“કઠપુતળીના ખેલ ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 19

કઠપુતળીના કસબી:

ભાટ લોકો એટલે કઠપૂતળીના કસબીઓ નાનપણમાં વરસે એકાદ બે વાર કઠપૂતળી ના ખેલ દેખાડનાર ભાટ લોકો આવતા..અમે ખુબ જ રસપૂર્વક આ મહામનોરંજન માણતા હતા.

ગામના ચોકમાં તેમના ખેલ થાય.રાત પડેને તેમની ઢોલકી ઢમકે..પટોપટ વસ્તી ભેગી થાય. ભાટ એક સહેજ ધોળાશ પડતો પડદો બાંધે તેના પર બીજા રંગના કપડાની કોર કરી તેની ઝુલ પાડે.

તે સમયમાં ગામડામાં ઈલેકટ્રીકની સુવિધા નહોતી.સરસ મજાના ફોટા સાફ કરેલી એકાદ બે ફાનસને અજવાળે ખેલ શરૂ કરે..બધી જ જાત જાતની ઢીંગલીઓ તેમાં ઉભી કરે.. ભાટનો મદદનીસ કે તેની પત્નિ ઢોલકી વગાડે.
ભાટ ખેલ ચાલુ કરે.. ગોઠવેલી ઢીંગલીઓનો પરિચય કરાવે…

જેવો ખેલ તેવો તેનો પરિચય.અનેક લોકવાતો તેમના ખેલના વિષય હોય જેવા કે…. પૃથ્વીરાજ ચૌહાણ, રાણો પ્રતાપ, શિવાજી છત્રપતી, ક્યારેક રામાયણ કે મહાભારતના કેટલાક પ્રસંગો, ક્યારેક આપણાં આખ્યાનો ઓખાહરણ વિગેરે….

કોકવાર હાસ્ય વાર્તાઓ પણ રજુ કરે.

આમ વાર્તા પ્રમાણે પાત્ર પરિચય થતો જાયને ભાટની આંગળીઓ સાથે દોરીએ બંધાયેલી ઢીંગલીઓ જાણે જીવતી બની નાચવા મંડે.

કળા એટલી સરસ જાણે જીવતી જાગતી ઢીંગલીઓ નહીં પણ સજીવ પાત્રો હોય.. આમ આ ખેલ દોઢ બે કલાક ચાલે. ભાટ ઉઘરાણું કરે, રોકડા ન હોય તો કોક ભણેલા છોકરા પાસે લખાવડાવે. સવારે ગામમાં ફરી ઉઘરાવી લે.. જે મળે તેથી સંતોષ…

આવા જ એક ભાટ મોહનજી અમારે ગામ ખેલ કરવા આવેલ તેની પાસેથી મળેલી કેટલીક વાતો અત્રે મુકુ છુ. તેમણે કહેલ કે….

અમારા પુર્વજ ‘કંકભાટ’ હતા. એ રાજા વીર વિક્રમના દરબારી હતા. તેમની સ્મરણ શક્તિ એટલી બધી તીવ્ર હતી કે કોઇપણ વાર્તા કે કવિતા એક જ વાર સાંભળે તે અક્ષરસહ બોલી શકતા હતા. તેમને પોતાની સ્મરણશક્તિ માટે ભારે અભિમાન હતું.

રાજસભામાં કોઈ કવિ પોતાની કવિતા રજુ કરેને રાજાને ગમી જાય તો ભારે ઈનામની લ્હાણી થતી હતી. કોઈ કવિ દરબારમાં આવી કોઈ કવિતા રજુ કરે એટલે તેઓ તરત જ ઉભા થઈ તે કવિતા અક્ષરસહ બોલી સંભળાવતા અને તે રચના આ કવિની નથી તેમ કરી આવનાર કવિઓનું વારંવાર અપમાન કરતા હતા.

એકવાર એક કવિ વીર વિક્રમના દરબારમાં આવ્યા. તેમણે રાજા વિક્રમ સમક્ષ રજુઆત કરી કે આપશ્રીના પિતાશ્રીએ મારી પાસેથી એક કરોડ સોનામહોર લીધેલ અને કહેલ કે આ સોનામહોર હું પરત ન કરું તો મારો પુત્ર પરત કરશે. તો આપ તે મહોરો પરત કરો…

આપ આ વાત જાણતા ન હોતો તમારા દરબારમાં જે વધારે જાણકાર હોય તેને પુછી જુઓ.

આદત મુજબ કંકભાટ બોલે તો જુનું જાણીતું સાચું પુરવાર થાય. હવે કંકભાટે કહેવું પડ્યું કે આ નવું છે મેં સાંભળેલ નથી. આમ આ કવિને તેની આ ખાસ રચના માટે ઈનામ આપ્યું અને આ કવિએ ઈર્ષાભાવે અપમાનિત કરાવી દેશનિકાલ કરાવ્યો..

કંકભાટે જેમ દરબારીઓને કઠપૂતળીઓની જેમ નચાવ્યા હતા તેમ નિરાધાર કંકભાટે આજીવિકા માટે કઠપૂતળીઓ ચાવી ખેલનો ધંધો અપનાવેલ ..

ત્યારથી અમે આ કસબ કરી જનમનોરંજન કરાવીએ છીએ. કઠપુતળીઓ અતિપ્રાચીન પરંપરા હોવાનું પણ મનાય છે. મોહેં-જો-દડો અને ઈજિપ્તના પિરામિડોમાંથી પણ પ્રાચીન પૂતળીઓ મળી આવી હતી.

બીજી એક દંતકથા એવી પણ છે કે…

ઔરંગઝેબના શાસનકાળમાં હિન્દુ રાજાઓની તરફેણે જનમત ઉભો કરવા કઠપૂતળીના ખેલમાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘અમરસિંગ રાઠોડ’ની શૂરવીરતા રજૂ કરાતી.

આમ સ્થાનિકોમાં બળવો થવાની બીકે ઔરંગઝેબે આ ખેલો પર પ્રતિબંધ મૂકી દીધેલો અને રાજવિરોધી પ્રવૃતિ ગણેલી. કહેવાય છે કે તેનાથી બચવા ત્યારથી કઠપૂતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરી ‘પીપુડી’થી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું.

ભારતમાંથી જ કઠપૂતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા. આ દેશોમાં આજેય ભારતીય પારંપરિક કઠપૂતળી કળા હયાત છે.

એક અન્ય દંતકથા એવી પણ છે કે..

કહેવાય છે કે પાંચમી સદીમાં રાજસ્થાનમાં પાદલિપ્ત સૂરિ નામના જૈન મહારાજ સાહેબ થઈ ગયા. તેઓ કેટલીક વનસ્પતિઓનો રસ પગે લગાવીને અદૃશ્ય થવાની કળા કરી શકતા હોવાથી તેમનું નામ પાદલિપ્ત સૂરિ (પાદ એટલે પગ, લિપ્ત એટલે લીંપેલા પગવાળા) પડેલું. તેમણે ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના માટે એક કઠપૂતળી બનાવી જે આંખો પણ પટપટાતી.

કઠપૂતળી આરામના સમયે મહારાજશ્રીને હાથથી પંખો નાખતી. મહારાજશ્રીની આ કઠપૂતળી આસપાસનાં ગામોમાં ફેલાઈ પ્રખ્યાત થઇ ગઈ હતી.

કેટલાક લોકોએ ઈર્ષાથી પ્રેરાઈ મહારાજશ્રી વિરુધ્ધ રાજાને ફરિયાદ કરી કે મહારાજશ્રીએ બનાવેલી કઠપૂતળીનો ચહેરો તમારી બહેન જેવો છે. તે લોકોની વાતમાં આવી જઈ રાજાએ ઉશ્કેરાઈને મહારાજશ્રીને અપમાનિત કરી રાજ્યમાંથી બહાર કાઢી મુક્યા.

અપમાનથી દુ:ખી થયેલા મહારાજશ્રી પાદલિપ્ત સૂરિએ કઠપૂતળીને તોડીને રસ્તા પર ફેંકી દીધી…સાથે સાથે શાપ આપ્યો કે તારી સાથે જીવનાર હંમેશાં ભૂખે મરશે.

કઠપૂતળી પ્રકાર કયા ક્યા હોય?

કઠપુતળી એટલે કપડું વીંટીને બનાવેલી ઢીંગલી. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે.

  • ૧.ગ્લવ્ઝ પપેટ,
  • ૨.રોડ પપેટ,
  • ૩.શૅડો પપેટ

૧. રોડ પપેટ:-

તેને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે.

૨. ગ્લવ્ઝ પપેટ:-

હાથમાં પહેરાય છે.

૩. શૅડો પપેટ:-

પડદા પર પડછાયા દ્વારા દર્શાવાય છે..

પ્રશ્ન:અનેક પ્રકારની કઠપુતળીઓ તો સાંભળી પણ તે એકલા ગુજરાતમાં જ દર્શાવાય છે? બીજા રાજ્યોમાં દર્શાવાય છે?

કઠપૂતળી અનેક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, મૈસુર,કેરળ,ઓરિસા,બંગાળ વિગેરે રાજ્યોમાં દર્શાવાય છે. પરંતુ તેમાં સામાન્ય ફરક જોવા મળે છે. અલગ અલગ નામે પણ ઓળખાય છે.

મહારાષ્ટ્રમાં કઠપૂતળીની કળા બાઉલી, કર્ણાટક અને મૈસુરમાં ગોમ્બેઆટ્ટા, કેરળમાં તોલપાવૈ-તૂણીપાવા, ઓરિસ્સામાં સખીનત્ત અને રાવણછાયા, બંગાળમાં પુત્તુલ નાચ-બેનીર પુત્તુલ આંધ્રમાં બોમ્મા-તોળુ બોમ્મા તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત કોઇકવાર અમારા કસબીઓને ફ્રાન્સ, ડેન્માર્ક, ઈટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપૂતળીના ખેલ માટે બોલાવાય છે.

જે તે દેશની ભાષામાં તેઓ રામાયણ- મહાભારતના ખેલ કઠપૂતળીના માધ્યમથી રજૂ કરે છે. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના જમાનામાં પણ વિદેશીઓ હોંશેહોંશે તેમના ખેલ જોવા ઉમટી પડે છે.

અમારા પૈકીના મહીપતભાઈ અને તેમનાં પત્નીએ લંડનના બકિંગહામ પેલેસમાં રાણીની સામે કઠપૂતળીના ખેલ દર્શાવ્યાના ય દાખલા છે.

પ્રશ્ન:તમારી જ્ઞાતિના લોકો ક્યાં ક્યાં વસે છે? અને શું કરે છે?

ગુજરાતમાં પૂતળી ભાટ કોમનાં લગભગ બસોથી વધારે કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ને મહેસાણામાં વસે છે. રાજસ્થાનમાં અમારા વડવાઓ રહેતા હતા. હજી પણ અમારા લોકો ત્યાંના ખાખોલી, લુણીયા,કુચામણ વિગેરે ગામોમાં વસે છે.મૂળે અમે ભાટ એટલે અમારા વડવાઓ પહેલાં વંશાવલી પણ રાખતા.

આ ઉપરાંત અમારાંમાં ગાયકીની કળા પણ હોય છે. કેટલાક રાવણ હત્થા વગાડી ગાઈ રોજીરોટી રળે છે.

પ્રશ્ન: શું તે લોકો હજી ય કઠપૂતળી શો કરે છે?

જેમાંથી કઠપૂતળીના ખેલ કરનારા ગણ્યા ગાંઠ્યા કલાકારો રહ્યા છે. ઝાઝા હવે કાપડનાં હાથી-ઘોડા, તોરણ, ચકલી-પોપટની સેરો, નાનીમોટી કઠપૂતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે.

પ્રશ્ન: આ ધંધો મૃતપ્રાય થવાનું કારણ શું?

આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનનાં સાધનોનો વિકાસ થવાથી કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ હોવાથી સમય સાથે તાલ ન મળાવી શકતાં તે ઉપરાંત તેમને સરકારી યોજનાનો ખાસ કોઈ સહારો કે નથી.સભ્ય સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ રહી નથી.

પ્રશ્ન: આ ધંધાને બચાવવા શું કરવું જોઈએ?

આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે. સભ્ય સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગ્રત થાય તે પણ જરૂરી છે. કઠપૂતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થાય. એનજીઓ દ્વારા આ કોમના પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપવા પ્રયત્નો કરવા જોઈએ.

કઠપુતળીનો ડાન્સ જોવા લીન્ક ખોલો..

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!