ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ છે.

પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે ! ભાગ્યે જ કોઈ ઘરનો ઉંબરો અપૂજ રહેતો હશે ! ઉંબરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે.

ઉંબરો ઘરની આબરૂનો રક્ષણહાર છે. માનવી મન અતિ ચંચળ છે. કઈ ક્ષણે ક્યાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઘરની બહાર પગ મૂકે, ઉંબરો ઓળંગે ત્યારે એ ઘરનો મૂક સાક્ષી બની બેઠેલો ઉંબરો તેને તેના અંતરમન મારફત પૂછે છે, ‘તું આ ઉંબરો ઉલ્લંધે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને ? આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળીને ? બહાર પગ મૂકે છે તે આડોઅવળો તો નહીં પડે ને ?’ અને આ ઉંબરો એક મૂક વડીલની ગરજ સારે છે, ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે, અસત્‌ના પંથ ઉપર આગળ વધવાની મનાઈ ફરમાવે છે. ઉંબરો માનવીના કૃત્યોની નોંધ લે છે. ઘર બહાર જતાં, ક્યાં જાવ છો તેની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતાં પુરૂષની ઘર બહારના શુદ્ધ આચરણની જડતી લે છે.

બહારથી ઘરમાં આવતા પુરૂષની સાથે તેની ભીતરમાં અનીચ્છનીય વિચારો, અનિચ્છનીય વાતો તો ઘૂસી જતી નથી ને ? તેની જડતી લે છે. બહારથી પૈસો કમાવી લાવતા પુરૂષને ઉંબરો પૂછે છે – ‘આ પૈસો તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છે ને ? હરામની કમાણી તો નથી ને ?’ અને સંસ્કારી જીવ હરામણી કમાણી લાવ્યો હશે તો ઉંબરામાં દાખલ થતાં જ તેનું અંતરમન તેને ડંખશે. ઉંબરો એટલે લક્ષમણ-રેખા. ઉંબરો જેમ ઘરના ધણીની જડતી લે છે તેમ બહારથી આવનાર આગંતુકની પણ નોંધ લે છે. આવનાર વ્યક્તિને ઉંબરા બહાર રાખવી કે અંદર આવવા દેવી છે ? જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન હોય તો ઉંબરા બહાર ઊભો રાખી તેને ત્યાંથી વિદાય કરે છે. ટૂંકમાં, ઘરમાં કઈ વ્યક્તિ, ક્યા પ્રકારનું વિત્ત, કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉંબરા પર નક્કી થવું જોઇએ. આજે માણસ પાણી મેલું હોય તો પીતો નથી, પણ વિચારો ગમે તેવો મલિન હોય તો પણ સ્વીકારી લે છે. પાણી જેમ ઉકાળીને ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યાયની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિના ગળણાથી ગાળીને સ્વીકારવા જોઈએ. બુદ્ધિ એ માનવી જીવનનો ઉંબરો છે.

ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે, પાપનો પૈસો પતનને માર્ગે ધકેલાશે, અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે. આવી વ્યક્તિ, વિત્ત, વસ્તુ કે વિચાર ઘરના ઉંબરાની બહાર રહે એમાં જ કુટુંબનું શ્રેય છે. ગૃહલક્ષમીએ ઉંબરાનું પૂજન કરી ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઇએ કે, ‘‘હે પ્રભુ ! મારા બારણે સેતાનનું નહીં, સંતનું સ્વાગત હો – અલક્ષમીનું નહીં, લક્ષમીનું પૂજન હો. મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં, પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહો, કુવિચારોનો કચરો નહીં પણ સદ્‌વિચારોનું સામ્રજ્ય સર્જાઈ રહો.’’ ઉંબરો એટલે મર્યાદા આપણા જીવનમાં વિચાર, વિકાર, વાણી, વૃત્તિ અને વર્તનની મર્યાદાઓનો સ્વીકાર હોવો જોઈએ. આપણે ત્યાં બધા જ ૠષિઓએ અને આચાર્યોએ વેદ માન્ય વિચારો કહ્યા છે.

તેમણે વિચાર પર વેદનું બંધન માન્ય કર્યું છે. તે જ રીતે આપણા વિકારો પર પણ બંધન હોવું જોઈએ. આપણી વાણી પણ મર્યાદાથી શોભતી હોવી જોઈએ. સુનિયંત્રિત વાણી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ કરે છે. માણસે વૃત્તિમર્યાદા પણ સ્વીકારવી જોઇએ. દીન કે લાચાર ન બનતાં સ્વવૃત્તિને અનુકૂળ કર્મ કરી તેણે તેજસ્વિતાથી જીવન વિતાવવું જોઇએ. વૃત્તિસંકરતાથી વર્ણસંકરતા ઊભી થાય છે અને સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. એ જ રીતે માણસે વર્તન મર્યાદા પણ સાચવવી જોઇએ. માણસ એ સામાજિક પ્રાણી છે તેને બીજા જોડે રહેતાં આવડવું જોઈએ. મારા પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દ્રઢ થાય તો આપણું વર્તન સ્વયં સુનિયંત્રિત બની જાય. ભગવાન શ્રી રામે પોતાના જીવન દરમીયાન બધી જ મર્યાદાઓનું યથોચિત્ત પાલન કરી દેખાડયું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરૂષોત્તમ કહેવાય છે. સંક્ષેપમાં મારા વિચારો વેદમાન્ય, વિકારો ધર્મમાન્ય, વાણી શાસ્ત્રમાન્ય, વૃત્તિ વર્ણમાન્ય તેમજ વર્તન ઇશમાન્ય હોવું જોઇએ. એવો સંદેશ પરોક્ષ રીતે ઉંબરો પોતાની મૂક ભાષામાં આપે છે. ઘરના પ્રતિહારી, વૈભવ અને ચારિત્રયના રક્ષક, લક્ષમણ રેખાના દર્શક તેમજ મર્યાદા પાલનના પ્રેરક એ ઉંબરાને ભાવપૂર્ણ નમસ્કાર…

– પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પાંડુરંગ આઠવલે (પૂ.દાદા) 

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!