રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય ભાગ -1

(ઇસવીસન ૧૧૭૮ – ઇસવીસન ૧૨૪૨)

ઈતિહાસ ક્યારેય ધારણાઓ પર આધારિત હોતો નથી એટલાં જ માટે ઈતિહાસ જયારે રાચાય છે ત્યારે તેનાં વિષે આગાહીઓ થઇ શકતી નથી કે પુર્વાનુમાનો થઇ શકતાં નથી માત્ર અનુમાનો જ કરી શકાય છે. આવી ધારણાઓ પર ઈતિહાસ લખવામાં આવે ને તો એ ઈતિહાસ નહી પણ વ્યક્તિગત તારણો જ બની જતાં હોય છે. જેનું ઇતિહાસમાં કોઈજ મહત્વ નથી અને આમેય ઈતિહાસ મહત્વાકાંક્ષી માણસો જ ર રચી શકતાં હોય છે. ઇતિહાસમાં આવું જ બન્યું છે એમ તો કોઈ જ કહી શકતું નથી એમાં તો આવું બન્યું હશે કદાચ એવું માનીને જ ચલાય !

ઇતિહાસની એક ખામી એ પણ છે કે એકે કૈંક લખ્યું તો એનો વિરોધ કરવાને બદલે ચાલતી ગાડીમાં બેસવાંવાળાં વધુ મળી આવતાં હોય છે.

ઈતિહાસ એ પ્રશ્નાર્થ નથી પણ એ એક આશ્ચર્યચિહ્ન જરૂર છે અને એ આશ્ચર્યચિહ્નને સીમાચિહ્ન બનાવવાની જવાબદારી ઇતિહાસકારોની છે.

ઈતિહાસકારો જયારે જવાબદારીઓથી વિમુખ બની જાય છે ત્યારે જ લેખકોનો એક મોટો રાફડો ફાટી નીકળતો હોય છે. ઈતિહાસકારો તો કદાચ શતાબ્દીઓ પછી એ વાતનું સંશોધન કરતાં હોય છે પણ લેખકો તો દર દસકાએ પોતાનો મત બીજાં પર ઠોકી બેસાડવામાં માહિર જ હોય છે. આમાં લેખકોનું તો કઈ જતું નથી કારણકે સાહિત્ય અને ઈતિહાસ એ બે વચ્ચ્ચે તો કોઈપણ પ્રકારનો સાંધો મળતો જ નથી. સાહિત્યમાં તો બધી જ છૂટછાટ લેવાય એ તો માત્ર એક પ્રકાર છે એ ક્યાં ઈતિહાસ છે તે ! એને જ સાચો ઈતિહાસ માની લેવાની ભૂલ આપણે લોકો જ કરતાં હોઇએ છીએ. જો દસમી અગિયારમી સદીમાં વિદેશી આક્રાન્તાઓ પોતાની સાથે ઈતિહાસકારો અને લેખકો લઈને આવતાં હતાં એટલાં જ માટે એમનાં આક્રમણોની અને એમણે કરેલાં મહાવિનાશની ચોક્કસ તારીખ અને તવારીખ મળે છે જયારે આપણે તત્કાલીન કે સમકાલીન સાહિત્ય પર આધાર રાખવો પડતો હોય છે . આપણી સંસ્કૃતિ સાહિત્ય પ્રધાન વધારે છે એ વાત ઈતિહાસ પુરતી તો સાચી પડતી જ જણાય છે. આપણા ધાર્મિક સ્થાનો અને આપણી ધાર્મિક માન્યતાઓને આમાંથી બાકાત રાખવી જોઈએ !

ઈતિહાસમાં સ્થાન એટલે કે જગ્યા અને ઘટનાઓનું વધારે મહત્વ છે. આપણે એવાં ઇતિહાસના મૂક સાક્ષી છીએ કે જે વખતે તો પાકિસ્તાન પણ ભારતનો જ એક ભાગ હતું ત્યાં જેલમ પ્રાંતમાં ધામીઆક નામની જગ્યાએ જ્યાં મહંમદ ઘોરી માર્યો હતો ત્યાં તેની કબર છે, હવે કબર તો હોય એમાં કંઈ ખોટું નથી પણ એની ૧૩ કિલોમીટર પહેલાં પાકિસ્તાની પુરાતત્વ ખાતાંએ એક સાઈન બોર્ડ મુકાવ્યું છે — અવર નેશનલ હેરિટેજ મહંમદ ઘોરી’સ ટોમ્બ ૧૩ કિલોમીટર !! અને એક આપણે છીએ જે પાટણમાં એવું પણ પાટિયું નથી મુકાવી શક્યાં કે — “મહારાજ સિદ્ધરાજ જયસિંહની ઐતિહાસિક નગરી પાટણમાં આપનું સ્વાગત છે” પુતળા મુક્યા છે પણ એ એમની જન્મતારીખે જ એનાં પર હારતોરાં થાય છે બાકી કોઈનું ધ્યાન પણ એનાં પર પડતું નથી ! આવી મનોદશામાં ભારતના ઇતિહાસની ઘોર ખોદાય એમાં મને કશું જ અજુગતું લાગતું નથી અને આપણે એને જ લાયક છીએ એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે જ ! ઇતિહાસમાં આવું કેમ બન્યું એની જગ્યાએ ઇતિહાસમાં તો આમ જ બને એવી વિચારસરણી ક્યાં આગળ લઇ જઈને અટકશે ? સમય પાકી ગયો છે આપણી વિચારસરણી બદલવાનો જો નહી બદલીએ તો ઇતિહાસની જગ્યા એ લોકશ્રુતિઓ લઇ લેશે ! આવું ન થાય એ જોવાની આપણી કોઈ જવાબદારી ખરી કે નહીં ! આપણને તો જવાબદારીમાંથી છટકતાં જ આવડે છે ! આ જવાબદારી પણ બડી કમીની ચીજ છે હોં ! ચાલો થોડાંક આગળ વધીએ અને મૂળ વાત પર આવીએ !

આગળ વધતાં પહેલાં એક નજર ઈતિહાસ પર અને એક નજર અણહિલવાડ સામ્રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને તે સમયના ગુજરાતના માહોલ પર નાંખી લેવી અત્યંત આવશ્યક છે એ સિવાય આપણને તે સમયનો યોગ્ય ચિતાર મળી શકે એમ જ નથી. પહેલાં વાત આક્રમણોની કરીએ તો એક નજર ભારત પર થયેલાં આક્રમણો પર પણ નજર નાંખી લઈએ અલબત્ત ઈસ્વીસન ૧૧૭૮ પહેલાનાં ! તે પછી તો એટલે કે ઈસ્વીસન ૧૨૦૬ પછી તો ભારતમાં મલેચ્છોનું રાજ્યશાસન શરુ થઇ ગયું હતું. જો કે આ બધાં પણ પહેલાં તો ભારતને લૂંટવા માટે જ આવ્યાં હતાં પછી જ તેમણે ભારતમાં સત્તા રૂપી ડેરો જમાવ્યો હતો. ભારત પરનાં આક્રમણો ઇસવીસનની દસમી સદી પહેલાં માત્ર કાશ્મીર પર જ વધારે થયાં હતાં. એનું કારણએ મોંગોલીયાથી મુસ્લિમ દેશો અને ત્યાંથી યુરોપીય દેશોમાં જવાતું હતું એ છે એટલે કે એ રસ્તામાં પડતું હતું એટલે. જો કે સાવ એવું નથી દક્ષિણભારત પર આક્રમણો થયાં હતાં દસમી સદી પહેલાંપણ એનો ઉલ્લેખ ઇતિહાસમાં બહુ ઓછો થયેલો જોવાં મળે છે.

મુસ્લિમ ધર્મ આવ્યો જ ઇસવીસનની આઠમી સદીમાં એની પહેલાં ભારત પર જે આક્રમણ થયાં હતાં તે આરબોએ કર્યા હતાં પણ ગુજરાત પર રીતસર મુસ્લિમ આક્રમણની શરૂઆત તો મહેમુદ ગઝનીએ જ કરી હતી. જે અગલ જતાં બીજાઓને માટે રસ્તો સાફ કરી આપનારી બનવાની હતી. મહેમુદ ગઝની વખતે પ્રતિકાર થયો પણ તેમાં તે વિજયી બન્યો એ જ વાત પછી થનારાં મુસ્લિમ આક્રમણ કારો માટે લાભદાયી બનવાની હતી ! હવે જે અરસામાં મહંમદ ઘોરીએ ભારત પર ગુજરાત પર આક્રમણ કર્યું તે સમયે ભારતનાં કાશ્મીર પર આક્રમણ થયું હતું . એક વાત કહી દઉં કે જો આ અતિમહત્વાકાંક્ષી માણસ જેનું નામ છે —– ચંગીઝખાન ! આ ક્રૂર મહત્વાકાંક્ષી માણસે વિશ્વનો ૨૨ % ભાગ જીતી લીધો હતો. કાશ્મીરમાં પ્રમાણમાં તેણે ઓછું ઘાતકીપણું બતાવ્યું હતું. તે તે સમયનો વિશ્વવિજેતા અને લગભગ ૪ કરોડ લોકોને મારી નાંખનાર મોંગોલીયન બૌદ્ધ અત્યંત ક્રૂર શાસક હતો. આનો સમયગાળો એ મહંમદ ઘોરીનાં સમયગાળા સાથે મળતો આવે છે એટલે એ બે સમકાલીન થયાં. ચંગીઝખાનનો સમય સમયગાળો છે ઈસ્વીસન ૧૧૫૫/૧૧૬૨ થી ઇસવીસન ૧૨૨૭ જે ગુજરાતના સોલંકીયુગના ભીમદેવ સોલંકી દ્વિતિયના શાસનકાળ ૧૧૭૮થી ૧૨૪૨ કરતાં પણ ઓછો છે પણ સમયગાળો તો તે જ છે. આ ચંગીઝખાને શુકર મનાવો કે ગુજરાત પર આક્રમણ નહોતું કર્યું નહીંતર ગુજરાતનો એક માણસ જીવતો જ ના રહેત અને તે મહંમદ ઘોરીને પણ સારો કહેવડાવત! આ સમયગાળો એક હોવાથી એ વાત અહીં મેં કરી છે જો કે એને ગુજરાતના સોલંકીઓના ઈતિહાસ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા તો નથી જ… જે છે એ તો મહંમદ ઘોરી સાથે છે.

ઇસવીસન ૧૧૭૩થી ઇસવીસન ૧૧૭૮ દરમિયાન સોલંકીઓના શાસનકાળમાં 3 રાજાઓ અવસાન પામ્યાં.એટલે રાજકીય સ્થિરતા ના આવે એ પણ સ્વવાભિક જ છે પણ ચોથા રાજા ભીમદેવ સોલંકીએ થોડી નહિ ઘણી સ્થિરતા બક્ષવાનો પ્રયત્ન જરૂર કર્યો છે! પણ આ સમયગાળો જ એવો હતો ને કે એમાં કોઈ સ્થિરતા બક્ષી શકાય એમ જ નહોતી અને એ છે મહંમદ ઘોરીનું આક્રમણ. પહેલી લડાઈ જે ઇસવીસન ૧૧૭૮માં લડાઈ હતી તેમાં તો ઘોરી બુરી રીતે હાર્યો હતો એ વાત તો મેં કરી જ છે પણ તેમાં એક વાત નથી કરી એ એ છે કે મહંમદ ઘોરીને હરાવવામાં જેટલો ફાળો રાજા મૂળરાજ બીજાંનો છે તેટલો જ ફાળો રાજા ભીમદેવ દ્વિતિયનો પણ છે. તે વખતે ભીમદેવ દ્વિતીય રાજા તો નહોતાં બન્યાં પણ તેમણે કુશળ લડવૈયા તરીકે મહંમદ ઘોરીને પરાસ્ત કરી પાછો ખદેડવામાં અગત્યનો ભાગ ભાગ્વ્યો હતો. તે જ વખતે એવું કહેવામાં આવે છે કે રાણી નાયકીદેવીએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો જે વાત સાચી મનાઈ શકાય એમ નથી કેમ તે એ તો આજ લેખમાં હું તમને જણાવવાનો છું. આ યુદ્ધ રાજા બાળ મુળરાજે જીત્યું હતું એ વાતને સમકાલીન સાહિત્યકારોએ રાજા ભીમદેવ બીજાંના શાસનકાળ સાથે પણ સાંકળી લીધી જ છે !

પ્રબંધચિંતામણી એ એ જમનામાં ઈતિહાસ માટે આધારભૂત ગણાતો ગ્રંથ છે જે મેરુતુંગે જેઓ પોતે જૈન હતાં એમણે આ પાંચ પ્રકાશ (ભાગ)નો ગ્રંથ જે આમ તો સંસ્કૃતમાં લખાયેલો છે અને કાવ્યાત્મક છે તેમાં સોલંકીવંશનો ઈતિહાસ વણી લેવામાં વાયો છે. આજે આ જ ગ્રંથ સોલંકીયુગના ઈતિહાસ માટે પ્રમાણભૂત માનવામાં આવે જેમાં રાજા ભીમદેવ બીજાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજ ગ્રંથ છે જેમાં માળવાના રાજા ભોજનો પણ ઉલ્લેખ છે જો આ ગ્રંથ પ્રમાણે ચાલવામાં આવે ને તો માળવાનો રાજા ભોજ એ નબળો રાજા ગણાય ! શું હકીકતમાં રાજાભોજ એ નબળો રાજા હતો ? નહીં ને ! તો વિચારી લેજો આ ગ્રંથિત માહિતી કેટલી વિશ્વસનીય ગણાય તે ? વળી આ ગ્રંથમાં માલવપતિ મુંજ નો પણ ઉલ્લેખ થયેલો છે. સાતવાહનનો પણ ઉલ્લેખ થયેલો છે પણ આ ગ્રંથ જે સમયમાં રચાયો છે તે સમયમાં ગુજરાતમાં સોલકીઓનું શાસન હતું એટલે એ માહિતી આધારભૂત ગણાય છે પણ તેમની કોઈ છોક્ક્સ જન્મતારીખ કે મૃત્યુ તારીખ તો મળતી નથી પણ જો તેમની અંદાજીત ઉંમરનો ક્યાસ કાઢવામાં આવે ને તો રાજા ભીમદેવનાં અંતિમ સમય અને રાજા ત્રિભુવનપાળના સમય સાથે ચોક્કસ મેળ ખાય છે. પણ તેમ છતાં તે સોલંકીઓના ઈતિહાસ માટે પ્રમાણભૂત ગ્રંથ ચોક્કસ છે.કીર્તિ કૌમુદી એ અરિ સિંહ દ્વારા રચાયેલો ગ્રંથ છે જેઓ પોતે જૈન હતાં. ટૂંકમાં જૈન સાહિત્ય દ્વારા જ આપણને સોલંકીઓ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં કશું ખોટું નથી પણ આ ગ્રંથોમાં ગઝની કે ઘોરીના આક્રમણની પુરતી વિગતો પ્રાપ્ત નથી થતી. એટલે જ મુસ્લિમ સાહિત્યકારોનું અને ઇતિહાસકારોનું ચઢી વાગે છે. આનું પરિણામ શું આવ્યું અને ઈતિહાસ ક્યાં ક્યાં ખોટો છે એ જ તો મારે આ લેખમાં પ્રસ્થાપિત કરવું છે. પ્રબંધચિંતામણીમાં વાઘેલાવંશની વાત જ કરવામાં નથી આવી જે તે સમયમાં કરંટ અફૈર ગણી શકાય છે. એનું કર્ણ એ છે કે જૈન સાહિત્ય કુખ્યાત ખિલજીથી દુર રહેવાં માંગતું હોય. જૈનોની આ અલિપ્તતા એ કેટલું માઠું પરિણામ સર્જ્યું અને ગુજરાતના ઇતિહાસમાં ન બનવા જેવું ઘણું બન્યું તે તો આપણે વાઘેલા વંશના ઇતિહાસમાં જોઈશું જ !

એક વાત કહી દઉં કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામ ખરાબ કર્યાં છે પણ એક એવું મહાન કાર્ય કર્યું છે જેની નોંધ ઇતિહાસમાં અવશ્ય લેવાવી જોઈએ. વાઘેલા વંશની લેખમાળા શરુ કરતાં પહેલાં થોડુંક વિષયાયાંતર કરી લઈશ જો કે કર્ણ વાઘેલામાં હું ઇતિહાસની એવી સચ્ચાઈ બતાવવાનો છું કે જેનાથી તમે સૌ અજાણ જ છો હજી સુધી ! એ કઈ છે તે તો તે સમયે વાત ! પણ અત્યારે તો વાત સોલંકીઓની જ ! હવે રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયની વાત …..

રાજા ભીમદેવ સોલંકી દ્વિતીય

રાજા ભીમદેવ સોલંકી એ રાજા અજયપાળનાં નાનાં પુત્ર હતાં. તેમની માતાનું નામ કર્પૂરદેવી હતું. તેમનાં મોટાભાઈનું નામ બાળ મુળરાજ હતું. તેમનાં લગ્ન લીલાવતી સાથે થયાં હતાં. પણ તેમને બે રાણીઓ હતી. બીજી રાણીનું નામ સુમલાદેવી હતું. લીલાદેવી એ રાજા સમરસિંહની સુપુત્રી હતાં. જેઓ જવાલીપુરાના ચાહમાન રાજા હતાં. તેમને એક પુત્ર પણ હતો જેનું નામ ત્રિભુવનપાલ હતું જે રાજા ભીમદેવ દ્વિતીય પછી રાજગાદીએ બેઠાં હતાં. રજા ભીમદેવ સોલંકી બીજાની એક સરસ વાત એ હતી કે સમગ્ર સોલંકી યુગના રાજ્યકાળમાં તેમનો શાસનકાળ સૌથી લાંબો હતો ૬૪ વરસ જે મૂળરાજ સોલંકીનાં ૫૫ વરસ કરતાં ૯ વર્ષ વધારે હતો. રાજા મુળરાજ બીજાં પછી એમનાં નાનાં ભાઈ ભીમદેવ બીજાં વિક્રમ સંવત ૧૨૩૫ (ઇસવીસન ૧૧૭૮)માં રાજગાદી સંભાળે છે. પ્રબંધચિંતામણીમાં જણાવાયું છે કે ભીમદેવે ૬૪ વરસ રાજ્ય કર્યું હતું . રાજા ભીમદેવ બીજાંનાં પોતાનાં વિક્રમ સંવત ૧૨૩૬ (ઇસવીસન ૧૧૮૦)ના પાટણના એક ખંડિત લેખમાં રાજા ભીમદેવને રાજા અજયપાલનો પુત્ર કહેવામાં – ગણવામાં આવ્યો છે. કીર્તિકૌમુદીમાં રાજા ભીમદેવને સ્પષ્ટ શબ્દોમાં રાજા બાળ મુળરાજનો નાનો ભાઈ કહ્યો છે. આ સર્વે હકીકત જોતાં રાજા ભીમદેવ દ્વિતીય રાજા અજયપાલનો પુત્ર અને મુળરાજ બીજાંનો નાનો ભાઈ હતો એ સ્પષ્ટ થઇ જ જાય છે. કેટલાંક લોકો તો હજી પણ અતીતમાં જ રચ્યાંપચ્યાં રહેતાં હોય એવું લાગે છે.

એમને રાજા ભીમદેવ સોલંકી પ્રથમ અને રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયનાં નામ ખબર જ નથી એવું લાગે છે કારણકે એમણે આમાં રાજા ભીમદેવના સમયમાં ગઝનીનું આક્રમણ થયું હતું એમ કહે છે હવે આ લોકોને શું કહેવું બોલો ! રાજા ભીમદેવ દ્વિતીય એ જયારે રાજગાદીએ બેઠાં ત્યારે તેમણે સપનામાં પણ નહી વિચાર્યું હોય કે આટલી જલ્દીથી તેમનો રાજ્યાભિષેક થઇ જશે ! તાત્પર્ય એ કે તેમણે જયારે રાજગાદી સંભાળી ત્યારે તેઓ પ્રમાણમાં નાની વયનાં હતાં આનો જ લાભ બીજા રાજ્યોના રાજાઓએ લીધો. તેમનાં મનમાં એમ કે આ રાજા વળી શું ઉકાળી લેવાનો છે આપણું ? એટલે બધાં રાજાઓએ કોકે તો અસંતોષ વ્યક્ત કર્યો તો કેટલાંકે બળવો કર્યો ! એમાં જે કડકાઈથી કામ લેવાવું જોઈએ એ લેવાયું નહોતું. આ બળવાઓ શમાવવામાં રાજા ભીમદેવ બીજાની શક્તિઓ વેડફાઈ જતી હતી અને તેઓ ધાર્યું પરિણામ લાવી નહોતાં શકતાં. એમણે પોતાનાં મંત્રીઓ અને પોતાનાં અંગત માણસો પર વ વધુ વિશ્વાસ મુક્યો જે તેમને નડયો પાછળથી તેઓ બહુ જ ઉતાવળિયા નિર્ણયો લેવાં માટે જાણીતા હતાં આ ભૂલ એમણે ભવિષ્યમાં ભારે પડવાની હતી દરેક જણ પર આંધળો વિશ્વાસ મૂકવાને કારણે જ એમને ઇતિહાસમાં “ભોળા ભીમદેવ” તરીકે ઓળખવામાં આવે છે.

એમની નાની ઉમરનો લાભ લઈને હોયસલ રાજવી વીર ભલ્લાલ બીજો, યાદવ રાજવી બિલ્લ્મ, શાકંભરીનો ચાહમાન રાજવી પૃથ્વીરાજ ત્રીજો,મળવાનો પરમાર સુભટવર્મા વગેરેએ થોડાંક થોડાંક અંતરે ગુજરાત પર અવારનવાર આક્રમણ કર્યું. આમ રાજા ભીમદેવ બીજાંને શરૂઆતથી જ બળવાન શત્રુઓનો સામનો કરવો પડેલો.

ભીમદેવ અને હોયસલો

હોયસલ રાજવી વીર બલ્લાલ વિક્રમસંવત ૧૧૭૩માં રાજગાદીએ બિરાજમાન થયાં હતાં.એમનાં કેટલાંક લેખો પરથી જણાય છે કે જયારે બલ્લાલે પોતાની વિજયકૂચ આરંભી ત્યારે ગુર્જર, માળવા,લાટ પ્રદેશ તથા ચોલના રાજવીઓએ ભેગાં થઇ બલ્લાલનો વધ કર્યો.

ભીમદેવ અને યાદવો

યાદવ રાજવી ભિલ્લમે ગુજરાત, માળવા, ચોળ વગેરે રાજવીઓને હરાવ્યા એમ ભીલ્લ્મના મુતંગના લેખ પરથી જણાય છે. સૂંધાનાં લેખમાં પણ ભિલ્લ્મ અને ચૌલુક્ય રાજવી વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે. એમાં એમ પણ જણાવ્યું છે કે ચાહમાન રાજવી કલ્હણે ભીલ્લમને પાછો કાઢ્યો. આ ઉપરથી જણાય છે કે કદાચ ભિલ્લમ ભિમદેવને હરાવી છેક મારવાડ સુધી પહોંચી ગયો હોય અને ત્યાં નડૂલના ચાહમાન રાજવી કલ્હણે એણે હરાવ્યો એવો પણ ક્યાંક ઉલ્લેખ થયેલો જણાય છે.

ઇસવીસન ૧૨૦૦નાં યાદવ રાજા જયતુગીના શિલાલેખમાં કહેવામાં આવ્યું છે કે તેણે ગુર્જરોને પરાજિત કર્યા હતાં, જે કદાચ લાટ પરનાં તેમણે કરેલાં આક્રમણનો ઉલ્લેખ કરે છે.
પરમારાઓએ યાદવ આક્રમણ દરમિયાન સિંહણનો ત્યાગ કર્યો હતો, તેથી તેઓ સહાય માટે ચૌલુક્યો તરફ વળ્યા. તેમનાં ઇસવીસન ૧૨૧૩માં કરેલાં આક્રમણ દરમિયાન, પરમારા રાજા અર્જુનવર્માને સિંહણને પછીના ભત્રીજા શંખ (ઉર્ફે સંગ્રામસિંહ)ની જગ્યા લીધી હશે. શંખે આ પ્રદેશ પરના યાદવના આક્રમણને ખાળ્યું હતું.

જૈતુગીના પુત્ર સિહણે અનેક વખત ગુજરાત પર આક્રમણ કર્યું. એક શિલાલેખમાં, તેમના સામાન્ય ખોલેશ્વરાએ દાવો કર્યો છે કે ગુર્જરોના ગૌરવને સામાન્ય એટલે કે ગૌણ બનાવ્યો છે. સિંહણ પર પ્રથમ આક્રમણ સંભવત: ઇસવીસન ૧૨૨૯ની આસપાસ થયું હતું. ચૌલુક્ય લેખો અનુસાર, લવણપ્રસાદે સિંહણની સાથે શાંતિ સંધિ પૂર્ણ કરી, કારણ કે તેણે બળવો અટકાવવા માટે મારવાડની મુલાકાત લેવી જરૂરી હતી. એવું લાગે છે કે લવણપ્રસાદે તેમના પુત્ર વિરાધવલની આગેવાની હેઠળ યાદવ પ્રદેશ પર હુમલો કરવા લશ્કર લઈને મોકલ્યો, જેના કારણે સિંહણને શાંતિ સંધિ માટે સહમત થવાની ફરજ પડી.

લવણપ્રસાદ મારવાડથી રવાના થયા પછી, શંખે ખંભાત પર હુમલો કર્યો, પરંતુ ચૌલુક્ય જનરલ વાસ્તુપાલ દ્વારા તેનો પરાજય થયો. ત્યારબાદ શંખે સિંહાને ગુજરાત ઉપર તાજો હુમલો કરવા ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. ચૌલુક્ય લેખો અનુસાર, ચૌલુક્ય જાસૂસોએ શંખ અને સિંહણ વચ્ચે અણબનાવ પેદા કર્યો. શંખે આખરે ચૌલુક્ય જનરલ વિરાધવલને રજૂઆત કરી.

લવણપ્રસાદના પૌત્ર વિસલદેવ દ્વારા શાસન કરવામાં આવતું હતું ત્યારે,ઈસ્વીસન ૧૨૩૧-૧૨૩૨ સુધીમાં ચૌલુક્યો લાટ પ્રદેશના નિયંત્રણમાં હતા. લગભગ ઇસવીસન ૧૨૩૭ની આસપાસ, સિંહણે ખોલેશ્વરાના પુત્ર રામની આગેવાની અંતર્ગત બીજી સૈન્ય મોકલ્યું અને તે ગુજરાત પર હુમલો કર્યો. વિસલદેવે આ હુમલો નિવાર્યો અને રામ નર્મદા નદીના કાંઠે લડાઇમાં માર્યા ગયાં.

ભીમદેવ અને શાકંભરીના ચાહમાનો

અજમેરના ચાહમાન રાજા સોમેશ્વર પછી એમનો પરાક્રમી પુત્ર મહાન પૃથ્વીરાજ ચૌહાણ ગાદીએ બેઠાં.એમની પરાક્રમ ગાથાઓથી તો સૌ કોઈ વાકેફ જ છે. રાજા અજયપાળે શક્મ્ભ્રીના રાજા સોમેશ્વર ને હરાવ્યાં હતાંઅને કેદ કર્યાં હતાં. રાજા ભીમદેવે સીધેસીધું આક્રમણ સોમેશ્વર પર કરી દીધું અને તેમને મારી નાંખ્યા એવી વાયકાઓ પ્રચલિત થઇ છે તે સમયના સાહિત્યમાં. પૃથ્વીરાજ ચૌહાણ તે સમયે દિલ્હીમાં હતાં તેમને આ વાતની ખબર પડી. તેઓએ ત્યાંથી પરત આવીને સીધું રાજા ભીમદેવ દ્વિતીય પર આક્રમણ કરી દીધું .
એમાં રાજા ભીમદેવ બીજાંની હાર થઇ અને ભીમદેવના પક્ષે એમનો ખાસ મહામાત્ય જગદેવ માર્યો ગયો. કેટલાંક સાહિત્યિક પુરાવાઓને આધારે એમ કહેવાય છે કે આ યુદ્ધ આબુની તળેટીમાં લડાયું હતું. આવો પુરાવો એ પ્રહલાદનના (પ્રહલાદ)ના પાર્થ પરાક્રમના વ્યયોગ ઉપરથી જાણવા મળે છે. આમ , આ સર્વ ઉપરથી લાગે છે કે અજ્યાપલના સમયમાં જે ચાહમાન રાજવીને નામોશીભરી હાર વેઠવી પડી હતી તેનું એમનાં પરાક્રમી પુત્ર પૃથ્વીરાજે ભીમદેવને હરાવીને બરાબરનું વેર લીધું અને રાજા ભીમદેવને પોતાની સાથે સંધિ કરવાની ફરજ પાડી. આ બનાવ વિક્રમ સંવત ૧૨૪૪ (ઇસવીસન ૧૧૮૭) પહેલાં બન્યો હોવાનું અનુમાન છે.

આ ઈતિહાસ પણ ખરો છે એ અનુમાનોને હકીકત કરતાં વધારે મહત્વ આપે છે. ઇસવીસન ૧૧૭૯ માં તેમના પિતા મહારાજ સોમેશ્વર ચૌહાણનું ભીમદેવ પહેલાની સામેના યુદ્ધમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ અજમેરની ગાદી પર બેઠા અને તેઓ ૩૦ વર્ષની ઉંમરે દિલ્હીના રાજા બની ગયા હતા. જો કે રાજા બન્યાં હતાં એ વાત હું સ્વીકારું છું પણ સોમેશ્વર માર્યા ગયાં હતાં તે વાત હું સ્વીકારતો નથી કારણકે સાલ તો ગમે તે કોઈ લખી શકે છે કોણ ભૂતો ભાઈ એ સમયે જોવાં ગયું હતું તે ! રાજા પૃથ્વીરાજ ચૌહાણ એટલાં પ્રક્મી હતાં તે જો ભારતની શાન માટે આટલું લડતાં હોય એ પિતાના મૃત્યુનો બદલો તરત જ લે આમ વાર ના લગાડે ૮ વર્ષ જેટલી ! આ ૮ વરસમાં પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા ભીમદેવ કરતાં શું હતાં ? એનો નિષ્કર્ષ જ એ કે આક્રમણ પૃથ્વીરાજે કર્યું હતું જેમાં રાજા ભીમદેવની હાર થઇ હતી.

આમાં કોણ કોને છાવરવા માંગે છે એ જ મને તો સમજાતું નથી. ગુગલને તમે જો બાપ કહેતાં હોવ તો આ સાલવારી અને પૃથ્વીરાજ અને ઘોરીના યુદ્ધની સાલવારી જોઈ તપાસી લેજો પછી કહેતાં નહીં કે મને કહ્યું નહોતું ! આનો સીધો અર્થ એ થાય કે પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા ભીમદેવ દ્વિતીય વચ્ચે એક જ યુદ્ધ થયું હતું અને તે ઇસવીસન ૧૧૮૭ની આસપાસ જેમાં રાજા ભીમદેવની નાલેશી ભરી હાર થઇ હતી અને જગદેવ માર્યો ગયો હતો. રાજા ભીમદેવને બચાવવા એ સોમેશ્વરની હત્યાનો પ્રસંગ ઉપજાવી કાઢવામાં આવ્યો છે આખેઆખો જો કે આમાં રાજા ભીમદેવ સોલંકી બીજાંનો તો વાંક ના જ કાઢી શકાય ને ! આમેય રાજા ભીમદેવ એ ઉતાવળીયા નિર્ણય લેવાં માટે પ્રખ્યાત હતાં એમણે આવો નિર્ણય લીધો હશે પણ સોમેશ્વરને એમણે માર્યો નથી જ ! વગર કારણે રાજા ભીમદેવ શાકંભરી પર આક્રમણ શા માટે કરે ? જયારે બદલો લેવાનું સજ્જડ કારણ તો મહાન પૃથ્વીરાજ પાસે હતું ! અને ઇતિહાસમાં આવી નાની નાની ક્ષુલ્લક વાતોને મહત્વ જ ના અપાય કારણકે ઈતિહાસ પ્રસિદ્ધ યુદ્ધ તો સન ૧૧૯૧ અને ૧૧૯૨માં થવાનું બાકી જ હતું
વાત એટલેથી પતી ગઈ હોત તો વધારે સારું હતું પણ આ ઘોરીડાએ જ ફરી હારનો બદલો ગુજરાત પર લીધો જેમાં ગુજરાત તહસનહસ થઇ ગયું.

“પૃથ્વીરાજ રાસો ” અને “પૃથ્વીરાજ ચરિત્ર “માં ઘણી માહિતી ખોટી છે. સૌ પ્રથમ તો તમને એ જણાવી દઉં કે પૃથ્વીરાજે મહંમદ ઘોરીને એક વાર હરાવ્યો હતો અને બીજીવાર તેઓ હાર્યા હતાં અને મરાયા હતાં. ૧૭ વખત યુદ્ધ થયું એ વાત સદંતર ખોટી છે એ માત્ર સાહિત્યિક ઉપજાઉ વાત જ છે. બે જ વાર યુદ્ધ થયું હતું ખાલી ….. ૧૧૯૧ અને ૧૧૯૨માં ! આ રાસો અને પ્રબંધ સાહિત્ય પણ ૧૦૦એ ૧૦૦ ટકા સાચાં નથી જ એ છે તો માત્ર સાહિત્યિક કૃતિઓ. “પૃથ્વીરાજ રાસો” માં પૃથ્વીરાજ અને ચાંદ બરદાઈને એકબીજાને છરી મારતાં બતાવ્યાં છે એ પહેલાં પૃથ્વીરાજને ઘોરીનો વધ કરતાં બતાવાયા છે ! જે પ્રખ્યાત દુહો છે તે —-

“ચાર બાસ, ચોબિસ ગજ, અષ્ટ અંગુલ પ્રમાણ;
તા, ઉપર સુલતાન હે, મત ચુકો ચૌહાણ”

આ દુહો જો ચંદ બરદાઈએ લખ્યો હોત તો બરાબર હતું પણ આ દુહો તો પૃથ્વીરાજ અને ચંદ બરદાઈનાં પુત્ર જલ્હણે લખ્યો હતો અને આ “પૃથ્વીરાજ રાસો” એ ગ્રંથ તો જલ્હણે પૂરો કર્યો હતો જે પૃથ્વીરાજ અને ચંદ બરદાઈના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે. તો પછી જલ્હણને કેવી રીતે ખબર પડી કે પૃથ્વીરાજ અને ઘોરીનું અંતર કેટલું છે તે !
મહત્વની વાત પૃથ્વીરાજ અવસાન પામે છે ઇસવીસ ૧૧૯૨માં અને ઘોરી અવસાન પામે છે ઇસવીસન ૧૨૦૬માં ૧૫મી માર્ચે અને તે પણ જેલમની આસપાસના જાટોનાં હાથે લડાઈમાં ! હવે તમે જ કહો કે પૃથ્વીરાજે મોહંમદ ઘોરીનો વધ કર્યો હતો ખરો ?

એક આડ વાત પણ કરી જ લઉં કે હમીર રાસોમાં પણ વિગતો ખોટી છે હમીર ચૌહાણ જે રણથંભોરનો ચૌહાણ રાજા હતો તે પણ મહાભયંકર લડાઈને અંતે ખિલ્જીની સાથેના યુદ્ધમાં માર્યો ગયો હતો એ કંઈ યુદ્ધ જીત્યો નહોતો આ માત્ર વીરરસને બહેકાવવા માટેની જ કૃતિઓ માત્ર છે જેને ઈતિહાસ ના માની લેવાય! રાજા ભીમદેવની વાત પર આવતાં પહેલાં એક વાત કહી દઉં કે જો ઘોરી પૃથ્વીરાજના હાથે માર્યો ગયો તો એણે ગુજરાત પર આક્રમણ કર્યું કઈ રીતે ! એ વાત તો કરવાની હજુ બાકી જ છે ને ! “પૃથ્વીરાજ રાસો ” અને ” પૃથ્વીરાજ ચરિત”માં રાજા ભીમદેવની પૃથ્વીરાજનાં હાથે હત્યા થઇ હતી એવું દર્શાવે છે જયારે રાજા ભીમદેવે તો ત્યાર પછી ૫૦ વરસ સુધી રાજ્ય કર્યું હતું એટલે એમ કહી શકાય કે — જે લખાય છે તે સાચું હોતું નથી અને જે સાચું હોય છે એ લખાતું નથી ! લ્કાહ્વાથી કઈ ઈતિહાસ બદલાઈ જતો નથી એ માટે તો ભવ્ય પુરુષાર્થની જ જરૂર પડે છે રાજા ભીમદેવ માટે જે લખાયું એને જ ૨૦મી સદીના ગુજરાતી નવલકથાકારો વળગી રહ્યાં છે એમાંને એમાં ઇતિહાસનું ઓપરેશન થઇ ગયું !

રાજા ભીમદેવની વાત અને મહંમદ ઘોરીનું આક્રમણ અને છેલ્લા રાજા ત્રિભુવનપાળ વિષેની વાત હવે પછીનાં ભાગમાં આવશે. ભાગ-૧ સમાપ્ત ! ભાગ -૨ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!