(ઇસવીસન ૧૧૭૩ ઇસવીસન ૧૧૭૬)
સન ૧૧૭૩ પછી ૫ -૧૦ વરસમાં ઇતિહાસમાં કૈંક એવું બનવાનું હતું કે જેને કોઈ પણ ભૂલી જ ના શકે. ઈતિહાસ એટલે જ અનિશ્ચિતતાઓ ! પછી એ ગુજરાત હોય કે સમગ્ર ભારતવર્ષ! ઇતિહાસની સાલવારીઓ આની ગવાહ છે. ૧૨મી સદીના ૭૩ વર્ષ તો ગુજરાતમાં સુવર્ણ અક્ષરે અંકિત થઇ જ ચુક્યા હતાં. શું બાકીના ૨૭ વરસ પણ સુવર્ણ અક્ષરે લખવાના હતાં ? આનો જવાબ તો આવનારો સમય જ આપી શકે એમ હતો ! સમય આગળ કોઈનું કશું ચાલતું નથી હોતું. સમગ્ર પાટણમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો કે રાજા કુમારપાળ પછી કોણ રાજા થશે અને તે કેવો નીવડશે !
આ બધું તો જો અને તો પર જ ટકી રહ્યું છે જો કે ઈતિહાસ ક્યારેય ભવિષ્યવાણી કરી શકતો નથી બસ વર્તમાનને યાદગાર અતીત બનવી શકે છે ! જો કે ઇતિહાસમાં એક વાત શક્ય છે એ છે અણસાર ! પણ આ અણસારને ઈતિહાસ પામી શકતો નથી હોતો એ ઇતિહાસની નહીં પણ ઇતિહાસકારોની ખામી છે. ઈતિહાસ જેવો છે તેવો એ ઈતિહાસ જ રહેવો જોઈએ એ વાર્તા ન જ બનવો જોઈએ. ઇતિહાસની એક ખામી એ પણ છે કે ઈતિહાસ યુદ્ધો કે ઘટનાઓ પર આધારિત રહેવાને બદલે અમુક ઈતિહાસકારોએ આમ કહ્યું અને તમુક ઈતિહાસકારોએ તેમ કહ્યું આમ એકબીજાના મતોનું ખંડન કરવામાંથી જ ઉંચો નથી આવતો, ઇતિહાસની લડાઈ તો બાજુ પર રહી જાય છે અને શરુ થાય છે આ ઈતિહાસકારોની લડાઈ ! એમાં શરુ થઇ જાય છે ઈતિહાસકારો અને સાહિત્યકારોની પુરાવાઓની લડાઈઓ ! જે સરવાળે ઈતિહાસ માટે નુકશાનકર્તા છે !
ગુજરાતનો ઈતિહાસ વધારે પડતો આવાં ઈતિહાસકારો કે જે આપણા દેશના હતાં જ નહિ તેમનાં પર અને બીજું સાહિત્યકારો પર આધારિત હોય છે. જેમાં જૈન સાહિત્યકારો અને અમુક સંસ્કૃત સાહિત્યકારો પાસેથી એની વિગતો મળે છે. આ વિગતો કેટલી સાચી તે એક પ્રશ્ન ખરો. પણ તે એ જ કાળમાં થયાં હોવાથી તેને ખોટી પણ ના જ મનાય. જો કે આમાં પ્રશસ્તિ સાહિત્યએ માજા મૂકી છે પણ એ વાત મહદઅંશે સાચી પણ હોય છે અને એક આપણે છીએ કે એણે ખોટી સાબિત કરવાં જ મચ્યાં રહીએ છીએ. જાણવું એ વધારે અગત્યનું છે ખોટું સાબિત કરનાર આપણે કોણ ? ઈતિહાસ એમાંને એમાં અઘો જ રહી ગયો છે – રહી જાય છે. આમાં પરદેશી ઈતિહાસકારો, મુસાફરો અને સાહિત્યકારોએ ગુજરાતના ઇતિહાસનું નિકંદન કાઢવામાં કોઈ જ કસર નથી રાખી. પણ તેમ છતાં આજે ગુજરાત માથું ઊંચું કરીને પોતાનાં ભવ્યઇતિહાસની ગાથા કહેતું અડીખમ ઉભું છે આજે નહીં વર્ષોથી ! તારણો કાઢતાં આપણને આવડતું નથી અને ખોટાં કારણો જ આપતાં જ આપણને આવડે છે. નહીં તો સોલંકીયુગનો સુવર્ણકાળ એ કાળની ગર્તામાં ખોવાઈ ગયો જ ના હોત ને ! એણે બહાર કાઢવા – લાવવા માટેનો જ મારો આ પ્રયાસ માત્ર છે ! ગમે તો સ્વીકારો ગત સ્મરણકેરા સમયને !
આ બધું હું અહીં એટલાં માટે લખું છું કે સોલંકીયુગની સ્થાપના થયે ૨૩૦ વર્ષ તો થઇ ગયાં હતાં કેટલાં બાકી હતાં તે તો આ લેખમાં આવવાનાં જ છે. સોલંકીયુગને ચાર ચાંદ લગાડવામાં અને એને સુવર્ણયુગ બનાવવામાં આ ૨૩૦ વરસે ખુબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. ઘણાં મોટાં નામો આમાં હતાં પણ હવે શું એ સિલસિલો ચાલુ રહેવાનો હતો એ તો આવનારો સમય સમય જ બતાવવાનો હતો! શું મૂળરાજ સોલંકી ,ભીમદેવ સોલંકી, કર્ણદેવ સોલંકીઅને બે મહાન રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ સોલંકીની હરોળમાં બેસી શકે એવો કોઈ રાજા થવાનો બાકી હતો ?
રાજા કુમારપાળ સોલંકીએ બધું જ સારું કામ કર્યું હતું પણ તેમને જે જૈનોને વધારે પડતું મહત્વ આપ્યું તે તે કુમારપાળનાં કુટુંબીજનોને અને તે સમયની પ્રજાને ગમ્યું નહોતું અલબત્ત આ મુસ્લિમ અને વામપંથી ઈતિહાસકારોનો મત છે.
જૈનો હંમેશા અહિંસક રહ્યાં છે તેઓ જયારે રાજા બન્યાં ત્યારે પણ અને પ્રજા તરીકે રહ્યાં ત્યારે પણ ! જો કે ગુજરાતમાં કોઈ જૈનધર્મી રાજા નહોતો થયો. રાજ ચલાવવું એ તો ક્ષત્રિયકુળને જ આવડે અને એ એમનો જ ઈજારો છે એવું વરસો પહેલાં ગૌતમીપુત્ર સતકર્ણીએ જે કહ્યું તે ભારતીય અને ગુજરાતના ઇતિહાસમાં એટલું જ સાચું પડે છે. જો કે ભારતમાં બ્રાહ્મણ અને વૈષ્ણવવંશો થયાં હતાં પણ વધારે તો ક્ષત્રિય જ ! આ વાત અહીં એટલાં માટે કરું છું કે હવે કુમારપાળ પછી જે રાજા રાજગાદીએ આવવાનો હતો -બેસવાનો હતો તેમનાં મનમાં પણ આવો જ કૈંક ખ્યાલ હતો. પહેલાં સિદ્ધરાજ જયસિંહ પછી રાજા કુમારપાળ હવે પછી કોણ ? આ પ્રશ્નનો જવાબ છે — રાજા અજયપાળ !
રાજા અજયપાળની વાત કરીએ તે પહેલાં રાજા કુમારપાળની એક વાત કહેવાની રહી ગઈ છે એ પણ અહીં તમને જણાવી જ દઉં… સોલંકી વંશના પ્રતાપી રાજા મહારજ સિદ્ધરાજ જયસિંહને જેમ સોમનાથનો યાત્રાળુવેરો નાબુદ કરવાં માટે યાદ કરવામાં આવે છે તેમ રાજા કુમારપાળને “અપુત્રિકા ધનના ત્યાગ” કરવાં માટે યાદ કરવામાં આવે છે. અપુત્રિકા દાન એટલે બ્રાહ્મણ સિવાયના વર્ણોમાં જો વારસ ના હોય તો સ્ત્રીના ભરણપોષણ માટે તથા મરનારની ઉત્તરક્રિયા માટે યોગ્ય રકમ રાખી બાકીનું ધન રાજા લઇ લેતાં હતાં. આ વિધવાઓના ધનને “રુદતીવિત્ત” (રડતી સ્ત્રીનું ધન) કહેવાતું હતું. તેનો અમલ કાયદો એ રાજા કુમારપાળે કર્યો હતો ! તે સમયમાં આ એક ક્રાંતિકારી પગલું હતું. જેને લીધે રાજા કુમારપાળનની ચારેતરફ વાહવાહ થઇ હતી. આ કેટલું સાચું તે તો ઈતિહાસ જાણે પણ તે વાત અમુક ઇતિહાસના ચોપડે નોંધાઈ છે ખરી !
રાજા અજયપાળ
રાજા કુમારપાળને તો કોઈ સંતાન હતું જ નહીં એટલે એમનાં ભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ રાજગાદીએ બેઠાં. એમનાં વિષે જ ઇતિહાસમાં મતભેદ પ્રવર્તે છે. આ મતભેદ ઉભો કરવામાં અનુશ્રુતિઓ અને મુસ્લિમ ઈતિહાસકારો અને સાહિત્યકારોનો જ મુખ્ય હાથ છે. આ વાત કરીએ તે પહેલાં એમનાં શાસનકાળની સાલવારી પણ જોઈ લઈએ. એમનો શાસનકાળ હતો ઇસવીસન ૧૧૭૩ -૧૧૭૬. જો કે કેટલાંક એમનો શાસનકાળ ૪ વર્ષનો પણ ગણે છે. તેમને બે પત્નીઓ હતી નાયકીદેવી (નાયિકાદેવી) અને કર્પુરાદેવી. તેમને બે પુત્રો પણ હતાં એક મુળરાજ જેને ઇતિહાસમાં બાળ મૂળરાજ કહેવાય છે તે અને બીજો ભીમદેવ સોલકી બીજો. સોલંકીયુગના ઇતિહાસમાં આ બંને રાજાઓ થાય છે પાછળથી !
રાજા અજયપાળ રાજગાદીએ આવતાં પહેલાં અણહિલવાડ રાજ્યની અને પાટણની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તે પણ જાણી લેવી જોઈએ. કુમારપાળે રાજકીય સ્થિરતા અને શાંતિ જરૂર સ્થાપી હતી સોલંકીયુગના સુવર્ણકાળ સમા ગુજરાતમાં પણ તે કેટલાંકના મનમાં ખૂંચ્યું હતું. એમાં મુખ્ય કારણ છે જૈન ધર્મને અપાતું પ્રાધાન્ય ! આ ઘણા બધાને નહોતું ગમ્યું તે સમયે પણ વિદ્રોહ કોઈએ કર્યો નહીં અને કોઈએ પણ વિરોધ નોંધાવ્યો નહીં ! જે કુમારપાળ પછીના સમયમાં બળવત્તર બની ગયો અને આને જ આગળ કરીને બળતાંમાં ઘી હોમવાનું કાર્ય કર્યું આ અનુશ્રુતિઓ અને મુસ્લિમ સાહિત્યકારોએ ! રાજા અજયપાળે જયારે રાજગાદી પ્રાપ્ત કરી ત્યારે એમણે કોઈ વિદ્રોહનો સામનો નહોતો કરવો પડયો પણ તેમનાં મનમાં એક ગ્રંથી કરી ગઈ હતી કે આપણે શૈવધર્મનું ચુસ્ત પાલન કરનારા છીએ તો પછી આ જૈનધર્મની એટલી બધી આળપંપાળ શા માટે ? રાજા કુમારપાળે એટલી વિપુલ સંખ્યામાં જિનાલયો બંધાવ્યા હતાં અને વિહારો બંધાવ્યા હતાં તે કોઈની પણ આંખમાં ખુંચે એવું જ હતું. પ્રજાની તો ખબર નથી પણ રાજા અજયપાળની આંખમાં આ ખૂંચ્યું અને એથી એમણે રાજા કુમારપાળની હત્યા કરી એવું કહેવાનો અને લખવાનો મોકો મળી ગયો ઇતિહાસકારોને અને સાહિત્યકારો ને !
આ વાત ૨૦મી સદીની નવલકથાઓમાં પણ વધારે ચઢાવીને જ કરવામાં આવી છે બાકી સત્ય શું છે એ તો કોઈનેય ખબર નથી ! આવી વાતો વધારે પ્રસરી એનું એક કારણ એ પણ છે કે જૈનો રાજા કુમારપાળને પોતાનાં ધર્મનો જ હિતેચ્છુ રાજા અને પોતાનાં ધર્મનો અનુયાયી માનતાં હતાં. અધૂરામાંપૂરું હેમચંદ્રાચાર્યનું અવસાન થઇ ગયું પછી ૬ જ મહિનામાં રાજા કુમારપાળનનું અવસાન થઇ ગયું એટલે રાજા કુમારપાળ પછી આપણે ઈતિહાસ માટે જૈનસાહિત્ય અને મુસ્લિમ સાહિત્ય પર જ આધાર રાખવો પડે છે. જે વધારીને મોણ નાંખીને કહેવામાં માહિર છે. જૈનોના વિરોધી અજયપાળ હતાં એટલે જ કદાચ જૈનોએ એમની વિરુદ્ધ બખાળો કાઢ્યો હોય એવું પણ બને બાકી ભારતનો ઈતિહાસ આપણને જૈન સાહિત્યમાંથી જ મળે છે. જૈનો વખાણ કરવામાં પાછાં પડતાં નથી એ વાત તો રાજા મિહિરકુલ હું વખતે સાબિત થઇ ગઈ હતી તો પછી આવી ભૂલ એમણે કરી કઈ રીતે તે મારાં મનમાં એક પર્શ્ન જરૂર છે.
જૈનો માત્ર ૧૧૯૫-૯૭માં જ નહીં પણ ઇસવીસન ૧૧૨૯૮-૯૯માં ચુપ જ રહ્યાં હતાં રાજા કર્ણદેવ વાઘેલા વખતે એ વાત તો ત્યારે કરશું પણ અહી એમનાં મનમાં જૈનધર્મનો વિરોધ ખૂંચ્યો એટલે તેમણે અજયપાળને રાજા કુમારપાળની હત્યા કરતાં દર્શાવ્યા છે. આ વાત કે સાહિત્ય અહીંથી જ અટકતું નથી એ આગળ પણ વધારીને કહે છે. પણ રાજા અજયપાળે રાજગાદી સંભાળ્યા પછી કર્યું શું ? એ તો જરા જોઈ-તપાસી-જાણી લઈએ પહેલાં !
અજયપાળ એ કુમારપાળનાં ભાઈ મહીપાળનો પુત્ર હતો. કુમારપાળ અપુત્ર હોવાથી અજયપાળને રાજય પદ મળ્યું. હવે મને એ કહો કે જેને આપોઆપ ગાદી મળવાની હતી તે કુમારપાળને ઝેર આપીને મારી નાંખે ખરો? જે નાટ્યાત્મક પ્રસંગો અને વર્ણનો તે સમયના પ્રબંધોમાં કરવામાં આવ્યું છે એ ઇતિહાસમાં બન્યું જ નથી!
અજયપાળ અને શાકંભરીના ચાહ્માનો
અજયપાળ પછી ગુજરાતની ગાદીએ બેસનાર ભીમદેવ બીજાનાં વિક્રમ સંવત ૧૨૫૬ (ઇસવીસન ૧૨૦૦)ના તામ્રપત્રમાં અજયપાળને “સંપાદલક્ષણો ભૂપાલ” કહ્યો છે. રાજા અજયપાળનાં સમયમાં અજમેરની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહનો દૌહિત્ર ચાહમાન સોમેશ્વર સત્તા પર હતાં. એ અણહિલવાડ પાટણમાં વર્ષો સુધી રહ્યાં હતાં.
શાકંભરીના ચાહમાનો એટલે ચૌહાણવંશના રાજાઓ. એક વસ્તુ નથી સમજાતી કે આ શાકંભરીનાં ચૌહાણોએ ગુજરાત ઉપર આટલાં બધાં આક્રમણો શા માટે કર્યા હતાં અને શા માટે હજી પણ અવિરત પણ કરતાં રહેતાં હતાં ? જ્યારે ગુજરાત અને શાકંભરી વચ્ચે તો સામાજિક સંબંધો પણ હતાં ! રાજપૂતો ઋણની કિમત સમજતા હતાં અને તેઓ પોતાને જે મદદ કરતાં હોય એનાં પર ક્યારેય આક્રમણ કરતાં નહીં. મહાન પૃથ્વીરાજ રાજ ચૌહાણનાં પિતા સોમેશ્વર તો પાટણમાં જ ઉછર્યા હતાં અને મોટાં પણ થયાં હતાં તો અજમેરની ગાદી તેઓ બેઠાં ત્યારે ગુજરાતને શું કામ પોતાનું દુશ્મન ગણે ? શું પૃથ્વીરાજની મહતા અને સોલંકીયુગના સુવર્ણયુગને કલાકિત કરવાનું આ સુયોજિત કાવતરું હતું કે શું ? જેને વધારી – વધારીને તે સમયના સાહિત્યકારો અને ઈતિહાસકારોએ આમ કર્યું હોય ! વર્ષોથી ચાલી આવતી કહેવાતી દુશ્મની અને આ લડાઈનો પડઘો રાજા અજયપાળનાં અતિઅલ્પ શાસનકાળ દરમિયાન પણ પડે છે અને એમાં એવું કહેવાય છે કે શાકંભરીનાં રાજા સોમેશ્વરની હાર થઇ હતી. આ વાત કેટલે અંશે સાચી મનાય ?
જ્યારે સોલંકીયુગના ઇતિહાસમાં આ શું માળવા કે શું શાકંભરીનાં યુદ્ધનાં માત્ર વર્ણિત પુરાવાઓ જ મળે છે એનાં કોઈ સાક્ષ્યપ્રમાણો મળતાં જ નથી. શું આ સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળની સિદ્ધિઓને ઓછી આંકવા માટે આમ બન્યું હશે ? આવા ઉલ્લેખોએ જ ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદી છે જેનો પુરાવો માત્ર ૪ વર્શ્પછી જ મળવાનો હતો.
જો કે મુસ્લિમ સાહિત્યકારો કે ઈતિહાસકારો એ પહેલાંના સમયને અને વર્તમાનસમયની પ્રવર્તમાન પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ જ હોય છે અને તે વાત આક્રમણકારી મલેચ્છોને પણ હોય છે. આ નાનકડી લડાઈ એ માત્ર એક હકીકત છે જેનો લાભ ખુબ જ નજીકના ભવિષ્યમાં મુસ્લિમો ઉઠાવવાના હતાં ! એક વાર લડાઈ થાય કઈ વારંવાર ના થાય દરેક સોલંકીયુગના રાજાઓની લડીઓમાં ત્રણ લડાઈઓ દરેક વખતે થયેલી નોંધાયેલી જોવાં મળે છે
(૧) શાકંભરીના ચૌહાણો
(૨) માળવાના પરમારવંશી રાજાઓ
(૩) જુનાગઢના ચુડાસમા વંશના શાસકો
આમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહે માળવાનો અંત આણી દીધો. ચુડાસમાવંશના રા’ખેંગારને હરાવીને એ વંશને પણ શાંત કરી દીધો હતો બાકી હતું તે વંશને શાંત રહેવા અને આધિપત્ય સ્વીકારવા મજબુર કરી દીધો હતો રાજા કુમારપાળે ! હવે એક જ વંશ લડાઈ કર્યા કરવામાં બાકી હતો તે છે અજમેરનો ચૌહાણ વંશ ! એમણી સાથેની વારંવાર થતી લડાઈઓ સરવાળે ગુજરાતને અને ભારતને ભારે પડી ! એવું પણ કહેવાય છે કે રાજા અજયપાળે રાજા સોમેશ્વ્રને હરાવીને કેદ પણ કર્યો હતો જો કે અજયપાળ સામે સોમેશ્વર હાર્યા હતાં એનો કોઈ ચોક્કસ નિર્દેશ તે સમયના પ્રબંધ સાહિત્યમાં નથી જ મળતો. પ્રશ્ન એ છે કે ચૌહાણોએ ગુજરાત પર બહુ આક્રમણો કર્યા તેમ છતાં તેઓ દર વખતે ગુજરાતના સોલંકીઓ સામે હાર્યા હતાં શું એમનું આક્રમણ માત્ર હારનો બદલો લેવાનું હતું કે બીજું કૈંક ? આ પ્રશ્ન મને જરૂર સતાવે છે !
આ શાકંભરીના ચાહમાનો (ચૌહાણો) હજી પણ હુમલા કરવાનાં જ હતાં જેનાથી ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ હજી અજાણ જ હતો ! આ કેમ લખ્યું તેનો જવાબ તમને થોડાંક જ સમયમાં મહંમદ ઘોરીના આક્રમણ અને રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયમાં મળવાનો જ છે ! એમાં એ વાત સાચી ઠરે છે પણ રાજા અજયપાળ વખતમાં તો નહીં જ !
મેવાડ સાથે યુદ્ધ ——-
વિક્રમ સંવત ૧૨૮૭ (ઇસવીસન ૧૨૩૧)ની આબુની લુણિગવસહિની પ્રશસ્તિમાં સોમેશ્વરે લખ્યું છે કે — આબુના પરમાર રાજા ધારાવર્ષના નાનાભાઈ પ્રહલાદની તલવારે સામંતસિંહ સાથેની લડાઈમાં ગુર્જર નરેશનું રક્ષણ કર્યું હતું. આને લડાઈ કહી શકાય ખરી કે ? પહેલી વાત તો એ કે આ સોમેશ્વર એ કવિ અને સાહિત્યકાર હતાં આ સોમેશ્વર એ મહાન પૃથ્વીરાજ ચૌહાણનાં પિતા નહીં ! આબુ પણ સોલંકીયુગના અણહિલવાડ પાટણ પર આક્રમણ કરવામાં જરાય પાછી પાની નહોતું કરતું ! આબુના રાજાઓ સોલંકીયુગના મહાન રાજવીઓ સામે સતત હારતાં જ રહ્યાં હોવાં છતાં તેઓ આક્રમણ કરવાનું નહોતાં છોડતાં અને દર વખતે નવાં નવાં રાજાઓ આક્રમણ કરતાં હતાં ! આ વખતે વારો રાજા પ્રહલાદનનો હતો! જેને કેટલાંક પ્રહલાદદેવ તરીકે પણ ઓળખે છે. ઉલ્લેખિત આ બધું યુદ્ધ તરીકે થયું છે. આ પ્રહલાદને જ પ્રહલાદપુર નામનું નગર બંધાવ્યું જેને આજે આપણે પાલનપુર શહેર તરીકે ઓળખીએ છીએ તે ! હવે કૈંક યાદ આવ્યું ? ના આવ્યું હોય તો હું જણાવી દઉં કે જો પાલનપુર પ્રહલાદને વસાવ્યું તો તે સમયે અસ્તિત્વમાં જ નહોતું એવાં શહેર પાલનપુરમાં ક્યાંથી ? આ વિષે કોઈ જ ચોક્કસ ન હોવાથી ખોટાં ખોટાં નામો હું આપતો નથી ! હવે …. આ પ્રહલાદન એ એક ઉત્તમ સાહિત્યકાર પણ હતો તેમણે “પાર્થ પરાક્રમ”નામનાં નાટકની પણ રચના કરી હતી.
આ રાજા અજયપાળ એ જૈનધર્મનો વિરોધી હતો એમ ઘણાં પ્રબંધકારો કહે છે. એમણે પોતાનાં રાજ્યારોહણનો વિરોધ કરનાર આમ્રભટ્ટ (આંબડ)મંત્રીને સૈનિકો પાસે મરાવી નાંખ્યા હતાં એવો પણ ક્યાંક ઉલ્લેખ થયેલો જોવાં મળે છે. જૈનો આ રાજાનો વિરોધ કરતાં હતાં તો એમણે એક વાત એ પણ સમજવી જોઈતી હતી કે રાજા અજયપાળનાં દરબારમાં વર્ધમાનસૂરિ નામનાં એક બહુજ પ્રખ્યાત વિદ્વાન હતાં તેઓ જૈન હતાં આ વાત જૈનોએ વિરોધ કરતાં ધ્યાનમાં નથી રાખી લાગતી. એમણે માત્ર એ જ વાત પર ધ્યાન આપ્યું છે કે હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય રામચંદ્ર જેઓ પણ રાજા અજયપાળનાં દરબારની શોભા વધારતાં હતાં તેમને ત્રાંબાના એક મોટાં પાટલાં પર બેસાડીને એને ગરમ કરી એનાં પર બેસાડી એમને મારી નંખાવ્યા હતાં.
એ પછી એમનાં એક મંત્રી કપર્દી મંત્રીને એક મોટી ઉકળતી કઢાઈમાં નાખી મારી નંખાવ્યો હતો એવું કહેવાય છે. અપરિચિત નામની એક દક્ષિણ ભારતીય હિન્દી ડબ ફિલ્મ આવી હતી તેમાં પણ ફિલ્મનો નાયક આજ રીતે એક જણને મારી નાંખે છે. આ વાત ભારતીય પુરાણોમાંથી લેવાયેલી છે એટલે નિષ્કર્ષ એ કાઢી શકાય કે રાજા અજયપાળ સાથે જે ઘટનાઓ સાંકળવામાં આવી છે તેમાં આ પ્રબંધકારોએ પુરાણોનો જ સહારો લીધો છે. જેને તે સમયના ઈતિહાસ સાથે કોઇપણ પ્રકારની લેવાદેવા નથી. આવી વાતો એ પૂર્વગ્રહથી પીડાઈને જ કહેવામાં-પ્રસરાવવામાં આવી છે. એવી પણ વાતો વહેતી કરવામાં આવી હતી કે રાજા અજયપાળે અણહિલવાડમાં અને ગુજરાતમાં જે મહેલો, જૈન મંદિરો અને વિહારો રાજા કુમારપાળના સમયમાં જે બંધાવ્યા હતાં તે તોડી પાડવામાં આવ્યાં હતાં જે સરાસર ખોટું જ છે.
હકીકત તો એ છે કે રાજા અજયપાળનાં દરબારમાં ઘણાં જૈન સેવકો – સાહિત્યકારો – વિદ્વાનો હતાં. “મહરાજ પરાજય “ના લેખક યશપાલ પણ પોતે જૈન હતાં અને રાજા અજયપાળના સેવક હતાં. આમ, સંભવ છે કે રાજા કુમારપાલનાં સમયમાં જૈન ધર્મને જેવો રાજયાશ્રય મળ્યો હતો તેવો રાજ્યાશ્રય રાજા અજયપાળ શૈવધર્મી હોવાથી ન મળતાં ધાર્મિક રાગદ્વેષથી પ્રેરાઈને પાછળના પ્રબંધોમાં આવી વિગતો ઉમેરાઈ હોવાનો સંભવ છે.
રાજા અજયપાળનાં દાનપત્રો
રાજા અજયપાળનાં માત્ર ત્રણ જ વર્ષના રાજ્યકાળ દરમિયાન ત્રણ દાનપત્રો મળ્યાં છે. પ્રથમ દાનપત્ર ઉદયપુરમાંથી વિક્રમ સંવત ૧૧૨૯ (ઇસવીસન ૧૧૭૩)નું મળેલ છે. બીજું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૩૧ (ઇસવીસન ૧૧૭૫ )નું છે. ત્રીજું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૩૧ (ઇસવીસન ૧૧૭૫)નું ઊંઝામાંથી મળેલ છે. ઉદયપુરના દાનપત્રમાં મહામાત્ય સોમેશ્વર તથા દંડનાયક લુણપશાકનો ઉલ્લેખ મળે છે. આ દાનપત્ર અક્ષયતૃતીયાના દિવસે ઉમરવા ગામ દાનમાં આપ્યું છે એ અંગેનું છે. આ દાનપત્ર રાજા અજયપાળનાં રાજ્યારોહણનો સમય નક્કી કરવાં માટે મહત્વનું મનાય છે.
બીજું દાનપત્ર ક્યાંથી મળ્યું તે જાણવા મળતું નથી. આ લેખમાં દાન આપનાર તરીકે ચાહમાનવંશના મહામંડલેશ્વર વૈજલદેવનું નામ પંક્તિ ૧૭માં આપેલું છે. લેખમાં બે તિથિઓ મળે છે– (૧) વિક્રમ સંવત ૧૨૩૧ કારતક સુદ ૧૧ સોમવાર અને (૨) વિક્રમ સંવત ૧૨૩૧ કારતક સુદ ૧૩ બુધવાર.
ત્રીજું દાનપત્ર હાલના મહેસાણા જીલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ઊંઝા ગામમાંથી મળેલ છે. લેખની શરૂઆતમાં વિક્રમ સંવત ૧૨૩૧ ચૈત્ર વદ અગિયારસને ગુરુવારની તિથિ આપેલ છે. દાનપત્રમાં દંડ શ્રી તાતના સમયમાં બલ્લાલના પુત્ર કુમારસિઘે ઊંઝામાં કાલસ્વામી દેવની પંચોપચાર પૂજા કરીને અમુક પદાર્થો દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. આ લેખમાં રાજા અજયપાળને લગતી કોઈ વિગત મળતી નથી. આ સર્વ દાનપત્રો ઉપરથી એટલું સ્પષ્ટ જણાય છે કે અજયપાળના સમયમાં ચૌલુક્ય રાજ્યની સત્તા છેક માળવા અને દક્ષિણમાં લાટ પ્રદેશ સુધી વિસ્તરેલી હતી.
રાજા અજયપાળનો અંત —–
રાજા અજયપાળની રાણી નાયકીદેવી રાજા પરમર્દીની કુંવરી હતી. રાજા અજયપાળને કર્પૂરદેવી નામે બીજી રાણી હતી. રાજા અજયપાળ પછી ગાદીએ આવનાર બાળ મુળરાજ આ નાયકીદેવી (નાઈકીદેવી)નો પુત્ર હતો. પ્રબંધચિંતામણીમાં જણાવ્યું છે કે રાજા અજયપાલને વૈજલદેવનામના પ્રતિહારે છરીથી મારી નાંખ્યો. આ બાબતમાં શ્રી કનૈયાલાલ મુનશી જણાવે છે કે — આ એક ધાર્મિક દ્વેષથી પ્રેરાઈને થયેલું ખૂન છે.
ઉપસંહાર ———
રાજા અજયપાળ જેટલી ઝડપથી રાજગાદીએ આવ્યાં એટલી ઝડપથી જતાં પણ રહ્યાં. રાજા અજયપાળ એ ઉદારરમતવાદી હતાં. રાજા અજયપાળ એ પરમ શૈવધર્મી અને પરમ શિવભક્ત હતાં. યુદ્ધ જીત્યાં કે નહીં તે હજી અધ્યાહાર જ છે કારણકે એ વિષે કશે જ કશું લખાયેલું નથી કે જાણી જોઇને કશું લખાયું નથી. પણ તેમણે બધાં ધર્મને સરખો જ ન્યાય આપ્યો હતો જેની ઇતિહાસમાં નોંધ નથી લેવાઈ – લેવાવી જોઈતી હતી ! આ ધાર્મિક ઝગડાઓએ જ ગુજરાતનો દાટ તે સમયમાં વાળ્યો હતો અને અત્યારેય આવું જ બની રહ્યું છે તેનું મને દુખ છે. રાજા અજયપાળ લાંબુ શાસન કરી શક્યા હોત તો કદાચ ગુજરાતનો ઈતિહાસ જુદો હોત એવું કહી શકાય ! પણ વિધાતાના લેખ આપણે તો મિટાવી નથી જ શકતાં ને ! અલ્પશાસનનો અંત આટલી ઝડપથી આવ્યો એ ગુજરાતની કમભાગ્યતા છે. કોણ જાણે અ વિધાતાએ આગળ શું શું લખ્યું છે તે તો આવનારો સમય જ બતાવશે !
મારો હવે પછીનો લેખ રાજા બાળ મુળરાજ અને રાજા ભીમદેવ દ્વિતીય ઉપર
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
——– જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 6
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7
- રાજા કુમારપાળ ભાગ – 1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 3 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- રાજા કુમારપાળ ભાગ – 4 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..