શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરનો ઈતિહાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા શૈકાનું છે આથી તે કલાપૂર્ણ છે.

ખડ,પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર,
વગર દીવે વાળું કરે ઈ પડ રૂડો પાંચાળ

આ ભૂમિ દેવપાંચાલ તરીકે પણ જાણીતી છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડ્યું છે. ત્રિનેત્ર શિવ-લોકભાષામા ‘તરણેતર’ (ત્રણ નેતર) થી પ્રખ્યાત છે.

ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.

ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો. અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.

મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ બ્રહ્માજીએ સૈકાઓ પહેલાં મહાદેવની આરાધના કરતા હતા ત્યારે મહાદેવને ચઢાવવાના એક હજાર કમળોમાંથી એક કમળ ઓછું થયું હતું. હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા જ મહાદેવજીએ એક કમળ ઉપાડી લીધું હતું. પરંતુ બ્રહ્માજીએ તો પોતાના ચક્ષુને જ હજારમા કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું હતું. આથી ભગવાન પ્રસન્ન થયા.

બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી, પરંતુ બ્રહ્માજીએ ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું ત્યારથી શંકર ત્રિનેત્રેશ્વર કહેવાયા.

એક એવી પણ કથા છે કે કણ્વ ૠષિએ મહાદેવની પૂજા કરી મહાદેવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કેઆ સ્થળે કુંડમાં સ્નાન કરી જે પૂજા કરશે, પિંડદાન આપશે અને દાન કરશે તેના પિતૃઓને મોક્ષગતિ પ્રાપ્ત થશે. ત્યારથી આ સ્થાન ત્રિવેણીસંગમની જેમ જ મૃતાત્માના ફૂલ પધરાવવા માટે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત મૃતાત્માના ફૂલ પધરાવવા હરિદ્વાર, સિદ્ધપુર અને પ્રભાસ પણ ત્રિવેણી સંગમ છે.

બીજી એક લોકવાયકા એવી છે કે તારકાતુરનો નાશ કરવા માટે શિવથી પુત્રની ઉત્પતિ જરૂરી હતી. તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા, શિવની સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે.

આથી અકાળે જન્મેલા વસંતના સંચારથી અને મોહાસ્ત્રના પ્રયોગથી હૃદયમાં લોભિત થયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઉભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો. આથી કામદેવની પત્ની રતિ, વિલાપ કરતી મહાદેવની ક્ષમાયાચના કરે છે. રતિવિલાપથી આર્દ્‌ર બનેલા ભગવાન શિવ રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે.

દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવું વરદાન મળે છે. આથી રતિએ ભગવાન શિવ-ત્રિનેત્રેશ્વરનું મંદિર બનાવી, દ્વાપર યુગ સુધી ભગવાનની પૂજા-અર્ચના કરીને તપશ્ચર્યા કરી.

આ ઉપરાંત પણ એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે (ૠષિ પંચમી) સવારે ગંગામાતા આ સ્થળને પાવન કરે છે. ભારત વર્ષના ૠષિવરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે તેથી કુંડની પાણીની સપાટી તે દિવસ ઊંચી આવે છે.

આજે પણ આ કુંડની સપાટી આ દિવસે ઊંચી આવે છે.

આ સ્થાન વાસુકી નાગની ભૂમિ કહેવાય છે અહીં ફરતા બાર બાર કિલોમીટર સુધી મોટા નાગો રહે છે.

થોડે દૂર પાસેની ટેકરી ઉપર સૂર્યદેવના મંદિરમાં સૂર્યનારાયણની રૂપાની મૂર્તિ છે.

તરણેતરમાં આ મંદિર પાસે ભાદરવા મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે, જે જગવિખ્યાત છે. મેળામાં આસપાસના ગ્રામજનો ગાન-વાદન અને નૃત્ય મસ્ત રહે છે. રંગબેરંગી પોશાક ધારણ કરી ફૂમતાં ને રંગબેરંગી સુશોભિત છત્રીઓ ધારણ કરી સૌરાષ્ટ્રની જાતજાતની જાતિઓ આહીરો- રબારીઓ- કાઠીઓ ભરવાડો ઉપરાંત અનેક લોકો ભાતભાતના ભરત ભરેલા પોશાક પહેરીને અહીં એકઠા મળે છે.

મૂછે તાવ દેતા જુવાનિયાઓ રંગબેરંગી છોગાં પહેરી પોતાની મનગમતી યુવતી સાથે નૃત્ય કરવા માંડે છે. હુડો રાસ, દાંડિયા રાસ- છત્રીનૃત્યો દ્વારા લોકલાગણી વ્યક્ત થતી રહે છે. નાચતા રમતા, ઉલ્લાસભર્યા વાતાવરણમાં યુવાન- યુવતી મસ્તીથી હેલે ચડી જાણે મનના માણીગર સાથે આનંદ હિલોળા લેતા હોય તેવું લાગે છે. તરણેતર એટલે લોકજીવનનો ઉમંગમેળો- ઉત્સાહમેળો, રંગમેળો, પ્રણયમેળો.

પુરાણા ખંડેર થઈ ગયેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા કરાવીને ઈ.સ. ૧૯૦૨માં લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં કરાવ્યો હતો.

હાલમાં મંદિરની આસપાસ ૮થી ૧૦ પગથિયાવાળો કુંડ છે. મધ્યમાં તુલસી ક્યારો છે. મંદિરમાં કુંડમાં પડતું પ્રતિબિંબ એક સુંદર દ્રશ્ય ઉભું કરે છે. હાલમાં મંદિરની બાંધણી ૧૪મી સદીના સ્થાપત્ય મુજબ છે. આ સ્થળને પુરાતત્તવ વિભાગ તરફથી રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.

ઈ.સ. ૧૯૦૨માં પ્રતિષ્ઠા કરાયા બાદ ૱ પચાસ હજાર ખર્ચીને કળાકારીગરીવાળું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. મંદિરના બાંધકામમાં અવારનવાર સુધારા થયા છે. સ્થાપત્યમાં જુદી જુદી શૈલીઓ વરતાય છે. આ મંદિર મુખ્યત્વે સોલંકી કાળ પહેલાંની નાગરશૈલીનું જણાય છે. મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલા છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ પુરાતત્તવવિદ મધુસૂદન ઢાકી આ મંદિરનો સમય ઈ.સ. ૯૨૫નો કહે છે, પરંતુ ડૉ. બર્જેસના ફોટા અનુસાર તેનો સમય અગિયારમા સૈકાનો હોય તેવું કહી શકાય.આ મંદિરની બાંધણીની શૈલી થાનમાં આવેલા મુનિ બાવાના મંદિરની શૈલી સાથે સામ્ય ધરાવે છે.

આ બંને મંદિરો એક જ સરખા સમયના હોવાનું મનાય છે. આ મંદિરમાં ગર્ભગૃહ અંતરાલ અને મંડપ છે. આ મંડપની ત્રણે બાજુએ હાલ શૃંગાર ચોકીઓની રચના છે.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.

મંદિરની જગતીની ત્રણ બાજુએ પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ જોડ્યા છે. મંદિરની પ્રવેશ બાજુ પરના ભાગે જોડાયેલા મોટા પથ્થરોના પુલ વડે સામેની બાજુનો પ્રવેશ માર્ગ જોડાયેલો છે. કેટલીક વખત એવું જોવામાં આવે છે કે મંદિરની પાસે કુંડ (કૃત્રિમ જળાશય) હોય છે. ખેડબ્રહ્મામાં બ્રહ્માના મંદિરની સામેની બાજુએ વિશાળ વાવ છે. પાટણના સહસ્ત્રલિંગ તળાવને કિનારે મંદિરો હતાં વીરમગામના મુનસર તળાવના કિનારે નાનાં નાનાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

મંદિરના ગર્ભગૃહ ઉપરનું શિખર તથા મંડપ પરનો ઘુમ્મટ અલંકારોથી વિભૂષિત છે. દીવાલના બાહ્ય ભાગના ગોખલામાં મૂકાયેલા દેવોની પ્રતિમા ઉત્તમકોટીની હોય તેવી છે. ટોચ ઉપર ફૂલવેલના ભાતના અલંકરણ પણ આકર્ષક છે. ગૂઢ મંડપના સ્તંભો ઉંચાઈમાં વધુ છે. ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કૃષ્ટ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે.

આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાં ય તરણેતરના મેળાના સ્થાન તરીકે વધુ જાણીતું થયું છે. પાંચાલની કંકુવરણી ભોમકાના આ જગમશહૂર મેળાનો પ્રારંભ બે સદીઓ પૂર્વે થયો હોય તેવી માન્યતા છે. તરણેતરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્તવ અપાયું છે. દેશ-પરદેશના વિદેશીઓ મેળો મહાલવા અહીં આવે છે.

તો મિત્રો આ હતો શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરનો પૌરાણિક ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!