આ કલીકાળમાં અધર્મનો પ્રભાવ વધવાથી માનવીઓ કેટલા નિ:સહાય હતા તેના પ્રમાણ વખતોવખત મળી રહ્યા છે.જે માણસ સુખ-દુઃખમાં એકબીજાને સાથ-સહકાર આપતા,જે એકબીજાના માન-સન્માનની જાળવણી કરતા એ જ માણસો આ કળીયુગના સમયમાં, સત્ય તથા ધર્મનું બધું જ જ્ઞાન ભૂલી ગયા હતા, આ એ સમય હતો જ્યારે કોઇ કોઇનું ન હતું. લોકોના માનસપટ પર સ્વાર્થવૃત્તિ સવાર થઈ ગઈ હતી. બધાને બસ પોતાના સ્વાર્થ સિવાય બીજું બધુ ખોટું જ લાગતું હતું.
ભારતવર્ષમાં યુગોયુગોથી ઇશ્વર પોતાના અંશોને પૃથ્વી પર મોકલે છે કારણ માત્ર એટલું જ કે માણસ જ્યારે માણસ મટી જાય છે ત્યારે તેને યોગ્ય રસ્તો બતાવવા તેમજ સજજન તથા સદાચારી લોકોને માર્ગદર્શન આપવા તથા તેમને યોગ્ય રસ્તે ચાલવા પ્રેરિત કરવા માટે ભગવાનને પણ પૃથ્વી પર પ્રગટ થવું પડે છે. જ્યારે આ યુગમાં તો સામાન્ય માણસ તો શું પણ આ પૃથ્વી પરના ધર્મનું રક્ષણ કરનારા ધર્માચાર્યો અને ક્ષત્રિયો પણ પોતાનો ધર્મ ભૂલી નિજસ્વાર્થમાં તેમજ ભોગવિલાસમાં રચ્યા-પચ્યા રહેતા હતા. આવા સમયે ભગવાને પૃથ્વી પર પધારી જ્ઞાની પુરૂષોનું માર્ગદર્શન કરવું જ પડે તેમ હતું. એટલે જ સત દતાત્રેય ભગવાન પોતાના ત્રણેય અંશો રૂપે ક્રમશઃ દેવીદાસબાપુ, રૂડાપીરબાપુ, માંડણપીરબાપુ સ્વરૂપે અવતર્યા હતા. ત્રણેય અંશો પોતપોતાના રસ્તે આગળ વધી અધર્મ અટકાવવાનું કાર્ય કરવા લાગ્યા હતાં.
સમગ્ર ભારતવર્ષના યાત્રાસ્થાનોમાં ભારતની પ્રજાને અપાર શ્રધ્ધા છે. જ્યારે આ કલીકાળમાં દરેક ધર્માચાર્યો પોતપોતાના ધર્મની મહત્તા વધારવા માટે બીજા ધર્મોને નીચા દેખાડવા પ્રયત્નો કરવા લાગ્યા હતા. દરેક ધર્માચાર્યો અને તેના સંપ્રદાયો પરસ્પર એકબીજાથી મોટા હોવાના ઢોંગ કરવા લાગેલા આવા સમયે ભોળા માણસોને ધર્મનો સાચો ઉપદેશ કોણ આપે? કોણ સમજાવે કે માનવધર્મ શું છે ? કોણ સમજાવે કે સત્ય સનાતન ધર્મની મહિમા શું છે? આવા લોકો ધર્મના નામ પર સમાજમાં અધર્મ ફેલાવતા હતા તેને સમજાવવા માટે માંડણપીર બાપુએ સમગ્ર ભારત વર્ષની યાત્રા કરવાનું નક્કી કરેલું.
આ અડસઠ તીરથની યાત્રા દ્રારા માંડણપીર બાપુ લોકોમાં ‘માનવ સેવા એજ સૌથી મોટો ધર્મ’ એ સંદેશ આપવા માંગતા હતા.માંડણપીરબાપુ કેહતા કે ‘પ્રભુને મેળવવા તમારે એવા કોઈ વિશેષ કાર્ય, કર્મકાંડ કે જપ-તપ કરવા કે કોઈ વિશેષ માર્ગે જવાની પણ જરૂર નથી,પ્રભુને પામવા માટે માણસે દરેક જીવમાં પ્રભુનો વાસ છે એટલું જ સમજવાની જરૂરી છે. જેથી માણસ દરેક જીવ પ્રત્યે આદરભાવ,દયા, પ્રેમ, લાગણી રાખે જેથી પ્રભુ આપણને આપોઆપ મળી જાય છે’.
માંડણપીરબાપુ એ સમાજને તે સંદેશો આપેલો કે પ્રભુ મેળવવાનો એક જ માર્ગ સરળ છે અને તે એ છે કે દરેક જીવમાં શિવનો વાસ છે માટે જીવને રાજી રાખો તેની સેવા કરો એટલે ભગવાન શિવ પણ રાજી રહેશે.
માંડણપીરબાપુએ સર્વે ધર્માચાર્યો વગેરેને પણ એ સંદેશો યાત્રા દરમ્યાન આપેલો કે સર્વ ધર્મ એક છે,ધર્મના માધ્યમથી ઇશ્વર સુધી પોંહચવાના રસ્તા ભિન્ન ભિન્ન છે. કોઈ ધર્મ નાનો નથી કે કોઈ ધર્મ મોટો નથી, બધા ધર્મ માણસોએ પોતાની પુજા-ભક્તિની અનુકૂળતા મુજબ બનાવ્યા છે.જ્યારે આગાઉ પણ ભગવાન રામચંદ્ર અને કૃષ્ણચંદ્રએ પૃથ્વી પર જન્મ લઈ કોઈ અલગ ધર્મ પંથની સ્થાપના કરી નથી! તેઓ સનાતન ધર્મને જ અનુસર્યા છે.આ સનાતન ધર્મ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
માંડણપીરબાપુ તથા તેમની સાથે સંત વેલાબાવા (કોળી સંત) રાણા ભગત (કોળી સંત) અને ઇગારશાસાંઈ (મુસ્લીમ સંત) અડસઠ તિર્થોની યાત્રાએ નિકળે છે.ગામડે ગામડે “માનવ સેવા એ જ પ્રભુ સેવા” નો સંદેશો ફેલાવતા જાય છે જ્યાં જ્યાં ધર્માચાર્યો વધારે પડતા અભિમાનમાં રાચતા હતા, ત્યાં ત્યાં જઇ માંડણપીર બાપુએ પરચા આપી તેમનું અભિમાન ઉતારેલું. સર્વ ધર્મ એક છે એવો સંદેશો આપેલો જ્યાં જ્યાં રાજા રજવાડા પ્રજાનું શોષણ કરતા ત્યાં રાજાઓને પરચા આપી યોગ્ય માર્ગે વાળેલા.
આ એ સમય હતો જ્યારે પ્રજા વિદેશી સંસ્કૃતિના આક્રમણથી પોતાની સંસ્કૃતિ ભુલવા લાગેલી, પ્રજા માનવતા ભુલવા લાગેલી, કોઈ કોઈનું રહ્યું ન હતું, રાજાઓ પોતાના સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેતા, પ્રજા નિ:સહાય હતી. આ સમયે માંડણપીરબાપુએ સમગ્ર ભારતવર્ષની પરિક્રમા કરી. પ્રજામાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેનું ભાન જગાવ્યું, માણસ ને માણસ બનતા શીખવ્યું.સમાજમાં માનવસેવાનો મહિમા વધાર્યો.
આવી રીતે પરિક્રમા કરતા કરતા છેલ્લે પાલીતાણા શેત્રુજા ડુંગર પર આવે છે શેત્રુજા ડુંગર પર પોતાના શિષ્યો સાથે જાત્રા જુવારવા જાય છે દેવળોમાં ફરતા હતા એવામાં રાત પડી જાય છે. ડુંગરના ચોકીદારો પગથીયા નીચે ઉતરી જાય છે તથા મંદિરોમા તાળા મારી ચાલ્યા જાય છે માંડણપીર બાપુ તેમના શિષ્યો સાથે ડુંગર પર દેવળોમાં જ રાત વિતાવે છે. સવાર થતા સૈનિકો આવે છે દેવળોમાં આવતા ચારેય સંતોને જુવે છે, ચારેય સંતોને જોઈ સૈનિકો તેમને ચોર સમજે છે. ચોર સમજી સૈનિકો તેમને પકડવા માંગે છે. માંડણપીરબાપુ કહે છે અમે ચોર નથી સાધુ છીએ અમારે મન તમારા હિરા-મોતી પથ્થર કંકણ સમાન છે. છતાં સૈનિકો વાત માનતા નથી જેથી બાપુ કહે છે તમારા રાજાને બોલાવો તેની રૂબરૂમાં અમે વાત કરીશું સૈનિકો પ્રથમ તો રાજાને બોલાવવા તૈયાર નથી થતા પરંતુ દિવ્ય તેજસ્વી સંતોના મુખ પર દેખાતા તેજના પ્રતાપે સૈનિકો થોડા ડરી જાય છે અને રાજા સુધી સમાચાર પહોંચાડે છે.
રાજા તેના સૈનિકો સાથે શેત્રુજા ડુંગર પર આવે છે સૈનિકો રાજાને વાત કરે છે કે આ ચારેય લોકો રાતના આ દેરાસરોમાં ઘુસી ગયેલા આ ચોર છે.ઇગારશાસાંઈ કહે છે તે રાજા અમે ચોર નથી સંતો છીએ આ મુંજીયાસરથી આવેલા માંડણબાપુ છે. રાજા વાત માનવા તૈયાર નથી થતો રાજા કહે છે તમારી વાતનું પ્રમાણ શું? હું કેમ કરી તમારા પર વિશ્વાસ કરું? માંડણપીરબાપુ કહે છે ‘રાજા તમને કોના ઉપર વિશ્વાસ છે એ કહો એટલે તેમની સાક્ષી પુરીએ’, રાજા કહે છે કે ‘આ દેરાસરમાં રહેલા ભગવાન પર મને વિશ્વાસ છે તેને કહો આવીને સાક્ષી પુરે!’. રાજા આવી વાત કરી સંતોની મજાક કરવા લાગે છે, પણ રાજા તે વાત જાણતો ન હતો કે તે જગતપિતા ગુરૂ દતાત્રેય ભગવાનના અંશ એવા માંડણપીરબાપુ સામે વાત કરી રહ્યો છે.
માંડણપીરબાપુ રાજાને કહે કે રાજન સાંભળો તમને આ દેરાસરોમાં વિશ્વાસ છે તો અમારી સાક્ષી પુરવા તમારા આ દેરાસરના દેવોને આવવું પડશે એમ કહી માંડણપીરબાપુ બધા દેરાસરોમાંથી બધા દેવોને પ્રગટ કરે છે બધા દેવો પ્રગટ થતાં જ રાજા અને તેના સૈનિકો આ પરચો જોઈ માંડણપીરબાપુના ચરણોમાં પડી જાય છે. રાજા બાપુની માફી માગે છે. માંડણપીર બાપુએ રાજાને બેઠો કરી સતધર્મનું જ્ઞાન કરાવે છે તથા માનવ સેવાનો પ્રબોધ આપે છે.
માંડણપીરબાપુના શિષ્ય ઇગારશાસાંઈ કહે છે બાપુ આ લોકોએ તમારું અપમાન કર્યું છે તેની સજા તો તેને મળવી જ જોઈએ, બાપુ કહે સજા આપનાર આપણે કોણ આપણે તો રસ્તો ભૂલેલાઓને રસ્તો બતાવવાનો હોય આપણે આશિર્વાદ આપવાના હોય તેના પ્રત્યુતરમાં ઈગારશાસાંઈ કહે છે બાપુ તો પણ હવે હું અહિંથી પરત નહી ફરુ તમે મને અહિંયા જ સમાધિ લેવાની રજા આપો. હવે આ દેરાસરમાં આવનાર લોકો સર્વ પ્રથમ મને સલામી ભરવી પડશે પછી જ આગળ વધશે.
માંડણપીરબાપુ ઇગારશાસાંઈને સમાધી લેવાની રજા આપે છે. પછી ઈગારશાસાંઈ શેત્રુજા ડુંગરના પગથીયા પાસે સમાધી લે છે અને કહે છે અહિંયા દર્શને આવનારે પ્રથમ મને સલામી મારવી પડશે તો એની યાત્રા સફળ થશે.
આવી રીતે માંડણપીરબાપુએ તિર્થ સ્થાનોની યાત્રા પુર્ણ કરી રાણાભગત અને વેલાબાવા સાથે મુંજીયાસર આવે છે.
મુંજીયાસર આવતા જ આખુંય ગામ, રૂડાપીરબાપુ તથા જગ્યામાં રહેતા પમાબાપા પાનસુરીયા અને અનેક શિષ્યો બાપુનું સ્વાગત કરે છે. માંડણપીરબાપુ મુંજીયાસર જૂની જગ્યામાં આવી બધા શિષ્યોને તથા ગ્રામજનોને આશીર્વાદ આપે છે.
રૂડાપીરબાપુના ત્રણ દિકરાઓ પણ હવે તો યુવા અવસ્થામાં પહોંચી ગયા હોય છે. તેમના નામ કરમણપીર, રામબાપુ અને લખાબાપુ હતું. રૂડાપીરબાપુને ત્રણ દિકરીઓ પણ હતી. માંડણપીરબાપુ બધાને જોઇ ખુબ ખુશ થાય છે. બધાને આશીર્વાદ આપે છે.
ત્યાર પછી કરમણને પોતાની નજીક બોલાવી માંડણપીરબાપુ રૂડાપીર બાપુને કહે છે ભાઈ આ કરમણના ચહેરા પર ઘણું તેજ દેખાય છે તેને પરબે લઈ જાજો. કરમણ માથે જવાબદારીઓ ઘણી આવવાની છે.માંડણપીરબાપુ કરમણપીરને સંબોધી કહે છે બેટા તારે માથે ઘણી જવાબદારી મૂકી અમે જવાના છીએ.
માંડણપીરબાપુ આદેશ કરે છે કે ‘બેટા કરમણ તારે એક નહિં પરંતુ ત્રણ-ત્રણ સ્થાનોએ સતધર્મની અને માનવસેવાની જ્યોત પ્રગટાવાની છે.’ કરમણપીર પણ ખુબ આત્મવિશ્વાસથી કહે છે કાકાબાપુ તમારા આશિર્વાદથી હું તમારા બતાવેલા માર્ગે જરુર આગળ વધીશ. માંડણપીરબાપુ તેમના જવાબથી ખુશ થાય છે.
પમાબાપા પણ માંડણપીરબાપુના પગમાં પડી ખુબજ ખુશ થાય છે અને કહે છે બાપુ હવે હું તમને અહીંથી ક્યાંય જવા નહિં દઉં હવે તમારી સેવા હું એકલો જ કરીશ. માંડણપીરબાપુ પમાબાપાની લાગણીથી ખુબ ખુશ થાય છે.
ભાગઃ ૧૧ ક્રમશઃ પોસ્ટ…
સંદર્ભ-ગ્રંથોઃ
અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદિત
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860
પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
- સત દેવીદાસબાપુની જન્મભૂમી મોટા મુંજીયાસર ગામનો પરિચય
- દેવીદાસબાપુના પૂર્વજોનું વૃતાંત
- દેવંગી સત્ દેવીદાસનો જન્મ
- સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી
- સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા
- સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ
- સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ
- સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ
- પરબના સ્થાનકમાં સત્ દેવીદાસબાપુ દ્રારા રકતપિતયાઓની સેવા તથા સ્થાનકમાં આશરો
- માનવ સેવા એજ પ્રભુ સેવા: સત્ દેવીદાસ બાપુનું સ્થાનક પરબ વાવડી રકતપિતિયાઓનું આશ્રય સ્થાનઃ
- 🌹 સત્ માંડણપીર બાપુ 🌹
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..