રાજા મૂળરાજ દ્વિતિય ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

(ઇસવીસન ૧૧૭૬ ઇસવીસન ૧૧૭૮)

સોલંકીયુગના સુવર્ણકાળ દરમિયાન બધું જ ઉચ્ચતાના શિખરો સર કરી રહ્યું હતું પણ રાજા અજયપાળની હત્યાએ એમાં લાંછન જરૂર લગાડયુ હતું. ઈતિહાસ સાક્ષી છે કે એક રાજાની હત્યા કરી બીજો રાજા આવે. ઘણી વખત રાજાની નબળાઈઓ પણ એમાં કારણભૂત થતી હોય છે. આવાં નબળાં રાજાઓની હત્યા કરવાનું તો કોઇપણ મહત્વાકાંક્ષી માણસ વિચારે અને તેવું થતું પણ રહ્યું છે. આને લીધે જ ભારતમાં કે શું ગુજરાતમાં રાજવંશ પરિવર્તનો પણ આમાં આવ્યાં છે.

ઇતિહાસમાં તો આ બધું સામાન્ય ગણાય પણ સવાલ એ થાય છે કે શું ખરેખર આવું બન્યું હશે ખરું ? કારણકે આપણે ઈતિહાસને આજના ચશ્માં પહેરીને જોતાં હોઈએ છીએ એટલે જ તો આપણને ઈતિહાસ ધૂંધળો ધૂંધળો લાગે છે. હત્યાઓ તો થાય અરે ભાઈ આ તો ઈતિહાસ છે પણ કોઈ રાજાની હત્યા કોઈ પ્રજાજન કરે અને એ પણ રાજા બનવાની ખેવનાથી નહીં પણ માત્ર ધાર્મિક લાગણીઓ ઉશ્કેરાવાથી ત્યારે ઈતિહાસ પણ એ નક્કી કરી જ લેતો હોય છે કે હવે આ રાજવંશનું પતન નક્કી જ છે ! પણ ઈતિહાસ ચોક્કસ સમય તો કહી શકતો નથી પણ અણસાર જરૂર આપી દેતો હોય છે. આ અણસાર તો ઇતિહાસે આપી જ દીધો હતો રાજા અજયપાળની હત્યા પછી ! આ હત્યા એ રાજકીય કારણોસર નહીં પણ ધાર્મિક કારણોસર થઇ હતી અને ગુજરાતના ઇતિહાસે બહુ ભારે કિમત ચુકવવાની હતી. પ્રજાએ જ રાજાને ગાદી પરથી ઉઠાડયો હોત તો વધારે સારું થાત એમાં પ્રજાએ તો વેઠવું ના જ પડત ને ! પ્રજામાં ફાટફૂટ પડાવવા માટે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને કોઈ પણ રાજા બની શકે જ છે અને કોઈ પણ વિદેશીઓ આક્રમણ કરી જ શકે છે. કારણકે જે અત્યાર સુધી નહોતું બન્યું એ જ તો હવે બનવાનું હતું.

ઇસવીસન ૧૦૨૫ પછી એટલે કે મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યાર પછી ઇસવીસન ૧૧૭૭ સુધી તો કોઈએ આક્રમણ નહોતું કર્યું. પણ ઇસવીસન ૧૧૭૮માં પહેલીવાર ગુજરાત પર એક આક્રમણ થવાનું હતું જેમાં હિંદુઓ અને મલેચ્છો આમને સામને ટકરાવવાનાં હતાં! અરે… આ આક્રમણ એક વાર નહીં પણ 3-3 વાર થવાનું હતું અને એ જ તો સાબિત કરવાનું હતું કે ગુજરાત પર આક્રમણ કરી શકાય છે અને એની સમૃદ્ધિ લુંટી શકાય છે પ્રજાને તો ચુપ રહેતાં જ આવડે છે એટલે એને રંજાડવામાં તો કોઈ વાંધો નહીં જ આવે. નાનાં-નાનાં રજવાડાઓ અને પ્રજાની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને તેમને આપણા તરફ વળી શકાય છે એની આ આક્રાન્તાઓને ખબર જ હતી માટે જ તો તેમણે આવું પગલું ભર્યું હતું ! મુકાબલાઓ તો થવાનાં જ હતાં અને એમને એ પણ ખબર હતી કે એકવાર જો હારશું તો બીજીવાર ફરી આક્રમણો કે યુદ્ધો કરીને જીતીશું !

વિધિની વક્રતા જ એ છે કે આ જ અરસામાં જ એવું બન્યું હતું અને માત્ર ૧૦૦ વરસ પછી પણ આનાં કરતાં પણ વધારે ખરાબ બનવાનું જ હતું ! ૧૧૭૮નાં પહેલાં આક્રમણ વખતે જો ભારતની-ગુજરાતની પ્રજા જો એક હોત ને તો ૧૨૦ વરસ પછી જે બન્યું તે ના જ બન્યું હોત !

ઈતિહાસમાં આ જો અને તોની ઇંટો ક્યારેય મજબુત ઈમારત નથી બાંધી શકતી!

સોલંકીયુગમાં રાજાઓની તો ખોટ તો નહોતી પુત્ર ના હોય તો કાકાને કે એનાં પુત્રને આપોઆપ રાજગાદી મળી જ જતી હતી. મોટોભાઈ ના હોય તો નાનાં ભાઈને ગાદી આપમેળે જ પ્રાપ્ત થઇ જતી હતી કોઈપણ રીતે રાજગાદી તો રાજકુટુંબમાંથી જ મળતી હતી ! પિતાનું અકાળે અવસાન થાય તો પુત્ર ભલે નાનો હોય પણ તે જ રાજગાદી સંભાળતો હતો. આ વાતનું ઉત્તમ દ્રષ્ટાંત તો મહારજ સિદ્ધરાજ જયસિંહ જ છે ને ! ઈતિહાસ સાક્ષી છે કે એમણે મોટાં થઈને કેવું સરસ રાજ્ય કર્યું હતું તે !
હવે ઇતિહાસમાં આ જ એક બનાવ એવો છે એ બે રીતે દોહરાયો હતો. એક રાજમાતાના પ્રસંગમાં અને બીજું બાળ રાજાના પ્રસંગમાં. જો કે એ બંનેમાં ઘણો ફેર છે. શું ફેર છે ? એ જ વાત તો આ લેખ બાળ મુળરાજમાં કરવાની છે

બાળ મુળરાજ (મૂળરાજ સોલંકી દ્વિતીય)

બાળ મુળરાજ પિતા રાજા અજયપાળની હત્યા થયાં પછી એટલે કે ઇસવીસન ૧૧૭૬માં રાજગાદીએ બેસે છે. રાજા બાળ મૂળરાજ કેટલી ઉમરે પાટણની રાજગાદી પર બેઠાં હતાં તે તો નિશ્ચિત નથી પણ એવું અનુમાન લગાવવામાં આવે છે કે તેઓએ જયારે રાજગાદી સંભાળી ત્યારે તેમની ઉમર કદાચ પ્રમાણમાં નાની હોય એટલે કે તેઓ કુમળી વયના હોય! આનો અર્થ એ તો બિલકુલ નથી જ થતો કે તેઓ પા પા પગલી ભરતાં હોય અને અકાળે પિતાની હત્યા થઇ હોય અને તેમને રાજા બનાવી દીધાં હોય ! થોડોક પ્રકાશ આ બાબત પર પડવો અત્યંત આવશ્ય છે. એ માટે તે સમયના સાહિત્યને અને ઈતિહાસને ઢંઢોળવો પડે તેમ છે.

રાજા અજયપાળ પછી એમનાં પુત્ર મુળરાજ બીજો રાજગાદીએ આવ્યાં. એમનાં સમયનો વિક્રમ સંવત ૧૨૩૨ (ઇસવીસન ૧૧૭૬)નો એક લેખ મળ્યો છે. પ્રબંધોમાં આ રાજવીને “બાળ મુળરાજ”તરીકે દર્શાવવામાં આવ્યાં છે. તેથી સંભવ છે કે એ નાની ઉમરે રાજગાદી પર બિરાજમાન થયાં હશે, પરંતુ ચૌલુક્ય વંશમાં બે મુળરાજ અને બે ભીમદેવ થયાં. તેમનામાંના દરેક પહેલાનાં માટે બૃહદ (મોટો) તથા દરેક બીજાં માટે બાળ – બાલ (નાનો ) શબ્દ પ્રયોજયેલો છે. રાજા મુળરાજ બીજાનાં ઉપલબ્ધ દાનપત્રમાં એમને “પરમભટ્ટારક – મહારાજાધિરાજ-પરમેશ્વરશ્રી મુળરાજદેવ” કહેવામાં આવ્યાં છે. હવે વિચારવાનું એ છે કે જો નાનાં બાળક તરીકે એમણે રાજગાદી સંભાળી હોય તો આવી મહાન પદવી એમને મળે ખરી કે ! એનાં પરથી એ ફલિત થાય છે કે રાજા મુળરાજ બીજાં એ સાવ કુમળી વયનાં તો નહોતાં જ ! તેઓ કઈ સાલમાં જનમ્યાછે એતો કોઈ કહેતું જ નથી ખાલી રાજગાદી પર બિરાજમાન થયેલાં વર્ષોને જ આગળ કરે છે જો કે ઇતિહાસમાં આનું જ મહત્વ વધારે છે. તેની માતાનું નામ નાયકીદેવી હતું એટલે એમ્યના સાહિત્યકારોએ એવું અનુમાન કરી લીધું કે રાજા મુળરાજ દ્વિતીય નાનાં હોવાથી માતા નાયકીદેવી રાજ સંભાળતા હતાં. આવું કરવામાં, આવું લખવામાં તેઓ રાજમાતા મીનળદેવીની અસરમાં જ હોય એવું લાગે છે.

બીજો એક ટ્રેન્ડ જે રાજા અજયપાળનાં સમયમાં અને એની પહેલાં રાજા કુમારપાળથી પ્રચલિત થયો હતો એ એ છે કે જૈનધર્મનાં હિતેશ્રી તરીકે એમણે જે કર્યું એ બધું મિથ્યા છે અને તેમનાં પછીનાં રાજવીઓએ જે કર્યુ તે જ ઉત્તમ છે. આનું પરિણામ એ આવ્યું કે આ સમય દરમિયાન જે સોલંકી સામ્રાજ્ય અડગ ઉભું હતું તેની કીર્તિને લાંછન લાગે. પણ આ સમયમાં જે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ બની હતી તેને તેઓ ઉવેખવાં જ માંગતા હોય અને એણે જ વધારે પડતું મહત્વ આપી પહેલાં થયેલાં રાજાઓ જ વધુ સારાં અત્યારનાં બધાં તુચ્છ અને ગૌણ છે એવુજ સાબિત કરવાં મથતાં હોય એવું સ્પષ્ટપાને જણાય છે. જો કે એમાં બે મત નથી જ કે ઇસવીસન ૧૧૭૩પહેલાનાં રાજાઓ જ વધુ સારાં હતાં પણ આ રાજાઓએ જે સોલંકીયુગનું સામ્રાજ્ય ટકાવી જે પ્રયત્નો કર્યા છે એને નજરઅંદાજ કરવાં માંગે છે ! બને છે પણ એવું કે આ અરસામાં આ લેખકોનું એટલે જ તો ચઢી વાગે છે. તેમાં જે ઘટના સાથે ઇતિહાસમાં કદાચ ના પણ બની હોય એણે જ તેઓ વધુ પ્રાધાન્ય આપે છે.પ્રાંતવાદ અને જાતિવાદે જે માજા મૂકી હતી તે સમયમાં તેનું જ પરિણામ છે આ નાયકીદેવીની વાર્તા જેને ઈતિહાસ તો અનુમોદન આપતું નથી પણ અનુશ્રુતિઓજ એને સાચો ઈતિહાસ માની લેવાની ભૂલ કરી બેઠાં છે. રાજમાતા મીનળદેવી સાથે સરખામણી કરવાની ના હોય તેની આમને ખબર કેમ નથી પડતી લાગતી ?

નાયકીદેવીનાં પાત્રને મહત્વ આપવામાં રાજા મુળરાજ બીજાનું જે કાર્ય છે તે ભુલાઈ જાય છે અને જન્મ લેતી હોય છે આવી લોકશ્રુતિઓ જેનું ઇતિહાસમાં કોઈ જ મહત્વ નથી ! સ્ત્રીદાક્ષિણ્ય જરાય ખોટું નથી અને નારીશક્તિની નોંધ તો દરેકયુગે લીધેલી જ છે. વાત જયારે ઇતિહાસની થતી હોય તો ઇતિહાસની જ કરાય એની વાર્તાઓને તો પ્રાધાન્ય ન જ અપાયને વળી ! આનો ફેંસલો તમે આ લેખ વાંચીને જ કરજો ! એમાં જ તમને સાચી હકીક્ત્ત શું છે એની ખબર પડશે ?

રાજા મુળરાજ બીજો એટલે કે બાળ મુળરાજ કેટલાં વરસે રાજગાદીએ આવ્યાં હતાં તે તો કોઈએ ક્યાં જણાવ્યું છે ? તેઓ કુમળીવયનાં હતાં કે કિશોર કે યુવાવસ્થામાં રાજગાદીએ બેઠાં હતાં તે પણ કીને ખબર નથી ! માત્ર ખબર છે તો એમની સાલવારી ઇસવીસન ૧૧૭૬થી ૧૧૭૮ ! એમણે આ સમયગાળા દરમિયાન સોલંકી સમ્રાજ્ય માટે શું શું કર્યું હતું તે પણ જોઈ લઈએ !

મલેચ્છ પરાભવ ——–

એમનું એક અતિ મહત્વનું કાર્ય છે જે એક વિજયી અભિયાન છે તે છે મલેચ્છ પરાભવ. બાળ મુળરાજનાં ટૂંકા રાજ્યકાળ દરમિયાન એમણે ગર્જંનકના દુર્જય મલેચ્છ રાજાનો પરાભવ કર્યો એ એક મહત્વની ઘટના ગણાય છે એમનાં શાસનકાળની. આ પરાક્રમનો ઉલ્લેખ ભીમદેવ બીજાના વિક્રમ સંવત ૧૨૫૬ (ઇસવીસન ૧૨૦૦)નાં લેખમાં કરવામાં આવ્યો છે. અહી એણે “પરમેશ્વરાશ્વ-પરાભૂત દૂર્જય ગર્જનકાધિરાજ શ્રી મુળરાજદેવ” કહેવામાં આવ્યાં છે.

આ ઘટના – આ યુદ્ધ એ ઇસવીસન અફઘાન આક્રમણકાર મોહંમદ ઘોરી સાથે થયું હતું. મોહંમદ ઘોરી એ તુર્ક નહોતો ઘોંર એ ગઝનીની બાજુમાં જ આવેલું નગર એ સમયે હતું આજે જેને આપણે કાબુલ- કંદહાર કહીએ છીએ તેની આજુબાજુનો પ્રદેશ. એનો જન્મ ૧૧૪૯માં આં ઘોંરમાં જ થયો હતો.તેનું આખું નામ મુઇઝુઅદ -દ્દીન- મુહંમદ હતું. મુહંમદ ઘોરી એ આક્રમણકારી જ હતો અને એણે ભારત પર રાજ્ય નહોતું કર્યું પણ મુહંમદ ઘોરીના અવસાન પછી તેને કોઈ પુત્ર ના હોવાથી કુત્બુદીદ્દીન ઐબક જે એનો ખાસ સેનાપતિ – સલાહકાર મિત્ર હતો તેણે જ દિલ્હીમાં મમલૂકવંશની એટલે જેને આપણે ગુલામ વંશ તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના કરી ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો નાંખ્યો. ઐબકે સ્થાપના કરી ઇસવીસન ૧૨૦૬માં અને તેની સત્તાનો અંત આણ્યો ખિલજીઓએ ઇસવીસન ૧૨૯૦માં. ઐબકને મદદ કરનાર જરૂર હતો આ મુહંમદ ઘોરી. આ ઘોરીડાએ જ ભારતના રાજપૂતોને હરાવ્યાં હતાં. એણે કોને હરાવીને ભારતમાં ઐબકને સલ્તનતનો પાયો નાંખવા માટેનો રસ્તો આસાન કર્યો હતો તે વાત તો આપણે રાજા ભીમદેવ સોલંકી વખતે ચર્ચીશું અત્યારે અહીં એ અપ્રસ્તુત હોવાથી એની વાત હું કરતો નથી.

મુહંમદ ઘોરી જયારે મુલતાન જીત્યાં પછી દખ્ખણ જીતવા જઈ રહ્યો હતો ત્યરે જ રસ્તમાં તેમને આપણું આ અણહિલવાડ પાટણ એટલે કે સોલંકી સામ્રાજ્ય પડતું હતું તે વખતે આબુ પણ સોલંકીઓનાં શાસન હેઠળ જ હતું. ઘોરી અહીંથી પસાર થાય અને એને રોકે નહીં તો એ સોલંકીઓ શાના ! સોલંકીઓએ ઘોરીને આંતર્યો આબુ નજીક કાયદારામાં. સેનાની આગેવાની લીધી હતી યુવાન મુળરાજ સોલંકી બીજા એ. આ યુદ્ધમાં ઘોરી હારી ગયો અને નાસી ગયો પાછો. મુળરાજ દ્વિતીયના યુદ્ધ કૌશલ અને એમની નેતૃત્વ શક્તિનાં બધાં એ ભારોભાર વખાણ કર્યા જે સમકાલીન સાહિત્યમાં નોંધાયા છે.

આખી વાતમાં ક્યાંયપણ -કશેપણ નાયિકાદેવીનો ઉલ્લેખ થયો નથી થયો છે તો માત્ર વાર્તાઓમાં જેને નામે આજે સોશિયલ મીડિયા ચરી ખાય છે. આ વિષે મેં પણ શરૂઆતમાં લખ્યું છે પણ એ વાર્તા તરીકે શૌર્યગાથા તરીકે જ લખ્યું છે. જયારે રાજાઓ પર વિગતે લખવાનો વિચાર કર્યો ત્યારે ગહન અભ્યાસ અને સંશોધન કરતાં મારે જે જોઈતું હતું તે સત્ય સામે આવી જ ગયું કારણકે કોઈ ગુજરાતણ યુધ્ધે ચડી જ નથી અને ગુજરાતે બહુ યુદ્ધો કર્યાં જ નથી અને જોયાં પણ નથી. ઘોરીની વાતમાં નાયકીદેવીની લડાઈ કે યુદ્ધ એ વાત બિનપાયાદાર છે ! નાયિકાદેવીની હું ઈજ્જત જ કરું છું તેમને નીચાં પાડવાનો મારો કોઈ જ આશય નથી.
પણ ખોટી વાતો ના જ ચલાવી લેવાય એ પણ ઇતિહાસમાં એટલે આટલી સ્પષ્ટ કરી. બાકી વાર્તા તરીકે તો મેં પણ લખી જ છે જે કદાચ તમે વાંચી હશે જ ! એમનાં જેવાં બનવાનો જરૂર પ્રયત્ન કરજો !

બાકી …. સૌ પ્રથમવાર ઘોરીને હરાવવાનું શ્રેય તો મૂળરાજ બીજાંને જ જાય છે. આ તો શું અમુક પ્રાંતવાદીઓના મનમાં હજુ ગઝનીની લૂંટ જ રમ્યા કરતી હોય અને એમાં ભીમદેવે લાખ પ્રયત્નો કર્યા એને આંતરવાનાં પણ મહેમુદ ગઝનીનું નસીબ બે ડગલાં આગળ ચાલતું હતું એટલે તેમ થઇ ના શક્યું! પછી એ જ સોલંકીયુગના સુવર્ણકાળમાં એ લબરમુછીયા રાજા મૂળરાજ બીજાએ મહંમદ ઘોરીને ધૂળ ચટાવી એ એમને ગમ્યું નહીં એટલે એમણે લોકશ્રુતિઓ બનાવી કાઢી ! જે આજે શૌર્યગાથા થઈને અહીંતહી ફર્યા કરે છે !

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર હિદુ-મુસ્લિમ યુદ્ધ થયું આમને -સામને એટલું જ નહિ એમાં મુસ્લિમોની હાર પણ થઇ એ નાની સુની સિદ્ધિ નથી ! એક વાત કહેવાની તો રહી જ જાય છે કે આ યુદ્ધમાં ચૌલુક્યોને મદદ નાડૂલના ચાહમાનોના રાજા કલહણદેવ અને ઝાલોરના રાજા કીર્તિપાલે ખુબ મદદ કરી હતી . અર્બુદાના પરમારવંશના રાજા ધારાવર્ષે પણ ઘણી જ મદદ કરી હતી ચાલુકયોને ! આ યુદ્ધ એકતાથી લડાયું માટે જ જીતાયું બાકી આના પછી થોડાંક જ સમયમાં આ એકતાના વાઘા ઉતરી જવાનાં હતાં જેનાથી ભારતનો ઈતિહાસ બેખબર જ હતો! પણ અત્યારે આ જીતને તો બિરદાવવાની જ હોય કઈ એમાં વાંક કાઢવાનો ના હોય ! જેમાં આપણે કેમ પાછાં પડીએ છીએ ? ઇતિહાસે આને અનુમોદન આપેલું જ છે અરે મુસ્લિમ સાહિત્યકારો અને ઈતિહાસકારોએ પણ આને અનુમતિની મહોર મારેલી જ છે જરૂરત છે આપણી મહોરની ! તમને એ પ્રશ્ન જરૂર થતો હશે કે ઘોરીને હરાવ્યાં પછી બાળ -મુળરાજનું થયું શું ? તો એનો પણ જવાબ હું આપી જ દઉં છું ! રાજા મુળરાજ બીજાએ ઘોરીને હરાવ્યો એ પહેલાં એમણે માળવા સાથે પણ યુદ્ધ કર્યું હતું.

માળવા સાથે યુદ્ધ ———

રાજા મુળરાજ બીજાનાં સમયમાં માળવાના રાજ્યકાળના વિંધ્યવર્માએ પરમારોનું રાજ્ય પાછું મેળવવા ભરપુર પ્રયત્ન કર્યો હતો. ચૌલુક્ય રાજવીએ કુમારને સેન્ય લઇ મોકલ્યો હતો. આ યુદ્ધમાં વિંધ્યવર્મા હારી હારી ગયો અને એ રણભૂમિ છોડીને નાસી ગયો. કુમાર વળી પછી માળવાની સંપત્તિ લુંટીને પાટણ પાછો ફર્યો હતો. અહી જે રાજવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રાજા મુળરાજ બીજાનો છે અને આ કુમાર એ એમનો ખાસ વિશ્વાસુ માણસ હતો. નાનાં રાજા કોઈને મોકલી તો શકે પણ પોતે જાતે નિર્ણય લઇ ના શકે આ વાત પણ એ સાબિત કરે છે કે રાજા મૂળરાજ સ્વતંત્ર નિર્ણય લઇ શકે એટલાં મોટાં હતાં સાવ નાનાં કિકલા નહીં!

રાજા મુળરાજ બીજાંનાં લોકોપયોગી કાર્યો ———–

રાજા મુળરાજ બીજાંએ લોકોપયોગી કાર્યો પણ કર્યા છે જેનાં તરફ આ કથિત વર્તાકારોનું ધ્યાન ગયું જ નથી. સુરથોત્સવમાં અંતે કવિ સોમેશ્વરેપોતાનાં વંશની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે મુળરાજ બીજાંના વખતમાં પડેલાં ભારે દુકાળથી હાડપિંજર જેવાં થઇ ગયેલાં લોકોને જોઈ રાજા મૂળરાજે એમનાં ઉપરનો કર માફ કર્યો હતો.આ કાર્યમાં એમનાં પુરોહિત કુમારે મહત્વનો ફાળો આપ્યો હતો. હવે ખબર પડી ગઈને કે આ કુમાર એટલે કોણ તે !

ગુજરાત પર થયેલાં મુસ્લિમ આક્રમણ પછી તરત જ રાજા મુળરાજબીજાંનું મૃત્યુ થયું. રાજા ભીમદેવ બીજાનો સહુ પ્રથમ લેખ વિક્રમ સંવત (ઇસવીસન ૧૧૭૮)નો મળે છે. રાજા ભીમદેવ દ્વિતીયનો રાજ્યારંભ સંવત ૧૨૩૫માં થયો હતો એમ પ્રબંધચિંતામણીમાં જણાવેલ છે.

ઉપસંહાર ——

આખી વાત અતિસ્પષ્ટ એનાં પરથી થાય છે કે રાજા ભીમદેવ દ્વિતીય એ રાજા મૂળરાજ બીજાંનો નાનો ભાઈ હતો. જો ભીમદેવ સોલંકી દ્વિતીય એ મોટો હોત તો એ જ રાજગાદીએ આવત ને ! આમેય રાજા મૂળરાજ દ્વિતીય અને રાજા ભીમદેવ સોલકી એ બંને તો રાજા અજયપાળનાં જ પુત્રો હતાં ને ! તો રાજગાદી મેળવવમાં કોઈપણ પ્રકારની ખટપટ જ ઉભી ના થઇ હોત ! આ શું દર્શાવે છે? રાજ બાળ મૂળરાજનો શાસનકાળ ઘણો જ અલ્પ હતો એટલે એમનાં વિષે વધુ માહિતી પ્રાપ્ત ના થાય એ સ્વાભાવિક પણ ગણાય. પણ જેટલી છે એટલી પર્યાપ્ત છે. રાજા મૂળરાજ બીજાનું અદ્વિતીય કાર્ય મહંમદ ઘોરીને હરાવવાનું છે જેની નોંધ લેવામાં ઈતિહાસે કથિત વાર્તાઓનો સહારો લીધો છે. પણ આ કાર્ય જો એ સમયે બિરદાવાયું હોત અને એને વધારેમાં વધારે પ્રસરાવાયું હોતને તો પછી જે ભીમદેવ સોલંકી દ્વિતીયના સમયમાં જે બીજાં બે આક્રમણો થયાં તેમાં તેની અસર જરૂર વર્તાઈ હોત ! માત્ર ૧૪ જ વરસમાં ભારતના રાજાઓ એક ના થઇ શક્યાં તે જ તો આ વાતની સાબિતી છે. માળવા પર મારી દ્રષ્ટિએ જરૂરત કરતાં વધારે આક્રમણ થયાં છે જેની ઇતહાસમાં નોંધ જ નથી !! રાજા ભોજ અને પરમાર વંશની તાકાત જરાય ઓછી નહોતી અને આ માળવા સાથેનાં યુદ્ધો એ ઇતિહાસના પ્રખ્યાત યુદ્ધોમાં ગણતરી નથી જ થતી . કારણકે ઈતિહાસ પ્રસિદ્ધ યુદ્ધો તો આ ૧૪ વરસમાં જ એટલે કે ૧૨મી સદીમાં થવાનાં જ હતાં. પણ તેમાં સોલંકીયુગને કોઈ દોષ દે એ તો ના ચાલે !

આ એક યુદ્ધનો નશો બહુ જ ટૂંક સમયમાં ઉતરી જવાનો હતો અને ગુજરાત ખેદાન મેદાન થઇજવાનું બાકી હતું હજી ! પણ તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા મારવાનું કાર્ય કર્યું રાજા મુળરાજ બીજાં એ ! એ માટે તો એમણે એક નહિ લાખો સલામ છે લોકોની બોલતી જો બંધ થઇ હતી ! રાજા બાળ મુલરાજને હજી પણ લોકો “બાળ” કેમ કહે છે તે તો મારાં મનમાં એક સવાલ છે જ! તેઓ ક્યારે જન્મ્યા તેની તો કોઈને ખબર નથી ! કેવી રીતે મૃત્યુ પામ્યા તે પણ કોઈને ખબર નથી ! બસ ખાલી એ ઇસવીસન ૧૧૭૮મ મૃત્યુ પામ્યા એટલી જ ખબર છે ! તે સમયે કદાચ હ્રદયરોગ આટલો પ્રચલિત નહોતો એટલે એ રોગનો ઉલ્લેખ આમાં ના થયો હોય એવું પણ બને કે કોઈ બીજાં અસાધ્ય રોગથી એ મૃત્યુ પામ્યાં હોય એવું પણ બને . યુદ્ધમાં કોઈ ઘાવ થયો હોય જે જીવલેણ બન્યો હોય એવું પણ બની શકે છે કદાચ ! જે માહિતી છે એ રાજા ભીમદેવનાં સમયમાં લખાયેલાં લેખોમાંથી જ મળે છે. જે ખોટી તો નથી પણ પુરતી વિગતો એમાંથી નથી જ મળતી ! તેના મૃત્યુ સમયે એમની ઉમર કેટલી હતી તે તો જણાવી શકાયું જ હોત ! તો રાજા મૂળરાજ બીજાની ચોક્કસ ઉમરનો ખ્યાલ આવત.

રાણી – રાજમાતા નાયકીદેવી એ બાળ મૂળરાજના તો માતાં હતાં પણ તેઓ ભીમદેવ સોલંકી દ્વિતીયનાં પણ માતા હતાં તે તો સ્પષ્ટ નથી થતું આમાંથી? બની શકે કે રાણી કર્પૂરદેવી એ ભીમદેવની માતા હોય એમ માનીને જ ચાલવું રહ્યું ! મુળરાજ બીજાંના કર્યો તો નાજ ભૂલવા જોઈએ સાથે સાથે ભલે કથા તો કથા પણ એમાં ગુજરાતણને વીરાંગના બતાવી છે એ નારીગૌરવ જરાય ઓછું તો ના જ થવું જોઈએ ! એક શૌર્યગાથા તરીકે એણે વારંવાર વાંચવી – મમળાવવી જોઈએ ! ટૂંકમાં ….. રાજા બાળ મુળરાજના અકાળે અવસાનથી ઇતિહાસનો એક નવો અધ્યાય શરુ થતાં થતાં રહી ગયો અને એક કદી ના વિસરી શકાય એવાં કલંકિત ઈતિહાસનાં અધ્યાયનું પ્રથમ ચરણ જ શરુ થવાની વાર હતી !
એટલે જ તો આ ઈતિહાસ છે જેમાં અટકળોને કોઈ જ સ્થાન નથી હોતું! તો હવે જ શરુ થવાનો છે એ કલંકિત અધ્યાય તે હવે પછીના લેખમાં આવશે !

મારો હવે પછીનો લેખ રાજા ભીમદેવ સોલંકી દ્વિતીય અને સોલંકીયુગનાં અંતિમ રાજા ત્રિભુવનપાલ ઉપર !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!