રાજા કુમારપાળ ભાગ – 3 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

⟶ પાટણનાં પટોળા – વિશેષ લેખ ⟵
ભારત એ આર્યનારીનો દેશ છે. કોઇપણ સ્ત્રી કે છોકરી એ સાડીમાં જ વધુ સુંદર લાગે !ભારતીય સંસ્કૃતિમાં ચિત્રકલા કે શિલ્પો આ સાડીને જ પ્રાધાન્ય અપાતું જોવાં મળે છે. શતાબ્દીઓ બદલાઈ ઇતિહાસમાં કૈક રાજાઓ આવ્યાં અને ગયાં પણ નથી બદલાઈ તો આ સાડી ! વિધવિધ ભાતની અનેઅને અનેક પ્રકારની સાડીઓ એ ભારતના દરેક રાજ્યોની એક આગવી લાક્ષણિકતા બની ગયું છે.

ભારતના દરેક રાજ્યોની પહેચાન પણ આજે સાડીઓ છે તો ભારતની વિશ્વભરમાં એક અલગ ઓળખાણ પણ આ સાડીઓને લીધે જ છે. એટલે એમ જરૂરથી કહી જ શકાય કે સાડી એટલે ભારત અને ભારત એટલે સાડીઓ. સાડીઓની જ વાત કરવી હોય તો ગુજરાતની પણ એક અલગ પહેચાન છે એની ગુજરાતી સાડીઓ !

સાડીઓ જેમ બનાવટને લીધે જુદી પડે છે એમ એની પહેરવાની રીતથી પણ અલગ પડે છે. ગુજરાતની સાડી પહેરવાની રીત અલગ તો મહારાષ્ટ્રની સાડી પહેરવાની રીત અલગ. બંગાળની સાડી પહેરવાની રીત અલગ તો આંધ્ર પ્રદેશ કે કેરળ કે તમિલનાડુની સાડી પહેરવાની રીત અલગ.

ભલે સાડીઓનાં પ્રકાર અલગ અલગ હોય પણ ભારત એક છે અને ભારતીય સંસ્કૃતિ અખંડ છે એનો એહસાસ થયાં વગર આપણને રહેતો નથી એનાથી વધારે આપણે બીજું શું જોઈએ ! સાડીનો એક ગુજરાતી પ્રકાર આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને તે છે – પાટણના પટોળા ! મિલો બંધ થઇ ગઈ…. પાવરલૂમ્સ ઓછાં થઇ ગયાં ….. કારીગરો રઝળતાં થઇ ગયાં પણ આજે પાટણની આ હસ્તકલા નાશ નથી થઇ એનું આપણે ગૌરવ લેવું જોઈએ.

તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આ પાટણના પટોળા સાથે ગુજરાતના સોલંકીયુગનું નામ પણ સંકળાયેલું છે. એમાંય જયારે આપણે રાજા કુમારપાળ સોલંકીની વાત કરતાં હોઈએ ત્યારે ખાસ આ જ નામ પણ પાટણના પટોળા સાથે પણ સંકળાયેલું છે. ઈતિહાસ કદાચ આ વાત ન માને પણ ઇતિહાસના કોક ખૂણે આ વાત જરૂર નોંધાયેલી છે . હા .. એ વિષે કથાઓ બહુજ પ્રચલિત થઇ છે એટલે કદાચ આપણું મન એ ન માનવા પ્રેરાય ખરું ! મનને તો આમેય મનાવડાં જ કરતાં આવડે છે ને ! એ માને તોય ઠીક અને ના માને તોય ઠીક ! ભલે ઈતિહાસ ખોટો હોય પણ પાટણના પટોળા ખોટાં નથી. લોકો આજેય પાટણમાં આ પટોળા કેવી રીતે બને છે એ જોવાં ખાસ જાય છે. કોઈ એક કારીગરી જોવાં વિશ્વભરના લોકો ઉમટે છે એનું એક કારણ એ પણ છે કે આજે માત્ર એક જ કુટુંબ બચ્યું છે આ પટોળા બનાવતું અને પાટણ સિવાય આજે વિશ્વના કોઈપણ ખૂણે આ પટોળા બનાવવામાં નથી આવતાં એ પણ સનાતન સત્ય જ છે. આ પટોળા વિષે જાણવું અને એ કેવી રીતે બને છે એ જોવું પણ જિંદગીનો એક મહત્તમ લહાવો છે. એ વિધિની વિચિત્રતા છે કે આજે પાટણમાં માત્ર એક જ આ સાલવી કુટુંબ બચ્યું છે જે આ પટોળા બનાવતું હોય ! તો પહેલાં કેટલાં હતાં ? તો વાંચો આ ખાસ લેખ !

પટોળા રાજા કુમારપાળના જ સમયથી જ ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યાં એવું નથી. પટોળાનો ઈતિહાસ તો એનાથી પણ જુનો છે જેને વિષે આજે ગુજરાતીઓ હજી સુધી અજાણ જ છે. તમારી જાણ સારું કહી દઉં કે સોલંકીયુગમાં રાજા કુમારપાળ તો થયાં ઇસવીસનની ૧૨મી સદીમાં. પણ એનાથીય ૭૦૦ વરસ પહેલાનો આ પટોળાનો ઈતિહાસ છે. પટોળા પહેલી વાર તમને નજરે ચડે છે ચોથી સદીમાં અજંતાની ગુફાઓનાં ચિત્રોમાં એટલે અનુમાન તો એવું જ લગાવાય કે પટોળા તો ઇસવીસનની ચોથી સદીમાં બન્યાં હશે કે તે પહેલાં પણ બનતાં જ હશે ને ! અજંતાના ભીંતચિત્રો એ વત્સગુલમાશાખાના વાકાટક વંશના સમયનાં છે. જે આજે “વાશીમ” જીલ્લા વિદર્ભનું પ્રતિનિધિત્વ કરે છે. પછી સોલંકીઓનાં પાટણ પછી આ પટોળા ગુજરાતી નારીનો સામાજિક મોભો બની ગયું. જેને આજે ગુજરતી નારીઓ અને છોકરીઓ સ્ત્રીધન તરીકે ઓળખે છે.

 પાટણનાં પટોળાં

રાજા કુમારપાળે પ્રજાને રોજગારીની તકો ઉભી થાય અને પાટણ ઔદ્યોગિક શહેર બની રહે એ માટે પણ તેમને કેટલાંક ઠોસ કદમ ઉઠાવ્યાં હતાં. આજે પાટણ માત્ર રાણકી વાવ કે સહસ્રલિંગ તળાવ માટે જાણીતું છે એટલુંજ એ પટોળા માટે પણ જગવિખ્યાત છે. તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાટણમાં પટોળા બનાવવાની શરૂઆત કરાવનાર એ રાજા કુમારપાળ હતાં. જોકે કેટલાંકના માટે રાજા કુમારપાળ સોલંકી નેપાળના ૭૦૦ જેટલાં વણકરોને જેઓ કાપડ -કપડાં બનાવવામાં નિષ્ણાત હતાં તેમને પાટણમાં લાવીને વસાવ્યા હતાં તો કેટલાંક એવું માને છે કે– પાટણના સમર્થ રાજવી કુમારપાળ સોલંકીના સમયગાળામાં મહારાષ્ટ્રના જાલના પ્રાંતમાંથી પાટણમાં આવીને વસેલાં અરે વસેલા નહીં રે ભાઈ વસાવેલાં સાલવી કુટુંબોએ લગભગ ૯૫૦ વર્ષ સુધીના લાંબા સમયગાળા પછી પણ પટોળા વણાટની કાબિલેયશ હસ્તકલાને જાળવી રાખી છે.
પાટણના પટોળા એ તો ગુજરાતના ગરવા લોકજીવનની હરખમઢી વાર્તા …..

“પડી પટોળે ભાત, ફીટે પણ મીટે નહીં.”
આજના દહાડે તો ફક્ત એક જ કુટુંબ આ પટોળા હસ્તકલા સાથે સંકળાયેલું ત્યાં હયાત છે. જયારે એક જમાનામાં આખું પાટણ ૬૦૦-૭૦૦ સાલવી કુટુંબો આખા જગત પર પટોળા વડ રાજ કરતાં હતાં. એ સમયગાળા દરમિયાન આ સાલવી કુટુંબો નયનાકર્ષક પટોળા તૈયાર કરતાં હતાં પણ કાળક્રમે આ કસબીઓની સંખ્યા ઘટી ગઈ. આજે માત્ર સમ ખાવા પુરતું એ ક જ કુટુંબ છે ત્યાં પણ પટોળાની હસ્તકલા નષ્ટ તો નથી જ થઇ. પણ ગરવો કસબ તો આજના દહાડે પણ હેમખેમ સાબુત છે જે માત્ર પાટણ કે ગુજરાતની જ નહિ પણ સમગ્ર વિશ્વની શાન છે !

હવે પટોળા એટલે શું તે પણ જાણી લઈએ ….. રાજા કુમારપાળ સાથે એને સીધો સંબંધ હોઈ એ પણ જાણવું અત્યંત આવશ્યક છે.
પાટણના વિખ્યાત પટોળા શુદ્ધ રેશમમાંથી તૈયાર કરાય છે. પટોળા માટેનું શુદ્ધ રેશમ એક કાળે ચીન- જાપાનથી આયાત કરાતું હતું. એમ કહેવાય છે કે કુમારપાળના દરબારમાં કોઈ ખાસ પ્રસંગે રાજઘરાનાની સ્ત્રીઓ આ પાટણના પટોળા પહેરતી હતી. એવું પણ કહેવાય છે કે રાજા કુમારપાળે જ પોતાના દરબારની સ્ત્રીઓને આ પટોળા પહેરવાની ખાસ વિનંતી કરી હતી.

આ ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે પાટણના આ કુશળ કસબીઓ -સાલવીઓ એ મૂળ મહારષ્ટનાં જ વતની છે. એક તારણ તો એવું છે કે — આ સાલવીઓ એ મરાઠવાડા અને વિદર્ભમાં જ ક્યાંક છુટા છવાયા રહેતાં હશે પણ પોતાની આજીવિકા રળવા તેઓ ગુજરાત આવ્યાં હોય ઇસવીસનની ૧૨મી સદીમાં ! આ સમય ગુજરાતમાં રાજા કુમારપાળનો હોઈ એમણે આ સાલવીઓઓને આશરો આપ્યો હોય એવું પણ બને !

બીજું કે કોંકણ અને છેક કોણાર્ક સુધી રાજા કુમારપાળની ધાક હતી અને ખાસ તો આ પ્રદેશો એમણે જીત્યાં હોઈ એ એમનો જ પ્રદેશ ગણાય અને ત્યાંની પ્રજા એ એમની જ પ્રજા જ ગણાય. બાકી સ્થાનાંતર અને સ્થળાંતર વિષે તો કથાઓએ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આમે ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ જ આવી કથાઓને જન્મ આપતી હોય છે. એવું પણ કહેવાય છે કે સોલંકીઓનાં પતન પછી જ એમનો ધંધો ફૂલ્યો -ફાલ્યો હતો. એટલે સુધી કે ગુજરાતમાં વાઘેલા યુગની સમાપ્તિ પછી પણ જયારે ગુજરાત પર આક્રમણો થયાં અને ગુજરાતમાં મુસ્લિમ શાસન સ્થાપ્યું ત્યારે પણ આ લોકોને ઉની આંચ સુદ્ધાં પણ નહોતી આવી. ગુજરાતની કત્લેઆમનો ભોગ રાજપૂતો અને બ્રાહ્મણો જ બન્યાં છે બીજી જનજાતિ નહીં જ ! પછી મોગલોના આગમન, મરાઠા શાસન અને અંગ્રેજોનાં સમયમાં પણ એ ફૂલી ફાલી પણ તે સમયથી અત્યારસુધીના એવું કૈંક બન્યું આજે એક અને માત્રએક કુટુંબ આ સાલવીકુટુંબના વંશમાંથી બચ્યું છે. કોણ જાણે આ એમની કેટલામી પેઢી હશે તે !

પટોળા સાડીનો ઉપયોગ મુખ્યત્વે ગુજરાતના લોકોમાં થાય છે અને સાડી ડિઝાઇન ખૂબ સૂક્ષ્મ અને જૂની પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ડિઝાઇન છે જેમ કે જૂની ખાટલી ડિઝાઇન હાથથી બનાવેલા રેશમી દોરાનો ઉપયોગ અને મલ્ટી રંગીન દોરાંનો ઉપયોગ ડિઝાઇન એ ભારતીય મંદિર સંબંધિત છે અને ફૂલ અને રંગોળીઓ જેવી પ્રકૃતિની રચના છે. સાડીનો મુખ્ય ખ્યાલ.અહીં ચાર વિશિષ્ટ દાખલાઓ છે જે મુખ્યત્વે ગુજરાતમાં સાલવી સમુદાય દ્વારા વણાયેલા છે. જૈન અને હિન્દુ સમુદાયોમાં, પોપટ, ફૂલો, હાથી અને નૃત્યના આકૃતિઓની સંપૂર્ણ ડિઝાઇનવાળી ડબલ ઇકત સાડીઓનો ઉપયોગ થાય છે. મુસ્લિમ સમુદાયોમાં, ભૌમિતિક ડિઝાઇન અને ફૂલોના ઝુમખાઓવાળી સાડીઓ સામાન્ય છે, જે મોટાભાગે લગ્ન અને અન્ય ખાસ પ્રસંગો માટે પહેરવામાં આવે છે. મહારાષ્ટ્રિયન બ્રાહ્મણો સાદા, ઘાટા રંગની સરહદો અને શરીરથી વણાયેલા સાડીઓ પહેરે છે, અને નારી કુંજ નામની એક પક્ષી ડિઝાઇન પણ બહુ જ પ્રખ્યાત થયેલી છે.

પાટણના પટોળા એ આપણે જેને સામાન્ય સાડી કહીએ છીએ તેવી સામાન્ય સાડી નથી. આ સાડી એ એક પોતાનામાં શ્રેષ્ઠતા અને હસ્તકલાનો ઉત્તમ નમૂનો છે

પટોળા કોને કહેવાય ?

જયારે આધુનિક મશીનોની પણ શોધ નહોતી થઇ ત્યારના આ સલાવીઓ હાથવણાટનો જ ઉપયોગ કરતાં આવ્યાં છે. ત્યાર પછી તે પ્રિન્ટ અને રંગીન બનતી હોય છે જે મશીનમાં બનતી હોય છે પટોળા આવી સાડી નથી. પટોળામાં તો પ્રત્યેક દોરાં એ રંગીન હોય છે જેના વડે દરેક સાડીમાં એક અવનવી ભાત પાડવામાં આવતી હોય છે. જે પહેરવાથી તેની સુંદરતામાં આપોઆપ વધારો થાય છે.એ ઘણી જ કુશળતા અને ઘણોજ સમય તથા ધૈર્ય માંગી લે છે. ઉતાવળ આમાં ના ચાલે બિલકુલ જ ! બીજાં અન્ય કપડાઓમાં એ પહેલાં પાવરલૂમ્સ થી બનતાં હોય છે અને પછી તે પ્રિન્ટેડ અને રંગબેરંગી બનતાં હોય છે. જયારે પટોળામાં દરેક દોરો જ રંગબેરંગી હોય છે અને એનાં દ્વારા જ સદી ઉપર અવનવી ડીઝાઈનો પાડવામાં આવે છે. પછી એ જયારે પહેરવામાં આવે છે ત્યારે એ પહેરનારની એ પટોળાની સુંદરતામાં વધારો થાય છે. પટોળામાં જો ઉડીને આંખે વળગે તેવું તેવું હોય તો તે છે દોરના તાણા-વાણા જે એકબીજામાં પરોવીને એક અતિસુંદર ભાત પાડનારા બનતાં હોય છે.

તમે પટોળા સાડીઓનું નામ સાંભળું છે ખરું ? સાંભળ્યું જ હશેને ભાઈ એ જ તો આપણા ગુજરાતે ગૌરવ લેવાં જેવી બાબત છે. બહુ જ સુંદર હોય છે આ પટોળા અને મોંઘા પણ ! તેમ છતાં આખી દુનિયા આ પટોળા સાડીઓ પાછળ ગાંડી-ઘેલી છે. હાથની કારીગરીનો ઉત્તમ નમૂનો એટલે આ પટોળા ! બે કારીગર સાથે મળીને એક સાડી તૈયાર કરવામાં ૬ મહિના કે એક વરસ લગાડે છે. અરે લગાડે છે નહીં રે ભાઈ લાગે છે આખરે આ કામ જ ઘણું ઝીણવટભર્યું છે. જો એણે ખંતપૂર્વક કરવમાં ના આવે તો આ કામ બગડી પણ જઈ શકે છે. સાડીને બંને તરફથી ગૂંથવામાં આવે છે વણાટકામ કરવામાં આવે છે. જેના પર કોઈ સ્ત્રી, કોઈ છોકરી, હાથી, પોપટ, પીપળના પાન, ફૂલો જેવી આકૃતિઓ આકારવામાં આવે છે એને માટે રેશમના દોરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સાડીની શરૂઆતી કિંમત જ એક લાખથી દોઢ લાખ હોય છે !

પટોળા એ મુખ્યત્વે રેશમમાંથી બનાવાતાં હોય છે. આ રેશમ એ ચીન, કોરિયા અને બ્રઝીલ્માંથો મંગાવાતું હોય છે. આ દોરને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. ઉતરાણ ઉપર આપણે જે દોરાં લેવાં જઈએ છીએ છે ત્યારે આપણે શું કહીએ છીએ કે ૯ તાર કે ૧૨ તારનો દોરો કે ફીરકી આપો . બસ તેવું આમાં પણ છે પણ આમાં માત્ર બે જ પ્રકારના તારો હોય છે – ૬ તાર અને ૮ તાર ! આ બન્ને તાર એકબીજામાં ભળી જઈને એક સુંદર રેશમનો દોરો બનાવે છે. રેશમની આ પ્રક્રિયા પ્રમાણમાં ઘણી મોંઘીદાટ હોય છે . આજે પણ આ રેશમના દોરાં ચીનથી જ મંગાવાતા હોય છે. પણ હવે એ બેન્ગ્લુરૂમાં પણ ઉપલબ્ધ થયાં છે ખરાં ! આ દોરાનો રંગ એ છોડમાંથી લેવાતો- બનાવાતો હોય છે એટલાં માટે એને શાકભાજીના રંગો પણ કહેવામાં આવે છે. પણ હવે કેમિકલ કલરનો ઉપયોગ પણ વધવા માંડયો છે. આ શાકભાજીના રંગો ક્યાંય પણ મળતાં નથી હોતાં ! જરીકામ એ સોના જેવાં લાગતાં દોરમાંથી કરવામાં આવતું હોય છે.

આ પટોળા એ ૫.૫ મીટર લાંબા અને ૪ ફૂટ પહોળા હોય છે. જેમાં બન્ને બાજુએ કલર અને ભાતીગળ કામ થયેલું હોય છે. આજે આવાં પટોળા એ માત્ર પાટણમાં જ બને છે.

દોરાઓનું રંગકામ અને ભરતકામ થયાં પછી એને વણાટ માટે લઇ જવાતાં હોય છે. પછી વણાટકામનો નો એક કારીગર એ લૂમ આગળ ઉભો રહીને 3 લૂમ્સ સાથે એકસાથે કામ કરતો હોય છે. બીજાં બે કારીગર એ હસ્તકલા અને હાથવણાટનું કાર્ય કરતાં હોય છે. હાથવણાટનું કામ પતે એટલે એ કારીગરો પતોલાને અંતિમ ઓપ આપતાં હોય છે. એમ કહેવાય છે કે આ પટોળાની ડીઝાઈન જે રાજા કુમારપાળે આપી હતી તેજ આજપર્યંત ચાલી આવે છે. આજ ડીઝાઇન આજે પટોળામાંમાં જીવંત છે શતાબ્દીઓ પછી પણ અને એ જાણે આજે જ અપાઈ હોય એવી નવીનતાથી ભરપુર પણ લાગે છે. પછી આજે એક વિષય રૂપે પણ ભણવામાં પણ આવે છે. જો કે એ કેવી રીતે બનાવવું તે તો કોઈને ય શીખવાડવામાં આવતું નથી. સાલવી કુટુંબ આપણને હોંશે હોંશે બતાવે જરૂર છે પણ ધંધારૂપે કોઈને શરુ કરાવતાં નથી. આ એમનો જ ઈજારો છે અને રહેશે સદાય ! પટોળાની આ અવનવી ભાતનું રાજા કુમારપાળના સમયમાં પ્રદર્શન પણ ભરાતું હતું એમ કહેવાય છે. આજે જે પટોળાની ભાત પ્રખ્યાત છે તેમાં નારીકુંજર, નવરત્ન,વોહરાગાજી (માણેક ચોક), છાબરી બાથ,ચંદાભાટ, પાટણ ભાત, લહેરિયા,તારલિયા, ફૂલ ભાત. કેસર ચંદન વગેરે વગેરે …. એક નાનકડી ભૂલ પણ આ આખા પટોળા કામને બગાડનારી પણ નીવડતી હોય છે.

થોડુંક વિગતે આજ વાતને સમજીએ —–

વાત જ્યારે પાટણના પટાેળાની થતી હોય તો તેનો ઇતિહાસ જાણવો એ પણ રોચક વાત છે.. પટોળું શબ્દ ‘પટ્ટ’ પરથી આવ્યો છે, જેને સંસ્કૃતમાં પટ્ટા કહેવામાં આવતું હતુ, જેને ગુજરાતી પ્રખર પંડિત કે.કા.શાસ્ત્રીએ પટ્ટા શબ્દને અપભ્રંશ કરીને ‘પટોળું’ નામ આપ્યું હતું.

પટોળા વણાટમાં ૪૮ પનાની પહોળાઈ ધરાવતી સાળનો ઉપયોગ થાય છે. એક પટોળું તૈયાર કરવામાં આશરે 3 થી ૪ મહિના જેટલો સમય લાગે છે ક્યારેક તેથી પણ વધારે ! શુદ્ધ રેશમના તાણાવાળા વડે વિવિધ ભાતો નિષ્પન્ન કરવાં માટે તાણા પર ગ્રાફ તૈયાર કરી પસંદગીની ડીઝાઈન પ્રમાણે દોરાંની ગાંઠ મારી તેટલા ભાગને જરૂરિયાત મુજબના રંગ માટે અકબંધ રખાય છે. પટોળા વણાટની પ્રક્રિયા એવી છે કે એમાં રેશમની આંટીમાંથી આઠ તારને ભેગા બંધી એક તાર તૈયાર કરવામાં આવે છે. આવાં તાર તૈયાર થયાં પછી ફરીથી આંટીમાં બંધાય છે. રેશમને ગરમ પાણીમાં બાફ્ય પછી ટ્વીસ્ટકરવાની પ્રક્રિયા હાથ ધરાય છે. તાર પર ડીઝાઇનની ગાંઠ માર્યા બાસ જ્રુરુર મુજબના જુદા જુદા રંગોમાં પલાળવામાં આવે છે. આ પ્રારંભિક પ્રક્રિયા પૂરી કરાયા બાદ હાથસાળ પર પટોળા વણાટની પ્રક્રિયા હાથ ધરાય છે.

પહેલાના સમયમાં પટોળામાં ડિઝાઈન પણ હાથેથી તૈયાર કરાતી હતી. હવે આંશિક રીતે કોમ્પ્યુટરની મદદ લેવાય છે. પટોળા હાઉસના મેનેજર મેહુલભાઈ કહે છે કે જે ડિઝાઈન પટોળામાં જોઈતી હોય પહેલા તેને ગ્રાફ પેપર પર તૈયાર કરવામાં આવે છે. બાદમાં પટોળા બનાવવા ટાય એન્ડ ડાય મેથડનો ઉપયોગ થાય છે. એટલે કે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી (ટાય) દેવાય અને બાદમાં તેને કલરમાં બોળવામાં (ડાય) આવે. પટોળામાં જેટલા રંગનો ઉપયોગ થાય તેટલી વખત આ પ્રોસેસ કરવી પડે. આશ્ચર્યજનક વાત એ છે કે પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં મિક્સ નથી થતો.

પારંપરિક રીતે પટોળાને પ્યોર સિલ્કમાં નેચરલ રંગોથી બનાવવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી રંગોની હાજરીમાં કારીગરો માટે નેચરલ વેજીટેબલ મટિરિયલ્સ જેમ કે, ડુંગળીની છાલ, લાખ, મહેંદી, હજારીગરના ફૂલ, દાડમની છાલ, હળદર અને ગળીનો ઉપયોગ કરવામાં આવે છે.

પટોળાનાં રંગકામમાં હરડે, બોર્ડ, લાખ, આમળા કીરમજ, હળદર અને લીલી ગલી જેવાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ રંગોના સુભગ સમન્વયથી તૈયાર થતાં પટોળામાં લાલ, કેસરી અને લીલા રંગના પટોળા સવિશેષ ગ્રાહકને પ્રિય બની રહેતાં હોય છે. ક્યારેક કાળા રંગનું તો કયારેક પાલવ અને બોર્ડરવાળું પટોળું પણ તૈયાર કરાય છે. ૬ વારની લંબાઈ ધરાવતા પટોળાનું વજન ઘણું વધારે હોય છે. પાટણમાં અત્યારે જે સાલવી કુટુંબ છે એમની પાસે ર ૦૦ વરસ પહેલાના પટોળાઓ પણ સચવાયેલા છે. પટોળું અતિમોંઘુ હોવાથી મહદઅંશે મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં મહાનગરો કે વિદેશ વસતા ગુજ્જુ કુટુંબો દ્વારા જ ખરીદાતું હોય છે.

સસ્તી પટોળા સાડીઓ માત્ર એક જ બાજુએથી વણવામાં આવે છે જયારે મોંઘી સાડીઓનાં તાણાવાણા બંને બાજુએથી વણાયેલા હોય છે અ ને એમાં સોયમાં દોરો પરોવીને એમાં ડીઝાઈન બનવવામાં આવતી હોય છે. બંને બાજુએ થી ભરતકામ કરેલી – વણાટકામ કરેલી મોંઘી સાડીઓ ૮૦ હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધી પણ વેચાતી હોય છે. ડબલ ઇક્ક્ત પટોળા સાડીના રૂપમાં જાણીતી આ વણાટકલા અત્યારે લુપ્ત થવાની તૈયારીમાં જ છે. મુગલકાળનાં સમયમાં ગુજરાતમાં આ કલા લગભગ ૨૫૦ પરિવારો આ પટોળા વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. સમય અને એમાં થતાં ખર્ચાને કારણે બજારમાં એની પુરતી કિમત ના મળી શકવાને કારણે આ કલા સીમટવાનું મુખ્ય કારણ છે.

એમ કહેવાય છે કે રાજા કુમારપાળ આ પટોળાની ભાત પડેલું પિતાંબર પહેરીને જ રોજ મંદિરમાં પૂજા કરવાં અને જિનાલયોમાં જતાં હતાં. આ બાબતમાં એવી એક દંતકથા પણ પ્રચલિત થઇ છે કે જે કપડાં પહેરીને રાજા કુમારપાળ મંદિરમાં કે જિનાલયમાં જતાં હતાં તે કપડાં પહેરીને મંદિરમાં દાખલ થવાય જ નહિ પુજાતો બહુ દૂરની વાત છે એવું કોઈ મૂંગીપટ્ટન ગામના માણસે કહ્યું ! એટલે રાજાએ તાબડતોબ એ મૂંગીપટ્ટન ગામમાંથી કે આજુબાજુના વિસ્તારમાંથી ૭૦૦ કારીગરોને તેડાવ્યાને અહી પાટણમાં વસાવ્યા. તેમને રાજાની ઈચ્છા પરિપૂર્ણ કરી અને પછી દરરોજ રાજા કુમારપાળ એ પટોળા વસ્ત્ર પહેરીને જ પૂજા -અર્ચના કરવા જતાં અને દરરોજ નવાવા વસ્ત્રો પહેરીને જતાં જેથી તે કારીગરોને રોજીરોટી મળી રહે !

પાટણનું પટોળું અતિપ્રખ્યાત છે. પટોળાની હસ્તકલાને અનેક પારિતોષિકોથી વિભૂષિત કરાઈ છે. પાટણનું પટોળું ગુજરાતના લોકજીવનનું સજીવ સોપાન છે . આ પટોળાએ સમસ્ત વિશ્વમાં પાટણની અને એનાં ઇતિહાસમાં આવતાં સોલંકીવંશના રાજા કુમારપાળની એક વિશેષ ઓળખ સ્થાપિત કરી આપી છે.

શું તમને લાગે છે કે સોલંકીયુગની વાત કરતાં હોઈએ અને એમાં પણ રાજા કુમારપાળ સોલંકીની તો આની વાત કર્યા વગર ચાલે ખરું કે ? ના ને તો આ લેખ વાંચીને પાટણ જઈ આ પટોળા કેવી રીતે બને છે એ જોઈ આવજો બધાં!

વિશેષ લેખ ભાગ-3 સમાપ્ત અંતિમ ભાગ -૪ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!