શ્રી બળિયાદેવનું મંદિર – પોર

વડોદરાથી દક્ષિણે ૨૦ કિ.મી.ના અંતરે હાઈવે નં.૮ પર વડોદરા -કરજણ વચ્ચે પોર આવેલું છે. દસ હજારની વસ્તી ધરાવતા પોરમાં શ્રી બળિયાદેવનું મંદિર છે. આપણા દેશમાં ઠેરઠેર શિવાલયો, કૃષ્ણ કે માતાજીના મંદિર જોવા મળે છે.

પરંતુ ઘણા એવા દેવતાઓ પણ છે જેઓના મંદિર જૂજ છે. છતાં તેના સતના પરચાનો લાભ લેવા દૂરદૂરથી દર્શનાર્થે લોકો આવે છે.
બળિયાદેવ મહારાજનું પવિત્રધામ પોર એવું જ એક સ્થાન છે. ઢાઢર નદીના તટ સ્થિત સદીઓ પુરાણા મંદિરનો સંબંધ મહાભારત સાથે હોવાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરાયો છે.

પોરનું જૂનું મંદિર જે બે સદીથી પણ પુરાણું હતું તે ગામના એક ઈનામદારે તે વખતની શૈલીમાં પણ મજબૂત બાંધણી સાથેનું બંધાવ્યું હતું. અનેક વખત ઢાઢર નદીના પુર છેક મંદિરમાં ચરણ પ્રક્ષાલન કરી જતાં છતાં મંદિર અડીખમ જ રહેતું હતું.
અહો આશ્ચર્યમ કહી શકાય તેવી વાત એ છે કે આ મંદિરને અન્યની જેમ શીખર નથી. શિખરના સ્થાને પોલાણ છે.

જ્યાંથી વાંદરા ન પેસે તે માટે પિત્તળની જાળી મુકાઈ છે. સત્ય હકીકત એ છે કે જેટલી વખત શિખર બાંધવાનું આયોજન કરાય તેટલી વખત મંદિરનો તે ચોક્કસ ભાગ તૂટી જતો હતો.

ત્રણ વખત શિખર બાંધ્યું અને તૂટી ગયું. ચોથી વખત કોશીષ કરી તો પૂજારીને સ્વપ્નમાં બળિયાદેવે દેખા દીધી કે મને ખુલ્લા રહેવું ગમે છે.
જ્યારે પણ શિખર બાંધશો ત્યારે હું તે તોડી નાંખીશ. બળિયાદેવની પૂજા વીસ પૂજારીઓના હસ્તે વારાફરતી કરાય છે.

પ્રાચીન કાળમાં હેડંબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભીમની પત્ની હેડંબા અહીં રહેતી હતી.
હેડંબા-ભીમના પુત્ર ઘટોત્કચે કટંકટા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતા. તેઓનો તેજસ્વી પુત્ર બળિયાદેવ કહેવાયા. જે જન્મ્યો ત્યારે વાંકુડીયા વાળ હોવાથી બર્બરીક નામ રાખ્યું હતું.

તે અગાઉ સૂર્ય વર્ચા નામનો યક્ષ હતો. પરંતુ બ્રહ્માએ પૃથ્વી પર જન્મ લેવાનો તેને શ્રાપ આપ્યો ત્યારે દિન દુઃખીયાની સેવા કરૂ તેવું વરદાન માંગ્યું હતું.
બર્બરીક તરીકે જન્મ્યા બાદ કિશોર વયમાં જ તે અસ્ત્ર શસ્ત્રમાં કાબેલ બની ગયો. સેવા વૃત્તિ જોઈ ૠષિઓએ સુહમદ નામ પાડ્યું.

શ્રી કૃષ્ણએ બર્બરીક પાંડવોના વંશજ હોવાથી નવદુર્ગાની આરાધના કરવા કહ્યું. બર્બરીકે કઠોર તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા. વરદાનમાં મસ્તક અમર રહે અને શિતળાની શક્તિ આપી. કળીયુગમાં ભોગના અતિરેકથી પિડાતા લોકોને શાંત કરવા અશિર્વાદ આપ્યા. ભૌત્તિક તાપથી બળતા માનવીને બાધા, દર્શન, આરતી પૂજનથી લાભ હોવાનું માતાએ તેઓને કહ્યું હતું.

મહાભારતનું યુધ્ધ થયું તે અગાઉ સેવાભાવી બર્બરીક જે સૈન્ય હારતું હશે તેની પક્ષે રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો. પાંડવોનું સૈન્ય નાનું હતું. તેથી તેઓની હાર થશે તેમ માની તે શ્રીકૃષ્ણ પાસે યુધ્ધ મેદાનમાં આવ્યા.

તેમના ભાથામાં માત્ર ત્રણ બાણ હતા. શ્રી કૃષ્ણે પૃચ્છા કરી આશ્ચર્ય વ્યક્ત કરતાં બર્બરીકે કહ્યું કે મારે તો ફક્ત એક જ કાફી છે કહી બાકીના બે તોડી નાંખ્યા. આ જોઈ કૃષ્ણે વિચાર્યું કે યુધ્ધમાં કૌરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા આ યુવાન પહોંચી જશે અને પાંડવોનો કચ્ચરઘાણ વળશે. તેને વિદાય કરવો જોઈએ. આમ વિચારી શ્રીકૃષ્ણે શંખ ફુંક્યો કે યુદ્ધ શરૂ થતાં અગાઉ બત્રીસ લક્ષણાનો ભોગ આપવાનો છે. અત્યારે બર્બરીક બત્રીસ લક્ષણો હાજર છે. તેનો ભોગ આપી પછી યુધ્ધનો શંખ ફુંકાશે. બર્બરીકે શ્રી કૃષ્ણની આજ્ઞા માથે રાખી યુધ્ધ પોતે જોવા ઈચ્છા કરી. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે, તારૂં મસ્તક અમર છે. જે ટેકરીની એક ટોચ પર મુકાશે ત્યાંથી તું યુધ્ધ નિહાળીશ. તું માનવોની સેવા કરીશ અને બળિયાદેવ તરીકે પૂજાઈશ.

શ્રી કૃષ્ણે આશિર્વાદ આપી સુદર્શન ચક્ર વડે બર્બરીનું મસ્તક છેદી નાંખ્યું યુધ્ધ જીત્યા પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુધ્ધ જીતાયું ત્યોર બર્બરીકે ન્યાય તોળ્યો કે શ્રી કૃષ્ણના કારણે યુધ્ધ જીતાયું છે. પછી બર્બરીકે શ્રી કૃષ્ણને હેડંબા વનમાં લાવી સ્થાપના કરી હતી. ત્યારથી તેઓ પોરમાં બિરાજમાન છે.

પટ્ટણી સમાજમાં બળિયાદેવ મંદિરનો મહિમા અનેરો છે. ધુળેટીના અરસામાં યાત્રા સંઘ લઈ પટ્ટણી સમાજનો વ્યક્તિ ક્યાંય પણ રહેતો હોય, કુટુંબ કબીલા સાથે ચોખંડી વડોદરા પહોંચી જાય છે. ત્યાંથી વાજતે ગાજતે યાત્રા નિકળે છે.

જુના જમાનામાં આધુનિક વાહન વ્યવહાર જેવા સાધનો ન હતા ત્યારે બળદ ગાડામાં બેસીને આ સમાજના લોકો બળીયાદેવની યાત્રાએ જતા હતા. ત્યારે લૂંટારાઓનો ભય, જંગલી પ્રાણીઓનો ડર, અનેક અગવડો છતાંય યાત્રા અટકી ન હતી.

પ્રતિ વર્ષ નિયમ મુજબ આજે પણ આધુનિક જમાના પ્રમાણે ભક્તજનો મોટરકારો, શણગારેલા ટેમ્પા અને રોશનીની ઝાકમઝાળમાં યાત્રા નિકળે છે, જેમાં સુશિક્ષિતો પણ બહોળી સંખ્યામાં જોડાયેલા હોય છે.

શિતળા નિકળ્યા હોય ત્યારે એજ્યુકેટેડ પણ બળિયા બાપજીની બાધા રાખે છે. અને દરેકનો અનુભવ છે કે તેમની શ્રધ્ધા ફળે છે, મનોકામના પુરી થાય છે. લોકો ટાઢું ખાય છે. બાળકો નિરોગી થાય છે. પોર ગામ નાનું છે પણ જેનાથી કોઈ બળીયો નથી તેવા બળિયાદેવના કારણે પ્રખ્યાત થઈ ગયું છે. દૂર દુરથી લોકો દર્શને આવતા હોવાથી ગામનો પણ વિકાસ થયો છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!