“વરસાદની આગાહી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 16

વરસાદ આગાહી અંગે રસપ્રદ વાતો

મારા સૌથી મોટા મામા ચુનામામા.. ભોળા ભટ્ટ જેવા. અસલી જુનો પહેરવેશ કસે બંધાય તેવી આંગડીને ધોતી માથે ફાળિયું.. આંગડી પહેરતા બીજા કોઈ પટેલ આખા પરગણે મેં જોયા નથી.

સાદો ખોરાક દહીંને રોટલો.. બેસવા ઓટલોને સુવા ખાટલો આવો આ જીવ.. ભોળાના ભગવાન હોય તે કહેણ આ મામામાં ચરિત્રાર્થ હતું.

દર વરસે અખાત્રીજની અગાઉની રાત્રે એટલે કે બીજની રાત્રે… તેમને એક સ્વપ્ન અવશ્ય આવતું.. સ્વપ્નમાં તે તેમનાં બધાં જ ખેતરે આંટો મારે ક્યા ખેતરમાં ક્યો પાક વાવેતર કરેલ છે? પાકમાં કેવો છે? સારો, મધ્યમ કે મોળો?

આ સ્વપ્નની તેમની સ્મૃતિ સવારના બહુ ઓછા સમય સુધી જ રહેતી.. સવારે તે ચારે ભાઈઓને ગામના બીજા ખેડુઓ પણ સ્વપ્ન સાર સાંભળવા પહોંચી જતા..

આમ અનુભવને અંતે તેમનું સ્વપ્ન સાચું પડતુ.. તે પ્રમાણે તે ખેતી કરતા હતા. તેથી તે ગામના સુખીને સંપન્ન પરિવારમાં ગણાતા.

તેના દાખલારૂપ કહું તો કદાચ અમારા આખા પટ્ટામાં પ્રથમ ટ્રેકટર (પીળું હિન્દુસ્તાન) ખરીદનાર પરિવાર તેમનો હતો..

પ્રશ્ન: મામા ભડલી કહેણ જે તમે કહો છો તે શું છે?

જવાબ:

હૂદડ સધરા જેસંગે સિધ્ધપુરના રૂદ્રમાલનુ મૂર્હૂત કાઢી આપનાર જોષી..
તેમણે જમીન પર ખીલી ઠોકી કહેલ કે. આ ખીલી શેષનાગના માથે વાગી છે અને રૂદ્રમાળ કાયમ રહેશે…

કહેવાય છે કે કોઈકે ટીખળ કરી એમ કહ્યુ કે બે ઇંચની ખીલી વળી શેષનાગના માથા સુધી થોડી પહોંચે? હુદડ ગરીબ તો હતાને ક્રોધી ય ખરા…

કહેવાય છે ક્રોધ અને સમાધાનને બાર ગાઉનું છેટુ હોય છે.

ક્રોધમાંને ક્રોધમાં માણસ અવિચારી પગલુ ભરે છે. અહીં પણ આવુ જ થયું ક્રોધે ભરાયેલ હૂદડ જોષીએ ખીલી ખેંચી પોતાને સાચા ઠેરવવાની કોશીસ કરી ખીલી ખેંચતાની સાથે જ લોહીની છેર ઉડી.. હાહાકાર વરતાઈ ગયો..

હાજર સહુએ ભારે વિનંતી કરી પછી જમીનમાં ખીલી ખોડી કહ્યુ કે શેષનાગ જતો રહ્યો છે. ખીલી તેની પુંછડી પર વાગી છે. આ રૂદ્રમાળનો નાશ થશે..

આ જ હૂદડ જોષીની દીકરીનું નામ તે જ ભડલી.. વરસાદના વરતારા માટે સાખીઓ ચોપાઈઓ રચી તે આજે આખા ગુજરાતમાં ભડલી વાક્ય કહેવાય છે.

બીજી દંતકથા આપણે ત્યાં એવી પણ છે. રાજસ્થાનના મારવાડમાં એક હુદડ નામના જોષી થઈ ગયા. તે ખુબ જ ગરીબ હતા. તેથી તે ઘેટાં બકરાં ચરાવી ગુજારો કરતા હતા. આ કામસર તે જંગલમાં જ ઝુંપડીએ રહેતા હતા. શાંતને ખુલ્લા આકાશ નીચે સુતા હતા. રાતનાં તારલાઓ, ઘુમતા તારા, ખરતા તારા, રાત દરમ્યાન થતી તારાની હેરાફેરી, ચોમાસે આકાશમાં ચઢતાં વાદળો, વીજ કડાકા, વિગેરેનો અભ્યાસ કરી તેનાં તારણો બહાર લાવ્યા તે જોષીની દીકરી તે જ ભડલી…

કેટલાક એવું પણ કહે છે કે ભડલી હૂદડ જોષીની દિકરી નહોતી પણ હૂદડનું ઉપનામ હતું.

બીજી એક વાત એવી પણ છે કે મારવાડમાં સહદેવ નામના એક જ્યોતિષકાર થઈ ગયા. તેમણે વરસાદના વરતારા અંગે ‘હુડલ’ નામનું પદ્ય રચ્યુ હતુ.

આ સહદેવજીની અટક ભડલી હોવાથી તે ભડલી વાક્ય કહેવાય છે.

આ માટે મારવાડીમાં પુસ્તક પણ છપાયેલ અને સમયાંતરે લોકબોલીએ ગુજરાતી થઈ ગયું હશે..

આમ ભડલી માટે અનેક દંતકથાઓ છે કોઇક તો એમ પણ કહે છે. ભડલી એક ભંગીની દીકરી હતી તે વરસાદની આગાહી પોતાની હૈયાસુઝથી કરતી.

તેની વિદ્વતાથી આકર્ષાઈ ડંક રૂષિ નામના જંગલમાં જીવન ગાળતા બ્રાહ્મણે તેને શિષ્યા તરીકે પોતાની સાથે રહેવા બોલાવી. રૂષિનું માન આજુબાજુમાં ખુબ હતું.

એકવાર અડધું ચોમાસૂ જતુ રહ્યુ તો ય વરસાદ ન આવ્યો. લોકો સ્થળાંતરની તૈયારી કરવા માંડ્યા જતાં પહેલાં ડંક રુષિને મળી વરસાદ આવશે કે નહી? સ્થળાંતર કરવું કે નહીં તે નક્કી કરી શકાય..

રુષિએ ભડલીને પુછ્યુ.. ભડલીએ બતાવ્યુ કે તેણે એક લાકડાની ડાળી ઝુંપડી બહાર જમીનમાં ઠોકી.. પછી કહ્યુ કે આજે સાંજે એટલો વરસાદ થશે. સુર્યોદયે પાણી અહીં સુધી ભરાશે.. વાત સાચી પડી..

કહે છે કે સાચી આગાહીથી રૂષિ ભડલી પર ખુશ થઈ ગયાને કંઇક માગવા કહ્યુ.

ભડલીએ કહ્યુ વચન પાળો તો જ માગુ.

રુષિ ખાત્રી આપી..

ભડલીએ તેમની સાથે લગ્નની માગ કરી.. તે રૂષિએ સ્વીકારી..

આ બંનેથી સંતાનો થયા તે ‘ડાકોત’થી ઓળખાય છે.

આ બધી વાતોમાંથી શું સાચું છે શું ખોટું છે તે ખબર નથી પણ ભડલી વાક્યો સાચાં છે. પછી કેટલાંક ભડલી વાક્યો કહ્યાં.

ભડલી વાક્યો:

રવિ આથમતે ભડકલી જો જલબુંદ પડંત
દિન ચોથે પંચમે ઘન ગાજી બરસંત

અર્થ:દિવસ આથમતી વેળાએ વરસાદના ફોરાં પડે તો તેના ચોથા પાંચમા દિવસે વરસાદ થાય.

સાવન વહે પૂરબિયા,ભાદર પશ્વિમ જોર
હળ બળદ વેચીને કંથ ચાલો કંઇ મેર

અર્થ શ્રાવણ માસમાં પૂર્વનો પવન અને ભાદરવે પશ્વિમનો પવન વાય તો હે કંથ હળ બળદ વેચી પેટિયુ રળવા દૂર દેશાવર જઈએ.

ઉગે સુરજ તંઈ પશ્વિમ ધનુષ ઉગતો જાણ
તો દિ ચોથે પાંચમે રુંડમુંડ મહી માન

અર્થ: સુરજ ઉગતાં જ પશ્વિમ દિશા તરફ મેધ
ધનુષ રચાય તો ભયંકર દુકાળ પડે…

બોલે મોર મહાતુરો,હોય ખાટી છાશ
પડે મેઘ મહી ઉપરે રાખો રૂડા આશ

અર્થ: ઝાડ પર બેઠેલ મોર આકાશમાં વાદળ ભાળી ડોકના ત્રણ કટકા કરીને મે_આવે_ #આવે_મે_આવ કરતાં બોલવા માંડે ઘરની દોણીમાંની છાશ ખાટી થઈ જાય એ મેઘરાજાની સવારી આવી ચુકી છે.

પવન થાક્યો તેતર લવેગુડ રસી દે નીર
ભડલી તો એમ જ ભણે એ દિ વરસે મે

અર્થ:વહેતો પવન પડી જાય,તેતર પક્ષીઓ ટોળે વળી કાળારોળ કરી મુકે,ઘરમા ગોળના માટલામાં રસી થાય એ મેહ આવશેની એધાણી ગણાય.

કારી ક્કરમૂ આથમે,રતી પ્રો વિહાય
ભડલી એ સંસારમે,પાની ન સમાય

અર્થ: કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સુરજ આથમી જાય અને વહેલી સવારે લાલ આકાશમાંથી સુરજ કોર કાઢે તો પૂર કે પ્રલય આવે તેવો વરસાદ થાય.

પિત્તળ,તાંબા લોહને,જે દિ કાળપ હોય
ભડલી તો તુ જાણજે,જળધર આવે સોય

અર્થ:પિત્તળ,તાંબાને લોખંડને કાટ ચડે ત્યારે જાણવુ કે વરસાદ આવવાની તૈયારી છે.

શુક્રવારી ચઢે વાદળી,રહે શનિશ્વર છાંય
ભડલી તો એમ ભણે વિણ વચે નવા જા

અર્થ: શુક્રવારનાં ચઢેલાં વાદળ શનિવાર સુધી ચઢેલાં રહે તે વરસ્યા વગર ન રહે.

હોય કળસ્યે ગરમ નીર
ઈંડાળી દીસે ય કીડી
વરસા બહુ થાય પાકી

અર્થ: પાણી પીવાના લોટાનુ પાણી ગરમ થાય, આંગણે ચકલીઓ ધૂળમાં નહાવા લાગે કીડીઓ ઈંડા લઈ દોડતી દેખાય તે મેહ આવશેનાં એંધાણ છે.

પુરબ વાયુ બહુ વહે,વિધવા પાન ચવાય,
એ લઈ આવે નીરને,આ કોઈ સંગ જાય.

અર્થ:
પૂર્વ દિશાનો પવન બહુ વાય તો નક્કીવરસાદને ખેંચી લાવે,વિધવા નાર પાન ચાવીને હોઠ લાલ કરતી હોય તો તે નક્કી કોઇની સાથે ભાગી જાય..

તિતરપંખી વાદળી, વિધવા કાજળ રેખ.
એ વરસે આ ઘર કરે,તેમાં ન મીનમેખ,

અર્થ:
તિતર પંખીની પાંખોના રંગ જેવાં વાદળો આકાશે ચાલતાં હોય તો અચુક વરસે જો વિધવા નારી આંખોમાં કાજલનાં આંજણ આંજી કામણ કરતી ફરે તે કોઈનુ ઘર માંડશે જ તે નક્કી જાણજો..

રાતે બોલે કાગડા,દહાડે રૂએ શિયાળ
તો ભડલી એમ જ કહે,નિશ્વે પડશે કાળ

અર્થ:કાળી રાતના કાગડા કકળાટ કરે,રાતને બદલે દિવસે રડે શિયાળ તો નક્કી પડશે કાળ..એમ કહે ભડલી..

 • *વરસે પૂર્વા,ખેડુ બેસે ઝુરવા.
 • *જો વરસે હાથિયો તો મોતીએ પુરા સાથિયો.
 • *જો વરસે હસ્ત તો પાકે અઢારે વસ્ત.
 • *હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર.
 • *જો વરસે મધા તો થાય ધનનના ઢગા.
 • *જો વરસે ઉત્તરા તો ધાન ખાય કૂતરાં.
 • *જો વરસે આદ્રા (નક્ષત્ર) તો બારે માસ પાધરા.

અર્થ: પુર્વા નક્ષત્રમાં વરસાદ આવે તે પાણી ઝેરી ગણાય છે તેથી પાકને નુકશાન થાય છે.

બધાં ભડલી વાક્યો અત્રે લખવાં શક્ય નથી.

મારો પ્રશ્ન મામા આ ભડલી વાક્ય સિવાય વરસાદના વરતારા કરાય?

મામાનો જવાબ ભડલી કરતાં ય રસપ્રદ હતો..

 • **અષાઢ માસ વરસાદની જવાની છે.
 • **દિવસનાં ભુરાં વાદળે વરસાદની આશા રખાય નહીં.
 • **આથમણો,દખણાતોને વિરમગામી વાયરો વાય તો દુકાળ પડે
 • **લોખંડને કાટ લાગવાનુ શરુ થયે વરસાદ પડે
 • **ઇશાની વિજળી થયે વરસાદ પાકો આવે

કેટલીક વાર પક્ષીઓના વર્તન પરથી પણ વરતારો નીકળે જેમ કે…

 • **પગંતિયાં ઉડી આંખથી ઓઝલ થાય,
 • **કરોડિયા તેમની જાળ બેવડી ગુંથતા થાય
 • **ઘરમાં કીડી મંકોડા ઉભરાય
 • **કીડીઓ દાણા લઈ ફરતી દેખાય
 • **પાળેલાં જાનવર કૂદાકૂદ કરતાં જણાય
 • **કુકડા મોટે અવાજે બોલતા જણાય
 • **ચકલીઓ ઉંચે ઉડતી ન હોય
 • **હરણનુ ટોળુ સાંજ પડે સૂર્ય સામે મોં રાખી ઉભું હોય
 • **બિલાડી જમીન ખોતરે કે ચુલામાં બેસે
 • **ઘેટાં ચરતાં ચરતાં બેસી જતા હોય
 • **કૂતરાં છત પર ચઢી ભસે કે ખાડા ખોદે તો સામાન્ય વરસાદ થાય.

મામા ભારે વરસાદ આવવાની નિશાનીઓ કઈ?

મામાએ કહ્યુ:

 • **કાગડો વૈશાખ મહિનામાં માળો બાંધે..
 • **રાતે આગિયા ઉંચે સુધી ઉડે..
 • **ટીંટોળી ઉંચી જગાએ ઈંડા મુકે..
 • **તળાવમાં બતકો માથા પર પાણી ઉડાડે
 • **કુતરાં જમીનમાં ખાડા ખોદે
 • ** કાચીંડાનો રંગ બદલાઈ પીળો થાય
 • **કાચબા ઉંચી ડોક કરી ચાલવા માંડે

પ્રશ્ન: મામા કાગડો કાગવાસી જોશી વરસાદની કોઈ એંધાણી બતાવે ખરો?

મામાએ જણાવ્યું:

હા, કાગવાણીએ કાગડાને ભવિષ્ય કથન કરનાર બનાવ્યો છે.

 • ** ચોમાસાની શરૂઆતે કાગડા વિના કારણે ભેગા થઈ કાળારોડ મચાવે તો દુષ્કાળ પડે..
 • ** વૈશાખ મહિનામાં કાગડો શુભ ગણાતા કાંટા વગરના ઝાડ પર માળો બાંધે તો વરસ સારૂ આવે.
 • **કાગડો અશુભ ગણાતા કે કાંટાવાળા ઝાડ પર માળો બાંધે તો દુકાળ પડે..
 • **કાગડો કોઈ ઈમારતમાં માળો બાંધે તો દુકાળ પડે.
 • **કાગડો ઝાડનીઅગ્નિ અને નૈરૂત્ય દિશા સિવાય બીજી દિશાની ડાળી પર માળો બાંધે તો સારો વરસાદ આવે
 • ** ઝાડની અગ્નિ દિશામાં માળો બાંધે તો કરમા ધરમી વરસાદ(છુટોછવાયો) વરસાદ થાય
 • **શરદમાં કાગડો ઝાડની પુર્વ દિશાની ડાળ માળો બાંધે તો પશ્વિમ દિશામાં વરસાદ વહેલો આવે.
 • **ઉનાળાના દિવસોમાં ટીટોડી ઈંડા આપે છે, અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી હોઈ છે.
 • ** ટીંટોડી જેટલાં ઈંડા મુકે તેટલા મહિના વરસાદ પડે..
 • **ટીટોડી પક્ષી જેટલી ઉંચાઇ પર ઇંડા મુકે તેટલો વધુ વરસાદ પડે..
 • **ખેતરમાં ઈંડાં મુકે સારૂ વરસ જાય કાગડાના માળામાં બેથી વધારે બચ્ચાં દેખાય તો વરસાદ સારો થાય.

પ્રશ્ન મામા વરસાદ આવવાનાં એંધાણ તો ઘણાં કીધાં પણ વરસાદ જવાનાં એંધાણ ક્યાં?

 • **વરસાદ ઓછો પડેને ગાજે તે મોસમના છેલ્લા વરસાદના એંધાણ
 • **પગંતિયાં ઉડવા માંડેને વરસાદ જાય
 • **કરોડીયા ઘરની બહાર વાડ,ઝાડ પર જાળાં બાંધવાનું શરૂ કરે તો વરસાદ જાય પણ…
 • ** ગરમાળો ફુલથી લચેથી ૪૫ દીએ વરસાદની આશા રખાય
 • **લીમડાની લીંબોડી ફટોફટ ખરવા લાગે તો વરસ સારૂ આવે
 • **ધતુરો એકદમ ખીલવા માંડે વરસાદ આવવાનાં એંધાણ છે.
 • ** આંબે ઝાઝો મોર આવે,ગુલમહોરને ઝાઝાં ફૂલ આવે, લીમડાની લીંબોડી ફટોફટ ખરવા લાગે તે સારા વરસાદની નીશાની છે.

આજે હવામાન ખાતાવાળા અઢાર જાતના ઉપગ્રહ, તેના મોકલેલ ફોટાને બીજી કેટલીય મશીનરીનો આધાર લઈ આગાહી કરે છે તો ય કેટલીય વાર ખોટી સાબિત થાય છે.

આ પોસ્ટનો હેતુ જુની પુરાણી સમૃધ્ધ જીવનશૈલી રજુ કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!