ભાડથરને પાદર ભીમાના બહારવટાની સાક્ષી પુરતી અણનમ ઊભેલી ખાંભીઓ

બારાડીના ખડકાળ ભોમકા ઊપર સુરજ ઢળુ ઢળુ થઈ રહ્યો છે. કાળી વાદળીયો પડુ પડુ થઈ રહી છે. સીમમાંથી આવતા ઢોરની ખરીયો ધુળ ઉડાડી રહી છે. એવા ટાણે ખાંભડી ધારના પાણાને ટેકો દઇને બેઠેલો બહારવટીયા તરફ આધેડ વયની બાઇ ખાંભડીધારની કેડીયે ઝપાટાભેર હાલી જાય છે.

બહારવટીયો બેઠો થયો ને જામગરી ચેતવી લાંબી કરી. હાલી આવતી બાઇએ હાથ ઊચો કર્યો બંધુક નમી ગઈ બાઇ મોઢા મોઢ આવીને ઊભી રહી ને બહારવટીયો બોલ્યો: અરે મોતીબેન તુ અહી, હા ભાઇ ત્રણ દિથી તારા વાવડ કઢાવુ છુ પણ મેળ ખાતો નહતો એટલે જીવને એમ થયુ કે ભાઇને મોઢોમોઢ થવુ છે. અહીના વાવડ મળતા જ પોગી ગઈ. હુ તને કેહવા આવી છઉં કે તુ આ મુકી દે. સુરજસામે ધુડ ઉડાડવી નકામી. થનાર હતુ ઇ થઈ ગયુ.

બહારવટીયાની આંખમા લાલ શેરડા આવ્યા એની મીઠી વાણી કરડાકી થઈ ધ્રુજારી આવી તું શું વેણ કાઢેછ? એનો તો ઢબુરી નાખવો છે તોજ શાંતી મળશે, પણ ભાઈ ગાયકવાડના માણસો કટમ્બ માથે માછલા ધોવે છે. આ કટમ્બ સાટુ આ કાળમુખી બંધુક વેગળી કર. વાતનો ત્રાગડો હજુ સંધાય ન સંધાય ત્યા ભાડથર ભણીથી ધુડની ખેપટ છવાઈ પલટણ કળાણી બહારવટીયાના રૂવે દિવા પ્રગટ થયા. ફુઇની દિકરી થઈને આજ દગો રમવા આવી, એ મારી હાર્યે? અરે શુ કે શે ભાઇ, બેન જેદી ભાઇને દગો દેશે તેદી ધરતીના અમી સુકાઇ જશે જાણજે. તુ આમજો શુ આવે છે? મોતીએ નજર કરી જોયુતો ગાયકવાડ ની પલટણ ખાંભડીધારના મારગને દબાવતી હાલી આવે છે આવવા દો ભલે આવે.

કાળની ગતી કંઈક જુદી છે આવી હતી બારવટુ છોડાવવા, પણ વિધાતા આજ મને બારવટે ચડવવાનો પેતરો કરે છે જેવા લેખ. સાબદો થા ભાઇ એક નાળી મારા હાથમા દે એને એક બંધુક મોતીના હાથમા આપી કડુ કાંકરી ભટકાડી ચકમકથી કળી સળગાવી, પાણાની આડશે ઓથ લઈ જામગરી ચેતાવી. પલટણ દબાતે પગે ધારના પગથીએ મંડી ચડવા. મોતની બંધુકમાંથી સનન કરતી ગોળી વછુટી બહારવટીયાને જીવતો પકડવાના સપના જોતો સિંધી સિપાઇ ગડથોલીયા ખાતો હેઠો પડયો. પલટણ ચેતી, ઓથ લીધી બંધુક ની ધાણી ફુટવા લાગી, સામસામી મધરાત સુધી ધીંગાણુ હાલ્યુ. અંધાર પછેડો ઓઢી બારવટીયો અને મોતી કુદરતને ખોળે ગાયબ થઈ ગયા બંધુક ફુટતી રહી.

બારબાર મહીનેથી બારાડી પંથકમા રાજના માણસોને ધમરોળનાર બહારવટીયો ભીમો મુળ તો ઓખાનો પણ એનો બાપ આણંદ ઠક્કર તેલપળી કરી ખાવા આવેલ. એમા નગરના પોલીસ અમલદાર ને આણંદ ઠક્કર ના વિરોધમા ચાવી ભરાવી કે રાજના દુશ્મનને આશરો આપે છે રોટલા પણ પુગાડે છે ને હુકમ છુટીયો ઠક્કરને ગિરફતાર કરો.

ખંભાળીયાનો જમાદાર તરીકે દાદુ સંધી ને આખા પંથકમા એનાથી ફે ફાટે. આદેશ મુજબ ઉપડ્યા ભડથાર ગામ હાટે તેલપળી કરી ખાતા આણંદ ને કિધુ ચાલો થાઓ આગળ, પણ વાંકગુનો. ત્યા જઇને ખબર પડશે અટાણે હાલવા માંડ. લાવ્યા ખંભાળીયાને થાણે. લુવાણો નિર્દોષ હતો સાબ હુ કશુ જાણતો નથી. તુ વાઘેરોને આશરો દે છે આ વાત પાક્કી થઈ છે. વાઘેર મારા ભાઈબંધ છે એ સાચું પણ હુ ઓખામા આળોટયો છુ ધરતીની સગાઇ છે પણ વાઘેર મારા આંગણે આયા નથી કદીયે. અલા માનીજા આ સગી નહી થાય ને સામસામી બોલાચાલી થઇ. ઠક્કર પણ સામે પડયો. બથોબથ આયા પણ સિપાઇ જાજા હોવાથી ઠક્કરને ગડદા પાટુને દંડાના મારે તેને લોંદો કર્યો ને સિપાઇઓ ઠક્કર ને ઝોળીએ નાખી ભાડથર ની નદિમા નાખી ગયા ઠક્કરનો જીવ નદિના પટમા જાતો રહ્યો. આમ ઠક્કર ના મોટા દિકરાએ બાપની ચિતા સામે પ્રતિજ્ઞા કરી તારા મારતલને ગોતીને મારૂ તોજ તારા જીવને નિરાંત કરજે.

બારાડીની છાતી પર ચુર ગામ પર સુર્ય આથમી રહ્યો છે. એવે વખતે પાદર પડેલા જમાદાર તંબુમા સુતો છે ને પડકાર સંભાળયો ક્યા છે તારો જમાદાર. સુતેલા જમાદારે અણધાર્યો પડકાર છાતીએ વેગ પકડી ક્યા છે કુતરો બહુ જોરજુલ્મ કરી છે, થા માટી. જમાદાર પણ સમજી ગયો હવે ચીથરા ફાડવા નકામા ને બહાર આવ્યો ને ભીમડાએ બેનાળી થી ભડાકો કર્યો. દાદુ જમાદારની છાતીને ગાબડુ કરી ભેખડે ઉતરી ગઈ. દાદુ તરફડતો રહ્યો લોહી લુહાણ દેહને મુકી ભીમો ટાઢે હૈયે હાલી નિકળ્યો.

આ બાજુ પોતાના હક્ક માટે વાઘેરો નગર અને શ્રીમંત સરકાર સામે લડી રહ્યા છે. છુટા છવાયા તેના જુલ્મો અને ત્રાસથી પ્રજા તો મોત સામે મીટ માંડીને બેઠા છે. ક્યારે આવ્યુ કે આવશે એવા ભણકારા આખી રાત વાગ્યા કરે છે એવી પ્રજાની દશા છે. એમા અમલદારો ને ઠાર કરવાનુ નીમ લઈને ભીમડો બારવટે નીકળેલ, જયારે દાદુ જમાદારને ભડાકે દીધાના ખબર નગર શ્રીમંત સરકારને મળતા આંખ્યુ ફાટી રહી. બારવટીયાને પકડવા ગોરી ઘીસત લઈ ગોરો અમલદાર બારાડીની ધરા ઉપર ઊતર્યો. એકેક ગામડુ ખુંદી રહ્યો છે પણ હાથતાળી દઇ બારવટીયા અલોપ થતા જાય છે. આમ બરાબરની ભીસ થતા થોડાક વખત જોબો લેવા બરડાની ગાળીમા આરમ કરે છે. વેરાડીવળોટી જ્યા સોનમતીનો કાઠો ઊતરે ત્યા પડકાર થયો. કોણ ઇ અટાણે? કોણ હોય જવાબ દે તુ? કોણ પુછનાર આવો કોણ છે બેપરવાહથી જવાબ દેનાર.

મધરાતે સોનમતીના વખંભર પટમા બેઠેલો આ ડાયરો વાઘેર બારવટીયાનો હતો. એણે ભીમાને બોલાવ્યો ટીમણ કર્યુ વાહ ભીમા તારી મરદાઇ, પણ વાઘેર તમારા ને મારા બરાવટામા ફેર છે, તમારે સુવારથ નુ. મારે વેર છે મરદાઇ નુ. એટલે તારૂ કેવાનુ શુ છે? ભીમો કે તમે ભોમકા માટે રાજ સામે થયા છો ને હુતો મારા નિર્દોષ બાપને ભુંડે હાલ મારી નાખ્યો એમ. પ્રજાને રાજના માણસો વગરગુને ગુડે નહી એના ખાતર લડુ છુ. એકને ઢબુરી નાખ્યો ને એક બાકી છે લ્યો રામ રામ કહી ભીમડો હાલતો થયો.

વીંઝલપરની સીમ ઊપર ધાણી ફુટે છે બંધુકોની. ગોરી ફોજ સામે મોતી એકલી બંધુકનો જવાબ આપે છે પણ ભીસ સારી છે ધીસત મોટી છે લાંબુ ટકાય તેમ નથી. ભીમાની વાટ જોતી આખરે મોતી ફોજ સામે અલોપ થઈ. ખબર થતા ધીસત સગડે પોહચી ફરી ધીંગાણુ થયુ. સિપાઇ ની ગોળીઓથી મોતીનો દેહ વિધાઇ ગયો ભીમાને ખબર પડી પણ મોંડુ થઈ ગયુ. એ પુગ્યો ત્યારે મોતી સરગે હાલી નિકળી. ભીમડાએ ફોજને પટકારી ને ગોળીઓ વિંઝવા માંડી. ભીમડે એકસાથે સતાવીશ લોથ્યુ ઢાળી ધરણીનુ પેટાળ રગત માસના લોચાથી ખદબદી ઊઠ્યું. ન્યાથી ભાગ્યો ઘી નદિના કોતરમા ભરાણો. ધીસત પાછળ પડી ખંભાળીયાનો ફોજદાર વધુ માણસો લઈ પુગ્યો. ભીમડેને ઘેરો ધાલ્યો ભીમડો નાના માણસને કનડે નહી એને સીધોજ ફોજદાર ને બંધુકનુ નિશાન બનાવ્યો. એકજ ભડાકે કદાવર દેહ ભેખડ પરથી નીચે પડયો. સિપાઇ નદિના પટમા ભાગ્યા ને ભીમડો ગોળીયુના ઘાથી વીંધાઇ ગયો હતો. રાતના અંધકાર ઊતર્યા ને વેતરાઇ ગયેલા દેહને ઢસડતો આખરે ભીમો પોતાના ગામ ભાડથર ના પાદર પુગ્યો. નદિના તટ પર તેણે દેહ છોડ્યો. આ વાતની સાક્ષી પુરતી અગણિત ખાંભીઓ ભાડથર ને પાદરે આજ પણ અણનમ ઊભી ઊભી ભીમડાએ કરેલ બહારવટાની સાક્ષી પુરે છે.. જે ખાંભીઓ તમે ફોટામા જોઈ શકો છો.. એક સામટી પચ્ચીસ ત્રીસ ખાંભીઓ ગામ ઝાંપે ખોડી દિધી…. દ્રારાકાનુ ભાડથર ગામ..

ફોટા મોકલનાર ભાડથર નિવાસી માધવ હોટલ સ્પેશિયલ દાળબાટી…. મારા મિત્ર સામતભાઇ આહીર જેમનો હુ આભરી છું….

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!