શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો અલૌકિક ઇતિહાસ

‘‘દૈવતા હૈ પર મંદિર નહીં,
ઘર હૈ પર દ્વાર નહીં,
ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’

વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને પ્રસન્ન કરવા શનિદેવ પર તેલનો અભિષેક કરી પૂજા-અર્ચના કરે છે….

હીં નિલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રાજમ્‌ |
છાયામાર્તણ્ડ સંભૂતં તં નમામિ શનૈશ્વરમ્‌ ||

સૂર્યદેવની દ્વિતિય પત્ની છાયા ઉર્ફે સુવર્ણાના ગર્ભમાંથી આવિર્ભાવ પામેલા શનિદેવની કથા રસપ્રદ છે. જન્મ સમયે શનિદેવનું રૂપ નીલવર્ણું એટલે કે શ્યામ હતું… નવજાત પુત્રને નિહાળી તેજથી ઝળાંહળાં સૂર્યદેવ તો ધૂંઆપૂંઆ બની ગયાં….’’ હું આટલો ઉજ્જવળ શ્વેત-શુભ્ર…અને મારો પુત્ર આવો શ્યામલ વર્ણ ?’’ સૂર્યદેવે પોતાની રૂપાળી પત્ની પર આળ મૂકી શંકા વ્યક્ત કરી જણાવ્યું, ‘‘આ પુત્ર મારો હોઈ જ ન શકે….’’

શનિદેવ તો આ શબ્દો સાંભળી પોતાના પિતાનાં શંકાશીલ સ્વભાવનાં બેહૂદા વર્તનથી ક્રોધિત થઈ ઉઠ્યાં… ને પારણેથી જ પિતા-પુત્ર વચ્ચેનો સંબંધ અણબનાવનાં ઝૂલણે ઝૂલવા લાગ્યો. શનિદેવે ત્યારબાદ તો દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની સાધના અને તપશ્ચર્યા આદરી, અને મહાદેવને પ્રસન્ન કર્યા… મહાદેવે આશીર્વાદમાં કહ્યું,…. ‘‘તારા તપથી હું અતિપ્રસન્ન છું… તારે માંગવું હોય તે માંગ….!’’

શનિદેવે ઇચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘‘મારી માતાને મારા પિતા સદૈવ હડધૂત કરતાં રહ્યાં છે…તેમજ મારા તરફ પણ અણગમો દર્શાવે છે…હું મારા પિતાશ્રી કરતાં અધિક શક્તિશાળી બની માતાના અપમાનનો બદલો લેવા ઇચ્છું છું…. મને એવું સામર્થ્ય અને શક્તિ અર્પો….’’

ભગવાન શિવે સૂર્યનું અહમ્‌ તોડવા, શનિદેવને વરદાન આપતાં કહ્યું, ‘‘હૈ વત્સ….નવગ્રહો જેમાં સૂર્ય પણ સમાવિષ્ટ છે તે રવિ, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, રાહુ અને કેતુ તથા તુ સ્વયં…. આ સર્વમાં તારૂ સ્થાન સર્વશ્રેષ્ઠ રહેશે… અને મનુષ્ય માત્ર નહીં દેવતાઓ પણ તારા નામથી પ્રભાવિત એવમ્‌ ભયભીત રહેશે… એટલો તું સામર્થ્યવાન રહીશ…!’’

આજે પણ આપણે શનિના પ્રભાવ અને સામર્થ્યથી પ્રભાવિત છીએ અને તેને પ્રસન્ન રાખવા માટે તેની પૂજા-અર્ચના શ્રદ્ધાભાવથી કરીએ છીએ…. શનિની સાડાસાતી અને નડતરથી સામાન્યજન હંમેશ ભયભીત રહે છે… અને તેથી જ તેનાં નિવારણ માટે શનિદેવનાં ચરણમાં સદૈવ તે ઝૂકતો રહે છે શનિ એટલા પ્રબળ અને પ્રભાવશાળી છે.

આવા મહાસામર્થ્યવાન શનિદેવનાં સ્થાનક દેશભરમાં છે… અનેક મંદિરો શનિદેવને સમર્પિત છે… પરંતુ આ સર્વમાં સાક્ષાત્‌ હાજરાહજૂર શનિદેવ જ્યાં બિરાજમાન છે તે તો એક માત્ર શિંગણાપુર ગામમાં એમ કહેવાય છે.

મહારાષ્ટ્રમાં અહમદનગર-ઔરંગાબાદ ધોરીમાર્ગ પર અહમદનગરથી લગભગ ૪૦ કિ.મી.નાં અંતરે ‘શિંગણાપુર’ ગામ આવેલું છે. જે સૂર્યપુત્ર શનિદેવના તીર્થધામ તરીકે શનિ-શિંગણાપુરના નામે ભારતભરનાં શ્રદ્ધાળુઓમાં પ્રચલિત છે. આ સમગ્ર પ્રદેશ તપોભૂમિ સમાન છે. અહમદનગરની પ્રવરાનદીનાં તટ પર આવેલું નેવાસા પણ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. અહીં સંત જ્ઞાનદેવ તથા તેમના કુટુંબીજનોએ કરવીરેશ્વરાં મંદિરમાં લગભગ બે વર્ષ સુધી નિવાસ કર્યો હતો. સંત જ્ઞાનેશ્વર દ્વારા તેમનાં પ્રસિદ્ધ ગ્રંથ ‘જ્ઞાનેશ્વરી’ની રચના અહીં તે દરમ્યાન જ કરવામાં આવી હતી અને આજ પાવન ધરતી પર શનિ-શિંગણાપુરનું માહાત્મ્ય છે.

શ્રી શનિદેવના અહીં પ્રાગટ્યની કથા વર્ષો પુરાણી છે…. ત્યારે શિંગણાપુર ગામમાં માંડ ૧૫ થી ૨૦ ઘરો હતાં. કથાનુસાર… આ પ્રદેશમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો… નદી-નાળા ઉભરાયા… અને ગામ બહારના એક નાના નાળામાં પાણીનાં પ્રચંડ વહેણનાં ધસમસતા પ્રવાહમાં એક લંબચોરસ જેવી શિલા વહેતી-તણાતી આવી અને પાસેના એક વિશાળ વૃક્ષનાં પથરાયેલા પ્રલંબ મૂળિયાના સહારે ત્યાં અટકાઈ પડી… આ શિલા કાળા પાષાણની હતી તે ત્યાં ગોઠવાઈ ગઈ.

વરસાદ બંધ થયો…ને ગામ-બહારની સીમમાં ગાયો ચરાવવા ગયેલા ગોપયુવાનો પૈકી એક પોતાની ગાયોને પાણી પીવડાવવા પેલા નાળા પાસે ગયો… તો વૃક્ષના મૂળનાં સહારે પડેલી મૂર્તિ જેવી અનોખી શિલાને જોઈ અટકી ગયો.. તેણે બીજા ગોપયુવાનોને જિજ્ઞાસા સાથે આ મૂર્તિ જોવા બોલાવ્યા. સહૂને કૌતુક થયું. એક ટીખળી યુવાને પોતાના હાથની લાકડીથી મૂર્તિને ખસેડવા થોડો પ્રયત્ન કરી જોયો… તો શિલાને લાકડી વાગતાં જ તે ભાગમાંથી રક્તનો પ્રવાહ વહેવા લાગ્યો…. સહૂ કોઈ આ ચમત્કાર જોઈ ગભરાઈ ગયાં… આ શિલા છે કે સજીવા… સહુ કોઈ દોડ્યા ગામ તરફ… ગામનાં સહૂ આ વાત જાણી ટોળે વળ્યાં ને શિલાનું શું કરવું તે વિચારવા લાગ્યા.

આ મૂર્તિને હાથ લગાવવાની કે ઉંચકવાની કોઈની હિંમત ચાલે નહીં… શું કરવું તેની વિમાસણમાં સહુ ગામમાં પાછા વળ્યા તે રાત્રે ગામનાં એક શ્રદ્ધાવાનનાં સ્વપ્નમાં શનિદેવે પધારીને આજ્ઞા કરી કે, ‘‘વત્સ…વૃક્ષને અઢેલીને પડેલી શિલા એ મારી જ મૂર્તિ છે.. અને હું શનિદેવ છું… સહૂની રક્ષાકાજે આવ્યો છું. મારી યોગ્યસ્થાને પ્રતિષ્ઠા કરાવો…’’

પેલા શ્રદ્ધાવાને બીજા દિવસે સહૂ ગ્રામજનોને આ વાત કરી ને સહૂ પહોંચ્યા નાળા પાસે અને આ વિશાળ શિલાને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા… પણ શિલા તો તસુ પણ હલે નહીં… સઘળા પ્રયત્નો નિષ્ફળ, દિવસભર સહુ પ્રયત્નો કરતા રહ્યા પણ કાંઈ વળ્યું નહીં. નિરાશ થઈ સહૂ પાછા વળ્યા. તે રાત્રે ફરી પેલા શ્રદ્ધાવાન વડિલને સ્વપ્નમાં શનિદેવે આવીને કહ્યું, ‘‘તમે મને આમ ઉંચકી શકશો નહીં. ગામમાં કોઈ સગા મામા-ભાણેજ હોય તો એ જ મને ઊંચકી શકશે તેમજ શ્યામરંગનાં બળદની જોડીનાં ગાડામાં જ હું ગામમાં પ્રવેશી શકીશ…’’

ત્યારબાદ તો ગ્રામજનોએ શનિદેવની આજ્ઞાનુસાર ઇચ્છાનું પાલન કર્યું. ગામનાં મામા-ભાણેજે પાષાણમૂર્તિને વૃક્ષના મૂળ પાસેથી ઉઠાવી કાળારંગના બે બળદનાં ગાડામાં ગોઠવી ભક્તિભાવપૂર્વક રંગે-ચંગે ગામમાં લઈ જવા નીકળ્યા…. ગામનો દરેક જણ ઇચ્છતો કે મૂર્તિની પ્રતિષ્ઠા મારા ઘરે જ થાય, મારા ઘરઆંગણામાં થાય અન્ય જગ્યાએ નહીં… પરંતુ શનિદેવને તો કાંઈ બીજું જ મંજૂર હતું… ગાડુ તો ગામમાં પ્રવેશતા જ એક સ્થળે અટકાઈ ગયું.. ત્યાંથી આગળ ચસકે જ નહીં… અથાગ પ્રયત્નોને અંતે ગામલોકોને લાગ્યું કે શનિદેવની ઇચ્છા અહીં જ પ્રતિષ્ઠિત થવાની છે.. અને ગામલોકોએ હળવેથી ગાડામાંથી મૂર્તિ ઉતારી તે સ્થળે ખાડો કરી શ્રદ્ધાપૂર્વક તેની પ્રાણપ્રતિષ્ઠા કરી…

તે સમયે તો ત્યાં બીજુ કોઈ ચણતર હતું જ નહીં… સમયાંતરે નેવાસાનાં સોનઈ ગામનાં શેઠ જવાહરમલ લોઢાની પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થતાં તેઓએ આ મૂર્તિની આસપાસ ચબૂતરો ઉભો કરવાનું નક્કી કર્યું. અને તે માટે મૂર્તિની આસપાસ ખોદકામ કરી તેને ઉઠાવવાની કોશિશ કરી પરંતુ ખોદકામ દરમ્યાન શિલા-મૂર્તિનો કોઈ અંત દેખાતો જ ન હતો. જેટલું ખોદે તેટલી શિલા જ દેખાય… અંતે આ અનંત-શિલાનું ખોદકામ બંધ રાખવામાં આવ્યું. અને તે રાત્રે ફરી શનિદેવે સ્વપ્નમાં આવી શેઠશ્રીને ફરમાવ્યું કે મને ઉઠાવવાનાં પ્રયત્ન કર્યા વીના જ મારી આસપાસ ચબૂતરાનું નિર્માણ કરવામાં આવે…. અને એમ કર્યું… બીજા દિવસે શિલાની આસપાસ ત્રણ ફૂટનો ચબૂતરો ઉભો કરવામાં આવ્યો. પરંતુ મૂળ ચમત્કારની વાત એ છે કે ચબૂતરો બનાવ્યા બાદ પણ આ શનિદેવની મૂર્તિ જે ૫ ફૂટ નવ ઇંચની હતી તે ચબૂતરાનાં ચણતર બાદ પણ એટલી જ એટલે કે ૫ ફૂટ નવ ઇંચની જ રહી… આ પણ એક શ્રદ્ધાનો વિષય છે….

શનિ-શિંગણાપુરની બાબતમાં એક ઉક્તિ પ્રસિદ્ધ છે….

‘‘દેવતા હૈ પર મંદિર નહીં
ઘર હૈ પર દ્વાર નહીં….
ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં…’’

આ શનિદેવનાં સ્થાનકની અતિ મહત્તવની વાત એ છે કે અહીં દેવસ્વયં બિરાજે છે પરંતુ ‘મંદિર’ નથી – સામાન્યતઃ એવું બનતું હોય છે કે મંદિર હોય પરંતુ દેવતા ન હોય… પરંતુ અહીં શનિ-શિંગણાપુરમાં એથી વિપરિત અનન્ય બાબત એ છે કે દેવતા અહીં પ્રતિષ્ઠિત છે પરંતુ તેમનાં શિર પર કોઈ છત્ર કે શિખર નથી… કે નથી તેમનું કોઈ સિંહાસન કે વાહન…. આઠેય પ્રહર આ શનિદેવ તાપ-તડકો વર્ષા-આંધી કે ઠંડીમાં ખૂલ્લા આકાશ નીચે બિરાજમાન છે. કોઈ આશ્રય વિના ઘણાં શ્રદ્ધાવાન ભક્તોએ શનિદેવનાં મસ્તકે છત્ર કે શિખર માટે પ્રયત્નો કર્યા… પણ સઘળાં નિષ્ફળ… શનિદેવ અહીં જાગ્રત રીતે જ પોતાના મસ્તક પર કોઈ આશ્રય કે અલંકરણ કરવા દેતાં નથી…. અને તેથી જ કહેવાય છે, ‘‘દેવતા હૈ પર મંદિર નહીં.’’

એ જ પ્રમાણે બીજી ઉક્તિ છે, ‘‘ઘર હૈ પર દ્વાર નહીં.’’- કહેવાય છે કે શનિદેવે ગામવાસીઓને ખાતરી આપી છે કે- તમારા અને તમારી સંપત્તિનું રક્ષણ હું કરીશ…. જે મારી ફરજ છે તમે બધા નિશ્ચિંત રહેજો – શ્રી શનિદેવે વર્ષોથી આ ખાત્રી નિભાવી છે.. સમગ્ર શિંગણાપુર ગામમાં કોઈ રહેઠાણ, દુકાન કે ઓફીસના દ્વારને બારણાં નથી… કે નથી અહીં લાગતા તાળા અહીં ચોરી કરવાની કોઈની હિંમત જ નથી ચાલતી. અહીં ગામજનો સમૃદ્ધ છે અને ભૌતિક સાધનોથી સંપન્ન ઘર-વખરી છે… છતાં અહીં ફટાબાર બારણા દ્રશ્યમાન થાય ત્યારે શનિદેવની સામર્થ્ય સત્તા માટે અહોભાવ થઈ આવે છે…અને તેથી જ કહે છે, ‘‘ઘર હૈ પર દ્વાર નહીં….’’

ત્રીજી પંક્તિ ‘‘વૃક્ષ હૈ પર છાયા નહીં’’ની વિષે પણ રસપ્રદ ઘટના છે…. અહીં શનિદેવની મૂર્તિ પાસે એક વિશાળ લીમડાનું વૃક્ષ હતું… જે હવે તો નથી, પરંતુ આ વૃક્ષની ડાળ જેવી વધતી વધતી મૂર્તિ પર આવતી તેવી જ તે ટૂટી પડતી અથવા તો બળીને રાખ થઈ જતી. દસ-બાર વર્ષ પૂર્વે આ વૃક્ષ પર વીજળી પડતાં સંપૂર્ણ વૃક્ષ ભડભડ બળવા લાગ્યું…. અન્ય કોઈ વૃક્ષ હોય તો તે રાખ બની ગયું હોત… પરંતુ આ તો તપોભૂમિનું વૃક્ષ… તે બળ્યું પણ રાખ ન થયું… ને બીજા વર્ષે તો લીલાછમ પર્ણથી હર્યુંભર્યું બની ગયું… ! સહુ આ ઘટનાને શનિ-કૃપા જ ગણે છે… અને તેથીજ કહેવાયું, ‘‘વૃક્ષ હૈ પર છાયા નહીં.’

આ મંદિરની સૌથી વધુ મહત્વની વિશિષ્ટતા છે, ‘‘કૌલ-લગાના….’’ આ વિધિનું નામ છે , ‘‘કોલ-લગાના’’ આગામી વર્ષાૠતુ માટે આ વિધિ અહીં કરવામાં આવે છે જેમાં વરસાદ ક્યારે અને કેટલો થશે તે શનિ-મહારાજ દ્વારા જાણવામાં આવે છે.

આ વિધિમાં શનિવારનાં દિવસે બપોરે ૩ વાગે શનિદેવની મૂર્તિને ગંગાજળથી અભિષેકથી સ્વચ્છ કરી શિંગણાપુરનાં મામા-ભાણેજ નકોરડા ઉપવાસ કરી આ વિધિમાં બેસે છે… વિધિ દરમ્યાન સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ હોય છે. મામા-ભાણેજ ભીંના વસ્ત્રોમાં એકબીજા તરફ મુખ રાખી પૂર્વ-પશ્ચિમ દિશામાં ઉભા રહે છે. ૩ ફૂટ લાંબી વાંસની બે લાકડીઓ બંન્નેનાં હાથમાં હોય છે આ બંન્ને લાકડીઓનો છેડો શનિદેવ દ્વારા ઉપયોગમાં લેવાયેલા પાણીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારબાદ તેનાં પર ગૂગળનો ધૂપ કરવામાં આવે છે… અને પછી નક્ષત્રોનાં નામ પૂછવામાં આવે છે…. જે નક્ષત્રમાં વરસાદ આવવાનો હોય તે નક્ષત્રનું નામ બોલવામાં આવતાં જ લાકડીનો છેડો પાણીની અંદર તરફ વળી જાય છે… અને જો વધારે વરસાદ આવવાનો હોય તો બંન્ને લાકડીઓ એકબીજાને ચોંટી જાય છે… અને જો અમૂક નક્ષત્રમાં વરસાદ ન પડવાનો હોય તો બંન્ને છેડા એ નક્ષત્રનું નામ બોલતા જ બંન્ને વિરૂદ્ધ દિશામાં વળી જાય છે…- આ પણ એક શનિ મહારાજની સાક્ષાત્‌ હાજરીની શ્રદ્ધાસભર ઘટના બની રહે છે.

આ શનિ-શિંગણાપુરમાં કોઈ પૂજારીઓ હોતા નથી તે જાણીને નવાઈ લાગશે… તમે તમારી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક અહીં મૂર્તિ પર પૂજા કરી શકો છો… શનિદેવને સરસવનું તેલ, નાળિયેર, ખજૂર, સોપારી, અક્ષત, હળદર, કુમકુમ, તલ, સાકર, પેંડા, કાળાવસ્ત્ર, દૂધ-દહીં, સર્વનો ચઢાવ કરવામાં આવે છે. માનતા માટે ત્રિશૂલ-લોખંડની વસ્તુ, ચાંદીનો અશ્વ, વગેરે અર્પણ કરવામાં આવે છે. શનિદેવતાનો અભિષેક સામાન્યતઃ ભીના વસ્ત્રમાં કરવામાં આવે છે અને શક્ય હોય તો પુરૂષ અબોટિયું કે રેશમી ધોતીયું-વસ્ત્ર ધારણ કરે છે. સ્ત્રીઓને ચબૂતરા પાસે આવવાનો નિષેધ છે. શનિવાર તેમજ સોમવારની કે અમાવસ્યાની પૂજાનું અહીં મહત્વ છે.

નડતર અને કષ્ટ નિવારણ માટે શ્રી શનિદેવની આરાધના કરનારા મોટાભાગના ભાવિક પુરૂષ ભક્તો શનિદેવની પાષાણ મૂર્તિ પર તેલનો અભિષેક કરતાં હોય છે.. શનિદેવની પૂજા માટે અહીં બહારનાં નળ પર સ્નાન કરી, પિતાંબર કે અબોટિયું પહેરી પુષ્પ-અગરબત્તી-ધૂપનો સામાન, એવમ્‌ તેલ લઈ ચોતરા પર ચઢી શનિદેવ પર શ્રદ્ધાસભર અર્પણ કરવાના રહે છે –

હીં નીલાંજન સમાભાસં રવિપુત્રમ્‌ યમાગ્રાજમ |
છાયામાર્તણ્ડ સંભૂતં તં નમામિ શનૈશ્વરમ્‌ ||

‘‘શનિ દેવની મહત્તા’’ અને શનિદેવની ‘‘હાજરી’’

ગુડીપડવાનાં શુભદિને એટલે કે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાનાં દિવસે તેમજ શનિવારીય-અમાવાસ્યાનાં દિવસે અહીં ‘યાત્રા’ થાય છે. આ દિવસે શનિદેવતાનો ગંગોદક જળથી અભિષેક થાય છે. આ જળ નજીકમાં આવેલ પ્રવરાનદી અને ગોદાવરીના પ્રયાગથી અહીં લાવવામાં આવે છે અને તેને અહીં લાવવા શિંગણાપુર ગામનાં પ્રત્યેક ઘરમાંથી એક વ્યક્તિ સામેલ થાય છે. ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુઓ આ સંગમ સ્થળેથી ‘‘ગંગોદક’’ જળ લાવીને ગામ બહાર રોકાય છે. અને ત્યારે બાકીનાં ગ્રામજનો તેઓનું સામીયાણું કરી સ્વાગત કરી અહીંનાં સિદ્ધપુરૂષ ઉદાસીબાબાની છબી એવમ્‌ ધ્વજ લઈ નામઘોષ કરતાં આ ગંગોદક જળ લઈને આવેલા આ કાવરિયાં વાજતે-ગાજતે મંદિર સુધી લઈ જાય છે.

શનિ-શિંગણાપુરમાં શનિદેવની મૂર્તિ ઉપરાંત વિઠ્ઠલ-રૂક્ષમણી, શ્રીકૃષ્ણ, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ તેમજ મહન્ત ઉદાસી રામવાળાની મનોહારી મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે તથા શનિદેવનાં ચબૂતરાની નૈૠત્ય દિશા તરફ લક્ષમીમાતાનું પૌરાણિક મંદિર છે. જે ઉત્તરાભિમુખ છે. શિંગણાપુર ગામની તે ઇષ્ટદેવી છે. માં લક્ષમીનાં આ મંદિરની સામે જ ઉદાસી બાબાની સમાધિ છે – અહીં દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ છે.

શનિ-શિંગણાપુરમાં ‘હાજરી’ ભરવાની પરંપરા છે… અને વર્ષભર દરમ્યાન દેશની શ્રદ્ધાવાન વ્યક્તિઓ અહીં ‘હાજરી’ ભરે છે. જેમાં ઘણી કલાજગતની વિભૂતિઓ પણ સામિલ છે કહે છે, ‘‘શનિદેવ’’નાં હુકમ વિના ‘હાજરી’ ભરવી શક્ય નથી હોતી. શીરડીનાં સાંઈધામનાં તીર્થસ્થાને આવતાં શ્રદ્ધાળુઓ શક્ય હોય તો શિંગણાપુરનાં શનિદેવનાં દર્શનાર્થે અવશ્ય પધારે છે. જીવનમાં એક વખત અચૂક મુલાકાત લેવા જેવું તીર્થસ્થાન છે..

આવા મહા-સામર્થ્યવાન રવિપુત્ર શનિદેવને સત સત નમન..

– શ્રી શનિદેવ મંદિર હાથલાનો સંપૂર્ણ ઇતિહાસ

તો મિત્રો આ હતો શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો પૌરાણિક ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!