કાળો ઝંઝવાડિયો

સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે એમ વટ, વચન ને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની કાળી ટીલી પણ આ જ ધરતીનાં લલાટે લાગેલી છે તો આવાં લૂંટારાઓની સામે ઝીંક ઝીલી સામી છાતીએ લડી મોતને વહાલું કરનારાં વીરો પણ આ જ ધરતીએ આપ્યા છે. આવી જ વીરતાની વાતો કહેતા કેટલાંક પાળિયાઓ બાવેળા (દેવગઢ)ની સીમમાં અડીખમ ઊભા છે. એમાં એક પાળિયો છે કાળા ઝંઝવાડિયા (પરમાર)નો ગૌધન બચાવવા જતાં એ વીરગતિને પામ્યો હતો.

આજથી પાંચસો વરસ પહેલાંની વાત છે. શિયાળાની એક વહેલી સવારે ગામનાં પાદરમાં ગાયોનું ધણ નિરાંતે બેઠું હતું એવા સમયે માળિયાના સંધી-મિયાણાઓનું પાળ આમરણ ગામને માથે ત્રાટક્યું ને ગૌધનને હાંકીને લઈ જવા લાગ્યા. ગામમાં રીડિયારમણ થઈ રહી. વાછરડા ભાંભરડા નાખવા લાગ્યા, પાડા રણકવા લાગ્યા. ગોવા ગોવાળિયાએ રાડ પાડી કે, ‘દોડો, દોડો ગામનું ધણ લૂંટારાઓ વાળી જાય છે.’

સવારમાં શિરામણ કરી કાળો ઝંઝવાડિયો ઓસરીની થાંભલીને અઢેલીને બેઠો બેઠો હોકો ગગડાવી રહયો’તો ત્યાં એને કાને તરઘાયો સંભળાયો. ગોવાળિયા અને ગામેડુની રીડિયારમણ સાંભળી કાળાના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. એક પળનોય વિલંબ કર્યા વિના એણે દોટ મૂકી ઘોડી પલાણી ગાયોને હાંકીને જતાં પાળની પાછળ પડ્યો. બાવેળા(દેવગઢ)નાં સીમાડે જાતાં પાળ હારે ભેટો થઈ ગયો. ગાયોને માથે લાકડીઓની પ્રાછટ પડતી જાય છે, ભાલાની અણીયુ ઘોકાવી ગાયોને તગડયે જાય છે. ગાયોનાં ભાંભરડા સાંભળી કાળાના શરીરમાંથી ઘ્રુજારી નીકળી ગઈ. એણે લૂંટારાઓને પડકાર્યા.

પાળના અડધા માણસો ગાયોને હાંકવાના પ્રયત્નો કરે છે અને બાકીના અચાનક આવી ચડેલા અસવારને રોકવાનો પ્રયાસ કરે છે. હાથીના ટોળામાં સિંહ રમણે ચડ્યો હોય એમ ભૈરવ રૂપ ધારણ કરેલો કાળો માંડ્યો વાઢ દેવાં. રાજપૂતો પણ આવી પહોંચ્યા. બરછી, તલવાર અને ભાલાનો વરસાદ વરસવા માંડ્યો. લોહીની નીકું વહેવા લાગી, રણજંગ બરાબર જામ્યો. ધડાધડ તલવારો વીઝતું ટોળું કાળા પર તૂટી પડ્યું. ફાગણનો કેસૂડો ખીલ્યો હોય તેમ કાળો લોહીથી નાહી રહ્યો. કાળાનું માથું પડ્યું પણ ધડ લડયું અંતે ગાયોને બચાવી કાળાએ સરગાપુરની વાટ પકડી.

કાળાની મા સખીમાને કાળાની વીરગતિના સમાચાર મળતાં તેને સત ચડ્યું. કાળાનું માથું ખોળામાં લઇ આમરણમાં ચિતાએ ચડી પુત્ર પાછળ માતાભાવે સતી થયાં.

આ વાતની શાહેદી પૂરતો કાળા ઝંઝવાડિયાનો પાળિયો રાજપૂતોનાં પાળિયાની હારે બાવેળા(દેવગઢ) તા.માળિયા(મિયાણા) અને માતા સખીમાની ખાંભી આમરણ ગામે ઊભી છે.

નોંધ: ઝંઝવાડિયા (પરમાર)ના ગોરીયા ગોવિંદભાઈ ગારડીના ચોપડાની નોંધ પ્રમાણે ઝંઝવાડિયા પરમારના મૂળ પુરુષ મૂળશી પરમાર પાટણના રાજપૂત હતા.૧૧૮૭ માં પાટણની બાજુમાં આવેલાં વડસમા ગામના ચમાર ઠાકરશી સુમેસરાની દીકરી તેજુબાઈ સાથે લગ્ન કરતાં તેઓ વટલાયા. સમય જતાં વબસમાથી બલસાણા, કડી, ઝીંઝુવાડા તેમનાં પરિવારના સભ્યો આવ્યા. તેમાંથી સરવણ ઝંઝવાડિયો આમરણ આવ્યા તેમનાં લગ્ન રાધનપુરના માલા મૂછડીયાની દીકરી સખીબાઈ સાથે થયા હતા. કાળો ઝંઝવાડિયો સરવણ અને સખીબાઈનો દીકરો હતો.

આ ઘટના સંવત ૧૪૮૭માં બન્યાનો ઉલ્લેખ ચોપડામાં છે. જેની ઝેરોક્ષ નકલ મને આપી છે.(મિત્ર ડૉ.સુનીલભાઈ જાદવ સાથે સ્થળ મુલાકાત લીધી હતી)

દલપત ચાવડા…..
રાજકોટ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!