સાત ભાઈઓ અને એક બહેનની વીરતાની વાત

ભગવાન ને અવતાર લેવાનું મન થાય તેવી ધરતી, સૌરાષ્ટ્રની ધીંગી ધરા જ્યાં વિર પુરૂષોની જેમ નારીઓએ હાથમાં હથિયાર ઊઠાવી અત્યાચારનો મુકાબલો કર્યો છે. રણચંડી બની કંઈક ને રણમાં રોળ્યા છે, વળી એવી બહાદુરી એકલી રજપુતાણી, કાઠીયાણી કે ગરાસણી જ બતાવી શકે તેવું નથી સમય પ્રતિ સમય સમાજની દરેક કોમની ભામીનીઓએ ખાંપણને ખાડીયામાં લઇ ગર્જનાઓ કરી છે ધન્ય ધરા સૌરાષ્ટ્રની…

સાલેમાળ ડુંગરમાળઓ માંથી ઓપતી પંચાળ ભુમી તેનાં સીમાડે આવેલું બાબરા. આ બાબરા થી ચિતલ જતાં રસ્તા પર એક ઇંગરાળા ગામ આવે છે. ગામ નાનું પણ રળિયામણું. થોડી થોડી બધી કોમ વસે તેમાં દામોદર તરવાડી નામે એક ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રહે. બચરવાળ કુટુંબનું ભર્યું ભાદર્યુ ઘર, એમાં દામા મહારાજ ને સાત દિકરા અને દેવના છતર જેવી એક અંબા નામની દિકરી અંબા એટલે નામ જેવાં જ ગુણ. સાક્ષત જગદંબા નો અવતાર. દામો મહારાજ તેનાં સાતેય દિકરા અને આઠમી અંબા પણ હિંમત અને મજબુતાઇ ભલભલાને ઠોકર મારે તેવાં..

નીડરતા માત્ર વાતો ન હતી પરંતુ સમયાંતરે તેણે દાખવેલી મર્દાનગી ઊપર વારી જઇ કોટડા પીઠા ના દરબાર પીઠાવાળા બાપુએ દામા મહારાજ ને જીવાઇ માટે ૨૦૦ વીઘા જમીન બક્ષિસ આપેલી. આમ દામો મહારાજ ધીંગી ખેતીનો માલિક બન્યા. મોલ ઢોર સાધનથી સમ્પન્ન થયા. અધુરામા પુરૂ દામા મહારાજનાં દિકરા ને ઘોડી રાખવાનો અનેરો શોખ હવે મુળ વાત પર આવીએ…

એકવાર જુનાગઢનો હાકેમ યાત્રાએ નીકળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેનો બોહળો રાસલો ઇંગરાળા આવી ચડ્યો ને ઊતારો કર્યો. ઉતારાના બીજાં દિવસે સવારમાં હાકેમની સવારી ઉપડવાની તૈયારી ચાલે છે. બરાબર એ જ વખતે દામા મહારાજનો સૌથી નાનો દિકરો પોતાની ઘોડી લઇ ને આવ્યો. ઘોડીને પાણી પાઇ પાછો ફરવા જાય છે ત્યાં હાકેમના સૈનિકે ઘોડીની લગામ જાલી. તેના અસ્વાર ને હાકેમ પાસે લઇ જાય છે.

સૈનિક કહ્યું નામદાર એ તાજણ આપકે લાયક હૈ. કોઈએ કહ્યું ઘોડી રખલો ઔર ઉસકો પૈસે દેદો પરંતુ દામા મહારાજનાં દિકરા એ ધોડી વેંચવાની નથીં કહીને ગામમાં જતો રહ્યો .પોતાનુ અપમાન થતું જોઇ નવાબ ચીડાયો હઠે ભરાણો. સૈનિકો ને દામા મહારાજ ને ઘરે મોકલ્યા. બળજબરીથી ઘોડી લાવવાનો હુકમ કર્યો. કા ઘોડી આપ કા સંગ્રામ ખેલવા તૈયાર થઈ જા. સામા પક્ષે પડકાર ઝીલાયો, ઘડીમાં વાત પલટાઈ ગઇ, સાતેય ભાઈઓ હાથે હથિયાર લઇ કુદી પડ્યા. નીડર પણે લડવા લાગ્યા. કંઇક ને ધાયલ કર્યા. ધીંગાણું જામ્યું પરંતુ શસ્ત્ર સરંજામ થી સજ્જ સૈનિકો સામે ટક્કર ઝીલી શક્યા નહીં. સાતેય ભાઈઓ ખતમ થયાં.

ઇંગરાળાના ચોકમાં એક પછી એક સાતેય ભાઈઓ અન્યાયનો મુકાબલો કરતાં વીરગતિ ને પામ્યા. અન્યાય કરતા મોત વધારે સારું લાગ્યું. નાની બહેન અંબા થી આ સહન થયું નહીં. રૂંવે રૂંવે શૂરવીરતા પ્રગટી. રણચંડી બની સૈનિકો ને પડકાર ફેંક્યો. મર્દના દિકરા માટી થાજો. બાજુમાં જ લુહાર ની કોઢમા ગાડામાં નાંખવાનો લોખંડનો ધરો ગરમ કરવા મૂકેલો તે અંબા એ ઉઠાવ્યો અને સૈનિકો ઊપર તુટી પડી. કોઈની ચામડી ઉતારતી, કોઈનાં માથાં ફોડતી ફોજમાં રાડ પડી. ધરાના ઝાટકાથી તલવાર કટાર તુટવા માંડી, પીછે હઠ થઇ. આ બાજું અંબા એકલી સામે ખુરાટ સૈનિકો તેમ છતાં સૈનિકો ને પીછે હઠ કરવી પડે છે. પાછાં હટતા ઇંગરાળા ના સીમાડા સુધી ફોજ ને લઇ જાય છે. પરંતુ સીમાડે જતાં સૈનિકો ના સામુહિક હુમલાથી અંબા ઘાયલ થાય છે ને સૈનિકો પાછાં ફરે છે..

આટ આટલું ધમાસાણ મચ્યુ. નવાઇની વાત એ બની કે ઇંગરાળા ગામમાંથી એકપણ માણસ મદદે આવ્યુ નહીં. અંબા ને આ વાતનું બહું લાગી આવ્યું. તેને જીવવામાય રસ રહ્યો નહીં. તેણે સીમાડાની વાડીઓ વાળા ખેડૂતો ને એકઠા કર્યા. પોતાની ચિતા ખડકાવી. અંબા ચિતા પર ચડી બેઠી બળી. મરતાં પહેલાં તેને પોતાની અંતિમ ઈચ્છા તરીકે સાત ભાઈઓ અને એક બહેન આવો ભીષણ સંગ્રામ ખેલી ખતમ થયાં, છતાં ઇંગરાળા ગામના લોકો વ્હારે ન આવતાં તેનાં વંશ વારસદારો માંટે ઇંગરાળા નુ પાણી અગ્રાજ કરાવ્યું ને અંબા સળગતી ચિતા પર ચડી બેઠી. સૈનિકો તેને મારી ન શક્યા ખુદે પોતાનું બલિદાન આપ્યું.

આજે પણ ઇંગરાળા ને સીમાડે અંબા ની દેરી મોજુદ છે. જે આપ જોઇ શકો છો અને તેનાં ભાઈ ના ચાર પાળીયા પણ વિરતા ની વાત વાગોળતા ઊભાં છે. હાલમાં પણ પુજાઇ છે..
ધન્ય ધરા અમ દેશની જ્યાં રતન પાકતાં આવાં..

ફોટો સૌજન્ય:- દિલપભાઇ. આર. દેત્રૌજા

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!