જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી આગળ …..
ગુજરાત પર મુસ્લિમ આક્રમણ –——
મહાન પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ શાહબુદ્દીન ઘોરીને ઇસવીસન ૧૧૯૧માં હરાવીને પાછો કાઢેલો પણ પછી તે ૧૧૯૨-૯૩ની ચઢાઈમાં તેઓ હારી ગયાં અને કેદ થયાં અને કંદહાર પાસે કારાગારમાં જ તેમનું મૃત્યુ થયું. ત્યાર પછી મહમ્મદ ઘોરીએ કનોજના ગઢવાલ રાજા જયચંદને હરાવીને પોતાનો રાજ્ય વિસ્તાર છેક વારાણસી સુધી વિસ્તર્યો. ખયાલ રહે કે આ બધું ઘોરીએ પોતાનાં ઘોંર સામ્રાજ્ય માટે કર્યું હતું તેણે ભારતમાં સત્તાનો ડેરો નહોતો જમાવ્યો ! આ યુદ્ધ પણ આબુની તળેટીમાં જ લડાયું હતું આ વખતે આબુના રાજા ધારાવર્ષદેવ અને એમનાં ભાઈ પ્રહલાદને ભીમદેવને ઘણી સારી એવી મદદ કરેલી. રાજપૂતો અને મુસલમાનો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પણ કમનસીબે આ યુદ્ધમાં રાજા ભીમદેવ બીજાંના પક્ષે ઘણું નુકશાન સહન કરવું પડયું હતું . ચોલુક્ય સેનાની કારમી હાર થતાં ઘોરીનો ખાસ માનીતો ગુલામ અને સરસેનાપતિ કુત્બુદ્દીન ઐબક છેક અણહિલવાડ પાટણ સુધી ધસી આવ્યો અને આખાં નગરની જાહોજલાલી નષ્ટ કરી અને એને લુંટીને એ અજમેર પરત ફર્યો.
હવે થોડોક ઈતિહાસ આઘોપાછો થઇ જતો લાગે છે જેમાં તથ્ય ઓછું અને મોણ વધારે છે. એ વાત એવી છે કે રાજા ભીમદેવે પોતાની નિષ્કિયતા પારખી જઈને એક શક્તિશાળી સમાંતને સેનાને લઈને ઘોરીના ખાસ માણસ કુત્બુદ્દીન ઐબકને હરાવવા આબુ મોકલે છે, આ ખાસ માણસનું નામ છે લવણપ્રસાદ વાઘેલા ….. આ નામ ખાસ યાદ રાખજો આજ નામ હવે પછી મહત્વનું બનવાનું છે અને એજ નામ સોલંકીયુગના અસ્ત માટે જવાબદાર પણ છે ! આ લવણપ્રસાદને ધોળકા ભેટમાં આપ્યું હતું ત્યાની સત્તા ભીમદેવે લવણપ્રસાદને સોંપી હતી. જે પછીથી ત્યાંના રાજા બની ગયાં હતાં અને પોતે પાટણનાં પણ રાજા છે એવું માનતાં હતાં. હવે આ લવણપ્રસાદે કુત્બુદ્દીન ઐબકને હરાવ્યો હતો ઇસવીસન ૧૧૯૪માં એવું કહેવાય છે. તેમાં આબુના રાજા ધારાવર્ષે પણ મદદ કરી હતી
આ કહેવા – લખવાનો મતલબ આપણે એ કાઢવાનો કે એ પાત્રને ઉઠાવ મળે અને ભવિષ્યમાં શું બનવાનું છે એનો અણસાર મળે જે નવલકથાના પ્રકરણોમાં સારું લાગે પણ ઇતિહાસમાં નહીં ! ઈતિહાસ તો આવી ક્ષુલ્લક બાબતોથી પર જ હોય છે ! ઈતિહાસ કયારેય પ્રકરણોનો મોહતાજ નથી હોતો ! હવે સં ૧૯૯૪પછીની જીત પછી લવણપ્રસાદ હવામાં ઊડવા લાગ્યાં અને પોતાની જાતને જ અણહિલવાડના રાજા સમજવા લાગ્યાં.
જાણે એમનાં વગર પાટણનો પાટલો પણ ના ફરકતો હોય એમ ! વળી એમણે અત્યારના રાજકારણમાં જેમ થાય છે અને બને છે એવાં પગલાં લીધાં અને રાજા ભીમદેવ પાસે લેવડાવ્યાં. એ એ કે લવણપ્રસાદને બે સુપુત્રો હતાં એક હતો વિરમદેવ જેને વિરમગામની જાગીર અપાવડાવી અને એમ કહેવાય છે કે આજ વિરમદેવે વિરમગામની સ્થાપના કરી ત્યાંનો વહીવટ પોતાનાં હસ્તક લીધો હતો. હવે જો વિરમદેવે વિરમગામની સ્થાપના કરી હોય તો રાજમાતા મીનળદેવીએ ત્યાં મીનળસર નામનું તળાવ બંધાવ્યું કઈ રીતે ? જે પહેલાં હોય એને જ સાચું મનાય પછી બંધાવ્યું એનેણે તો અનુમોદન ના જ અપાય એટલે મીનળદેવીની વાત જ સાચી છે કે આ પહેલાં ત્યાં વિરમગામ હતું એ કંઈ પછીથી નથી બંધાવ્યું -વસાવ્યું ? લવણપ્રસાદને બીજો પણ એક દીકરો હતો વીરધવલ નામનો એણે લવણપ્રસાદે સેનાપતિ બનાવી દીધો !
સેનાપતિ બને એટલે એને યુદ્ધમાં ઉતારવો પડેને એ માટે આ મુસ્લિમ આક્રમણ સિવાય એમની પાસે બીજો કયો રસ્તો હતો ? એટલે ઈસ્વીસન ૧૧૯૫માં કુત્બુદ્દીન ઐબકના જમાઈ અલ્તમશ -ઈલ્તુમીશને ગુજરાત પર આક્રમણ કરવાં મોકલ્યો તો એની સામે લવણપ્રસાદે સેના લઈને પોતનાં પુત્ર વીરધવલને મોકલ્યો. તો સોલંકીની સેનાને મદદ કરવામાં ધારાવર્ષ અને અને અતિપ્રખ્યાત મંત્રી વસ્તુપાળે મદદ કરી હતી અને યુદ્ધમાં ભાગ પણ લીધો હતો અને આ સહિયારા પ્રયત્ને તેમને પાછી જીત અપાવી હતી.
પછી ૧૧૯૭માં ખુદ કુત્બુદ્દીન એક મોટી સેના લઈને આવે છે અને જેમાં અણહિલવાડની સેના કારમી રીતે પરાસ્ત થાય છે ! ઇતિહાસમાં ખાલી આ જ વાત ચોપડે નોંધાયેલી છે બીજી નહીં ! ૧૧૯૭માં જ પાટણની સેના હારી હતી એ વાત કરવાં માટે બીજાં બે યુધ્ધોનો ખાલી ખોટો સહારો લેવામાં આવ્યો છે જે યુદ્ધો થયાં જ નથી. ઘોરી એક અને એનાં જ વખતમાં પૃથ્વીરાજ અને રાજા ભીમદેવ દ્વિતીયની સેના વચ્ચે આટલાં બધાં યુધ્ધો થાય એ વાત ઈતિહાસ સ્વીકારતો નથી. ઈતિહાસમાં એક વાર હાર થાય તો બીજીવાર આક્રમણ કરે એ વાત તો સ્વીકારાય પણ સતત આક્રમણ કરે એ વાત તો ના જ સ્વીકારાય ! જેવું પૃથ્વીરાજમાં બન્યું છે એવું આમાં પણ બન્યું છે આમાં આપણા ઈતિહાસકારો અને સાહિત્યકારો તો ચાલતી ગાડીમાં જ સવાર થઇ ગયાં છે કારણકે આ બાબતમાં તો મુસ્લિમ ઈતિહાસકારો અને સાહિત્યકારો પણ સંમત નથી.
દરેક જણ જુદું જુદું કહે છે કારણકે ઘોરી આ અગાઉ સન ૧૧૭૮માં હાર્યો હતો તે ૧૧૯૪ સુધી રાહ શું કામ જુવે ? ૧૧૯૨માં તો ઘોરી પોતાનાં વતનમાં હતો ત્યારે એનો ગુલામ કુત્બુદ્દીન જ ભારતમાં આક્રમણની બાગડોર સંભાળતો હતો. જો કુત્બુદ્દીન બે વાર હાર્યો હોય તો એ ભારતમાં પોતાની સલ્તનત સ્થાપી શકે જ નહીં જે ઇસવીસન ૧૨૦૬માં સ્થપાઈ હતી ! એનું મારું કારણ એ છે કે જો ગુજરાતમાં એ હાર્યો હોય તો પૃથ્વીરાજ પછી ઘણાં રાજાઓ એવાં હતાં કે જે કુત્બુદ્દીનને ભારતનો સુલતાન બનવા જ ના દે !
ગુલામો લેવાની -ખરીદવાની પ્રથા તે સમયમાં ખુબ જ પ્રચલિત હતી ખાસ કરીને આ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્ક અને આરબ દેશોમાં. તે જમાનામાં ગુલામો એટલે કે નોકરો વેચાતાં મળતાં હતાં. આ કુત્બુદ્દીનને મહંમદ ઘોરીએ મીસાપુરના કાઝી પાસેથી ખરીદ્યો હતો એવું કહેવાય છે.
એનું નામ ઐબક પણ ઘોરીએ જ પાડયું હતું. “ઐબક “નો અર્થ તુર્કિશ ભાષામાં ચંદ્ર જેવાં મુખવાળો એવો થાય છે. જયારે કુત્બુદ્દીનનો દેખાવ બિલકુલ ચંદ્ર જેવો નહોતો. વહાલથી જે નામ પડાય એમાં અર્થો સાથે કંઈ જ લાગતુંવળગતું નથી હોતું. હવે આ કુત્બુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો ત્યારે તે પોતે પહેલાં ગુલામ હોવાથી એ વંશનું નામ ગુલામ વંશ પડયું હતું આ ગુલામ વંશની એક ખાસિયત એ પણ છે કે તેમાં મોટેભાગે બધાં પહેલાં ગુલામો હતાં તેઓ જ સુલતાન બન્યાં હતાં. પૃથ્વીરાજ શું દગાથી હાર્યો કે ભારત આખું ગુલામમય બની ગયું !
ક્યાં ગઈ આપણી સંસ્કૃતિ અને આપણી વીરતા ! આપણને તો ખાલી અંદરોઅંદર લડતાં આવડે કંઈ બાહ્ય દુશ્મનોનો સામનો કરતાં થોડો આવડે છે ! આપણી આ જ પરિસ્થિતિ આપણને ત્યાર પછી આપણને ૮૦૦ વરસ સુધી ગુલામીની ઝંઝીરમાં જકડી રાખવાની હતી. રોગને ઉગતો જ ડામવાનો હોય અને આ ઐબક એક એવો રોગ હતો જેને આપણે ડામવાની જગ્યાએ કોરોનાની જેમ વકરાવ્યો. આવનારા વર્ષોમાં એનું આપણે ગંભીર પરિણામ ભોગવવાનું હતું. જો તે વખતે જ કુત્બુદ્દીનને નાથવામાં આવ્યો હોત તો આ સિલસિલો ત્યાં જ ખતમ જઈ જાત !
પૃથ્વીરાજ ચૌહાણનાં પતન પછી દિલ્હી સલ્તનત માટેનો રસ્તો આપોઆપ ખુલ્લો થઇ ગયો હતો એટલે જ્યાં સુધી ઐબક ઘોરીની નિશ્રામાં હતો ત્યાં સુધી તો તે સુલતાન બની શકે એમ નહોતો. ઘોરી એજ એને પોતાનાં મૃત્યુ પછી વારસદાર નીમ્યો હતો અને ઘોરી સામ્રાજ્ય તેને સોંપ્યું હતું પણ ઐબકે દિલ્હીને પોતાની મહોર મારી દિલ્હીનું આધિપત્ય તેને આપોઆપ મળી ગયું હતું કોઇપણ જાતના અવરોધ વગર. રહી વાત ઈલ્તુમીશની તો એનાં ચાલુક્યો સાથેના સંઘર્ષની વાત માત્ર એક સંસ્કૃત નાટકમાં જ છે જેનું નામ છે “હમીર – મદ – મર્દન ” જે જયસિંહ સૂરિ દ્વારા લખાયેલું હતું આને સાચો ઈતિહાસ ના જ મનાય ! વળી ઈલ્તુમીશ એ પણ ગુલામ જ હતો ઐબકનો જમાઈ નહોતો. જે પણ દિલ્હીની રાજગાદીએ આવ્યો હતો સં ૧૨૧૧ માં! સંસ્કૃત નાટકમાં ઈલ્તુમીશને હારતો બતાવ્યો છે પણ તે ઐતિહાસિક તથ્ય નથી !આ બધાંનો સાર એટલો કે જો ઐબક બબ્બે વાર હાર્યો તો ૧૨૦૧માં પણ પોતાની રાજગાદી ટકાવીને ફરી સત્તા પર આવનાર રાજા ભીમદેવ દ્વિતીય તેને બેસવા દે ખરો કે ! આ બધું તો લવણપ્રસાદ -વિરમદેવ – વીરધવલઅને વસ્તુપાળનાં પાત્રને ઉઠાવવા માટે જ થયું છે. વસ્તુપાળ તો આમે ય જૈન હતો અને એણે જૈન સ્થાપત્યો બહુ જ બાંધ્યા છે એટલે એનાં પાત્રને આમેય ઉઠાવ મળવાનો જ હતો. તમે ઈચ્છો કે ના ઈચ્છો તો પણ !
મહંમદ ઘોરીએ જે ભારતની અને ગુજરાતની ઘોર ખોદી હતી ઇસવીસન ૧૧૯૭માં! બાકીની સાલો ખોટી છે એટલે આ જ સાલ સાચી મનાય.
તેની અસર ગુજરાતમાં ઠેર ઠેર ઠેકાણે જોવાં મળે છે. જેમાં એક છે વિજયનગર પોળો ફોરેસ્ટ ! જેમાં આભાપુર નામનું એક ગામ છે જ્યાં આગળ જ આ બધાં સ્મારકો છે તેમાં એક છે ઇસવીસનની ૯મી ૧૦મી સદીમાં બનેલું સોલંકીયુગીન સૂર્ય મંદિર છે જે બનતાં સુધી તો રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું . તે જયારે હું જોવાં ગયો ત્યારે ત્યાં એક બોર્ડ વાંચવામાં આવ્યું કે આ મંદિર ૧૧૯૭માં મહંમદ ઘોરી દ્વારા તોડવામાં આવ્યું હતું. ત્યાંનાં રહીશો પણ આ વાત હોંશે હોંશે આપણને કહે છે અને આ મંદિરનાં અવશેષો બતાવે છે અને આપણા ફોટા પણ પાડી આપે છે યાદગારી રૂપે ! આ મેં જયારે જોયું ત્યારે મારું લોહી ઉકળી ગયું હતું. ૧૧૨૫ વરસ થયાં પણ આપણી મનોવૃત્તિ હજી પણ ગઝની – ઘોરી- ખિલજી – મોગલો જેવી જ છે. ત્યારે પણ ત્યાં મારાં આ જ શબ્દો હતાં કે —- “ભારતના રાજાઓ જો એક થઈને લડયા હોત તો કોઈની મજલ છે કે આપણી સામે કોઈ આંખ ઉઠાવીને જુવે”
હે પ્રાંતવાદ અને જાતિવાદ…… એટલો બધો ના ફૂલોફાલો કે ભારતની સંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતા જ અવશેષ બની જાય ! ઘોરીના આક્રમણ પછી જ આ કમબખ્ત મલેચ્છો ભારતમાં ઘર ભાળી ગયાં હતાં અને એક આપણે છીએ કે જે યુદ્ધો થયાં જ નથી એનાં વિષે ગીતું ગાતાં રહીએ છીએ અને કોણ જાણે ક્યાં સુધી ગાતાં રહીશું તે !પૃથ્વીરાજને જો મદદ આપણા ગુજરાત સહીત બધાં રાજાઓએ મદદ કરી હોત તો આજે આપણે આ દિવસો જોવાનો વારો નાં જ આવત ને !
લેખ છે રાજા ભીમદેવ દ્વિતીય પરનો પણ તેમાં આ બીજી બધી જ વાતો વધારે થાય છે. ચલો ઘોરીડા પ્રકરણ સમાપ્ત કરીએ કારણકે ૧૦૦ વર્ષ પછી આનાથી પણ વધારે ખરાબ અધ્યાય શરુ થવાનો જ છે ત્યારે એની ચર્ચા કરશું આપણે. હા તો આપણે ભીમદેવ દ્વિતીયમાં ક્યાં અટક્યા હતાં ! હા યાદ આવી ગયું હોં !
રાજા ભીમદેવના સામંતોમાં ચૌહાણ ધાંધલદેવ, ચોહાણ કીર્તિપાલ સમરસિંહ પરમાર, ધારવર્ષ અને સોમસિંહ, રાણા લવણપ્રસાદ, વીર ધવલ,, વીસળદેવ વગેરે ભીમદેવને સદાય સહાયરૂપ થતાં હતાં.
માળવા સાથે યુદ્ધ ——-
પરમાર રાજવી વિંધ્યવર્માએ રાજા ભીમદેવની નબળી પરિસ્થિતિનો લાભ લઇ માળવાની ભૂમિ પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો. ભીમદેવ દ્વિતીય અને વિંધ્યવર્મા વચ્ચે ક્યારે યુદ્ધ થયું એનો કોઈ સ્પષ્ટ આધાર મળતો નથી, પણ સુરથોત્સવમાં સોમેશ્વરે જણાવ્યું છે કે, સોલંકી રાજવીએ પોતાનાં પિતા કુમારને સેનાપતિ બનાવી વિંધ્યવર્મા સામે મોકલ્યો. વિંધ્યવર્મા રણભૂમિ છોડીને ભાગી ગયો અને ગોગસ્થાન નામના શહેરમાં ભાગીને ત્યાં મહેલની જગ્યાએ કુવો ખોદ્યો અને એમાં એ છુપાઈ ગયો. વિંધ્યવર્મા પછી એમનો પુત્ર સુભટવર્મા માળવાની ગાદી પર બેઠો. પરમારો ધીરે ધીરે બળવાન બનતાં જતાં હતાં. આ સુભટવર્મા વિષે પ્રબંધમાં જણાવાયું છે કે — રાજા ભીમદેવનાં રાજ્યકાળમાં માળવાનો સોહડ નામનો રાજા ગુજરાતના સિમાડા સુધી ચડી આવ્યો ત્યારે ગુર્જર દેશનાં પ્રધાને એણે સૂર્ય જેવો કહ્યો અને કહ્યું કે — તમારી જગ્યા તો પૂર્વ દિશામાં છે.પશ્ચિમનાં લયમાં ન જાઓ, એમ કહી એણે પાછો વળ્યો. આવું કહેનાર એ લવણપ્રસાદ જ હતાં.
આ લવણપ્રસાદ અને મંત્રી વસ્તુપાલે જે રાજાઓ વિદ્રોહ કરતાં હતાં તેમને કુનેહપૂર્વક સંધિ-મિત્રતા કરી પાછાં વાળ્યાં હતાં. એમાં ક્યારેય યુદ્ધની નોબત તો આવી જ નહોતી. રાજા ભીમદેવની નબળી મનોસ્થિતિનો તે સમયના મહંતો અને મંત્રીઓ તથા પાડોશી રાજ્યના રાજાઓએ ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. આનાથી જ એ મહંતો પોતે રાજા હોય એવું વર્તન કરતાં થઇ ગયાં હતાં.
ઇચ્છાઓની એક સીમારેખા હોય છે પણ જયારે એ મહત્વાકાંક્ષા બને છે ત્યારે રાજયપરિવર્તન અચૂક આવતું હોય છે .
આમાં પોતાની જ મહત્તા વધારવા તેઓ તત્કાલીન રાજાનું મહત્વ ઓછું આંકતા હોય છે. આવું જ કૈંક રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયની બાબતમાં બન્યું છે. રાજા ભીમદેવનું કમનસીબ કહો તો કમનસીબ અને રાજયોની પરિસ્થતિ કહો તો પરિસ્થિતિ એવી હતી કે જેનો ગેરલાભ કોઈ પણ ઉઠાવી શકે ! એવું જ બન્યું છે સોલંકીયુગીન ગુજરાતમાં ! રાજા ભીમદેવ દ્વિતીય એ ઘોરી એટલે કે કુત્બુદ્દીન ઐબક સામે હાર્યા પછી એવું કહેવાય છે કે તેઓ કોઈ દુર્ગમાં છુપાઈ રહ્યાં હતાં. આ વાત કહેનારાનાં મનમાં રાજા ભીમદેવ પહેલાની વાત ઘર કરી ગઈ હોય એમ લાગે છે. આ બંને ભીમદેવને નીચાં પડવાનું એક વ્યવસ્થિત કાવતરું જ છે.જેનો લાભ સાહિત્યકારોએ ભરપુર ઉઠાવ્યો છે.
રાજા ભીમદેવ હાર્યા પછી નિષ્ક્રિય જરૂર થઇ ગયાં હતાં પણ તેમ છતાં તેમને સોલંકીયુગની સત્તા જરૂર ટકાવી રાખી હતી એનો અકાળે અંત તો નહોતો થવાં દીધો. એક જ વાત આશ્ચર્ય જરૂર પમાડે છે કે – તેઓ ઘોરી-ઐબક સામે ઇસવીસન ૧૧૯૭માં હાર્યા પછી તેઓએ ઇસવીસન ૧૨૦૧માં આ જ લવણપ્રસાદ – વીરધવલ – વિરમદેવ અને વસ્તુપાળની મદદથી ફરી સત્તા હાંસલ કરી હતી. આ ફરી સત્તા હાંસલ કરવાનો મતલબ શું થાય ? આવું કહેવાં-લખવા પાછળનો અર્થ એક જ કઢાય કે પાટણમાં કોઈક બીજાની વિજયપતાકા લહેરાતી હતી એટલે કે કોઈક બીજાએ પાટણની સત્તાની બાગડોર પોતાનાં હાથમાં લીધી હતી. પણ એવું કંઈ તો બન્યું જ નહોતું ઘોરી તો લુંટીને જતો રહ્યો હતો. ઘોરીએ માત્ર પૃથ્વીરાજને જ કેદ કર્યો હતો બાકી બધાં રાજાઓ માત્ર એનો સામનો કરવામાં હાર્યા હતાં. કહેવાનું તાત્પર્ય એ છે કે ઇસવીસન ૧૧૯૭માં ઘોરીએ અણહિલવાડ જીત્યું પણ એનાં પર પોતાનો કબજો નહોતો જમાવ્યો કે પોતાનાં સામ્રાજ્યમાં નહોતું ભેળવ્યું. ધાર્યું હોત તો ગુલામવંશનો સ્થાપક કુતુબ -દ્દીન – ઐબક પણ તેમ કરી શક્યો હોત પણ તેણે તેમ નહોતું કર્યું કારણકે જયારે રાજા ભીમ્દેવનું શાસન ચાલુ હતું ત્યારે એમના જ સમયગાળામાં થયેલાં ઈલ્તુમીશે સન ૧૨૨૬માં રણથંભોર અને સન ૧૨૨૭માં મંડોર તથા આ અગાઉ ગ્વાલિયર , ભિલસા અને ઉજ્જૈન માં પોતાની વિજયપતાકા લહેરાવી અને તેનાં પર પોતાનો કબજો જમાવ્યો હતો. ત્યારે જો આ ઈલ્તુમીશ અને ઐબક જો ગુજરાતમાં હાર્યા હોય તો તેઓ આમને બાકાત રાખે ખરાં કે ! ઐબકે જયારે મહંમદ ઘોરીના કહેવાથી સં ૧૧લ૭મ હુમલો કર્યો ત્યારે આ મલેચ્ચોની સેનાએ કાળો કેર વર્તાવ્યો હતો અને આપલી સંપત્તિ લુંટી ગયો હતો ત્યારે તેમને ગુજરાતને ખંડિયું રાજ્ય નહોતું બનાવ્યું કે તેણે પોતાનાં રાજ્યમાં નહોતું ભેળવ્યું
કારણકે ઇસવીસન ૧૨૦૧ પછી તો ગુજરાતમાં રાજા ભીમદેવનું શાસન ૪૨ વરસ સુધી બહુ જ સરસ રીતે ચાલ્યું હતું તેમાં કોઈએ બધા નહોતી નાંખી કે કોઈ તેમાં આડખીલીરૂપ નહોતું બન્યું. તે સમયે દિલ્હી સલ્તનતે તો ભારતમાં પોતાનો ડેરો જમાવ્યો હતો અને તેઓએ અમુક પ્રદેશો જીતીને દિલ્હી સલ્તનતમાં ભેળવ્યા હતાં જ કે તેમને બહુ મોટાં યુદ્ધો નહોતાં કરવાં પડયા ! ગુજરાત તો તે વખતે પણ જે મૂળરાજે સ્થાપ્યાં પછી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં વિસ્તર્યું હતું તેમાં થોડોક વધારો કરીને એ સુવ્યવસ્થિત રીતે ચાલતું જ હતું.
મધ્યયુગીન મુસ્લિમ ઇતિહાસકારોના જણાવ્યા મુજબ ઇસવીસન ૧૧૯૭માં ઘોરીનીસેનાનું નેતૃત્વ સંભાળતા કુતુબ અલ-દીન ઐબકે નહરવાલા (એટલે કે ચાલુક્યની રાજધાની અણહિલવાડ પાટણ ) તરફ કૂચ કરી. તેમણે૪ ફેબ્રુઆરી ઇસવીસન ૧૧૯૭એ ચૌલુક્ય સેનાને હરાવી. ૧૩મી સદીના મુસ્લિમ ઇતિહાસકાર હસન નિઝામીએ એવી માહિતી આપી છે કે આ યુદ્ધમાં ચૌલુક્યોએ ૫૦,૦૦૦ માણસો ગુમાવ્યા હતા. ૧૬મી સદીના ઈતિહાસકાર ફિરીશ્તાએ ૧૫,૦૦૦ લડાકુ રાજપૂતો માર્યા ગયા અને ૨૦,૦૦૦ કબજે કર્યા હતા એવું કહે છે.
મુસ્લિમ ઇતિહાસ મુજબ આ યુદ્ધમાં ચૌલુક્ય સૈન્યનું નેતૃત્વ રાય કરણ, વલ્લણ અને દરબારો દ્વારા કરવામાં આવ્યું હતું. દરબારોની ઓળખ અહીં ધરવર્ષ સાથે થઈ શકે છે, આબુના પરમાર રાજા જે ભીમદેવના મદદગાર હતા. વલ્લણ સંભવત: પ્રહલાનનું પ્રતિનિધિત્વ કરે છે જે પોતે પ્રહલાદાન (ધારાવર્ષનો ભાઈ) નો પ્રતિનિધિછે. રાય કરણની ઓળખ ચોક્કસ નથી. કેટલાક વિદ્વાનોએ તેમને જવલીપુરા ચાહમાન શાખાના શાસક કીર્તિપાલ સાથે ઓળખાવી છે. જો કે, આ ઓળખ કાલક્રમિક આધ્યાત્મિક કારણોસર યોગ્ય નથી. ડી. આર. ભંડારકરે રાય કરણને નડ્ડુલા ચાહમાન શાસક કેલ્હાણા તરીકે ઓળખાવી, પરંતુ આ પણ કાલક્રમિક રીતે ખોટી છે, કેમ કે કેલ્હાણાનું નું મૃત્યુ ઇસવીસન ૧૧૯૩ની આસપાસ થયું હતું. આર.બી.સિંઘે તેમને કેલ્હાણનાં અનુગામી જયતાસિંહા તરીકે ઓળખાવ્યો છે. મુસ્લિમ ઇતિહાસકારોના મતે, રાય કરણ યુદ્ધ બાદ ભાગવામાં સફળ રહ્યો.
ત્યારબાદ ઘોરી સેનાએ અણહિલવાડમાં પ્રવેશ કર્યો, અને શહેરને લૂંટી લીધું. અણહિલવાડ પાટણની આ આ ઘટનાની પૂર્તિ ઇસવીસન ૧૧૯૭માં જૈન વિદ્વાન જીનપતિ સુરીએ કરી હતી. ફિરિશ્તા અનુસાર, કુતુબ અલ-દીને અજમેર જવા પહેલાં ચૌલુક્યની રાજધાનીમાં રાજ્યપાલની નિમણૂક કરી. ત્યારબાદ, ચૌલુક્યોએ ગુજરાતમાં તેમની સત્તા પુન:સ્થાપિત કરી, પરંતુ આ કેવી રીતે થયું તે વિશે બહુ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. ભીમદેવના સેનાપતિઓ લવણપ્રસાદ અને શ્રીધરનાં કેટલાક સંદર્ભો છે જેમણે ઘોરી (જેને “તુરુષ્કા” અને “હમ્મિરા” કહેવામાં આવે છે) સામે લશ્કરી સફળતા પ્રાપ્ત કરી છે. તે તો એક જાણીતી માહિતી છે કે ઇસવીસન ૧૨૦૧ સુધીમાં રાજા ભીમદેવ અણહિલવાડમાં આ લોકોના નિયંત્રણમાં હતાં.
એક વાત તો છે કે સં ૧૨૦૧થી ઇસવીસન ૧૨૪૨ સુધી રાજા ભીમાંદ્દેવ દ્વિતીએ બહુ શાંતિથી રાજ્ય કર્યું હશે. કારણકે એ સમય પહેલાં બધાં વિદ્રોહો શમી ગયાં હતાં અને જે ૨ યુદ્ધોમાં નાલેશીભરી હાર થઇ હતી તેની કોઈ અસર ત્વરિત કે પાછળથી પણ જોવાં મળતી નથી. તાત્પર્ય એ કે રાજા ભીમદેવે પાટણને અણહિલવાડને ફરીથી ઉભું કરી ધબકતું કરી દીધું હતું અણ એમણે પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો હશે એમ જરૂરથી લાગે છે. તો જ તેઓ ત્યારથી તે ૪૨ વરસ સુધી રાજ્યની ધુરા સંભાળી શકે ને….નહીં તો નહીં !
રાજા ભીમદેવ દ્વિતિયને મળેલાં બિરુદો —–
રાજા ભીમદેવ દ્વિતીય એ ભોળા માણસોના ભગવાન હતાં એટલાં માટે પણ એમને “ભોળા ભીમ” તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેમને “અભિનવ સિદ્ધરાજ”, “સપ્તમ ચક્રવર્તી”, ” પરમ ભટ્ટારક”,”મહારાજાધિરાજ” “બાલનારાયણ અવતાર”અને “પરમ મહેશ્વર”ની ઉપાધિઓ મળેલી છે જે સાબિત કરે છે કે તેઓ સાવ નિષ્ફળ રાજા નહોતાં તે. જો કે કહેનારાં અને લખનારાં તો એમ પણ કહેતાં અચકાતાં નથી કે આ ઉપાધિઓ તેમણે જાતે જ મેળવેલી છે જયારે હકીકત કૈંક ઓર જ બયાં કરે છે ! આ ઉપાધિઓ પરથી એવું લાગે છે કે રાજા ભીમદેવ દ્વિતીયની પાછલી અવસ્થામાં લવણપ્રસાદ અને વિર્ધ્વ્લે પાટણની સત્તાના સુત્રો ધારણ કરેલ હોવાં જોઈએ.
રાજા ભીમદેવે બંધાવેલા સ્થાપત્યો ——–
આટલો લાંબો સમય જે રાજા રાજ કરતાં હોય અને એ પણ સોલંકીયુગના એ શિલ્પ સ્થાપત્ય ના બાંધે તો જ નવાઈ ગણાય ! મંદિર સ્થાપત્ય આ સમયગાળા દરમિયાન ઉતરોતર વધતું ગયું છે. આજ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઘણાં બધાં મંદિરો બાંધવામાં આવ્યાં છે.
પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથમાં ટરાજા ભીમદેવે “મેઘનાદ મંડપ ” બંધાવ્યો હતો જેને “મેઘધ્વનિ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંડપ ઇસવીસન ૧૨૧૭માં બંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજા ભીમદેવે ઇસવીસન ૧૨૦૭માં રાણી લીલાવતીનાં માનમાં એક નગર પણ બંધાવ્યું હતું જેનું નામ છે લીલાપુર ! આ લીલાપુરમાં એમણે ભીમેશ્વર અને લીલેશ્વર નામનાં બે મહાદેવ મંદિરો પણ બંધાવ્યા હતાં. કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન બંધાવેલા નીલકંઠ મહાદેવ ઇસવીસન ૧૨૦૪ , મિયાણી નજીક બંધાવેલું હર્ષદમાતા મંદિર(હરસિદ્ધ માતા), મૂલ દ્વારકાનું મંદિર સંકૂલ, ઘુમલીનું નવલખા મંદિર રામ લક્ષ્મણ મંદિર બરડિયા, રુક્ષ્મણી મંદિર દ્વારકા, વૈધનાથ મહાદેવ વડાલીઅને ઘુમ્લીમાં નવલખા મંદિરનો મંડપ જે હજી સુધી બચેલો છે તે અને દ્વારકાનાં મુખ્ય મંદિરનો લાડવા મંડપ એ રાજા ભીમદેવ દ્વિતીયનાં કાળમાં બનેલાં છે પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ એ એમણે જ બંધાવેલા છે એ નીકળતો નથી જ.
કહેવાય છે કે જ્ઞાન વાવ જે બરદા ડુંગરમાં આવેલી છે તે અને એક જર્જરિત વાવ કેશવ ગામમાં આવીલી છે તે પણ રાજા ભીમદેવ બીજાંએ બંધાવી હતી જો આટલું બધું સ્થાપત્ય એમણે બાંધ્યું હોય તો એમણે ૪૨ વરસ સુધી તો કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં જ પડી હોય એમ સહેજે માની શકાય !
પ્રબંધચિંતામણીમાં રાજા ભીમદેવ બીજાંનો રાજ્યકાળ વિક્રમ સંવત ૧૨૩૫થી ૬૩ વરસ સુધીનો આપવામાં આવ્યો છે. આ સમયને જો જો રાજા ભીમદેવ બીજાં પછી પાટણની ગાદીએ આવનાર ત્રિભુવનપાલનું વિક્રમ સંવત ૧૨૯૯ના ચૈત્ર સુદ છઠ સોમવાર (ઇસવીસન ૧૨૪૩)નું દાનપત્ર મળી આવ્યું છે. આ માહિતીના આધારે બીમ્દેવ બીજાંનું મૃત્યુ વિક્રમ સંવત ૧૨૯૮ (ઇસવીસન ૧૨૪૨ )માં થયું હોવાનો સંભવ છે.
એમનાં પછી એમનો પુત્ર ત્રિભુવનપાલ રાજગાદી પર બેસે છે.
ઉપસંહાર ——-
જે રાજાએ સૌથી વધુ સમય શાસન કર્યું હોય એમને કઈ રીતે નિષ્ફળ રાજા ગણાય ? રાજા હોય એટલે હાર -જીત તો થવાની જ એમાં કોઇપણ રાજા નાસીપાસ ના જ થાય હોં કે ! રાજા ભીમદેવ દ્વિતિયનો દીર્ઘકાળ જ એ વાતની સાબિતી છે. સ્થાપત્યકલા અને મંદિર સ્થાપત્ય એ રાજા ભીમદેવના સમયમાં જ ફૂલ્યું -ફાલ્યું હતું ! “મારુ ગુર્જર” શૈલી જે થોડીક અગાઉ મૃતપ્રાય જેવી બની ગઈ હતી એણે સજીવ કરી રાજા ભીમદેવ સોલંકીએ એટલું જ નહિ પણ એ શૈલીમાં થોડુક નાવીન્ય પણ આણ્યું. આ સિદ્ધિ કઈ નાની સુની નહોતી. લવણપ્રસાદ -વિરમદેવ – વીરધવલની મહત્વાકાંક્ષા એ એમનો અંગત પ્રશ્ન ગણાય. જો કે આમાંથી વસ્તુપાળ જેવાં મંત્રીને તો બાકાત જ રાખવાં જોઈએ એમણે તો એમનું કાર્ય બખૂબી નિભાવ્યું હતું તેમણે સપનામાંય રાજાને દગો કરવાનું તો નહોતું વિચાર્યું !
પણ …… જે ઘટનાઓ ઇસવીસન ૧૧૭૮ થી ઇસવીસન ૧૨૦૧ દરમિયાન બની એનાથી સોલંકીયુગના પાયા જરૂર ડગમગી ગયાં હતાં જે આવનારા સમયમાં ભારે પડવાનું હતું ! પણ તોય ભીમદેવે ૪૨ વરસ સુધી તો સોલંકીયુગને ઉની આંચ નહોતી આવવા દીધી એ એક નક્કર હકીકત પણ છે જેને ઈતિહાસકારોએ અને સાહિત્યકારોએ ઉવેખી છે ! સત્તા પર ટકવું અને સત્તા ટકાવવી એ તો કોઈ રાજા ભીમદેવ સોલંકી દ્વિતીય પાસેથી જ શીખે ! આ બાબત માટે તો રાજા ભીમદેવ સોલંકી દ્વિતિયને ધન્યવાદ આપવાં જ ઘટે !
રાજા ત્રિભુવનપાળ —–
(ઇસવીસન ૧૨૪૨-ઇસવીસન ૧૨૪૪)
પહેલાં તો એક સ્પષ્ટતા કરી લઉં કે રાજા કુમારપાળના પિતાનું નામ પણ ત્રિભુવનપાળ હતું આ એ ત્રિભુવનપાળ નહિ આ ત્રિભુવનપાળ એ રાજા ભીમાંદેવ બીજાંનો પુત્ર હતો અને કદાચ એમની માતાનું નામ લીલાવતીદેવી હતું. રાજા ત્રિભુવનપાળ એ રાજગાદી પર બેસે છે ઇસવીસન ૧૨૪૨માં અને એમની હત્યા થાય છે ઇસવીસન ૧૨૪૪માં ! એટલે કે તે સોલંકીયુગના સુવર્ણકાળનો અંતિમ શાસક છે.
રાજા ભીમદેવ દ્વિતીય પછી અણહિલવાડ પતનની ગાદીએ આવનાર રાજા ત્રિભુવનપાળનાં વિક્રમ સંવત ૧૨૯૮ ફાગણવદ ચૌદસ (ઇસવીસન ૧૨૪૨)નો અને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્રસુદ છઠ (ઇસવીસન ૧૨૪૩ )એમ બે અભિલેખો મળ્યાં છે. આ ઉપરથી જણાય છે કે તે વિક્રમ સંવત ૧૨૯૮માં પાટણમાં સત્તાધીશ હતાં. ભીમદેવ અને ત્રિભુવનપાળ વચ્ચે શો સંબંધ હશે એ એમનાં લેખો પરથી જાણવા મળતું નથી. કેટલીક પટાવાલીઓમાં ભીમદેવ બીજાં પછી રાજા ત્રિભુવનપાળને ગણાવે છે. એમનાં વિક્રમ સંવત ૧૨૯૯નાં દાનપત્રમાં — “શ્રી મલહીદેવદાનુધ્યાત મહારાજાધિરાજ પરમેશ્વર……. શ્રી ત્રિભુવનપાલદેવ” એમ લખ્યું છે. ઉપરના દાનપત્ર પરથી બંને વચ્ચે પીતાપુત્રનો સંબંધ હશે એમ ચોક્કસપણે કહી શકાય નહીં. આ ઉપરાંત આ લેખમાં સોમસિંહ અને દૂતક વયજલદેવનું નામ લખેલું છે. આ બંનેના નામો કડીના દાનપત્રમાં પણ આવે છે. રાજા ત્રિભુવનપાલનાં દાનપત્રમાં જે વેદગર્ભરાશિને દાન આપ્યાનો ઉલ્લેખ છે તે જ વેદગર્ભરાશિને રાજા ભીમદેવ બીજાંના દાનપત્રમાં દાન આપ્યાંનો ઉલ્લેખ છે.
આ સર્વ ઉપરથી એમ જણાય છે કે રાજા ભીમદેવ બીજાં અને રાજા ત્રિભુવનપાળ વચ્ચે કૈંક કાયદેસરનો સંબંધ હશે અને એ અવિનાભાવી સંબંધને કારણે ત્રિભુવનપાળ રાજા ભીમદેવ પછી રાજગાદીએ બેઠાં હશે !
રાજા ત્રિભુવનપાળના માત્ર બે જ વર્ષના શાસનકાળ દરમિયાન એક યુદ્ધ પણ થયું હતું.
મેવાડ સાથે યુદ્ધ ——-
રાજા ત્રિભુવનપાળને મેવાડના રાણા જૈત્રસિંહ સાથે યુદ્ધ થયું હતું એમ ચીરવાના લેખ ઉપરથી જણાય છે. આ લેખમાં લખ્યું છે કે ત્રિભુવન રાણા સાથેનાં યુદ્ધમાં કોટડા લેતાં નાગદાનો બાલાર્ડ નામનો કોટવાલ જૈત્રસિંહની નજર સમક્ષ મરાયો. આ ઉપરથી ત્રિભુવનપાલ અને જૈત્રસિંહ વચ્ચે યુદ્ધ થયાનું જાણવા મળે છે.
રાજા ત્રિભુવનપાળના દાન શાસન ——
રાજા ત્રિભુવનપાળનું વિક્રમ સંવત ૧૨૯૯ (ઇસવીસન ૧૨૪૩)ના ચૈત્રસુદ છઠના સોમવારનું દાનપત્ર મળી આવ્યું છે. આ દાનપત્રમાં મંડળીના શૈવ મઠનાં સ્થાનપતિ વેદગર્ભરાશિને રાણા લૂણપાસાઉએ એની માતા સલખણદેવીના શ્રેયાર્થે બંધાવેલ સત્રાગારમાં કોર્યટિકોના ભોજનાર્થે ત્રિભુવનપાલે વિષય પાઠક અને દંહાડીપંથકમાં આવેલાં ભાંષહર ગામ અને રાજપુરી ગામ દાનમાં આપ્યાનું જણાવ્યું છે. ટૂંકમાં…. રાજા ત્રિભુવનપાળનું વિક્રમ સંવત ૧૨૯૯ (ઇસવીસન ૧૨૪૩)નું દાનપત્ર મળે છે. ખંભાતના શાંતિનાથ મંદિરના ભંડારની સંવત ૧૩૦૩ (ઇસવીસન ૧૨૪૬) માગસર વદ બારસને ગુરુવારે અણહિલવાડમાં લખાયેલા આચારંગપ્રતમાં વીસલદેવને મહરાજધિરાજ અને તેજપાળને મહામાત્ય કહ્યો છે. આમ, સંવત ૧૨૯૯થી સંવત ૧૩૦૩ના માગશર વદ બારસ સુધીમાં વિસલદેવ પાટણની ગાદીએ આવેલ હોવો જોઈએ.
ત્રિભુવનપાળે લવણપ્રસાદના પુત્ર વીરધવલનાં પુત્ર વિસલદેવને પોતાની સેનાનાં સેનાપતિ પદે નિયુક્ત કર્યો . વિસલદેવને એમ લાગ્યું કે મારા દાદાએ સોલંકીઓની બહુ સેવા કરી. મારાં પિતાએ પણ સોલંકીઓની બહુ સેવા કરી અને મારે પણ આ સોલાન્કીઓની જ સેવા કર્યાં કરવાની છે?
ક્યાં સુધી અમારે સેવા કર્યાં કરવાની? સોલંકીઓમાં કોઈ આવડત તો છે નહિ રાજ ચલાવવાની આ તો અમે છીએ તો જ એ લોકો રાજ ચલાવી શકે છે ! કેમ ના આના કરતાં હું જ રાજા બની જાઉં ? આવા વિચારથી પ્રેરાઈને વિસલદેવે ઇસવીસન ૧૨૪૬માં રાજા ત્રિભુવનપળની હત્યા કરી દીધી અને પોતે રાજા બની ગયો ! આ રાજા ત્રિભુવનપાળ મર્યા ત્યારે કેટલાં વરસના હતાં તે તો કોઈને ખબર નથી પણ અપુત્ર હતાં પણ એટલી ખબર છે ખાલી તેમનાં લગ્ન ક્યારે અને કોની સાથે થયાં હતાં તે પણ અધ્યાહાર જ છે. આમ સોમનાથની નર્તકી બકુલાદેવી (ચૌલાદેવી)ના વંશનો અંત આવી ગયો અને સાથે સાથે સોલંકીઓના સુવર્ણકાળનો પણ !
રાજા ત્રિભુવનપાળ એ સોલંકી રાજવી મુળરાજ પ્રથમના વંશના છેલ્લાં રાજવી છે. એમનાં પછી ધોળકાનાં રાણા વિસલદેવ અણહિલવાડની ગાડીએ બેઠાં. જે ચૌલુક્યોની જ બીજી શાખાના હતાં. આ રાજકુળ પરિવર્તનનું કારણ મળતું નથી.
આમ, વિક્રમ સંવત ૯૯૮ (ઇસવીસન ૯૪૨)માં સત્તારૂઢ થયેલ મુળરાજ પ્રથમનો વંશ વિક્રમ સંવત ૧૩૦૦ (ઇસવીસન ૧૨૪૪)સુધી અર્થાત એકંદરે ૩૦૨ વર્ષ જેટલો લાંબો સમય સત્તા પર રહ્યો અને સોલંકી વંશની બીજી શાખા વાઘેલા વંશ સોલંકીવંશની પાટણની સત્તા પર આવ્યો.
સમગ્રતયા સોલંકીકાળ દરમિયાન અણહિલવાડના વંશોએ પોતાની રાજસત્તાને પશ્ચિમભારતના મોટાભાગમાં વિસ્તરી. ગુજરાત રાજ્યની મહત્તા તથા વર્ચાસ્વતા સ્થાપી. તેમજ આ વિશાળ રાજ્યમાં સુગ્રથિત રાજ્યતંત્રની જોગવાઈ કરી. એટલું જ નહીં ગુજરાતના સાંસ્કૃતિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ફાળો આપ્યો. આર્થિક તથા સામાજિક કશેત્રોમાં વેપાર ઉદ્યોગ તથા અર્થસંપત્તિમાં ધર્મ સંપ્રદાયો, ધર્મ સ્થાનકો અને ધાર્મિક સાહિત્યના વિકાસમાં મંદિરો, મહેલો, કિલ્લાઓ જળાશયો ઇત્યાદિની સ્થાપત્યકલા તથા શિલ્પકલાના વિકાસમાં તેમજ વિદ્યા,સાહિત્ય અને શિક્ષણનાં વિકાસમાં આ રાજાઓ તથા તેમનાં સામંતો, સ્વજનો, અધિકારીઓ તેમજ અગ્રણી સાધુઓ, ગૃહસ્થો, સાહિત્યકારો તથા કલાકારોએ જે વિપુલ અને ગણનાપાત્ર ફાળો આપ્યો તેથી સધાયેલા વિવિધ વિકાસને લઈને સોલંકીકાળ એ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સીમાચિહ્ન બની રહ્યો છે અને એટલે જ તો એ ગુજરાતનો સાચો સુવર્ણયુગ છે અને સદાય રહેશે !
ઇતિ સોલંકીયુગ યશો ગાથા સંપૂર્ણમ !!
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
——– જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 6
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7
- રાજા કુમારપાળ ભાગ – 1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 3 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 4 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા અજયપાળ સોલંકી ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય ભાગ -1
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..