“દેવીપૂજક” ગ્રામ્ય જીવનના સ્તંભ- 18

જીવલો દેવીપૂજક અમારા ગામે તેલના ડબ્બાને ઢાંકણા બનાવી,રિપેર પણ કરી દે, ચોમાસાની તૈયારી હોય ત્યારે છત્રી રિપેરીંગ કરવાનું કામ પણ કરતો..,.મુળ તો તે કડીનો.. આ કોમ વિષે તેણે જણાવેલ હકીકતો:

તમારી જ્ઞાતિને અગાઉ વાઘરી કેમ કહેતા?

જવાબે તેણે કહ્યુ:

દેવીપુજક જ્ઞાતિ મારવાડથી આવી સમગ્ર દેશમાં વિસ્તરી છે. તેમની વસ્તી દેશભરમાં ૪૫ લાખથી ય વધારે હોવાનો અંદાજ છે.

જુના સમયમાં જ્યારે માનવજાતને વાઘ અને સિંહ જેવા જંગલી હિંસક પશુ ઓનો ભય હતો તે સમયે દેવીપુજક(વાઘરી) સમાજ ના લોકો ગ્રામ્યજનોના રક્ષણ હેતુ ગામ ફરતે ચારેય બાજુ કુબા જેવા ઘર બનાવીને રહેતા હતા.

વાઘ અને સિંહ જેવા માંસાહારી ખૂંખાર પ્રાણીઓનો ભાલા અથવા તીરથી શિકાર કરી ગામ નું રક્ષણ કરતા હતા તેથી સમાજ માં તેમનું સ્થાન પણ ઊંચું હતું.

ગુજરાન ચલાવવા ખેતર-વાડીઓની પહેરેદારી કરતા હતા પેટ ભરવા સસલા, હરણનો શિકાર કરતાં.

આજકાલ શિકાર કરવો એ સારુ માનવામાં આવતુ નથી પરંતુ જૂના સમયમાં એ કામ વીરતાનુ કાર્ય ગણાતુ હતુ.

આમ ગામલોકોને બચાવવા વાઘ સાથે લડી લેતા તેથી વાઘરી શબ્દનો ઉદભવ થયો.

વાઘરી શબ્દ ની લોકિક વ્યુત્પત્તિ(અર્થ) વાઘ+અરી(દુશ્મન) = વાઘરી = વાઘનો દુશ્મન…

કેટલાક એવો અર્થ પણ કરે છે..

વાગરુક=વગુરા(શિકારની જાળ)ઈક=વાળુ પદભ્રંશે વાઘરી

પ્રશ્ન: તમારી જ્ઞાતિનો કોઈ ઈતિહાસ?

તેણે કહ્યુ કે…

આદ્યાશક્તિ જગદમ્બા દેવીએ પોતાના તેજ અને શક્તિ તેમજ આયુધો અર્પણ કર્યા ત્યારે એક અગ્નિ તેજ ગોળાના સ્વરૂપમાં દેવી પ્રગટ થયા જેમને અશુરોનો સંહાર કર્યો આ અગ્નિ સ્વરૂપા દેવી-ઉપાસક એટલે દેવીપુજક.

દેવી પૂજકોને સંત મોરારીબાપુ નદીનાં સંતાનો પણ કહે છે. અમારા કેટલાક નદીના પટમાં કે ગામ તળાવમાં વીરડા ખોદી શાકભાજી, ટેટી, તરબુચ ઉગાડી વેચે છે.

તમારી અટકો કઈ કઈ?

આમ તો અમારી જ્ઞાતિ નવહરી નાત કેવાય

૧.કુંઢિયા ર.હળવદીયા ૩.ઉઘરેજીયા ૪.તલસાણિયા ૫.ચોવસીયા ૬.તાજપરિયા ૭.થળેકીયા ૮.ધાંગધરીયા.૯.વિરમગામીયા

તેણે કહ્યુ: પાટણના દેવીપૂજકોની અટક જેની મોટી સંખ્યા છે તે પટણી આ ઉપરાંત….

વાઘરી, દાતણીઆ, વેડુ, તળ૫દા, ગામેચા, ગોદડિયા, ચીભડીઆ, મારવાડા, વેડવા, વાઘરી ગામીચો, વેડી ચુરાલીયા, સોસરિયા ધાનધાળિયા, સલાલિયા, ઝાખુડીયા, લાકડીયા, વઢીયારા, કામડ઼ીયા, પટણી, ચુનારા, ચુંવાળીયા..

કેટલાકની અટક કરોડિયા,જીલિયા, માણદડિયા, ચારોલી, ખાખરોટિયા, આડમ્યા, જખાણીયા, માથાસુરિયા પણ હોય છે. તે ગામ પરથી પડી હોય તેમ છે.

પ્રશ્ન:આ અટકો કેવી રીતે પડી?

આમ તો અમે દેવીપુજક એક જ પણ અમારામાં મોટા ભાગની અટકો તેમના ધંધાને ગામ કે પરગણા પરથી પડી છે.જેમ કે…..

  • બળદ વેચવાનો ધંધો કરે તે વેડવા
  • દાતણ વેચે તે ગામીચા
  • પત્થર ફોડનાર તે સલાલિયા
  • લાકડીને પરોણા વેચે તે સોસરિયા
  • વાછરડાંનો વેપારી તે ધાનધાળિયા
  • પતરાનાં ડબ્બાની પેટીઓ બનાવી રિપેર કરનાર તે વઢિયારા
  • છુટક મજુરી કરનારા મોઢકિયા
  • પ્યાલા બરણી વાળા ટોપલિયા
  • ઈઢોણી બનાવનારા કામડિયા
  • સુંડલાને સુંડલીયું બનાવનાર વાંસડીયા

પ્રશ્ન: તમારી જ્ઞાતિનો મુખ્ય ધંધો ક્યો?

અમારો મુળ ધંધો જંગલની પેદાશો જેવી કે દાતણ, મધ કોકવાર જંગલી જડીબુટી ય ખરી..

અત્યારે અમારા કેટલાક ભાઈઓ ગામડામાં નદી કે તળાવમાં વીરડા ખોદી શાક ભાજી પકવે છે. અમે સારા કસબી પણ છીએ રંગબેરંગી રમકડાં બનાવીને વેચીએ છીએ.

સ્ત્રીઓ છુંદણા પાડવાનુ કામ પણ કરે..

આ ઉપરાંત સીઝન પ્રમાણેના ધંધા જેવા કે ચોમાસામાં છત્રી રિપેરીંગ, સીઝનના પ્રમાણે જીરુ, હળદર, રાઈ જેવા મસાલા, સુકોમેવો, જુના કપડાં, ભંગારનો વેપાર કરી લઈએ. મેળામાં રમકડાં વેચવાં વિગેરે.

આ ઉપરાંત કાયમી ધંધામાં ગામડામાં વાંસની લાકડીઓ, પરોણા, વાછરડા, બળદ, પ્લાસ્ટિકની ડોલ સાંધવી, ડબ્બાડબી બનાવવા, રિપેર કરવા જેવા ધંધા કરીએ છીએ..

શહેરમાં શાકભાજી, મરી મસાલા, પ્યાલા બરણી, ભંગાર,જુના કપડાંની લારી કાઢવી. આમ તો એમ કહેવાય કે નાના બધા જ ધંધા અમારા બંધુઓ કરે છે.

અમારામાં કુટુંબના બધા જ સભ્યો કમાય છે.

પ્રશ્ન:તમારો પારંપારિક પહેરવેશ?

કહ્યુ:અમારો પારંપારિક પહેરવેશ: પુરુષો ગુજરાતમાં આંટાવાળી પાઘડી, ટુંકુ ધોતિયુંને પહેરણ પહેરે..

સૌરાષ્ટ્રમાં પૂરૂષો ચોરણો, પહેરણને પાઘડી પહેરે…

સ્ત્રીઓ દશ બાર ફુટના ઘેરાવાનો ઘાઘરો, રંગીન બ્લાઉઝ,છડાં,કડલાં,ગળામાં હાંસળી,હાથમાં બલોયાંને છુંદણાં પણ કરાવે..

પ્રશ્ન:તમારા તહેવારો?

હિન્દુ ધર્મના બધા જ તહેવારો ઉજવીએ. અમારો મોટો તહેવાર દિવાસો..તે દિવસે અમે સ્મશાનમાં જઈ અમારા પૂર્વજોને યાદ કરીએ છીએ તેમની ગમતી ચીજ ચઢાવીએ.

પ્રશ્ન:તમારામાં અંદર અંદરના ઝગડાનો નિકાલ નાત કરે છે તે ખબર છે પણ કેવી રીતે?

અમારામાં નાત સાચ જુઠ નોખી નોખી રીતે નક્કી કરે છે. અમારામાં માતાના ખોટા સોગંદ ક્યારેય ન ખાય.. તેથી પ્રથમ રીત તો સોગંદ ખવડાવી ખરાઈ કરવાની.. કદાચ કોઈ બચવા માટે ખોટા સોગંદ ખાઈ લેને પુરાવો તેની વિરુધ્ધ હોય તો?

આવા સમયે સામેવાળાના સોગંદ સાચા ગણી ન્યાય કરાય છે.

એક ખાસ બોલી ધરાવતી આ જ્ઞાતિ ગુજરાત સીવાય દેશના અલગ અલગ રાજ્યના સ્થાનિક વાઘરી જાતિ અલગ અલગ નામથી ઓળખાય છે જેમ કે બહેલીયા, બાવરી કે બાઉરી, બાગડ઼ી, બાગજી, બાવરીયા, પારધી, કોરવા વગેરે…

ક્યાં ક્યાં વસે છે?

આ સમાજ ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્લી, મધ્ય પ્રદેશ તથા વિદેશોમાં પણ વસે છે.તેમની વસ્તી ૪૫ લાખથી ય વધારે છે.

તમે ક્યા દેવ દેવીને પુજો?

મહાકાળી માતા, હડક માતા, ચાર જોગણી માતા, શીતળા માતા, મેલડી માતાજી, વિહોત માં, ખોડીયાર માં, પાવાની દેવી, સગત માતાજી અને શ્રી રખા દાદાની પુજા કરે છે.

ચેખલીયા દેવીપુજકમાં પુજાતા બાર દેવી – રણ ની દેવી, વિહોત માં, સિંધોઈ માતા, સગત માં, સુરમોઈ માં, રુપેણ માં, મોમાઈ માં, શીતળા માં, ગેલ માં, કોઠા ના કંદોરા ની દેવી ભરુચી માં, ખેતરપાળ દાદા અહપાળ, કુવાની દેવી મેલડી – સીકોતર (વહાણવટી) માં.. ખેતરપાળ દાદા અહપાળ, ભાણા ભરુચી માં – કોઠા ના કંદોરા ની દેવી, ગાંગાદાદા – કાનાદાદા થી કુવાની દેવી મેલડી, સીકોતર (વહાણવટી) માં,ભગા અણદાની મેલડી.. કડીના મહેલની મેલડી..

તમારામાં સંત પુરૂષો કયા કયા સંતો થઈ ગયા?

શ્રી કહારનાથ:

પાટણમાં કહારનાથની ખાન સરોવરના કિનારે જીવતા લીધેલી સમાધિ.. દર વરસે ભાદરવા સુદ ત્રીજે મેળો ભરાય છે.

શ્રી મેપા ભગત:

ચલાલાના ધરાગણી ગામે જીવતા સમાધિ લીધેલી ત્યાં એક વિશાળ મંદિરનુ આયોજન કરેલ છે.

શ્રી સગરામ ભગત:

સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્ત તરીકે વખણાયેલા એવા સત્સંગી સુરેન્દ્રનગરના લીમડી ગામે થઈ ગયેલા.

શ્રી કાનદાસ બાપુ:

ગઢડાના ભંડારિયા ગામે થઈ ગયા. પરબની જગ્યાના મહંત પાસેથી દીક્ષા લઈ તેમના શિષ્ય બનેલા. તેમણે મુંબઈ,અમદાવાદને દ્વારકામાં આશ્રમો બનાવ્યા હતા.તેમની તિથી દ્વારકામાં દર વરસે ઉજવાય છે.

શ્રી ભગા અણદા બાપુ:

ભગતના ગામ સાયલામાં આવેલ ભગા અણદાની મેલડીનું મંદિર અમારા સમાજનું શ્રધ્ધા સ્થાન છે. વગેરે સંત પુરૂષો થઈ ગયા.

આ જ્ઞાતિ એક વખાણવા જેવી કાબેલ જ્ઞાતિ છે. અલ્પ શિક્ષણ છતાં ય ભારતભરમાં ગમે ત્યાં જશો તો તે અવશ્ય વેપાર કરતી મળશે. હરદ્વારમાં ગંગા કિનારે ફુલને દીવા, રામેશ્વરમાં ફુલ, રૂષિકેશમાં ગરમ સ્વેટર કે રૂદ્રાશની માળા વેચે, દિલ્હીમાં જુના કપડાં, કેરલમાં છત્રીઓ, મુંબઈમાં ય ફુલની વીણીને સિધ્ધીવિનાયક કે કાલબાદેવી.. આપણો દેવીપુજક અવશ્ય મળશે….

સરકારશ્રીએ તા.૧-૯-૦૧ના રોજ આ કોમને દેવીપુજક તરીકે ઓળખવા ઠરાવ કર્યો છે.

આ પોસ્ટનો હેતુ જુની પુરાણી જીવનશૈલી રજુ કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!