ધરતીનું ઋણ ચૂકવવા બલિદાન આપનાર રંગવડિયો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી પંદરેક કિ.મી.દૂર કામઢી વહુઆરુની ફુલગુલાબી હથેળીએ ઉજળાં થયેલાં હાંડા જેવું ગુંદિયાળા નામનું નાનકડું ગામ આવેલું છે.ઈ.સ.૧૪૬૫, વિ.સં.૧૫૨૧-૨૨ના સમયગાળામાં ચંદ્રસિંહ ઝાલા ગુંદિયાળા ગામના ગામધણી.આમ તો એમના વડવા વેગડજી ઝાલાએ રાજસ્થાનથી ઉત્તર ગુજરાતના પાટણ પરગણામાંથી અહીં આવેલા મહેમજી પઢિયાર નામના કારડિયા રાજપૂતને ગુંદિયાળા,રાતી દેવળી અને ટીકર એ ત્રણ ગામ ડુંગળીમાં આપી આદર કરેલો.તે દી’થી મહેમજી પઢિયારને ઝાલા રાજપૂતો સાથે સ્નેહનો નાતો બંધાયેલો.

એ સમયે સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાં મહમદ ઘોરીની હાક બોલવા માંડેલી. રાજપૂતોને ધર્મ પરિવર્તન કરાવવા બળજબરી આદરેલી.સોમનાથ, દ્વારકા,થાન, ગિરનારના પવિત્ર ધર્મસ્થાનો લૂંટેલા. જૂનાગઢનાં રા’માંડલિક ઉપર ત્રણ ત્રણ વખત ચડાઈઓ કરેલી. રાજપૂત સત્તાને કચડીને પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા તે મરણિયો જંગ ખેલતો. રાજપૂતોના અંદરોઅંદરના કુસંપની રગ તેણે જાણી લીધી હોવાથી એનાં હાથી, ઘોડાઓના હણહણાટથી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠેલી. મંદિરોમાં ઘંટનાદો બંધ થયેલાં.તેની શક્તિ, સામર્થ્યથી તે હિંદુઓના સાથથી જ હિંદુઓને પરાજિત કરતો.

ચંદ્રસિંહ ઝાલાને કાને સમાચાર આવેલા કે મહમદ ઘોરીનો સાળો ખુદાવંદ ખાન ગુંદિયાળા ગામ ઉપર ત્રાટકવાનો છે. તેથી પોતાના વિશ્વાસુ માણસોને પળેપળની જાણકારી મેળવવા માટે સાબદા કરી દીધેલા.

ફુલફટાણા ફાગણે પગરવ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ગુંદિયાળાની ધરા ઉપર રંગ સૃષ્ટિ રચી રહ્યો છે.વિજોગી વનિતાના ઉરમાંથી ઉઠતા શ્વાસ ઉચ્છવાસ જેવી વરાળુ ઉઠી રહી છે ફાગણી વાયરો દોટુ દઈને વગડાની ફોરમને ગુંદિયાળાના ચોરામાં પાથરી રહ્યો છે.ચોરામાં કાવા કસુંબા ઘૂંટાઈ રહ્યા છે બરાબર એ ટાણે શ્વાસભેર દોડી આવેલા એક જુવાને સમાચાર આપ્યા કે,-

” બાપુ! સીમમાં આવેલા ઝાડની ઊંચી ડાળી પર ચડીને મેં નજર કરી તો આથમણી દિશાએથી ઘોડા ઉપર તેમજ પગપાળા મોટું દળકટક આપણા ગામ ભણી હાલ્યું આવે છે.નદીમાં આવતા પૂરની જેમ એ આ બાજું ધસી રહ્યું છે હજી તો ત્રણેક ગાઉ છેટું છે, પણ ગણતરીની પળોમાં અહીં ત્રાટકતા વાર નહીં લાગે.ધરતી માથેથી ધૂળની રજ ઊડતાં સૂરજનારાયણ પણ ધૂંધળા દેખાય છે એનાં સામૈયા કરવા હોય તો હવે સાબદા થવું પડશે, નહીંતર જીવ બચાવવા ક્યાંક આશરો લેવો પડશે, વધારે વિચારવાની વેળા નથી.”

સમાચાર સાંભળતા તો ચંદ્રસિંહનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. એમની આંખોમાંથી ખનખન અંગારા ઝરવા માંડ્યા વેધક નજર ડાયરા સામે માંડી બોલ્યા:’ બોલો, ભાઇઓ ! આપણે રાજપૂતી ધર્મનો પંથ લેવો છે કે જીવ વહાલો કરવાની વેતરણ આદરવી છે? આપણી પાસે વિચારવાની ઝાઝી વેળા નથી…’

ચંદ્રસિંહ આગળ કાંઈ બોલે એ પહેલાં તો યુવાન હમીરજી પઢિયાર નામના કારડિયા રાજપૂતે હાક મારી-

‘ મામા ! રાજપૂતનો દીકરો ઝાઝું વિચારવા બેસે નહીં, પોતાની ભોમકા અને ધર્મ માટે તો મરવું કાં મારવું એ જ એનો મંત્ર છે એમ હું માનું છું’

ગુંદિયાળાના હાકેમને કાને આ શબ્દો સંભળાણા અને એમની છાતી ગજગજ ફૂલી રહી.દરબાર પ્રસન્નતા વ્યક્ત કરે એ પહેલાં તો એક બીજો પડકારો ચંદ્રસિંહના કાને સંભળાણો _

‘ બાપુ! આ હમીરજી તો ગામના ભાણેજ થાય પણ અમે તો આ ધરતીમાં જન્મ્યા છીએ,આ ધરતીનું લૂણ ખાધું છે. અમે પણ ધર્મયુદ્ધમાં અમારું ખમીર બતાવીશું.’ દરબાર ચંદ્રસિંહની દ્રષ્ટિ એ બોલનાર રંગવડિયા નામના એ મેઘવાળ જુવાન માથે પડતા તો એમના ભીતરમાં ગૌરવનો સાગર ઘૂઘવાટા કરવા માંડ્યો. ચોરામાં બેઠેલા ચારણના મુખમાંથી સરસ્વતી વહેવા લાગી..

‘ધર જાતા, ધરમ પલટતાં, ત્રિયા પડંતા તાપ,
તીનો ટાણાં મરણરા, આમાં કોણ રા’ કોણ રંક.’

દુશ્મનો ગામના પાદરમાં આવી પહોંચ્યા. ધૃબાંગ…ધૃબાંગ… બુંગિયો વાગવા માંડ્યો.’ હર હર મહાદેવ’ અને શક્તિની જય બોલાવતા રાજપૂતોએ ઘોડે પલાણ માંડ્યા. કેટલાક જુવાનો હાથ પડ્યું હથિયાર લઇ પગપાળા જ ગામના પાદરમાં આવી પુગ્યા. પાદરમાં જ ઘમાસાણ ધીંગાણું ખેલાયું. એક બાજું મોટું દળકટક હતું, તો બીજી તરફ કેસરીયા વાઘા પહેરીને ગુંદિયાળા ગામનું નાનકડું દળકટક મરણિયુ બન્યું હતું. હમીરજીની તલવારે કેટલાયના ઢીમ ઢાળી દીધાં. જ્યારે મેઘવાળ જુવાન રંગવડિયાએ તો દુશ્મન દળની પાંખો કાપવા માંડી. લશ્કરના મોવડીઓને શોધી શોધીને એ બરછીથી વીંધવા માંડ્યો. બંને યૌદ્ધાઓ જાણે લોહીના કૂંડામાં નાહી રહ્યાં. કટકમાં ભંગાણ પડ્યું ભાગતા કટકની પાછળ હમીરજી અને રંગવડિયો પડ્યા. તળાવને કાંઠે આવતા દુશ્મનોના હાથે આ બંને વીરોનાં માથા ધડથી અલગ થવા છતાં જાણે ધડ હમણાં ભાલે વીંધી નાખશે એ ભયે દુશ્મન દળનો કોઈ સૈનિક નજીક આવવાની હિંમત કરતો નથી. ગુંદિયાળા ગામનું પાદર છોડીને ખુદાવંદખાન ભાગ્યો ત્યારે ગુંદિયાળાની ધરા આ બંને નરવીરોને રંગ દઈ રહી હતી અને વારણા લેતી હતી.

રંગ રાજપુત કારડીયા હમીરજી પઢિયારને.
અને રંગ તને રંગવડીયા મેઘવાળને

નોંધ: ગુંદિયાળા ગામના પાદરમાં તળાવની પાળે રંગોળ મામા ( રંગવડિયો) નું મંદિર આવેલું છે. મંદિરમાં રંગવડિયો અને હમીરજી પઢિયારના પાળિયાની સાથે અન્ય કેટલાક પાળિયાઓ સમર્પણનો સંદેશ આપતા ઊભા છે. રંગવડિયાની શાખ ( અટક) કુંજેરા હતી આજે પણ એનાં વંશજો દર વર્ષે અષાઢી બીજને દિવસે નિવેદ કરવા અને પૂજા કરવા આવે છે. ગામના અઢારેય વરણના લોકો નાતજાતના ભેદભાવ વિના રંગોળ મામાને શ્રદ્ધાથી માથું નમાવે અને સાથે જ પ્રસાદ લે છે. ( તા.૫-૧૧-૨૦૧૬ રૂબરૂ મુલાકાત લીધી હતી)

✍લેખક શ્રી ..મારા મિત્ર એવા દલપતભાઇ ચાવડા ✍

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!