શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ સ્મશાનમાં રહે, ક્યાંક પહાડ પર રહે, ક્યાંક એકાંતમાં જંગલમાં રહે, વડીલો કહેતાં હતાં શિવની વાડી સદા ઉઘાડી અર્થાત્‌ શિવજી જ્યાં પણ રહે ત્યાં બધુ ખુલ્લુ જ હોય, મહાદેવ ને ભોળાનાથ અમસ્તા જ નથી કહ્યાં. ભોળનાથ ષોડષોપચાર પૂજન કે, હોમ હવન કરો તો જ પ્રસન્ન થશે તેવું નથી. ભોળાનાથની ભક્તિ માટે ભાવપૂર્વકનો જળાભિષેક જ બસ છે. શિવલિંગ ઉપર ભક્તિભાવથી જળાભિષેક કરો એટલે ભોળાનાથ પ્રસન્ન.

આમ જો અમસ્તા જળાભિષેકથી મહાદેવ પ્રસન્ન થતાં હોય છે તો એમના શિવલીંગ ઉપર આઠ નદી અને દરિયાદેવનો સંગમ જળાભિષેક કુદરતી રીતે અને દિવસમાં બે વખત થતો હોય તો આવી પવિત્ર જગ્યાએ મહાદેવની કેવી કૃપા થતી હશે ! પરંતુ આવું ભોળાનાથ મહાદેવનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર ક્યાં મળે ? ભક્તો શંકરદાદાની આ કૃપા પામવી હોય તો આ સ્થળ મહિસાગર સહિત આઠ નદી (વાત્રક, શેઢી, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, સાબરમતી, હાથમતી) નાં અરબિસમુદ્રનાં ખંભાતનાં અખાતનાં સંગમ સ્થળે, ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં કાવી કંબોઈના તટે પધારો જ્યાં પુર્વમાં તારાપુર-ધુવારણ તથા ઉત્તરમાં ખંભાત દેખાય છે તેવા કાવી કંબોઈના મહિસાગર તટે જાણે ભગવાન શિવ એકાંત સ્થળે કોઈ તપસ્યામાં લીન હોય એવી પ્રતિતી થયા વિના રહેશે નહિ.

દરિયા વચ્ચે દાદાની આ દર્શનલીલા કરાવનાર તીર્થનું નામ છે ‘‘સ્તંભેશ્વર’’ કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવનું આ શિવલીંગ ગુપ્ત શિવલીંગ છે. આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં – ભાગ – ૨ અધ્યાય – ૧ પાન નં. ૩૫૮ ઉપર તથા અઢાર પુરાણોમાં ના સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં વિસ્તારથી વર્ણવેલ છે. સ્કંદ પુરાણ પ્રમાણે પાંચ ગુપ્ત શિવલીંગ છે. જેમાંનું એક સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠે ભાવનગર પાસે (જે વર્ષમાં એકજ વાર) દર્શન આપે છે. બીજુ તે કાવી કંબોઇ મહીસાગરનાં સંગમ કાંઠે (બાકીના ત્રણ શિવલીંગ મળ્યા નથી). ચોવીસ કલાકમાં બે વખત દરીયાની ભરતી સાથે આ શિવલિંગ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ થવા સાથે ક્રમશઃ એ શિવલિંગના દર્શન થાય છે. જે દ્રશ્યના તમે સાક્ષી બનશો તો ભાવવિભોર બની જશો. ખાસ કરીને અગિયારસ – બારસ – તેરસની તિથીએ એક તરફ સૂર્યાસ્ત થતો હોય અને બીજી તરફ ભરતી ઉતરતી હોય તે સમયે સૂર્ય ડૂબવાની સાથે દરીયાની વચ્ચે મહાદેવનાં શિવલીંગના દર્શન કરતાં ભાવિક ભક્તોને અલૌકિક અનુભૂતિ ન થાય તો જ નવાઇ. ન શિખર, ન મંદિર, ન ધજા, ચાંદનીમાં દરિયાનાં ઉછળતાં મોજા વચ્ચે આવા દર્શન તો ભોળાનાથના ભાવિક ભક્તોને ભક્તિમાં તલ્લીન કરી દે છે. દર્શન પહેલાં શિવલિંગના મહાત્મ્ય વિશે જાણશો તો તમારા દર્શનનું મહત્તવ બેવડું થઈ જશે.

શ્રી સ્તંભેશ્વર મહાદેવની પ્રાચીન કથા

સ્કંધ પુરાણની કથા પ્રમાણે પરમ શિવભક્ત તારાકાસુરે અતિ લાંબો સમય તપ કરીને ‘‘મને ફક્ત શિવપુત્ર જ અને તે પણ સાત દિવસનો જ મારી શકે તે સિવાય હું કોઇનાથી પણ ન મરૂં.’’ (આવું વરદાન માંગવા પાછળનો તારકાસુરનો આશય એજ કે શિવજી તો વૈરાગી છે. તેમના લગ્ન – સંસાર કે બાળકનો પ્રશ્ન જ નથી) એવું વરદાન પ્રાપ્ત કરીને ત્રણ લોકમાં ત્રાસ ફેલાવી – હાહાકાર મચાવી દીધો. તેમાંથી મુક્તિ શંકર – પાર્વતીના પુત્ર દ્વારા તારકાસુરના નાશથી જ થાય. શિવ – શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા કુમાર સ્કંઘ જો બે દિવસમાં તારકાસુરને ન મારે તો બીજા કોઈથી તે ક્યારેય ન મરાય તેવી ભયંકર ઘડી આવી પહોંચતા વિષ્ણું ભગવાને કુમાર કાર્તિકેયજીને તેમના જન્મનો હેતુ સમજાવ્યો. છેવટે બે દિવસમાં (એટલે કે સાત દિવસના બાળક) કાર્તિકેયે તારકાસુરનો નાશ કરવા (તારકાસુરની નગરી એટલે આજના ઘુવારણ પાસે આવેલ તારાપુર. આજે પણ ત્યાં તારકાસુરનો ટેકરો હયાત છે.) દેવોના સૈન્યે તારકાસુર સાથે અસુર સેનાનો નાશકર્યો અને વિજય મેળવ્યો.

આમ વિજય થવા છતાં કુમાર કાર્તિકેયને તારકાસુર શિવભક્ત હતો તેના નાશ કર્યાનો ડંખ રહેતો હતો અને તે પિતૃ ભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. વિષ્ણુ ભગવાને તેમને કહ્યું કે શિવભક્ત તારકાસુરને મારવો પડ્યો તે બાબતનો શોક દૂર કરવા અખંડ શિવલીંગની સ્થાપના કરો. આમ જ્યાં તારકાસુર હણાયો તે જગ્યાએ કુમારેશ લિંગ તથા વિજયસ્તંભની સ્થાપના કરો. આમ જ્યાં તારકાસુર હણાયો તે જગ્યાએ શિવનંદન કુમાર કાર્તિકેયના હસ્તે કુમારેશ લિંગ સ્તંભેશ્વરની સ્થાપના થઈ. સ્તંભેશ્વર મહાદેવ શિવલીંગની પૂજા કરનાર, સંગમમાં સ્નાન કરી પાપરહિત બની સ્તંભેશ્વરનું અર્ચન ભાવપૂર્વક દર્શન કરી કોઈ ભક્ત મનોકામના યાચે તો તે ભોળાનાથ અવશ્ય પૂર્ણ કરે છે. મનોકામના પૂર્ણ થયા બાદ ભાવિકે માત્ર ફરી પ્રભુના દર્શન કરવા આવવું પડે છે.

સ્તંભેશ્વર તીર્થ મહિસાગર સંગમ પર આવેલું છે, તેનું મહાત્મ્ય પણ અનેરુ છે. શિવ કુમાર સ્વામિ કાર્તિકેયજીને પણ આ તીર્થ અંગે ભગવાન શિવ ના આર્શિવચન છે કે વારાણસીમાં જેમ હું વિશ્વનાથ રૂપે છું તેમ આ ગુપ્ત ક્ષેત્રમાં કુમારેશલીંગમાં રહીશ અને જો તમે કોઈ એક એક સ્થાનમાં બધા જ તીર્થોનો સંયોગ ચાહતા હોય તો પરમપૂણ્યમય મહિસાગર સંગમ તીર્થમાં (ગુપ્ત ક્ષેત્ર કંબોઇ) જાઓ. ધર્મદેવનાં વરદાન પ્રમાણે મહિસાગર સંહગમતીર્થ સ્તંભેશ્વર તીર્થની શનિવારની અમાવસ્યાએ સ્નાન તથા યાત્રા કરવાથી પ્રભાસની દસ વાર, પુષ્કરની સાત વાર અને પ્રયાગની આઠ વાર યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફક્ત અહીં એક જ વાર સ્નાન / યાત્રા કરવાથી આ સર્વે તીર્થક્ષેત્રોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.

સ્તંભેશ્વર તીર્થનું આ કુમારેશલીંગ ગુપ્ત શિવલીંગ છે જેનો ખ્યાલ છેલ્લા દોઢ દાયકાથી આવ્યો અને તેનું આજે સ્વામી વિધાનંદજી જતન / સિંચન કરી રહ્યાં છે. આ તીર્થમાં દરિયા કાંઠે સંસ્કૃત શિક્ષણનો એક સરાહનીય પ્રયાસ છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે. સંસ્કૃત હવે સંસ્કૃતિથી દુર ચાલી ગયેલી ભાષા રહી છે. તેમ છતાં પણ આજે જે મહાકાવ્યોનું અસ્તિત્વ છે તે સંસ્કૃતને આભારી છે. હવે પછીના પેઢીમાં સંસ્કૃતનું અસ્તિત્વ ટકી રહે તે માટે એક શ્રેષ્ઠ પ્રયાસ કાવી-કંબોઇમાં સ્તંભેશ્વર આશ્રમમાં વિધાનંદજી મહારાજ કરી રહ્યાં છે. અહીં સમસ્ત ભારતમાંથી થોડા વિધાર્થીઓ ૠદ્રપાઠ, યોગ વૈદિક સંધ્યા, ત્રિકાળ સંધ્યા, વેદપઠન, જ્યોતિષવિધા, વ્યાકરણ વગેરે શીખી રહ્યા છે જે કાશીના વિદ્વાન આચાર્ય દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. આ વિધાર્થીઓ તથા કાશીના વિદ્વાન આચાર્યો દ્વારા યાત્રીકોને પુજા, અર્ચના, અભિષેક, જેવી ધાર્મિક વિધીઓ કરાવે છે તથા આશ્રમની યજ્ઞશાળામાં પણ હોમાત્મક, પાઠાત્મક, લઘુરુદ્ર તથા દરેક અમાસ / પૂનમે પિતૃતર્પણનું આયોજન પણ ચિવટપૂર્વક કરવામાં આવે છે.

તો ભાવિક ભક્તો પહોંચો શ્રાવણ મહિનામાં પૂજા, અર્ચના, અભિષેક, દર્શન, પ્રદક્ષિણા કરી શિવ પુજાનું પુણ્ય લેવા પુરાણ પ્રસિદ્ધ સ્તંભેશ્વર તીર્થમાં જ્યાં વિશેષ કરીને દરિયાદેવ જ્યારે શિવલીંગ ઉપર આપોઆપ અભિષેક કરે છે તે દર્શન મનોહારી હોય છે. આ પૌરાણીક તીર્થના માહાત્મ્યને લઈ ભાવિકોએ જીવનમાં એક વખત દર્શન કરવા જેવા છે. તેમ અહીં દર્શન કરી ધન્યતા અનુભવતા અનેક ભાવિકોનું કહેવું છે. પણ હા આ સમય પત્રક સાથે રાખજો નહીં તો દાદાના દર્શનને બદલે માત્ર ઘુઘવતા મહાસાગરનાં દર્શનથી જ સંતોષ માંનવાં પડશે.

તો મિત્રો આ હતો શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પૌરાણિક ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!