ઝુઝાર રત્ના દાદા

‘શૂરાની રાંગમાં રમે ઘોડલાં, એની માથે સોનેરી પલાણ,
રણમાં શૂરીઓ આવે રમતો, તે દી ઝાલ્યા ન રે ઝુઝાર.’

સૌરાષ્ટ્રની ભૂમિ અનેક પાળિયાઓ પોતાના પેટાળમાં સંઘરીને બેઠી છે આ ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા છે. ગામ, ગાય કે અબળા માટે તો કોઈ અંતરીયાળ અજાણ્યા માટે વેર વહોરી લઈ સ્વર્ગે સિધાવનાર વીરોનાં પાળિયા કોઈ ગામને પાદરે કે વેરાન વગડામાં આભ સામે મીટ માંડી ઊભા છે કોઈ પૂજાય છે તો કોઈ અપૂજ છે.

ગાયોની રક્ષા માટે ચારણો, આહીરો, રાજપૂતો જ પોતાનું અમૂલ્ય જીવન અને અરમાનોનું બલિદાન આપતા, સાવ એવું પણ નથી. દલિતોએ પણ ગૌધનની વહારે જઈ હસતે મુખે જીવન ખપાવી દીધાં છે પણ કમનસીબી એ છે કે તેઓને કોઈ ચારણ કવિ કે મેઘાણી મળ્યા નહીં કે એમનાં પરાક્રમને લડાવીને તેઓને અમર બનાવી દે !

મારા ગામ (ખેરવા તા.વાંકાનેર જિ. મોરબી)ના પાદરમાં વીરતાની વાતું કહેતા કેટલાંય પાળિયા હારબંધ ઊભા છે. પાળિયાઓની આ કતારમાં ત્રણ પાળિયા થોડા છેટે મંડાયા છે. કારણ કે એ દલિતોના પાળિયા છે. સમાજના અછૂતપણાએ એમને મૃત્યુ બાદ પણ હલકાં જ ગણ્યા છે. એ પણ વિધિની વક્રતા જ છે ને કે પરમાર્થે પ્રાણ ત્યાગ કરનારાંના પાળિયા આઘેરા મંડાયા છે.

આજથી સો સવાસો વરસ પહેલાંની વાત છે: ખેરવાથી પાંચેક કિલોમીટર દૂર આવેલા રાજ ખીજડીયા ગામે દલિત વાસમાં એક દીકરીનાં લગ્ન છે, જાન પરણવા આવી છે. મંગળ ગીતો ગવાય રહ્યા છે એવામાં ગામમાં ગોકીરો થયો. મિયાણાનું પાળ ગામનું ધણ વાળી ગયા. લોકોને જાણ કરવા ઢોલી પોતાના ગળામાં ઢોલ ભરાવી પોતાના મજબૂત બાવડાથી ઢોલ માથે દાંડી પીટી તરઘાયો વગાડવા માંડ્યો.

જાનમાં જાનૈયા બનીને આવેલા રત્નાભાઈ મોરડીયા, મકવાણા શાખનો એનો ભાઈબંધ અને રાણવા શાખનો ભાણેજ ઢોલનો અવાજ સાંભળી પારકા ગામના ગૌધણને બચાવવા ધાડપાડુઓની પાછળ પડ્યા. ગામલોકો પણ હાથ ચડ્યું હથિયાર લઇ મિયાણાના પાળનો સામનો કરવા નીકળી પડ્યા. મિયાણાઓ ગાયોનું ધણ વાળી ગામની દખણાદી બાજુએ કણકોટ થઈ ખેરવા તરફ ભાગ્યા. રત્ના દાદા એના ભાઈબંધ અને ભાણેજે લૂંટારાઓનું પગેરું દબાવ્યું. ખેરવાના પાદરમાં લૂંટારાઓ સાથે ભેટો થઈ ગયો. ખેરવાના દરબારોએ પણ ગૌધન વાળી જતા મિયાણાઓને પડકાર્યા. ખેરવાના પાદરમાં ધીંગાણું જામ્યું. રત્ના દાદાનાં ભાઈબંધ અને ભાણેજ કામ આવી ગયા. રત્ના દાદા બમણાં જોરથી લૂંટારાઓ સામે ઝઝૂમ્યા પાળના મોવડીનું માથું કુંભાર ચાકળા પરથી માટલું ઉતારે એમ ઉતારી લીધું. મોકો સાધી એક લૂંટારાએ રત્ના મોરાડીયા પર તલવારનો ઘા કર્યો. રત્ના દાદાનું માથું પડ્યું પણ ધડ ધીગાણે ચડ્યું. ખેરવાના પાદરથી અડધો કિલોમીટર દૂર જઈને પડ્યું. ગાયોના ધણને બચાવ્યું પણ ત્રણેય વીરગતિ પામ્યા.

આજેય આ વાતની ગવાહી પૂરતાં રત્નાભાઈ મોરડીયા એના ભાઈબંધ અને ભાણેજના પાળિયા ખેરવાના પાદરમાં ઊભા છે. રત્ના દાદાનાં ધડની ખાંભી ગામથી થોડે દૂર સીમમાં આવેલી છે. જે જગ્યાએ માથું પડ્યું હતું ત્યાં એ પાળિયા ઉપર નાનકડું મંદિર બાંધવામાં આવ્યું છે. મોરાડીયા, મકવાણા તથા રાણવા પરિવારના તેમનાં વંશજો દર વર્ષે કારતક સુદ બીજને દિવસે ચોખા અને શ્રીફળના નૈવેધ ધરાવી શ્રદ્ધાથી માથું નમાવે છે.

દલપતભાઇ ચાવડા.
રાજકોટ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!