હમીરજી પઢીઆરના પરાક્રમની વાત

ફુલફટાણા ફાગણે પગરણ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ઝાલાવડની સમથાળ ધરા ઉપર રંગ સૃષ્ટી રચી રહયો છે. વિજોગ વનીતાના ઉરમાંથી ઉઠતા શ્વાસ ઉચ્છાવાસ જેગી વરાળુ ઉઠી રહી છે. વૃક્ષ વિહોણા પૃથ્વીના પટ પર ઝાંઝવટ પોતાના છેતરામણાં જળનાં રૂપ રચીને પોતાના તરફ દોટુ દેવડાવી જીવોને પીડા રવાયીને પરપીડનની તૃપ્તિ પામી રહયા છે. સદાશીવને ભાલે શોભતી બંકી બીજ પડેલાનો નોખો અનોખો અસાવબ સંકેલીને સંધ્યાના અંકમાં છુપાઈ ગઈ છે. સુર્ય પ્રકાશે ઢંકાયેલા અંધકારના ઓળા ઉઘાડા પાડને પોતાનું બિહામણું રૂપ દેખાડી રહયા છે. કામઢી વહુ આરૂની ફુલગુલાબી હથેળીએ ઉજજળા થયેલા હાંડા જેવું ગુંદીઆળા ગામ ભર નિંદરમાં પોઢી ગયું છે. મહેનતું મનેખના ઓઢયુંમાં ઉંઘના ધારણ વળી ગયા છે. સુનકારની ચાદર ઓઢીને ભોમકા સોડતાણીને સુતી હોય એવું રૂપ બંધાય ગયું છે ગામમાં પઢીઆર નુખના રણબંકા કારડીયા રાજપૂતોનો વસવાટ છે.

કહેવાય છે કે સુર્યવંશી ઈશ્વાસુ કુળના રઘુવંશી રાજા દશરથજીના પુત્ર લક્ષ્મણજીની ઉભરતી પેઢીમાં પ્રતિકાર થયા એ પ્રતિકારના વંશજોની પઢીઆર શાખ ચાલી આવેલી અયોધ્યાથી પ્રયાણ કરીને પ્રતિશરો-પઢીઆરો સીંધમાં ગયેલા ત્યાંથી કેટલાક કુટુંબો મારવાડની મરૂ ભુમિ ઉતર્યા ત્યાંથી પણ અમુક અજમેરના આસપાસના મલકમાં મુકામ કરેલા જ્યાં મંડોર ગઢ નામનો કિલ્લો નજરે ચઢેલો તેની માથે ત્રાપડ બોલાવી ગઢને હસ્તગત કર્યો ત્યારે રણસંગ્રામમા વિરમજી તેમના કુંવર કેહરજી કામ આવ્યા તે સમયે સોનબા સતી થયા જે કનોજના રાજા ઉગ્રસેન રાઠોડના કુંવરી હતા તે સમય કાળ હતો સંવત ૧૨૨૫નો.

એમના વંશમાં જન્મેલા કેહરજી નામે પઢીઆર રાજસ્થાનને રામ રામ કરીને ગુજરાતના ગઢ પાટણ આવ્યા ત્યાં સામંત તરીકે પોતાની તાતી તલવારના તેજ તણખે આળંગતી ચોવીસી જીતી લઈ પોતાની બહાદુરીની બુલંદી દેખાડેલી આવા હામ દામને ઠામના ધણીના પુત્ર મહેમજી પઢીઆર હળવદમાં ઉતર્યા ત્યારે હળવદના તખ્ત ઉપર વેગાજી ઝોલાજી જવામર્દો ઝંબાઝંબાળ થઈને ઝંકોળા કરતી હતી. તેમણે મહેમજીને માતી દેવળી ગુંદીઆળા અને ટીકર નામે ત્રણ ગામ આપી આદર કર્યો.

સમયાંતરે હમીરજી પઢીઆર વઢવાણના પડખામાં આવેલ ગુંદીઆળા ગામમાં ઠરીઠામ થયેલા અઢારેય આલમ એનો પડયો બોલ ઝીલે વખત વહમો હતો. અંધાધૂધીને અરાજકતાના અળા ઉડતા હતા.

એક દિ ગામના પાદરમાં રીડીઆ રમણ બોલી કલઈ સુવાનો સાળો ગામ માથે પ્રાટકયો કે ત્રાટકશે ભાગો ભાગો કટક આવ્યું ભડોભડ ડેલીયુના ભોગળ ભીંડાણાં લોક બધુ પારેવાની જેમ ફફડવા માંડયું. હમીરજી પઢીઆરને કાને હોંકારા છબ્યાને તેગ તાણીને ડેલી બાર આવ્યા ગામના પાદરમાં રંગવાડ નામનો દલિત દુશ્મનદળને રોકીને ઉભો છે.

ધરજાતા ધરમ પલટતા
સ્ત્રીઆ પડંતા તાવ
ઈતીનુ ટાણા મરણારા
એમા કોણ રંગ રાવ

વાહ રંગવાડીયા રંગ છે તારી જણનારીને એવા ભલકારા ભણતા હમીરજીએ ધીંગાણુ માંડયું ભેળા ભેરૂઓ પણ કુંડાળે પડયા બટાઝટી બોલતી રહી દુશ્મનોના માથા ધડથી જુદા થઈને રડવા લાગ્યા. કડકમાં મંડયું ભંગાણ પડવા ભાગતા કટકની પાછળ હમીરજી અને સંગવાડીઓ પડયા તળાવને કાંઠે આવતાં દુશ્મનોના હાથે બન્નેના માથા ઉતર્યા. માથા વગરના ધડ લડતા રહીને દુશ્મનોને ભગાડી સાથરે સૂતા.

નોંધ – આજે પણ તળાવને કાંઠે માથા વગરના પાળીયા ઉભા છે જેની સિંદુર ચઢાવી પૂજા અર્ચના થાય છે. હમીરજી પઢીઆર રાજપૂત સમાજના પ્રમુખ નારસિંહ પઢીઆરના દસમી પેઢીએ દાદા થાય.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!