રાજા કુકૂર મૃગયા રમતાં રમતાં ધ્યાનમગ્ન સતીને ઝુંપડીની બહાર મંદાકીની સન્મુખ જોયાં. મોહમાં રહ્યો અને સત્તાના મદમાં સતીનો સ્પર્શ કરતાં જાગૃત થયેલા સતીને કુદરતી કુદ્રષ્ટીનો ખ્યાલ આવી ગયો. સતીએ તેઓને આગળ વધતાં રોકવા કુકૂરને તે રાજા હોવાનો ધર્મ ચુકે ના તે માટે આજીજી કરી પરંતુ કુકૂરે સતીને રાણી બનાવવાની ઈચ્છી. સતી અનુભૂતિએ રાજાને ખુબ સમજાવ્યા પણ કામાંધ રાજાની બુધ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવાથી ૠષિપત્નીની સલાહ ગળે ઉતરી નહીં.

રાજાની હેરાનગતિ વધતાં તરત જ સતીએ મા ઉમાને પ્રાર્થના કરી. અનુભૂતિની પ્રાર્થના સતીની હોઈ તરત જ ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું ત્વરીત જાઓ. અને સતીનું ચારીત્રય ખંડન ન થાય તે માટે રક્ષણ કરો. મા પાર્વતી તરત જ ત્યાં જગત જનની મા જગદંબા રૂપે પ્રગટ થયા. માનું વિકરળ શત્રુ સંહારક સ્વરૂપ જોઈ રાજા કુકૂર ગભરાયા પણ એ કંઈ જેવા તેવા ન હોતા. અભક્ષય આહારનું સેવન કરનાર, શરીરે મહાબળવાન અને મેલી વિધાનો પ્રયોગ કરનાર જાણકાર રાજા હતો. રાજાએ પાડાનું રૂપ ધારણ કરી માની સામે લડવા આવ્યા. મા જગદંબાએ રાજાનો ત્યાં જ પોતાના ત્રિશૂલથી વધ કર્યો. એ વેળાએ દેવોએ પુષ્પવર્ષા કરી. કહે છે કે સતીની પ્રાર્થના સાંભળી મા ત્વરીત પ્રગટ થયા એટલે તુલજા રૂપે ભક્તોમાં પૂજાવા લાગ્યા.

કુકૂરનો વધ કર્યા પછી માએ સતીને કહ્યું, માગ, તારી ભક્તિથી તારા ગ્રહસ્થાશ્રમ ધર્મમય જીવનથી હું અત્યંત પ્રસન્ન છું. તે વેળા સતિએ કહ્યું, મા આગળ ઘોર કળીયુગ આવી રહ્યો છે. કળીયુગમાં આટલું આકરૂં તપ કોણ કરશે અને જે તારૂં ભજન કીર્તન કરશે એની પણ નિંદા થશે. તે વેળા આપણા બાળક જતિ સતીની સંભાળ લેવા તું હાજરા હજુર આ પૃથ્વી પર રહે એટલી જ મારી યાચના છે.

29064200_1507687959330577_401027374334232485_o

કહેવાય છે કે માએ તે વેળા સતીને વરદાન આપ્યું કે જા હવે હું અંતર્ધ્યાન ન રહેતાં પ્રગટ રહીશ. મા તુલજા ભવાની રૂપે જે કોઈ મને યાદ કરશે, સાચા દિલથી મારૂ રટણ કરશે એનું કામ કરીશ.

એ પ્રચલીત દંતકથા છે કે ત્યારથી મા તુળજાભવાની આપણી વચ્ચે હાજરાહજુર વિધમાન છે. મા અનેક મહારતીઓની આરાધ્ય દેવી બની રહ્યા છે. મા તુલજા ભવાનીના આશિર્વાદથી છત્રપતિ શિવાજી મહારાજે ધર્મ રક્ષા કરી. ત્યાગ અને તપશ્ચર્યાની પ્રેરણા આપતો ભગવો ઝંડો લહેરાતો રાખ્યો. અનેકમહાજનોએ માનું લક્ષમીરૂપે પૂજન કરી દ્રળ્ય લાભ મેળવી. માની કૃપાથી મળેલી લક્ષમી વડે ગુપ્તદાન કરી અનેક ધર્મક્ષેત્રો, મઠ -મંદિરો, વાવ કુવા જળાશયો બંધાવ્યા.

ચૌલ વંશના રાજા સુરધને મા તુળજા ભવાનીની કૃપાથી જ પોતાનું રાજ્ય જે શત્રુઓએ છીનવી લીધુ હતું તે પાછું મળ્યું. પરમાર વંશના રાજા જયદેવની તુળજા ભવાની મા પરની ભક્તિ પ્રસિધ્ધ છે. મા તુળજા ભવાનીએ એમના સઘળા મનોરથ પૂર્ણ કર્યા હતા.

માલોજી ભોંસલે મહાપ્રતાપી પરાક્રમી રાજા હતો પરંતુ શેર માટીની ખોટ હતી. તેઓ અને તેની રાણીએ મા તુળજા ભવાનીની વિધિસર ઉપાસના શરૂ કરતાં તેના સઘળા દોષ માફ કરી કૃપા કરી. ધુરંધર જ્યોતિષો, વૈદ, હકીમ, ઓલીયાઓએ એમને બાળક નહીં થાય તેમ કહ્યું હતું. પરંતુ ભોંસલેનું ભક્તિમય જીવન આખરે માને પ્રસન્ન કરવામાં સફળ થયું. તેમને ઘડપણમાં તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો અને તે જ આપણા હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી મહારાજ થયા. શિવાજી મહારાજને મા તુળજા ભવાનીએ પ્રસન્ન થઈ મલેચ્છો, આતતાઈઓ અને ધર્મભંજકો સામેના યુધ્ધમાં તેઓનો સંહાર કરવા આપેલી જે ભવાની તલવાર તરીકે સુપ્રસિધ્ધ છે.

શિવાજી મહારાજને તુળજા ભવાનીની ઉપાસના કરવાનું માર્ગદર્શન આપનાર મહાન તપસ્વી સ્વામી સમર્થ રામદાસ હતા. મા તુળજા ભવાનીની કૃપાથી એક મહાન રાજવી તરીકે ખ્યાતિ મેળવી ઈતિહાસ રચ્યો. વડોદરાના રાજ્યના ભૂતપૂર્વ મહારાજા મલ્હારરાવ ગાયકાડનો પણ અદભૂત પ્રસંગ છે. અંગ્રેજ સરકારે મલ્હારરાવને પાદરામાં અમીન ખડકી પાસેની જુની ગુજરાતી સ્કૂલના મકાનમાં કેદ કર્યા અને છુટવાની કોઈ આશા ન હતી ત્યારે તેઓએ કુળદેવી રણું (તા.પાદરા)માં બિરાજમાન મા તુળજા ભવાનીનું સ્મરણ કરી પ્રાર્થના કરી. મા હું નિર્દોષ છું અને ખોટી રીતે મને કેદ કરવામાં આવ્યો છે. જો મને આજે રાત્રીના ૧૨ સુધીમાં છુટકારો થશે તો સૌ પ્રથમ તારા દર્શને આવીશ. તને હિરા માણેક મોતીના દાગીના ભેટ ધરીશ અને પછી અનાજ ખાઈશ. કહેવાય છે કે શ્રીમંત મલ્હારરાવને રાત્રે ૧૧-૩૦ વાગે છોડી મુકવામાં આવ્યા અને ઝરેવાત પારખ સોનીને બોલાવી નિજ ભંડાર માંથી મોતી માણેક હીરા પન્નાના સોનાના માતાજીને દાગીના ચઢાવ્યા. આજે પણ આ દાગીના માતાજીને દર વર્ષે આસો માસની નવરાત્રીમાં પહેરાવવામાં આવે છે. આ દાગીના પાદરાની ટ્રેઝરીમાં વિનામૂલ્યે સાચવવામાં આવે છે જેની કિંમત આજે લાખો રૂપિયાની છે.

photo21

ગાયકવાડ રાજવીઓમાં મા તુળજા ભવાનીમાં અખૂટ શ્રધ્ધા ધરાવનારા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ તથા તેઓના પૌત્ર પ્રતાપસિંહરાવનું નામ આજે પણ જાણીતું છે. મા તુળજા ભવાનીના મહાન ઉપાસક યોગીરાજશ્રી વિશ્વંભરગીરીજી સં.૧૩૬૩માં માનો અખંડ દિપલઈને ગામેગામ જતા. તે વખતે દુષ્કાળ હોઈ તળાવો ખોદાવતા અને ચર્ચા કરતા. સમાજમાં માનો મહિમા વધારતા. તેઓ રેણુકુર (રણુ)માં માનસરોવર ખોદાવ્યું અને વરૂણનું આહવાન કરી ત્યાં મુકામ કર્યો. યોગબળે અગ્નિ પ્રગટ કર્યો એ પોતાના સ્વહસ્તે આવિર્ભાવી પામેલ માના વર્તમાન સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા કરી. આજે પણ તેમની ધુણી મૌજુદ છે. રોજ બ્રહ્મમુહૂર્તમાં આહુતિ અપાય છે અને ધૂણાનું પૂજન થાય છે. તેઓ માની ઉપાસનામાં બેસતા તે ગુફા આજે પણ સુરક્ષીત છે. શ્રી વિશ્વંભરગીરીજીના વંશજ શ્રી રાજેન્દ્રગિરિએ પોતાની કૂળ પરંપરા પ્રમાણે ધૂણાને પ્રજ્વલીત રાખ્યો છે.

akhanddhuno

ધૂણાની રાખથી પવિત્ર ભાવિક ભક્તોના સંકટો દુઃખો તેમજ અસાધ્ય રોગો નાશ પામી શાંતિ પામે છે. માની જમણી બાજુએ સિધ્ધેશ્વર મહાદેવ છે. માની આજુબાજુ શ્રી વિશ્વંભરગીરીજીએ અખંડ ઘીનો દીવો લઈ આવેલા તેમાં તુલજા ભવાનીના પ્રગટ ચેતન સમાઘી અને તેલના દીવા ૭૦૦ વર્ષથી ઝળહળે છે. શ્રી વિશ્વંભરગિરિજીના ઉત્તરાધિ તરીકે પુરૂષોત્તમગિરિજી, વણારસીગિરિજી, ભગવાનગિરિજી, પ્રભાતગિરિજી, જાલમગિરિજી, જમનાગિરિજી, ભૂધરગિરિજી, મથુરાગિરિજી અને હાલના રાજેન્દ્રગિરિએ ગાદી શોભાવી છે અને ચાલી આવેલી વંશપરંપરાગત પ્રણાલિકાોનું પાલન કરેલું છે.

શ્રી મથુરાગિરીજી પોતે સમર્થ સિધ્ધ પુરૂષ હતા. તેઓ રાત્રે મા તુળજા ભવાની સાથે વાતો કરતા. તેઓ તુલજા ભવાની સિવાય બીજો કોઈ શબ્દ તેઓ જાણતા ન હતા. મા તુલજા ભવાનીના મંદિરમાં ભગવાન પરશુરામની મૂર્તિ પણ અજોડ છે. ભગવાન પરશુરામે અક્કલકોટ (જી.વર્ધા મહારાષ્ટ્ર) સંસ્થાના પીઠાધીશ શ્રી ગજાનન મહારાજને પણ સ્વપ્નામાં પોતે રણુંમાં છે તેમ જણાવવાથી શ્રી ગજાનન મહારાજે પોતે આ મૂર્તિના દર્શન પૂજન માટે પોતાની ભક્તિ મંડળી સહિત આવી પ્રભાવિત થયા હતા.

જે પ્રમાણે શ્રી દ્વારકાધિશ રણછોડરાય માટે દ્વારકા અને ડાકોરને મહત્વઆપવામાં આવ્યું છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં આવેલા તુલજાપુરના તુલજા ભવાની અને રણુંના તુલજા ભવાનીને સરખું મહત્વ આપવામાં આવેલું છે અને મહારાષ્ટ્રમાંથી ભક્તજનોનો અવિરત પ્રવાહ વર્ષ દરમ્યાન ચાલુ રહે છે.

જય માં તુલજા ભવાની…

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો ઇતિહાસ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!